દુનિયાભરમાં ફેલાયેલા અને સૌથી વિશાળ સોશિયલ મીડિયા નેટવર્કમાં ટોચ પર રહેલા ફેસબૂકનું નામ બદલવામાં આવશે. ફેસબૂકના સીઈઓ માર્ક ઝુકરબર્ગે કહ્યું છે કે ભવિષ્યમાં ડિજિટલ રૂપમાં થઈ રહેલા ફેરફારોને જોડવાના પ્રયાસ હેઠળ કંપનીને હવે નવા નામ ‘Meta’થી ઓળખવામાં આવશે. ઝુકરબર્ગે ફેસબુક ફોલોઅર્સને ‘મેટાવર્સ’ કહેવામાં છે.
ફેસબૂકના સીઈઓ ઝુકરબર્ગે કહ્યું કે, “હાલના સમયમાં અમારી બ્રાન્ડ ચોક્કસ રીતે એક પ્રોડક્ટ સાથે જોડાયેલી છે, પરંતુ તેના લીધે આજના સમયની બાબતોને તેમાં સાંકળવી મુશ્કેલ છે.” એટલે કે નામ બદલાવાની સાથે તેમાં કેટલાક નવી બાબતોનો પણ સમાવેશ કરવામાં આવશે.
ઝુકરબર્ગે કહ્યું કે અમને આશા છે કે આગામી દાયકાની અંદર ‘મેટાવર્સ’ એક અબજ લોકો સુધી પહોંચી જશે. તેમનું કહેવું છે કે ‘મેટાવર્સ’ એક એવું પ્લેટફોર્મ હશે જેના પર લોકો સંવાદ કરશે અન્ય કાર્યો પણ કરી શકાશે. તેમને આશા છે કે આ એક એવું નવું પ્લેટફોર્મ હશે જે ક્રિએટર્સ માટે ‘લાખો’ નોકરીઓનું સર્જન કરશે.
આ જાહેરાત એવા સમયે કરાઈ છે કે જ્યારે ફેસબૂક અસ્તિત્વ સામે સંકટનો સામનો કરી રહ્યું છે. ફેસબૂક પેપર્સમાં ખુલાસા પછી તેને દુનિયાના ઘણાં ભાગોમાં લેજિસ્લેટિવ અને રેગ્યુલેટરી સ્ક્રૂટિનીનો સામનો કરવો પડી રહ્યો છે. હવે અહીં સવાલ એ થઈ રહ્યો છે કે શું નામ બદલવાથી ફેસબૂક પર જે સંકટના વાદળો ઘેરાયા છે તેનાથી છૂટકારો મળી શકશે કે પછી સંકટમાં આગામી દિવસમાં વધારો થવાની સંભાવના વધી રહી છે. હવે આ તમામ બાબતો પરથી આગામી સમયમાં જ પરદો હટી શકશે.
દક્ષિણના સુપરસ્ટાર રજનીકાન્તને સોમવારે દેશના સર્વોચ્ચ દાદાસાહેબ ફાળકે ફિલ્મ એવૉર્ડથી નવાજવામાં આવ્યો હતો. ૬૭મા નેશનલ ફિલ્મ એવૉર્ડ સમારોહમાં ઉપરાષ્ટ્રપતિ એમ. વેંકૈયા નાયડુના હસ્તે રજનીકાન્તને આ એવૉર્ડ આપવામાં આવ્યો હતો. રજનીકાન્તને ૫૧મો દાદાસાહેબ ફાળકે એવૉર્ડ આપવામાં આવ્યો હતો.
મનોજ બાજપેયી, કંગના રનૌત અને ધનુષને શ્રેષ્ઠ અભિનય બદલ એવૉર્ડ આપવામાં આવ્યો હતો. નવી દિલ્હીના વિજ્ઞાનભવન ખાતે રજનીકાન્તે ઉપરાષ્ટ્રપતિ એમ. વોકૈયા નાયડુના હાથે આ એવૉર્ડ સ્વીકાર્યો હતો.
ફિલ્મ ઉદ્યોગમાં પ્રવેશ કર્યો તે અગાઉ રજનીકાન્ત બસ ડ્રાઈવર તરીકે કામ કરતા હતા. રજનીકાન્તે તેના જૂના બસ ડ્રાઈવર મિત્રને આ એવૉર્ડ સમર્પિત કર્યો હતો. આ બસ ડ્રાઈવર મિત્રએ જ રજનીકાન્તને ફિલ્મમાં કામ કરવાનું સૂચન કર્યું હતું.
રજનીકાન્તની પ્રથમ ફિલ્મ અપૂર્વ રાગાન્ગલના દિવંગત નિર્માતા-નિર્દેશક કે. બાલાચંદર, ભાઈ સત્યનારાયણ રાવ તેમ જ અન્ય નિર્માતા, નિર્દેશક, થિયેટર માલિકો, ટૅક્નિશિયન અને પ્રશંસકોને દાદાસાહેબ ફળકે એવૉર્ડ સમર્પિત કર્યો હતો.
અસૂરન ફિલ્મમાં કરેલા અભિનય બદલ શ્રેષ્ઠ અભિનેતાનો એવૉર્ડ મેળવનાર જમાઈ ધનુષ સાથે રજનીકાન્તે એવૉર્ડ સમારોહમાં હાજરી આપી હતી. રજનીકાન્તની પત્ની લતા અને ધનુષ સાથે પરણેલી પુત્રી ઐશ્ર્વર્યાએ પણ આ સમારોહમાં હાજરી આપી હતી.
ઓસ્ટ્રેલિયાની ટીમ આઇસીસી ટી-20 વિશ્વ કપમાં Dt.23/10/21 શનિવારે જ્યારે દ. આફ્રિકા વિરૂધ્ધ તેના અભિયાનની શરૂઆત કરશે ત્યારે તેના ટોચના ક્રમના બેટધરો પાસે ફોર્મમાં વાપસી કરીને શાનદાર દેખાવની આશા રહેશે.
ટી-20 વિશ્વ વિજેતા બનવામાં અત્યાર સુધી નિષ્ફળ રહેનાર આ બન્ને ટીમો તેમના સપનાને સાકાર કરવા માટે સુપર-12ના ગ્રુપ-વનમાં જીત સાથે ટૂર્નામેન્ટની શરૂઆત કરવાનું લક્ષ્યાંક રાખશે. જો કે ઓસ્ટ્રેલિયાની બાજુ ચિંતા વધુ છે. અહીં પહોંચ્યા પહેલા તેને બંગાલદેશ, વેસ્ટ ઇન્ડિઝ, ન્યુઝીલેન્ડ, ભારત અને ઇંગ્લેન્ડ વિરૂધ્ધની દ્રિપક્ષીય ટી-20 શ્રેણીમાં હાર સહન કરવી પડી છે. આ દરમિયાન કાંગારૂ ટીમ ફકત પાંચ જીત મેળવી શકી છે અને 13માં હારનો સામનો કરવો પડયો છે. ઓસ્ટ્રેલિયાની સૌથી મોટી ચિંતા આક્રમક ઓપનર ડેવિડ વોર્નરનું ખરાબ ફોર્મ છે. આઇપીએલમાં યૂએઇમાં તેને શૂન્ય અને બે રનની ઇનિંગ બાદ સનરાઇઝર્સની ઇલેવનની બહાર કરી દેવાયો હતો. અભ્યાસ મેચમાં પણ સર્જરી બાદ વાપસી કરનાર કેપ્ટન એરોન ફિંચની પણ ક્રિઝ પર કસોટી થશે. ઉપસુકાની પેટ કમિન્સે આઇપીએલમાં બ્રેક લીધો હતો. બીજી તરફ દ. આફ્રિકાની ટીમ ગત વિજેતા વેસ્ટ ઇન્ડિઝ, આયરલેન્ડ અને શ્રીલંકાને હરાવીને અહીં પહોંચી છે. ટીમે બન્ને અભ્યાસ મેચ પણ જીત્યા છે. જો કે આ વખતની આફ્રિકાની ટીમમાં કોઇ મોટા ખેલાડીઓ નથી. આથી ટૂર્નામેન્ટમાં તેને જીતની પ્રબળ દાવેદાર ગણવામાં આવતી નથી. તેના ટોચના ક્રમના બેટધરો સુકાની તેમ્બા બાવુમા, ડિ’કોક, માર્કરમ, હેંડ્રિકસ અને ડુસાન કોઇ પણ બોલિંગ લાઇનઅપને ભારે પડી શકે છે. ખાસ કરીને આફ્રિકાની બોલિંગ વધુ મજબૂત છે. જેમાં રબાડા, નોત્ઝે, એન્ડિગીની ત્રિપુટી’ છે. જયારે સ્પિન મોરચે ટી-20નો વિશ્વ નંબર વન બોલર તબરેજ શમ્શી છે. ડેવન પ્રિટોરિયસ અને વિયાન મુલડર તેના ઓલરાઉન્ડર છે.
ટી-20 વર્લ્ડ કપના Dt.23/10/21, શનિવારે રમાનારા બીજા મેચમાં વર્તમાન વન ડે ચેમ્પિયન ઇંગ્લેન્ડ અને વર્તમાન ટી-20 વર્લ્ડ ચેમ્પિયન વેસ્ટ ઇન્ડિઝ આમને-સામને હશે. ત્યારે ઇંગ્લેન્ડની નજર છેલ્લે 2016ના ટી-20 વર્લ્ડ કપમાં આખરી ઓવરમાં બ્રેથવેટના ચાર છકકાથી મળેલી હારનો હિસાબ ચૂકતે કરીને વિન્ડિઝને હાર આપવાનો રહેશે. વોર્મઅપ મેચમાં ઇંગ્લેન્ડ ભારત સામે અને વિન્ડિઝને પાક સામે હાર મળી હતી. જેમાંથી બોધપાઠ લઇને બન્ને ટીમ ભૂલોથી બચવા કોશિશ કરશે.
ઇંગ્લેન્ડને તેના સ્ટાર ખેલાડીઓ બેન સ્ટોકસ અને જોફ્રા આર્ચરની ખોટ પડશે. કેપ્ટન ઇયોન મોર્ગનનું કંગાળ ફોર્મ ટીમની સૌથી મોટી ચિંતા છે. આ સામે બટલર, મોઇન અલી, બેયરસ્ટો અને મલાન જેવા ખેલાડી સારા ફોર્મમાં છે. બીજી તરફ વેસ્ટ ઇન્ડિઝની ટીમ ફટાફટ ક્રિકેટની સૌથી ખતરનાક ટીમ ગણાય છે. તેની પાસે ગેલ જેવા અને અનુભવી અને હેટમાયર જેવા યુવા ફટકાબાજો છે. ટીમનો કેપ્ટન પોલાર્ડ છે અને તે કેરેબિયન ટીમને ટી-20 વિશ્વ કપમાં ત્રીજીવાર ચેમ્પિયન બનાવવાનો વિશ્વાસ ધરાવે છે.
આજે તા.22મી ઓક્ટોબર 2021ની સવારે 10 વાગ્યે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ પોતાના રાષ્ટ્રજોગ સંબોધનની શરુઆત વૈદિક વિધાનથી કરતા કહ્યું કે ‘कृतं मे दक्षिणे हस्ते जयो मे सव्य आहितः ।’ જો આપણે આને ભારતના સંદર્ભમાં જોઈએ તો તેનો સીધો અર્થ એ છે કે આપણા દેશે એક તરફ ફરજ બજાવી અને બીજી તરફ તેને મોટી સફળતા મળી છે. તેમણે આગળ કહ્યું કે ગઈકાલે 21 ઓક્ટોબરે, ભારતે 1 અબજ એટલે કે 100 કરોડ રસીના ડોઝનું મુશ્કેલ પરંતુ અસાધારણ લક્ષ્ય હાંસલ કર્યું. આ સિદ્ધિ પાછળ 130 કરોડ દેશવાસીઓની કર્તવ્યનિષ્ઠા છે. એટલે જ આ સફળતા ભારતની સફળતા છે, દરેક દેશવાસીની સફળતા છે. હું આ માટે દરેક દેશવાસીને હૃદયપૂર્વક અભિનંદન આપું છું.
તેમણે વધુમાં આગળ કહ્યું કે 100 કરોડ રસી ડોઝ માત્ર એક આંકડો નથી. આ દેશની તાકાતનું પ્રતિબિંબ છે. ઈતિહાસમાં એક નવો અધ્યાય રચાઈ રહ્યો છે. આ એક નવા ભારતનું ચિત્ર છે જે જાણે છે કે કેવી રીતે મુશ્કેલ લક્ષ્યો નક્કી કરવા અને તેમને પ્રાપ્ત કરવા. આ એક નવા ભારતનું ચિત્ર છે, જે તેના સંકલ્પોની પરિપૂર્ણતા માટે સખત મહેનતની પરાકાષ્ઠા છે.
15 નવેમ્બર 2018ના રોજ કુમાર વિશ્વાસે આ જ વિધાન ટ્વીટ કર્યું હતું : कृतं मे दक्षिणे हस्ते जयो मे सव्य आहितः
कृतं मे दक्षिणे हस्ते जयो मे सव्य आहितः। गोजिद् भूयासमश्वजिद् धनञ्जयो हिरण्यगर्भ।। (अथर्ववेद ७.५२.२८)😊🙏 pic.twitter.com/muYDq3jZ2g
કેરળમાં ભારે વરસાદને લીધે મરનારા લોકોની સંખ્યા વધીને ત્રીસ થઇ હતી. આર્મી, નેવી અને વાયુસેના બચાવકાર્યમાં સહયોગ આપી રહી છે. કેન્દ્રના ગૃહ પ્રધાન અમિત શાહે પૂરગ્રસ્ત કેરળને કેન્દ્ર તરફથી બનતી દરેક સહાય આપવાની બાંયધરી આપી હતી. સરકાર કેરળની સ્થિતિ પર સતત નજર રાખી રહી છે. નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સની ૧૧ ટીમ બચાવ અને રાહતકાર્ય કરી રહી છે.
dt.17/10/21, રવિવારે સવારે આર્મી, એનડીઆરએફ, પોલીસ અને અગ્નિશમન દળના જવાનોએ સ્થાનિક લોકોની સાથે મળીને કુટ્ટીકલ અને કોકકાયાર પંચાયત ક્ષેત્રમાં થયેલા ભૂસ્ખલનને લીધે ગુમ થયેલી વ્યક્તિઓની શોધ આદરી હતી.
તપાસ દરમિયાન કાટમાળમાંથી કેટલાક મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા હતા. હજુ સુધી એમની ઓળખ થઇ શકી નથી. શનિવારે કુટ્ટીકલમાંથી બે મહિલા અને બે બાળકના મૃતદેહ મળી આવ્યા હતા.
આ અગાઉ 16/10/21 શનિવારે ઇડુક્કી જિલ્લાના કંજારમાં પૂરના પાણીમાં કાર તણાઇ હતી અને એમાં પ્રવાસ કરી રહેલા ૩૦ વર્ષના એક પુરુષ અને મહિલાનું મોત થયું હતું. સંરક્ષણ પ્રવક્તાએ જણાવ્યું હતું કે કોટ્ટયમમાં પહોંચેલી આર્મીની ટુકડીએ બચાવકાર્ય શરૂ કર્યું છે અને તેઓ ગુમ થયેલી વ્યક્તિઓને કાટમાળમાંથી શોધી રહ્યા છે. એમણે વધુમાં જણાવ્યું હતું કે સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર હજુ કેટલાક લોકો ફસાયા છે. હાલ વરસાદ તો નથી પડી રહ્યો પણ વાદળ ઘેરાયા છે. મદ્રાસ રેજિમેન્ટની ટુકડીએ કુટ્ટીકલથી ચાર કિ. મી. દૂર આવેલા કવાલી ગામે બચાવકાર્ય શરૂ કર્યું છે.
કોચીમાં આવેલા નૌસેનાના જહાજ આઇએનએસ ગરુડા પરથી રાહત સામગ્રી લઇને નૌસેનાનું હેલિકૉપ્ટર અસરગ્રસ્ત વિસ્તાર તરફ રવાના કરાયું હતું. ભારતીય વાયુસેનાના બે એમઆઇ-૧૭ હેલિકૉપ્ટરને વાયુસેનાની થિરુવનન્થપુરમ ખાતેની છાવણીમાં સ્ટૅન્ડ બાય રાખવામાં આવ્યા છે. કેરળ-કર્ણાટકના કિનારાના પ્રદેશમાં હજુ મધ્યમથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. મુખ્ય પ્રધાન પિનારયી વિજયને અસરગ્રસ્ત વિસ્તારોમાં રાહત કૅમ્પ શરૂ કરાઇ હોવાની માહિતી ટ્વિટર પર જાહેર કરી હતી.
ધો.12 ફિઝિક્સ, કેમેસ્ટ્રી અને બાયોલોજી વિષય સાથે 2021માં પાસ જાહેર થયેલા દેશના 13 લાખ જેટલા વિદ્યાર્થીઓની શૈક્ષણિક કારકિર્દીની દિશા નક્કી કરવાનું છે એ નીટના પરીણામ અંગેનું કાઉન્ટ ડાઉન શરૂ થઇ ચૂક્યું છે. ગુજરાતમાં તો નીટ 2021ના સ્કોરથી મેડીકલ, ડેન્ટલ, આયુર્વેદિક અને હોમિયોપેથી એમ ચારેય તબીબી અને પેરામેડીકલ અભ્યાસક્રમોમાં પ્રવેશ માટે ફક્ત નીટનો જ સ્કોર મેરીટ તરીકે ગણવામાં આવે છે. ગુજરાતના અંદાજે 75 હજાર જેટલા વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓ, શિક્ષકો, સ્કુલો નીટ અન્ડર ગ્રેજ્યુએટની પરીક્ષાનું પરીણામ ક્યારે જાહેર થશે એ માટે દિવસમાં 10થી 15 વખત એનટીએની વેબસાઇટ ફંફોસતા જોવા મળી રહ્યા છે.
બાયોલોજી વિષય સાથે જે વિદ્યાર્થીઓ છેલ્લા અઢી વર્ષથી જેના માટે સખત મહેનત કરી છે એ મેડીકલ, પેરામેડીકલ કોર્સમાં પ્રવેશ માટે લેવાયેલી નીટ અન્ડર ગ્રેજ્યુએટ 2021ની પરીક્ષાનું પરીણામ હવે ગમે તે ઘડીએ તા.17 કે 18મી ઓક્ટોબરે જાહેર થાય તેવી સંભાવનાઓ છે.
અગાઉ કેટલાક મિડીયામાં તા.16મી ઓક્ટોબરે પરીણામ જાહેર થશે એવી અટકળો સેવાય રહી હતી.
નીટ યુજીના પરીણામ અંગે નેશનલ ટેસ્ટિંગ એજન્સી તરફથી કોઇ જ સત્તાવાર આગોતરી જાણકારી કે નોટિફિકેશન જાહેર થયું ન હોઇ, નિષ્ણાંતોના મત મુજબ હવે તા.17મી કે 18મી ઓક્ટોબરે ગમે તે ઘડીએ નીટની ઓફિશ્યલ વેબસાઇટ પર નીટ યુજી 2021નું પરીણામ જાહેર થઇ શકે છે. વિદ્યાર્થીઓને સતત નીટ એનટીએ વેબસાઇટ જોતા રહેવા માટે જણાવવામાં આવ્યું છે.
જનરલી એવું બનતું હોય છે કે આન્સરકી સામે વાંધો ઉઠાવવાની મુદત પૂર્ણ થયાના એક કે બે દિવસમાં પરીણામ જાહેર થાય છે. નીટ યુજી માટેની આન્સર કી સામેના વાંધા ઉઠાવવાની સમય મર્યાદા તા.14મી ઓક્ટોબરના રોજ પૂર્ણ થઇ ચૂકી છે. હવે નિષ્ણાંતો જણાવે છે કે ગમે તે ઘડીએ નીટ યુજીનું પરીણામ નીટની ઓફિશ્યલ વેબસાઇટ પર જાહેર થઇ શકે છે.
ધોનીના ધૂરંધરો આઇપીએલની 14મી સિઝનમાં ચેમ્પિયન થયા છે. ફાઇનલમાં કોલકતા નાઇટ રાઇડર્સ સામે 27 રને યાદગાર વિજય હાંસલ કરીને ચેન્નાઇ સુપર કિંગ્સની ટીમ આઇપીએલના ઇતિહાસમાં ચોથીવાર ચેમ્પિયન બની છે. ધોનીની સુકાનીપદ હેઠળ ચેન્નાઇની ટીમ આ પહેલા 2010, 2011 અને 2018માં ખિતાબ જીતવામાં સફળ રહી હતી. હવે તેણે 2021ની સિઝનનો ખિતાબ જીતી લીધો છે અને 2012ના ફાઇનલમાં કોલકતાના હાથે મળેલ હારનો પણ બદલો લીધો હતો.
સીએસકેના 3 વિકેટે 192 રનના પડકારરૂપ સ્કોરના જવાબમાં કેકેઆરે આક્રમક શરૂઆત કરીને પહેલી વિકેટમાં 64 દડામાં 91 રનની ભાગીદારી કરી હતી, બાદમાં ફરી એકવાર મીડલ ઓર્ડરના ધબડકાને લીધે કોલકતાએ હાથમાં આવેલી બાજી ગુમાવી દીધી હતી અને 36 રનના ગાળામાં 8 વિકેટ ગુમાવીને ચેન્નાઇને તાસક પર જીત ધરી દીધી હતી. આથી કેકેઆરના 20 ઓવરના અંતે 9 વિકેટે 165 રન થયા હતા. કેકેઆર તરફથી બન્ને ઓપનર વૈંકટેશ અય્યર અને શુભમન ગિલે અર્ધસદી કરી હતી. અય્યરે 32 દડામાં પ ચોકકા-3 છકકાથી પ0 અને શુભમને 43 દડામાં 6 ચોકકાથી પ1 રન કર્યાં હતા. ચેન્નાઇ તરફથી પ્લેસિસે સૌથી વધુ 86 રન કર્યાં હતા. જયારે શાર્દુલને 3 અને રવીન્દ્ર-હેઝલવુડને ર-ર વિકેટ મળી હતી.
કેપ્ટન કૂલ એમએસ ધોની વિશે કહેવાય છે કે તે અનહોની કો હોની કર દે, આઇપીએલના ફાઇનલમાં પણ આવું જ જોયા મળ્યું હતું. કોલકતાની યુવા ટીમ પર ચેન્નાઇની અનુભવી ટીમ ભારે પડી હતી.
બંગલાદેશમાં ઉપદ્રવીઓ દ્વારા દુર્ગાપૂજા પંડાલોમાં તોડફોડ કર્યાના બનાવો સામે આવ્યા છે. જેને લઈને સરકાર તરફથી આકરી કાર્યવાહીની ચેતવણી આપી છે. સ્થાનિક અહેવાલ પ્રમાણે મોટાભાગના હુમલા કમિલા જિલ્લામાં થયા છે.
રિપોર્ટ મુજબ એક સોશિયલ મીડિયા પોસ્ટમાં કથિત રીતે એક પૂજા સ્થળે કુરાનના અપમાન બાદ હિંસા ભડકી હતી. આ મામલે વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ કહ્યું છે કે તેઓને ધાર્મિક આયોજન દરમિયાન હુમલાના રિપોર્ટ મળ્યા છે અને તેઓ બંગલાદેશ સરકાર સાથે સંપર્કમાં છે.
બીજી તરફ આ મામલે પશ્ચિમ બંગાળમાં ભાજપના વરિષ્ઠ નેતા શુભેન્દુ અધિકારીએ પીએમ મોદીને પત્ર લખીને ઘટનાની જાણકારી આપી છે અને હસ્તક્ષેપની માગણી કરી છે. બંગલાદેશના પીએમ શેખ હસિનાએ ચેતવણી આપી છે કે હુમલામાં સામેલ કોઈને છોડવામાં આવશે નહી. તેઓને ફરક નથી પડતો કે હુમલો કરનારા ક્યા ધર્મના છે.
ચાંદપુરના હાજીગંજ, ચટ્ટોગ્રામના બંશખલી, ચપેનવાબગંજના શિબગંજ અને કોક્સ બજારના પેકુઆમાં મંદિરો ઉપર હુમલા કરવામાં આવ્યા હતા. ઘણી જગ્યાએ દુર્ગાની પ્રતિમાને નુકશાન પહોંચાડવામાં આવ્યું હતું. હિંસાની તસવીરો સોશિયલ મીડિયા ઉપર પણ વાયરલ થઈ હતી. ચાંદપુરની એક હોસ્પિટલે કહ્યું હતું કે, તેઓને ત્રણ લોકોના મૃતદેહ મળ્યા છે. જેને લઈને હોસ્પિટલનું માનવું છે કે આ મૃત્યુ હિંસામાં થયું છે.
બંગલા દેશના સુરક્ષા અધિકારીઓએ ઘટના સ્થળ ઉપર અર્ધસૈનિક દળોને તૈનાત કરી દીધા છે. બંગલાદેશમાં દુર્ગાપુજાના પંડાલ ઉપર હુમલા મામલે વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ કહ્યુ હતું કે, બંગલાદેશમાં’ ધાર્મિક આયોજન દરમિયાન આક્રમણની અમુક પરેશાન કરતી ઘટનાઓના રિપોર્ટ મળ્યા છે. બંગલાદેશ સરકાર કાયદો વ્યવસ્થા સુનિશ્ચિત કરવા માટે તૈનાતી સહિતના પગલા ભર્યા છે. આ મામલે બંગલાદેશ સરકાર સાથે મંત્રાલય સંપર્કમાં છે. બંગલાદેશ સરકારે પોલીસ અને બીજી સુરક્ષા વ્યવસ્થા કરી છે. બંગલાદેશમાં દુર્ગાપુજા આયોજન થઈ રહ્યાછે અને તેમાં બંગલાદેશ સરકાર અને જનતાનો ઘણો સહયોગ રહ્યો છે.
ઉત્તરપ્રદેશનાં લખીમપુર ખીરી જિલ્લામાં ઉપમુખ્યમંત્રી કેશવપ્રસાદ મૌર્ય અને કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી અજય મિશ્રા ટેની ખિલાફ કિસાનોનું વિરોધ પ્રદર્શન હિંસક અથડામણમાં પલટાઈ ગયું હતું અને આ ઘર્ષણમાં કુલ 8 વ્યક્તિનાં મૃત્યુ નિપજ્યા હોવાનું અનધિકૃત અહેવાલોમાં જાણવા મળે છે. કેન્દ્રીય મંત્રીનાં કાફલામાં તેમનાં પુત્રની મોટરકારે બેથી ત્રણ કિસાનોને કચડી નાખ્યા બાદ ખેડૂતો વિફર્યા હતાં અને જોતજોતામાં જ તોફાન શરૂ થઈ ગયું હતું. આ હિંસામાં મંત્રીનાં કાફલાની મોટરકારો પણ સળગાવી નાખવામાં આવી હતી. મૃતકોમાં 4 કિસાનો અને 4 કાફલાનાં વાહનોમાં સવાર લોકોનો સમાવેશ થતો હોવાનું પ્રાથમિક રૂપે જાણવા મળે છે.
હિયાળ બનેલા લખીમપુરનાં વિરોધ પ્રદર્શન પછી વિપક્ષી નેતાઓએ ભાજપ ઉપર આક્રમણ ચલાવતા ઉગ્ર નિવેદનબાજી શરૂ કરી હતી અને સંખ્યાબંધ નેતાઓએ લખીમપુરની મુલાકાતનું આયોજન પણ કરી નાખ્યું છે. બબાલના પગલે સમગ્ર વિસ્તારમાં ઈન્ટરનેટ સેવા પણ અટકાવી દેવામાં આવી હતી.
જાણકારી અનુસાર કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી અજય મિશ્રા અને રાજ્યના નાયબ મુખ્યમંત્રી કેશવ મૌર્ય એક કાર્યક્રમ માટે લખીમપુર ખીરી આવ્યા હતા. આ વાતની જાણકારી કૃષિ કાયદાનો વિરોધ કરી રહેલા કિસાનોને થતાં તેઓ હેલિપેડ પર પહોંચી ગયા હતા અને કબજો કરી લીધો હતો. મિશ્રા અને મૌર્યનો કાફલો જ્યારે સડક માર્ગે આવી રહ્યો હતો ત્યારે કિસાનોએ કાળા ઝંડા દેખાડી વિરોધ કર્યો હતો. આ દરમ્યાન કાફલામાં રહેલા મિશ્રાના પુત્ર અભિષેકે પોતાની ગાડી કિસાનો પર ચડાવી દેતાં અફરાતફરી મચી હતી. આ ઘટનાથી કિસાનોનો ગુસ્સો ફૂટી નીકળ્યો હતો અને તેમણે બે ગાડીમાં આગ ચાંપી હતી. મંત્રીના પુત્રની ગાડીને રોકવાના પ્રયાસમાં એક મહિલા સિપાહી સહિત બે પોલીસકર્મીને ઈજા પણ પહોંચી હતી.
કિસાન સંગઠનો દ્વારા દાવો કરવામાં આવ્યો હતો કે આ અથડામણમાં આઠ કિસાન ઘવાયા હતાં અને એકની ગોળી મારીને હત્યા પણ થઈ છે. આ ગોળીબાર મંત્રીના પુત્રએ જ કર્યો હોવાનો આક્ષેપ પણ થયો છે. બીજીબાજુ ભારતીય કિસાન સંગઠનનાં નેતા રાકેશ ટિકૈતે પણ આ ઘટનામાં 4 કિસાનોનાં મૃત્યુ થયા હોવાનો દાવો કર્યો હતો. ટિકૈતે આ ઘટનાને પગલે લખીમપુરનો તાબડતોબ પ્રવાસ પણ ગોઠવી નાખ્યો હતો.
કોંગ્રેસનાં નેતા પ્રિયંકા ગાંધી અને સપાનાં નેતા અખિલેશ યાદવે પણ ખેડૂતોનાં સમર્થનમાં લખીમપુરની મુલાકાત લેવાની જાહેરાત કરી હતી. રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, કિસાનોના બલીદાનને વ્યર્થ જવા દેવાશે નહી. જો આ અમાનવીય નરસંહારને જોઈને પણ ચુપ છે તે પહેલા જ મરી ચૂક્યા છે. આ મામલે યુપીના પૂર્વ સીએમ અને સપા પ્રમુખ અખિલેશ યાદવે કહ્યું હતું કે કૃષિ કાયદા સામે શાંતિપુર્ણ રીતે વિરોધ કરી રહેલા કિસાનોને ભાજપ સરકારના ગૃહરાજ્યમંત્રીના પુત્રની ગાડીની કચડવા એ અમાનવીય અને ક્રૂર કૃત્ય છે. જયંત ચૌધરીએ આ ઘટનાને કાળુ કૃત્ય ગણાવ્યું હતું અને કહ્યું હતું કે, ગૃહમંત્રી સાજીશ રચી રહ્યા હોય તો કોણ’ સુરક્ષિત રહેશે. અન્ય વિપક્ષી નેતાઓએ પણ ઘટના બાદ ભાજપ ઉપર નિશાન તાક્યું હતું અને ઘટના અંગે ચિંતા વ્યક્ત કરી હતી. આમ લખીમપુર હવે રાજકારણનો નવો અખાડો બનવાનું સુનિશ્ચિત થઈ ગયું છે.
કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી અમિત મિશ્રા ટેનીએ કહ્યું હતું કે, કિસાનોના ટોળાએ પથ્થર વડે કાફલા ઉપર હુમલો કર્યો હતો. તેમાં તેના ડ્રાઈવરનું મૃત્યુ થયું છે. આંદોલનકારીઓએ લાકડી અને તલવાર વડે કરેલા હુમલામાં ત્રણ કાર્યકર્તાઓએ જીવ ગુમાવ્યો છે. વધુમાં એમ પણ કહ્યું હતું કે, મારો પુત્ર સ્થળ ઉપર હાજર નહોતો બાકી તેની પણ હત્યા કરી દેવામાં આવી હોત. આ સાથે કિસાનો વચ્ચે ઉપદ્રવીઓ છુપાયેલા હોવાનો પણ દાવો કરવામાં આવ્યો હતો.
વડા પ્રધાન નરેન્દ્ર મોદી વીડિયો કોન્ફરન્સ દ્વારા આજરોજ તા.27મી સપ્ટેમ્બર 2021ને સોમવારે પ્રધાન મંત્રી ડિજિટલ હૅલ્થ મિશન (પીએમ-ડીએચએમ)નું ઉદ્ઘાટન કર્યું હતું. ભારતીયોને એક હેલ્થ આઇડી આપવામાં આવશે જેમાં દરેક નાગરીકના વ્યક્તિગત સ્વાસ્થ્ય સંબંધિત માહિતી, બિમારીઓની માહિતી, ઓપરેશન જો કોઇ કરાવ્યા હોય તો તે અંગેની માહિતી, કોઇક દવાની એલર્જી હોય તો તેની હિસ્ટ્રી વગેરે બાબતો નોંધાશે. કોઇપણ સમયે દવાખાનામાં કે હોસ્પિટલાઇઝેશન વખતે સારવાર નિદાન કરનારા તબીબો માટે આ એક સૌથી સહજ, સરળ અને ઓથેન્ટિંક માહિતી હશે.
વડા પ્રધાને આ યોજના વિશેની જાહેરાત ૧૫મી ઑગસ્ટ, ૨૦૨૦ના દિવસે લાલ કિલ્લા પરથી કરી હતી.
હાલ, છ કેન્દ્ર શાસિત પ્રદેશમાં હાલ પ્રાથમિક ધોરણે આ યોજનાનો અમલ કરાયો છે. આ ઐતિહાસિક પહેલનું ૨૭ સપ્ટેમ્બર, ૨૦૨૧ના દિવસે સવારે ૧૧ વાગ્યે વડા પ્રધાન ઉદ્ઘાટન કર્યું હતું. આ યોજનાની રાષ્ટ્રવ્યાપી શરૂઆત યોગાનુયોગે નેશનલ હૅલ્થ ઓથોરિટી (એનએચએ)ની યોજના આયુષ્યમાન ભારત પ્રધાન મંત્રી જન આરોગ્ય યોજનાની ત્રીજી વર્ષગાંઠના દિવસથી થઇ રહી છે.
આ પ્રસંગે કેન્દ્રના સ્વાસ્થ્ય પ્રધાન મનસુખ માંડવીયા ઉપસ્થિત રહ્યા હતા. મુખ્ય મુદ્દા તરીકે આ યોજનામાં દરેક નાગરિક માટે સ્વાસ્થ્ય ઓળખ (આઇડી)નો સમાવેશ કરાયો છે, જેનો ઉપયોગ એમના સ્વાસ્થ્ય ખાતા તરીકે પણ કરાશે.
એક 90 વર્ષ પરંપરા કે જે અપ્રતિમ છે નિષ્પક્ષ નિષ્પક્ષ દરરોજ, વહેલી તકે, એક ગતિશીલ સંપાદકીય ટીમ અને ડિસ્ટ્રીબ્યુટર અને બિઝનેસ એસોસિએટ્સનું એક શક્તિશાળી નેટવર્ક, દરરોજ નવ દાયકા જૂની પરંપરા આપે છે. એવી પરંપરા કે જે વિચારો, માહિતી અને સીધા પત્રકારત્વના એક વિશિષ્ટ સંશ્લેષણ છે. દરેક વાર્તામાં અપ્રતિમ અધિકૃતતા અને તટસ્થતાનો સમાવેશ થાય છે, વાચકોને સૌથી વધુ જાણકાર અને વિશ્લેષણાત્મક સમાચાર કવરેજ સાથે સમર્થન આપવું.