રાજ્ય સરકારે રાજ્યમાં આઇટી Information technology તથા તેની સાથે સંકળાયેલી સેવાઓ (ITES)ના બિઝનેસને હવે ઇન્ડસ્ટ્રીનો દરજજો આપ્યો છે. રાજ્ય સરકારે સૈદ્ધાંતિક રીતે આઇટી-ITESને ઉદ્યોગનો દરજ્જો આપવા આઇટી ઉદ્યોગો સાથે પત્રવ્યવહાર પણ કર્યો છે. હવે રાજ્ય સરકાર આ અંગે પરિપત્ર બહાર પાડીને ટૂંક જ સમયમાં સત્તાવાર જાહેરાત કરશે.
રાજ્ય સરકારે ગેસિયાને પત્ર લખીને આઇટી-આઇટીઇએસને ઉદ્યોગનો દરજ્જો પ્રાપ્ત થયો હોવાની જાણ કરી દીધી છે. આ પત્રમાં લેન્ડ રેવન્યુ કોડ, એલઆર એન્ડ ટાઉન પ્લાનિંગ એક્ટ, ગુજરાત મ્યુનિસિપલ કોર્પોરેશન એક્ટને સાંકળી લેવાશે. આ ઉદ્યોગને હોટલ ઉદ્યોગની સમકક્ષ ગણાશે કારણ કે તે ઉત્પાદનલક્ષી હોવા ઉપરાંત સ્પષ્ટ રીતે બિઝનેસ યુનિટ ગણી શકાય.
આઇટી કંપનીઓના એસોસિયેશન ગેસિયાના સૂત્રોના જણાવ્યા અનુસાર આઇટીને ઉદ્યોગનો દરજજો આપવા અંગે જણાવ્યું હતું કે, “આઇટી અને આઇટી સાથે સંકળાયેલી સેવાઓને ઉદ્યોગનો દરજ્જો આપવાનો નિર્ણય રાજ્ય સરકારે લઈ લીધો છે.

આ અંગે વધુ વિગતો સાથેનો જીઆર રાજ્ય સરકાર દ્વારા ટૂંક જ સમયમાં બહાર પાડવામાં આવશે અને તેમાં કઈ રીતે લાભ આપવામાં આવશે તેની વિધિવત્ જાહેરાત થશે. ત્યાર પછી વધુ કહી શકાય પરંતુ અમારા આઇટી ઉદ્યોગ દ્વારા અન્ય ઉદ્યોગોને જે સરકાર તરફથી લાભ મળે છે તે મળવા જોઈએ તેવી માંગ અમારા તરફે કરવામાં આવી છે અને તેમાં ઉદ્યોગોને રાજ્ય સરકારના ઔદ્યોગિક વસાહત-જીઆઇડીસીમાં જમીન ફાળવણી કે પાવર સબસિડી જેવા લાભ રોજગારી આપતા આ સેક્ટરને મળવા જોઈએ તેમ માનીએ છીએ.
સ્માર્ટ સિટીના પ્રોજેક્ટ પર કામ કરતી કંપની સોફ્ટવેર અને ટેક્નોલોજીના સમન્વયથી કામ કરે છે, તેવા સંજોગોમાં જેમ હોટેલ ઇન્ડસ્ટ્રી પ્રવાસન ઉદ્યોગનો ભાગ ગણાય છે તે જ રીતે આઇટી ઉત્પાદન અને સર્વિસિસને પણ આ નિર્ણયને પગલે ઉદ્યોગ તરીકે ગણના થશે.


















