રમેશ વઘાસીયા 2022-23ના વર્ષ માટે સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સના વાઇસ પ્રેસિડેન્ટ પદ માટે બિનહરીફ વિજેતા ઘોષિત કરાશે
સી.એ. હાર્દિક શાહ, સી.એ. મિતીશ મોદી, જનક પચ્ચીગર અને નીતિન ભરૂચાએ વાઇસ પ્રેસિડેન્ટ પદ માટે ચૂંટણી લડવા ફોર્મ ભર્યું હતું પણ સમજાવટથી માની ગયા
સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સના પ્રેસિડેન્ટ પદે હિમાંશુ બોડાવાળા જે રીતે બિનહરીફ ચૂંટાયા છે એવી જ રીતે વાઇસ પ્રેસિડેન્ટ પદ માટે ઉમેદવારી પરત ખેંચવાના આજે તા.11મી એપ્રિલ 2022 સાંજે 6 કલાકની અંતિમ મુદત બાદ સૌરાષ્ટ્રવાસી મેમ્બર્સ સમર્થિત ઉમેદવાર રમેશ વઘાસીયા સિવાયના બાકીના તમામ ઉમેદવારોએ પોતાની ઉમેદવારી પરત ખેંચી લેતા રમેશ વઘાસીયા પણ બિનહરીફ ચૂંટાયા છે.
સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સના વાઇસ પ્રેસિડેન્ટ પદ માટેની ચૂંટણીમાંથી ઉમેદવારી પરત ખેંચવાના આજે અંતિમ દિવસે સી.એ. હાર્દિક શાહ, સી.એ. મિતીશ મોદી, ટેક્સ કન્સલ્ટન્ટ જનક પચ્ચીગર, વર્તમાન સેક્રેટરી દિપક શેઠવાલા અને મનિષ કાપડીયાએ પોતપોતાની ઉમેદવારી પરત ખેંચી લીધી હતી. સોમવારે ઉમેદવારીપત્ર પરત ખેંચવાનો સાંજે 6 વાગ્યા સુધીનો સમય હતો એ પછી ફક્ત માત્ર રમેશ વઘાસીયા જ ઉમેદવાર બાકી રહેતા હવે તેમને આગામી વર્ષ માટે ચેમ્બર ઓફ કોમર્સના વાઇસ પ્રેસિડેન્ટ પદ માટે બિનહરીફ વિજેતા ઘોષિત કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
વિદ્યાર્થીઓ પર ફી ભરવ માટે દબાણ ન કરવાનો નિર્દેશ આપતા સુરત કલેક્ટરના પરિપત્ર પર ગુજરાત હાઇકોર્ટે સ્ટે ફરમાવ્યો છે. સુરતની અમુક શાળાઓ અંગે મળેલી ફરિયાદના આધારે કલેક્ટર આયુષ ઓકે તમામ શાળઆઓને પરિપત્ર પાઠવ્યો હતો કે ફીની બાબત શાળા અને વાલીઓ વચ્ચેની છે, તેમાં બાળકોને વચ્ચે લાવી તેમને ફી ભરવા માટે દબાણ ન કરવું જોઇએ. આ પરિપત્ર સામે શાળા સંચાલકોએ હાઇકોર્ટમાં પિટિશન કરી છે.
સુરતની સ્વનિર્ભર શાળાઓ તરફથી કરવામાં આવેલી પિટિશનમાં હાઇકોર્ટ સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી કે માત્ર એક-બે શાળામાં બનેલી ઘટનાના આધારે કલેક્ટર આવો જનરલ પરિપત્ર કરી શકે નહીં. જો કલેક્ટરે રાષ્ટ્રીય બાળ અધિકાર સુરક્ષા આયોગને મળેલી સૂચનાના આધારે કાર્યવાહી કરવી હોય તો કાયદા પ્રમાણે તેના ઘણાં રસ્તા છે. આવી રીતે બધી શાળાને તે કાર્યવાહીના દાયરામાં લાવી શકાય નહીં.
રાજ્ય સરકારે સામા પક્ષે બચાવમાં દલીલ કરી હતી કે આયોગને મળેલી ફરિયાદ અને આયોગની સૂચના બાદ આ પરિપત્ર કરાયો છે, અન્ય કોઇ હેતુ કલેક્ટરનો નથી. જો કે જસ્ટિસ ભાર્ગવ ડી. કારિયાએ સરકારને ટકોર કરી હતી કે જો આયોગની સૂચનાના આાધારે કાર્યવાહી કરવી હોય તો અન્ય રીતે થઇ શકે છે, આવી રીતે જનરલ ઓર્ડર આપી શકાય નહી. કોર્ટે હાલ પરિપત્ર પર સ્ટે ફરમાવી કેસમાં આયોગને પક્ષકાર બનાવવા નિર્દેશ આપ્યો છે.
સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના સિગ્નેચર એક્ઝિબિશન ગણાતા ઉદ્યોગ એક્ષ્પોના આયોજનને આ વર્ષે 25 વર્ષ પૂરા થઇ રહ્યા છે. આગામી તા.8થી 11 એપ્રિલ દરમિયાન સરસાણા કન્વેન્શન સેન્ટર ખાતે ઉદ્યોગ 22નું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ગુજરાતભરમાંથી તેમજ પડોશી રાજ્યોમાંથી અંદાજે 175 જેટલા એક્ઝિબિટર્સ પોતાની ચીજવસ્તુઓ ડિસ્પ્લે કરશે. ઉદ્યોગ 2022 અંગે વધુ વિગતો આપતા ચેમ્બર પ્રેસિડેન્ટ આશિષ ગુજરાતી, પાસ્ટ પ્રેસિડેન્ટ દિનેશ નાવડીયા, ઇલેક્ટ પ્રેસિડેન્ટ હિમાંશુ બોડાવાલાએ જણાવ્યું હતું કે ઉદ્યોગ એક્ઝિબિશન દર બે વર્ષે યોજાય છે અને આ વર્ષે તેની 13મી આવૃતિ છે અને 25 વર્ષ પૂર્ણ થઇ રહ્યા છે. ઉદ્યોગ એક્ષ્પો એ બીટુબી (બિઝનેસ ટુ બિઝનેસ) સ્તર પર યોજાઇ રહ્યો છે અને તેમાં સુરત, નવસારી, અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, રાજકોટ, વાપી, વલસાડ, સિલવાસા, ઉમરગામ, મુંબઇ, દિલ્હી, ગુરુગ્રામ, પાણીપત, નોઇડા, ભોપાલ અને કોઇમ્બતુર જેવા શહેરોમાંથી મેન્યુફેક્ચરર્સ તથા પ્રમોટર વિક્રેતાઓ પોતાની ચીજવસ્તુઓ, સેવાઓને ડિસ્પ્લે કરશે. ઉદ્યોગ 2022ના એક્ષ્પો ચેરમેન અમિષ શાહે જણાવ્યું હતું કે 1.10 લાખ ચો.ફૂટ જેટલા વિશાળ વિસ્તારમાં એક્ઝિબિટર્સને સ્ટોલ્સ ફાળવવામાં આવ્યા છે. આ વખતના એક્ષ્પોમાં ગ્રીન એનર્જી, ટેક્ષટાઇલ એન્સેલરી, ઇલેક્ટ્રીકલ, ઇન્સ્ટ્રુમેન્ટેશન, એન્જિનિયરિંગ, સર્વિસ, બેંકિંગ એન્ડ ફાયનાન્સ, ઇન્ડસ્ટ્રીયલ સેફ્ટી એન્ડ સિક્યુરિટી વગેરે પ્રોડક્ટસ અને સર્વિસીઝના ડિસ્પ્લે કરવામાં આવશે. ચેમ્બરના ઉદ્યોગ એક્ષ્પોમાં ફક્ત વિક્રેતાઓને જ એન્ટ્રી મળશે કેમકે આ બિઝનેસ ટુ બિઝનેસ પેટર્ન પર યોજાશે. તા.7મીએ રાત્રે 12 વાગ્યા સુધી વિઝીટર તરીકે ઓનલાઇન રજિસ્ટ્રેશન કરાવનારાને બિલકુલ ફ્રી ઓફ ચાર્જ એન્ટ્રી પાસ મળશે પરંતુ, જો કોઇ વ્યક્તિ એક્ષ્પોના એન્ટ્રી ગેટ પર જઇને ફિઝિકલ રજિસ્ટ્રેશન કરાવશે તો તેમણે રૂ.200 એન્ટ્રી ફી ચૂકવવી પડશે. હાલમાં 12000 જેટલા લોકો ઓનલાઇન રજિસ્ટ્રેશન કરાવી ચૂક્યા છે.
ઉદ્યોગ એક્ષ્પોમાં ખાસ સ્ટાર્ટઅપ પેવેલિયન
ચેમ્બરના ઉદ્યોગ એક્ષ્પોમાં આ વખતે સૌથી મહત્વની બાબત સ્ટાર્ટ અપ પેવેલિયન છે. ચેમ્બર પ્રેસિડેન્ટ આશિષ ગુજરાતીએ જણાવ્યું હતું કે સરકારે જે સ્ટાર્ટઅપને માન્યતા આપી છે તેવા તમામ સ્ટાર્ટ અપને પ્લેટફોર્મ મળે અને મુલાકાતીઓને તેમના સ્ટાર્ટ અપ વિષે માહિતી મળે તે માટે તમામને બિલકુલ વિના મૂલ્યે સ્ટોલ આપવામાં આવ્યા છે અને સ્ટાર્ટ અપનું એક આખું અલગ પેવેલિયન જ ઉભું કરવામાં આવ્યું છે. આ સ્ટાર્ટ અપ પેવેલિયનમાં 18 જેટલા સ્ટાર્ટ અપ તો એકલા સુરતના યંગસ્ટર્સ ઉધોગ સાહસિકોના જ છે.
ઝાંખા પ્રકાશની સમસ્યાને કારણે સપ્તાહમાં બીજી વખત ફ્લાઇટ લેન્ડિંગમાં સમસ્યા નડી, સવારે 6 વાગ્યે વિઝિબિલિટી 4 કિ.મી. હતી જે 6.20 કલાકે ઘટીને ફક્ત 100 મીટર થઇ ગઇ હતી
વાદળછાયા વાતાવરણને કારણે સપ્તાહમાં બીજી વખત આજે ગુરુવારે, તા.7મી એપ્રિલ 2022ની સવારે એવું બન્યું છે કે સુરત એરપોર્ટ પર આવી રહેલી ત્રણ ફ્લાઇટ્સને મુંબઇ એરપોર્ટ પર ડાઇવર્ટ કરવાની ફરજ પડી હતી. ખરાબ હવામાન, વિઝિબિલીટીના ઇશ્યુઝ હોય ત્યારે ફ્લાઇટ લેન્ડીંગ માટે જરૂરી ઇન્સ્ટ્રુમેન્ટ લેન્ડિંગ સિસ્ટમ સુરત એરપોર્ટ પર વિકસાવવામાં આવી નથી તેને કારણે સુરત એરપોર્ટ પર ઝાંખા પ્રકાશમાં ફ્લાઇટ લેન્ડીંગમાં ઇશ્યુઝ આવી રહ્યા હોવાનું પ્રાથમિક તારણ પરથી જાણી શકાય છે.
પૂનાથી સુરત આવેલી ફ્લાઇટ લેન્ડ કરી શકી નહીં એ પછી ઉપરાછાપરી દિલ્હીથી આવેલી એર ઇન્ડિયા અને ઇન્ડીગોની ફ્લાઇટ પણ ડાઇવર્ટ કરવી પડી
સુરત એરપોર્ટ ઓથોરિટીએ જાહેર કરેલી માહિતી મુજબ આજે સવારે સુરતના વાતાવરણમાં વિઝિબિલીટી ડ્રોપ થઇ જવાની સમસ્યા સર્જાઇ હતી. સુરત એરપોર્ટ ઓથોરિટીના જણાવ્યા મુજબ સવારે 6 વાગ્યે વિઝિબિલીટી 4 કિ.મી.ની હતી જે 6.20 કલાકે ડ્રોપ થઇને ફક્ત 100 મીટરની થઇ ગઇ હતી. વિઝિબિલીટી એકાએક ડ્રોપ થઇ જતા સુરત એરપોર્ટ પર આવી રહેલી ફ્લાઇટ્સના લેન્ડિંગમાં સમસ્યા નડી હતી.
સુરત એરપોર્ટ પર ઝાંખા પ્રકાશ, ખરાબ હવામાન વચ્ચે ફ્લાઇટ લેન્ડ કરવા માટે જરૂરી ઇન્સ્ટ્રુમેન્ટ લેન્ડિંગ સિસ્ટમ નહીં હોવાના કારણે આજે ઉપરાછાપરી ત્રણ ફ્લાઇટ, જેમાં પૂનાથી સુરત આવેલી ફ્લાઇટ મુંબઇ એરપોર્ટ પર ડાઇવર્ટ કરવામાં આવી હતી. એ પછી એર ઇન્ડિયાની દિલ્હીથી સુરત આવેલી ફ્લાઇટને પણ મુંબઇ અને ઉપરાછાપરી ત્રીજી ફ્લાઇટ કે જે ઇન્ડીગોની દિલ્હીથી સુરત આવી રહી હતી તેને પણ મુંબઇ એરપોર્ટ પર ડાઇવર્ટ કરવાની ફરજ પડી હતી. સુરત એરપોર્ટ પર વિઝિબિલિટી ઇશ્યુ હોવાની જાણ થતાં હૈદરાબાદથી સુરત આવી રહેલી ફ્લાઇટને પણ ત્યાંથી ટેકઓફ ડિલે કરવામાં આવ્યું હતું.
ગુજરાત વિધાનસભાએ ગઇ તા.31મી માર્ચે રાજ્યમાં 11 નવી પ્રાઇવેટ યુનિવર્સિટીઓને મંજૂરી આપવાનો ઠરાવ પસાર કર્યો હતો. આ નવી યુનિવર્સિટીઓમાં એક સુરત જિલ્લાની છે. સુરત નજીક કીમ-અણિતા ખાતે આવેલા વિદ્યાદીપ કોલેજ કેમ્પસમાં યુનિવર્સિટી શરૂ કરવાની મેનેજમેન્ટની દરખાસ્તને રાજ્ય સરકારે મંજૂર કરતા આગામી જૂન 2022-23થી શરૂ થતાં શૈક્ષણિક વર્ષથી જ વિદ્યાદીપ યુનિવર્સિટી વિદ્યાર્થીઓ માટે કાર્યરત થઇ જશે એમ આજે વિદ્યાદીપ યુનિવર્સિટી મેનેજમેન્ટે જાહેરાત કરી હતી.
વિદ્યાદીપ યુનિવર્સિટીના પ્રોજેક્ટ અંગે માહિતી આપતા સંસ્થાના પ્રેસિડેન્ટ જયંતિભાઇ પટેલ, મહેશભાઇ પટેલ (એફ.આર.સી. સુરત, મેમ્બર) તેમજ અણિતા કેમ્પસ ડાયરેક્ટર મુકુંદભાઇ પટેલે જણાવ્યું હતું કે હાલમાં વિદ્યાદીપ કેમ્પસમાં 16 જુદા જુદા અભ્યાસક્રમો ચાલી જ રહ્યા છે. હોમીયોપેથી, એન્જિનિયરિંગ, ફિઝિયોથેરાપીથી લઇને બીસીએ સુધીની કોલેજોમાં કુલ 4500 વિદ્યાર્થીઓ હાલ વિદ્યાદીપ કેમ્પસમાં અભ્યાસ કરી રહ્યા છે. હવે સંસ્થાને પ્રાઇવેટ યુનિવર્સિટીનો દરજ્જો મળ્યો હોઇ, અમે વધુ અભ્યાસક્રમો તેમજ ખાસ કરીને વિદ્યાર્થીઓને પ્લેશમેન્ટ મળી જ જાય તેવા કોર્સ શરૂ કરવા જઇ રહ્યા છે.
જયંતિભાઇએ ઉમેર્યું કે વિદ્યાદીપ યુનિવર્સિટી કેમ્પસ ચાલુ વર્ષથી જ ધમધમી ઉઠશે. સુરત અને આસપાસમાં વિકસેલા ઉદ્યોગોને અનુરૂપ મેનપાવર મળી રહે તેવા અભ્યાસક્રમો ખાસ શરૂ કરાશે. પ્રાથમિક તબક્કામાં ફાયર સેફ્ટી, સેનેટરી ઇન્સ્પેકશન, લો, માઇક્રોબાયોલોજી, મેડીકલ લેબ ટેક્નોલોજી જેવા કોર્સ શરૂ કરવાનું આયોજન હાથ ધરી દેવામાં આવ્યું છે. તેમણે કહ્યું કે ક્વોલિટી એજ્યુકેશન અને ત્વરીત જોબ, વ્યવસાય થઇ શકે તેવા અભ્યાસક્રમો વિદ્યાદીપ યુનિવર્સિટી ઓફર કરશે.
વધુમાં સુરત શહેર જિલ્લા મળીને કુલ 8મી યુનિવર્સિટી તરીકે વિદ્યાદીપ પ્રાઇવેટ યુનિવર્સિટી કાર્યરત થશે. અત્યાર સુધી એક સ્ટેટ યુનિવર્સિટી તરીકે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી જ્યારે બાકીની તમામ પ્રાઇવેટ યુનિવર્સિટીઓ જેમાં ઉકા તરસાડીયા યુનિવર્સિટી, ઓરો યુનિવર્સિટી, પીપી સવાણી યુનિવર્સિટી, સાર્વજનિક યુનિવર્સિટી, વનિતા વિશ્રામ યુનિવર્સિટી અને હવે વિદ્યાદીપ પ્રાઇવેટ યુનિવર્સિટીનો લાભ વિદ્યાર્થીઓને ચાલુ વર્ષથી જ મળતો થઇ જશે.
લોકો પોતાની મહામૂલી બચત રૂપી થાપણો જ્યાં ફિક્સ ડિપોઝીટ સ્વરૂપે મૂકતા હોય એ સૌથી વિશ્વસનીય બેંક ગણાતી હોય છે, વરાછા બેંકે ફિક્સ ડિપોઝીટ મેળવવામાં આખા રાજ્યમાં સૌથી વધુ ગ્રોથ હાંસલ કર્યો
હિસાબી વર્ષ 2021-22 પૂરું થતાંની સાથે જ બેંકો અને ફાઇનાન્સીયલ સંસ્થાઓએ પોતપોતાના વાર્ષિક સરવૈયા રજૂ કરવા માંડ્યા છે. પરંતુ, આજે બહાર આવેલી ગુજરાત રાજ્યની સહકારી બેંકોની વાર્ષિક સ્થિતિનો અભ્યાસ કરતા એ વિગત પણ બહાર આવી કે ગત હિસાબી વર્ષમાં કોરોનાની બીજી અને ત્રીજી લહેરની અસર વર્તાઇ હોવા છતાં સુરતની સહકારી બેંકોએ જબરદસ્ત ગ્રોથ સાથે વિકાસ સાધ્યો છે. સુરતની વરાછા કો.ઓ. બેંક ફિક્સ ડિપોઝિટ મેળવવામાં 16.87 ટકા ગ્રોથ સાથે સમગ્ર ગુજરાતની બેકોમાં થાપણ મેળવવામાં નંબર વન બની છે. એવી જ રીતે સુરતની જ પ્રાઇમ કો.ઓ. બેંકે સૌથી વધુ એડવાન્સીઝ એટલે કે ધિરાણ આપવામાં વિક્રમ કર્યો છે.
સુરત અને ગુજરાતની બેંકોએ ગત હિસાબી વર્ષમાં સાધેલી પ્રગતિ અંગે મળતી માહિતી મુજબ 31મી માર્ચ 2021ના રોજ પૂરા થયેલા હિસાબી વર્ષમાં સુરતની વરાછા બેંકે કુલ 2200.47 કરોડની થાપણો (ફિક્સ ડિપોઝીટ્સ) મેળવી હતી. તા.31મી માર્ચ 2022ના રોજ પૂરા થયેલા વર્ષ દરમિયાન આ બેંકે થોપણો મેળવવામાં 16.87 ટકાના ગ્રોથ સાથે કુલ 2571.76 કરોડની થાપણો મેળવીને લોકોનો વિશ્વાસ કેળવ્યો છે. થાપણો મેળવવામાં 16.87 ટકા ગ્રોથ આખા રાજ્યની તમામ સહકારી બેંકો પૈકી કોઇ બેંક હાંસલ કરી શકી નથી.
વરાછા બેંકે થાપણો મેળવવામાં ગ્રોથરેટ તો હાંસલ કર્યો છે પરંતુ, રૂપિયાની દ્રષ્ટીએ પણ સૌથી વધુ રૂ.371.29 કરોડની થાપણો મેળવીને સમગ્ર સુરતમાં પહેલો ક્રમ હાંસલ કર્યો છે.
એવી જ રીતે એડવાન્સીઝ, ધિરાણ (લોન-ફાઇનાન્સ)ની વાત કરીએ તો પ્રાઇમ કો.ઓ.બેંકે મેદાન માર્યું છે. મળતી માહિતી મુજબ પ્રાઇમ બેંક ધિરાણ આપવામાં અગાઉના વર્ષની તુલનાએ તાજેતરમાં પૂર્ણ થયેલા હિસાબી વર્ષ દરમિયાન 32.52 ટકાનો ગ્રોથ હાંસલ કર્યો છે. પ્રાઇમ બેંકે 2020-21માં કુલ 840.75 કરોડનું ધિરાણ કર્યું હતું જ્યારે 2021-22માં 1162.93 કરોડનું ધિરાણ કર્યું છે. પ્રાઇમ બેંક ન સિર્ફ સુરતમાં બલ્કે સમગ્ર રાજ્યમાં ધિરાણ આપવામાં સૌથી વધુ ગ્રોથ રેટ હાંસલ કરનારી બેંક બની છે.
સુરત સૌથી જૂની અને મોટી જ બેંક નહીં બલ્કે ગુજરાત અને હવે તો મલ્ટી સ્ટેટ શિડ્યુલ્ડ બેંક બની ચૂકેલી સુરત પીપલ્સ કો.ઓ. બેંક તાજેતરમાં પૂર્ણ થયેલા 2021-22ના હિસાબી વર્ષમાં થાપણો મેળવવામાં અને ધિરાણ આપવામાં વરાછા બેંક, પ્રાઇમ બેંક પછી ત્રીજા ક્રમે ઉતરી ગઇ છે. 2020-21ની તુલનામાં 2021-22માં પીપલ્સ બેંકની થાપણો (ફિક્સ્ડ ડિપોઝીટ)માં ફક્ત 1.43 ટકાનો ગ્રોથ એટલે કે સમગ્ર વર્ષ દરમિયાન પીપલ્સ બેંક અગાઉના વર્ષ કરતા ફક્ત રૂ.75.43 કરોડની જ થાપણો મેળવી શકી છે. તેની સરખામણીએ વરાછા બેંકને 371.29 કરોડની વધુ થાપણો અને પ્રાઇમ કો.ઓ. બેંકને 156.98 કરોડની વધુ થાપણો તેમના આગલા વર્ષના પરફોર્મન્સની સરખામણીએ મળી છે. એવી જ રીતે પીપલ્સ બેંક ધિરાણ આપવામાં પણ પછડાઇને ત્રીજા ક્રમે સરકી ગઇ છે. પીપલ્સ બેંકે ધિરાણ આપવામાં 12.33 ટકા ગ્રોથ કર્યો છે. જ્યારે પ્રાઇમ કો.ઓ. બેંકે 32.52 ટકા અને વરાછા બેંકે 18.04 ટકા ગ્રોથ અગાઉના વર્ષના ધિરાણમાં મેળવ્યો છે.
સમગ્ર દેશમાં જ નહીં પણ દુનિયાભરમાં ચર્ચાસ્પદ બનેલી બોલીવુડની ફિલ્મ કાશ્મીર ફાઇલ્સ થીમની સાડીઓ પણ હવે ટેક્ષટાઇલ નગરી સુરતમાં ઉત્પાદિત થવા માંડી છે. સુરતના જ એક સાડી ઉત્પાદક કમ વિક્રેતા વિનોદ સુરાનાએ કાશ્મીર ફાઇલ્સના પોસ્ટર્સ સાથેની કલરફૂલ સાડી તૈયાર કરી છે જેને આજે ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલના હસ્તે લોંચ કરવામાં આવી હતી.
મળતી માહિતી મુજબ સુરતના ટેક્ષટાઇલ માર્કેટ વિસ્તારમાં અશોકા ટાવરમાં સાડીના વિક્રેતા વિનોદ સુરાનાએ અગાઉ ઉત્તર પ્રદેશની ચૂંટણી વખતે મોદી યોગીના ફોટાવાળી સાડીઓ તૈયાર કરીને ઓર્ડર પ્રમાણે તેનું વેચાણ પણ કર્યું હતું. તેમણે કારગીલ યુદ્ધ થીમ પર પણ સાડીઓ બનાવીને બજારમાં મૂકી હતી. સાડીઓ પર વર્તમાન ટ્રેન્ડ અને થીમને આકાર આપતા ક્રિએટીવ સાડી ઉત્પાદક કમ વિક્રેતા વિનોદ સુરાનાએ હવે હાલ ચાલી રહેલી કાશ્મીર ફાઇલ્સની થીમ પર એક કલરફુલ સાડી તૈયાર કરી છે. સાડી પર કાશ્મીર ફાઇલ્સ ફિલ્મના જુદા જુદા પોસ્ટર્સને આકર્ષક રીતે પ્રિન્ટ કરવામાં આવ્યા છે અને મહિલાઓને જોઇને જ ગમી જાય તેવી સાડી તૈયાર કરી છે.આજે સુરતમાં તૈયાર થયેલી કાશ્મીર ફાઇલ્સ સાડીની પ્રિન્ટને ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલના હસ્તે લોંચ કરવામાં આવી હતી. સી.આર. પાટીલે પણ કાશ્મીર ફાઇલ્સ થીમ પર સાડીના કન્સેપ્ટને રચનાત્મક ગણાવીને ઉત્પાદકોને શુભેચ્છા પાઠવી હતી.
ગુરુવારે બપોરે આઇ.પી.એલ.ની ચેમ્પિયન ટીમ ચેન્નઇ સુપર કિંગ્સના કેપ્ટન પદેથી મહેન્દ્રસિંહ ધોનીની જગ્યાએ ગુજ્જુ ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના નામની ઘોષણા થઇ અને તેની સાથે જ સુરતના સોશ્યલ મિડીયા ગ્રુપોમાં કેપ્ટન જાડેજાનો સુરત અંગેનો વિડિયો ભારે વાઇરલ થયો હતો.
ચેન્નઇ સુપર કિંગ્સે તેના ઓફિશ્યલ ટ્વીટર હેન્ડલ પરથી સીએસકેના નવા કેપ્ટન રવિન્દ્ર જાડેજાનો વિડીયો રિલીઝ કર્યો હતો, સુરતમાં ટ્રેનિંગ સેશન દરમિયાન લેવાયેલા વિઝ્યુઅલ્સના સામેલ કરતા વિડીયોમાં રવિન્દ્ર જાડેજાએ સુરતની ફેસેલિટીઝની પ્રશંસા કરી આભાર માન્યો હતો. તેણે ગુજ્જુઓને આગામી આઇપીએલમાં ચેન્નઇ ટીમ માટે હૂટીંગ કરવા પણ હાકલ કરી હતી.
લાલભાઇ કોન્ટ્રાક્ટર સ્ટેડીયમ પર મળેલી સુવિધાઓ બદલ રવિન્દ્ર જાડેજાએ આભાર વ્યક્ત કર્યો
સુરતમાં ચેન્નઇ સુપર કિંગ્સની ટીમે પંદર દિવસ સુધી આકરી પ્રેક્ટીસ કરી હતી. લાલ માટીની પીચ અને આઇસોલેટ વાતાવરણમાં ટીમના સભ્યો આગામી તા.27મી માર્ચથી શરૂ થતા આઇપીએલ માટે ઘનિષ્ઠ ટ્રેનિંગ કરી શકે તે માટે સુરતના લાલભાઇ સ્ટેડીયમને પસંદ કરવામાં આવ્યું હતું. સી.એસ.કે.ના આ કેમ્પમાં મહેન્દ્રસિંહ ધોની, રવિન્દ્ર જાડેજા, રુતુરાજ ગાયકવાડ સહિતના સ્ટાર પ્લેયર્સ આવ્યા હતા અને તેમને સુરતી ફેન્સનો અનુભવ થયો હતો. દિવસ રાત જોયા વગર સુરતના ક્રિકેટ પ્રેમીઓ હોટેલ અને સ્ટેડીયમના ગેટ પર ક્રિકેટરોની એક ઝલક મેળવવા માટે પ્રતિક્ષા કરતા હતા. ચેન્નઇની ટીમની બસ જ્યાંથી પસાર થતી ત્યાં લોકો ક્રિકેટર્સને વધાવતા, કેમેરામાં વિડીયો અને ફોટો ક્લીક કરવાનું શરૂ કરી દેતા હતા.
આ બધી બાબતોથી વાકેફ રવિન્દ્ર જાડેજાએ સી.એસ.કે.ના કેપ્ટન બનતાની સાથે જ સુરતના લોકોના, ક્રિકેટ પ્રેમીઓના, સુરતના લાલભાઇ સ્ટેડીયમ ખાતે મળેલી સુવિધાઓના ભરપેટ વખાણ કર્યા હતા. આ વિડીયો ચેન્નઇ સુપર કિંગ્સે પોતાના ઓફિશ્યલ ટ્વીટર હેન્ડલ પર મૂકયો હતો જે સોશ્યલ મિડીયામાં સુરતીઓના સર્કલ્સમાં ભારે વાઇરલ થયો હતો.
સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સની લાઇફ મેમ્બર વર્ગની મેનેજિંગ કમિટીની 44 બેઠકો પર આગામી રવિવારે ચૂંટણી યોજાય એ પહેલા જ આજે મંગળવારે ચેમ્બરની સત્તાધારી પેનલની સામે પડેલા સંજય ઇઝાવા ગ્રુપના 3 સભ્યોએ ઉમેદવારી પાછી ખેંચી લેવાની જાહેરાત કરતા મેનેજિંગ કમિટીની 44 બેઠકો પર સત્તાધારી પેનલના 44 ઉમેદવારોને બિનહરીફ ચૂંટાયેલા જાહેરની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.
ચેમ્બરની ચૂંટણી કમિટીના ચેરમેન દિનેશ નાવડીયાએ આપેલા સત્તાવાર માહિતી મુજબ સંજય ઇઝાવા, હિતેષ ટેલર અને કિશોર પટેલ નામના ઉમેદવારોએ ઉમેદવારી પત્ર પરત ખેંચવા સંદર્ભનો લેખિત પત્ર પાઠવ્યો છે.
સંજય ઇઝાવાએ પહેલા સોશ્યલ મિડીયા પ્લેટફોર્મ પરથી જાહેરાત કરી
ગયા વર્ષે પણ મેનેજિંગ કમિટીની ચૂંટણીમાં સંજય ઇઝાવા ગ્રુપે ઝંપલાવ્યું હતું, ગત વર્ષના ચૂંટણી જંગમાં ઇઝાવા ગ્રુપની કારમી હાર થઇ હતી. આ વખતે તા.27મીને રવિવારે ચૂંટણી મતદાન થાય એ પહેલા જ આજે મંગળવાર તા.22મી માર્ચે સંજય ઇઝાવાએ સૌથી પહેલા સોશ્યલ મિડીયામાં પોસ્ટ મૂકીને પોતાની ઉમેદવારી પરત ખેંચી લેવાની જાહેરાત કરી હતી. સંજય ઇઝાવાએ તમામ મિડીયા પર્સન્સને મેસેજ મોકલીને ચેમ્બરને બિનજરૂરી ખર્ચના ખાડામાંથી બચાવવા માટે તેમણે ઉમેદવારી પરત ખેંચી હોવાનું જણાવ્યું હતું. લગભગ પાંચ વર્ષ બાદ સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝની મેનેજિંગ કમિટીની ચૂંટણી મતદાન યોજાયા વગર જ ઉમેદવારીના તબક્કામાં જ પૂર્ણ થઇ છે.
ચેમ્બર ઓફ કોમર્સની મેનેજિંગ કમિટી 2022-2023ના ચૂંટાયેલા સભ્યોની યાદી
Platinum – પ્લેટીનમ
કેયુર એચ. ખૈની
Gold – ગોલ્ડ
પ્રજ્ઞેશ જગાશેઠ
સી.એ. જિજ્ઞેશ અમીન
Chief Patron – ચીફ પેટ્રન
કિર્તી એલ. શાહ
લાલજીભાઇ કાનજીભાઇ હીરાણી
દેવકિશન મંગનાની
દિપક રજનિકાંત ચેવલી
પારસ એસ. શાહ
વિનોદકુમાર ગુલાબચંદ અગ્રવાલ
નિલકંઠ યોગેશ બારોટ
મેહુલ કિશોર દેસાઇ
જયસુખભાઇ પરષોત્તમભાઇ કથિરીયા
Patron – પેટ્રન
સવજીભાઇ કુરજીભાઇ વેકરીયા
મેહુલ દુર્લાભાઇ વિઠલાણી
મુકેશ બી. ચોવટીયા
જયંતિભાઇ નાનુભાઇ સાવલિયા
સુરેશભાઇ અમરતભાઇ પટેલ
મનજીભાઇ કે. શેટા
લાઇફ મેમ્બર વર્ગ
શ્રી અમિષ હસમુખલાલ શાહ શ્રી અનિલ સી. દલાલ શ્રી અંકિત પ્રેમજીભાઈ કળથીયા શ્રી અનુજ ચંદ્રકાન્ત જરીવાલા શ્રી અશોકભાઈ વિરજીભાઈ ચોડવડીયા (જીરાવાલા) શ્રી બજરંગલાલ સીતારામ ગરોડીયા ડૉ. બંદના ભટ્ટાચાર્ય શ્રી બશીર એ. મન્સૂરી શ્રી ભવાનભાઈ ભગવાનભાઈ નવાપરા શ્રી ભાવેશ એમ. ટેલર શ્રી ભાવેશ વલ્લભભાઈ ગઢીયા શ્રી ચિરાગ અશ્વિનભાઈ દેસાઈ શ્રી દક્ષેશ સી. શાહ શ્રી દીપકકુમાર આર. શેઠવાલા શ્રી ગણપતભાઈ બી. ધામેલીયા શ્રી ગૌતમ વલ્લભભાઈ સિહોરા શ્રી હબીબ અબ્દુલગની ઉનવાલા સીએ હાર્દિક પ્રવિણકુમાર શાહ સીએ હરિવદન વી. રાણા શ્રી હર્ષલ ભગત શ્રી હેમંત ધીરૂભાઈ દેસાઈ શ્રી જનક રમેશચંદ્ર પચ્ચીગર શ્રીમતી જ્યોત્સ્ના આશીષ ગુજરાતી શ્રી કૃષ્ણરામ મગનલાલ ખરવર શ્રી મનિષ રમેશભાઈ કાપડીયા શ્રી મિતેશ શાહ શ્રી નરેન્દ્ર શાંતિલાલ જરીવાલા શ્રી નિખિલ ખીમચંદ મદ્રાસી શ્રી નીરજ પ્રવિણચંદ્ર મોદી શ્રી નીતિનભાઈ કનુભાઈ શાહ શ્રી નીતિનકુમાર ઠાકોરદાસ ભરૂચા શ્રી પરેશ એમ. લાઠિયા શ્રી પરેશ રમેશચંદ્ર મોદી શ્રી પ્રદિપ છોટુભાઈ પટેલ શ્રી રાજીવ દિલીપ કપાસીયાવાલા શ્રી રાકેશ બી. શાહ શ્રી રમેશ નાથાલાલ વઘાસીયા શ્રી રસિક લવજીભાઈ કોટડીયા શ્રી રવિ રાજ દેસાઈ શ્રી રિતેશકુમાર બળવંતરાય બોડાવાલા શ્રીમતી રોમા પરેશ પટેલ શ્રી સંજય હિરાલાલ ગાંધી શ્રી સાયમન વર્ગીસ કોરેથ શ્રી વિજયકુમાર કનૈયાલાલ મેવાવાલા
આઈટી કંપનીઓ દ્વારા આચરવામાં આવેલ રૂ. 360 કરોડના પાવર બેન્ક એપ કૌભાંડમાં સંડોવાયેલી સુરતની 360 TEQ SOFTWAREના ડિરેક્ટરો વિરૂધ્ધ મંગળવારે રાત્રે ફરિયાદ દાખલ થઈ છે. DGCO(કોર્પોરેટ કાર્ય મંત્રાલય )ની સૂચનાથી અમદાવાદની નારણપુરા સ્થિત ROC કચેરીના રજીસ્ટારે નારણપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી છે. કંપનીના બન્ને ડિરેક્ટરો સુરત ખાતેની ઓફિસ છોડી ફરાર થઈ ગયા છે. સરકાર અને ગ્રાહકોને કરોડોનો ચૂનો લગાવનાર 360 TEQ SOFTWAREની પેડ અપ કેપિટલ માત્ર રૂ.10 હજાર અને એક હજાર ઈકવિટી રૂ.10નો એક શેર એ મુજબની હોવાની વિગતો મળી છે.
નારણપુરાની અંકુર ચાર રસ્તા પાસેની આરઓસી રજીસ્ટાર 29 વર્ષીય અનુ વિવેકએ 360 TEQ SOFTWAREના ડિરેકટર મમતા વણઝારા અને વિજય છગન વણઝારા (રહે, M-305, lig-3 સુમન સ્વીટ, ઓએનજીસી નગર પાછળ, મેઘદલ્લા,સુરત) વિરૂધ્ધ આઈપીસીની કલમ 420, 114 અને ઇન્ફર્મેશન ટેકનોલોજી એકટ 2000ની કલમ 66ડી મુજબ ગુનો નોંધાવ્યો છે.
આરઓસીની તપાસમાં ખૂલેલી વિગતો મુજબ અન્ય કંપનીઓ દ્વારા આચરવામાં આવેલ કૌભાંડમાં સુરતના વેસુ રોડ પર સેન્ટ્રલ બજારમાં આવેલી આઇટી કંપની 360 TEQ SOFTWARE પ્રાઇવેટ લિમિટેડ પણ ગુનામાં સામેલ છે. આ કંપની તેના ડાયરેક્ટરોએ અન્યના મેળાપીપણામાં પોતાના આર્થિક ફાયદા સારું સરકાર સાથે વિશ્વાસઘાત અને છેતરપિંડીના ઈરાદાથી પ્રસ્થાપિત કરવામાં આવી છે. સમગ્ર મામલે મિનિસ્ટ્રી ઓફ કોર્પોરેટ અફેર્સ દ્વારા કંપનીના ડિરેક્ટરો મમતા વણઝારા અને વિજય છગન વણઝારા વિરુદ્ધ ધારા 2013ની કલમ 206-(4) હેઠળ એક સ્વતંત્ર ઇન્કવાયરીની અલાયદી પ્રક્રિયા કરવામાં આવી છે. 360 TEQ SOFTWARE કંપની ગત તા.26-3-2021ના રોજ સ્થપાઈ છે. આ કંપનીની સ્થાપના દસ્તાવેજો સિવાય અન્ય કોઈ દસ્તાવેજ આરઓસી પાસે ઉપલબ્ધ નથી. આ કંપનીએ ધંધો શરૂ કરવા માટે કલમ 10(એ) 2013 ધારા પ્રમાણેનું ફોર્મ જમા કરાવવું પડે તે જમા કર્યું નથી. પાવર બેન્ક એપ થકી કંપનીએ રૂ.360 કરોડની રકમ સ્વીકારી છેતરપિંડી આચરી સરકાર સાથે પણ ઠગાઈ આચરી છે.
એક 90 વર્ષ પરંપરા કે જે અપ્રતિમ છે નિષ્પક્ષ નિષ્પક્ષ દરરોજ, વહેલી તકે, એક ગતિશીલ સંપાદકીય ટીમ અને ડિસ્ટ્રીબ્યુટર અને બિઝનેસ એસોસિએટ્સનું એક શક્તિશાળી નેટવર્ક, દરરોજ નવ દાયકા જૂની પરંપરા આપે છે. એવી પરંપરા કે જે વિચારો, માહિતી અને સીધા પત્રકારત્વના એક વિશિષ્ટ સંશ્લેષણ છે. દરેક વાર્તામાં અપ્રતિમ અધિકૃતતા અને તટસ્થતાનો સમાવેશ થાય છે, વાચકોને સૌથી વધુ જાણકાર અને વિશ્લેષણાત્મક સમાચાર કવરેજ સાથે સમર્થન આપવું.