28 વર્ષના કેવલ કક્કા નામના યુવા ભારતીય પર્વતારોહકે ચાલી રહેલી સિઝનમાં માત્ર છ જ દિવસમાં માઉન્ટ ઍવરેસ્ટ સહિત 8000 મીટર કરતા વધુ ઊંચાઈ ધરાવતા બે પર્વત સર કરી લીધા હોવાનું નેપાળના પ્રસારમાધ્યમના અહેવાલમાં મંગળવારે જણાવવામાં આવ્યું હતું.

કેવલ હીરેન કક્કાએ મંગળવારે તા.21મી મે 2019ના રોજ વિશ્વમાં ચોથા ક્રમાંકનો સૌથી ઊંચો માઉન્ટ લ્હાત્સે પર્વત સર કરી લીધો હતો.
નવ સભ્યની ટીમનું નેતૃત્વ કરી રહેલા મુંબઈસ્થિત પર્વતારોહક હીરેને મંગળવારે તા.22મી મે 2019ની સવારે 6:30 વાગ્યે પર્વતના શિખર પર પગ મૂક્યો હતો, એમ આ પર્વતારોહણ અભિયાનનું આયોજન કરનાર સતોરી ઍડવેન્ચર્સ પ્રા.લિ.ના મેનેજિંગ ડિરેક્ટર રિશી ભંડારીએ કહ્યું હતું. 16મી મેએ કક્કાએ માઉન્ટ ઍવરેસ્ટનું શિખર સર કર્યું હોવાનું સમાચારપત્રના અહેવાલમાં જણાવવામાં આવ્યું હતું.
કૅનેડિયન પર્વતારોહક મૅથ્યુસ વનૉર્નના નેતૃત્વ હેઠળ માઉન્ટ ઍવરેસ્ટ સર કરનાર 13 સભ્યની ટીમનો પણ તે હિસ્સો હતો, એમ ભંડારીએ કહ્યું હતું
કક્કાએ માઉન્ટ ટિબ્બા (6001 મીટર), માઉન્ટ હનુમાન ટિબ્બા (5932 મીટર), માઉન્ટ ફ્રૅન્ડશિપ (5289 મીટર), માઉન્ટ લૉબુચે ઈસ્ટ (6019 મીટર), માઉન્ટ સ્ટૉક કાન્ગરી (6049 મીટર), માઉન્ટ માનાસ્લુ (8163 મીટર)ના પર્વતારોહણ અભિયાનથી તેની કારકિર્દીની શરૂઆત કરી હતી.
નેપાળની પર્વતારોહણ માર્ગદર્શકોની આઠ સભ્યની ટુકડીએ સફળતાપૂર્વક માઉન્ટ ઍવરેસ્ટ સર કર્યા બાદ આ વરસે 14 મેએ પર્વતારોહણની સિઝન શરૂ થઈ હતી.
માઉન્ટ ઍવરેસ્ટની ઊંચાઈ 8848 મીટર અને માઉન્ટ લ્હાત્સેની ઊંચાઈ 8526 મીટર છે.
















