CIA ALERT

બિઝનેસ Archives - Page 75 of 76 - CIA Live

May 25, 2018
astral.jpg
1min10490

અમદાવાદ સ્થિત એસ્ટ્રલ પોલિ ટેક્‌નિકનો શેર ગુરુવારે તેની સર્વોચ્ચ સપાટી પર બંધ રહ્યો હતો. ચાલુ મહિને તેણે ત્રીજી વાર આ સ્તર આસપાસ બંધ આપ્યો છે. આ સાથે કંપની રાજ્યની ટોચના માર્કેટ-કેપ ધરાવતી કંપનીઓમાં સ્થાન પામી છે. ગુરુવારે બીએસઇ ખાતે ₹961.15ના બંધ ભાવે કંપનીનું માર્કેટ-કેપ ₹11,516 કરોડ થાય છે.

અમદાવાદ સ્થિત કંપનીઓમાં માર્કેટ-કેપની રીતે તે 8મા ક્રમે આવી ગઈ છે. તેણે સિમ્ફની, ટોરેન્ટ પાવર અને અરવિંદ લિમિટેડ જેવી કંપનીઓને પણ માર્કેટ-કેપમાં પાછળ રાખી દીધી છે.

બિલ્ડિંગ મટિરિયલ્સ બનાવતા એસ્ટ્રલ પોલિ ટેક્‌નિકનો શેર સારાં પરિણામોની જાહેરાત પાછળ ગુરુવારે બીએસઇ ખાતે 6.05 ટકા જેટલો સુધર્યો હતો. આ સાથે કંપનીનું માર્કેટ-કેપ ₹11,000 કરોડને વટાવી ગયું હતું. કંપનીમાં સૌથી મોટી શેરધારક તરીકે પ્રમોટર એવા સંદીપ એન્જિનિયર(31.6 ટકા હિસ્સો)નું માર્કેટ-કેપ ₹3,672 કરોડ પર પહોંચ્યું હતું.

ચાલુ કેલેન્ડરમાં કંપનીના શેરનો દેખાવ જોઈએ તો તેણે 13.58 ટકાનું રિટર્ન દર્શાવ્યું છે, જે અમદાવાદમાં હેડક્વાર્ટર ધરાવતી કંપનીઓમાં કદાચ ઘણું સારુ છે. ચાલુ કેલેન્ડરમાં મોટા ભાગના મિડ-કેપ શેરોમાં વેલ્યૂનું ધોવાણ થયું છે અને તેથી જૂજ કંપનીઓ જ પોઝિટિવ રિટર્ન દર્શાવી રહી છે, જેમાં એસ્ટ્રલ એક છે. તાજેતરમાં અમદાવાદ સ્થિત સિમ્ફની લિનું પરિણામ અપેક્ષાથી વિપરીત આવ્યું હતું, જેની પાછળ શેરના ભાવમાં 10 ટકાથી વધુનો ઘટાડો નોંધાયો હતો.

એસ્ટ્રલ પોલિ ટેક્‌નિકના શેરે છેલ્લા સવા વર્ષમાં 145 ટકાનું નોંધપાત્ર વળતર દર્શાવ્યું છે. એટલે કે ડિસેમ્બર 2016ના અંતે ₹392ની સપાટી પર બંધ રહેલો કંપનીનો શેર ₹960ના સ્તરે જોવા મળ્યો છે. આમ રોકાણકારોને ઊંચું વળતર આપનારી ગુજરાતી કંપનીઓમાં તે અગ્રણી રહ્યો છે. ગુરુવારે કાઉન્ટરમાં ઊંચાં કામકાજ નોંધાયાં હતાં.

બીએસઇ ખાતે સરેરાશ બે સપ્તાહના 1,844 શેર્સની સરખામણીમાં 4,608 શેર્સનું કામકાજ નોંધાયું હતું. એસ્ટ્રલથી ઊંચું માર્કેટ-કેપ ધરાવતી ગુજરાતી કંપનીઓમાં અદાણી પોર્ટ, કેડીલા હેલ્થકેર, ગૃહ ફાઇનાન્સ, ટોરેન્ટ ફાર્મા, એઆઇએ એન્જિનિયરિંગ, અદાણી ટ્રાન્સમિશન અને અદાણી એન્ટરપ્રાઇઝનો સમાવેશ થાય છે.

May 25, 2018
mudra.jpg
1min11160

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ હાલમાં પ્રધાન મંત્રી મુદ્રા યોજના (PMMY)ના ૧૦૦થી પણ વધારે લાભકર્તાઓ સાથે થયેલી વાતચીતમાં જણાવ્યું હતું કે પ્રધાન મંત્રી મુદ્રા યોજના દ્વારા દેશના અંદાજે ૧૧ કરોડ નાગિરકોને લાભ મળ્યો છે.

PMMY ૨૦૧૫ની ૮ એપ્રિલે શરૂ કરવામાં આવી હતી, જેમાં ૧૦ લાખ રૂપિયા સુધીની લોન નૉન-કૉર્પોરેટ, નૉન-ફાર્મ સ્મૉલ-માઇક્રો બિઝનેસને આપવામાં આવે છે. આ પ્રકારની લોન કમર્શિયલ બૅન્ક, રીજનલ રૂરલ બૅન્ક, સ્મૉલ ફાઇનૅન્સ બૅન્ક, કો-ઑપરેટિવ બૅન્ક, માઇક્રો ફાઇનૅન્સ ઇન્સ્ટિટ્યુશન અને નૉન-બૅન્કિંગ ફાઇનૅન્શિયલ કંપનીઓ દ્વારા આપવામાં આવે છે.

વડા પ્રધાને મુદ્રા સ્કીમની સફળતા વિશે વાત કરતાં ઉક્ત ઇન્સ્ટિટ્યુશનોની પીઠ થાબડી હતી. સામાન્ય જનતા પ્રાઇવેટ અથવા તો પબ્લિક સેક્ટરમાં નોકરી શોધતી હોય છે, પણ હવે પર્સનલ સેક્ટરના વિકાસ તરફ આપણે ધ્યાન આપવું જોઈએ એ વાત પર નરેન્દ્ર મોદીએ ભાર મૂક્યો હતો. આ ઉપરાંત તેમણે મુદ્રા લોનના કેટલાક સફળ લાભકર્તાનાં ઉદાહરણો પણ લોકો સમક્ષ મૂક્યાં હતાં.

May 25, 2018
adanai.jpg
1min10410

ગૌતમ અદાણીને સૌથી વધુ નુકસાન: સંપત્તિ $3.63 અબજ ઘટીને $6.75 અબજ થઈ

ભારતના ટોચના ૨૦ અબજપતિની નેટવર્થમાં ચાલુ વર્ષે (૨૦૧૮માં) ૧૭.૮૫ અબજ ડોલરનું ધોવાણ થયું છે. જેમાં ટોચના પાંચ અબજપતિ ઉદ્યોગપતિએ ૧૫ અબજ ડોલર ગુમાવ્યા છે. બ્લૂમબર્ગ બિલયનેર ઇન્ડેક્સના ડેટા પ્રમાણે ગૌતમ અદાણીની સંપત્તિમાં સૌથી વધુ ૩.૬૩ અબજ ડોલરનું ગાબડું પડ્યું છે અને તે ઘટીને ૬.૭૫ અબજ ડોલર થઈ છે. ઉલ્લેખનીય છે કે, ૨૦૧૪માં મોદી સરકાર બની ત્યારે તેનો સૌથી વધુ લાભ અદાણીને થવાનું ચર્ચાતું હતું.
અદાણી જૂથની ચાર કંપનીના શેરમાં ૨૦૧૮માં ૭ ટકાથી ૪૫ ટકાની રેન્જમાં ઘટાડો નોંધાયો છે. ૨૦૧૭-‘૧૮માં આ ચાર કંપની અદાણી એન્ટરપ્રાઇઝિસ, અદાણી પાવર, અદાણી ટ્રાન્સમિશન અને અદાણી પોર્ટ એન્ડ સેઝનો કુલ ચોખ્ખો નફો ૧૩.૭૬ ટકા વધીને રૂ. ૩,૫૪૬ કરોડ થયો છે. સમાન ગાળામાં તેમનું કુલ વેચાણ ૩.૮૫ ટકાની વૃદ્ધિ સાથે રૂ. ૭૩,૨૬૦ કરોડ રહ્યું છે.

બ્લૂમબર્ગ ઇન્ડેક્સ મુજબ ધનકુબેરોની યાદીમાં અદાણી ૨૪૨મા ક્રમે છે. અદાણી પછી વિપ્રોના અઝિમ પ્રેમજીની સંપત્તિમાં પણ મોટો ઘટાડો નોંધાયો છે. ચાલુ વર્ષે વિપ્રોનો શેર ૧૬ ટકા ઘટ્યો છે. ઉલ્લેખનીય છે કે, ટોચની ચાર IT કંપનીમાં વિપ્રો કામગીરીની બાબતમાં તળિયે છે

એક સમયે ધનાઢ્યોની યાદીમાં નંબર-૧ થયેલા દિલીપ સંઘવીની નેટવર્થ પણ ૨૦૧૮માં ૩.૪૮ અબજ ઘટીને ૯.૩૪ અબજ ડોલર થઈ છે. અમેરિકન બજારમાં સ્પર્ધા અને USFDAના અંકુશને કારણે સન ફાર્માનો શેર ચાલુ વર્ષે ૨૧ ટકા ઘટ્યો છે. કોટક સિક્યોરિટીઝના જણાવ્યા અનુસાર ૨૦૧૯-‘૨૦ના અંદાજિત EPSના આધારે ૧૮ના P/E રેશિયો પર શેરે હાલોલ પ્લાન્ટની સંપૂર્ણ રિકવરી અને સ્પેશિયાલ્ટી પ્રોડક્ટ્સનું ૨૦ કરોડ ડોલરનું વેચાણ ડિસ્કાઉન્ટ કરી લીધું છે. બ્રોકરેજના મતે તીવ્ર સ્પર્ધાના કારણે કંપનીને સ્પેશિયાલ્ટી બિઝનેસમાં અવરોધો નડશે તેવી શક્યતા છે.

 

નેટવર્થના ધોવાણની યાદીમાં કુમાર મંગલમ બિરલા પાંચમા ક્રમે છે. બિરલા જૂથની આઠ લિસ્ટેડ કંપનીનું બજાર મૂલ્ય ૧૯.૭૨ ટકા ઘટીને રૂ. ૨,૧૯,૯૦૪ કરોડ થયું છે. હિંદાલ્કો, આઇડિયા, અલ્ટ્રાટેક સિમેન્ટ અને આદિત્ય બિરલા જેવી કંપનીના શેર ચાલુ કેલેન્ડર વર્ષમાં ૭ ટકાથી ૫૦ ટકા સુધી ઘટ્યા છે. બિરલાની નેટવર્થ ૨.૨૪ અબજ ડોલર ઘટીને ૬.૮૩ અબજ ડોલરે પહોંચી છે. અન્ય બિઝનેસ મહારથી અને DLFના પ્રમોટર કે પી સિંઘની સંપત્તિ ચાલુ વર્ષે ૧.૬૫ અબજ ડોલર ઘટીને ૪.૭૯ અબજ ડોલર થઈ છે.

 

 

May 24, 2018
millionares.jpg
1min10330

ભારતમાં અત્યારે વિશ્ર્વના ત્રીજા ક્રમાંકે મોટી સંખ્યામાં અબજોપતિ છે અને હવે પછીના એક દાયકામાં આ ક્લબમાં ૨૩૮ જેટલા વધારે અલ્ટ્રા હાઈ નેટવર્થ ધરાવતા અબજોપતિનો વધારો થશે, તેવું એક અહેવાલમાં જણાવવામાં આવ્યું છે.

આફ્રએશિયા બૅન્ક ગ્લોબલ વેલ્થ માઈગ્રેશન રિવ્યૂના જણાવ્યા મુજબ ભારતમાં અત્યારે ૧૧૯ જેટલી અબજોપતિ વ્યક્તિઓ છે, જે ૨૦૨૭ સુધીમાં વધીને ૩૫૭ પર પહોંચવાની આશા છે.

આગામી દસ વર્ષમાં ભારતમાં ૨૩૮ અબજોપતિનો ઉમેરો થશે જ્યારે ચીનમાં ૪૪૮નો ઉમેરો થશે. ૨૦૨૭ સુધીમાં અમેરિકામાં એ આંકડો ૮૮૪નો થઈ જશે, ત્યાર પછી ચીનમાં ૬૯૭ અને ભારતમાં એ આંક કુલ ૩૫૭ પર પહોંચશે.

એક અબજ યુએસ ડૉલર કે તેથી વધારેની અસક્યામતો ધરાવનારાઓનો સમાવેશ આ ધનાઢય વ્યક્તિઓમાં કરવામાં આવે છે. આગામી દસ વર્ષમાં જે દેશોમાં અબજોપતિ માલેતુજારોનો વધારો થશે તેમાં રશિયન ફેડરેશનમાં ૧૪૨, યુનાઈટેડ કિંગ્ડમમાં ૧૧૩, જર્મનીમાં ૯૦ અને હોંગકોંગમાં ૭૮ની આશા રખાય છે.

વિશ્ર્વભરમાં હાલમાં ૨,૨૫૨ અબજોપતિ છે અને ૨૦૨૭ સુધીમાં એ સંખ્યા ૩,૪૪૪ પર પહોંચશે. કુલ અસક્યામતોને સંબંધ છે ત્યાં સુધી ભારત વિશ્ર્વમાં છઠ્ઠા ક્રમનો દેશ છે, જ્યાં અબજોપતિઓ ૮,૨૩૦ અબજ યુએસ ડૉલરની કુલ મિલકતો ધરાવે છે.

અમેરિકામાં સૌથી વધારે અસક્યામતો ધરાવતા અબજોપતિ છે, ત્યાંના અબજોપતિ કુલ ૬૨,૫૮૪ અબજ યુએસ ડૉલરની મિલકતો ધરાવે છે. ત્યાર પછી ૨૪,૮૦૩ અબજ યુએસ ડૉલરની મિલકતો સાથે ચીનનો નંબર આવે છે અને ત્રીજા નંબર પર ૧૯,૫૨૨ અબજ યુએસ ડૉલરની અસક્યામતો સાથે જાપાન આવે છે.

ભારતમાં અસક્યામતો ઊભી કરવા માટે જે પરિબળો મદદરૂપ થશે તેમાં મોટી સંખ્યામાં ઉદ્યોગપતિઓ, સારી શૈક્ષણિક પદ્ધતિ, આઈટી ક્ષેત્રે રોબસ્ટ આઉટલૂક, બિઝનેસ પ્રોસેસ આઉટ સોર્સિસિંગ રિયલ એસ્ટેટ, હેલ્થકેર અને મીડિયા સેક્ટરની મદદથી દસ વર્ષમાં બસો ટકા પરિણામ મેળવી શકાશે તેવું અહેવાલ જણાવે છે.

દરમિયાન, આગામી દસ વર્ષમાં વિશ્ર્વસ્તરે ૫૦ ટકા અસક્યામતોમાં વધારો જોવા મળે તેવી શક્યતા છે, જે ૨૦૨૭ સુધીમાં ૩૨૧ ટ્રિલ્યન યુએસ ડૉલરની થશે. ઝડપથી વિકસતી વેલ્થ માર્કેટ્સમાં શ્રીલંકા, ભારત, વિયેતનામ, ચીન અને મોરેશિયસને ગણી શકાય તેવું અહેવાલમાં જણાવાયું છે. (પીટીઆઈ)

May 24, 2018
Maruti-Suzuki-Cars.jpg
1min10550
ભારતની સૌથી મોટી ઑટોમેકર કંપની મારુતિ સુઝુકીનો ડોમેસ્ટિક માર્કેટમાં દબદબો જળવાઈ રહ્યો છે. કંપનીએ ડોમેસ્ટિક માર્કેટમાં દસ લાખથી પણ વધારે ગાડીઓ વેચવાનો રેકોર્ડ બનાવ્યો છે. 2017માં મારુતિએ કુલ 16,02,522 વાહન વેચ્યા. કંપનીએ વેચાણનો પોતાનો જ રેકોર્ડ તોડતાં પ્રત્યેક મિનિટે સરેરાશ 3 ગાડીઓ વેચી છે.
માર્કેટ શેરની વાત કરીએ તો મારુતિની પાર્ટનરશિપ 49.6 ટકા છે, જે સૌથી વધારે છે. ઑલ્ટો મારુતિ સુઝુકીની સૌથી વધારે વેચાતી કાર છે. ડિઝાયર પણ સૌથી વધારે વેચાનારી કારની રેસમાં છે. 2017માં ઑલ્ટોના કુલ 2,57,732 યુનિટ્સ વેચાયા. જ્યારે મારુતિ સુઝુકી ડિઝાયરના કુલ 2,25,043 યુનિટ્સ વેચાયા.
May 24, 2018
stock.jpg
1min10570

રોકાણકારોએ મિડ-કેપ શેરો માટે સાવધ રહેવું જોઈએ, કારણ કે તાજેતરના કરેક્શન બાદ પણ આ શેરો લાર્જ-કેપ શેરો કરતાં પ્રીમિયમે ટ્રેડ થાય છે. નિષ્ણાંતોના જણાવ્યા અનુસાર છેલ્લાં ત્રણ વર્ષમાં લાર્જ-કેપ શેરો કરતાં મિડ-કેપ શેરોમાં ચડિયાતું વળતર મળ્યું છે. આ વર્ષે આ ટ્રેન્ડ પલટાયો છે. આ બ્રોકરેજ હાઉસ હવે લાર્જ-કેપ શેરો પર ફોકસ કરવાની સલાહ આપે છે.

બીએસઇના મિડકેપ ઇન્ડેક્સમં 2018માં અત્યાર સુધી 11.7 ટકાનો ઘટાડો થયો છે, જ્યારે સેન્સેક્સમાં આ સમયગાળામાં 1.7 ટકાનો વધારો થયો છે. મિડકેપ ઇન્ડેક્સ નવ જાન્યુઆરીના રોજ 18,321.37ના અત્યાર સુધીના સર્વોચ્ચ સ્તરે સ્પર્શ્યો હતો. આ પછીથી તેમાં 14 ટકાનો ઘટાડો થયો છે. આમ છતાં બીએસઇનો મિડકેપ ઇન્ડેક્સ 46.5 ગણા પ્રાઇસ ટુ અર્નિંગ રેશિયોએ ટ્રેડ થાય છે. આની સામે સેન્સેક્સ 22.4ના પીઇ રેશિયોએ ટ્રેડ થાય છે.

ઘરેલુ ફંડ્સના મજબૂત નાણાપ્રવાહ વચ્ચે પણ મિડ-કેપ શેરોએ ઊતરતો દેખાવ કર્યો છે. માર્ચ 2018માં પૂરા થયેલા વર્ષમાં ચોખ્ખો નાણપ્રવાહ ₹36,200 કરોડ રહ્યો હતો, જે 2016-17ના નાણાકીય વર્ષમાં ₹21,400 કરોડ હતો. સિટી માને છે કે જો ઘરેલુ મ્યુચ્યુઅલ ફંડ્સના નાણાપ્રવાહમાં ઘટાડો થાય તો મિડ-કેપ શેરોમાં મોટું જોખમ આવી શકે છે.

એફઆઇઆઇની સતત વેચવાલી, પ્રીમિયમ વેલ્યુએશન અને નબળી આર્થિક સ્થિતિને કારણે પસંદગીનો અભિગમ અપનાવો. જો અર્નિંગમાં રિકવરી નહીં આવે તો બજારના ફંડામેન્ટલ સંપૂર્ણપણે ઘરેલુ નાણાપ્રવાહ પર આધારિત છે.

બજારમાં હંમેશા રસપ્રદ મિડ કેપ આઇડિયા હોય છે, પરંતુ એક કેટેગરી તરીકે તે મિડકેપ અંગે સાવધ વલણ ધરાવે છે અને તે લાર્જકેપ શેરોને વધુ પસંદ કરે છે. મિડકેપ ફોકસ્ડ ફંડ્સમાં રોકાણપ્રવાહ મજબૂત રહ્યો હોવા છતાં મિડકેપ શેરોમાં કરેક્શન આવ્યું છે.

May 24, 2018
finance-management-2.jpg
1min10780

ફ્રીલાન્સર્સ, સ્વરોજગારી ધરાવતા પ્રોફેશનલ્સ અને ઉદ્યોગસાહસિકો જાણે છે કે, આવક અનિયમિત હોય ત્યારે નાણાંનું મેનેજમેન્ટ મુશ્કેલ હોય છે. કારણ કે વ્યક્તિએ ખર્ચ નિયમિત રીતે કરવો પડે છે, પણ એ ખર્ચ માટે આવક નિશ્ચિત હોતી નથી. ઓપ્ટિમા મની મેનેજર્સના સીઇઓ પંકજ મઠપાલ જણાવે છે કે, અનિયમિત આવક ધરાવતા લોકોને ખર્ચનો અંદાજ હોય છે, આવકનો નહીં. એટલે જ તેમના માટે નાણાકીય આયોજન મુશ્કેલ બને છે.” જોકે, સમજણપૂર્વકના આયોજન સાથે આ પડકારનો સામનો કરી શકાય.

ઇમરજન્સી માટે સૌથી પહેલાં વ્યવસ્થા

વ્યક્તિએ ઇમરજન્સી ખર્ચ માટે સૌથી પહેલાં વ્યવસ્થા કરવી જરૂરી છે. એક વર્ષના ખર્ચ જેટલાં નાણાંની FD કરો અથવા લિક્વિડ ફંડમાં મૂકો. એક્સેલન્ટ એડ્વાઇઝર્સના ડિરેક્ટર પુનિત ઓબેરોયના જણાવ્યા અનુસાર સ્વરોજગાર કરતી વ્યક્તિએ એક વર્ષની આવક જેટલું કન્ટિન્જન્સી ફંડ બનાવવું જોઈએ. તેમાં વર્ષનો ઘરખર્ચ અને બિઝનેસના ફિક્સ્ડ ખર્ચ જેટલી રકમ રાખવી જોઈએ.

ઇમરજન્સી ફંડ ન હોય તો નાણાંની જરૂર પડે ત્યારે વ્યક્તિ એસેટ્સનું વેચાણ કરે છે. તેને લીધે મહત્ત્વના લક્ષ્યાંક માટેની ગણતરી ખોરવાઈ જાય છે. દર મહિને થતી આવકનું લક્ષ્યાંક આધારિત એસેટ એલોકેશન સ્ટ્રેટેજી પ્રમાણે રોકાણ કરવું જોઈએ. અન્ય રોકાણકારોની જેમ સ્વરોજગારમાં સક્રિય પ્રોફેશનલ્સે લાંબા ગાળાના લક્ષ્ય સિદ્ધ કરવા ઇક્વિટીનો ઉપયોગ કરવો જોઈએ. તાત્કાલિક જરૂરિયાત માટે લિક્વિડ અને ડેટ ફંડ્સ સારો વિકલ્પ છે. ઉપરાંત, રહેઠાણની ખરીદી જેવા મધ્યમ ગાળાના લક્ષ્ય માટે તેમાં નાણાં રોકી શકાય.

વ્યક્તિગત અને બિઝનેસ ખર્ચ અલગ રાખવા જોઈએ. TBNG કેપિટલના સ્થાપક અને સીઇઓ તરુણ બિરાનીએ જણાવ્યું હતું કે, “તમે પોતાની જાતને વેતન ચૂકવતા થઈ જશો ત્યારે તમે તેને અન્ય બિઝનેસ ખર્ચની જેમ ગણશો.

વ્યક્તિગત અને બિઝનેસ ખર્ચ અલગ રાખવાથી ફાઇનાન્શિયલ પ્લાન માટે સ્પષ્ટ ચિત્રનો ખ્યાલ આવશે. બિરાની SIPને બદલે તબક્કાવાર રોકાણની ભલામણ કરે છે. Oyepaisa.comના સ્થાપક ઉદય ધૂતના જણાવ્યા અનુસાર વ્યક્તિએ લઘુતમ રોકાણ કે બચતના કમિટમેન્ટની આદત રાખવી જોઈએ. ઉચ્ચક રકમનું રોકાણ લિક્વિડ ફંડ્સમાં કરવું હિતાવહ છે. ચોક્કસ લક્ષ્ય માટે આ પ્રકારના રોકાણની ટેવ રાખો.

નાણાકીય આયોજનને વળગી રહો

વ્યક્તિ નક્કી કરેલી યોજનાને વળગી ન રહે તો અસરકારક નાણાકીય આયોજન માટે ફાળવેલો સમય અને ઊર્જા નિરર્થક નીવડે છે. મઠપાલના જણાવ્યા અનુસાર “લોકો કમાય ત્યારે વધુ ખર્ચ કરે છે અને મુશ્કેલીના સમય માટે ખાસ બચત કરતા નથી. તેઓ પર્સનલ લોન કે ક્રેડિટ કાર્ડ દ્વારા ઊંચા વ્યાજે લોન લે છે.

આવી વ્યક્તિએ લાંબા ગાલાના નાણાકીય આયોજન સાથે વારંવાર સમાધાન કરવું પડે છે. એ વાત યાદ રાખો કે, અંકુશ વગરના ખર્ચા વ્યક્તિને જીવનના લાંબા ગાળાના આર્થિક લક્ષ્યમાંથી વિચલિત કરે છે.

બિરાનીના જણાવ્યા અનુસાર ઘણા લોકો રોકાણને ટૂંકા ગાળાની તકવાદી નજરથી જુએ છે. રોકાણમાં સાતત્યનો અભાવ તેના લાંબા ગાળાના લાભમાં સતત નુકસાન કરાવે છે.વ્યક્તિ લાંબા ગાળા માટે નાનું સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ કરે તો પણ તેના ભંડોળમાં નોંધપાત્ર વધારો થાય છે.

આવક વધારતા વિકલ્પો

અનિયમિત આવક ધરાવતી વ્યક્તિએ સતત આવક રળી આપતા વિકલ્પો પર ધ્યાન આપવું જોઇએ. ટૂંકા ગાળામાં વ્યક્તિની આવક પૂરતી ન હોય ત્યારે ઇમરજન્સી ભંડોળ તેને ટકાવી રાખવામાં મદદ કરે છે. જ્યારે આવકના અન્ય સ્રોત તેને સ્થિરતા આપે છે. મઠપાલના જણાવ્યા અનુસાર આવક રળી આપતી એસેટ્સ ઊભી કરો. જેમકે, વ્યાજની આવક, ડિવિડન્ડ આવક કે ભાડાની આવક આપતી રિયલ એસ્ટેટમાં રોકાણ કરો.

ઇન્શ્યોરન્સને અગ્રિમતા આપો

વ્યક્તિ માટે પૂરતો જીવન વીમો અને હેલ્થ ઇન્શ્યોરન્સ રાખવો ફરજિયાત છે. કારણ કે સ્વરોજગાર કરતી વ્યક્તિ પાસે અન્ય કર્મચારીઓની જેમ કંપની તરફથી ગ્રૂપ હેલ્થ અને લાઇફ ઇન્શ્યોરન્સ હોતો નથી. મહાનગરમાં જીવનસાથી અને બે બાળક સાથે રહેતી વ્યક્તિ માટે ઓછામાં ઓછું ₹5 લાખનું વીમાકવચ જરૂરી છે. દર પાંચ વર્ષે વીમાની રકમની સમીક્ષા કરી તેમાં વધારો કરવો હિતાવહ છે. જીવન વીમો વ્યક્તિની વાર્ષિક આવક કરતાં ઓછામાં ઓછો 10 ગણો હોવો જોઇએ.

May 24, 2018
fraud.jpg
1min10970

નીરવ મોદી, વિજય માલ્યા અને લલિત મોદીની જમાતના બીજા ઘણા લોકો છે

nirav1

પોલીસને હંફાવનારા ફ્રૉડસ્ટર્સની યાદી ફક્ત નીરવ મોદી, વિજય માલ્યા અને લલિત મોદી પૂરતી મર્યાદિત નથી.

CBI અત્યારે આ ત્રણને શોધી રહી છે, પરંતુ મુંબઈ પોલીસની ઇકૉનૉમિક ઑફેન્સિસ વિંગ (EOW)ના અધિકારીઓએ ૨૦૧૫થી ૨૦૧૭ સુધીમાં ૧૯,૬૭૧ કરોડ રૂપિયાની છેતરપિંડીના ૨૮૩ કેસ નોંધ્યા છે. જોકે આટલી રકમમાંથી ઇન્વેસ્ટર્સના ફક્ત ૨.૫૦ કરોડ જ રૂપિયા વસૂલ કરી શક્યા છે.

એ તમામ કેસોમાં ફરાર ગુનેગારો અને આરોપીઓને સજા ફરમાવવાના સાવ ઓછા પ્રમાણથી EOW પરેશાન છે. ૨૦૧૫થી ૨૦૧૮ની ૯ ફેબ્રુઆરી સુધીમાં કોર્ટમાં ફાઇલ કરવામાં આવેલા ૮૦ કેસમાંથી ફક્ત ૨૦ કેસમાં આરોપીઓને સજાના આદેશો આપવામાં આવ્યા છે. ૬૦ કેસમાં આરોપીઓને દોષમુક્ત જાહેર કરીને છોડવામાં આવ્યા છે. આ ઉપરાંત EOWમાં જરૂરિયાતના પ્રમાણમાં કર્મચારીઓની તંગીને લીધે કામગીરી વધારે મુશ્કેલ બને છે.

nirav2

ઍક્ટિવિસ્ટ જિતેન્દ્ર ઘાડગેએ રાઇટ ટુ ઇન્ફર્મેશન (RTI) ઍક્ટ હેઠળ કરેલી અરજીના જવાબમાં મહત્વની માહિતી પ્રાપ્ત થઈ હતી. જિતેન્દ્ર ઘાડગેએ જણાવ્યું હતું કે ‘આવા ગુનેગારોને ડામવામાં કાયદો સફળ થયો નથી. હવે તો લોકોના પૈસા લઈને નાસી જવાનો અને પછી રફુચક્કર થઈ જવાનો નવો ટ્રેન્ડ શરૂ થયો છે. આર્થીક ગુના રોકવા માટે વધારે સખત કાયદાની જરૂર છે.’

નૅશનલ ક્રાઇમ રેકૉર્ડ્સ બ્યુરોની વિગતો પ્રમાણે છેલ્લા એક દાયકામાં દેશમાં આર્થીક અપરાધોમાં ૮૦ ટકા વધારો થયો છે. ૨૦૦૬માં આર્થીક અપરાધોનો દર ૧,૦૦,૦૦૦ લોકોમાં ૬.૬નો હતો એ ૨૦૧૫માં ૧૧.૯ પર પહોંચ્યો હતો.

nirav

૫૦ લાખ રૂપિયા કરતાં વધારે રકમના મોટા આર્થીક ગુનાના કેસ મુંબઈ પોલીસ EOWને સોંપે છે. જોકે તાજેતરનાં વર્ષોમાં EOW સામે કેસોનો ખડકલો થતો જાય છે અને બીજી બાજુ સ્ટાફની તંગી છે. એ કેસોના મોટા ભાગના અપરાધીઓ ફરાર થઈ ગયા છે. જે પકડાય છે તેમને સજાનું પ્રમાણ સાવ ઓછું છે. છેતરપિંડીમાં લોકોએ ગુમાવેલી રકમમાંથી રિકવરીનું પ્રમાણ પણ નહીંવત છે.

May 22, 2018
dollor.jpg
1min12060

રૂપિયાના મૂલ્યમાં ઘટાડો ચાલુ રહ્યો છે. ભારતીય ચલણ ડોલર સામે ઇન્ટ્રા-ડે ₹68.13ની 16 મહિનાની નીચી સપાટીને સ્પર્શ્યો હતો. જોકે, નીચા મથાળે RBIની દરમિયાનગિરીથી રૂપિયો 0.46 ટકાની વૃદ્ધિ સાથે બંધ રહ્યો હતો.

ડીલર્સના જણાવ્યા અનુસાર એશિયાનાં ઊભરતાં બજારોમાં સૌથી વધુ ઘટેલો રૂપિયો RBI વતી કેટલીક PSU બેન્કો દ્વારા ડોલરની ખરીદીને કારણે સુધર્યો હતો. અગાઉ દિવસ દરમિયાન ઊભરતાં બજારોના ચલણમાં વેચવાલીને પગલે રૂપિયામાં પણ ઘટાડો નોંધાયો ત્યારે ઇન્ડોનેશિયાથી માંડી તુર્કીના મધ્યસ્થ બેન્કોએ કરન્સીને સ્થિર કરવા દરમિયાનગીરી કરી હતી. RBIએ પણ અન્ય PSU બેન્કોની મદદથી નીચા મથાળે સ્થાનિક ચલણને ટેકો આપ્યો હતો.

ડીબીએસ બેન્ક ઇન્ડિયાના આશિષ વૈદ્યએ જણાવ્યું હતું કે, આ સ્થિતિમાં સટોડિયાનું સેન્ટિમેન્ટ તોડવું જરૂરી છે. RBIએ નાણાકીય સ્થિરતા પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે.

છેલ્લા કેટલાક દિવસમાં RBIની ગેરહાજરીને પગલે અનહેજ્ડ આયાતકારો અને વિદેશી રોકાણકારોને એક્સ્પોઝર સુલટાવવાની ફરજ પડી હતી. તેના લીધે સ્થાનિક અને વિદેશી બજારોમાં ડોલરની માંગ વધી હતી. રૂપિયાની વેચવાલી કદાચ પૂરી થવાની તૈયારીમાં છે. હાલના તબક્કે ચલણના મૂલ્યમાં તમામ નકારાત્મક પરિબળો ડિસ્કાઉન્ટ થઈ ચૂક્યાં છે.

ઉલ્લેખનીય છે કે, અમેરિકાના વ્યાજદરમાં વૃદ્ધિને કારણે વૈશ્વિક રોકાણકારોએ અન્ય બજારોમાંથી રોકાણ ખેંચવાની નીતિ અપનાવી છે. ખાસ કરીને 75 ટકા ક્રૂડની જરૂરિયાત માટે વિદેશી બજાર પર આધાર રાખતા ભારત જેવાં બજારોમાંથી વિદેશી રોકાણ ખેંચાવાનું શરૂ થયું છે. ભારતનું ફોરેક્સ રિઝર્વ સર્વોચ્ચ સ્તરથી 7 અબજ ડોલર ઘટ્યું છે.

તાજેતરના સરવે મુજબ રૂપિયો ડોલર સામે ₹68ની નીચી સપાટીએ પહોંચવાની આગાહી કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે, 24 નવેમ્બર 2016ના રોજ રૂપિયો ₹68.86ની રેકોર્ડ નીચી સપાટીને સ્પર્શ્યો હતો. ઓગસ્ટ 2013માં રૂપિયાએ ₹68.825નું તળિયું બનાવ્યું હતું. છેલ્લા કેટલાક સમયથી ઇન્ડોનેશિયન રૂપિયાહ અને ટર્કીશ લિરાના મૂલ્યમાં પણ સતત ઘટાડો નોંધાયો છે. તેને લીધે આ દેશોની મધ્યસ્થ બેન્કોને ફોરેક્સ માર્કેટમાં દરમિયાનગીરીની ફરજ પડી હતી.

અમેરિકન ડોલરમાં વૈશ્વિક તેજી ઉપરાંત, ક્રૂડ ઓઇલના ભાવમાં ઉછાળો ભારતીય અર્થતંત્ર માટે નેગેટિવ પરિબળ છે. એક મોટી વિદેશી બેન્કના અંદાજ પ્રમાણે ક્રૂડના ભાવમાં એક ડોલરની વૃદ્ધિથી દેશના આયાત બિલમાં ૭૦-૯૦ કરોડ ડોલરનો વધારો થાય છે.

May 22, 2018
mutual.jpg
1min11420

શેરબજારમાં ભારે વોલેટિલિટી હોવા છતાં રોકાણકારોમાં મ્યુચ્યુઅલ ફંડ્સના આકર્ષણમાં વધારો થઈ રહ્યો છે. માત્ર એક મહિનામાં મ્યુચ્યુઅલ ફંડ્સના ફોલિયોની સંખ્યા આશરે આઠ લાખ વધીને એપ્રિલ 2018ના અંતે 7.22 કરોડના અત્યાર સુધીના સર્વોચ્ચ સ્તરે પહોંચી છે. આ અગાઉ 2017-18ના નાણાકીય વર્ષમાં 1.6 કરોડ નવા ફોલિયો ઉમેરાયા હતા, 2016-17ના નાણાકીય વર્ષમાં 67 લાખ તથા 2015-’16માં 59 લાખ નવા ફોલિયો ઉમેરાયા હતા.

દેશમાં કાર્યરત 42 ફંડ હાઉસિસના કુલ ફોલિયોની સંખ્યા ચાલુ વર્ષે વધીને 7,21,85,970 નોંધાઈ હતી, જે માર્ચ 2018માં નોંધાયેલા 7,13,47,301ની તુલનાએ 8.38 લાખની વૃદ્ધિ દર્શાવે છે.

છેલ્લાં કેટલાંક વર્ષોમાં રિટેલ રોકાણકારો ખાસ કરીને નાનાં શહેરના રોકાણકારોએ દાખવેલા અભૂતપૂર્વ ઉત્સાહ તથા ઇક્વિટી સ્કીમ્સમાં જંગી રોકાણને કારણે ઇન્વેસ્ટર એકાઉન્ટ્સમાં નોંધપાત્ર વધારો જોવાયો છે.

ટેક્સ સેવિંગ સાધન તરીકે રોકાણકારોમાં લોકપ્રિય એવી ઇક્વિટી લિન્ક્ડ સેવિંગ સ્કીમમાં ફોલિયોની સંખ્યા 7.35 લાખ વધી 5.43 કરોડ થઈ હતી, જ્યારે બેલેન્સ્ડ કેટેગરીમાં ફોલિયોની સંખ્યા 1 લાખ વધી 60 લાખ થઈ હતી. જોકે ઇન્ક્મ ફંડ્સ અને ઇટીએફની અન્ય કેટેગરીમાં ફોલિયોની સંખ્યામાં સમીક્ષાના સમયગાળા દરમિયાન ઘટાડો જોવાયો હતો તેમ એસોસિયેશન ઓફ મ્યુચ્યુઅલ ફંડ્સ ઈન ઇન્ડિયા (એમ્ફી)ના આંકડામાં દર્શાવાયું છે.

આશરે બે મહિનાની અનિશ્ચિતતા પછી એપ્રિલમાં બજારમાં સાતત્યપૂર્ણ રિકવરી નોંધાઈ છે. નવું નાણાવર્ષ હકારાત્મક સેન્ટિમેન્ટ સાથે શરૂ થયું છે જે નવા રોકાણકારોના વધેલા વિશ્વાસમાં જોવા મળે છે. ફેબ્રુઆરી અને માર્ચમાં નબળી કામગીરી જોવાઈ તેનું કારણ બજેટમાં લાગુ કરાયેલો લોન્ગ ટર્મ કેપિટલ ગેઇન ટેક્સ હતો તેમ ઇન્વેસ્ટમેન્ટ પ્લેટફોર્મ ગ્રોના સીઓઓ હર્ષ જૈને જણાવ્યું હતું.

એપ્રિલ મહિનામાં નવા ફોલિયોમાં થયેલો વધારો દર્શાવે છે કે નવા રોકાણકારોનો ભય દૂર થયો છે. મ્યુચ્યુઅલ ફંડ્સે લાંબા ગાળા માટે વિશ્વસનીય અને ફ્લેક્સિબલ રોકાણ સાધન તરીકેનું પોતાનું સ્થાન જાળવી રાખ્યું છે. મ્યુચ્યુઅલ ફંડ્સમાં કુલ ₹1.4 લાખ કરોડનો નાણાપ્રવાહ આવ્યો છે. આમાંથી ઇક્વિટ અને ઇક્વિટી લિન્ક્ડ સેવિંગ સ્કીમમાં આશરે ₹12,400 કરોડનો નાણાપ્રવાહ આવ્યો છે.