સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ આયોજિત સિટેક્ષ એક્ષ્પોની કેલેન્ડર વર્ષ 2022માં જ દ્વિતીય એડિશન તા.11થી 13 માર્ચ 2022ના રોજ સરસાણા ઇન્ટરનેશનલ કન્વેન્શન સેન્ટર ખાતે આયોજિત કરવામાં આવી છે. ટેક્ષટાઇલ ઉદ્યોગમાં મશીનરી અપગ્રેડેશન માટે આ એક્ષ્પો નયાદૌર લઇને આવશે એમ માનવામાં આવી રહ્યું છે. નવીનત્તમ ટેક્ષટાઇલ મશીનરી, અપગ્રેડેડ ટેક્નોલોજી વગેરે સુરતના ટેક્ષટાઇલ ઉદ્યોગકારોને સુરતના આંગણે જ જોવા, જાણવા મળી શકશે.
સુરત શહેરના પાંડેસરા વિસ્તારમાં માતા અને પુત્રી સાથે દુષ્કર્મ બાદ હત્યાના કેસમાં કોર્ટે દોષિત હર્ષ સહાયને Dt.7/3/22 ફાંસીની સજા ફટકારી છે જ્યારે સહ આરોપી હરિઓમને આજીવદ કેદની સજા સંભળાવવામાં આવી છે. સાથે જ મૃતકના પરિવારને 7.50 લાખ રૂપિયા ચૂકવવા પણ આદેશ કરવામાં આવ્યો છે.
સુરતના પાંડેસરામાં ચકચારીત માતા-બાળકી પર રેપ બાદ હત્યા મામલે 3 દિવસ પહેલા સુરત કોર્ટે આરોપી હર્ષસહાય રામરાજ ગુર્જરને દોષિત ઠેરવ્યો છે. આ સાથે મદદગારી કરનાર આરોપી હરિઓમ ગુર્જરને પણ દોષિત ઠેરવ્યો છે.
એપ્રિલ 2018માં માસૂમ બાળકી અને તેની માતાની હત્યા કરી ઝાડીઓમાં ફેંકી દીધી હતી. પાંડેસરા પોલીસ સ્ટેશનમાં 6 એપ્રિલ 2018ના રોજ ગુનો નોંધાયો હતો, જેમાં અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની મદદ લેવાતા કેસનો ભેદ ઉકેલવામાં સફળતા મળી હતી.
સરકાર પક્ષે સ્પેશિયલ પબ્લિક પ્રોસિક્યુટર પી.એન.પરમારે દલીલો કરી હતી. સમગ્ર કેસમાં જે તે સમયે પોલીસે આરોપી સામે પુરાવા ભેગા કર્યા હતા. શરૂઆતમાં બંને માતા-દીકરી છે એ જ ખબર ન હતી. કારણ કે બંનેની લાશ જુદી-જુદી જગ્યાએથી મળી આવી હતી. બાદમાં ડીએનએ કરતા બંને માતા અને દીકરી હોવાની પૃષ્ટિ થઈ હતી. તપાસમાં સામે આવ્યું કે, નરાધમે બાળકી પર બળાત્કાર પણ ગુજાર્યો હતો અને દીકરીની સામે માતાની હત્યા કર્યા બાદ બાળકીના ગુપ્તાંગમાં લાકડી નાંખી મોતને ઘાટ ઉતારી દેવાઈ હતી.
માતાની હત્યા લગભગ 4 દિવસમાં જ માતાના મૃતદેહ બાદ બાળકીનો મૃતદેહ પણ મળી આવ્યો હતો. બન્નેની ઓળખ માટે પોલીસે લગભગ 6500 પોસ્ટર દેશના તમામ રાજ્યોમાં લગાડી પરિવાર શોધવાનો પ્રયાસ કર્યો હતો. છતાંય કોઈ સફળતા મળી નહોતી. જોકે આખરે એક CCTV કેમેરાની ફૂટેજના આધારે કડી મળી હતી અને કારમાં સવાર આરોપીઓ પકડાઈ ગયા અને પૂછપરછમાં તેમને ગુનો કબૂલ કરી લીધો હતો. તપાસમાં એવો પણ ખુલાસો થયો હતો કે, માતા અને દીકરીને રાજસ્થાનના એક ગામમાંથી કામ અપાવવાના બહાને સુરતના કામરેજ ખાતે લવાયા હતા. જ્યાં એક ક્ન્સ્ટ્ર્ક્શન સાઈટ પર કામ અપાવ્યા બાદ આરોપીઓએ પહેલા માતા અને બાદમાં દીકરીની હત્યા કરી બંને લાશ અલગ-અલગ જગ્યાએ ફેંકી દીધી હતી.
કેન્દ્રના આરોગ્ય મંત્રી અને સૌરાષ્ટ્રના સાંસદ મન્સુખ માંડવીયાની આજે રવિવાર, તા.6 માર્ચ 2022ની સુરતની મુલાકાત છેલ્લી ઘડીએ રદ થતાં સુરતમાં સરકારી મેડીકલ કોલેજના નવા ભવનની ઉદઘાટન વિધીથી લઇને શહેરમાં યોજાયેલા અનેક સરકારી, ખાનગી કાર્યક્રમો આજે સવારે રદ કરી દેવાયા હોવાની માહિતી સરકારના અધિકૃત માહિતી ખાતા દ્વારા જારી કરવામાં આવી હતી. મન્સુખ માંડવીયાની સુરત મુલાકાત દરમિયાન અનેક કાર્યક્રમો પાછળ લાખો રૂપિયાના ખર્ચે કરવામાં આવેલી તમામ પૂર્વતૈયારીઓ પણ આ સાથે જ વ્યર્થમાં ગઇ હતી.
સુરતમાં આજે રવિવાર, તા.6 માર્ચ 2022ના રોજ કેન્દ્રીય આરોગ્ય-પરિવાર કલ્યાણ, રસાયણ અને ખાતર વિભાગના મંત્રી મનસુખભાઈ માંડવીયાના હસ્તે નવી સિવિલ હોસ્પિટલના પરિસરમાં નવનિર્મિત મેડિકલ કોલેજના ભવનનું લોકાર્પણ કરવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, આ માટે ભપકાદાર તામઝામ કરવામાં આવ્યા હતા જેની પાછળ લાખો રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હતો પરંતુ, મન્સુખ માંડવીયાએ એકાએક દિલ્હી જવાનું થતા તેમના સુરત ખાતેના આજના તમામ કાર્યક્રમો રદ કરી દેવાની ઘોષણા કરવામાં આવી હતી.
અલથાણ, ભીમરાડ ખાતે સ્વ.પદ્માબેન એચ. હોજીવાલા મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલના ભૂમિપૂજન કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. બપોરે 12.00 વાગ્યે બારડોલી તાલુકાના ટુંડી ગામના એડન હોમ્સ ખાતે ઉત્તર ગુજરાત 42 લેઉવા પાટીદાર સમાજ આયોજિત સ્નેહમિલનમાં હાજરી આપવાના હતા. સાંજે કતારગામ, આંબાતલાવડી રોડ ખાતે પાટીદાર સમાજની વાડીના સભાખંડમાં સરદારધામ આયોજિત ‘યુવા સંગ વિચાર સંગોષ્ઠિ’ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવાના હતા.
જો કોઇ મહત્વના કામ માટે ઓછા સમયના વેડફાટ સાથે સમયસર પહોંચી શકાય તે માટે જો તમે સુરત એરપોર્ટથી ઉપડતી ફ્લાઇટની ટિકીટ લીધો હોય તો એ ફ્લાઇટ રાતોરાત રદ થઇ શકે છે. જાણકારોનું કહેવું છે કે સુરત એરપોર્ટથી ગમે તે એરલાઇન્સ ગમે ત્યારે ફ્લાઇટો રદ કરી દે છે. ગત ડિસેમ્બરમાં જુદી જુદી એરલાઇન્સ કંપનીઓએ અનેક ફ્લાઇટ રદ કર દીધી હતી. હવે એર ઇન્ડિયાએ ટેકનિકલ કારણનું બહાનું કાઢીને આજે તા.23 ફેબ્રુઆરીથી લઇન 9મી માર્ચ સુધીની સુરત એરપોર્ટ પર આવતી જતી કુલ પાંચ જુદા જુદા સેક્ટરની 32 જેટલી ફ્લાઇટો રદ કરી દેતા હજારો મુસાફરો અટવાયા છે.
મળતી માહિતી મુજબ એર ઇન્ડીયાએ એવી જાહેરાત કરી છે તે સુરત એરપોર્ટ પર આવતી અને ત્યાંથી અન્ય ડેસ્ટિનેશન પર જતી ફ્લાઇટો ટેકનિકલ કારણોસર રદ કરવામાં આવી છે. આ ફ્લાઇટ પાંચ જુદા જુદા સેક્ટરોની છે.
જેમાં તા.23 અને 28 ફેબ્રુઆરી, 2, 7 અને 9મી માર્ચની સુરતથી કોલકાત્તા-ભૂવનેશ્વરની ફ્લાઇટ રદ કરવામાં આવી છે. તા.23 અને 28 ફેબ્રુઆરી, 2, 7 અને 9મી માર્ચની સુરતથી દિલ્હીની ફ્લાઇટ પણ રદ કરી દેવાની ઘોષણા કરી દેવામાં આવી છે. તદુપરાંત તા.27 ફેબ્રુઆરી અને 6 માર્ચની સુરત ગોવા, સુરત હૈદરાબાદ અને સુરત દિલ્હીની પણ ફ્લાઇટ રદ કરી દેવામાં આવી છે. આમ એર ઇન્ડીયાએ સુરત એરપોર્ટ પર આવતી અને જતી મળીને કુલ 32 ફ્લાઇટો રદ કરી દેવાની જાહેરાત આજે કરી છે. આટલી મોટી સંખ્યામાં ફ્લાઇટ રદ કરવા પાછળ ગળે ઉતરે તેવું કોઇ કારણ આપ્યું નથી. ફક્ત ટેકનિકલ કારણથી રદ એવું જણાવીને મોટા પાયે ફ્લાઇટ રદ કરી દેવામાં આવતા અનેક મુસાફરોના બુકિંગ આપોઆપ કેન્સલ થઇ ગયા છે.
ટાટાનું મેનેજમેન્ટ આવ્યા પછી માળખાગત ફેરફારો થઇ રહ્યા છે
એર ઇન્ડીયાનું મેનેજમેન્ટ ટાટાને હસ્તગત થયા બાદ હવે ટાટા મેનેજમેન્ટે એર ઇન્ડીયાની સિસ્ટમમાં મોટા પાયે માળખાગત સુધારાઓ કરવા માંડ્યા છે. અને એના કારણે જ સુરત એરપોર્ટને સાંકળતી ફ્લાઇટ્ રદ કરવામાં આવી હોવાનું જણાય રહ્યું છે.
સુરતના કતારગામ ખાતે આવેલી કિરણ હોસ્પિટલમાં હવેથી અનેક ઓપરેશન માટે આશીર્વાદ રૂપ બનેલી રોબોટીક સર્જરીની માળખાગત સુવિધાઓ વિકસાવવામાં આવી છે. પ્રાઇવેટ હોસ્પિટલોમાં થતાં ખર્ચથી 50 ટકા ઓછા ખર્ચમાં કોઇપણ નાગરીક કિરણ હોસ્પિટલ ખાતેની આ સુવિધાઓનો ઉપયોગ કરી શકશે.
સાઉથ ગુજરાતમાં સૌપ્રથમવાર વિશ્વની શ્રેષ્ઠ રોબોટીક ટેક્નોલૉજી દ્વારા વિવિધ પ્રકારની સર્જરી હવે કિરણ હોસ્પિટલ સુરતમાં મલ્ટી ટાસ્ક રોબોટ દ્વારા થશે. કિરણ હોસ્પીટલમાં હવે જટીલ-ખૂબ જ અઘરી સર્જરી પણ રોબોટ દ્વારા વધુ સરળતાથી અને ખૂબ જ ચોકસાઇ સાથે અને ચીવટપૂર્વક થઈ શકશે. સામાન્ય રીતે સર્જન ઓપરેશન દરમિયાન આંખથી જે જોઈ શકે છે તેના કરતાં 10 ગણું મોટું અને 3D ઇમેજ સાથે રોબોટ થી સ્ક્રીન પર જોઈ શકાય છે અને સર્જરી ખૂબ સરળતાથી અને ચોકસાઇ પૂર્વક થશે. એટલે કે રૉબોટ સર્જનની આંખ બનીને સર્જરી કરશે.
આ ઉપરાંત રોબોટ સર્જનના હાથ તરીકે કામ કરશે પરંતુ તેની વિશેષતા એ છે કે સર્જન પોતાનો હાથ ફક્ત 180 ડિગ્રી સુધીની જ મુવમેન્ટ કરી શકે છે જ્યારે રોબોટ 540 ડિગ્રી ની મુવમેન્ટ સાથે ઓપરેશન કરી શકે છે જેના કારણે ખૂબ જ જટીલ સર્જરી પણ આસાનીથી થઈ શકે છે. ઘણા ઓપરેશનોમાં સર્જન ને ઊંડાણમાં રહેલા અમુક ભાગો સુધી પહોચીને કામ કરવું ઘણું મુશ્કેલ થતું હોય છે એવું કામ રોબોટ સરળતાથી કરી શકે છે.
રોબોટથી કરવામાં આવતી સર્જરી કાપ-કૂપ વગર નાના છિદ્રો દ્વારા ખૂબ જ ચોકસાઇથી શક્ય બને છે જેથી દર્દીઓને ઇન્ફેકશન લાગવાની શક્યતા રહેતી નથી, ઓપરેશન પછી દુખાવો નહિવત થાઈ છે, લોહી ચડાવવાની જરૂર પડતી નથી, હોસ્પીટલમાં રોકાણ ઓછું થાય છે અને ઝડપ થી રીકવરી આવવાથી દર્દીને પોતાનું રેગ્યુલર કામકાજ પણ ઓપરેશન પછી વહેલા શરૂ કરી શકે છે.
વધુમાં કિરણ હોસ્પિટલના ચેરમેન પદ્મશ્રી માથુરભાઇ સવાણી જણાવ્યું હતું કે મલ્ટી ટાસ્ક રોબોટથી કેન્સરના વિવિધ પ્રકારના ઓપરેશન જેમકે યુરોલોજી – મૂત્રાશય, પ્રોસ્ટેટ તેમજ કિડનીને લગતી સર્જરી, પેટ અને આંતરડા, લિવર, પિત્તાશય, હર્નિયા(સારણ ગાંઠ), બિરિયાટ્રિક (વજન ઘટાડવાની) સર્જરી, સ્ત્રી રોગોને લગતી તમામ પ્રકારની સર્જરીઓ ખૂબ જ સરળતાથી ચોકસાઇ પૂર્વક કરી શકાઈ છે.
કિરણ હોસ્પિટલ શરૂ થઇ ત્યારથી અત્યાર સુધીમાં 16 લાખ લોકો જુદી જુદી આરોગ્ય સેવાઓનો લાભ લઇ ચૂક્યા છે
કિરણ હોસ્પિટલ દેશની ટોપ-૧૦ હોસ્પિટલો પૈકી એક છે, પાંચ વર્ષમાં ૧૬ લાખથી વધારે લોકોએ કિરણ હોસ્પિટલની સેવાનો લાભ લીધો છે. હોસ્પિટલમાં અતિઆધુનિક સુવિધાઓ ધરાવતા ૪૨ વિભાગો ૨૪ કલાક લોકોની સેવામાં ઉપલબ્ધ હોય છે. દક્ષિણ ગુજરાતમાં કદી ન થયા હોય તેવા ઓપરેશનો જેવા કે લીવર ટ્રાન્સપ્લાન્ટ, બોનમેરો ટ્રાન્સપ્લાન્ટ, કિડની ટ્રાન્સપ્લાન્ટ જેવા ઓપરેશનો કિરણ હોસ્પીટલમાં થઈ રહ્યા છે. કિરણ હોસ્પિટલ અતિઆધુનિક સાધનો ઉપલબ્ધ કરવા માટે હમેશાં પ્રયત્નશીલ રહે છે તેથી દક્ષિણ ગુજરાતમાં સૌપ્રથમ મલ્ટી ટાસ્ક રોબોટિક સર્જરી કિરણ હોસ્પીટલમાં ઉપલબ્ધ થઈ છે.
લોકસભામાં આજે રજૂ થયેલા યુનિયન બજેટમાં સુરત શહેરને લાગે વળગે તેવી અનેક જોગવાઇઓ અને રાહતોની ઘોષણા કરવામાં આવતા સુરતના ઉદ્યોગોના સમૂહ, ચેમ્બર ઓફ કોમર્સ, ચાર્ટર્ડ અકાઉન્ટન્ટસ, વેપાર ઉદ્યોગના સંગઠનો અને એસોસીએશનો વગેરેએ મળીને બજેટને આવકાર આપ્યો છે. હીરા ઝવેરાત ઉદ્યોગને રાહત અને ફાયદો કરાવતી અનેક જાહેરાતો બજેટમાં સમાવવામાં આવી છે જ્યારે ટેક્ષટાઇલ ઉદ્યોગને એવો દિલાસો મળ્યો છે કે બજેટ અગાઉથી જ ટેક્ષટાઇલ ઉદ્યોગને ટેક્ષટાઇલ ટેક્નોલોજી ડેવલપમેન્ટ સ્કીમ (ટીટીડીએસ), પીએમ મેગા ટેક્ષટાઇલ પાર્ક, પ્રોડક્શન લિંક્ડ ઇન્વેસ્ટમેન્ટ સ્કીમ વગેરેની સોગાદ મળી ચૂકી છે જ્યારે ક્રિપ્ટો કરન્સીમાં રોકાણ કરનારા સુરતીઓએ ત્રીસ ટકા ટેક્સનો કડવો ડોઝ આજે ગળે ઉતારવો પડ્યો છે. એ સિવાય સોલાર ઉદ્યોગ, ઇન્ફર્મેશન ટેક્નોલોજી, સ્ટાર્ટ અપ પ્રોત્સાહન, સ્ટીલ ઉદ્યોગ, સિમેન્ટ ઉદ્યોગ, બાંધકામ ઉદ્યોગ, કેમિકલ ઉદ્યોગોને પણ મોટા ભાગે રાહત મળી છે અગર તો નવી યોજનામાં તેમને સામેલ કરાયા હોઇ, સુરતના ઉદ્યોગકારો માટે એકંદરે યુનિયન બજેટ સાનૂકુળ બની રહ્યાના અહેવાલો મળી રહ્યા છે.
આજે સર્ધન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા યુનિયન બજેટ અને એ પછી સુરતના ઉદ્યોગકારોના આઘાત પ્રત્યાઘાત માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી હતી. મક્કાઇપુલ સ્થિત ચેમ્બર ઓફ કોમર્સના હોલ ખાતે બજેટ સાંભળ્યા બાદ એક જ સ્થળેથી ઉદ્યોગકારો, ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ્સ વગેરેએ તેમના ફર્સ્ટ રિસ્પોન્સ મિડીયાને આપ્યા હતા.
અત્યાર સુધીના બજેટની જેમણે આકરી ટીકાઓ કરી એ સુરતના સી.એ. વિરેશ રુદલાલે પણ બજેટને વખાણ્યું
અત્યાર સુધીના કેન્દ્ર સરકારના બજેટની આકરી ટીકા કરનાર સુરતના જાણીતા સી.એ. વિરેશ રુદલાલે આજે કેન્દ્ર સરકારના બજેટના મોંફાટ વખાણ કર્યા હતા તેમણે કહ્યું કે બજેટને 10માંથી 7 માર્ક આપવા પડે તેવું સારું બજેટ છે.
ચેમ્બર ઓફ કોમર્સના પ્રેસિડેન્ટ આશિષ ગુજરાતી એ કહ્યું કે…
ચેમ્બર ઓફ કોમર્સના પ્રેસિડેન્ટ આશિષ ગુજરાતીએ જણાવ્યું કે રેલ્વે ગુડ્સ, લોજિસ્ટીક પાર્ક તથા રિવર લિંકેજ પોલીસી પર ધ્યાન રાખવામાં આવ્યું છે. જેના કારણે વોટર વેઈઝમાં વેગ આવશે. આ ઉપરાંત, એમએસએમઈ માટે ઈશ્રમ સહિતના પોર્ટલને લિંક કરવાની કામગીરી કરી છે. જેના કારણે અનઓર્ગેનાઈઝ સેક્ટરમાં કામ કરતાં કામદારોની ખરી સ્થિતિ જાણીને તેના આધારે ઉદ્યોગ સંબંધિત નવી જાહેરાત કરવામાં આવશે.સુરતમાં વિકસેલી મોટા ભાગની ઇન્ડસ્ટ્રીઝને પ્રોત્સાહન મળે તેવી જોગવાઇઓ બજેટમાં જોવા મળી છે જે આવકારદાયક બાબત છે.
વાઇસ પ્રેસિડેન્ટ હિમાંશુ બોડાવાલાએ કહ્યું કે બજેટમાં ટેક્ષટાઇલ ઉદ્યોગ માટે કોઇ મોટી ખાસ જોગવાઇ નથી પરંતુ, ટેક્ષટાઇલ ઉદ્યોગને બજેટ પહેલા જ ઘણું બધું મળી ચૂક્યું છે. એટલે ટેક્ષટાઇલ ઉદ્યોગને કોઇ મોટી અપેક્ષા બજેટમાંથી ન હતી.
ફિયાસ્વીના ચેરમેન ભરતભાઇ ગાંધીએ કહ્યું કે…..
ફિયાસ્વીના ચેરમેન ભરતભાઇ ગાંઘીએ પણ જણાવ્યું કે એકંદરે પ્રગતિની દિશામાં લઇ જનારું બજેટ છે. સુરતમાં ઉત્પાદન કરતી કંપનીઓ માટે પ્રોત્સાહક યોજનઓ અને રાહતો જાહેર કરવામાં આવી છે. ટેક્ષટાઇલ ઉદ્યોગના હીતમાં હવે કેન્દ્ર સરકારે 5 વર્ષ સુધી સાતત્યપૂર્ણ અને એક સમાન નીતિ અમલી બનાવવી જોઇએ.
હિરા ઉદ્યોગની 50 ટકા માંગણીઓને બજેટમાં સ્થાન મળ્યું : દિનેશ નાવડીયા
યુનિયન બજેટમાં હીરા ઉદ્યોગને સ્પર્શતી જોગવાઇઓ અંગે સ્પષ્ટતા કરતા જીજેઇપીસીની રિજિનયોનલ કાઉન્સિલના ચેરમેન દિનેશ નાવડીયાએ જણાવ્યું હતું કે હીરા ઉદ્યોગવતી માંગણી એવી કરવામાં આવી હતી કે કટ એન્ડ પોલિશ્ડ ડાયમંડ્સ, જેમ સ્ટોન પર ઇમ્પોર્ટ ડ્યૂટી જે હાલમાં 7.5 ટકા વસૂલાય છે એ ઘટાડીને 2.5 ટકા કરવામાં આવે. યુનિયન બજેટમાં માગણીને પ્રતિસાદ આપીને 7.5 ટકાની જગ્યાએ હવેથી 5 ટકા વસૂલ કરવાની ઘોષણા કરવામાં આવી છે. હીરા ઉદ્યોગ આ જોગવાઇથી ખુશ છે અને આ ઘટાડાથી હીરા ઉદ્યોગકારોને મોટી રાહત થશે એવું માનવામાં આવી રહ્યું છે.
જીજેઇપીસીએ એવી પણ માગણી મૂકી હતી કે ઇ કોમર્સ મારફતે એક્સપોર્ટને સરળ બનાવવા માટે એક સર્વગ્રાહી નીતિ બનાવવામાં આવે આ માગણીના પ્રતિસાદમાં આગામી જૂન 2022 સુધીમાં એક પોલીશી રજૂ કરવામાં આવશે જે પણ હીરા ઉદ્યોગ માટે અત્યંત આવકારદાયક છે.
સુરતના હીરા ઉદ્યોગકારો માટે સૌથી મહત્વની એક જાહેરાત એ પણ કરવામાં આવી છે કે આયાતી સોન ડાયમંડ જેને ફેન્સી ડાયમંડ કે હાફ કટ ડાયમંડ તરીકે પણ ઓળખવામાં આવે છે તેની આયાતમાં અત્યાર સુધી 12 ટકા ડ્યૂટી વસૂલ કરવામાં આવતી હતી. પરંતુ, હવે પછી આ ડ્યુટી બિલકુલ નાબૂદ કરીને બિલકુલ ઝીરો કરી દેવામાં આવતા ઉદ્યોગકારોમાં ખુશાલી વ્યાપી ગઇ છે. દિનેશ નાવડીયાએ જણાવ્યું હતું કે આ જોગવાઇને કારણે નાના અને મધ્યમકદના ડાયમંડ એક્સપોર્ટર્સ, નાના કારખાનેદારોને મોટી રાહત થઇ છે કેમકે ફેન્સી, સોન કે હાફ કટ ડાયમંડ ઓછી માત્રામાં, નાના જથ્થામાં સ્મોલ એન્ડ મિડીયમ સ્કેલના વેપારીઓ જ આયાત કરતા હોય છે અને 12 ટકાની ડ્યૂટી નાબૂદ થઇ જતા મોટી આર્થિક રાહત મળી છે.
હીરા ઝવેરાત ઉદ્યોગને સ્પર્શતી મહત્વની ઘોષણાઓ
મોતીની આયાત પર વસૂલાતી 10 ટકા કસ્ટમ ડ્યૂટી ઘટાડીને 5 ટકા કરાઇ
– રોડીયમ પર વસૂલાતી 12.5 ટકા કસ્ટમ ડ્યૂટી ઘટાડીને 2.5 ટકા કરાઇ
– ઇમિટશન જ્વેલરીની આયાત પર પ્રતિ કિલોએ રૂ.400 વસૂલાશે
– હીરા ઉદ્યોગ માટે બેંક ગેરેંટીને બદલી હવે સ્યોરિટી બોન્ડ માન્ય ગણવામાં આવશે
આર્મી યુનિફોર્મ માટે ફેબ્રિક તૈયાર કરવા સુરતના ઉત્પાદકો માટે સુવર્ણ તક
યુનિયન બજેટમાં કેન્દ્રીય નાણાંમંત્રીએ ડિફેન્સ સેક્ટરમાં આયાતી ચીજવસ્તુઓનો વપરાશ ઓછો થાય અને આત્મનિર્ભર ભારત યોજના અંતર્ગત આર્મી માટે જરૂરી યુનિફોર્મ ફેબ્રિક તેમજ અન્ય ઇક્વીપમેન્ટ્સના ઉત્પાદન માટે ભારતના જ ઉત્પાદકોને પ્રોત્સાહિત કરતી અનેક યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે. ચેમ્બર પ્રેસિડેન્ટ આશિષ ગુજરાતી જણાવે છે કે સુરતમાં દરેક પ્રકારનું કાપડ બની રહ્યું છે. સુરતના કપડા ઉત્પાદકોએ હવે આર્મી યુનિફોર્મ માટેનું કાપડ બનાવીને તેને સપ્લાય કરવાની દિશામાં પણ વિચારવું જોઇએ. ડિફેન્સ માટે જુદા જુદા ફેબ્રિકનું ઉત્પાદન પ્રાઇવેટ સંસ્થાઓ કરી શકે તે માટે ડીઆરડીઓના સંકલન સાથે સ્પેશ્યલ પર્પઝ વ્હીકલ કંપની બનાવીને પણ ભારતના કપડા ઉત્પાદકોને ફેબ્રિક સપ્લાયની તક ઉભી કરવામાં આવી છે.
ક્રિપ્ટો કરન્સીમાં રોકાણકારોએ કમાણીનો 30 ટકા ભાગ સરકારને ધરી દેવો પડશે
યુનિયન બજેટમાં આજે ક્રિપ્ટો કરન્સી વિષયની જોગવાઇ અંગે જ્યારે નાણાંમંત્રી નિર્મલા સીતારમને બોલવાનું શરૂ કર્યું તેમ તેમ ક્રિપ્ટો કરન્સીના માર્કેટમાં ભારે ધોવાણ શરૂ થયું હતું. ભારતમાં ક્રિપ્ટો કરન્સીમાં સૌથી વધુ રોકાણ કરનારા લોકોમાં સુરતીઓનો નંબર આવે છે અને સુરતમાંથી કરોડો નહીં પણ અબજો રૂપિયાનું રોકાણ અત્યાર સુધી અનઓર્ગેનાઇઝ્ડ સ્ટ્રક્ચર ગણાતા ક્રિપ્ટો કરન્સી હેઠળના જુદા જુદા કોઇન્સમાં કરવામાં આવ્યું છે. નિર્મલા સીતારમણે આજે બજેટરી જોગવાઇમાં ક્રિપ્ટો કરન્સી પર ત્રીસ ટકાનો તોતિંગ ટેક્સ જાહેર કરતા અત્યાર સુધી નફો રળનાર ક્રિપ્ટો રોકાણકારોએ હવે નફો હોય કે નુકસાન એન્કેશ કરાવશે ત્યારે ભારત સરકારને ત્રીસ ટકા ટેક્સ ભરવો પડશે.
સ્થાનિક ક્રિપ્ટો કરન્સીના જાણકારો કહે છે કે ભારતમાં હવે આ પ્રકારે ક્રિપ્ટો કરન્સી પર ટેક્સ વસૂલવાનું શરૂ થશે તો સુરત સમેત દેશના ક્રિપ્ટો કરન્સીના રોકાણકારોના પોર્ટફોલિયો હવે દુબઇ, સિંગાપોર, થાઇલેન્ડ કે અન્ય દેશો કે જ્યાં ક્રિપ્ટો કરન્સી પરત્વે કૂણું વલણ ધરાવતા દેશોમાંથી ઓપરેટ કરવાનું મુનાસિબ માનશે કેમકે ત્રીસ ટકાનું ટેક્સનું ભારણ અતિશય વધારે લાગી રહ્યું છે.
તાપી, દરીયો, કેનાલ, તળાવો, વરસાદી પાણીનો સંચય અને ખાડી જેવા વોટર સ્પોટને સ્પર્શતા પ્રોજેકેટ્સની ભરમાર સાથે મ્યુનિસિપલ કમિશનર બંછાનિધી પાનીએ આજે સુરત મહાનગરપાલિકાનું કુલ રૂ.6,970 કરોડનું કોઇપણ પ્રકારના વેરા વધારાની દરખાસ્ત વગરનું આગામી નાણાંકીય વર્ષનું ડ્રાફ્ટ બજેટ રજૂ કર્યું હતું. મ્યુનિસિપલ કમિશનરે રજૂ કરેલા ડ્રાફ્ટ બજેટમાં ઉડીને આંખે વળગે તેવો એકેય નવો કેપિટલ પ્રોજેક્ટસ નથી. રિવરફ્રન્ટ, સુરત મહાનગરપાલિકાનું નવું વહીવટીભવન અને મેટ્રો રેલ જેવા શરૂ થઇ ચૂકેલા પ્રોજેક્ટ્સ માટે મોટી રકમની ફાળવણી અંદાજપત્રમાં કરવામાં આવી છે. મ્યુનિસિપલ કમિશનરે બજેટ રજૂ કરતા પહેલા એ વાતનો નિર્દેશ કર્યો હતો કે કોવીડ પેન્ડેમિકને કારણે બે વર્ષ બગડ્યા છે પરંતુ, પાલિકાના બજેટમાં ના તો કોવીડ-19ના કન્ટ્રોલ માટે કેટલો ખર્ચ થયો એની વિગત છે કે ના તો ભવિષ્યમાં કોવીડ મહામારીને પહોંચી વળવા માટે કોઇ જ જોગવાઇ કરાઇ હોવાનો નામોલ્લેખ બજેટમાં સુદ્દાં નથી.
જલ પર કેન્દ્રીત બજેટમાં ક્યાં કેટલી જોગવાઇ
તાપી શુધ્ધિકરણ રૂ.354 કરોડ
રીવર ફ્રન્ટ ડેવ. રૂ.239 કરોડ
તાપી બેરેજ ડેવ. રૂ. 30 કરોડ
ડુમસ સી ફેસ ડેવ. રૂ. 50 કરોડ
ખાડી ડ્રેજિંગનું કામ રૂ.116 કરોડ
કેનાલ પરના રસ્તા રૂ. 80 કરોડ
તળાવોના વિકાસ રૂ. 50 કરોડ
વરસાદી પાણી સંચય રૂ. 75 કરોડ
સુરત મહાનગરપાલિકાનું ચાલુ હિસાબી વર્ષના રિવાઇઝ્ડ અને વર્ષ 2022-23 માટેના ડ્રાફ્ટ બજેટને આજે મ્યુનિસિપલ કમિશનર બંછાનિધી પાનીએ ઘોષિત કરીને મુદ્દો હવે સ્થાયી સમિતિ સમક્ષ મોકલી આપ્યો છે. બજેટ રજૂ કરતા કમિશનર બંછાનિધી પાનીએ કહ્યું કે મહાનગરપાલિકાનું આ બજેટ વોટર ફ્રન્ટ ડેવલપમેન્ટ પર કેન્દ્રીત કરવામાં આવ્યું છે. જેમાં રિવરફ્રન્ટ ડેલપમેન્ટ, તાપી શુદ્ધિકરણ, ડુમસ બીચ ડેવલપમેન્ટ, કેનાલ કોરીડોર ડેવલપમેન્ટ, શહેરના 27 તળાવોનો વિકાસ તેમજ રેઇન વોટર હાર્વેસ્ટિંગ અને ખાડી કિનારાના વિસ્તારોમાં રોડ ડેવલપમેન્ટ મળીને કમસે કમ રૂ.1500 કરોડથી વધુ રકમની જોગવાઇ જળ આધારિત પ્રોજેક્ટ્સ માટે કરવામાં આવી છે અને એટલા માટે જ પાલિકાનું આગામી બજેટ જલમગ્ન કહેવાય રહ્યું છે.
મ્યુનિસિપલ કમિશનરે કહ્યું કે આગામી વર્ષે સુરત મહાનગરપાલિકા ખજોદ સ્થિત સોલિડ વેસ્ટ ડિસ્પોઝલ સાઇટના વિકલ્પમાં નવી સાઇટને કાર્યાન્વિત કરવાનું આયોજન ધરાવે છે અને તેના માટે કુલ રૂ.250 કરોડની જંગી રકમની જોગવાઇ કરવામાં આવી છે.
બજેટના આવક જાવકના પાસાઓ પર પ્રકાશ ફેંકતા કમિશનરે કહ્યું હતું કે રૂ. ચાલુ વર્ષે મિલક્ત વેરા પેટે પાલિકાને કુલ રૂ.331.36 લાખ રૂપિયાની આવક થશે તેવો અંદાજ હતો પરંતુ, એ રિવાઇઝ બજેટમાં ઘટાડીને રૂ.306.79 કરોડ કરવામાં આવ્યો છે જ્યારે આગામી વર્ષ માટે મિલકતવેરા પેટે પાલિકાને કુલ રૂ.331.80 કરોડની આવક થશે તેવો અંદાજ બાંધવામાં આવ્યો છે. પાલિકાને યુઝર ચાર્જિસની આવકમાં ધરખમ વધારો થયો છે, પાલિકા પોતાની સેવાના બદલામાં શહેરીજનો પાસેથી ચાર્જ વસુલ કરી રહી છે એ યુઝર ચાર્જ પેટે ચાલુ વર્ષે પાલિકાને કુલ રૂ.745.85 કરોડની આવક થવાનો અંદાજ છે જેની સામે 2022-23ના વર્ષમાં યુઝર ચાર્જ પેટે પાલિકાને કુલ રૂ.806.52 કરોડની આવક થશે તેવી ગણતરી માંડવામાં આવી છે.
સુરત મહાનગરપાલિકાએ હાલમાં વિકસાવેલી સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ (ઘન કચરાના નિકાલની) વ્યવસ્થા અન્વયે શહેરીજનોએ હાલમાં ભીના કચરા માટે એક અને સૂકા કચરા માટે એક એમ બે કચરાપેટી રાખવી પડે છે. પરંતુ, મ્યુનિસિપલ કમિશનર બંછાનિધી પાનીએ કહ્યું કે હવે ત્રણ કચરા પેટી રાખવી પડશે. ત્રીજી કચરા પેટી હેઝાડર્સ વેસ્ટ, ઇ-વેસ્ટ, ડિજિટલ ગેડજેટ્સ વેસ્ટ વગેરે માટે પણ રાખવી પડશે. ટૂંક સમયમાં જ પાલિકા દ્વારા આ નવી સિસ્ટમ અન્વયે કચરો ઉપાડવામાં આવશે. આ માટે શહેરીજનોને પહેલા જરૂરી માર્ગદર્શન પૂરું પાડવામાં આવશે.
પાલિકાને 3616 કરોડની આવક ક્યાંથી થશે વાંચો અહીં
સુરત મ્યુનિસિપલ કમિશનરે કહ્યું કે હિસાબી વર્ષ 2022-23માં સુરત મહાનગરપાલિકાને રૂ.3616 કરોડની રકમ રેવન્યુ આવક પેટે મળશે. આ આવક ક્યાં ક્યાંથી મેળવશે તેના પર નજર કરીએ તો (1) જકાતની અવેજીમાં સરકાર તરફથી મળતી ગ્રાન્ટ પેટે રૂ.820 કરોડ, (2) જનરલ ટેક્સમાંથી રૂ. 519 કરોડ (3) યુઝર ચાર્જ પેટે રૂ.838 કરોડ, (4) વાહન વેરા પેટે રૂ.88 કરોડ, (5) વ્યવસાય વેરા પેટે રૂ.160 કરોડ, (6) નોનટેક્ષ રેવન્યુ પેટે રૂ.931 કરોડ (7) ગ્રાન્ટ, સબસિડી અને કન્ટ્રીબ્યુશન પેટે રૂ.218 કરોડ અને (8) અન્ય આવક પેટે રૂ.42 કરોડ મળશે તેવા અંદાજોને કુલ રૂ.3616 કરોડની રેવન્યુ આવકમાં સમાવિષ્ટ કરવામાં આવ્યા છે.
કયા ઝોનમાં કેટલા રૂપિયાના વિકાસકામો થશે
ઝોન વિસ્તાર ચાલુ વર્ષ 2022-23
વેસ્ટ ઝોન 35 37
સેન્ટ્રલ ઝોન 16 24
નોર્થ ઝોન 61 68
વરાછા એ 36 54
વરાછા બી 40 55
સાઉથ એ 43 41
સાઉથ બી – 29
લિંબાયત 48 59
અઠવા ઝોન 67 72
હેડક્વાટર્સ 1674 2744
કુલ રૂપિયા 2020 3183
(નોંધ રકમ કરોડ રૂ.માં)
તાપી પર બેરેજ નિર્માણ માટેનું મૂહૂર્ત નીકળ્યું ખરું
છેલ્લા એક દાયકાથી જેની ફક્ત ચર્ચાઓ જ સંભળાયા કરતી હતી એ તાપી નદીની ડાઉન સ્ટ્રીમમાં ઉમરાથી ડુમસ વચ્ચે કન્વેન્શનલ બેરેજ પ્રોજેક્ટના નિર્માણનું મૂહૂર્ત આખરે 2022માં નીકળ્યું છે. આજે પાલિકાનું બજેટ રજૂ કરતા સુરત મહાનગરપાલિકા કમિશનરે જણાવ્યું હતું કે તાપી નદીની ડાઉન સ્ટ્રીમમાં કન્વેન્શનલ બેરેજ બનાવવા માટેના ટેન્ડરો જારી કરી દેવામાં આવ્યા છે. તાપી નદી પર કન્વેન્શનલ બેરેજ પ્રોજેક્ટ કુલ રૂ.611 કરોડનો છે. અને ચાલુ વર્ષે આ બેરેજ માટે પાલિકાના બજેટમાં કુલ રૂ.25 કરોડની રકમની જોગવાઇ કરવામાં આવી છે. કમિશનરે એમ પણ કહ્યું કે કન્વેન્શનલ બેરેજ પ્રોજેક્ટ માટે રાજ્ય સરકાર તરફથી કુલ રૂ.125 કરોડની રકમ ગ્રાન્ટ પેટે મળવાની છે.
નવું ઇલેક્ટ્રીક વાહન વસાવનારને ચાલુ વર્ષે કોઇ ટેક્સ નહીં, 3 વર્ષ પાર્કિંગ ફ્રી
સુરત મહાનગરપાલિકાએ શહેરમાં વાહનોથી વધતા પ્રદૂષણને અટકાવવા માટે ઇલેક્ટ્રીક વ્હીકલને પ્રોત્સાહન આપવા માટે નીતિ ઘડી કાઢી છે. આગામી તા.1લી એપ્રિલથી ચાર વર્ષ માટેની અમલમાં મૂકાનારી નીતિમાં પહેલા વર્ષે ઇલેક્ટ્રીક વ્હીકલ વસાવનારને પાલિકાના ટેક્સમાંથી 100 ટકા મુક્તિ, બીજા વર્ષે 75 ટકા, ત્રીજા વર્ષે 50 ટકા અને ચોથા વર્ષે ઇલેક્ટ્રીક વાહન વસાવનારાઓને પાલિકાના ટેક્સમાંથી 25 ટકા મુક્તિ આપવાની ઘોષણા કરવામાં આવી છે. એવી જ રીતે નવા ઇલેક્ટ્રીક વાહન વસાવનારાને શહેરભરમાં આવેલા પાલિકાના કોઇપણ પાર્કિંગમાં ફ્રી ઓફ ચાર્જ સુવિધા આપવામાં આવશે. એથી વિશેષ ઇલેક્ટ્રીક વ્હીકલ ધારકોને એન્વારન્મેન્ટ ઇમ્પ્રુવમેન્ટ માટે લેવાતા તમામ ચાર્જમાંથી મુક્તિ આપવાની ઘોષણા આજે મ્યુનિસિપલ કમિશનર બંછાનિધી પાનીએ બજેટમાં કરી હતી.
ચીનના રૂ. ૧૦૦૦ કરોડના હવાલા કૌભાંડમાં સંડોવાયેલી કંપનીઃ સી.એ. ફર્મ સામે પણ ફરિયાદઃ સાવરિયા ઇન્ટરનેશનલના ડિરેક્ટર મુકુન્દ કુર્ને, સુમિત રમેશ બોદ્રા,નિલમ સુમિત બોદ્રા તથા જે.પી. હિરપરા એન્ડ કંપનીની સંડોવણી
રૂ. ૧૦૦૦ કરોડની છેતરપિંડી કરીને પરદેશમાં નાણાં મોકલી આપનાર ચાર્લી પેન્ગ ઉર્ફી લૂ સેન્ક સાથે સંકળાયેલા સાવરિયા ઇન્ટરનેશનલ પ્રાઈવેટ લિમિટેડ સામે રજિસ્ટ્રાર ઓફ કંપનીઝે નારણપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી છે. રૂ. ૧૦૦૦ કરોડના મની લૉન્ડરિંગના કૌભાંડમાં આ કંપનીની પણ સંડોવણી હોવાનો નિર્દેશ મળતા અને રજિસ્ટ્રાર ઑફ કંપનીઝમાં વાર્ષિક હિસાબો રજૂ ન કરવા બદલ કંપની સામે કેસ ફાઈલ કરવામાં આવ્યો છે. ચાર્લી પેન્ગ સામે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે કેસ ફાઈલ કરેલો છે.
સાવરિયા ઇન્ટરનેશનલ પ્રાઈવેટ લિમિટેડના મુકન્દ દત્તાત્રેય કુર્ને, સુમિત કુમાર રમેશભાઈ બોદ્રા, નિલમ સુમિત બોદ્રા અને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ જે.પી. હિરપરા એન્ડ કંપની સામે ફરિયાદ કરવામાં આવી છે. સુરતમાં અભિષેક શોપિંગ સેન્ટરમાં આવેલી જે.પી. હિરપરા એન્ડ કંપની અંગે ઇન્સ્ટિટયૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટને પણ ફરિયાદ કરવામાં આવી છે. આ કંપની સાથે સંકળાયેલા તમામ પ્રોફેશનલ્સ સામે ફરિયાદ ફાઈલ કરવામાં આવી છે. જુલાઈ ૨૦૧૨માં કંપનીની સ્થાપના કર્યા પછી આજ સુધીમાં કંપનીએ એક પણ વાર રજિસ્ટ્રાર ઓફ કંપનીઝમાં વાર્ષિક હિસાબો રજૂ ન કર્યા હોવાથી પણ તેની સામે ફરિયાદ કરવામાં આવી છે.
બિટકોઈન અને અન્ય ક્રિપ્ટો કરન્સી સામે માઈનિંગ મશીનમાં રોકાણ કરવાની લાલચ આપીને લોકોને લલચાવીને એસબીડબ્લ્યુ સાઉથ એશિયન પ્રા.લિ. નામની કંપની છેતરપિંડી કરતી હોવાની એક ફરિયાદ રજિસ્ટ્રાર ઓફ કંપનીઝે નારણપુરા પોલીસ સ્ટેશનમાં કરી છે. અમેરિકાની બિટકોઈન માઈનિંગ કંપની ૨૧ આઈએનસી સાથે તે જોડાયેલી હોવાનો દાવો કરવામાં આવતો હતો. આ માઈનિંગ મશીનમાં રોકાણ કરવાને નામે લોકોને લલચાવવાનું કામ કંપની કરતી હતી. તેમના નાણાં માઈનિંગ મશીનમાં રોકવામાં આવતા હતા, તેના માધ્યમથી ક્રિપ્ટો કરન્સીમાં નાણાંનું રોકાણ કરવામાં આવતું હોવાનું જણાવવામાં આવતું હતું.
કંપની વિરુદ્ધ આર.ઓ.સી.-રજિસ્ટ્રાર ઓફ કંપની દ્વારા કરવામાં આવેલી ફરિયાદમાં જણાવવામાં આવ્યું છે કે ક્રિપ્ટો કરન્સીના વેચાણ દ્વારા તેઓ મોટો આર્થિક લાભ મેળવી રહ્યા છે. તદુપરાંત શિંગુ ટેક્નોલોજી અને એસ.બી.ડબ્લ્યુ. સાઉથ એશિયન પ્રાઈવેટ લિમટેડન નામની કંપનીની સ્થાપના રજની કોહલી નામના કંપની સેક્રેટરી દ્વારા કરવામાં આવી હતી. આ કંપની ભારતમાં ડમી ડિરેક્ટર ઊભા કરી આપવાની કામગીરી પણ કરતી હતી. તેમ જ વિઝા ફેસિલિટેટર તથા ચાઈનીઝ ડિરેક્ટર્સ પૂરા પાડવાની કામગીરી પણ કરતી હતી. લોકો પાસેથી ભંડોળ મેળવીને માત્ર પેપર પર ઊભી કરવામાં આવેલી શૅલ કંપનીઓ મારફતે તે નાણાં વિદેશમાં ડાયવર્ટ કરી દેવાતા હતા.નાણાં વિદેશમા ંડાયવર્ટ થઈ ગયા પછી બારતીય વ્યક્તિઓને તે કંપનીના ડિરેક્ટરના હોદ્દા પર ગોઠવી દેવામાં આવતા હતા. આર્થિક રીતે નબળી અને ગરજાઉ વ્યક્તિને ડિરેક્ટર બનાવી દેવામાં આવતા હતા. કંપની રૃા. ૨ કરોડ કે તેનાથી વધુના રોકાણની વાત કરતી હોવા છતાંય તેનો કોઈ જ બિઝનેસ નોહોતો. ખોટા અને મેન્યુપ્યુલેટેડ એકાઉન્ટ બનાવવાની કામગીરી પણ આ કંપની કરતી હતી.
કપડા ઉત્પાદન ક્ષેત્રમાં સુરતીઓ ભારે ક્રિએટીવ છે, જો તમારે સુરતમાં બિઝનેસ કરવો હોય તો દરેક વખતે તમારે કંઇક નવું જ પ્રદાન કરવું પડે એવું વિધાન અન્ય કોઇએ નહીં પણ આધુનિક ટેક્ષટાઇલ મશીનરી ક્ષેત્રની વૈશ્વિક કંપની ઇટેમીના એશિયન મલ્ટી નેશન હેડ સમીર કુલકર્ણીએ આજે સિટેક્ષ એક્ષ્પો 2022ના ઉદઘાટન સમારોહમાં કર્યું હતું. ટેક્ષટાઇલ ક્ષેત્રમાં ઉપલબ્ધ અત્યંત આધુનિક મશીનરીઓના લાઇવ ડેમો દર્શાવતા સિટેક્ષ એક્ઝિબિશનને આજે કેન્દ્રના ટેક્ષટાઇલ રાજ્યમંત્રી દર્શના જરદોષે સુરતી વીવીંગ, નીટીંગ અને એમ્બ્રોઇડરી કારખાનેદારો માટે ખુલ્લો મૂક્યો હતો.
વિશ્વમાં કપડા ઉત્પાદન ક્ષેત્રમાં હાલ યુરોપ અને ચાઇનાની દિગ્ગજ કંપનીઓ દ્વારા બનાવાતી લેટેસ્ટમાં લેટેસ્ટ મશીનરીઓની શ્રેણીબદ્ધ નિદર્શન જો માણવું હોય તો સરસાણા સ્થિત સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના દ્વારા સરસાણા કન્વેન્શન સેન્ટર ખાતે આયોજિત સિટેક્ષ એક્ષ્પોની મુલાકાત લેવી પડે. આજે ઉદઘાટન સમારોહ દરમિયાન જાણે કન્વેન્શન સેન્ટર આખું જ એક ફેક્ટરીમાં તબદીલ થઇ ગયું હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા.
આજે ઉદઘાટનની સાથે જ સુરતમાં ગ્રે કાપડ તૈયાર કરતા વીવીંગ કારખાનેદારો, નીટીંગ કારખાનેદારો, વીવીંગ કારખાનેદારો, મિલ માલિકો સરસાણા કન્વેન્શન સેન્ટરમાં એ જોવા માટે ઉમટી પડ્યા હતા કે તેમની ફેક્ટરીમાં હાલ ચાલી રહેલી મશીનરી કરતા કઇ મશીનરી અદ્યતન અને ઝડપી છે. હાઇસ્પીડ ટેક્ષટાઇલ મશીનરીની લોકલથી લઇને ગ્લોબલ બ્રાન્ડ લઇને સિટેક્ષ એક્ષ્પોમાં 80થી વધુ બ્રાન્ડસની મશીનરીના લાઇવ ડેમોન્સ્ટ્રેશન જોવા મળી રહ્યા છે. સિટેક્ષ એક્ષ્પોમાં ટેક્ષ્ટાઇલ ઇન્ડસ્ટ્રીના ટેક્ષ્ટાઇલ મશીનરી, ટેક્ષ્ટાઇલ એન્સીલરી અને મશીનરીઓ, એમ્બ્રોઇડરી એન્ડ બ્રાઇડીંગ મશીનરી તથા એસેસરીઝ, ટેક્ષ્ટાઇલ એન્જીનિયરીંગ, ટેકનીકલ ટેક્ષ્ટાઇલ સંબંધીત મશીનરી અને એસેસરીઝ, યાર્ન અને ફેબ્રિકસ જેવા તમામ સેકટર્સને આવરી લેવામાં આવ્યા છે. તમામ સેકટર્સના એકઝીબીટર્સને આજે પહેલા જ દિવસે સુરતના કારખાનેદારો તરફથી જંગી ઇન્કવાયરીઓ સાથે ખૂબ સારો પ્રતિસાદ પણ મળ્યો છે.
સુરતમાં સૌપ્રથમ આજે સિટેક્ષ એકઝીબીશનમાં યુરોપિયન મશીન મેન્યુફેકચરર્સ જેવી કે સ્ટૉબલી અને ઇટેમા કંપનીઓ દ્વારા પોતાના ટેકસટાઇલ મશીનરીનો લાઇવ ડેમો દર્શાવવામાં આવી રહ્યા છે. સૌથી પહેલા મુલાકાતીઓ આ મશીન જોવા માટે જ ધસારો કરી રહ્યા છે. આ ઉપરાંત 5376 હૂક ધરાવતું હાઇ સ્પીડ રેપીયર વીથ જેકાર્ડ, ઓટોમેટીક નોટીંગ મશીન, ઓટોમેટીક ડ્રોઇંગ મશીન અને હાઇ સ્પીડ એરજેટ મશીન જોઇને ગ્રે કાપડ ઉત્પાદન કરતા કારખાનેદારો પણ બે ઘડી અચંબિત થઇ રહ્યા હતા. આ કંપની ર૮ હજાર હુક સુધીનું જેકાર્ડ મશીન મેન્યુફેકચરીંગ કરે છે.
– કાર્ટુન પર ઇલાસ્ટીક ટેપ પેક કરવા માટે ફેસ્ટુનીંગ મશીન
– ટેકસટાઇલ ઇન્ડસ્ટ્રીમાં મટિરિયલ્સ હેન્ડલ કરવા માટે અદ્યતન ટ્રોલી
– હાઇસ્પીડ રેપીયર મશીન
આસામ બોડો લેન્ડમાં ટેક્ષટાઇલ વિકાસ માટે ચેમ્બર એમ.ઓ.યુ. કરશે
આજે સિટેક્ષ એક્ષ્પોના ઉદઘાટન સમારોહમાં પૂર્વોત્તર આસામના કોકરાઝારથી ખાસ બોડોલેન્ડ ટેરેટોરીયલ કાઉન્સિલના ચીફ એક્ઝિક્યુટીવ પ્રમોદ બોરો અને તેમની ટીમ ઉપસ્થિત રહી હતી. આ ક્ષેત્રમાં હેન્ડલૂમથી કાપડ વણાટનો ઉદ્યોગ ખૂબ વિકસ્યો છે અને અહીં આ ફિલ્ડમાં સૌથી વધુ રોજગારી મહિલાઓ મેળવી રહી છે. હવે સુરતમાં ટેક્ષટાઇલ ઉદ્યોગનો જે રીતે વિકાસ થયો છે તે રીતે બોડોલેન્ડમાં વિકસેલા હેન્ડલૂમ ઉદ્યોગમાં કઇ રીતે ટેક્ષટાઇલ ટેક્નોલોજીનો વિકાસ કરી શકાય તે માટે સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ અને બોડોલેન્ડ ટેરેટોરીયલ કાઉન્સિલ વચ્ચે મેમોરેન્ડમ ઓફ અન્ડરસ્ટેન્ડિંગ પર સહી સિક્કા કરવાનું નક્કી કરવામાં આવ્યું છે. ચેમ્બર ઓફ કોમર્સ ત્યાંના વિકાસ માટેનો રોડમેપ તૈયાર કરી આપશે એમ ચેમ્બર પ્રેસિડેન્ટ આશિષ ગુજરાતીએ જણાવ્યું હતું.
આ મશીન જોવા છેક વાપી, સેલવાસ, અમદાવાદથી કારખાનેદારો આવી રહ્યા છે
Reoprted on 7/01/2022
SGCCI SITEX : કપડા ઉત્પાદનના સૌથી આધુનિક મશીન્સ વર્કીંગ કન્ડીશનમાં જોવા મળશે
સર્ધન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ આયોજિત ટેક્ષટાઇલ મશીનરીઓના એક્ષ્પો, સિટેક્ષને આવતીકાલ તા.8મી જાન્યુઆરીથી ત્રણ દિવસ માટે સરસાણા કન્વેન્શન સેન્ટર ખાતે આરંભ કરવામાં આવશે. કપડા ઉત્પાદન ક્ષેત્રમાં વિશ્વની સૌથી આધુનિક મશીનરીનું લાઇવ નિદર્શન સિટેક્ષ એક્ષ્પોમાં કરવામાં આવ્યું છે. સિટેક્ષ અંગે વધુ વિગતો આપતા ચેમ્બર પ્રેસિડેન્ટ આશિષ ગુજરાતી, હિમાંશુ બોડાવાળા, સુરેશ પટેલ, મયુર ગોળવાલાએ જણાવ્યું હતું કે સરસાણા સ્થિત ‘સુરત ઈન્ટરનેશનલ એકઝીબીશન એન્ડ કન્વેન્શન સેન્ટર ખાતે ૧૦,પ૦૦ ચોરસ મીટરમાં સિટેક્ષ એક્ષ્પો યોજાશે. 80 વધુ એક્ઝિબિટર્સ તેમની અદ્યતન ટેકસટાઈલ મશીનરી, એસેસરીઝ મેન્યુફેક્ચરર્સનો લાઇવ ડેમો સુરતના કપડા ઉત્પાદક કારખાનેદારો સમક્ષ કરશે. સિટેક્ષ એક્ષ્પોમાં વિશ્વની સૌથી અદ્યતન ટેકનોલોજી ધરાવતી એરજેટ લૂમ્સ, વોટર જેટ લૂમ્સ, રેપીયર લૂમ્સ, ઈલેક્ટ્રોનિક જેકાર્ડ, ડોબી મશીન, વેલવેટ વિવિંગ મશીન, સકર્યુલર નીટિંગ, યાર્ન ડાઇંગ, વોર્પિંગ મશીન, ડિજીટલ પ્રિન્ટીંગ મશીનરી, વિવિધ પ્રિન્ટીંગ ઈન્ક, સ્યુઇંગ મશીન, હીટ ટ્રાન્સફર મશીન, હોટ ફિકસ મશીન, ટીએફઓ તેમજ ખૂબ મોટી સંખ્યામાં મશીનરી તથા એસેસરીઝ ખૂબજ લાંબા સમય પછી પ્રત્યક્ષરૂપે પ્રદર્શિત કરવામાં આવશે.
Reported on 6/01/2022
સુરતમાં કાલથી સિટેક્ષ એક્ષ્પો ચાલુ રહેશે, જાહેર જનતાને નો એન્ટ્રી
સમગ્ર ગુજરાતમાં વધી રહેલા કોરોના કેસોને કારણે ગુજરાત સરકારે આગામી સપ્તાહે યોજાઇ રહેલા વાઇબ્રન્ટ ગુજરાત સમીટ સમેતના કાર્યક્રમો રદ કરી દેવાની જાહેરાત કરી છે જ્યારે સુરતમાં આવતીકાલ તા.8મી જાન્યુઆરીથી ત્રણ દિવસ માટે યોજાનારા સિટેક્ષ (ટેક્ષટાઇલ મશીનરી) એક્ષ્પોને ખાસ કેસમાં યોજવા માટે પરવાનગી આપવામાં આવી છે. સિટેક્ષ એક્ષ્પોમાં સામાન્ય લોકો માટે નો-એન્ટ્રી કરી દેવામાં આવી છે. ફક્ત બીટુબી એટલે કે બિઝનેસ ટુ બિઝનેસ સ્તરે આ એક્ષ્પો યોજાશે અને તેમાં પણ કોવીડ-19 નિયંત્રણ માટેની તમામ ગાઇડલાઇન્સનું પાલન કરવાની શરતે મંજૂરી આપવામાં આવી છે.
સુરતમાં વિકસેલા ટેક્ષટાઇલ ઉદ્યોગમાં મશીનરી અપગ્રેડેશન અને મોર્ડનાઇઝેશન માટે અત્યંત જરૂરી એવા સિટેક્ષ એક્ષ્પોની 6ઠ્ઠી આવૃતિનું આયોજન આગામી તા.8થી 10 જાન્યુઆરી દરમિયાન સરસાણા સ્થિત કન્વેન્શન સેન્ટર ખાતે કરવામાં આવ્યું છે. આજે જ્યારે ગુજરાત સરકારે પોતાના જ તમામ જાહેર કાર્યક્રમો રદ કરી દીધા હતા ત્યારે ચેમ્બર ઓફ કોમર્સના સિટેક્ષ એક્ષ્પોના આયોજન સામે પણ પ્રશ્ન ચિન્હો લાગી ગયા હતા. પરંતુ, ચેમ્બર ઓફ કોમર્સના પ્રેસિડેન્ટ આશિષ ગુજરાતીએ કલેક્ટરનો સંપર્ક કરીને સિટેક્ષ એક્ષ્પો એ સામાન્ય લોકો માટે ન હોવા ઉપરાંત સરસાણા કન્વેન્શન સેન્ટરમાં ફક્ત એક તૃતયાંશ ક્ષમતાથી જ એક્ષ્પોનું આયોજન કરવામાં આવ્યું હોવાની વિગતો અને પ્રેઝન્ટેશન દર્શાવ્યું હતું.
ચેમ્બર ઓફ કોમર્સને સિટેક્ષ એક્ષ્પોનું આયોજન કેટલીક શરતોને આધિન જારી રાખવા માટે જિલ્લા વહીવટીતંત્રે લીલીઝંડી આપી છે. જેમાં (1) સામાન્ય લોકો માટે આ એક્ષ્પોમાં નો એન્ટ્રી (2) ફક્ત બીટુબી એટલે કે જે લોકો કારખાનેદારો છે, મશીન ખરીદવાની ઇચ્છા ધરાવે છે તેવા ધંધાર્થીઓને જ સિટેક્ષમાં એન્ટ્રી આપવામાં આવશે. (3) દરેક મુલાકાતીઓનું સ્ક્રીનીંગ કરવામાં આવશે અને ફુલ્લી વેક્સીનેટેડ હોય તેવા લોકોને જ એન્ટ્રી આપવામાં આવશે. મુલાકાતી સાથે અન્ય કોઇપણ ફેમિલી મેમ્બર કે બાળક હોય તો કોઇપણ સંજોગોમાં સિટેક્ષમાં એન્ટ્રી આપવામાં આવશે નહીં (4) સિટેક્ષમાં જુદાજુદા સ્ટોલ્સ પર મશીનરી જોવા ફરનારા લોકોએ ફરજિયાત માસ્ક પહેરી રાખવું પડશે. (5) એક્ઝિબિટર્સ તથા તેમના સ્ટાફે પણ ફરજિયાત માસ્ક પહેરી રાખવું પડશે.
સુરત શહેરને દેશના સૌથી મોટા ટેક્ષટાઇલ મેન્યુફેક્ચરિંગ હબ તરીકેનો દરજ્જો મળી ચૂક્યો છે પરંતુ, હવે વિશ્વભરની નજરે સુરત વિશ્વનું સૌથી મહત્વનું અને મોટું કપડા ઉત્પાદન કરતું કેન્દ્ર બની ચૂક્યું છે અને તેના કારણે જ કપડા ઉત્પાદન માટે ટેક્ષટાઇલ મશીનરીઓ બનાવતી યુરોપની સવાસો વર્ષ જૂની કંપનીઓ સુરતમાં પોતાની ટેક્ષટાઇલ મશીનરીઓ વેચવા માટે આવી રહી છે.
આગામી તા.8, 9 અને 10 જાન્યુઆરીના રોજ સુરત શહેરમાં સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ કપડા ઉત્પાદન કરતા સુરતી કારખાનેદારો માટે સિટેક્ષ એક્ષ્પોનું આયોજન કરવા જઇ રહી છે. હાલમાં સમગ્ર ભારતમાં કપડા ઉત્પાદન અને મશીનરી ક્ષેત્રમાં સૌથી વધુ મોર્ડનાઇઝેશન સુરતના ટેક્ષટાઇલ ઉદ્યોગમાં થયું છે અને થઇ રહ્યું છે તેનો ઉલ્લેખ કરતા ચેમ્બર પ્રેસિડેન્ટ આશિષ ગુજરાતીએ જણાવ્યું હતું કે ટેક્ષટાઇલ મશીનરી ક્ષેત્રમાં સમગ્ર વિશ્વમાં જેનું નામ વિખ્યાત છે એવી યુરોપની સો સવાસો વર્ષ જૂની કંપનીઓ પહેલી વખત સુરત આવી રહી છે અને તેઓ સુરતના કપડા ઉત્પાદકો સમક્ષ પોતાની આધુનિક મશીનરીઓનું ડિસ્પ્લે કરશે.આશિષભાઇએ કહ્યું કે યુરોપની સ્ટૉબલી, ઇટીમા, ઇરો જેવી યુરોપની આવી કંપનીઓની મશીનરી કે જેને વિશ્વના ક્વોલિટી ફેબ્રિક ઉત્પાદકો ઉપયોગ કરે છે અને એક મશીનનું આયુષ્ય પચાસ વર્ષ જેટલું લાંબુ હોય છે એ કંપનીઓ પણ હવે સુરતમાં પોતાના મશીનનું ડિસ્પ્લે કરવા માટે આવશે.
એક કરોડથી નીચેની કિંમતમાં જેનું મશીન હોતું નથી
ટેક્ષટાઇલ ઉદ્યોગમાં કપડા ઉત્પાદન કરતા હાઇસ્પીડ અને આધુનિક મશીનોની ખોજ રોજેરોજ થઇ રહી છે, સુરતના સિટેક્ષ એક્ષ્પોમાં આવી રહેલી સ્ટૉબલી, ઇટીમા, ઇરો વગેરે જેવી કંપનીઓનું એક મશીન અંદાજે એક કરોડ જેટલી મોટી રકમનું હોય છે અને સુરતના ઉદ્યોગપતિઓ આ પ્રકારના મશીનો હાલમાં ધૂમ ખરીદી રહ્યા છે અને આગામી દિવસોમાં પણ સુરતમાં જંગી મૂડીરોકાણ અને આધુનિકરણ થવાનું છે એમ જણાવતા આશિષ ગુજરાતીએ કહ્યું કે આ મશીનોનું આયુષ્ય કમસે કમ પચાસ વર્ષ જેટલું લાંબું હોય છે અને તેના પણ વિશ્વભરમાં ડિમાન્ડ ધરાવતા ફેબ્રિક તૈયાર થતા હોય છે.
એક 90 વર્ષ પરંપરા કે જે અપ્રતિમ છે નિષ્પક્ષ નિષ્પક્ષ દરરોજ, વહેલી તકે, એક ગતિશીલ સંપાદકીય ટીમ અને ડિસ્ટ્રીબ્યુટર અને બિઝનેસ એસોસિએટ્સનું એક શક્તિશાળી નેટવર્ક, દરરોજ નવ દાયકા જૂની પરંપરા આપે છે. એવી પરંપરા કે જે વિચારો, માહિતી અને સીધા પત્રકારત્વના એક વિશિષ્ટ સંશ્લેષણ છે. દરેક વાર્તામાં અપ્રતિમ અધિકૃતતા અને તટસ્થતાનો સમાવેશ થાય છે, વાચકોને સૌથી વધુ જાણકાર અને વિશ્લેષણાત્મક સમાચાર કવરેજ સાથે સમર્થન આપવું.