ભારતે શુક્રવારે મેચના ત્રીજા દિવસે 4 વિકેટે 125 રનના સ્કોરથી પોતાનો પ્રથમ દાવ આગળ ધપાવ્યો હતો. લોકેશ રાહુલ અને રિશભ પંત બેટિંગમાં હતા. જોકે, પંત વધારે સમય ક્રિઝ પર ટકી શક્યો ન હતો અને 25 રન નોંધાવીને આઉટ થયો હતો. પરંતુ લોકેશ રાહુલ અને રવીન્દ્ર જાડેજાની અડધી સદી બાદ જસપ્રિત બુમરાહે રમેલી આક્રમક ઈનિંગ્સની મદદથી ભારત સરસાઈ મેળવવામાં સફળ રહ્યું હતું.
ભારત પ્રથમ દાવમાં 84.5 ઓવરમાં 278 રનમાં ઓલ-આઉટ થઈ ગયું હતું. વિરાટ કોહલીની ટીમે 95 રનની સરસાઈ મેળવી લીધી હતી. ભારતે ઈંગ્લેન્ડનો પ્રથમ દાવ 183 રનમાં સમેટી લીધો હતો. ભારત માટે રાહુલે 84 અને રવીન્દ્ર જાડેજાએ 56 રન નોંધાવ્યા હતા. જ્યારે ઓલી રોબિન્સને પાંચ અને એન્ડરસને ચાર વિકેટ ઝડપી હતી.
ઝડપી બોલર ઓલી રોબિન્સન તથા જેમ્સ એન્ડરસને તરખાટ મચાવ્યો હોવા છતાં લોકેશ રાહુલ અને રવીન્દ્ર જાડેજાની અડધી સદીની મદદથી ભારતે ઈંગ્લેન્ડ વિરુદ્ધ નોટ્ટિંગહામમાં રમાઈ રહેલી પ્રથમ ટેસ્ટ ક્રિકેટ મેચમાં પ્રથમ દાવમાં મહત્વની સરસાઈ મેળવી લીધી હતી. જોકે, બીજા દાવમાં ઈંગ્લેન્ડની શરૂઆત સારી રહી છે. પરંતુ ત્રીજા દિવસે પણ વરસાદનું વિઘ્ન નડ્યું હતું અને રમત વહેલી પૂરી કરી દેવી પડી હતી.
ત્રીજા દિવસની રમત પૂરી થઈ ત્યારે ઈંગ્લેન્ડે તેના બીજા દાવમાં વિના વિકેટે 25 રન નોંધાવ્યા છે. ડોમિનિક સિબ્લી 9 અને રોરી બર્ન્સ 11 રને રમતમાં છે. હાલમાં ઈંગ્લેન્ડ 70 રન પાછળ છે.
ટોક્યો ઓલમ્પિકમાં હોકીમાં ભારતનો તિરંગો લહેરાયો છે. ભારતની પુરુષોની હોકી ટીમ આજે બ્રોન્ઝ મેડલ માટે જર્મની સામે રમવા ઊતરી હતી. ભારતીય ટીમનો જર્મની સામે 5-4થી વિજય થયો છે અને બ્રોન્ઝ મેડલ ભારતની ઝોળીમાં આવી ગયો છે.
ભારતીય પુરુષ હોકી ટીમે જર્મનીને હરાવીને ટોકિયો ઓલિમ્પિકમાં બ્રોન્ઝ મેડલ જીતી લીધો છે. ભારતે 1980 બાદ પહેલીવાર ઓલિમ્પિક મેડલ પાક્કો કર્યો છે. ભારતે બ્રોન્ઝ મેડલ જીતવા માટે જર્મનીને 5-4થી હરાવ્યું છે. ભારતયી પુરુષ હોકી ટીમના આ વર્ષના પ્રદર્શનના કારણે ઘણી આશાઓ હતી કે ટીમ મેડલ જીતશે અને આખરે ટીમે બ્રોન્ઝ મેડલ માટેની મેચમાં દમદાર ગણાતી જર્મનીની ટીમને શરુઆતની લીડ બાદ પછડાટ આપીને જીત હાંસલ કરી લીધી છે.
શરુઆતમાં 0-2થી જર્મનીની ટીમ આગળ ચાલી રહી હતી પરંતુ આ પછી ભારતે શાનદાર પ્રદર્શન કરીને 3-5થી આગળ ચાલી રહ્યું હતુ અને અંતમાં મેચનું પરિણામ 5-4 રહ્યું અને ભારતે જીત મેળવી લીધી હતી. ચોથા ક્વાર્ટરમાં જર્મનીને પેનલ્ટી કોર્નરમાં ચોથો ગોલ કર્યો હતો. ફાઈનલ ક્વાર્ટરમાં ભારતીય ટીમ 5-4થી આગળ હતી. આ પછી મેચની સાતમી મિનિટે મનદીપ સિંહ પાસે સાતમો ગોલ કરવાની તક હતી પરંતુ તેમાં તેઓ અસફળ રહ્યા હતા. જોકે, ભારતીય ટીમ જર્મની ટીમને સારી ટક્કર આપીને પાંચમા ગોલ સાથે બરાબરી કરતા રોકીને મેચ પર કબજો કરી લીધો હતો.
ભારતીય બોલર્સનું શાનદાર પ્રદર્શન, પ્રથમ દાવમાં ઈંગ્લેન્ડ 183 રનમાં આઉટ, જો રૂટની અડધી સદી
જસપ્રિત બુમરાહ અને મોહમ્મદ શમી સહિત બોલર્સે કરેલા શાનદાર પ્રદર્શનની મદદથી ભારતે બુધવારથી નોટ્ટિંગહામમાં શરૂ થયેલી પ્રથમ ટેસ્ટ ક્રિકેટ મેચમાં પ્રથમ દિવસે જ ઈંગ્લેન્ડ સામે મજબૂત સ્થિતિ મેળવી લીધી છે. ભારતે મેચના પ્રથમ દિવસે યજમાન ટીમને આઉટ કરી દીધી હતી. ઈંગ્લેન્ડનો પ્રથમ દાવ 183 રનમાં સમેટાઈ ગયો હતો. જસપ્રિત બુમરાહે ચાર વિકેટ ઝડપી હતી. પ્રથમ દિવસના અંતે ભારતે વિના વિકેટે 21 રન નોંધાવ્યા છે. લોકેશ રાહુલ અને રોહિત શર્મા 9-9 રન પર રમતમાં છે.
ઈંગ્લેન્ડે ટોસ જીતીને પ્રથમ બેટિંગનો નિર્ણય કર્યો હતો. જોકે, પ્રથમ ઓવરના પાંચમાં બોલ પર ઈંગ્લેન્ડને પ્રથમ ફટકો પડ્યો હતો. જસપ્રિત બુમરાહે રોરી બર્ન્સને એલબીડબલ્યુ આઉટ કર્યો હતો. બર્ન્સ ખાતું પણ ખોલાવી શક્યો ન હતો. ત્યારબાદ ડોમિનિક સિબ્લી અને ઝેક ક્રાઉલીની જોડીએ બાજી સંભાળવાનો પ્રયાસ કર્યો હતો. આ જોડીએ 42 રનની ભાગીદારી નોંધાવી હતી.
પરંતુ આ જોડી વધારે જોખમી બને તે પહેલા જ મોહમ્મદ સિરાજે ક્રાઉલીને આઉટ કરીને ભારતને મહત્વની સફળતા અપાવી હતી. ક્રાઉલીએ 68 બોલમાં ચાર ચોગ્ગા સાથે 27 રનનું યોગદાન આપ્યું હતું. જ્યારે મોહમ્મ શમીએ સિબ્લીને આઉટ કરવામાં સફળતા મેળવી હતી. તેણે 70 બોલમાં 18 રન નોંધાવ્યા હતા.
ત્યારબાદ સુકાની જો રૂટ અને જોની બેરસ્ટોએ ટીમના સ્કોરને આગળ ધપાવ્યો હતો. રૂટ અને બેરસ્ટોએ 72 રનની ભાગીદારી નોંધાવી હતી. આ જોડીએ ઈંગ્લેન્ડને મેચમાં પાછુ લાવવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, તેવા સમયે જ શમીએ બેરસ્ટોને આઉટ કરીને ભારતને રાહતનો શ્વાસ અપાવ્યો હતો. બેરસ્ટોએ 71 બોલમાં ચાર ચોગ્ગાની મદદથી 29 રન નોંધાવ્યા હતા. જ્યારે રૂટે અડધી સદી ફટકારી હતી. રૂટે 108 બોલમાં 64 રનની ઈનિંગ્સ રમી હતી જેમાં 11 ચોગ્ગા સામેલ હતા.
આજ (4/8/21)થી ટીમ India Vs England ટેસ્ટ ક્રિકેટ
વિરાટ કોહલીના કપ્તાનપદ હેઠળની ભારતીય ક્રિકેટ ટીમના ઇંગ્લેન્ડ વિરૂધ્ધના પાંચ ટેસ્ટ મેચની શ્રેણીની શરૂઆત આવતીકાલ બુધવારથી થશે. ત્યારે કપ્તાન વિરાટ કોહલી અને કોચ રવિ શાત્રીની ટીમ સંયોજન પસંદ કરવાની રણનીતિ તૈયાર કરવાની પરીક્ષા થશે.
કોહલીએ ન્યુઝીલેન્ડ સામેની વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ઇલેવન પહેલા જાહેર કરી દીધી હતી, બાદમાં પરિસ્થિતિ અનુસાર ફેરફાર ન કરવાનું પરિણામ સહન કરવું પડયું હતું. આવતીકાલથી શરૂ થતાં પહેલા ટેસ્ટમાં રોહિત શર્માના દાવનો પ્રારંભ કરવાનું કેએલ રાહુલનું લગભગ નિશ્ચિત માનવામાં આવે છે. કારણ કે મયંક અગ્રવાલ માથાની ઇજાને લીધે પહેલા ટેસ્ટની બહાર થઇ ગયો છે. રાહુલ અનુભવી અને છે અને અભ્યાસ મેચમાં સદી કરી ચૂક્યો છે.
ઇંગ્લેન્ડની ટીમ તેના સ્ટાર ઓલરાઉન્ડર બેન સ્ટોકસની ગેરહાજરી સાથે મેદાને પડશે. સ્ટોકસે ફરી એકવાર માનસિક તનાવનો હવાલો આપીને ક્રિકેટમાંથી બ્રેક લીધો છે.
પહેલા ટેસ્ટમાં ભારત ચાર ઝડપી બોલર અને એક સ્પિનર સાથે ઉતરે છે કે બે સ્પિનર અને ત્રણ ઝડપી બોલર સાથે તે મહત્ત્વનું બની રહેશે. જો અશ્વિન અને રવીન્દ્ર ઇલેવનમાં સામેલ હશે તો જસપ્રિત બુમરાહ અને મોહમ્મદ સિરાઝમાંથી એકને બહાર બેસવું પડી શકે છે. બુમરાહ પાછલા કેટલાક સમયથી તેની ધાર ખોઇ ચૂક્યો છે. અનુભવી ઇશાંત અને શમીને પડતા મૂકવાનો જુગાર ભારત ખેલી શકે નહીં. ટોસની ભૂમિકા પણ ઘણી મહત્ત્વની બની રહેશે. જો બુધવારે વાદળછાયું વાતવરણ હશે તો ટોસ જીતનાર ટીમ પહેલા બોલિંગ પસંદ કરી શકે છે. પાછલા કેટલાક સમયથી ધ વોલ ચેતેશ્વર પુજારાનું ફોર્મ ચિંતાનો વિષય બન્યું છે. તેના પર રન કરવાનું દબાણ રહેશે. ઉપસુકાની રહાણેને ફિટનેસની સમસ્યા છે.
ભારતીય બેટધરોને ફરી એકવાર ડયૂક બોલથી દુનિયાની શ્રેષ્ઠ ઝડપી બોલિંગ જોડી જેમ્સ એન્ડરસન અને સ્ટૂઅર્ટ બ્રોડનો સામનો કરવાનો રહેશે. તેની સાથે માર્ક વૂડ અને ઓલિ રોબિન્સન હશે.
ઇંગ્લેન્ડની ટીમ જો રૂટના સુકાનીપદ હેઠળ પાંચ ટેસ્ટની શ્રેણી જીતવાનો ભરપૂર પ્રયાસ કરશે. કારણ કે બાદમાં તેમને એશિઝ સિરીઝ રમવાની છે. સુકાની રૂટ ઉપરાંત રોરી બર્ન્સ, જેક ક્રાઉલી, ડેન લોરેંસ, ઓલી પોપ અને જોસ બટલર ભારતીય બોલરોની કસોટી કરશે. મેચ ભારતીય સમય અનુસાર બુધવારથી 3-30થી શરૂ થશે અને સોની સ્પોર્ટસની ચેનલ પરથી જીવંત પ્રસારણ થશે.
વૈશ્વિકના શેર બજારોની સાથે તેજીનું સંતુલન જાળવતા ભારતીય શેરબજારોમાં આજે આગઝરતી તેજી જોવા મળી હતી. આજે તા.3 ઓગસ્ટે બપોરે બપોરે 1 વાગ્યાની સ્થિતિએ નિફ્ટી ફિફ્ટી ઇન્ડેક્ષમાં ઐતિહાસિક 16000ની સપાટી વટાવી દીધી હતી. સેન્સેક્સમાં પણ 525 પોઈન્ટ્સના ઉછાળા સાથે 53,475ની સપાટી નોંધાઇ હતી.
આજે વધનારા શેર્સમાં મોટાભાગે બેન્કિંગ, આઈટી, ફાર્મા અને FMCG શેર્સનો સમાવેશ થાય છે. આઈટી ઈન્ડેક્સની વાત કરીએ તો એમ્ફેસિસ 3.21 ટકા અને ટાટા એલેક્સી 2.78 ટકાના ઉછાળા સાથે ટોપ પર રહ્યા છે. આ સિવાય ટીસીએસ, ઈન્ફોસિસ પણ આજની તેજીમાં દોડી રહ્યા છે. રિયલ એસ્ટેટ સ્ટોક્સમાં પણ ખરીદી યથાવત જોવા મળી રહી છે.
ટાઈટન 3.89 ટકાના ઉછાળા સાથે 1839ની સપાટી પર ટ્રેડ કરી રહ્યો હતો, જ્યારે HDFC 3.24 ટકાના ઉછાળા સાથે બીજા નંબરે હતો. આ સિવાય સન ફાર્મા, ભારતી એરટેલ, ઈન્ડસિન્ડ બેન્ક, ટીસીએસ, એશિયન પેઈન્ટ્સ, એસબીઆઈ, HUL, એક્સિસ જેવા શેર્સ પણ ઉછાળે ટ્રેડ થઈ રહ્યા છે. ઈન્ફોસિસનો શેર પણ આજે પોતાની ઓલટાઈમ હાઈ સપાટીને સ્પર્શી જતાં તેનું માર્કેટ કેપ 7 લાખ કરોડના સ્તરને વટાવી ગયું હતું.
એલેક્સઝેન્ડર હેન્ડરિક્સની શાનદાર હેટટ્રિકની મદદથી બેલ્જિયમે ટોકિયો ઓલિમ્પિક હોકી સેમિફાઈનલમાં ભારતીય પુરુષ ટીમને 5-2થી હરાવીને ફાઈનલમાં પ્રવેશ કર્યો છે. બન્ને ટીમો વચ્ચે ત્રણ ક્વાર્ટરમાં બરાબર હતી, પરંતુ અંતિમ ક્વાર્ટરમાં બેલ્જિયમે દમદાર ગેમ રમીને આગેકૂચ કરી લીધી. ભારતીય ટીમ હવે બ્રોન્ઝ માટે રમવા માટે ઉતરશે.
હાફ ટાઈમ સુધી બન્ને ટીમ-2-2ની બરાબરી પર હતી. બન્ને ટીમ વચ્ચે સમતોલ સ્પર્ધા ચાલી રહી હતી. બન્ને ટીમના ખેલાડીઓ ચાન્સ આપવા માટે તૈયાર નહોતા. આવામાં બન્ને ટીમને ચાન્સ મળ્યા અને 2-2 ગોલ કરીને બરાબરી કરી લીધી હતી. બેલ્જિયમે બીજી મિનિટે પેનલ્ટી કોર્નર પર ગોલ કર્યો તે પછી ભારતીય ટીમે કમબેક કર્યું હતું. અને લેવલ બરાબર કર્યું હતું.
ભારતીય ટીમમાં હરમનપ્રીત સિંહે પેનલ્ટી કોર્નર પર ગોલ કરીને સ્કોલરલાઈન 1-1થી બરાબર કરી દીધી હતી. આ પછી મનદીપે ગોલ કરીને ભારતને આગળ પહોંચાડ્યું હતું. જોકે, બેલ્જિયમના હેન્ડરિક્સે પેલન્ટી કોર્નર પર બરાબરી કરી લીધી હતી.
ત્રીજા ક્વાર્ટરમાં બેલ્જિયમે વાઝોડાની જેમ ઉતરી હતી. બેલ્જિયમે અહીં પહેલા હાફમાં જ ગોલ કરીને સારી શરુઆત કરી લીધી હતી. આ પછી ભારતે આગળ નીકળવા માટે પ્રયાસો કર્યા ત્યાં બેલ્જિયમ 5-2થી આગળ નીકળી ગયું હતું. બેલ્જિયમ રિયો ઓલિમ્પિક બાદ સતત બીજીવાર ફાઈનલમાં પહોંચી છે, હવે ટીમ પાસે ગોલ્ડ જીતવાની તક છે. જ્યારે ભારતીય ટીમ પાસે બ્રોન્ઝ મેડલ જીતવાની તક રહેલી છે.
ભારતીય સ્ટ્રાઈકર મનદીપ સિંઘે જણાવ્યું છે કે, આ અમારા માટે ખરાબ દિવસ રહ્યો છે, કારણ કે અમે સેમિફાઈનલ ગુમાવી છે. પરંતુ હજુ અમારી પાસે એક મેચ છે. જેથી અમે બ્રોન્ઝ જીતવા માટે મહેનત કરીશું. અમે સર્કલમાં અને PCsમાં પણ કેટલીક મોટી ભૂલ કરી દીધી હતી. અમે આગામી મેચમાં અમારું શ્રેષ્ઠ પ્રદર્શન કરીશું. અમે આગામી મેચ સાથે બ્રોન્ઝ સાથે જીતી લઈએ તે માટે એક બીજાને પ્રોત્સાહિત કરીશું.
41 વર્ષ પછી ભારતે સેમિફાઈનલમાં પહોંચીને ઈતિહાસ રચી દીધો હતો, ત્યારે દેશમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ લાઈવ મેચ જોવા બેસી ગયા હતા. ભારતીય ટીમ પાસે ઘણી આશા હતી પરંતુ બેલ્જિયમની ટીમ ચેમ્પિયનની જેમ રમી હતી, આમ છતાં ભારત પાસે હજુ પણ મેડલ જીતવાની તક રહેલી છે. વડાપ્રધાન મોદીએ ખેલાડીઓનો ઉત્સાહ વધારતા લખ્યું છે કે, હાર અને જીત તો રમતનો ભાગ છે, તમે આગામી મેચમાં સારું પ્રદર્શન કરો તેવી શુભેચ્છાઓ.
વડા પ્રધાન કાર્યાલયે જણાવ્યું હતું કે સરકાર અને લાભાર્થી વચ્ચે મર્યાદિત સંપર્ક સહિત ચોક્કસ રીતે અને લીક પ્રૂફ રીતે ચોક્કસ લાભાર્થીને લાભ મળી શકે એ માટે સરકાર ઘણા વર્ષોથી પ્રયત્ન કરી રહી છે.
ઇ-રૂપી ચૂકવણી માટે કેશલેસ અને કૉન્ટેક્ટલેશ સાધન છે. આ ક્યુઆર કૉડ અથવા એસએમએસ સ્ટ્રીંગ આધારિત ઇ-વાઉચર છે અને એને લાભાર્થીના મોબાઇલ પર મોકલવામાં આવશે. આ ઇ-રૂપી મેળવનાર લાભાર્થી ચોક્કસ કેન્દ્રો પર જઇને ઇ-રૂપી વાઉચરને કોઇપણ કાર્ડ, ઇન્ટરનેટ બૅન્કિંગ અથવા કોઇપણ જાતની ઍપની વગર વટાવી શકશે.
નૅશનલ પેમેંટ્સ કોર્પોરેશન ઑફ ઇન્ડિયાએ પોતાના યુપીઆઇ પ્લેટફૉર્મ પર વિત્તિય સેવા વિભાગ, સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય તથા રાષ્ટ્રીય સ્વાસ્થ્ય પ્રાધિકરણના સહયોગથી ઇ-રૂપી બનાવવામાં આવી છે.
સેવાઓના સ્પોન્સર્સને ઇ-રૂપી કોઇપણ જાતના શારીરિક સંપર્ક વગર લાભાર્થીઓને અને સેવા પ્રદાતાને જોડશે.
ઇ-રૂપી ઉપયોગ માતૃ એવં બાળ કલ્યાણ યોજનાઓ હેઠળ દવાઓ અને પોષણ સંબંધી સહાયતા, ટીબી ઉન્મૂલન કાર્યક્રમો, આયુષ્યમાન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના જેવી યોજનાઓ હેઠળ દવાઓ, ઉપચાર, સબ્સિડી વગેરે આપવાની યોજનાઓ હેઠળની સેવાઓ મેળવવા માટે કરી શકાશે.
ખાનગી ક્ષેત્ર પણ પોતાના કર્મચારીઓને કલ્યાણ યોજનાઓ અને સામાજિક જવાબદારી સંબંધી યોજનાઓ માટેના વળતર આપવા ઇ-રૂપીનો ઉપયોગ કરી શકશે.
કર્ણાટકમાં મુખ્યમંત્રીની બીજી ટર્મના બે વર્ષ પૂર્ણ થતાં જ આખરે યેદિયુરપ્પાએ રાજીનામું આપ્યાની જાહેરાત કરતાં જ ઘણા સમયથી ચાલી રહેલી તેમની વિદાયની અટકળો આખરે સાચી પડી છે. છેલ્લા બે દાયકાથી રાજ્યમાં ભાજપનો ચહેરો બની રહેલા યેદિયુરપ્પાને સ્થાને હવે કોને સીએમની ખુરશી સોંપવી તે ભાજપ માટે કોઈ ચેલેન્જથી કમ નહીં હોય. ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં જ યેદિયુરપ્પાએ નવી દિલ્હીનો અચાનક પ્રવાસ કરીને પક્ષના ટોચના નેતાઓ સાથે મુલાકાત કરી હતી. તે સાથે જ હવે તેમની વિદાયનો સમય આવી ગયો છે તેવી જોરદાર ચર્ચા શરુ થઈ હતી.
ભાજપ માટે બીએસ યેદિયુરપ્પાનો વિકલ્પ શોધવો મુશ્કેલ સાબિત થઈ રહ્યો છે. યેદિયુરપ્પા પાસે 4 વર્ષ સુધી મુખ્યમંત્રી તરીકેનો કાર્યભાર સંભાળવાના અનુભવ સાથે પ્રભાવશાળી લિંગાયત સમુદાયનું સમર્થન પણ પ્રાપ્ત છે. એવામાં કર્ણાટકની કમાન કોને સોંપાશે તે અંગે અનેક અટકળો લગાવવામાં આવી રહ્યા છી. જે નામોની ચર્ચા ચાલી રહી છે તેને અફવા ગણાવવામાં આવી રહી છે. આમ છતાં કેટલાક નામો ચર્ચામાં તેના પર એક નજર કરી લઈએ..
કર્ણાટકના મુખ્યમંત્રી પદેથી બીએસ યેદિયુરપ્પાએ રાજીનામું આપી દીધું છે. તેણે સરકારના બે વર્ષ પૂર્ણ થવાના પ્રસંગે આ જાહેરાત કરી છે. તેમણે રાજીનામું આપ્યા બાદ રાજ્યપાલ બનવાની ઈચ્છા અંગે પૂછાયેલા સવાલના જવાબમાં કહ્યું કે, “મારો રાજ્ય છોડવાનો કોઈ પ્રશ્ન જ નથી. હું કર્ણાટકના લોકોના કલ્યાણ માટે કામ કરતો રહીશ.” તેણે રાજ્યના મુખ્યમંત્રી તરીકે કામગીરી કરી તે અંગે આનંદ વ્યક્ત કરતા એક ટ્વિટ પણ કર્યું હતું. હવે તેમના પછી રાજ્યમાં મુખ્યમંત્રીની ખુરશી કોના હાથમાં આવશે તેને લઈને કેટલાક નામો ચર્ચામાં તેના પર એક નજર કરી લઈએ..
૧૯૦૪માં રજૂ કરાયેલી ધ્વજની પ્રસ્તાવિત ડિઝાઈન ૧૯૦૬માં પ્રદર્શિત કરાયેલો બિનસત્તાવાર ધ્વજ ૧૯૦૭માં બર્લિનમાં મેડમ કામાએ લહેરાવેલો ધ્વજ ૧૯૧૭માં હોમ રૂલ મૂવમેન્ટ દરમ્યાન ઉપયોગમાં લેવાયેલો ધ્વજ ૧૯૨૧માં કોંગ્રેસની મીટિંગમાં ગાંધીજીએ રજૂ કરેલો ધ્વજ ઈન્ડિયન નેશનલ કોંગ્રેસે ૧૯૩૧માં રજૂ કરેલો ધ્વજ ૧૯૩૧માં જ લોર્ડ માઉન્ટબેટને પ્રદર્શિત કરેલી ધ્વજની ડિઝાઈન ૧૯૪૭માં સત્તાવાર રીતે સ્વીકારવામાં આવેલો રાષ્ટ્રધ્વજ
ધ્વજ. ઝંડો. વાવટો. ધજા. નિશાન. ફ્લેગ. દેશનું પ્રતીક કોઈ ધ્વજ બને એ પહેલાં જુદા જુદા સમુદાયોનાં ટોળાં કે સેનાનું પ્રતીક હતો. દૂરથી કયા પ્રદેશ કે રાજાની સેના આવી રહી છે એ ખબર પડે માટે ઊંચા દંડ ઉપર ધ્વજ ફરકતો રાખવામાં આવતો. ઘણું કરીને એ ટ્રેન્ડ ઈજિપ્ત અને મેસોપોટેમિયાની સંસ્કૃતિમાં શરૂ થયો અને પછી આખી દુનિયામાં ફેલાયો. હિંદુ રાજાઓ પાસે પોતાના ઓળખચિહ્ન જેવા ઝંડા હતા. મંદિરોમાં ધજા ફરકાવવાની પરંપરા તો હજારો વર્ષ જૂની છે, પરંતુ ધજા હોય કે ધ્વજ, બંનેનો હેતુ તો સરખો જ કે અમુક કિલોમીટર દૂર રહેલા માણસને પણ તે દેખાઈ આવે. ધીમે ધીમે ધ્વજ પ્રતીક બનતો ગયો. ભારત દેશના પ્રતીક સમાન તિરંગો તો ઘણો યંગ કહેવાય, યુવાન કહેવાય. પણ તેના ઘડતરનો ઈતિહાસ તો એક સદી કરતાં પણ જૂનો છે.
મેડમ ભિખાઈજી કામાએ ૧૯૦૭માં વંદે માતરમ લખેલો રાષ્ટ્રધ્વજ પ્રદર્શિત કર્યો હતો એ આપણે બધા જાણીએ છીએ. જોકે એ ધ્વજ પણ ‘કલકતા ફ્લેગ’ ઉપરથી પ્રેરિત હતો. કલકતા ફ્લેગ સચીન્દ્ર પ્રસાદ બોઝ અને હેમચંદ્ર કનુંગોએ ૧૯૦૬માં લહેરાવ્યો. પછી તો ઇન્ડિયન ફ્લેગમાં ઘણા ફેરફારો થયા, પરંતુ આપણે અત્યારે જે રાષ્ટ્રધ્વજ જોઈએ છીએ તે ભારતને આઝાદી મળી તેના થોડા દિવસો પહેલાં જ એસેમ્બ્લીમાં પસાર થયો હતો અને માન્ય રાખવામાં આવ્યો હતો. એકવીસમી જુલાઈ, ૧૯૪૭ના રોજ તિરંગાની ફાઈનલ ડિઝાઈન મૂકવામાં આવી અને બાવીસમી જુલાઈ, ૧૯૪૭ના દિવસે તેને ફરકાવવામાં આવ્યો. ભારત પંદરમી ઓગસ્ટે આઝાદ થશે તે જાહેર થઈ ગયું હતું. લાલ કિલ્લા ઉપર કયો રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવશે તેની સત્તાવાર જાહેરાત બાવીસમી જુલાઈના દિવસે થઈ.
જોકે ભારતના પ્રતીક સમાન રાષ્ટ્રધ્વજની ડિઝાઈન વખતોવખત બદલાતી આવી છે. ભારત દેશને જે તે સમયે રિપ્રેઝન્ટ કરતા હોય એવા ટોટલ કેટલા ફ્લેગ્સ બની ગયા તેનો કોઈ ચોક્કસ આંકડો પ્રાપ્ત નથી. અત્યંત ઊંડું સંશોધન કરીએ તો એક આંકડો મળી પણ આવે, પરંતુ તેની ચોકસાઈની ખાતરી ન આપી શકાય, કારણ કે આઝાદ ભારતની કલ્પના ઓગણીસમી સદીથી ચાલી આવી છે. ઘણાં બધાં રજવાડાંના જુદા જુદા દેશપ્રેમીઓ પોતપોતાની રીતે ભારતનો ઝંડો બનાવીને નીકળી પડતા. ૧૮૫૭ના વિપ્લવ પહેલાં તો ભારતને રજૂ કરતા હોય એવા ઝંડા અનેક હતા. જેનું દસ્તાવેજીકરણ થયું નથી. પણ આખા ભારતનું પ્રતીક બની શકે એવો એક જ ઝંડો હોવો જોઈએ તે વાતની અનુભૂતિ ૧૮૫૭ના વિપ્લવ પછી થઈ.
ગુલામ ભારતનો સત્તાવાર રીતે જે ‘ફર્સ્ટ ફ્લેગ’ કહેવાય છે તે જોઈને કોઈ પણ સામાન્ય ભારતીય દેશપ્રેમીને સહેજ અણગમો થાય એવું બને. તે ફ્લેગ ‘સ્ટાર ઓફ ઇન્ડિયા’ કહેવાતો. બ્રિટિશ વાઈસરોય અને ગવર્નર ઓફ ઇન્ડિયાએ તેને વાપરવાનું શરૂ કરેલું. બ્રિટિશ ધ્વજની જેમ જ તેમાં બ્લુ અને રેડ કલરના સ્ટારની વચ્ચે પીળા સૂર્યમાં સફેદ તારો રાખવામાં આવેલો. તેની ઉપર રાજાશાહીને રજૂ કરતી પાઘડી. આ ગુલામ ભારતને રજૂ કરતો ઝંડો હતો. એ ઝંડાને જોઈને કોઈ પણ નોન-બ્રિટિશર જે નોન-ઇન્ડિયન પણ છે તે ભારતની ગુલામી અવસ્થા સમજી જાય.
પછી બ્રિટિશ રાજા એડવર્ડ છઠ્ઠાના કાર્યકાળ દરમિયાન આ સ્ટારવાળો ફ્લેગ બદલાવવાની વાત થઈ. ઇન્ડિયન સિવિલ સર્વિસમાં કામ કરતા બ્રિટિશ ઓફિસર વિલિયમ કોલ્ડસ્ટ્રીમે પ્રપોઝલ મૂક્યું કે ભારતની આગવી ઓળખ આવે એવો તેનો ધ્વજ હોવો જોઈએ, નહિ કે બ્રિટિશના ગુલામ દેશને રજૂ કરતો ધ્વજ. એ સમયના લોર્ડ કર્ઝન સહિતના બધા બ્રિટિશ સત્તાધીશોએ આ પ્રપોઝલ સ્વાભાવિકપણે નકારી કાઢ્યું. વીસમી સદીની શરૂઆત થઈ ચૂકી હતી. ભારતના વીર સપૂતો અને ક્રાંતિકારી નેતાઓનાં વર્તુળોમાં હિન્દુસ્તાનને રિપ્રેઝન્ટ કરે એવો રાષ્ટ્રધ્વજ બનાવવો જોઈએ તે ચર્ચા શરૂ થઈ ચૂકી હતી. ભારતીય પ્રતીક તરીકે ગણેશજી કે ગાયમાતાને ધ્વજમાં સ્થાન મળવું જોઈએ એવું અમુક નેતાઓનું માનવું હતું. બાળ ગંગાધર તિલક, અરવિંદ ઘોષ અને બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય તો ગણેશજીને રાષ્ટ્રધ્વજમાં સ્થાન આપવાના હિમાયતી હતા.
૧૯૦૪માં એક એંગ્લો-ઇન્ડિયન સામયિકમાં એક ડિઝાઈન રજૂ થઈ હતી જે સૌથી ઓછી જાણીતી છે. જો આપણા દેશના એ ધ્વજની ડિઝાઈન અત્યારે કોઈને બતાવવામાં આવે તો કદાચ એ માની પણ ન શકે કે ભારતના રાષ્ટ્રધ્વજ તરીકે આવા ધ્વજનો પ્રસ્તાવ રખાયો હતો. વર્તમાન રાષ્ટ્રધ્વજ છે એવા જ ત્રણ આડા પટ્ટા પણ તેના રંગો અનુક્રમે ઘાટ્ટો બ્લુ, લીલો અને સ્કાય બ્લુ. એ ત્રણેય આડા પટ્ટાની ડાબી બાજુ ત્રણેય પટ્ટાને જોડતો એક સળંગ પટ્ટો જે જાંબલી રંગનો. એ જાંબલી રંગના ઊભા પટ્ટામાં સફેદ તારાઓ. અને આ ત્રણ આડા ને એક ઊભા એમ ચારેય પટ્ટાથી બનતા લંબચોરસને લાલ કલરની જાડી આઉટલાઈન. લાગે છેને વિચિત્ર? પણ એમાં અંગ્રેજોની બદમુરાદ દેખાઈ આવતી હતી અને ભારતની ખરાબ છાપ પણ ઊપસતી હતી. ઘાટ્ટો ભૂરો રંગ હિંદુઓ અને બૌદ્ધો માટે હતો, નીચેનો લીલો રંગ મુસલમાનો માટે અને સ્કાય બ્લુ ભારતમાં રહેતા ખ્રિસ્તીઓને રજૂ કરતો હતો. જાંબલી રંગ શેના માટે એ ક્લીઅર ન કર્યું પણ લાલ આઉટલાઈન બ્રિટિશ એમ્પાયરની જે ભારતની ગુલામી સૂચવે.
એના પછી કલકતા ફ્લેગ આવ્યો અને એના ઉપરથી જ ભિખાઈજી કામાએ એક રાષ્ટ્રધ્વજ બનાવીને જર્મનીમાં રજૂ કર્યો હતો. જેમાં વચ્ચેના પીળા પટ્ટા ઉપર વંદે માતરમ લખ્યું હતું. ઉપરના લીલા પટ્ટામાં આઠ સફેદ કમળ હતાં અને નીચે કેસરી પટ્ટામાં ચાંદ અને સૂર્ય હતા. એની બેસન્ટ અને બાળ ગંગાધર તિલકે પણ હોમ રૂલ ચળવળ દરમિયાન એક ફ્લેગ રજૂ કર્યો હતો જેનો આકાર ધજા જેવો હતો પણ એમાં યુનિયન જેક એટલે કે બ્રિટિશ ફ્લેગ દેખાતો હતો.
૧૯૨૧માં કોંગ્રેસની મીટિંગ દરમિયાન ગાંધીજીએ એક ધ્વજ રજૂ કરેલો. અત્યાર સુધી રજૂ થયેલા બધા ફ્લેગ કરતાં તે ક્રિએટિવલી વધુ સારો હતો અને તેમાં મોડર્ન ટચ પણ હતો. એકદમ સોબર રંગોનો ઉપયોગ થયો હતો. ત્રણ આડા પટ્ટા – અનુક્રમે સફેદ, નીલો અને લાલાશ પડતો કેસરી. વચ્ચે બ્લુ લાઈનમાં રેંટિયો. જોકે આ ધ્વજ ખાસ પોપ્યુલર ન બની શક્યો. એના પછી ઇન્ડિયન નેશનલ કોંગ્રેસે ૧૯૩૧માં તિરંગો રજૂ કર્યો જેમાં વચ્ચે અશોકચક્ર ન હતું પણ રેંટિયો હતો. તે ધ્વજ લગભગ બધાએ સ્વીકારી લીધો હતો, ઘણું કરીને ગાંધીજીના પ્રભાવને કારણે. તે સમયે બ્રિટિશ માઉન્ટબેટનના શેતાની દિમાગનો પરચો આપે એવો ધ્વજ તેમણે ખુદ રજૂ કર્યો. એણે એવું પ્રપોઝલ મૂક્યું કે આ રેંટિયાવાળા ધ્વજમાં ખૂણામાં બ્રિટિશ યુનિયન જેક પણ મૂકવામાં આવે. આ હાસ્યાસ્પદ પ્રસ્તાવને નકારવો પડ્યો.
ભારતની આઝાદીના થોડા દિવસો અગાઉ બંધારણીય સમિતિની બેઠક મળી. જેમાં સર્વપલ્લી રાધાકૃષ્ણન હતા, આંબેડકરસાહેબ હતા, સરોજિની નાયડુ, રાજેન્દ્ર પ્રસાદ, સી. રાજગોપાલાચારી, ગુજરાતી કનૈયાલાલ મુનશી હતા. તે બધાએ રેંટિયાને બદલે અશોકચક્ર ધરાવતો રાષ્ટ્રધ્વજ ભારતના રાષ્ટ્રધ્વજ તરીકે રજૂ કર્યો જે ૨૨ જુલાઈ, ૧૯૪૭ના દિવસે ફરકાવવામાં આવ્યો. અશોકચક્ર ધર્મચક્ર તો હતું જ પણ સાથે સાથે એક સમાનતા સૂચવતું હતું, ભારતની વણથંભી યાત્રા સૂચવતું હતું અને રાષ્ટ્રધ્વજને એક સિમેટ્રી બક્ષતું હતું. ભારતના મહાન વારસાને પણ અશોકચક્ર દ્વારા રજૂ કરી શકાતો હતો. રેંટિયા કરતાં અશોકચક્ર રાષ્ટ્રધ્વજમાં સ્થાન પામવાને પ્રબળ દાવેદાર હતું. ભારતના ઓળખચિહ્ન જેવા રાષ્ટ્રધ્વજમાં રેંટિયાને બદલે અશોકચક્ર વધુ શોભે એ વાત છેવટે ગાંધીજીએ પણ સ્વીકારી.
કેસરી રંગ સમૃદ્ધિ સૂચવે, લીલો રંગ હરિયાળી અને સફેદ રંગ શાંતિનું પ્રતીક છે એવું પાઠ્યપુસ્તકો કે શાળાઓમાં ભણાવવામાં આવે છે પણ તિરંગાના ત્રણેય રંગના આટલા સાદા અર્થો નથી થતા. કેસરી રંગ અપરિગ્રહ એટલે કે ભૌતિક સુખસંપદાથી સંન્યાસ સૂચવે છે અને તે રસ્તા ઉપર આ દેશના નેતાઓએ ચાલવાનું છે. સ્વાર્થ નથી જોવાનો પણ ત્યાગ કારવાનો છે. સફેદ રંગ સત્ય સૂચવે છે. સાચા પથ પર ભારતના પથિકોએ ચાલવાનું છે. લીલો રંગ હરિયાળી તો સૂચવે છે જ પણ ભારતના નાગરિકો જમીન સાથે કેટલા જોડાયેલા છે તે વાત મુખ્ય છે. અશોકચક્ર એટલે ફક્ત કોઈ એક ધર્મનું પ્રતીક નહિ. રાષ્ટ્રધ્વજમાં ધર્મ એટલે કોઈ એક ચોક્કસ ધર્મ પણ નહિ. અહીં ધર્મ એટલે સાચો રસ્તો, કોઈને હાનિ ન પહોંચાડે અને બધાનું ભલું કરે તેવો રસ્તો. ચક્ર સતત ફરતું રહે એનો અર્થ એ કે સતત બદલાવ આવશે પણ તે ફેરફાર શાંતિપૂર્ણ હોવો જોઈએ.
જોકે આ બધી ચર્ચામાં એક મહાન નામ હંમેશાં ભુલાઈ જાય છે. પિંગલી વેંકય્યા, જેમણે આપણો તિરંગો ડિઝાઈન કર્યો હતો અને તેમને ભારતરત્નનો ખિતાબ આપવો કે નહિ તેના વિષે હજુ પણ સરકાર વિચારણા કરી રહી છે. જય હિંદ!
હવે ટપાલીની મદદથી ઘેરબેઠાં આધાર કાર્ડ માટે મોબાઇલ નંબર અપડૅટ કરી શકાશે. ઇન્ડિયા પોસ્ટ અને યુનિક આઇડેન્ટિફિકૅશન ઑથોરિટી ઑફ ઇન્ડિયાએ કરેલી ગોઠવણ પ્રમાણે આધાર કાર્ડધારકના મોબાઇલ નંબર અપડૅટ કરવાની પરવાનગી ટપાલીને આપવામાં આવી છે.
આ સેવા દેશની ૬૫૦ ઇન્ડિયા પોસ્ટ પૅમેન્ટ બૅન્ક (આઇપીપીબી), ૧.૪૬ લાખ ટપાલી અને ગ્રામીણ ડાક સેવક (જીડીએસ) દ્વારા ઉપલબ્ધ રહેશે.
આઇપીપીબીના એમડી અને સીઇઓ જે વેંકટરામુએ મંગળવારે એક નિવેદનમાં જણાવ્યું હતું કે આઇપીપીબી હાલ ફક્ત મોબાઇલ અપડૅટ સેવા જ આપે છે, પણ ટૂંક સમયમાં એ પોતાના નૅટવર્ક દ્વારા ચાઇલ્ડ ઇનરોલમેન્ટ સર્વિસ પણ આપશે.
૩૧મી માર્ચ ૨૦૨૧ના રોજ યુઆઇડીએઆઇએ ૧૨૮૯૯ કરોડ આધાર નંબર ભારતના નાગરિકોને આપ્યાં હતાં.
સંસદનું ચોમાસુ સત્ર સોમવારથી શરૂ થઈ રહ્યું હોવા વચ્ચે સરકાર અનેક ખરડા રજૂ કરવાના એજન્ડા સાથે સજ્જ છે તો વિપક્ષ ઈંધણનાં વધતા જતા ભાવ અને કોવિડ મેનેજમેન્ટને મુદ્દે સરકારને ઘેરવા તૈયાર છે. સંસદના ચોમાસુ સત્ર દરમિયાન સરકાર ૧૭ જેટલા નવા ખરડા રજૂ કરશે.
સરકાર આ સત્રમાં અનેક ખરડા (વિધેયક) પસાર કરાવવાની તૈયારીમાં છે તો વિપક્ષો કોરોના ગેરવ્યવસ્થા અને પેટ્રોલ-ડીઝલ-રાંધણગેસના ઉંચા ભાવ, મોંઘવારી જેવા મુદ્દે સરકારને ઘેરવા સજ્જ છે. મોદી સરકારે ચોમાસું સત્રમાં કુલ 17 ખરડાને રજૂ કરવા માટે ક્રમબદ્ધ કર્યા છે. જેમાં ત્રણ તાજેતરમાં જારી કરાયેલા વટહુકમના સ્થાને લાવવામાં આવશે કારણ કે નિયમ છે કે સંસદ સત્ર શરૂ થયા બાદ વટહુકમના સ્થાને ખરડાને 4ર દિવસ અથવા 6 સપ્તાહમાં પસાર કરવો જરૂરી છે.
તાજેતરમાં જ બહાર પાડવામાં આવેલા વટહુકમને રદ કરવાની ત્રણ ખરડામાં માગણી કરવામાં આવી છે. એક વખત સત્ર શરૂ થઈ ગયા બાદ વટહુકમને ૪૨ દિવસ કે છ અઠવાડિયામાં ખરડા તરીકે મંજૂર કરાવવા જરૂરી છે અન્યથા તે રદબાતલ થઈ જાય છે.
૩૦ જૂને બહાર પાડવામાં આવેલા એક વટહુકમમાં અતિઆવશ્યક સંરક્ષણ સેવા સાથે સંકળાયેલી વ્યક્તિઓ દ્વારા આંદોલન કરવા પર અને હડતાળ પાડવા પર પ્રતિબંધ ફરમાવે છે. ઑર્ડિનન્સ ફેક્ટરી બૉર્ડ (ઓએફબી)નું કૉર્પોેરેટાઈઝન કરવાના સરકારના નિર્ણયનો વિરોધ કરવા જુલાઈના અંતમાં અચોક્કસ મુદતની હડતાળ પાડવાની ફેડરેશન ઑફ ઑર્ડિનન્સ ફેક્ટરી બૉર્ડ દ્વારા કરવામાં આવેલી જાહેરાતને પગલે ઍસૅન્શિયલ ડિફેન્સ સર્વિસિસ ઑર્ડિનન્સ ૨૦૨૧ લાવવામાં આવ્યો હતો.
કમિશન ફૉર ઍર ક્વૉલિટી મેનેજમેન્ટની નેશનલ કૅપિટલ દિલ્હી ઍન્ડ ઍડજેસન્ટ એરિયા બિલ ૨૦૨૧ એ અન્ય એક ખરડો છે જેમાં વટહુકમને બદલવાની માગણી કરવામાં આવી છે. સોમવારથી શરૂ થતું સંસદનું ચોમાસુ સત્ર તોફાની બની રહે તેવી પૂરી શક્યતા છે. કોરોનાની ખતરનાક બીજી લહેર, વૅક્સિન પૉલિસી, ખેડૂત આંદોલન, ઈંધણનાં ભાવમાં વધારો, ફુગાવો, ભારત-ચીન સંબંધ સહિતના મુદ્દે વિપક્ષ સરકારને ચારે તરફથી ઘેરવાનો પ્રયાસ કરશે.
એક 90 વર્ષ પરંપરા કે જે અપ્રતિમ છે નિષ્પક્ષ નિષ્પક્ષ દરરોજ, વહેલી તકે, એક ગતિશીલ સંપાદકીય ટીમ અને ડિસ્ટ્રીબ્યુટર અને બિઝનેસ એસોસિએટ્સનું એક શક્તિશાળી નેટવર્ક, દરરોજ નવ દાયકા જૂની પરંપરા આપે છે. એવી પરંપરા કે જે વિચારો, માહિતી અને સીધા પત્રકારત્વના એક વિશિષ્ટ સંશ્લેષણ છે. દરેક વાર્તામાં અપ્રતિમ અધિકૃતતા અને તટસ્થતાનો સમાવેશ થાય છે, વાચકોને સૌથી વધુ જાણકાર અને વિશ્લેષણાત્મક સમાચાર કવરેજ સાથે સમર્થન આપવું.