ગુજરાત રાજ્યમાં કુલ ૭૭ જાહેર સાહસો છે, જે પૈકી ૧૧ જાહેર સાહસો માત્ર ઉર્જાક્ષેત્રમાં કાર્યરત છે. જયારે બાકીના જાહેર સાહસો અન્ય ક્ષેત્રમાં પ્રવૃતમય છે.
કેગના રિપોર્ટમાં જાહેર થયુ છેકે, ૧૫ જાહેર સાહસોએ રૂ.૨૫૬૯.૮૪ કરોડની ખોટ કરી છે, જયારે ૪૪ જાહેર સાહસોએ ૨૪૮૭.૨૮ કરોડનો નફો કર્યો છે.
ગુજરાતમાં કાર્યરત ૭૭ જાહેર સાહસોમાં રૂ.૧૪૨૮૮૦.૭૯ કરોડનુુ રોકાણ છે. આ જાહેર સાહસાનીે અંદાજીત સહાય રૂ.૮૧૫૦,૭૯ કરોડ અને રૂ.૯૯૫૩.૮૩ કરોડ હતી.
કેગના રિપોર્ટમાં ટિપ્પણી થઇ છેકે, આ કુલ જાહેર સાહસો પૈકી ૧૫ જાહેર ઉપક્રમોએ રૂ.૨૫૬૯.૬૪ કરોડની ખોટ કરી હતી જયારે ૧૫ જાહેર સાહસો રૂ.૨૫૬૯.૮૪ કરોડની ખોટમાં રહ્યાં હતાં. કાર્યરત ૬૧ જાહેર ઉપક્રમો પૈકી ૩૯ જાહેર ઉપક્રમોએ તો પાછલા નાણાંકીય હિસાબો રજૂ કર્યા ન હતાં. આ જાહેર ઉપક્રમોના એકથી માંડીના ચાર વર્ષ સુધીના નાણાંકીય હિસાબો બાકી રહ્યાં હતાં.
કેગના અહેવાલમાં એવી ય નોંધ કરાઇ હતી કે, ૫૭ જાહેર ઉપક્રમોમાંથી ૪૭ ઉપક્રમોએ ઓડિટ કરેલા હિસાબો રજૂ કર્યા હતાં. બાકીના ૨૧ ઉપક્રમોએ હિસાબી ધોરણોનુુંય પાલન કર્યુ નહોતું. આમ, ગુજરાતના જાહેરસાહસોની ય આર્થિક સ્થિતિ ડામાડોળ બની રહી છે.
ગુજરાતમાં મગફળી ઉપરાંત ડાંગર, મકાઈ, બાજરી, મગ, અડદ અને સોયાબીનની પણ ટેકાના ભાવે ખરીદી થશે. કૃષિ મંત્રી આર.સી. ફળદુએ આ અંગે જાહેરાત કરી હતી.
ફળદુએ જણાવ્યું હતું કે મગફળીની 13,66,000 મેટ્રિક ટન ખરીદવા માટે દરખાસ્ત કરાઈ હતી. મગફળીની ખરીદી રૂ. 1055માં થશે. ડાંગરની ટેકાના ભાવે ખરીદી પ્રતિ ક્વિન્ટલ રૂ. 1868/-ના ભાવે, મકાઇ રૂ.1850/-ના ભાવે, બાજરી રૂ.2150/-ના ભાવે, મગ રૂ. 7196/-ના ભાવે, અડદ રૂ.6000/- અને સોયાબીનની રૂ. 3880/- પ્રતિ ક્વિન્ટલના ભાવે ખરીદી કરવામાં આવશે.
આગામી દિવસોમાં આ ખરીદી માટે નાફેડના સંકલનમાં રહીને ગુજરાત અન્ન નાગરિક પુરવઠા નિગમ દ્વારા સંપૂર્ણ કાર્યક્રમ ઘડી કાઢીને ખરીદી પ્રક્રિયા હાથ ધરાશે. તેમણે ઉમેર્યું કે, વરસાદને કારણે જે ખેડૂતોને નુકસાન થયું છે એ માટે રૂ. 3700/- કરોડના આર્થિક પેકેજની જાહેરાત કરી છે અને સહાય ચૂકવવાનું શરૂ કરી દેવાયું છે. અન્ન નાગરિક પુરવઠા પ્રધાન જયેશ રાદડિયાએ કહ્યું કે, રાજ્યમાં ડાંગર માટે 92, મકાઈ માટે 61, બાજરી માટે 57, મગ માટે 71, અડદ માટે 80 અને સોયાબીન માટે 60 કેન્દ્ર કાર્યરત કરીને ખરીદી પ્રક્રિયા હાથ ધરાશે.
રાદડિયાએ ઉમેર્યું કે ડાંગર, મકાઇ અને બાજરી માટે ઓનલાઇન નોંધણી પ્રક્રિયા તારીખ 1લી ઓક્ટોબર 2020થી શરૂ કરી દેવામાં આવી છે. 29મી ઓક્ટોબર-2020 સુધી ચાલશે. ખરીદી 16મી ઓક્ટોબરથી 31મી ડિસેમ્બર સુધી ચાલશે જ્યારે મગ, અડદ અને સોયાબીન માટે ઓનલાઇન નોંધણી પ્રક્રિયા તા. 12મીથી શરૂ થશે. ખરીદી 2જી નવેમ્બરથી 30 જાન્યુઆરી – 2021 સુધી ચાલશે. રાજ્યમાં અત્યાર સુધીમાં 2.80 લાખ જેટલા ખેડૂતોએ મગફળીની ટેકાના ભાવે ખરીદી માટે રજિસ્ટ્રેશન કરાવી દીધું છે.
દિલ્હી-એનસીઆરના લાખો લોકોની રોજબરોજની જિંદગી માટે લાંબો સમય સુધી પરેશાનીરૂપ બનેલા શાહીન બાગ ધરણા-પ્રદર્શન અંગે સુપ્રીમ કોર્ટે મહત્ત્વનો ફેંસલો આપ્યો છે. શાહીન બાગના બનાવને ધ્યાને લઈ લોકશાહીમાં વિરોધના અધિકારની મર્યાદામાં માર્ગદર્શિકા માગતી અરજીઓ પર સુપ્રીમ કોર્ટે બુધવારે કહ્યું કે જાહેર સ્થળોએ લાંબો સમય સુધી પ્રદર્શન યોજી ન શકાય. એક નિર્ધારિત સ્થળે જ ધરણાં યોજાવા જોઈએ. રાઇટ ટૂ પ્રોટેસ્ટની કેટલીક મર્યાદાઓ પણ છે જાહેર સ્થળો પર કબજો જમાવીને અન્ય વિશાળ જનસમુદાય માટે મુશ્કેલી સર્જી તેમના અધિકારોને કચડી નાંખવાની કાયદા હેઠળ છૂટ આપી ન શકાય.
રાષ્ટ્રીય નાગરીકતા રજિસ્ટર અને નાગરીકતા સંશોધન કાયદા (સીએએ)ના વિરોધમાં 1પ ડિસેમ્બરથી શરૂ થયેલા ધરણા-પ્રદર્શન 100 દિવસથી વધુ સમય ચાલ્યા હતા. શાહીન બાગમાં પ્રદર્શનકારીઓએ મુખ્ય રસ્તા પર કબજો કરી લેતા અન્ય લોકોને રોજિંદા કામકાજમાં ભારે મુશ્કેલી વેઠવી પડી હતી. જસ્ટિસ સંજય કિશન કૌલ, અનિરુદ્ધ બોઝ અને કિષ્ન મુરારીની ખંડપીઠે ચુકાદામાં કહ્યું છે કે વિરોધ વ્યક્ત કરવા માટે કોઈ વ્યક્તિ કે વ્યક્તિઓનો સમૂહ જાહેર સ્થળોને બંધ ન કરી શકે. કોર્ટના આવા આદેશથી નાગરીકો હવે એવું માની રહ્યા છે કે શાહીન બાગ જેવા ધરણા-પ્રદર્શનનું પુનરાવર્તન નહીં થાય.
શાહીન બાગ ધરણા પ્રદર્શન વખતે મુખ્ય રસ્તો બંધ કરી દેવાયો હતો જે નોએડા અને દિલ્હીને સાહિબાબાગથી જોડતો હતો. 1પ ડિસે.થી શરૂ થયેલા આ પ્રદર્શને લાખો લોકોની જિંદગી જાણે દોજખ બનાવી નાખી હતી. 3 મહિનાથી વધુ સમય સુધી શાહીન બાગ પ્રદર્શન ચાલ્યું હતું. જેથી શાળાએ જતાં બાળકોથી માંડી વેપારીઓ સહિત જાહેર જનતાને આવાગમનમાં મુશ્કેલીનો સામનો કરવો પડયો હતો. જે લોકોને નોએડા અને ગાજિયાબાદથી દિલ્હી અથવા ફરીદાબાદ જવું હોય તેઓને માત્ર મેટ્રોમાં મુસાફરી કરવી પડતી હતી.
શાહીન બાગ ધરણા પ્રદર્શનને કારણે સ્થાનિક ધંધા ચોપટ થઈ ગયા હતા. વિદ્યાર્થીઓને શાળાએ જવા તથા પરત આવવા લાંબા ચક્કર લગાવવા પડતા હતા. સ્થળ આસપાસ આશરે 100 જેટલી દુકાનો, શો રૂમ બંધ થઈ ગયા હતા. જેથી વેપારીઓને કરોડો રૂપિયાનું નુકસાન વેઠવું પડયું હતું.’
શૈક્ષણિક વર્ષ 2020-21ના વર્ષ માટે ગુજરાત સરકારે શાળાઓમાં 25 ટકા ફી માફી જાહેર કરી છે પરંતુ, કોલેજોમાં ફી કેટલી માફ કરવી તે અંગે કોઇ નિર્ણય લેવાયો નથી. કોલેજોમાં પહેલું સેમેસ્ટર પૂરું થવા આરે છે ત્યારે હવે સ્કુલો પછી કોલેજોના વિદ્યાર્થીઓ અને વાલીઓ આંદોલન કરે તો નવાઇ નહીં.
ગાંધીનગર ખાતે યોજાયેલી કેબિનેટની બેઠકમાં આ નિર્ણય લેવાયેલા નિર્ણય અનુસાર રાજ્ય સરકાર દ્વારા આખા શૈક્ષણિક વર્ષમાં 25% ફી માફીની જાહેરાત કરવામાં આવી છે. શાળા સંચાલકો 25 ટકા ફી માફી માટે તૈયાર છે જોકે ઈત્તર પ્રવૃતિની ફી લેવામાં આવશે નહીં.
રાજ્ય સરકારે સ્કુલોની ફી નક્કી કરી પરંતુ, હવે ઉચ્ચ શિક્ષણમાં આ મામલો ગરમાય તેવી પૂરેપૂરી શક્યતા છે.
બાબરી ધ્વંસ્ત કેસ ચુકાદો આપતા આજે તા.30મી સપ્ટેમ્બર 2020ના રોજ લખનૌ સ્થિત સ્પેશિયલ સીબીઆઈ કોર્ટે અડવાણી, મુરલી મનોહર જોષી, ઉમા ભારતી સહિતના તમામ આરોપીઓને મુક્ત કરતા જણાવ્યું છે કે આ ઘટના અગાઉથી આયોજીત નહોતી.
બાબરી ધ્વંસ કેસના 26 આરોપીઓ કોર્ટમાં હાજર થઈ ગયા હતા. જજ પણ કોર્ટરુમમાં આવી ગયા હતા, અને 26 વર્ષ જૂના આ કેસનો ફેસલો સંભળાવ્યો હતો. આરોપીઓમાં ભાજપના પીઢ નેતાઓ એલકે અડવાણી, મુરલીમનોહર જોષી તેમજ ઉમા ભારતીના નામ પણ સામેલ હતા. કોર્ટ બિલ્ડિંગની આસપાસનો વિસ્તાર પણ પોલીસ છાવણીમાં ફેરવાઈ ગયો હતો. વાહનોની અવરજવર રોકી દેવાઈ હતી, અને નેતાઓના સમર્થકોને પણ અટકાવાઈ રહ્યા હતા.
લખનૌ સ્થિત CBIની સ્પેશિયલ કોર્ટમાં 6 ડિસેમ્બર 1992માં તોડી પડાયેલા વિવિદિત ભાગને લઈને આજે ચુકાદો સંભળાવવામાં આવ્યો હતો. આ મામલે પૂર્વ નાયબ વડાપ્રધાન લાલકૃષ્ણ અડવાણી, મુરલી મનોહર જોશી, ઉમા ભારતી જેવા મોટા નેતા આરોપી હતા. એવામાં હાઈ પ્રોફાઈલ મામલાને ધ્યાનમાં રાખીને અયોધ્યા અને લખનૌમાં સુરક્ષા વ્યવસ્થા વધારી દેવામાં આવી હતી. CBI કોર્ટે આદેશ જારી કર્યા છે કે તમામ આરોપીઓએ ચુકાદાના દિવસે કોર્ટમાં હાજર રહેવું પડશે. કોર્ટ તરફથી ભાજપના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણી સહિત અન્ય આરોપીઓને નોટિસ મોકલવામાં આવી હતી.
30/9 : આજે બાબરી ધ્વંશ કેસનો ચુકાદો
અયોધ્યામાં બાબરી મસ્જિદનો ધ્વંશ કરાયાને 28 વર્ષ બાદ હવે આજે 30/9/20 લખનઉમાં સીબીઆઈની વિશેષ અદાલત ચુકાદો આપવાની છે. આ સંવેદનશીલ મામલે ચુકાદા પૂર્વે કેન્દ્ર સરકારે તમામ રાજ્યોને સાંપ્રદાયિક રૂપે સંવેદનશીલ જિલ્લાઓમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે એલર્ટ કરી દીધા છે.
બાબરી વિધ્વંસ પછી દેશમાં ફાટી નીકળેલા ભયંકર કોમી રમખાણોમાં આશરે 2 હજાર લોકોનાં મૃત્યુ થયા હતાં. બાબરી કેસમાં સીબીઆઈ દ્વારા કુલ 49 લોકોને આરોપી બનાવવામાં આવ્યા હતાં અને તેમાંથી 17 લોકોનાં મૃત્યુ થઈ ચૂક્યા છે. જેથી અદાલત આવતીકાલે બાકીનાં 32 આરોપીનો ચુકાદો આજે આપશે.
બાબરી મસ્જિદ વિધ્વંસ કેસમાં ભાજપનાં વરિષ્ઠ નેતા એલ.કે.અડવાણી, મુરલી મનોહર જોશી, કલ્યાણ સિંહ, વિનય કટિયાર, સાધ્વી ઋતંભરા અને ઉમા ભારતી સહિતનાં દિગ્ગજો મુખ્ય આરોપીમાં સામેલ છે. જો કે આજે ચુકાદા વખતે વિશેષ અદાલતમાં કેટલા આરોપીઓ હાજરી આપશે તે બાબતે હજી અનેક સંશય છે.’ આવતીકાલે ન્યાયધિશ એસ.કે.યાદવ દ્વારા ચુકાદો જાહેર કરવામાં આવનાર છે. તેમણે 16મીએ તમામ આરોપીઓને 30મી સપ્ટેમ્બરે ચુકાદા વખતે હાજર રહેવાનો નિર્દેશ આપેલો. આ કેસની આખરી દલીલો 11 સપ્ટેમ્બરનાં પૂર્ણ થઈ હતી અને સીબીઆઈએ આ કેસમાં કુલ 3પ1 સાક્ષીઓ અને 600 જેટલા દસ્તાવેજી પુરાવાઓ કોર્ટમાં પેશ કર્યા હતાં.
આજે ચુકાદા પહેલા કેન્દ્ર સરકાર દ્વારા જારી કરવામાં આવેલા એલર્ટમાં કહેવામાં આવ્યું છે કે, આ ચુકાદાની કાયદો અને વ્યવસ્થા ઉપર અસર થઈ શકે છે અને બન્ને પક્ષનાં અસામાજિક તત્વો આનું કોમવાદીકરણ કરીને શાંતિ ડહોળી શકે છે.
એલર્ટ અનુસાર રામ જન્મભૂમિ અને બાબરી મસ્જિદનાં કેસમાં સુપ્રીમ કોર્ટે આપેલા ચુકાદાથી અનેક મુસ્લિમ સંગઠનો નાખુશ છે અને તેમને આશા છે કે, બાબરી તોડી પાડવાનાં કેસમાં આરોપીઓ દોષિત પુરવાર થાય ત્યારે પણ ન્યાય મળી શકે છે. જો કે ચુકાદો તેમની ધારણા મુજબનો ન આવે તો આ લોકો વિરોધમાં ઉતરી શકે છે.
આ ઉપરાંત એલર્ટમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે, અમુક ચરમપંથી જૂથો ચુકાદાને સીએએ, એનઆરસી અને એનપીઆર વિરોધી જુવાળને ફરીથી પેટાવવાની તક તરીકે પણ જોઈ રહ્યા છે. બીજીબાજુ હિન્દુ સમૂહોને આરોપીઓની દોષમુક્તિની આશા છે. આ સંજોગોમાં અમુક રાજ્યોમાં કોમી તનાવની આશંકા છે અને રાજ્યોને આવા વિસ્તારોમાં જરૂરી બંદોબસ્ત કરવાં માટે કહેવામાં આવ્યું છે.
સુશાંત સિંહ રાજપૂતના મોત મામલે તપાસ કરી રહેલી સેન્ટ્રલ બ્યૂરો ઓફ ઈન્વેસ્ટિગેશનની ટીમે AIIMS (ઓલ ઈન્ડિયા ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ)ના ફોરેન્સિક એક્સપર્ટની એક ટીમ બનાવી હતી. આ ફોરેન્સિક ટીમ સુશાંતના વિસરા અને ઓટોપ્સીની તપાસનના આધાર પર પોતાના રિપોર્ટમાં તે જણાવશે કે, સુશાંતે આત્મહત્યા કરી હતી કે તેની હત્યા થઈ હતી. હવે, આ ફોરેન્સિક ટીમની તપાસ સાથે જોડાયેલી કેટલીક માહિતી સામે આવી રહી છે. જે બાદ માનવામાં આવી રહ્યું છે કે, CBIની ટીમ આ કેસમાં આત્મહત્યા માટે દુષ્પ્રેરણા અપાઇ હોવાના દ્રષ્ટીકોણ સાથે તપાસ આગળ વધારે તેવી શક્યતા છે.
ફોરેન્સિક ટીમને પોતાની તપાસમાં સુશાંતના શરીરમાંથી કોઈ પ્રકારનો ઝેરીલો પદાર્થ મળ્યો નથી. સાથે જ તેનું ડીએનએ સેમ્પલ પણ મેચ થઈ ગયું છે. જો કે, કહેવામાં આવી રહ્યું છે કે કૂપર હોસ્પિટલના ઓટોપ્સી રિપોર્ટમાં હજુ પણ તપાસ થવાની બાકી છે. AIIMSની ફોરેન્સિક ટીમે કૂપર હોસ્પિટલના ઓટોપ્સી રિપોર્ટ પર કેટલાક સવાલ ઉઠાવ્યા છે. ટીમનું માનવું છે કે, જ્યાં સુશાંતની બોડીનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું ત્યાં એટલી લાઈટ નહોતી જેટલી હોવી જોઈએ.
AIIMSના ફોરેન્સિક મેડિકલ બોર્ડના ચેરમેન ડો. સુધીર ગુપ્તાએ જણાવ્યું હતું કે, ‘સુશાંત સિંહ રાજપૂતના મોત મામલે એઈમ્સ અને સીબીઆઈ એગ્રીમેન્ટમાં છે પરંતુ વધારે ચર્ચા-વિચારણા કરવાની જરૂર છે. સમયની સાથે તાર્કિક કાયદાકીય નિષ્કર્ષ માટે કેટલાક કાયદાકીય પાસાઓ પર ધ્યાન આપવાની જરૂર છે. તે સંપૂર્ણ રીતે નિર્ણાયક રહેશે’.
અમદાવાદ પશ્ચિમ વિસ્તારના માત્ર કેટલાંક ખાણીપીણીના સ્થળો રાત્રે 10 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી બંધ રાખવામાં આવશે. કોઈપણ વિસ્તારોમાં કર્ફ્યુ લાગુ કરવામાં આવ્યો નથી. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આ પ્રકારની સ્પષ્ટતા કરવામાં આવી હતી. મિડીયા હાઉસોએ અમદાવાદમાં રાત્રિ કરર્ફ્યુ અંગેના ખોટા સમાચારો વહેતા કર્યા હતા.
અમદાવાદ શહેરમાં સતત વધી રહેલા કોરોના વાયરસના સંક્રમણને ફેલાતુ અટકાવવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. કોરોના વાયરસની મહામારીને ધ્યાનમાં રાખતા તંત્રએ શહેરના 27 વિસ્તારોમાં રાત્રે 10 વાગ્યા બાદ તમામ દુકાનો બંધ રાખવાનો આદેશ કર્યો હતો. પણ હવે માત્ર આ વિસ્તારોમાં ખાણી-પીણીની દુકાનો જ બંધ રહેશે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા એ પ્રકારે નિર્ણય લેવામાં આવ્યો છે કે અમદાવાદ પશ્ચિમ વિસ્તારના માત્ર કેટલાંક ખાણીપીણીના સ્થળો રાત્રે 10 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી બંધ રાખવામાં આવશે. કોઈપણ વિસ્તારોમાં કર્ફ્યુ લાગુ કરવામાં આવ્યો નથી.
આ 27 વિસ્તારોમાં દુકાનો રાત્રે 10 વાગ્યા બાદ બંધ રાખવા નિર્ણય
નવા કૃષિ કાયદાનો દેશમાં ઠેર ઠેર વિરોધ: તાજેતરમાં સરકાર દ્વારા નવા જ અમલમાં મુકાયેલા કૃષિ કાયદાનો દેશમાં ઠેર ઠેર વિરોધ કરવામાં આવ્યો હતો. પંજાબના અમૃતસરસ્થિત દેવીદાસ પૂરા ગામ ખાતે ખેડૂતોએ રેલરોકો આંદોલન કર્યું હતું. દિલ્હીના ઈન્ડિયા-ગેટ ખાતે કૉંગ્રેસના કાર્યકર્તાઓએ ટ્રેકટર સળગાવ્યું હતું.
નવા પસાર કરાયેલા કૃષિ કાયદા સામે દેશના અનેક રાજ્યમાં વિરોધ પ્રદર્શન ચાલી રહ્યું છે અને સામે પક્ષે કેન્દ્રમાં સત્તાધારી ભાજપ વિપક્ષ પર ખેડૂતોને ગેરમાર્ગે દોરવાનો આરોપ કરી રહી છે.
વિરોધ પક્ષના કૉંગ્રેસ સહિત અનેક પક્ષો કૃષિના નવા કાયદા રદ કરવાની માગણી સાથે દેશનાં વિવિધ રાજ્યોમાં આંદોલન કરી રહ્યા છે. પંજાબના મુખ્ય પ્રધાન અમરિંદરસિંહે જણાવ્યું હતું કે આ કાયદો રદ કરાવવા માટે પંજાબ સરકાર સુપ્રીમ કોર્ટમાં કેસ દાખલ કરશે.
વિરોધ પ્રદર્શન દરમિયાન દિલ્હીમાં આવેલા ઇન્ડિયા ગેટ સામે ટ્રેક્ટર બાળવાના મુદ્દે ભાજપે કૉંગ્રેસની સખત શબ્દોમાં ઝાટકણી કાઢતા જણાવ્યું હતું કે કૉંગ્રેસે આ શરમજનક કૃત્ય પબ્લિસિટિ મેળવવા કર્યું હોવાનું અને ખેડૂતોને તેઓ ગેરમાર્ગે દોરી રહ્યા છે.
આ મામલે કેન્દ્રીય માહિતી અને પ્રસારણ પ્રધાન પ્રકાશ જાવડેકરે જણાવ્યું હતું કે કૉંગ્રેસે આ કૃત્ય કરીને દેશ માટે નીચાજોણું કર્યું છે. ટ્રકમાં ટ્રેક્ટર લાવીને ઇન્ડિયા ગેટ સામે બાળવાની ઘટનાનું નાટકીય રૂપાંતર કરીને કૉંગ્રેસ પ્રસિદ્ધિ મેળવવા માગે છે. તેઓ ખેડૂતોના નામે રાજનીતિ રમી રહ્યા છે અને અમે એમના કૃત્યને વખોડીએ છીએ. આજે એમની પોલ ખૂલી ગઇ છે.
અંદાજે ૧૫-૨૦ જણે ઇન્ડિયા ગેટ પાસે સોમવારે સવારે એક ટ્રેક્ટરને આગ ચાંપી હતી. એમાંથી પાંચ વ્યક્તિએ પોતે પંજાબ યુથ કૉંગ્રેસની હોવાની વાત કબૂલી હતી.
ભાજપના મહામંત્રી ભૂપેન્દર યાદવે કૉંગ્રેસને ખેડૂત વિરોધી ગણાવી હતી.
સિંહે પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે અમે આ મામલો આગળ વધારીશું. રાષ્ટ્રપતિએ ખરડા પર સહી કરી દીધી છે અને માટે હવે અમે સુપ્રીમ કોર્ટના દ્વાર ખટખટાવીશું. અમારી સરકાર ખેડૂતોના હિતનું રક્ષણ કરવા જરૂરી બધાં જ પગલાં લેશે.
પોતાની વાત ખરી હોવા વિશે એમણે વધુમાં જણાવ્યું હતું કે અમને વિરોધ કરવાનો હક છે. તમે એમની આજીવિકા છિનવી રહ્યા છો.
ગેઝેટ નોટિફિકેશન પ્રમાણે કૃષિ લક્ષી ત્રણ ખરડાને રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે મંજૂરી આપી છે.
તેલંગણામાં કૉંગ્રેસે કૃષિ ખરડાના વિરોધમાં આંદોલન કર્યું હતું અને રાષ્ટ્રપતિને ઠરાવ રદ કરવાની વિનંતી કરી હતી. કૉંગ્રેસના નેતા મનિકમ ટાગોર રાજ્યપાલ તમિલસાઇ સૌંમદરરાજનને રાજભવનમાં આવેદન આપવા માગતા હતા, પણ રાજ્યપાલ સાથે એમણે મુલાકાત માટે સમય ન મેળવ્યો હોવાને કારણે એમની અટક કરીને ગોશામહાલ પોલીસ સ્ટેશનમાં લઇ જવાયા હતા. જોકે, ત્યાર બાદ એમને છોડી દેવામાં આવ્યા હતા.
અટક અગાઉ કૉંગ્રેસના કાર્યકર્તાએ રાજયની ટીઆરએસ સરકાર અને કેન્દ્રની એનડીએ સરકારના વિરોધમાં સૂત્રોચ્ચાર કર્યા હતા.
છેલ્લા 45 દિવસથી ગુજરાતમાં સૌથી વધુ કોરોના કેસીસ સુરતમાં મળી આવતા હતા. પરંતુ, તા.27મી સપ્ટેમ્બર 2020ના રોજ સુરત કરતા વધુ કેસો અમદાવાદમાંથી મળી આવ્યા છે.
તા.28મી જુલાઇએ સવારે 8 વાગ્યે પૂરા થતા છેલ્લા ચોવીસ કલાકમાં અમદાવાદમાં 178 નવા કેસ નોંધાયા છે. જ્યારે 175 દર્દીઓ સાજા થયા છે. અમદાવાદ જિલ્લામાં 19 કેસ નોંધાયા છે અને 27 દર્દીઓ ડિસ્ચાર્જ થયા છે. અમદાવાદ શહેરમાં કોરોનાના કારણે ત્રણ વ્યક્તિઓના મૃત્યુ થયા છે.
સુરત શહેરમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 160 કેસ નોંધાયા છે પરંતુ સાજા થયેલા દર્દીઓની સંખ્યા થોડી વધારે છે. સુરતમાં 183 દર્દીઓ ડિસ્ચાર્જ થયા છે. સુરત જિલ્લામાં પણ 109 કેસ નોંધાયા છે અને 100 દર્દીઓ ડિસ્ચાર્જ થયા છે.
રાજકોટ શહેરમાં કોરોનાના દૈનિક કેસની સંખ્યા 100થી વધારે નોંધાઈ રહી છે. જોકે, જામનગરમાં છેલ્લા બે દિવસમાં કેસમાં થોડો ઘટાડો થયો છે. રાજકોટમાં 112 નવા કેસ નોંધાયા છે અને 110 દર્દીઓ સાજા થયા છે. જ્યારે રાજકોટ જિલ્લામાં 59 કેસ નોંધાયા છે અને 111 દર્દીઓ સાજા થયા છે. જામનગરમાં 81 નવા કેસ નોંધાયા છે અને 52 દર્દીઓ ડિસ્ચાર્જ થયા છે. જામનગર જિલ્લામાં 18 કેસ નોંધાયા છે અને 9 દર્દીઓ સાજા થયા છે. રાજકોટ શહેરમાં કોરોનાથી એક વ્યક્તિનું મૃત્યુ થયું છે.
વડોદરા શહેરમાં પણ કોરોનાની પરિસ્થિતિમાં કોઈ ફેરફાર થયો નથી. છેલ્લા ઘણા સમયથી 90થી ઉપર કેસ નોંધાઈ રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં વડોદરામાં કોરોનાના 92 નવા કેસ સામે આવ્યા છે અને 92 દર્દીઓ સાજા થયા છે. વડોદરા જિલ્લામાં 41 કેસ નોંધાયા છે. વડોદરા શહેર અને જિલ્લામાં કોવિડ-19ના કારણે એક-એક વ્યક્તિનું મૃત્યુ થયું છે.
રાજસ્થાન રૉયલ્સે ઈતિહાસ રચતા IPLમાં અત્યાર સુધીનો સૌથી મોટો રનચેઝ કરી જીત મેળવી. IPL 2020ની 9મી મેચમાં રાજસ્થાને કિંગ્સ ઈલેવને પંજાબને 4 વિકેટે હરાવી દીધું. 224 રનના ટાર્ગેટને રાજસ્થાને 3 બાકી રહેતા 6 વિકેટ ગુમાવીને હાંસલ કર્યો. રૉયલ્સ માટે સંજુ સેમસને 85 જ્યારે રાહુલ તેવટિયાએ 55 અને સ્મિથે 50 રનની ઈનિંગ રમી.
224 રનના ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી રાજસ્થાનને ટીમને શરૂઆતમાં જ મોટો ઝટકો લાગ્યો જ્યારે જોસ બટલર (4) ત્રીજી જ ઓવરમાં આઉટ થઈ ગયો. જોકે, તેના પછી ગત મેચના હીરો સંજુ સેમસન અને કેપ્ટન સ્ટીવ સ્મિથે મળીને બીજી વિકેટ માટે માત્ર 6.4 ઓવરમાં 90 રનની તાબડતોબ પાર્ટનરશિપ કરતા ટીમને પાછી મેચમાં લઈ આવ્યા. સ્મિથના આઉટ થયા બાદ રાજસ્થાને આશ્ચર્યજનક રીતે રાહુલ તેવટિયાને ચોથા ક્રમે બેટિંગમાં ઉતાર્યો હતો. અહીં લાગ્યું હતું કે, ટીમથી મોટી ભૂલ થઈ ગઈ છે.
તેવટિયા રન બનાવી શકતો નહોતો અને રનરેટ સતત વધી રહ્યો હતો. આવા સંજુ પર પ્રેશર વધતું જતું હતું. જોકે, સંજુએ જોરદાર ફટકાબાજી કરીને સ્કોરબોર્ડ ફરતું રાખ્યું હતું. પરંતુ 161 રનના સ્કોરે તેની વિકેટ પડતા રાજસ્થાન હારના મ્હોંમાં ધકેલાઈ જતું દેખાયું. સેમસને 42 બોલમાં 4 ચોગ્ગા અને 7 છગ્ગાની મદદથી 85 રનની ઈનિંગ રમી.
સેમસનના આઉટ થતા જ રાજસ્થાનની જીતની આશા પૂરી થઈ ગઈ હોવાનું માનવામાં આવતું હતું. આવામાં જ રાહુલ તેવટિયાએ અકલ્પનિય ફટકાબાજી કરતા શેલ્ડન કૉટરેલની એક જ ઓવરમાં 5 છગ્ગા ફટકારી રાજસ્થાનને મેચમાં પાછું લાવી દીધું હતું. તેવટિયાએ 31 બોલમાં સાત છગ્ગાની મદદથી 53 રન બનાવ્યા. જોફ્રા આર્ચરે પણ 3 બોલમાં 13* રનની ઉપોયગી ઈનિંગ રમી. રૉયલ્સે 3 બોલ બાકી રહેતા મેચ જીતીને ઈતિહાસ રચી દીધો હતો.
અગાઉ રાજસ્થાનના કેપ્ટન સ્ટીવ સ્મિથે ટૉસ જીતીને ફિલ્ડિંગ પસંદ કરી જેનું તેની ટીમને ભારે નુકસાન ઉઠાવવું પડ્યું. રાહુલ અને અગ્રવાલે રાજસ્થાનના બોલર્સ પર શરૂઆતથી જ આક્રમણ શરૂ કરી દીધું. મયંક અગ્રવાલે તાબડતોબ બેટિંગ કરતા માત્ર 50 બોલમાં 10 ચોગ્ગા અને 7 છગ્ગાની મદદથી 106 રનની ઈનિંગ રમી. IPL2020માં પોતાની જ ટીમના કે એલ રાહુલ બાદ સદી નોંધાવનારો તે બીજો બેટ્સમેન બન્યો. બીજા છેડે કેપ્ટન રાહુલે અગ્રવાલને પૂરતો સાથ આપ્યો. તેણે 54 બોલમાં 69 રન બનાવ્યા. રાહુલની આ ઈનિંગમાં 7 ચોગ્ગા અને 1 છગ્ગો સામેલ હતા.
બંનેના આઉટ થયા બાદ ગ્લેન મેક્સવેલ (13) અને નિકોલસ પૂરન (25)એ બાકી રહેલી કસર પૂરી કરી દીધી. બંનેએ છેલ્લી બે ઓવરમાં 29 રન લીધા અને ટીમનો સ્કોર 223 રન પર પહોંચાડી દીધો. નિકોલસ પૂરને 3 શાનદાર સિક્સ ફટકારી. રાજસ્થાનની બોલિંગમાં તમામ બોલર્સના બુરા હાલ રહ્યા. અંકિત રાજપૂક અને ટૉમ કરનને એક-એક વિકેટ મળી પણ તેમણે લગભગ 10 એવરેજથી રન ખર્ચ્યા. પંજાબે 6 બોલર્સ અજમાવ્યા પણ કોઈ ખાસ અસરકારક સાબિત ન થઈ શક્યું. રાહુલ અને અગ્રવાલે બધા બોલર્સને ચારેબાજુ ફટકાર્યા અને તમામનો ઈકોનૉમી રેટ 10ની નજીક અથવા તેનાથી ઉપર રહ્યો.
રાહુલ અને મયંકની જોડીએ પ્રથમ વિકેટ માટે 183 રનની પાર્ટનરશિપ નોંધાવીને ઘણા રેકોર્ડ રચી દીધા. પંજાબ માટે IPLના ઈતિહાસમાં આ સૌથી મોટી ઓપનિંગ ભાગીદારી છે. જ્યારે ઓવરઑલ આ બીજું સૌથી મોટું ઓપનિંગ સ્ટેન્ડ છે. અગાઉ કોલકાતા નાઈટ રાઈડર્સના ઓપનર ક્રિસ લિન અને ગૌતમ ગંભીરે 2017માં ગુજરાત લાયન્સ વિરુદ્ધ પ્રથમ વિકેટ માટે 184 રનની સૌથી મોટી ઓપનિંગ ભાગીદારી નોંધાવી હતી.
એક 90 વર્ષ પરંપરા કે જે અપ્રતિમ છે નિષ્પક્ષ નિષ્પક્ષ દરરોજ, વહેલી તકે, એક ગતિશીલ સંપાદકીય ટીમ અને ડિસ્ટ્રીબ્યુટર અને બિઝનેસ એસોસિએટ્સનું એક શક્તિશાળી નેટવર્ક, દરરોજ નવ દાયકા જૂની પરંપરા આપે છે. એવી પરંપરા કે જે વિચારો, માહિતી અને સીધા પત્રકારત્વના એક વિશિષ્ટ સંશ્લેષણ છે. દરેક વાર્તામાં અપ્રતિમ અધિકૃતતા અને તટસ્થતાનો સમાવેશ થાય છે, વાચકોને સૌથી વધુ જાણકાર અને વિશ્લેષણાત્મક સમાચાર કવરેજ સાથે સમર્થન આપવું.