ભારતમાં કોરોનાના ૮૪.૧૬ ટકા અથવા ૧.૬૮ લાખ સક્રિય દરદી પાંચ રાજ્યના હોવાની અને છ રાજ્ય તથા કેન્દ્રશાસિત પ્રદેશમાં સક્રિય દરદીની સાપ્તાહિક ટકાવારી રાષ્ટ્રીય સરેરાશ બે ટકા કરતા વધારે હોવાની માહિતી કેન્દ્રના સ્વાસ્થ્ય મંત્રાલયે મંગળવારે આપી હતી.
દેશના કોરોનાના કુલ સક્રિય દરદીમાંથી ૬૭.૮૪ ટકા દરદી તો મહારાષ્ટ્ર અને કેરળના છે.
જે છ રાજ્ય તથા કેન્દ્રશાસિત પ્રદેશમાં સક્રિય દરદીની સાપ્તાહિક ટકાવારી રાષ્ટ્રીય સરેરાશ બે ટકા કરતા વધારે છે, એમાં મહારાષ્ટ્ર, કેરળ, ગોવા, ચંડીગઢ, પંજાબ અને ગુજરાતનો સમાવેશ થાય છે. એમાંય સૌથી વધુ સાપ્તાહિક મહારાષ્ટ્રમાં ૧૦.૦૨ ટકા સક્રિય દરદીનો વધારો નોંધાયો હતો.
મંત્રાલયે જણાવ્યા અનુસાર ભારતમાં મંગળવારે સવારે ૮ વાગ્યા સુધીમાં કોરોનાના ૧૨,૨૮૬ નવા કેસ નોંધાયા હતા અને એ સાથે કુલ કેસની સંખ્યા વધીને ૧,૧૧,૧૨,૨૪૧ થઇ હતી.
હાલ ભારતમાં ૧,૬૮,૩૫૮ સક્રિય દરદી છે, જે કુલ દરદીના ૧.૫૧ ટકા થાય છે અને એમાંથી ૮૦.૩૩ ટકા સક્રિય દરદીઓ પાંચ રાજ્યના છે.
ગત ૨૪ કલાકમાં દેશના સૌથી વધુ કેસ મહારાષ્ટ્રમાં ૬,૩૯૭ અને ત્યાર બાદ કેરળમાં ૧,૯૩૮ કેસ નોંધાયા હતા.
દેશના સૌથી વધુ કેસ મહારાષ્ટ્રમાં ૪૬.૮૨ ટકા અને ત્યાર બાદ કેરળમાં ૨૮.૬૧ ટકા કેસ છે.
કેન્દ્ર સરકાર રાજ્યોને સતત કોરોનાની માર્ગદર્શિકાનું સખતાઇથી પાલન કરાવવાની સલાહ આપતી રહે છે અને કોરોનાનો રોગચાળો વધુ ન ફેલાય એ માટે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને સતત સલાહ અને સૂચનો આપતી રહે છે.
ભારતમાં કોરોનાના મંગળવાર સુધીમાં કુલ ૧,૦૭,૯૮,૯૨૧ દરદી સાજા થયા હતા અને સાજા થનાર દરદીની ટકાવારી ૯૭.૦૭ ટકા નોંધાઇ હતી. ગત ૨૪ કલાકમાં ૯૧ વ્યક્તિએ કોરોનાને કારણે પોતાના જીવ ગુમાવ્યા હતા અને એમાંથી મહારાષ્ટ્રમાં ૩૦ વ્યક્તિએ કોરોનાને કારણે જીવ ગુમાવ્યા હતા.
નાયબ મુખ્યમંત્રીએ આ સાથે સ્પષ્ટતા કરી છે કે આરોગ્ય વિભાગ દ્વારા માન્ય ખાનગી હોસ્પિટલોમાં કોરોના વેક્સિન આપવામાં આવશે. જેમાં રુ. 150 વેક્સિનની કિંમત પેટે અને રુ. 100 વહીવટી ચાર્જ સ્વરુપે એમ કુલ મળીને રુ. 250 પ્રતિ ડોઝ લેવામાં આવશે.
દેશની સાથે સાથે ગુજરાતમાં પણ પહેલી માર્ચથી એટલે કે સોમવારથી 60 વર્ષ કે તેથી મોટી ઉંમરના તેમજ 45થી 59 વર્ષના કો-મોર્બિડ કન્ડીશન ધરાવતા લોકોને કોરોના રસી આપવાની શરૂઆત થશે. રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જાહેરાત કરી છે કે, કોરોના વાયરસ સામે હેલ્થ વર્કર અને ફ્રન્ટલાઈન વર્કર્સનને રક્ષણ આપવા રસીકરણ અભિયાનની પૂર્ણાહુતિ સાથે જ હવે કેન્દ્ર સરકારના માર્ગદર્શન મુજબ રાજ્યમાં પહેલી માર્ચથી સામાન્ય નાગરિકો માટે પણ રસીકરણની પ્રક્રિયા શરું કરવાં આવશે. આ સાથે જ નાયબ મુખ્યમંત્રીએ ટ્વિટ કરીને જણાવ્યું છે કે કેન્દ્ર સરકાર દ્વારા સમાન્ય નાગરીકો માટે કોરોના વેકસીનની કિંમત નક્કી કરવામાં આવી છે જે અંતર્ગત ખાનગી હોસ્પિટલમાં કોરોના વેક્સિન લેવા માટે રુ. 250 ચૂકવવા પડશે જ્યારે સરકારી હોસ્પિટલમાં આ વેક્સિન વિનામૂલ્યે આપવામાં આવશે.
45થી 59 વર્ષની ઉંમરના કો-મોર્બિડ કન્ડીશન ધરાવતા નાગરિકો માટે 20 પ્રકારની ગંભીર બીમારી કેન્દ્ર સરકારે નિયત કરી છે. જેમાં એક વર્ષમાં હાર્ટ એટેક આવ્યો હોય, હાર્ટની ગંભીર બીમારી, જન્મજાત બીમારી, કેથેટર, સ્ટેન્ટ મૂકાયા હોય, કિડની અને લિવરની ગંભીર બીમારી, ડાયાબિટીસ, હાઈપરટેંશન અને એન્ઝાયટી એમ ત્રણ ભેગી બીમારી, કેન્સર, HIV, સિક્લસેલ, થેલેસેમિયા મેજરનો સમાવેશ થાય છે. જે લોકોને આ બીમારીની સારવાર ચાલતી હોય તેમણે રજિસ્ટ્રર્ડ મેડિકલ પ્રેક્ટિશનરનું સર્ટિફિકેટ પણ જોડીને રસીકરણ માટે રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે.
સોશિયલ મીડિયા અને ઑવર ધ ટૉપ (ઓટીટી-કૅબલ અને ડીટીએચને બદલે ઈન્ટરનેટ પર ઍપ કે વૅબસાઈટ દ્વારા ટીવી શૉ અને મુવી જેવા વીડિયોનું સ્ટ્રીમિંગ) મંચનો દુરુપયોગ થતો અટકાવવા સરકારે ગુરુવારે તે માટેની ગાઈડલાઈન્સ જાહેર કરી હતી.
ભારતમાં વૉટ્સઍપના ૫૩ કરોડ, યુ ટ્યૂબના ૪૪.૮ કરોડ, ફૅસબુકના ૪૧ કરોડ, ઈન્સ્ટાગ્રામના ૨૧ કરોડ અને ટ્વીટરના ૧.૭૫ કરોડ વપરાશકર્તા છે.
કૉર્ટ કે સરકાર જણાવે તો સોશિયલ મીડિયાના મંચે સોશિયલ મીડિયા મંચ પર વાંધાજનક સંદેશો મોકલનારી મૂળ વ્યક્તિની ઓળખ છતી કરવાની રહેશે.
સોશિયલ મીડિયા અંગેના નવા નિયમો અંગે બોલતા આઈટી ખાતાના પ્રધાન રવિશંકર પ્રસાદે કહ્યું હતું કે મહિલાઓની નગ્ન તેમ જ મૉર્ફ કરેલી તસવીરો ૨૪ કલાકમાં સોશિયલ મીડિયા પરથી હટાવી લેવી પડશે.
સોશિયલ મીડિયાના થતા દુરુપયોગ અને તેના પર મૂકવામાં આવતા બનાવટી સમાચારો પર લગામ તાણવા સરકાર દ્વારા આ માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી હોવાનું તેમણે કહ્યું હતું.
નવા નિયમો અનુસાર સોશિયલ મીડિયાના મધ્યસ્થીઓએ ગ્રિવીયન્સ ઑફિસરની નિમણૂક કરવી પડશે અને તેણે ૨૪ કલાકમાં ફરિયાદ નોંધવાની રહેશે.
ગ્રિવીયન્સ રિડ્રેસલ ઑફિસર ભારતનો રહેવાસી હોય તે જરૂરી હોવા ઉપરાંત સોશિયલ મીડિયા મંચે નિયમોના પાલનનો માસિક અહેવાલ રજૂ કરવાનો રહેશે.
કૉર્ટ કે સરકાર દ્વારા જાણકારી માગવામાં આવે ત્યારે સોશિયલ મીડિયા મંચે વાંધાજનક પૉસ્ટ મૂકનાર મૂળ વ્યક્તિની ઓળખ જાહેર કરવાની રહેશે.
સોશિયલ મીડિયા પાસે વપરાશકર્તાની સ્વૈચ્છિક ચકાસણી કરવાની જોગવાઈ હોવી જોઈએ, એમ આઈટી ખાતાના પ્રધાન રવિશંકર પ્રસાદે કહ્યું હતું.
પ્રસારમાધ્યમને આપેલી મુલાકાતમાં કેન્દ્રીય પ્રધાન રવિશંકર પ્રસાદ અને પ્રકાશ જાવડેકરે સોશિયલ મીડિયા મંચને ભારતમાં બિઝનેસ કરવા આવકાર્યું હતું અને લોકપ્રિયતા મેળવવા બદલ તેમની પ્રશંસા કરી હતી.
દેશના સામાન્ય નાગરિકોનું સશક્તિકરણ કરવા બદલ તેમણે સોશિયલ મીડિયા મંચને વધાવી લીધું હતું.
તેમણે કહ્યું હતું કે ભારતમાં સોશિયલ મીડિયાનું યોગ્ય રીતે નિયમન થાય તે જરૂરી છે અને ફરિયાદોનો નિકાલ ઝડપી બને તે માટે સરકારે યંત્રણા પણ સ્થાપી છે.
ચાવીરૂપ મુદ્દાઓ:
૧) ફરિયાદનો ઝડપી નિકાલ કરવા ત્રિસ્તરીય યંત્રણા.
૨) દ્વિસ્તરીય સ્વનિયમન નિયમો સાથે ત્રિસ્તરીય યંત્રણા રચવામાં આવી છે.
૩) પ્રથમ સ્તરમાં પબ્લિશર અને બીજા સ્તરમાં સ્વનિયમનકારી સંસ્થાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.
જ્યારે ત્રીજા સ્તરમાં માહિતી અને પ્રસારણ ખાતાની દેખરેખ હેઠળ સમગ્ર યંત્રણાનું નિરીક્ષણ કરતી યંત્રણા કાર્યરત રહેશે.
૪) નવી સોશિયલ મીડિયા નિયામક યંત્રણા હેઠળ ઓટીટી મંચે ચીફ કમ્પલાયન્સ ઑફિસર, નોડાલ કૉન્ટેક્ટ પર્સન અને રૅસિડન્ટ ગ્રિવીયન્સ ઑફિસરની ભરતી કરવી પડશે.
૫) સુપ્રીમ કૉર્ટ કે હાઈ કૉર્ટના નિવૃત્ત ન્યાયાધીશ અથવા જે તે ક્ષેત્રની ખ્યાતનામ વ્યક્તિ આ સ્વનિયમનકારી સંસ્થાનું નેતૃત્વ સંભાળશે અને તેઓ પબ્લિશરને સલાહ આપી શકશે.
૬) કોઈપણ વાંધાજનક પૉસ્ટ, ટ્વીટ કે સંદેશો મોકલનાર મૂળ વ્યક્તિની ઓળખ છતી કરવાની રહેશે.
૭) કાયદાનો અમલ કરાવતી સંસ્થા સાથે ૨૪ કલાક સંકલન કરવાની જવાબદારી નોડાલ કોન્ટેક્ટ પર્સનની હશે.
કોરોનાના કેસોમાં અચાનક ફરી વધારો થતાં કેટલાક રાજ્યોમાં બહારથી આવતા લોકો પર નિયંત્રણો મૂકવામાં આવ્યા છે. હાલ કેટલાક રાજ્યના રાજ્યોએ બનાવેલા નિયમ અનુસાર, બહારના રાજ્યોમાંથી આવતા લોકોએ ફરજિયાતપણે કોરોના નેગેટિવ હોવાનો રિપોર્ટ બતાવવાનો રહેશે. છેલ્લા એક સપ્તાહમાં મહારાષ્ટ્ર, કેરળ, છત્તીસગઢ, એમપી અને પંજાબમાં જ દેશના 86 ટકા કેસ સામે આવ્યા છે.
દેશમાં હાલ જેટલા કેસ નોંધાઈ રહ્યા છે તેમાંથી 75 ટકા તો માત્ર મહારાષ્ટ્ર અને કેરળમાં જ આવી રહ્યા છે. તેવામાં દિલ્હીએ મહારાષ્ટ્ર, કેરળ, છત્તીસગઢ, એમપી અને પંજાબથી આવતા લોકો માટે કોરોના નેગેટિવ રિપોર્ટને ફરજિયાત બનાવ્યો છે. 26 ફેબ્રુઆરીથી આ નિયમ લાગુ પડી જશે, અને 15 માર્ચ સુધી તેનો અમલ કરાશે. બસ, ટ્રેન કે ફ્લાઈટમાં આવતા લોકો પર આ નિયમ લાગુ કરાશે, જ્યારે કારમાં આવતા લોકોને તેમાંથી મુક્તિ અપાઈ છે
કર્ણાટકે પણ મહારાષ્ટ્ર અને કેરળમાંથી આવતા લોકો માટે કર્ણાટકમાં એન્ટ્રી લીધાના ઓછામાં ઓછા 72 કલાક પહેલા કરાવાયેલો RT-PCR રિપોર્ટ ફરજિયાત બનાવ્યો છે, અને આ રિપોર્ટ નેગેટિવ હશે તે લોકોને જ રાજ્યમાં એન્ટ્રી મળશે. કર્ણાટક જતી ફ્લાઈટમાં બેસનારા વ્યક્તિએ તે જ વખતે એરલાઈનના સ્ટાફને આ રિપોર્ટ બતાવવો પડશે. તેવી જ રીતે ટ્રેનમાં TTE અને બસમાં કંડક્ટરે આ રિપોર્ટ ચકાસવાનો રહેશે.
ગુજરાતના પાડોશી એવા મહારાષ્ટ્રએ ઘણા સમયથી ગુજરાત, કેરળ, ગોવા, દિલ્હી અને રાજસ્થાનથી આવતા લોકો માટે RT-PCR ટેસ્ટ ફરજિયાત બનાવ્યો છે. આ ટેસ્ટ મહારાષ્ટ્રના એન્ટ્રી કર્યાના ઓછામાં ઓછા 96 કલાક પહેલા કરાવેલો હોવો જોઈએ. આ સિવાય જે લોકોમાં પણ કોરોનાના લક્ષણ દેખાશે તેમનો ત્યાં જ એન્ટિજેન ટેસ્ટ કરાશે તેવું પણ મહારાષ્ટ્ર સરકારે જણાવ્યું છે. જો કોઈ ટેસ્ટ કરાવ્યા વિના આવશે અને તેનો રિપોર્ટ પોઝિટિવ આવશે તો તેને કોવિડ કેર સેન્ટરમાં મોકલાશે, જેનો ખર્ચો જે-તે વ્યક્તિએ ભોગવવાનો રહેશે.
ઉત્તરાખંડે પણ મહારાષ્ટ્ર, ગુજરાત, કેરળ, એમપી, છત્તીસગઢમાંથી આવતા લોકો માટે કોરોના ટેસ્ટ ફરજિયાત બનાવ્યો છે. હરિદ્વારમાં હાલ કુંભમેળો ચાલી રહ્યો છે, ત્યારે તેમાં ભાગ લેવા આવતા લોકોએ પણ ટેસ્ટ કરાવવો ફરજિયાત છે.
નવા ત્રણ કૃષિ કાયદાઓ સામેનો વિરોધ વધુ ઉગ્ર બનાવતા આંદોલન કરી રહેલા ખેડૂત સંગઠનોએ ૧૮ ફેબ્રુઆરીએ બપોરે ૧૨ વાગ્યાથી ચાર વાગ્યા સુધી એમ ચાર કલાકના રાષ્ટ્રવ્યાપી ‘રેલરોકો’ આંદોલનની બુધવારે જાહેરાત કરી હતી. ૧૨ ફેબ્રુઆરીથી રાજસ્થાનમાં ટોલ વસૂલી થવા દેવામાં નહીં આવે એવી જાહેરાત આંદોલનની આગેવાની કરી રહેલા સમયુક્ત કિસાન મોરચાએ કરી હતી.
વર્ષ ૨૦૧૯ના પુલવામા ત્રાસવાદી હુમલામાં શહીદ થયેલા જવાનોની યાદમાં ૧૪મીએ કેન્ડલ માર્ચ કાઢવામાં આવશે તેવું કિસાન મોરચાએ કહ્યું હતું.
દરમિયાન, બીકેયુના નેતા રાકેશ ટિકૈતે બુધવારે ભારપૂર્વક કહ્યું હતું કે આંદોલન કરી રહેલા ખેડૂતોનો આશય કેન્દ્રમાં સરકાર બદલવાનો નથી, પરંતુ સમસ્યાનો ઉકેલ મેળવવાનો છે. આંદોલનને વેગ આપવા અને વધુ વ્યાપક બનાવવા અમારા અનેક નેતાઓ દેશના વિવિધ ભાગમાં જશે એમ જણાવતાં તેમણે કહ્યું હતું કે કેન્દ્ર સરકાર જ્યાં સુધી અમારી વાત નહીં માને ત્યાં સુધી આંદોલન ચાલુ રાખવામાં આવશે. અમે સત્તામાં પરિવર્તન નથી ઈચ્છતા.
સરકારે તેનું કામ કરવું જોઈએ. અમે માત્ર નવા ત્રણ કૃષિ કાયદા રદ કરવામાં આવે અને એમએસપી અંગે કાયદો લાવવામાં આવે એટલું જ ઈચ્છીએ છીએ, એમ તેમણે કહ્યું હતું.
નવા વિવાદાસ્પદ કૃષિ કાયદાનો વિરોધ કરી રહેલા ખેડૂત સંગઠનો વચ્ચેની એકતા યથાવત હોવાનું જણાવી તેમણે સરકારને કોઈપણપ્રકારના ભ્રમમાં ન રહેવાની ચેતવણી આપી હતી.
લૉકડાઉનમાં ગરીબ અને મજુરોના મસીહા બનેલા બૉલીવુડ અભિનેતા સોનુ સૂદ (Sonu Sood) સતત ચર્ચામાં હતા. પણ અત્યારે અભિનેતા મુશ્કેલીમાં સંડોવાયેલ છે. બૃહદ મુંબઈ મહાનગરપાલિકા (BMC)નું સોનુ સૂદ પ્રત્યે કડક વલણ દેખાઈ રહ્યું છે. બોમ્બે હાઇકોર્ટમાં ફાઈલ થયેલા એફિડેવિટમાં પાલિકાએ કહ્યું કે, ‘સોનુ સૂદ રીઢો ગુનેગાર છે. જે અગાઉની બે વખતની તોડફોડની કાર્યવાહી છતાં જુહુમાં એક રેસિડેન્શિયલ બિલ્ડિંગમાં ગેરકાયદેસર બાંધકામ કરાવતો રહે છે’.
પાલિકાએ ગયા વર્ષે ઓક્ટોબરમાં અભિનેતા સોનુ સૂદને નોટિસ આપી હતી. તેણે આ નોટિસને ડિસેમ્બરમાં કોર્ટમાં પડકારી હતી, પણ તેની યાચિકા રિજેક્ટ થઇ હતી. ત્યારબાદ તેણે બોમ્બે હાઇકોર્ટનો સહારો લીધો. તેના પર હાઇકોર્ટે પાલિકાને એફિડેવિટ ફાઈલ કરવા કહ્યું હતું. પાલિકાએ એફિડેવિટમાં કહ્યું કે પિટિશનર (સોનુ સૂદ) આદતથી ગુનેગાર છે અને ગેરકાયદેસર રીતે પૈસા કમાવા ઈચ્છે છે. તેમણે લાઇસન્સ વિભાગની અનુમતિ વગર ઘ્વસ્ત કરાયેલા ભાગનું ફરીવાર ગેરકાયદેસર રીતે નિર્માણ કરાવ્યું, જેથી તે હોટલ તરીકે યુઝ થઇ શકે.
તમને જણાવી દઈએ કે, પાલિકા તરફથી કરવામાં આવેલી ફરિયાદમાં કહેવામાં આવ્યું છે કે સોનુ સૂદે મુંબઈમાં એ. બી. નાયર રોડ સ્થિત શક્તિ સાગર બિલ્ડિંગને પરમિશન વગર હોટલ બનાવી દીધી છે. શક્તિ સાગર છ માળની એક રેસિડેન્શિયલ બિલ્ડિંગ છે અને તેનો કમર્શિયલ ઉપયોગ કરી શકાય નહીં. આ મહારાષ્ટ્ર રિઝન એન્ડ ટાઉન પ્લાનિંગ એક્ટના સેક્શન 7 હેઠળ દંડનીય અપરાધ છે. એવો પણ આરોપ છે કે, સોનુ નોટિસ મળ્યા બાદ પણ બિલ્ડિંગમાં સતત ગેરકાયદેસર બાંધકામ કરાવતો રહ્યો.
શરદ પવારને મળ્યો
દરમિયાન મંગળવારે 12 January 2021 સાંજે સોનુ સૂદ રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના પ્રમુખ શરદ પવારને મળ્યો હતો. બન્ને વચ્ચે અંદાજે અડધો કલાક સુધી વાતચીત ચાલી હતી. સૂત્રોએ આપેલી માહિતી મુજબ, સોનુ સૂદે શરદ પવારને કહ્યું હતું કે તેણે કોઈ ગેરકાયદેસર બાંધકામ નથી કર્યું. અમુક લોકો તેને બદનામ કરવા ઈચ્છે છે.
કોરોના કાળ દરમિયાન શરુ થયેલા નવા વર્ષના આરંભમાં જ દેશને બીજી કોરોના વેક્સીન મળી ગઇ છે. ભારતની સ્વદેશી વેક્સીન અને ભારત બાયોટેક દ્વારા તૈયાર કોવેક્સીનને દેશમાં ઇમરજન્સી ઉપયોગ માટે CDSCO ની મંજૂરી મળી ગઇ છે.
આ પહેલા નવા વર્ષના પહેલા જ દિવસે દેશમાં ઇમરજન્સી ઉપયોગ માટે કોવિશીલ્ડને મંજૂરી આપવામાં આવી હતી. આમ, વર્ષની શરુઆતના બે દિવસમાં દેશનો બે-બે કોરોના વેક્સીનના ઇમરજન્સી ઉપયોગની મંજૂરી મળી ગઇ છે. કેન્દ્ર સરકાર હાલમાં વેક્સીનેશન કાર્યક્રમને લઇને દેશભરમાં ડ્રાય રન ચલાવી રહી છે. જેથી વેક્સીનેશન એક્શન પ્લાનની તૈયારીઓની પૂર્ણ ચકાસણી થાય.
કોરોના વેક્સીનની ઇમરજન્સીની સ્થિતિમાં ઉપયોગ પર મંજૂરી મળતા દેશભરમાં હવે વેક્સીનેશન કાર્યક્રમ જલ્દીથી શરુ થાય એની આશા જાગી ઉઠી છે. બીજી તરફ કેન્દ્ર સરકાર પણ દાવો કરી રહી છે કે, રસીકરણ માટે જરુરી તમામ તૈયારીઓ પૂર્ણ થઇ ચૂકી છે. નોંધનીય છે કે કોરોના વેક્સીનને સાચવવા માટે કોલ્ડ સ્ટોરેજથી લઇને તેની વહેંચણી સુધી વ્યવસ્થા એક મોટો પડકાર સમાન છે. કેન્દ્ર સરકાર આ મુદ્દે શરુઆતથી જ કાર્યરત હોવાનો દાવો કરી રહી હતી કે, વેક્સીનેશન માટે જરુરી કોલ્ડ સ્ટોરેજ ચેઇન દેશભરમાં તૈયાર છે અને હવે કોરોના વેક્સીનની રાહ જોવામાં આવી રહી હતી.
યુરોપ તથા મિડલ ઈસ્ટ અને દક્ષિણ આફ્રિકાથી આવેલા પ્રવાસીઓને ભાયખલામાં આવેલા જંબો કોવિડ -૧૯ સેન્ટરમાં મફતમાં ક્વોરન્ટાઈનની સગવડ આપવાનો નિર્ણય મુંબઈ મહાનગરપાલિકા પ્રશાસને લીધો છે.
બ્રિટનમાં મળી આવેલા કોરોનાના નવા સ્ટ્રેનને પગલે યુરોપ, મિડલ ઈસ્ટ અને દક્ષિણ આફ્રિકાથી આવનારા પ્રવાસીઓને ફરજિયાત કવોરન્ટાઈન કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. આ તમામ લોકો માટે પાલિકાએ હૉટલોમાં પ્રવાસીઓને તેમના ખર્ચે ક્વોરન્ટાઈનની સગવડ કરી હતી પણ હૉટલમાં રહેવાનું મોંઘુ પડતું હોવાને કારણે ક્વોરન્ટાનથી બચવા માટે અનેક પ્રવાસીઓ આંતરરાષ્ટ્રીય ફલાઈટથી સીધા મુંબઈ આવવાને બદલે બીજા રાજ્યોમાં જઈને મુંબઈ આવી રહ્યા હોવાનું જણાઈ આવતા પાલિકા પ્રશાસન ચોંકી ગઈ છે.
પાલિકાના એડિશનલ કમિશનર સુરેશ કાકાણીના કહેવા પ્રમાણે આંતરરાષ્ટ્રીય પ્રવાસ કરી આવેલા પ્રવાસીઓને તેમને હૉટલમાં સાત દિવસ ફરજિયાત રીતે ક્વોરન્ટાઈ થવાનું પરવડતું ન હોવાનું ફરિયાદ કરી છે. આ લોકો બીજા રાજ્યમાંથી ટ્રેન, બાય રોડ અથવા ડોમેસ્ટિક ફલાઈટ પકડીને મુંબઈ આવી રહ્યા છે. બીજા રાજયમાં મહારાષ્ટ્રની માફક સાત દિવસનો ઈન્સ્ટિટ્યૂશનલ ક્વોરન્ટાઈન ફરજિયાત ન હોવાથી તેઓ તેનો ફાયદો લઈ રહ્યા છે. આ રીતે તેઓ મુંબઈ આવી રહ્યા છે, તેમાં જો કોઈ પ્રવાસી બ્રિટનમાં મળી આવેલા નવો કોરોનાનો ચેપ લઈને આવ્યો હશે અને તે અહીં મુંબઈમાં ફેલાવાનો ભય છે.
ક્વોરન્ટાઈન ટાળવા માટે પ્રવાસીઓ પોતાના સહિત અન્યના જીવ જોખમમાં મૂકી રહ્યા હોવાનું જણાયા બાદ મિડલ ઈસ્ટ અને યુરોપથી આવેલા પ્રવાસીઓને હૉટલમાં ક્વોરન્ટાઈન થવાનું પરવડતું ના હોય તેવા લોકો માટે ભાયખલામાં આવેલા જંબો સેન્ટરમાં મફતમાં ક્વોરન્ટાઈનની સગવડ આપવાનો નિર્ણય લીધો હોવાનું સુરેશ કાકાણીએ જણાવ્યું હતું.
નિયમ મુજબ યુરોપ, મિડલ ઈસ્ટ અને દક્ષિણ આર્ફિકાથી આવનારા પ્રવાસીઓની સ્ક્રીનિંગ કર્યા બાદ તેમને શહેરમાં આવેલી હૉટલમાં સાત દિવસ ફરજિયાત ક્વોરન્ટાઈન થવાનું છે. આ દરમિયાન પાંચમા અને સાતમા દિવસે તેમનો કોરોના ટેસ્ટ નેગેટિવ આવ્યો તો તેમને ઘરે સાત દિવસ ક્વોરન્ટાઈન થવાની શરતે હૉટલમાંથી છોડવામાં આવે છે. આ હૉટલોના ભાડા ૧,૫૦૦ રૂપિયાથી લઈને ૪,૫૦૦ રૂપિયા સુધી પ્રતિદિન છે. ટેસ્ટ દરમિયાન જો કોઈ પ્રવાસી પોઝિટિવ જણાતો તો તેને તુરંત હૉસ્પિટલ દાખલ કરવામાં આવે છે અને તેમને કોરોનાનો નવો સ્ટ્રેનનો ચેપ તો નથી લાગ્યો તે તપાસ કરવા માટે તેમના સેમ્પલ પુણેમાં આવેલી નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઑફ વાયરોલોજીમાં તપાસ માટે મોકલવામાં આવે છે.
ડિસેમ્બર મહિનો એટલે શિયાળો અને શિયાળાની ખુશનુમા સવારે વરસાદ પડે એવી ક્યારેય નહીં થઇ હોય તેવી કલ્પના આજે વાસ્તવિક સ્વરૂપમાં જોવા મળી. સમગ્ર ગુજરાત જ નહીં બલ્કે સમગ્ર પશ્ચિમ ભારતમાં માવઠું અને કમૌસમી વરસાદે તા.11મી ડિસેમ્બર 2020ના શિયાળાની ખુશનુમા સવારે વરસાદી માહોલ સર્જી દીધો છે. જાણકારો કહે છે કે જો સ્વાસ્થ્યનું ધ્યાન નહીં રખાય તો આ એવું ક્લાઇમેટ છે જે ભલભલા તંદુરસ્ત વ્યક્તિને બિમાર કરી દેશે. વિચિત્ર વાતાવરણની અનુભૂતિ સાથે સુરતીઓએ સોશ્યલ મિડીયામાં વિદાય થઇ રહેલા 2020ના વર્ષને અનુલક્ષીને પોસ્ટ મૂકવા માંડી હતી.
કેરલેસ લોકો બિમાર પડી શકે
તબીબો અને જાણકારો જણાવે છે કે છેલ્લા બે દિવસથી માવઠાને કારણે ક્લાઇમેટ ખરાબ થયું છે. આવી સ્થિતિમાં ખાણીપીણી પ્રત્યે બેદરકાર લોકોના બિમાર પડી જવાના ચાન્સિસ છે. ખાસ કરીને ઠંડુ, વાસી ખાણું તેમજ અનિયમિત લાઇફસ્ટાઇલ ધરાવતા લોકોને તકલીફ ઉભી કરી દે તેવું ક્લાઇમેટ સર્જાયું છે.
ખેડૂતોને પારાવાર મુશ્કેલીઓ
લાંબું ચાલેલું ચોમાસું અને હવે કમોસમી વરસાદ થતા ખેડૂતોની મુશ્કેલીમાં વધારો થયો છે. વરસાદના કારણે રવિ પાકને નુકસાન થવાની ચિંતા ખેડૂતોને થઈ રહી છે. મુખ્યત્વે સૌરાષ્ટ્રમાં ચણા, લસણ, ડુંગળી, ધાણા, જીરુ, ઘઉં, કપાસ જેવા પાકને વરસાદના લીધે નુકસાન થઈ શકે છે. કમૌસમી વરસાદને પગલે ખેતરોમાં હાલ થઇ રહેલી ખેતીને પણ વ્યાપક નુકસાનની થવાની ભીંતી સેવાય રહી છે.
તા.10મી ડિસેમ્બરે બપોરથી જ આમ તો ગુજરાતના આકાશમાં વાદળછાયો માહોલ સર્જાયો હતો. ગુરુવારે સાંજથી જ કેટલાક વિસ્તારોમાં તો વરસાદના છાંટા શરૂ થયા હતા અને આજે તા.11મી ડિસેમ્બરે મળસ્કેથી જ ઝરમરીયો વરસાદ એવો શરૂ થયો કે જાણે ચોમાસું યાદ આવી ગયું. આજે સવારે નિત્યક્રમ અનુસાર નોકરી ધંધે જવાવાળા લોકોએ આ સિઝનમાં ભલે સ્વેટર-જેકેટ પહેરવાનું હજુ મૂહૂર્ત કર્યું ન હોય પરંતુ, આજે શુક્રવારની સવારે રેઇનકોટ જરૂર પહેરવા પડ્યા છે.
વરસાદ થવાથી એક જ દિવસમાં ત્રણ ઋતુનો અનુભવ થઈ રહ્યો છે. જેમાં મોડી રાત્રે ઠંડી, સવારે ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે. અગાઉ જણાવ્યું હતું તે પ્રમાણે સામાન્ય રીતે ડિસેમ્બરમાં કડકડતી ઠંડીનો અનુભવ થતો હોય છે પરંતુ આ વર્ષે પવન દક્ષિણ પૂર્વ દિશામાં ફૂંકાઈ રહ્યા છે. જેના લીધે તાપમાન સામાન્ય કરતા ઊંચું રહ્યું છે.
વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર હેઠળ વાતાવરણમાં પલ્ટો આવશે અને વાદળછાયું વાતાવરણ રહેશે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી હતી. ગુજરાત મધ્ય અને દક્ષિણ તથા સૌરાષ્ટ્ના કેટલાક ભાગોમાં આગામી ૧૦મી થી ૧૨મી ડિસેમ્બર એટલે ત્રણ દિવસ સુધી કમોસમી વરસાદ પડવાની રાજ્યના હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે.
સમગ્ર દક્ષિણ ગુજરાતના 7 જિલ્લાઓમાં સવારથી જ છૂટોછવાયો ઝરમર વરસાદ પડ્યાના અહેવાલો છે. સુરત ઉપરાંત નવસારી, વલસાડ, ડાંગ, તાપી, ભરૂચ વગેરે વિસ્તારમાં વરસાદી ઝાપટા પડ્યાના અહેવાલો સવારથી જ મળી રહ્યા છે. ગતરોજથી જ નવસારી જિલ્લામાં આજે વહેલી સવારથી વાતાવારણમાં પલટો જોવા મળ્યો છે અને કેટલાક વિસ્તારમાં કમોસમી વરસાદ પડ્યો હોવાના અહેવાલ છે. વાતાવારણમાં પલટો આવવાથી પંથકમાં ખેડૂતોમાં પાકને નુકસાન જવાની ભીતિ સાથે ચિંતાનાં વાદળો ઘેરાયાં છે. નવસારી, બિલીમોરા, ગણદેવી, જલાલપોર, વાંસદા અને ચીખલી વિસ્તારમાં વાતાવરણમાં પલટો આવ્યો છે.
એવી જ રીતે ભાવનગર, અમરેલી, ધોરાજી, જૂનાગઢ, ગીરગઢડા, તળાજા વગેરે સૌરાષ્ટ્રના મોટા ભાગના વિસ્તારોમાં પણ વરસાદ અને ક્લાઇમેટ ચેન્જના અહેવાલો સાંપડ્યા છે. અમરેલીના ખાંભા પંથકમાં વરસાદ વરસતા રસ્તાઓ ભીંજાયા હતા, જ્યારે ગારીયાધાર, તળાજા અને મહુવામાં પણ વરસાદી છાંટા પડતા ખેડૂતો ચિંતામાં મુકાયા છે. હાલ શિયાળુ પાક જીરૂં, ચણા અને ઘઉંને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે. જ્યારે કપાસના પાકને પણ નુકસાન પહોંચે તેવી શક્યતા છે.
રાજ્યના અન્ય ભાગોની વાત કરીએ તો ભાવનગર, સુરત, વડોદરા જેવા વિસ્તારોમાં પણ વરસાદ નોંધાયો છે. આ તરફ ઉત્તર ગુજરાતના મોડાસા, મહેસાણા, કડીમાં પણ વરસાદી ઝાપટાં નોંધાયા છે.
હિન્દુ સંસ્કૃતિના સૌથી મોટા તહેવારમાં ફટાકડાની ભારે ધૂમ હોય પરંતુ, કહેવાતા સિદ્ધાંતવાદીઓ, પર્યાવરણવાદીઓ હવે દિવાળીમાં ફટાકડા નહીં ફોડવાની પેરવી કરી રહ્યા છે અને તેના ભાગરૂપે મુંબઇ, દિલ્હી, પશ્ચિમ બંગાળ, ઓડિશા વગેરે રાજ્યોએ તો ફટાકડા પર પ્રતિબંધ લાદી દીધો છે. ગુજરાતમાં સરકારે આ અંગે કશો ફોડ પાડ્યો નથી એનો અર્થ એ સમજવો કે ગુજરાતમાં ફટાકડા ફૂટશે.
મુંબઇ
દિવાળીના તહેવારમાં પણ કોરોનાના આંતકનો ઓછાયો રહેવાનો હોઈ દિવાળીની ઉજવણી દરમિયાન મરિન ડ્રાઈવ, જુહૂ, વરલી સી ફેસ જેવા સાર્વજનિક સ્થળે ફટાકડા ફોડવા પર મુંબઈ મહાનગરપાલિકાએ પ્રતિબંધ મૂક્યો છે. ફટાકડા ફોડવા સંદર્ભમાં મુંબઈ મહાનગરપાલિકા એક સ્ટાર્ન્ડ ઑપરેટિંગ પ્રોસેજર (એસઓપી) બહાર પાડવાની છે, તે મુજબ મર્યાદિત માત્રામાં ફટાકડા ફોડી શકાશે. જોકે સાર્વજનિક સ્થળે ફટાકડા ફોડનારા સામે મુંબઈ પોલીસની મદદથી મુંબઈ મહાનગરપાલિકાએ સખત કાર્યવાહી કરવાનો નિર્ણય લીધો હોવાનું જાણવા મળ્યું છે.
કોરોનાએ પગલે આ વર્ષે તમામ તહેવારો સાદગીપૂર્વક ઊજવવામાં આવ્યા છે ત્યારે હિંદુઓના સૌથી મોટા તહેવાર ગણાતા દિવાળીને પણ સાદાઈપૂર્વ ઊજવવાની રાજ્ય સરકારની સાથે જ મુંબઈ મહાનગરપાલિકાએ મુંબઈગરાને નમ્ર વિનંતી કરી છે. તેથી દર વર્ષની માફક ફટાકડા ફોડવા પર નિયંત્રણ આવી જવાનું છે. પાલિકા આગામી બે દિવસમાં ફટાકડા ફોડવા માટે નિયમાવલી જાહેર કરશે. આ દરમિયાન ફટાકડા ફોડતા સમયે સૅનિટાયઝરનો ઉપયોગ કરવા પર પણ પ્રતિબંધ રહેશે એવું એડિશન મ્યુનિસિપલ કમિશનર સુરેશ કાકાણીએ જણાવ્યું હતું.
નવી દિલ્હી
દિલ્હીમાં ફટાકડા પર પ્રતિબંધ મુકાયો હતો. પ્રદૂષણ વધવાને કારણે દિલ્હીની પરિસ્થિતિ વણસી રહી હોવા વચ્ચે દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલે લોકોને આ વરસે દિવાળીના દિવસોમાં ફટાકડા નહીં ફોડવાની અને ‘આપ’ સરકાર દ્વારા યોજવામાં આવનારા લક્ષ્મીપૂજનના કાર્યક્રમમાં જોડાવાની અપીલ કરી હતી.
પશ્ચિમ બંગાળ
કોલકાતા હાઈ કોર્ટે કોવિડ-૧૯ની મહામારીને ધ્યાનમાં રાખીને પશ્ર્ચિમ બંગાળમાં મા કાલી પૂજા, જગદધાત્રી પૂજા અને છઠ પૂજા સહિતના હિન્દુ તહેવારો દરમિયાન ફટાકડા વેચવા તથા ફોડવા પર ગુરુવારે પ્રતિબંધ મૂક્યો હતો.
ન્યાયાધીશો સંજીબ બૅનરજી અને અરિજીત બૅનરજીની ડિવિઝન બેન્ચે બે જાહેર હિત અરજીઓની સુનાવણી દરમિયાન આ આદેશ જાહેર કર્યો હતો. કાળી પૂજા ૧૫મી નવેમ્બરે છે.
અદાલતે એવો પણ આદેશ બહાર પાડ્યો હતો કે ‘આ પ્રતિબંધ જગદધાત્રી, છઠ પૂજા તથા કાર્તિક પૂજા દરમિયાન પણ લાગુ પડશે. દુર્ગા પૂજા દરમિયાન મંડપમાં પ્રવેશની મનાઈ જેવા માર્ગદર્શિકાઓ પણ કાલી પૂજા દરમિયાન લાગુ પડશે.
દુર્ગા પૂજા દરમિયાન અદાલતની માર્ગદર્શિકાઓનો અસરદાર અમલ કરવા બદલ ન્યાયમૂર્તિઓની બેન્ચે રાજ્ય સરકારને બિરદાવી હતી અને પોલીસને આદેશ આપ્યો હતો કે કાલી પૂજા દરમિયાન પણ પ્રતિબંધ સહિતના નિયમો બરાબર લાગુ પડે એની તકેદારી રાખજો.
કાલી પૂજા દરમિયાન ૩૦૦ ચોરસ મીટરના મંડપમાં ૧૫ લોકોને અને વધુ મોટા વિસ્તારના મંડપમાં ૪૫ લોકોને પ્રવેશવાની છૂટ મળશે. અદાલતે વિસર્જન દરમિયાન સરઘસ કાઢવા પર પણ પ્રતિબંધ મૂક્યો છે.
Hariyana
The Haryana government on Monday declared possession and sale of imported firecrackers as illegal and punishable in the state. Deputy commissioners of all the districts have been directed to be vigilant in this regard and take strict action against the sale and distribution of imported firecrackers.
Additionally, they have also been asked to ensure there is no storage of imported firecrackers by conducting the inspection of all the establishments and taking preventive actions.
એક 90 વર્ષ પરંપરા કે જે અપ્રતિમ છે નિષ્પક્ષ નિષ્પક્ષ દરરોજ, વહેલી તકે, એક ગતિશીલ સંપાદકીય ટીમ અને ડિસ્ટ્રીબ્યુટર અને બિઝનેસ એસોસિએટ્સનું એક શક્તિશાળી નેટવર્ક, દરરોજ નવ દાયકા જૂની પરંપરા આપે છે. એવી પરંપરા કે જે વિચારો, માહિતી અને સીધા પત્રકારત્વના એક વિશિષ્ટ સંશ્લેષણ છે. દરેક વાર્તામાં અપ્રતિમ અધિકૃતતા અને તટસ્થતાનો સમાવેશ થાય છે, વાચકોને સૌથી વધુ જાણકાર અને વિશ્લેષણાત્મક સમાચાર કવરેજ સાથે સમર્થન આપવું.