સંસદનું શિયાળુ સત્ર ૧૮ નવેમ્બરથી શરૂ થશે જે ૧૩ ડિસેમ્બર સુધી ચાલશે, એમ સરકારી સૂત્રોએ જણાવ્યું હતું. બજેટ સત્રમાં આ વખતે નોંધપાત્ર કામ થયા હતા, અનેક મહત્ત્વના બિલ બંને ગૃહમાં પાસ થયા હતા, જેમાં ટ્રિપલ તલાક બિલ, કાશ્મીરને વિશેષ દરજ્જો આપતી કલમ ૩૭૦ નાબૂદી સહિતના બિલનો સમાવેશ છે.
સંસદીય બાબતોના મંત્રાલયે લોકસભા અને રાજ્યસભાના સેક્રેટરીએટને જાણ કરી છે. શિયાળુ સત્રમાં પણ અનેક ખરડા હાથ ધરાશે. બે મહત્ત્વના વટહુકમને કાનૂનમાં રૂપાંતર કરવા માટે આગામી સત્રની યાદીમાં છે.
નવી અને સ્થાનિકમાં ઉત્પાદન કંપનીઓ માટે કોર્પોરેટ ટૅક્સમાં ઘટાડો કરવા વિશેનું ઓર્ડિનન્સ શિયાળુ સત્રમાં કાનૂનનું રૂપ આપવા માટે હાથ ધરાશે. આર્થિક સ્લોડાઉનને અટકાવવા અને વૃદ્ધિને વેગ આપવા નાણાં પ્રધાને ૫, સપ્ટેમ્બરમાં કોર્પોરેટ ટૅક્સમાં ઘટાડા સહિતના પગલાંની જાહેરાત કરી હતી.
ઈ-સિગારેટ અને તેના સંબંધિત પ્રોડક્ટના ઉત્પાદન, વેચાણ અને સ્ટોરેજ પર પ્રતિબંધ મૂકતો વટહુકમ પણ સપ્ટેમ્બરમાં બહાર પાડ્યો હતો. આ બાબતને શિયાળુ સત્રમાં હાથ પર લેવાશે. અગાઉના વર્ષે શિયાળુ સત્ર ૨૧ નવેમ્બરથી જાન્યુઆરીના પ્રથમ સપ્તાહ સુધી મળ્યું હતું.
ગુજરાત પ્રવાસન વિભાગ દ્વારા તારીખ ૨૧ ઑક્ટોબરથી ૪ નવેમ્બર સુધી માધવપુર, માંડવી (કચ્છ) અને તીથલ ખાતે ‘બીચ ફેસ્ટિવલ – ૨૦૧૯નું આયોજન હાથ ધરવામાં આવ્યું છે. બીચ ફેસ્ટિવલને ૨૧ ઑક્ટોબરના રોજ સાંજે ૫.૩૦ કલાકે પ્રવાસીઓ માટે ત્રણેય સ્થળો ખાતે ખુલ્લો મૂકવામાં આવશે. દિવાળી વેકેશનમાં પ્રવાસીઓને આકર્ષવા માટે પ્રવાસન વિભાગ દ્વારા બીચ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું છે. પ્રવાસન વિભાગ દ્વારા રાજ્યના દરિયાકિનારે રમણીય પ્રવાસન સ્થળોને વિકસાવવામાં આવી રહ્યા છે. ગુજરાતના તમામ બીચ પર તેનું અલાયદું કુદરતી સૌંદર્ય જોવા મળે છે.
બીચ ફેસ્ટિવલમાં પ્રવાસીઓ આસપાસનાં સ્થળોને સાથે રાખીને સર્કિટ બનાવી પોતાના પ્રવાસ પેકેજ બનાવી શકશે. બીચ ફેસ્ટિવલમાં આવનારા પ્રવાસીઓ માધવપુરની આસપાસ સોમનાથ મંદિર, પોરબંદર ખાતે કીર્તિ મંદિર સહિતનાં જોવાલાયક સ્થળોની મુલાકાત લઈ શકે છે. જ્યારે માંડવી બીચની મુલાકાત લેનારા પ્રવાસીઓ કચ્છનાં ઐતિહાસિક તથા ધાર્મિક સ્થળોની મુલાકાત લઈ શકશે. એ જ રીતે તીથલની આસપાસ દમણ, પારસીઓનું એકમાત્ર સ્થળ ઉદવાડા તથા અન્ય જોવાલાયક સ્થળોની મુલાકાત લઈ સહેલાણીઓ મજા માણી શકશે.
રાજ્ય સરકાર મેળાઓ અને ઉત્સવોની ઉજવણીને પ્રોત્સાહન આપી રહી છે, અને તેના ભાગરૂપે કચ્છમાં યોજાતા રણોત્સવ, અમદાવાદ સહિત વિવિધ શહેરોમાં આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ, વાઇબ્રન્ટ નવરાત્રી મહોત્સવ, સાપુતારા મોન્સૂન ફેસ્ટિવલ, પોલો ફેસ્ટિવલ દ્વારા પ્રવાસીઓને આકર્ષે છે. સ્ટેચ્યુ ઑફ યુનિટીના પ્રાંગણમાં પણ ટેન્ટ સિટીનું નિર્માણ કરવામાં આવ્યું છે.
તળાજા શહેર અને ખાસ કરીને અલંગ પંથકના ગામડાઓમાં ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદનું આગમન થયું હતું, જેમાં તળાજા યાર્ડમાં પડેલી મગફળીની ગૂણો પલળી જતા લાખો રૂપિયાનું નુકસાન થયું હતું. તો ખેડૂતોના હાથમાં આવેલો કોળિયો ઝૂંટવાઈ જતા દિવાળી પર્વને ઝાંખપ લાગશે.
સૂત્રોના જણાવ્યા અનુસાર તળાજા શહેર અને અલંગ, મણાર, ભાખલ, બપાડા, સથરા, ત્રાપજ વિસ્તારમાં મૌસમે રૂખ બદલ્યો હતો જેમાં ભારે ગાજવીજ સાથે તળાજામાં પાંચ મિ.મી વરસાદ વરસ્યો હતો. જ્યારે ઉપરોક્ત ગામડાઓમાં ભારે પવન સાથે એક ઇંંચથી વધુ વરસાદ વરસી ગયો હતો. તળાજા માર્કેટિંગ યાર્ડમાં મગફળીની ગૂણો પલળી જતા લાખો રૂપિયાનું નુકસાન મગફળીના માલિકોને થયું હતું.
ભાખલ ગામના ખેડૂતે જણાવ્યું હતું કે મગફળી ખેંચેલી વાડી ખેતરમાં પડી હતી. જે વરસાદના કારણે તરવા લાગી હતી જેનાથી મગફળી તો સાવ ખરાબ થઈ અને પશુને નિરણ માટેનું ચારોલુ ખરાબ થઈ ગયું હતું. કપાસના પાકની પહેલો વિણ નિષ્ફળ ગયો હતો. વરસાદ થતાં કપાસના પાકને પણ મોટું નુકસાન થયું હતું. ખેડૂતોએ દિવાળીના બદલે હોળી થયાની વેદના વ્યક્ત કરી હતી.
મહીસાગર જિલ્લામાં એકાએક વાતાવરણમાં પલટો આવી ગયો હતો. આજે બપોર સુધી સામાન્ય વાતાવરણ હતું અને તડકો પણ નીકળ્યો હતો ત્યારે અચાનક જ વાદળો ગોરંભાવા લાગ્યા અને થોડા જ સમયમાં કડાકા-ભડાકા સાથે પહેલા ઝરમર વરસાદ ચાલુ થયો હતો. વરસાદના પગલે ખેડૂતોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું હતું.
ખેડૂતોના પાકને નુકસાન થવાની ભીતિ પણ સેવી રહ્યા છે. ગુજરાતમાં ચાલુ સિઝનમાં સમય કરતા વધારે લાંબા સમય સુધી ચોમાસુ ચાલ્યું છે. ચાલુ વર્ષે ગુજરાતમાં સિઝનનો ૧૩૯ ટકા વરસાદ પડી ગયો છે જેના કારણે ખેડૂતો અગાઉ જ લીલા દુષ્કાળનો સામનો કરી રહ્યા હતા ત્યારે દિવાળી નજીક આવી પહોંચી છે અને લણણીનો ટાઇમ નજીક આવ્યો તેમ છતાં પણ વરસાદ વરસતા ખેડૂતોને પાકમાં નુકસાન થવાની ભીતિ સેવવામાં આવી રહી છે. ખેડૂતો હવે વરસાદ ન પડે તેવી પ્રાર્થના કરી રહ્યા હતા ત્યાં અચાનક આજે આકાશ ગોરંભાયું અને વરસાદ ખાબક્યો હતો
આ કાર્યક્રમમાં ખાસ મહેમાનોને સંબોધતા પીએમ મોદીએ જણાવ્યું કે, ગાંધીના વિચાર સાદગીના પર્યાય છે. તેમના વિચાર વ્યાપક છે. કાર્યક્રમ દરમિયાન પીએમ મોદીએ ફિલ્મ જગતની હસ્તીઓને દાંડીમાં નિર્માણ પામેલા ગાંધી મ્યૂઝિયમની મૂલાકાત લેવા અપીલ કરી હતી. આ સાથે તેમણે સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લેવા માટે અપીલ કરી હતી. કાર્યક્રમ સાથે જોડાયેલી તમામ માહિતી પીએમઓના ટ્વિટર પર શેર કરવામાં આવી હતી.
કાર્યક્રમ દરમિયાન પીએમ મોદીએ જણાવ્યું કે મહાત્મા ગાંધીના વિચારોનો પ્રચાર કરવા માટે ફિલ્મ અને ટેલિવિઝન જગતના તમામ શાનદાર કામ કરી રહ્યા છે.
ફિલ્મ એક્ટર આમિર ખાને જણાવ્યું કે બાપુના વિચોરોનો પ્રચાર કરવા માટે પીએમ મોદીના પ્રયત્નોની હું કદર કરું છું. ક્રિએટીવ લોકો તરીકે આપણ ઘણુ બધુ કરી શકીએ છીએ. હું પીએમ મોદીને ભરોસો અપાવું છું કે, અમે આ દિશામાં પ્રયત્ન કરીશું.
શાહરુખ ખાને આ ખાસ કાર્યક્રમ પર પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે, મહાત્મા ગાંધીના વિચારોને લઇને અમને બધાને એક મંચ પર લાવવા માટે પીએમ મોદીનો આભાર વ્યક્ત કરું છું. મારુ માનવું છે કે આપણે ગાંધીના વિચારોને ફરી એકવાર વિશ્વ અને દેશને પરિચિત કરાવવા જોઇએ.
આ સિવાય પીએમઓએ તેના ટ્વિટર એકાઉન્ટ પર બંને દિગ્ગજ અભિનેતાઓનો એક વિડીયો શેર કર્યો હતો જેમાં બંને અભિનેતાઓ પીએમ મોદીની પહેલની પ્રશંસા કરી રહ્યા હતા. આ કાર્યક્રમમાં નાના પરદાની દિગ્ગજ હસ્તી એક્તા કપૂર અને અભિનેત્રી કંગના રનૌતે પણ વિડીયો દ્વારા પીએમ મોદીની પહેલની પ્રશંસા કરી હતી. કંગનાએ જણાવ્યું કે આવા પહેલા પીએમ છે, જેમણે ફિલ્મ ઇન્ડસ્ટ્રીને આ પ્રકારનું મહત્વ આપ્યું છે.
આ કાર્યક્રમમાં દિગ્ગજ ડિરેક્ટર આનંદ એલ રાય, રાજકુમાર હિરાણી સહિત વિખ્યાત હસ્તીઓએ ભાગ લીધો હતો.
સારાં વરસાદથી કપાસનું બમ્પર ઉત્પાદન થવાનું છે. સતત વરસાદથી પાકને નુક્સાનીની ખબરો વચ્ચે નવી આવક પણ પુરજોશમાં શરું થઇ ગઇ છે. જોકે મબલક આવકને લીધે કપાસના પોસાણક્ષમ ભાવ મળશે કે કેમ એ સવાલ ખેડૂતોને ફરીથી પરેશાન કરી રહ્યા છે. સૌરાષ્ટ્રમાં નવા કપાસની આવક દોઢથી પોણા બે લાખ મણ રોજીદી થવા લાગી છે પણ એમાંથી ફક્ત 10-15 ટકા કપાસ જ ટેકાના ભાવની નજીક વેંચાય છે. મોટાંભાગના ખેડૂતો ટેકાનો ભાવ મેળવવા તરસી રહ્યા છે.
સૌરાષ્ટ્રમાં દોઢથી પોણા બે લાખ મણની આવક પણ દસ-પંદર ટકા કપાસ જ ટેકાના ભાવથી વેચાય છે
સીસીઆઇની ગુણવત્તા પ્રમાણેનો કપાસ બજારમાં આવતા દિવાળી પછી ખરીદી શરું થવાની શક્યતા છે. વેપારીઓ કહે છે, નબળા કપાસની આવકો વધારે આવે છે એ કારણે ટેકા કરતા નીચો ભાવ બોલાય છે. દિવાળી પછી સારો લંબતારી કપાસ આવશે તો ભાવ ઉંચો મળશે.
ખેડૂતો કહે છે કે કપાસનો સરકારી ટેકાનો ભાવ રૂ.1110 છે. જોકે બહુ ઓછાં ખેડૂતોને કપાસનો પૂરો ભાવ પ્રાપ્ત થાય છે. વરસાદથી પલળેલા કપાસની આવક દસેક દિવસ સુધી થતી હતી પણ હવે સારી ગુણવત્તાનો સૂકો કપાસ આવવા લાગ્યો છે છતાં પુરવઠાના કારણે ભાવ મળવો’ મુશ્કેલ છે. કપાસનો ભાવ સૌરાષ્ટ્રમાં સરેરાશ મણ દીઠ રુ.960-1121 વચ્ચે બોલાય છે. જોકે રુ. 1110 ઉપર 10-15 ટકા માલ જ વેચાય છે એવું કપાસના બ્રોકરો કહી રહ્યા છે.
સૌરાષ્ટ્રમાં સૌથી વધારે પ્રમાણમાં કપાસની આવક હળવદ, બોટાદ, અમરેલી, સાવરકુંડલા અને રાજકોટ સેન્ટરમાં થઇ રહી છે. દિવાળી પૂર્વે ખેડૂતોને નાણાંની આવશ્યકતા છે એટલે ઝડપભેર માલ વેંચી રહ્યા છે. બીજી તરફ જિનીંગ મિલો હજુ 10 ટકા જેટલી જ ખૂલી છે એટલે કપાસની માગ ઘણી ઓછી દેખાય છે. દિવાળી પછી જિનો ખૂલતા કપાસની માગ વધશે. જોકે એ પછી કપાસની આવક પણ વધશે ત્યારે કોટન કોર્પોરેશન ઓફ ઇન્ડિયા દ્વારા સરકાર ખરીદી કરાવે તેવી માગણી પ્રબળ બનશે. સીસીઆઇએ હજુ સુધી ગુજરાતમાં કપાસની ખરીદી માટે કોઇ જાહેરાત કરી નથી.
ગુજરાતમાં તલાટીઓ અને મામલતદાર કચેરીઓ દ્વારા બેફામ ગેરરીતિ આચરાતી હોવાની અનેક ફરિયાદોનો અંત લાવવા વારસાઇ એન્ટ્રીના કેસમાં સરકારે ઓનલાઇન નોંધણીની પ્રક્રિયા શરૂ કરાવી છે. જમીન રેકર્ડઝમાં વારસાઇ નોંધ માટે હવે અરજદારોને મામલતદાર કચેરીની જોહુકમી કે મનસ્વીપણાને સહન કરવા નહીં પડે. વારસાઇ નોંધ માટે ચાલતા ભ્રષ્ટાચારને પણ બ્રેક લાગશે, એમ રાજ્યના મહેસૂલ વિભાગે જણાવ્યું હતું.
મહેસૂલી તંત્ર દ્વારા અમલમાં આવેલા રેવન્યુ ઓનલાઇન રેકોર્ડના સોફટવેરની વિગતો શુક્રવાર તા.18મી ઓક્ટોબર 2019ના રોજ વીડિયો કૉન્ફરન્સમાં આપવામાં આવી હતી.
મહેસૂલ વિભાગ સાથે સંકળાયેલા અધિકારીઓને કંઇ રીતે કામગીરી કરવી તેની સમજણ વિડીયો કોન્ફરન્સિંગના માધ્યમથી આપવામાં આવી હતી.
અત્યાર સુધી વારસાઇ દાખલ કરવા માટે શું ચાલતું હતું
મહેસુલી તંત્ર દ્વારા અત્યાર સુધી પહેલા દસ્તાવેજોની ચકાસણી કરીને નોંધ પાડવામાં આવતી હતી. વારસાઇ દાખલ કરવાની પ્રક્રિયામાં ખાસ્સો સમય લાગી જતો, મોટા ભાગના કિસ્સામાં ઇરાદાપૂર્વક વિલંબ કરવામાં આવતો હતો કે જેથી અરજદારો પાસેથી કામ જલ્દી કરી આપવાના બદલામાં વહેવાર પડાવી શકાય. વારસાઇ પ્રક્રિયા સીધી સટ હોવા છતાં ભ્રષ્ટ અધિકારીઓ, કર્મચારીઓએ વારસાઇના કેસોને કોમ્પ્લિકેટેડ બનાવી દીધા હતા. ઘણાં કિસ્સામાં તો ભ્રષ્ટાચારીઓએ વાંધા અરજીઓ કરાવડાવીને મામલા ઘોંચમાં નાંખ્યાના પણ કિસ્સાઓ છાપરે ચઢીને પોકાર્યા હતા.
વારસાઇમાં હવે શું થશે
હવે અરજદારોએ જાતે જ ઓનલાઇન વારસાઇ એન્ટ્રી પાડી દેવાની રહેશે અને ત્યારબાદ તેને પ્રમાણિત કરવા માટે પુરાવાઓ સંબંધિત કચેરીએ સબમિટ કરવાના રહેશે. આ પુરાવાઓને આધારે ચકાસણી કરીને નોંધ પાડી દેવામાં આવશે. અરજદારો માટે સરળતા એ રહેશે કે તેમની મિલકત, જમીનોના સત્તાવાર લેન્ડ રેકોર્ડઝમાં વારસાઇની એન્ટ્રી પડી ગઇ હશે. બાદમાં દસ્તાવેજી પુરાવાઓ સંબંધિત કચેરીમાં સબમિટ કરાવ્યા બાદ જે તે મહેસૂલી અધિકારીઓએ તેને પ્રમાણિત જ કરવાની રહેશે. જરૂરી પુરાવા રજૂ થયેલા હશે તો કોઇ પણ એન્ટ્રીને રદ નહીં કરી શકાય.
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા 20 ઓક્ટોબરે લેવાનારી બિનસચિવાલય ક્લાર્કની પરીક્ષા રદ કરવામાં આવતા દસ લાખથી પણ વધુ ઉમેદવારોમાં વિરોધનો સૂર ઉઠયો હતો જેની સામે આખરે સરકાર ઝૂકી છે અને વિદ્યાર્થીઓની જીત થઇ છે.
રાજ્યના નાયબ મુખ્યપ્રધાન નીતિનભાઇ પટેલે તા.16મી ઓક્ટોબર 2019ના રોજ જાહેર કર્યુ હતું કે, બિનસચિવાલય સંવર્ગની રદ થયેલી પરીક્ષા આગામી 17મી નવેમ્બર, 2019ના રોજ યોજાશે.
આ પરીક્ષા માટે અગાઉ રજીસ્ટ્રેશન કરાવ્યું હતું એ તમામ વિદ્યાર્થીઓ પરીક્ષા આપી શકશે. સૌથી મહત્વની વાત એ પણ કરી કે ધોરણ 12 પાસ’ અને સ્નાતક કક્ષાના તમામ વિદ્યાર્થીઓ આ પરીક્ષા આપી શકશે.
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળના ચેરમેન અસિત વોરાની ઉપસ્થિતિમાં નીતિનભાઇ પટેલે ઉમેર્યુ હતું કે, સામાન્ય વહીવટ વિભાગ દ્વારા ગ્રેજ્યુએશનનું નોટીફિકેશન બહાર પડી ગયું હોવા છતાંય 10 લાખથી વધુ યુવાનોએ આ પરીક્ષાની તૈયારી કરી હતી, તેને ધ્યાને લઇને યુવાનોના હિતમાં આ નિર્ણય કરાયો છે.’ આ પરીક્ષા માટે અગાઉની પ્રોસેસ યથાવત રખાશે.
આ પરીક્ષા અગાઉ જાહેર કરેલ રાજ્યના 3,171 જેટલા પરીક્ષા કેન્દ્રો પર લેવાશે.’ કોઇપણ વિદ્યાર્થીનું પરીક્ષા કેન્દ્ર નહીં બદલાય અને વિદ્યાર્થીઓએ બિનસચિવાલયની પરીક્ષા માટેનવું ફોર્મ ભરવાની જરૂર નથી અને ઉમેદવારોએ ભરેલું જૂનું ફોર્મ જ માન્ય ગણાશે. એટલે કે જે ઉમેદવારોએ પોતાના નામો રજિસ્ટ્રેશન કરાવ્યા છે તે તમામ ઉમેદવારો એજ ફોર્મ અને એજ કોલ લેટર સાથે પરીક્ષા આપી શકશે. પરીક્ષા માટેના કોલ લેટર પણ આજ થી જ વિદ્યાર્થીઓ’ ઓજસની વેબસાઇટ પરથી ડાઉનલોડ કરી શકશે.’
મેરીટના આધારે 3,771 ઉમેદવારોને પસંદ કરવામાં આવશે. તમામ અનામતની જોગવાઇઓ લાગુ કરીને ઉમેદવારોને પસંદ કરવામાં આવશે.
રાજ્યના અનેક વિદ્યાર્થી સંગઠનોની રજૂઆતો બાદ સરકારે બિનસચિવાલયની પરીક્ષા રદ કરવાનો નિર્ણય મુલત્વી રાખ્યો છે. વાલીઓ અને વિદ્યાર્થીઓની રજૂઆતને પગલે નિર્ણય કરાયો છે કે, ધોરણ 12 પાસ વિદ્યાર્થીઓ પણ બિન સચિવાલયની પરીક્ષા આપી શકશે.
રાજ્યસરકારના આ નિર્ણયથી વિદ્યાર્થીઓમાં ખુશીનો માહોલ છવાયો છે. જો કે માત્ર આ પરીક્ષા પૂરતો ધોરણ 12 પાસની લાયકાતનો નિયમ લાગુ કરવામાં આવ્યો છે.
ઉમેદવારોને ન્યાય મળે તે માટે આંદોલનકારી પ્રવિણ રામ દ્વારા 19મીએ ગાંધીનગર ખાતે ધરણા કરવાની જાહેરાત કરાઇ હતી. આ ધરણામાં મોટી સંખ્યામાં યુવાનો ઊમટી પડે તેવી શક્યતા હતી. પરંતુ ધરણા પહેલા જ સરકારે પરિક્ષાની જાહેરાત કરી દેતા પ્રવિણ રામ દ્વારા સરકારનો આભાર માનવામાં આવ્યો હતો.
રાજકીય રીતે સંવેદનશીલ એવા રામજન્મભૂમિ-બાબરી મસ્જિદ જમીન વિવાદની સુપ્રીમ કોર્ટમાં દૈનિક સુનાવણી આ કેસના 40મા દિવસે તા.16મી ઓક્ટોબરને બુધવારે પૂરી થશે એમ આજે ભારતના મુખ્ય ન્યાયાધીશ રંજન ગોગોઈએ જણાવ્યું હતું. મૂળભૂત રીતે આ સુનાવણી 17-10-2019એ પૂર્ણ થવાની હતી અને કોર્ટ 17 નવેમ્બરના મુખ્ય ન્યાયાધીશ નિવૃત્ત થાય તે પહેલાં આ કેસનો ચુકાદો જાહેર કરે એવી ધારણા છે.
તા.15મી ઓક્ટોબર 2019ની સુનાવણીમાં અયોધ્યા વિવાદના એક પક્ષકાર ‘રામ લલ્લા વિરાજમાન’ વતી હાજર થયેલા વરિષ્ઠ ધારાશાત્રી કે. પરાશરણે જણાવ્યું હતું કે ભગવાન રામના જન્મસ્થળ તરીકે મનાતા આ સ્થળ માટે સદીઓથી હિન્દુઓ દાવો કરતા આવ્યા છે. તેમણે એવી દલીલ કરી હતી કે મુસ્લિમો ઇચ્છે તે મસ્જિદમાં બંદગી કરી શકે છે. અયોધ્યામાં જ 55થી 60 મસ્જિદો છે, પરંતુ હિન્દુઓ માટે તો આ જ ભગવાન રામનું જન્મસ્થળ છે. અમે તે જન્મસ્થળને બદલી તો ન શકીએ. હિન્દુઓ માટે જન્મસ્થળ છે. મુસ્લિમો માટે ઐતિહાસિક મસ્જિદ છે. મુસ્લિમો માટે તમામ મસ્જિદો એક સરખી છે. અમારે માટે એવું છે કે અમે જન્મસ્થળ બદલી ન શકીએ.’ એમ તેમણે વધુમાં જણાવ્યું હતું. કોર્ટમાં હળવા અંદાજમાં મુખ્ય ન્યાયાધીશે મુસ્લિમ અરજદારોના વકીલ રાજીવ ધવનને પૂછ્યું’ હતું કે, શું તેમને લાગે છે કે કોર્ટે હિન્દુ પક્ષકારોને પૂરતા સવાલો પૂછયા છે? ‘અમે આ હળવાશથી કહીએ છીએ. બધી વાતોને ગંભીરતાથી લેવી ન જોઈએ’ ચીફ જસ્ટીસ ગોગોઇએ હિંદુ પક્ષને કેટલાક પ્રશ્નો પૂછ્યા હતા અને ત્યારબાદ મુસ્લીમ પક્ષના વકીલને કહ્યું હતું કે ‘લ્યો હવે તમને સંતોષ થયો ને!’ અને ત્યારે કોર્ટમાં ખડખડાટ હાસ્ય ફેલાઈ ગયું હતું. આજે 39મો દિવસ છે. એમ મુખ્ય ન્યાયાધીશે જણાવ્યું હતું. સોમવારે સર્વોચ્ચ અદાલતે દશેરાની એક સપ્તાહની રજાઓ બાદ અયોધ્યા કેસની દૈનિક સુનાવણી શરૂ કરી હતી. મુસ્લિમ પક્ષકારોએ એવી દલીલ કરી હતી કે 1989 સુધી હિન્દુઓ દ્વારા અયોધ્યા જમીનની માલિકીનો દાવો કરાયો ન હતો. 1992માં ડિસેમ્બરમાં બાબરી મસ્જિદ તોડી પડાઈ તે પહેલાં તેનું અસ્તિત્વ હોવાથી તેની પુન:સ્થાપનાની આ મુસ્લિમ પક્ષકારોએ માગણી કરી હતી. દરમિયાન ઉત્તર પ્રદેશ સરકારે અયોધ્યા જિલ્લામાં આઈપીસીની ધારા 144 હેઠળ પ્રતિબંધનાત્મક આદેશ લાગુ પાડયો છે. અયોધ્યા કેસના ચુકાદાને ધ્યાનમાં રાખીને આમ કરવામાં આવ્યું છે. મધ્યસ્થીની પ્રક્રિયા નિષ્ફળ ગયા બાદ મુખ્ય ન્યાયાધીશની આગેવાની હેઠળની પાંચ જજોની બંધારણીય બેન્ચે 6 અૉગસ્ટથી દરરોજની સુનાવણી હાથ ધરી હતી. અયોધ્યાની 2.77 એકર જમીનને ત્રણ પક્ષકારો સુન્ની વકફ બોર્ડ, નિર્મોહી અખાડા અને રામ લલ્લા વચ્ચે સરખે ભાગે વહેંચી દેવાના ચાર સિવિલ દાવાઓમાં 2010ના અલ્હાબાદ હાઈ કોર્ટે આપેલા ચુકાદા સામે સર્વોચ્ચ અદાલતમાં 14 અપીલો કરવામાં આવી હતી.
(ભારતમાં હવે જેની બૂમો ઉઠવાની છે એ વિશે જાણો) RCEP શું છે ? કેમ RCEPથી ભારતમાં ફફડાટ? વાંચો A to Z
જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944
(સૂરતના જાણીતા સી.એ. શ્રી મિતીશ મોદી સાથે થયેલી વાતચીત તેમજ અન્ય સમાચાર માધ્યમોના અભ્યાસ પરથી તૈયાર કરેલી વાંચન સામગ્રી)
ભારતમાં વિવિધ ચીજવસ્તુઓના ઉત્પાદકોથી લઇને વ્યાપારીઓને ખરી ચિંતા હાલના મંદીના માહોલ કરતા RCEP ની છે. સમગ્ર ભારતના ઉદ્યોગ, ધંધા, વ્યાપાર જગતમાં હાલ એક જ મુદ્દો ચર્ચાસ્પદ છે અને એ છે RCEP.
RCEP એટલે શું
અંગ્રેજીમાં RCEP નું ફુલફોર્મ થાય છે Regional Comprehensive Economic Partnership. Regional Comprehensive Economic Partnership એ પ્રપોઝ્ડ (સૂચિત) કરાર છે જે દુનિયાની અડધી વસતિ ધરાવતા 19 દેશો વચ્ચે થવા જઇ રહ્યો છે. Regional Comprehensive Economic Partnership એ ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ (એફ.ટી.એ.) છે. Regional Comprehensive Economic Partnership માં જોડાનારા દેશો વચ્ચે જો આ પાર્ટનરશીપ પર સહીસિક્કા થઇ જાય તો 19 દેશો વચ્ચે કોઇપણ પ્રકારની વ્યાપારીક સીમાઓ નહીં રહે. ગમે તે દેશ ગમે તે દેશમાં ગમે તેટલો માલ સપ્લાય કરી શકે, વ્યાપાર કરી શકે અને એ બિલકુલ ટેક્સ ફ્રી. Regional Comprehensive Economic Partnership અન્વયે કોઇપણ પ્રકારનો ટેક્સ કોઇપણ દેશ લાદી શકશે નહીં કે વસૂલ કરી શકે નહીં તેવી જોગવાઇ Regional Comprehensive Economic Partnership માં કરવામાં આવી છે.
RCEP માં કયા કયા દેશો જોડાઇ રહ્યા છે
RCEP માં દક્ષિણ પૂર્વી એશિયાને દેશો જેવા કે બ્રુનેઇ, કમ્બોડિયા, ઇન્ડોનેશીયા, લાઓસ, મલેશિયા, મ્યાનમાર, ફિલિપાઇન્સ, સિંગાપોર, થાઇલેન્ડ અને વિએટનામ ઉપરાંત ચીન, જાપાન, ભારત, સાઉથ કોરીયા, ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડનો સમાવેશ થાય છે. આ દેશો વચ્ચે સંભવત આગામી નવેમ્બર 2019માં સહીસિક્કા થાય તેવી સંભાવનાઓ જોતા ભારતમાં RCEP સામે મોટી જંગ છેડાઇ ચૂકી છે અને એ ત્યાં સુધી કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ RCEP નો આખો મુદ્દો હાથ પર લેવો પડ્યો છે. ઉપરોક્ત દેશો વચ્ચે RCEP કરાર થઇ જાય તો ભારતના ઉત્પાદકો અને વ્યાપારીઓને મોટી મુશ્કેલીનો સામનો કરવો પડે એમ છે કેમકે ભારતમાં ઉત્પાદિત ચીજવસ્તુઓની ગુણવત્તા, કિંમત, પડતર વગેરે બીજા દેશોને ટક્કર આપી શકે તેમ નથી. આમ, RCEP ભારતના સમગ્ર માર્કેટને ગળી જાય એવી દહેશત સેવાય રહી છે.
સૌથી મોટી દહેશત ભારતના બજારોમાં ચાઇનીઝ માલના ગંજ ખડકાય જશે
RCEP એગ્રીમેન્ટ થાય તો સૌથી મોટી દહેશત એ છે કે હાલમાં ચીનથી ઇમ્પોર્ટ થતાં માલસામાન પર થોડા ગણા નિયંત્રણો લદાયેલા છે પણ જો RCEP લાગૂ થાય તો પછી ચીનનો માલ ભારતમાં આવતા કોઇ રોકી શકશે નહીં કે તેના પર કોઇ ટેક્સ લાગૂ થશે નહીં. સૌથી મોટી અસર ટેક્સટાઇલ અને ડેરી ઉદ્યોગ પર પડે તેવી શક્યતા છે.
RCEPની વ્યાપક અસર સૂરત પર વર્તાશે
જાણકારો કહે છે કે RCEPની સૌથી મોટી અસર સૂરતના અર્થતંત્ર પર વર્તાવાની શક્યતા છે. હાલમાં આમેય ચાઇનીઝ બનાવટના કાપડ વાયા બાંગ્લાદેશ, શ્રીલંકા થઇને ઇન્ડિયામાં ડમ્પ થઇ રહ્યા છે પણ RCEPના આવ્યા બાદ તો ચાઇનાનો માલ ખુલ્લે આમ ભારતમાં ખડકાશે અને સૂરતમાં ઉત્પાદિત કાપડના વેચાણ સામે મોટું જોખમ ઉભું થાય તેમ છે. એવી જ રીતે ગુજરાતના મોટામાં મોટા ડેરી ઉદ્યોગમાં ગણના પામતી સૂરતની સુમુલ ડેરી પર પણ RCEP ના આગમન બાદ મોટી અસર થવાની શક્યતા છે. RCEPના પાર્ટનર કન્ટ્રીમાં ન્યુઝીલેન્ડ અને ઓસ્ટ્રેલિયાનો સમાવેશ થાય છે આ બન્ને દેશો દૂધ અને દૂધની બનાવટો ભારતના બજારોમાં બેરોકટોક મોકલશે. સ્વાભાવિક છે કે ભારતની પ્રોડક્ટસ સામે ન્યુઝીલેન્ડ ઓસ્ટ્રેલિયાની પ્રોડેક્ટસની ગુણવત્તા, કોસ્ટ બધી રીતે સારી હોઇ, સ્થાનિક ઉત્પાદકોને મોટી અસર પહોંચે તેવી શક્યતા છે.
ડેરી ઉદ્યોગ પર RCEPની મોટી અસર થશે એ નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડ પણ સારી રીતે જાણે છે અને છેલ્લા એક વર્ષથી એન.ડી.ડી.બી. RCEP સામે ઝુંબેશ ચલાવી રહી છે.
નવેમ્બર 2019માં RCEP એગ્રીમેન્ટ પર સહીસિક્કા કરવાની મુદત
આગામી નવેમ્બર 2019માં કહેવાય છે કે ભારતે RCEPમાં જોડાવું છે કે નહીં એ નક્કી કરી દેવું પડશે. RCEP 2012માં આકાર પામ્યો હતો એ પછી અનેક વાંધા, સૂચનો વગેરે વચ્ચે ભારત અત્યાર સુધી RCEPથી દૂર રહ્યું છે પરંતુ, હવે RCEP સાથે જોડાયેલા બાકી દેશો ભારત પર આ કરાર અંગે નિર્ણય લેવાનું દબાણ બનાવી રહ્યા છે. પરીણામ ભારતના વડાપ્રધાન શ્રીનરેન્દ્ર મોદીએ RCEP સંબધિત તમામ મુદ્દાઓ હાથ પર લીધા છે.
ઇકોનોમિક ટાઇમ્સનો રિપોર્ટ, લિંક ક્લીક કરીને વાંચો મોદીએ કેમ હાથ પર લેવા પડ્યા આરસેપના મુદ્દાઓ
સૂરતમાં ચેમ્બર ઓફ કોમર્સે 16મી ઓક્ટોબર 2019ના રોજ મહત્વની મિટીંગ યોજી
સૂરતમાં RCEP અંગે ભવિષ્યની રણનીતિ શું, સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝનું સ્ટેન્ડ કેવું રહેશે, કેવી રીતે સરકાર અને કેન્દ્રને સૂરતના ઉદ્યોગોને પડનારી RCEP ની અસરોથી માહિતગાર કરવામાં આવશે એ અંગે હાલમાં શહેરના જાણીતા ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ શ્રી મિતિશભાઇ મોદી RCEP ના તમામ પાસાઓની ચકાસણી કરી રહ્યા છે. આ અંગે એક અગત્યની બેઠક તા.16મી ઓક્ટોબર 2019ના રોજ ચેમ્બર ઓફ કોમર્સ ખાતે યોજવામાં આવી છે.
RCEP in Brief
The Regional Comprehensive Economic Partnership (RCEP) is a
proposed free trade agreement (FTA) between the ten member states of the
Association of Southeast Asian Nations (ASEAN) (Brunei, Cambodia, Indonesia,
Laos, Malaysia, Myanmar, the Philippines, Singapore, Thailand, Vietnam) and its
six FTA partners (China, Japan, India, South Korea, Australia and New Zealand).
RCEP negotiations were formally launched in November 2012 at the
ASEAN Summit in Cambodia
the proposed RCEP would cover almost every
aspect of economy such as goods, services, investment, economic and technical
cooperation, intellectual property rights (IPR), rules of origin, competition
and dispute settlement.
ટ્રેનના પ્રવાસીઓ માટે બાંદરા ટર્મિનસથી પાલીતાણા વચ્ચે ૧૬ ઑક્ટોબર, ૨૦૧૯થી જાન્યુઆરી ૨૦૨૦ સુધી સુપરફાસ્ટ વિશેષ ટ્રેન દોડાવવાનો નિર્ણય પશ્ચિમ રેલવેએ કર્યો છે. આ નિર્ણયના પગલે દિવાળીના સમય દરમ્યાન ગુજરાત અને મહારાષ્ટ્રના પ્રવાસીઓની સુવિધામાં વધારો થશે.
ટ્રેન-નં. ૦૯૦૨૭ બાંદરા ટર્મિનસ-પાલિતાણા સુપરફાસ્ટ ટ્રેન બાંદરા ટર્મિનસથી ૧૬ ઑક્ટોબરને બુધવારે ૧૫.૨૫ વાગ્યે ઊપડીને આગલા દિવસે ૫.૩૦ વાગ્યે પાલિતાણા પહોંચશે. આ ટ્રેન ૧૬ ઑક્ટોબર, ૨૦૧૯થી ૧ જાન્યુઆરી, ૨૦૨૦ સુધી ચાલશે.
ટ્રેન-નંબર ૦૯૦૨૮ પાલિતાણા-બાંદરા ટર્મિનસ સુપરફાસ્ટ વિશેષ ટ્રેન ૧૭ ઑક્ટોબરને ગુરુવારે પાલિતાણાથી સવારે ૭.૩૫ વાગ્યે ઊપડીને એ જ દિવસે ૨૧.૫૦ વાગ્યે બાંદરા ટર્મિનસ પહોંચશે. આ ટ્રેન ૧૭ ઑક્ટોબર, ૨૦૧૯થી બીજી જાન્યુઆરી, ૨૦૨૦ સુધી ચાલશે.
આ ટ્રેનમાં એસી ટૂ ટિયર, એસી થ્રી ટિયર, સ્લીપર તથા સેકન્ડ કલાસ, જનરલ કોચ રહેશે. આ ટ્રેન શિહોર, સોનગઢ, ધોળા જંક્શન, બોટાદ, વિરમગામ, અમદાવાદ, આણંદ, વડોદરા, ભરૂચ, સુરત, વાપી તથા બોરીવલી સ્ટેશનો પર રોકાશે.
એક 90 વર્ષ પરંપરા કે જે અપ્રતિમ છે નિષ્પક્ષ નિષ્પક્ષ દરરોજ, વહેલી તકે, એક ગતિશીલ સંપાદકીય ટીમ અને ડિસ્ટ્રીબ્યુટર અને બિઝનેસ એસોસિએટ્સનું એક શક્તિશાળી નેટવર્ક, દરરોજ નવ દાયકા જૂની પરંપરા આપે છે. એવી પરંપરા કે જે વિચારો, માહિતી અને સીધા પત્રકારત્વના એક વિશિષ્ટ સંશ્લેષણ છે. દરેક વાર્તામાં અપ્રતિમ અધિકૃતતા અને તટસ્થતાનો સમાવેશ થાય છે, વાચકોને સૌથી વધુ જાણકાર અને વિશ્લેષણાત્મક સમાચાર કવરેજ સાથે સમર્થન આપવું.