સંસદીય બાબતોમાં કેબિનેટ સમિતિએ 31 જાન્યુઆરીએ બજેટ સત્ર બોલાવવાની ભલામણ કરી છે. સૂત્રો મુજબ 31 જાન્યુઆરીથી 3 એપ્રિલ વચ્ચે બજેટ સત્ર બે રાઉન્ડમાં
ચલાવવા માટે ભલામણ કરવામાં આવી છે. બજેટ ગત વર્ષની જેમ જ પહેલી ફેબ્રુઆરીએ રજૂ
કરવામાં આવશે.
જણાવી દઈએ કે મોદી સરકાર દરમિયાન સામાન્ય
બજેટને ફેબ્રુઆરીના પહેલા અઠવાડિયામાં રજૂ કરવાની શરૂઆત થઈ છે. આ પહેલા
ફેબ્રુઆરીના છેલ્લા અઠવાડિયામાં બેજટ રજૂ કરવાની પરંપરા હતી.
સૂત્રોએ જણાવ્યું કે બજેટ સત્રનો પહેલો
તબક્કો 31 જાન્યુઆરીથી 11 ફેબ્રુઆરી વચ્ચે યોજાશે, જ્યારે બીજા તબક્કામાં 2 માર્ચ થી લઈને 3 એપ્રિલ સુધી સંસદ ચાલશે. બજેટ સત્રના બંને તબક્કામાં વચ્ચે સામાન્ય
રીતે એક મહિનાનો સમય રાખવામાં આવે છે. એવું એટલા માટે કરવામાં આવે છે કે જેથી
સંસદીય સમિતિઓ વિવિધ મંત્રાલયોને ફાળવેલા બજેટનું પરીક્ષણ કરી શકે.
કેન્દ્રીય કેબિનેટની ભલામણ પર રાષ્ટ્રપતિ
બંને સદનના સત્રને ચલાવવાનો આદેશ આપે છે. ઉલ્લેખનીય છે કે પીએમ મોદીના બીજા
કાર્યકાળનું આ પહેલું પૂર્ણ બજેટ હશે.
જામનગરમાં ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટી (જીએયુ) ખાતે આયુર્વેદિક સંસ્થાનોનો સમૂહ (ક્લસ્ટર) રચવા માટેનાં પ્રસ્તાવને 08/01/2020 કેન્દ્રીય કેબિનેટ દ્વારા મંજૂરી આપી દેવામાં આવી હતી. આ સાથે જ તેને રાષ્ટ્રીય મહત્વની સંસ્થા તરીકેનો દરજ્જો પણ આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આમ જીએયુ ભારતની પ્રથમ એવી આયુર્વેદિક સંસ્થા બની રહેશે જેને આઈઆઈટી, આઆઈએમનાં સ્તરનો દરજ્જો પ્રાપ્ત થઈ રહ્યો છે.
08/01/2020 વડા પ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી કેન્દ્રીય કૅબિનેટે જામનગર ખાતેની (અ) ઇન્સ્ટિટયૂટ ફોર પોસ્ટ ગ્રેજ્યુએટ ટીચિંગ ઍન્ડ રિસર્ચ ઇન આયુર્વેદ (બ) શ્રી ગુલાબકુંવર આયુર્વેદ મહાવિદ્યાલય અને (ક) ઇન્સ્ટિટયૂટ ઓફ આયુર્વેદ ફાર્માસ્યુટિકલ સાયન્સીસ (ફાર્મસી યુનિટ સહિત) નામની જામનગર ખાતેની ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટી કૅમ્પસ ખાતેની આયુર્વેદ ઇન્સ્ટિટયૂટ્સના સમૂહને એકત્રિત કરીને ઇન્સ્ટિટયૂટ ઓફ ટીચિંગ ઍન્ડ રિસર્ચ ઇન આયુર્વેદ જામનગરને રાષ્ટ્રીય મહત્ત્વની સંસ્થાનો દરજ્જો મંજૂર કર્યો હતો અને ઇન્સ્ટિટયૂટ ઓફ ટીચિંગ ઍન્ડ રિસર્ચ ઇન આયુર્વેદના સ્વસ્થવૃત વિભાગમાં મહર્ષિ પતંજલિ ઇન્સ્ટિટયૂટ ફોર યોગ ઍન્ડ નેચરોપેથી એજ્યુકેશન ઍન્ડ રિસર્ચનો સમાવેશ કર્યો હતો.
કૅબિનેટની બેઠક બાદ પત્રકારો સાથેની વાતચીતમાં માહિતી અને પ્રસારણ ખાતાના પ્રધાન પ્રકાશ જાવડેકરે જણાવ્યું હતું કે આનાથી આયુર્વેદના શિક્ષણનો દરજ્જો વધશે અને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય માગને અનુલક્ષીને આયુર્વેદમાં વિવિધ અભ્યાસક્રમો ઘડી કાઢવામાં મદદ મળશે. તેમણે જણાવ્યું હતું કે આનાથી ઇન્સ્ટિટયૂટને આયુર્વેદમાં ત્રીજી પંક્તિની સારસંભાળ વિકસિત કરવામાં મદદ મળશે.
ભારતમાં જાહેર આરોગ્યનું ધ્યાન રાખતી આયુષ્ય પદ્ધતિઓની વધતી ભૂમિકાને જોતાં આ દરજ્જો આપવાથી જાહેર આરોગ્યમાં આયુર્વેદનું મહત્ત્વ વધશે. આયુર્વેદ ચિકિત્સાને મજબૂત બનાવવાથી આરોગ્ય પરનો સરકારી ખર્ચ ઘટશે. કારણ કે આયુર્વેદમાં રોગને અટકાવવાની અને સાજા કરવાની ક્ષમતા હોવાથી તેમાં ઓછો ખર્ચ લાગશે.
હાલ વિશ્વભરમાં આયુર્વેદના જ્ઞાન અને તેની સેવાની માગ વધતી જાય છે. ભારત આયુર્વેદનું ઉદ્ગમ સ્થાન છે.
વિશ્ર્વની સંખ્યાબંધ વિમાની કંપનીઓએ બુધવારે ઈરાન-ઈરાકના આકાશમાંથી પસાર થતા રૂટનો ઉપયોગ કરવાનું ટાળ્યું હતું. ભારત, ફ્રાન્સ, અમેરિકા, રશિયા, હોલેન્ડ, જર્મની, પોલેન્ડ, ઑસ્ટ્રેલિયા, વિયેટનામ, જાપાન, હોંગકોંગ સહિતના દેશોએ ઈરાન-ઇરાકની ઍરસ્પેસ પરથી ઉડ્ડયન નહીં કરવાનું બુધવારે જાહેર કર્યું હતું. ઍરફ્રાન્સના એક પ્રવક્તાએ કહ્યું કે, ‘હવાઈ હુમલાના સમાચાર પછી સાવચેતીના પગલાં તરીકે ઍરફ્રાન્સે ઈરાન, ઈરાક રૂટ પરથી જતી તમામ ફ્લાઈટસ રદ કરવાનો નિર્ણય
કર્યો છે. યુએસ ફેડરલ એવિયેશન એડમિનિસ્ટ્રેશને ઈરાક, ઈરાન, ગલ્ફ ક્ષેત્રની ઍરસ્પેસ પરથી અમેરિકાની વિમાની કંપનીઓની ફ્લાઈટ પર પ્રતિબંધ મૂક્યો છે. રશિયાની ફેડરલ ઍર ટ્રાન્સપોર્ટ એજન્સીએ એક નિવેદનમાં કહ્યું હતું કે આંતરરાષ્ટ્રીય ફ્લાઈટસની સલામતી સામેના જોખમને ધ્યાનમાં લઈ ઈરાન, ઈરાક, પર્શિયન ગલ્ફ, ઓમાન ગલ્ફની ઍરસ્પેસમાંથી ઉડ્ડયન નહીં કરવાની વિમાની કંપનીઓને ભલામણ કરવામાં આવે છે.
આ ક્ષેત્રની ઍરસ્પેસ યુરોપ અને એશિયા વચ્ચેની ફ્લાઈટસ માટે મહત્ત્વનું કોરિડોર છે. કેએલએમ, લુફથાન્સા, પોલેન્ડની એલઓટી ઍરલાઈને, ઑસ્ટ્રેલિયાની ક્વાન્ટસે, સિંગાપોર ઍરલાઈન્સ, મલયેશિયા ઍરલાઈન્સે, વિયેટનામ ઍરલાઈન્સે, જાપાનની એએનએ અને જેએએલ ઍરલાઈન્સે, હોંગકોંગની કેથેપ પેસિફિક ઍરલાઈન્સે પણ આવો જ નિર્ણય કર્યો હતો.
ઉત્તર ગુજરાતના ખેડૂતોને તીડના ત્રાસમાંથી ગયા અઠવાડિયે મુક્તિ મળી ગઇ છે. જોકે ખેતીને વ્યાપક નુક્સાન તીડ પહોંચાડી ગયા છે ત્યારે સરકારે સહાયની જાહેરાત કરી છે. કૃષિ મંત્રી આર.સી ફળદુએ કહ્યું હતુ કે, તીડને લીધે 25,222 હેક્ટર વિસ્તારમાં ખેતીને નુકસાન થયું છે. તે માટે રુ. 31.5 કરોડની સહાય કરવામાં આવશે.
ફળદુએ જણાવ્યું હતું કે, તીડથી જે પાક ને 33%થી વધુ નુકસાન થયું છે તે વિસ્તાર માટે હવે જલ્દી સહાયની જાહેરાત કરવામાં કરશે. થરાદ, વાવ, સુઈગામ અસરગ્રસ્ત વિસ્તાર જાહેર થયો હતો. ત્યાં નુક્સાની પણ વધુ થઇ છે.
બહુ મોટી સંખ્યામાં તીડોના ઝુંડ રાજસ્થાન અને પાકિસ્તાન તરફથી આવતાં હતા અને આ વખતે તીડનું આક્રમણ વિશેષ રહ્યું એમ ઉમેર્યું હતુ. કૃષિ વિભાગના અધિકારીઓએ નુકસાનનો સર્વે પણ કર્યો હતો. બનાસકાંઠા ના 13 અને પાટણના 2 એમ કુલ મળીને 15 તાલુકામાં નુકસાન થયું હતું, તેમણે જણાવ્યું હતું કે “15 તાલુકાના 285 ગામોના ખેડૂતોને પ્રતિ હેક્ટર રુ.18500ની મદદ કરવામાં આવશે.
બે હેક્ટરની મર્યાદામાં ખેડૂતોને સહાય આપવામાં આવશે. કુલ 25,222 હેક્ટર વિસ્તારમાં નુકસાન થયું છે તેને રુ.31.5 કરોડ ની સહાય કરવામાં આવશે..11 હજાર ખેડુતોને સહાયતા મળશે પરંતુ તેના માટે ખેડૂતોને અરજી કરવી પડશે.
બનાસકાંઠા, સાબરકાંઠામાં તીડના કરોડોના ટોળાએ આંતક મચાવ્યો હતો અને 6 હજાર હેક્ટર ઉભો પાક સાફ કરી નાખ્યો હતો. કરોડો તીડના ઝુંડ ધામા નાખીને બેઠા હતા અને ખેતીને મોટું નુકસાન કરી નાખ્યું હતું. આ પરિસ્થિતિમાં સરકારે દાવો કર્યો છે કે હવે તીડના ઝુંડ બલુચિસ્તાન તરફ વળી ગયા છે.
એક અંદાજ મુજબ જે તે સમયે બનાસકાંઠા, સાબરકાંઠામાં જે તીડ છે તેની સંખ્યા 3 કરોડથી લઈને 10 કરોડ સુધીની હતી. કૃષિ વિભાગના અધિક મુખ્ય સચિવ પૂનમચંદ પરમારે જણાવ્યું હતું કે મોટા ઝુંડોને દવાનો છંટકાવ કરીને મારી નાખવામાં સરકારને સફળતા મળી છે. એક ચોરસ કીલોમીટરમાં દશ કરોડ જેટલા તીડ હોય શકે છે. પંથકમાં દશ થી પંદર કરોડ તીડ હોવાનું અનુમાન હતું. તીડનું એક ટોળું ગણતરીની પળમાં 300 ટન લીલોતરી ખાઈ જાય છે.
ભૂસ્ખલન અને બરફવર્ષાને લીધે જમ્મુ-શ્રીનગર રાષ્ટ્રીય રાજમાર્ગ સતત બીજા દિવસે પણ બંધ રહ્યો હતો અને જમ્મુના કત્રામાં આવેલા વૈષ્ણોદેવીમાં નવેસરથી બરફવર્ષા થવાને કારણે હૅલિકૉપ્ટર સેવા સ્થગિત કરવી પડી હોવાના સમાચાર મળ્યા હતા.
કાશ્મીરનું પ્રવેશદ્વાર ગણાતી જવાહર ટનલ સહિત જમ્મુ-કાશ્મીરમાં અનેક સ્થળે બરફવર્ષા અને રામબન જિલ્લામાં પંથિયાલ-રામસુ વિસ્તારમાં એ સાથે ભૂસ્ખલનના બનાવો નોંધાયા હતા.
ભૂસ્ખલનને લીધે જમ્મુ-શ્રીનગર રાષ્ટ્રીય રાજમાર્ગ સાફ કરવાના કામમાં અડચણ ઊભી થઇ હતી. સોમવારે સાંજે થયેલા ભૂસ્ખલનને લીધે વાહનવ્યવહાર બંધ કરવામાં આવ્યો હોવાથી રામબન અને બનિહાલ વચ્ચે ૬૦૦થી વાહનો અટવાયા હતા.
જવાહર ટનલ વિસ્તારમાં સોમવારથી આઠ ઇંચ બરફ પડયો હતો. દરમિયાન, પંથિયાલ, ડિગડોલે, મારુગ અને મોમપાસી વિસ્તારમાં હાઇવે પર પહાડ પરથી સતત પથ્થરો પડતા રહ્યા હતા.
પ્રશાસનના જણાવ્યા અનુસાર હાઇવે પર વાહનવ્યવહાર શરૂ કરવાનો બધો આધાર હવામાન પર છે. હવામાન સુધરશે અને બરફવર્ષા તથા ભૂસ્ખલન બંધ થશે ત્યારે જ રસ્તો સાફ કરી શકાશે.
દરમિયાન, ખરાબ હવામાન અને બરફવર્ષાને લીધે વૈષ્ણોદેવીના દર્શને જવા માટે હૅલિકૉપ્ટર સેવા સ્થગિત કરવામાં આવી હતી.જોકે, પગપાળા જનાર ભક્તોની શ્રદ્ધામાં એથી ઓટ આવી નહોતી અને અંદાજે ૫૨૦૦ યાત્રાળુ માતાજીના દર્શન પહોંચ્યા હતા.
વિવિધ ટ્રેડ યુનિયને આજરોજ તા.8મી જાન્યુઆરી 2020ને બુધવારે ભારત બંધના એલાનનો વહેલી સવારથી અમલ શરૂ કરી દીધો છે જેને લઇને સમગ્ર ભારતમાં પબ્લિક સેક્ટર બૅંકિંગ અને ટ્રાન્સપોર્ટ સહિત અનેક સેવા ખોરવાય હોવાના પ્રાથમિક અહેવાલો મળ્યા છે. સરકારની લોકવિરોધી નીતિઓના વિરોધમાં જાહેર કરવામાં આવેલી હડતાળમાં અંદાજે પચીસ કરોડ લોકો જોડાય રહ્યા છે. જેમ જેમ વર્કિંગ આવર્સ આગળ વધી રહ્યા છે તેમતેમ હડતાળની અસરો સામે આવી રહી છે. આ સવારે 9 કલાકે લખાઇ રહ્યું હતું.
ગયા વર્ષે સપ્ટેમ્બર મહિનામાં દસ ટોચના ટ્રેડ યુનિયનો, અન્ય ક્ષેત્રની સ્વતંત્ર સંસ્થાઓ અને અસોશિયેશને મળીને ૦૮ જાન્યુઆરી, ૨૦૨૦ના દિવસે રાષ્ટ્રવ્યાપી હડતાળ પાડવાનું નક્કી કર્યું હતું.
આજે બુધવારની હડતાળ અને પોતાની સેવા પર એની આડઅસર વિશે અનેક બૅંકોએ શૅરબજારને જાણ કરી દીધી છે, આમ છતાં શેરબજાર પર પણ આજની હડતાળની અસર વર્તાય રહી છે.
એઆઇબીઇએ, એઆઇબીઓએ, બીઇએફઆઇ, આઇએનબીઇએફ, આઇબીઓસી અને બીકેએસએમ સહિત બૅંક કર્મચારી અને અધિકારીઓની અનેક સંસ્થાએ હડતાળમાં જોડાય રહ્યા છે.
ડિપોઝિટ અને વિડ્રોઅલ, ચૅક ક્લિયરીંગ જેવી અનેક સેવાઓ પર હડતાળની અસર પડવાની શક્યતા છે. જોકે, ખાનગી ક્ષેત્રની બૅંકોનું કામકાજ યથાપ્રમાણે ચાલતું રહશે.
દરમિયાન, કેન્દ્ર સરકારે મંત્રાલયો, જાહેર ક્ષેત્રના વિભાગો, સંસ્થાઓ, કંપનીઓ અને બૅંકોને પોતાના કર્મચારીઓને હડતાળમાં ભાગ ન લે એ માટે પ્રેરવાનો અને કામકાજ સરળતાથી ચાલે એ માટે યોજના તૈયાર કરવાનો આદેશ આપ્યો હતો.
સરકારી મૅમોરેન્ડમમાં જણાવ્યા અનુસાર વિરોધ દર્શાવીને કે અન્ય કોઇપણ રીતે હડતાળમાં જોડાનાર કોઇપણ કર્મચારી સામે પગાર કાપવાથી માંડીને જરૂરી સખત અનુસાશનાત્મક પગલાં લેવામાં આવશે.
હડતાળની અસર અનેક રાજ્યોમાં પડવાની છે. પશ્ર્ચિમ બંગાળમાં ડાબેરી અને અન્ય પક્ષોના ટ્રેડ યુનિયનોએ કેન્દ્રમાં ભાજપ સરકારની આર્થિક નીતિઓના વિરોધમાં હડતાળમાં ભાગ લેવાની જાહેરાત કરી છે.
દરમિયાન, કેરળમાં ટ્રેડ યુનિયનોએ રાજ્યના પર્યટન સેક્ટરને હડતાળમાંથી બાકાત રાખવાનો નિર્ણય જાહેર કર્યો હતો.
આ આંદોલનને શિવસેના, કૉંગ્રેસ, રાષ્ટ્રવાદી કૉંગ્રેસ, ડાબેરી પક્ષો, શેતકરી કામગાર પક્ષ જેવા રાજકીય પક્ષે પોતાનો ટેકો જાહેર કર્યો છે.
આ સાથે ૬૦ વિદ્યાર્થી જૂથોએ પણ હડતાળમાં જોડાવાનો નિર્ણય જાહેર કર્યો છે.
બુધવારે 8 જાન્યુઆરી દેશમાં હડતાળ : ૨૫ કરોડ લોકો રસ્તા પર ઉતરશે
સરકારની લોકો વિરોધી યોજનાનો વિરોધ કરવા માટે દસ કેન્દ્રવર્તી ટ્રેડ યુનિયને આઠ જાન્યુઆરીએ દેશવ્યાપી હડતાળની હાકલ કરી છે. આ હડતાળમાં ૨૫ કરોડ લોકો જોડાવાની અપેક્ષા છે, એમ તેમણે માહિતી આપી હતી. આઇએનટીયુસી, એઆઇટીયુસી, એચએમએસ, સીઆઇટીયુ, એઆઇયુટીયુસી, ટીયુસીસી, એસઇડબલ્યુએ, એઆઇસીસીટીયુ, એલપીએફ, યુટીયુસી અને વિવિધ શ્રેત્રના સ્વતંત્ર ફેડરેશન અને એસોસિયેશનો આ દેશવ્યાપી હડતાળમાં ભાગ લેશે.
‘અમને આશા છે કે ૮ જાન્યુઆરી, ૨૦૨૦ની આ દેશવ્યાપી હડતાળમાં ૨૫ કરોડ લોકો જોડાશે અને કામગાર-વિરોધી, લોકો-વિરોધી અને રાષ્ટ્રવિરોધી સરકારી નીતિઓને બદલવાની માગણી કરશે.
બીજી જાન્યુઆરીના રોજ કામદારોની મીટિંગમાં કામદારોની માગણી પૂરી કરવામાં શ્રમ મંત્રાલય નિષ્ફળ ગયું છે. સરકારી નીતિઓ અને તેમની કામગીરી જોતા જાણ થાય છે કે તેઓ શ્રમિકોની અવગણના કરી રહ્યા છે,’ એમ ૧૦ સેન્ટ્રલ ટ્રેડ યુનિયને જણાવ્યું હતું. વિદ્યાર્થીઓના આશરે ૬૦ સંગઠન અને કેટલીક યુનિવર્સિટીના ચૂંટાયેલા પદાધિકારીઓએ પણ ફી વધારા અને શિક્ષણના વેપારીકરણનો વિરોધ દર્શાવવા આ હડતાળમાં જોડાવાનું નક્કી કર્યું છે.
ટ્રેડ યુનિયનોએ જેએનયુની હિંસા વખોડી કાઢી હતી અને દેશભરના વિદ્યાર્થીઓ અને શિક્ષકો સાથે એક્તા જાહેર કરી હતી.
જુલાઇ, ૨૦૧૫થી એક પણ ઇન્ડિયન લેબર કોન્ફરન્સ ભરવામાં નહીં આવી હોવા સામે, પીએસયુના ખાનગીકરણ સામે અને લેબર લૉના કોડિફિકેશન સામે પણ યુનિયનોએ નારાજગી જાહેર કરી હતી.
‘૧૨ ઍરપોર્ટ ખાનગી પાર્ટીને વેચવામાં આવ્યા હતા. ઍર ઇન્ડિયાનું ૧૦૦ ટકા વેચાણ નક્કી થઇ ગયું છે. બીપીસીએલને વેચવાનો નિર્ણય લેવાઇ ગયો છે. બીએસએનએલ-એમટીએનએલના મર્જરની જાહેરાત કરવામાં આવી છે અને વીઆરએસના નામે ૯૩,૬૦૦ લોકોને નોકરીમાંથી રુખસદ આપવામાં આવી છે,’ એમ તેમણે જણાવ્યું હતું.
દર વર્ષે હજારો કિ.મી. દૂરથી વિદેશી નયનરમ્ય પક્ષીઓ ગુજરાતમાં શિયાળો ગાળવા ચાર મહિના રણમાં પડાવ નાખે છે. પાટડીના રણવિસ્તારમાં એક લાખથી વધુ પક્ષીઓનો અનોખો જમાવડો જામ્યો છે. વેરાન રણમાં દર વર્ષે સાઇબિરિયાથી સફેદ અને ગુલાબી રંગના લેસર અને ગ્રેટર પક્ષીઓ શિયાળો ગાળવા આવે છે.
આ સિવાય પેંગ્વિન, ફ્લેમિંગો અને પેન્ટાસ્ટોક સહિતના વિદેશી પક્ષીઓનો અનોખો મેળાવડો જામે છે. ગઇ વખતની પક્ષી ગણતરી અનુસાર રણકાંઠામાં ૧૦૦થી વધારે જાતિના ૯૯,૭૪૦ પક્ષીઓ આવેલા નોંધાયા હતા.
ચાલું વર્ષે વેરાન રણના વિવિધ વેટલાઇન વિસ્તારમાં લાખો વિદેશી પક્ષીઓએ ધામાં નાખ્યા છે. રણકાંઠા વિસ્તારમાં પક્ષીઓની સંખ્યા પાંચ આંકડા પાર કરી એક લાખને પણ આંબી જવા પામી છે.
નામશેષ થવાના આરે પહોંચેલા અને કુદરતના સફાઇ કામદાર તરીકે ઓળખાતા ગીધની સંખ્યા ગુજરાતમાં નોંધપાત્ર રીતે ઘટી છે, જ્યારે રણકાંઠામાં ગીધની સખ્યાં ૪થી વધીને ૮૮એ પહોંચ્યાં બાદ હાલમાં ૪૮એ પહોંચી છે. રણમાં દર વર્ષે લાખોની સંખ્યામાં વિદેશી પક્ષીઓ શીયાળો ગાળવા આવે છે. ગત વર્ષે છેક લદ્દાખથી આવેલા ૫૦૦થી વધુ બાજપક્ષીઓએ રણમાં ધામાં નાખતા પક્ષીપ્રેમીઓ ઝૂમી ઊઠ્યા હતા.
રાજધાની દિલ્હીને પ્રદૂષણ મુક્ત બનાવવાના પ્રયત્નોના ભાગરૂપે સાંસદ ગૌતમ ગંભીરે લાજપત નગર વિસ્તારમાં પ્રથમ સ્મોગ ટાવરનું ઉદ્ઘાટન કર્યું હતું. આ ટાવરે ૭૫૦ મીટરની ત્રિજ્યામાં હવાને સાફ કરવાનું શરૂ કરી દીધું છે. આ ટાવર લાજપત નગર ટ્રેડર્સ એસોસિયેશન અને ગૌતમ ગંભીર ફાઉન્ડેશનના સંયુક્ત પ્રયત્નો દ્વારા બનાવવામાં આવ્યો છે.
ગૌતમ ગંભીરે જણાવ્યું હતું કે, ‘વાયુ પ્રદૂષણનો અંત લાવવો એ મારી પ્રાથમિક્તા છે. હું માત્ર વાત કરવામાં નથી માનતો. ૭૦ કરોડ રૂપિયાના ખર્ચે હાઇ ટૅક મશીનો ખરીદી પૂર્વ દિલ્હીમાં પ્રદૂષણ સામે ઝુંબેશ ચલાવી છે. સ્મોગ ટાવર્સ એ શ્રેષ્ઠ ટૅક્નિક છે. તેમાં એક્ઝઓસ્ટ ફેન એક બાજુએથી પ્રદૂષિત હવા ખેંચે છે અને તેને બદલીને બીજી તરફથી શુદ્ધ હવા છોડે છે. દિલ્હીમાં પ્રદૂષણનું સ્તર ચિંતાજનક સ્તરે છે અને આવા વધુ સ્મોગ ટાવરની દિલ્હીને જરૂર છે.
મળતી માહિતી મુજબ લાજપત નગર માર્કેટ એસોસિયેશન દર મહિને ૩૦,૦૦૦ રૂપિયાનો ખર્ચ કરશે. સ્મોગ ટાવર એ હવાના શુદ્ધિકરણની ફ્રેન્ચ ટૅક્નિક છે. તેની ઊંચાઇ ૨૦ ફૂટ છે. તે દરરોજ ૫૦૦થી ૭૫૦ મીટર ક્ષેત્રમાં અઢી લાખથી છ લાખ ઘનમીટર હવાને સાફ કરશે. આ ટાવર બે કલાકમાં હવાને સાફ કરી ઍર ક્વૉલિટી ઇન્ડેક્સ (એક્યુઆઇ) ૫૦ની ઉપર જવા દેશે નહીં. આને કારણે લાજપત નગર માર્કેટ વિસ્તારની હવા સારી રહેશે અને લોકોને વાયુ પ્રદૂષણ સંબંધી રોગોથી મુક્તિ મળશે.
01/01/2020ના દિવસે જન્મેલા વિશ્વના 17 ટકા નવજાત બાળકો ભારતીય
જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944
યુનિસેફ સંસ્થાએ બુધવાર તા.1લી જાન્યુઆરી 2020ની રાત્રે જારી કરેલી પ્રોજેક્ટેડ ઇન્ફર્મેશનમાં એક માહિતી એવી પણ છે કે 2020 કેલેન્ડર વર્ષના પહેલા દિવસે સમગ્ર વિશ્વમાં સૌથી વધુ 67,385 બાળકોએ ભારતમાં જન્મ લીધો છે. 2020ના પહેલા દિવસે બાળ જન્મની આ સંખ્યા સૌથી વધુ વસતિ ધરાવતા ચીન કરતા પણ વધુ છે.
તા.1લી જાન્યુઆરી 2020ના રોજ ભારતમાં 67,385 બાળકોના જન્મની સંખ્યામાં બીજા નંબરે ચીનમાં કુલ 46,299 એ પછી નાઇજીરીયામાં 26,039, ચોથા નંબરે પાકીસ્તાન 16,787, પાંચમાં નંબરે ઇન્ડોનેશીયા 13,020 અને છઠ્ઠા નંબરે અમેરીકામાં 10,452 બાળકોએ તા.1લી જાન્યુઆરી 2020ના રોજ જન્મ લીધો હોવાની ગણતરી છે.
યુનિસેફની પ્રોજેક્ટેડ ઇન્ફર્મેશનમાં એમ પણ જણાવાયું છે કે સમગ્ર વિશ્વમાં તા.1લી જાન્યુઆરીએ જન્મ લેનારા બાળકોની સંખ્યા 3,92,078 છે. આ સંખ્યામાં 17 ટકા ફાળો એકલા ભારત દેશનો છે.
એવી પણ રસપ્રદ માહિતી છે કે તા.1લી જાન્યુઆરી 2020ના દિવસે સમગ્ર વિશ્વમાં સૌથી પહેલા જન્મ લેનાર બાળક ફિજી દેશનું છે અને એવી જ રીતે 1લી જાન્યુઆરી 2020ના દિવસે સૌથી છેલ્લું બાળક અમેરીકામાં જનમ્યું હતું.
યુનિસેફ એવી સંસ્થા છે જે દર નવા વર્ષના દિવસે નવજાત બાળકોના જન્મ તેમજ તેના વિકાસ માટે કાર્ય કરે છે. તેની માહિતીઓ એકત્રીત કરીને તેની જાળવણીના કામમાં વ્યસ્ત સંસ્થા છે.
કેટલાક નિષ્ણાંતો એ આ મુદ્દા પર એમ પણ જણાવ્યું કે વિશ્વના અનેક દેશોમાં અનેક યુગલોએ પોતાના બાળકની જન્મતારીખ 01-01-2020 રાખવા માટે સીઝેરીયન ઓપરેશન્સ કરાવીને બાળકને જન્મ અપાવ્યો છે. આ બાબત હવે સામાન્ય થઇ ગઇ છે કે બાળકની જન્મ તારીખ કોઇક યાદગાર કે આકર્ષક આંકડા ધરાવતા દિવસે થાય એ માટે યુગલો સીઝેરીયનથી જન્મ આપવાની પદ્ધતિ અપનાવી રહ્યા છે.
રાજ્ય સરકારે તમામ સરકારી કર્મચારીઓ અને પેન્શનર્સના મોંઘવારી ભથ્થામાં પાંચ ટકાનો વધારો કરવાનો નિર્ણય કર્યો છે. ૧૨ ટકાને બદલે ૧૭ ટકા મોંધવારી ભથ્થુ ૧લી જુલાઇ ૨૦૧૯ની પાછલી અસરથી ચૂકવવામાં આવશે.
આ ઉપરાંત ખેડૂતોને નુકશાન વળતર માટેની ઓનલાઇન અરજી કરવાની સમય મર્યાદા વધારીને ૧૪મી જાન્યુઆરી સુધી કરવામાં આવ્યો છે. આ નિર્ણયના કારણે રાજ્ય સરકાર ઉપર વાર્ષિક અંદાજે રૂ.૧૮૨૧ કરોડ જેટલુ ભારણ વધશે.
નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલે જણાવ્યુ છે કે, રાજ્ય સરકારના નવ લાખથી વધુ અધિકારીઓ-કર્મચારીઓ અને પેન્શનરોને તા.૦૧.૦૭.૨૦૧૯ થી ૫ાંચ ટકા મોંઘવારી ભથ્થું આપવાનો રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે. આ મોંઘવારી ભથ્થુ જાન્યુઆરી-૨૦૨૦ ના પગાર સાથે ચુકવવામાં આવશે, જેનાથી રાજ્ય સરકાર ઉપર વાર્ષિક રૂ.૧૮૨૧ કરોડનું વધારાનું ભારણ પડશે.
જુલાઇ-૨૦૧૯ થી ડિસેમ્બર-૨૦૧૯ સુધીના છ માસના મોંધવારી ભથ્થાના તફાવતની રકમ ત્રણ હપ્તામાં ચુકવવામાં આવશે જેનો નિર્ણય હવે પછીથી કરવામાં આવશે. તેમણે એવું પણ કહ્યું હતું કે, રાજય મંત્રીમંડળની બેઠકમાં લેવાયેલા આ નિર્ણય મુજબ રાજ્ય સરકારના ૨,૦૬,૪૪૭, પંચાયત વિભાગના ૨,૨૫,૦૮૩, અન્ય કર્મચારીઓ ૭૯,૫૯૯ અને ૪,૫૦,૫૦૯ પેન્શનરો મળી, અંદાજિત કુલ ૯,૬૧,૬૩૮ અધિકારીઓ- કર્મચારીઓ અને પેન્શનરોને રાજ્ય સરકારે સાતમાં નાણા પંચના લાભો મંજૂર કર્યો છે, જે મુજબ હાલમાં પગાર તથા પેન્શન ચુકવવામાં આવે છે. આ ઉપરાંત રાજ્યમાં ખેડૂતોને પાક નુકસાનીની સહાય માટે ઓનલાઈન અરજી કરવાની મર્યાદામાં ૧૪ દિવસનો વધારો કર્યો છે.
એક 90 વર્ષ પરંપરા કે જે અપ્રતિમ છે નિષ્પક્ષ નિષ્પક્ષ દરરોજ, વહેલી તકે, એક ગતિશીલ સંપાદકીય ટીમ અને ડિસ્ટ્રીબ્યુટર અને બિઝનેસ એસોસિએટ્સનું એક શક્તિશાળી નેટવર્ક, દરરોજ નવ દાયકા જૂની પરંપરા આપે છે. એવી પરંપરા કે જે વિચારો, માહિતી અને સીધા પત્રકારત્વના એક વિશિષ્ટ સંશ્લેષણ છે. દરેક વાર્તામાં અપ્રતિમ અધિકૃતતા અને તટસ્થતાનો સમાવેશ થાય છે, વાચકોને સૌથી વધુ જાણકાર અને વિશ્લેષણાત્મક સમાચાર કવરેજ સાથે સમર્થન આપવું.