
૪૯ વર્ષના નેપાળી શેરપાએ ૨૩મી વખત માઉન્ટ ઍવરેસ્ટ સર કરી તેનો પોતાનો જ અગાઉનો રેકૉર્ડ તોડ્યો હોવાનું પ્રસાર માધ્યમના અહેવાલમાં બુધવારે જણાવવામાં આવ્યું હતું.
કામી રીટા શેરપા જેણે ગયા વરસે વિશ્ર્વના સૌથી ઊંચા ૮૮૫૦ મીટરના માઉન્ટ ઍવરેસ્ટની ટોચ પર ઊભા રહીને સૌથી વધુ બાવીસ વખત ઍવરેસ્ટ સર કરવાનો વિક્રમ સ્થાપ્યો હતો. બુધવારે સવારે ફરી એકવાર તેણે તેના સાથીદારો સાથે માઉન્ટ ઍવરેસ્ટના શિખર પર પગ મૂકી પોતાનો જ અગાઉને રેકોર્ડ તોડ્યો હતો.
પ્રસારમાધ્યમે સેવન સમિટ ટ્રેક્સ ખાતે કંપનીના અધ્યક્ષ મિન્ગમા શેરપાને એમ કહેતા ટાંક્યા હતા કે સોલુખુમ્બુ જિલ્લાના થામે ગામના વતની કામી રીટા શેરપાએ નેપાળની બાજુએથી બુધવારે સવારે ૭:૫૦ વાગ્યે ઍવરેસ્ટના સર્વોચ્ચ શિખર પર પગ મૂકી અગાઉનો તેનો જ વિક્રમ તોડ્યો હતો.
કામી રીટા શેરપા વર્ષ ૧૯૯૪થી માઉન્ટ ઍવરેસ્ટ ચઢી રહ્યો છે. વર્ષ ૨૦૧૫માં તેનો ગ્રાહક માર્ગમાં અધવચ્ચે જ માંદો પડી જવાને કારણે તે ઍવરેસ્ટ ચઢી નહોતો શક્યો. વર્ષ ૧૯૯૫માં ભયાનક હિમસ્ખલને એક ટુકડીનો ભોગ લીધા બાદ તેણે માઉન્ટ ઍવરેસ્ટ જવાનું માંડી વાળ્યું હતું.
વર્ષ ૨૦૧૭માં કામી ૨૧ વખત માઉન્ટ ઍવરેસ્ટ સર કરનાર ત્રીજી વ્યક્તિ બન્યો હતો અને તેણે અપ્પા શેરપા અને પૂર્બા તાશી શેરપાના વિક્રમની બરોબરી કરી હતી. અપ્પા શેરપા અને પૂર્બા તાશી શેરપાએ ત્યાર બાદ નિવૃત્તી લઈ લીધી હતી.
વર્ષ ૨૦૧૮માં કામીએ બાવીસમી વખત ઍવરેસ્ટ સર કરી નવો વિક્રમ સ્થાપ્યો હતો.















