CIA ALERT

સુરતીઓની દુનિયા Archives - Page 46 of 67 - CIA Live

June 8, 2019
cable_stayed_night-1280x853.jpg
1min3840

થોડા મહિના અગાઉ રાજ્યના મુખ્યમંત્રી વિજય રુપાણીએ લોકાર્પિત કરેલા ગુજરાતના રાજ્યના ઇકોનિક પ્રોજેક્ટ અને સૌપ્રથમ કેબલ બ્રિજના ડેકોરેશનમાં લગાવાયેલી લાઈટોની ચોરી થયાની વિગતોએ મનપાની મુશ્કેલી વધારી દીધી છે.

રાત્રીના સમયે બ્રિજને આકર્ષક બનાવતી લાઇટ્સનું આકર્ષણ હતું. છેલ્લા ઘણાં સમયથી કેટલાક સ્પોટ પર કલર બરાબર દેખાતા નહોતા.

અચાનક તે કેમ બરાબર નથી દેખાતું તેવું જાણવા મળતા કોર્પોરેશનના અધિકારીઓએ તેની તપાસ શરુ કરી હતી. જેમાં જાણવા મળ્યું હતું કે, બ્રિજની શોભા વધારવા નાખેલી મોંઘી લાઈટોની ચોરી થઈ જવાના કારણે લાઈટિંગ ઇફેક્ટ જોવા મળી ન હતી.

કેબલ સ્ટેઇડ બ્રિજની જે એલઈડી લાઈટો ચોરાઈ છે તેની કિંમત સાડા ચાર લાખ રુપિયા જેટલી થવા જાય છે. લાઈટોની ચોરી થઈ જતાં કોર્પોરેશનના સત્તાધીશો દ્વારા અડાજણ પોલીસ સ્ટેશનમાં અરજી કરવામાં આવી છે. આ મોંઘી લાઈટો ચોરી ન થઈ જાય તે માટે બ્રિજ બન્યો તે વખતે લોખંડની મજબૂત જાળીમાં તેને ફિટ કરવામાં આવ્યા હતા. જોકે, ચોર તે જાળીને પણ કાપીને લાઈટો કાઢી ગયા છે.

June 8, 2019
surat_fire.jpg
1min6770

22 જેટલા માસૂમોના પરિવારને અને સ્થાનિક લોકોએ યોગ્ય ન્યાય મળે તે માટે લોહીથી એક પત્ર લખ્યો શુક્રવારે કલેક્ટરને આવેદનપત્ર તરીકે આપ્યો હતો અને મુખ્ય પ્રધાનને પણ મોકલવામાં આવ્યો હતો.

લોકોની માગ હતી કે ગુનોગારોને કડકમાં કડક સજા થાય જેથી શહેરમાં ફરી આવી દુર્ઘટના ન બને અને સરકારી કર્મચારીને પોતાની ફરજનું પાલન કરે જેથી આવી ઘટનાઓ બનતી અટકે. મોટી સંખ્યામાં લોકો કલેકટર કચેરીએ હાજર રહ્યા હતા. મુખ્ય પ્રધાને શહેરી વિકાસ વિભાગના અગ્ર સચિવ પાસે તપાસ કરાવી ત્રણ દિવસમાં રિપોર્ટ આપવાના આદેશને લઈ સમગ્ર મામલે તપાસ કરી શહેરી વિભાગના અગ્ર સચિવે રિપોર્ટ સોંપી દીધો હતો. જવાબદાર કર્મચારીઓ મોટી વગ વાપરી છટકી જવાનો લોકોમાં ગણગણાટ શરૂ થતાં લોકોએ શુક્રવારે મોટી સંખ્યામાં એકઠાં થઈ પોતાના લોહીથી સહી કરી કલેકટરને આવેદનપત્ર આપવા કલેકટર કચેરીએ ગયા હતા.

જેમાં લોહીથી લખાયેલા પત્રમાં નાના કર્મચારીઓ સામે કામગીરી કરી મોટા માથાઓને બચાવવા બદલ તંત્રની ઝાટકણી કાઢી છે. આ પત્ર કલેક્ટર સહિત, મુખ્ય પ્રધાન, મુખ્યસચિવ અને પોલીસ કમિશનરને પણ આપવામાં આવ્યો હતો.

June 6, 2019
navsari_accident.jpg
1min5790

car

નવસારી હાઈવે પર ખારેલ નજીક કાર અને ટેમ્પો વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માત એટલો ગંભીર હતો કે કારમાં સવાર પાંચ લોકોના ઘટના સ્થળે જ મોત થઈ ગયા હતા. હાઈવે પર સર્જાયેલા અકસ્માતને કારણે કલાકો સુધી ટ્રાફિક જામ સર્જાયો હતો.

સુરતથી ઈન્ડિગો માઝા નંબર- GJ-5-CN-0289ની કાર સુરતથી મુંબઈ તરફ જઈ રહી હતી. ખારેલ નજીક કારના ડ્રાઈવરે કાબુ ગુમાવતા કાર ઉછળીને ડિવાઈડર કૂદી સામેના રોડ પર પહોંચી ગઈ અને સામેથી આવતા ટેમ્પો સાથે ધડાકા સાથે અથડાઈ હતી. અકસ્માત એટલો ગંભીર હતો કે કારના કૂચેકૂચા નીકળી ગયા તેમજ કારની અંદર રહેલા પાંચ યુવાનોના ઘટના સ્થળે જ મોત થયા હતા. કારની સ્થિતિ જોઈને જ તમે અંદાજો લાવી શકો છો કે કાર કેટલી સ્પીડમાં હશે.

અકસ્માત થતા આજુબાજુના લોકો દોડી આવ્યા અને કારમાં ફસાયેલા લોકોને બહાર કાઢવાનો પ્રયત્ન કર્યો. પ્રાથમિક માહિતી મુજબ મૃતકો સુરતના હોવાનું સામે આવી રહ્યું છે. મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ મોકલી દેવામાં આવ્યા છે. આ સાથે પોલીસે મૃતકોની ઓળખ મેળવવા માટેની કાર્યવાહી હાથ ધરી છે.

 

June 5, 2019
suratfire-1.jpg
1min368

સરથાણાના તક્ષશિલા આર્કેડમાં ભભૂકેલી આગમાં છાત્રો સહિત 22 વ્યકિતના થયેલા મૃત્યુના બનાવમાં સુરત મહાપાલિકાના કાર્યપાલક ઇજનેર, એકઝીકયુટીવ ઇજનેર, વીજકંપનીના નાયબ ઇજનેર અને બિલ્ડરની ધરપકડ કરવામાં આવી હતી.

હાલ સેન્ટ્રલ ઝોન ખાતે કાર્યપાલક ઇજનેર  તરીકે ફરજ બજાવતા અને આનંદ રો હાઉસ બંગલા નં.7માં રહેતાં પરાગ ડી. મુન્શી, અડાજણના આનંદ મહલ રોડ પર પવિત્રા રો હાઉસમાં રહેતાં અને રાંદેર ઝોનના એકઝીકયુટીવ ઇજનેર જયેશ રમણલાલ સોલંકી, વીજકંપનીના સરથાણા સબ ડિવીઝનના નાયબ ઇજનેર અને કાપોદ્રા ચાર રસ્તા પાસે જીઇબી કોલોનીમાં રહેતાં દીપક ઇશ્વરલાલ નાય અને  સરથાણાના નિર્મળનગરમાં રહેતા તક્ષશિલાના  બિલ્ડર રવિન્દ્ર ઘનશ્યામભાઇ કહારની ધરપકડ કરવામાં આવી હતી.

આ અંગેની માહિતી આપતા પોલીસ કમિશનર સતિષ શર્માએ જણાવ્યું હતું કે, બિલ્ડર રવિન્દ્ર કહારે જરૂરી ધારાધોરણ પ્રમાણે પરમીશનો મેળવી ન હતી અને તક્ષશિલા બિલ્ડીંગમાં ગેરકાયદે બાંધકામ કર્યુ હતું.

કાર્યપાલક ઇજનેર પરાગ મુન્શીએ બિનઅધિકૃત બાંધકામ નિયમિત કરવા માટે રજુ થયેલા પ્લાન  સ્થળ સ્થિતિ સાથે સુસંગત ન હોવા છતાં બહાલી આપી નીતિ નિયમો વિરૂધ્ધ ઇમ્પેકટ ફી મંજુર કરીને ગુનાઇત બેદરકારી દાખવી હતી. એકઝીકયુટીવ ઇજનેર જયેશ સોલંકીએ સ્થળ સ્થિતિની ચકાસણી કર્યા વગર સર્ટીફીકેટ ઓફ રેગ્યુલાઇઝેશન ઇસ્યુ કરીને ખોટી રીતે મંજુરી આપીને બેદરકારી દાખવી હતી. જયારે વીજકંપનીના સરથાણા સબ ડિવીઝનના નાયબ ઇજનેર દીપક નાયકે  ગ્રાહક તરફથી કરવામાં આવેલ વીજ વપરાશની માગણી સામે વપરાશની ચકાસણી, ગેરકાયદેસર વીજ કનેકશનની ચકાસણી અને આગ લાગ્યા પછી પણ લાંબા સમય સુધી વીજકનેકશન બંધ ન કરીને ફરજચુક  દાખવી હતી.આ રીતે ચારેયે ફરજચુક અને ગુનાઇત બેદરકારી દાખવી હોવાથી ધરપકડ કરવામાં આવી છે.

June 5, 2019
surat_police.jpg
1min4040

સુરતના ખટોદરા પોલીસ સ્ટેશનમાં આરોપીનાં મોત બાદ પોલીસબેડામાં ચકચાર મચી જવા પામી છે. કસ્ટોડિયલ ડેથનાં તમામ આઠ આરોપીઓ ફરાર થઈ ગયા હતા જેઓ હજુ સુધી પોલીસ પકડમાં આવી શક્યા નથી. તો આટલા દિવસો વીતી ગયા હોવા છતાં આરોપીઓની ધરપકડ ન થતાં લોકો આ મામલે પોલીસ પર સવાલો ઉઠાવી રહ્યા છે. તો કસ્ટોડિયલ ડેથ બાદ સુરત પોલીસ કમિશનરે તમામ પોલીસ સ્ટેશનો માટે એક મહત્ત્વનો નિર્ણય લીધો હતો.

કસ્ટોડિયલ ડેથ મામલે સુરતના પોલીસ કમિશનર સતીષ શર્માએ આદેશ કર્યો હતો કે, કોઈપણ પોલીસ સ્ટેશનમાં આરોપીઓની ધરપકડ વગર લોકઅપમાં નહીં રાખી શકવામાં આવે અને જો આરોપીને ધરપકડ વગર પોલીસ સ્ટેશનમાં રાખવામાં આવશે તો તે પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટરની કાર્યવાહી કરવામાં આવશે. આ ઉપરાંત સતીષ શર્માએ આદેશ કર્યો હતો કે, પોલીસ સ્ટેશનમાં એલઆઈબીના માણસો સિવાયના તમામ પોલીસ કર્મચારીઓ યુનિફોર્મમાં જ નોકરી કરશે. સાથે જ તમામ પોલીસ સ્ટેશનોમાં હવે પીઆઈ દ્વારા નોકરી વહેંચણી કરવામાં આવશે. સુરતના ખટોદરા પોલીસ સ્ટેશનમાં ઓમપ્રકાશ પાંડેના મોત બાદ પીઆઈ ખીલેરી સહિત તેના સ્ટાફના આઠ કર્મીઓ વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી તપાસ શરૂ કરાઈ છે.

May 29, 2019
vnsgu_logo.jpg
1min8340

ધો.12 સામાન્ય પ્રવાહ (કોમર્સ) પછી વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી સંચાલિત બી.કોમ. (બેચલર ઓફ કોમર્સ) , બી.બી.એ. (બેચલર ઓફ બિઝનેસ એડમિનિસ્ટ્રેશન, બી.સી.એ. (બેચલર ઓફ કમ્પ્યુટર એપ્લિકેશન) કોલેજોમાં પ્રવેશ માટે યુનિવર્સિટી દ્વારા ઓનલાઇન સેન્ટ્રલાઇઝ્ડ એડમિશન સિસ્ટમ લાગુ કરવામાં આવી છે.

કોઇપણ કોલેજમાં પ્રવેશ માટે પ્રવેશાર્થીઓએ યુનિવર્સિટીની વેબસાઇટ પરથી ઓનલાઇન રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે. રજિસ્ટ્રેશ  તા.3 જુન 2019થી 13 જુન 2019 સુધીમાં કરી શકાશે.

યુનિવર્સિટી તમામ પ્રવેશાર્થીઓનું મેરિટ લિસ્ટ તૈયાર કરીને કોલેજોને સુપરત કરશે. કોલેજોએ મેરિટ લિસ્ટ અનુસાર વિદ્યાર્થીઓને પ્રવેશ આપવાનો રહેશે.

વીર નર્મદ યુનિવર્સિટીની પ્રવેશ કાર્યવાહીની સઘળી માહિતી આ મુજબ છે.

 

M.Sc. Information Technology (M.Sc.I.T.)માં પ્રવેશ કાર્યવાહી અંગે

 

May 29, 2019
fire_safty.jpg
1min5210

સ્કુલ્સ અને ટ્યુશન ક્લાસમાં ફાયરસેફ્ટી માટે બેદરકારી દાખવાય છે, તેના સેંકડો પુરાવા મળ્યાં છે. હોસ્પિટલ્સ અને તે પણ શહેરની ટોચની હોસ્પિટલ્સ પણ આ દિશામાં સદંતર બેદરકાર જણાઈ છે. મંગળવારે 29 May 2019 પાલિકાએ આવી 40 ટોચની હોસ્પિટલ્સને એક અઠવાડિયાનું અલ્ટીમેટમ આપ્યુ છે. જો સપ્તાહમાં કોઈ દરકાર નહીં લેવાય તો પાણીનું કનેક્શન કાપી નાંખવા માટેની ચિમકી આપવામાં આવી છે.

ફાયર બ્રિગેડે કહ્યું હતું કે, શહેરની જાણીતી હોસ્પિટલ્સ જેમાં યુનિક હોસ્પિટલ, ટ્રાઈસ્ટાર હોસ્પિટલ, ગિરીશ ગ્રુપ હોસ્પિટલ, બી.ડી.મહેતા કાર્ડિયાક હોસ્પિટલ, બાપ્સ હોસ્પિટલ, આશુતોષ હોસ્પિટલ, યુનિક હોસ્પિટલ, આયુષ હોસ્પિટલ, નુપુર નર્સિંગ હોમ જેવી કુલ 40 હોસ્પિટલ્સને ગત એપ્રિલ મહિનામાં ફાયર સેફ્ટીની સુવિધા ઉભી કરવા માટે નોટિસ આપવામાં આવી હતી. છતાં આ હોસ્પિટલ્સ હજુ તેમાં આળસ દાખવી રહી છે. જોકે, હવે તેમની આળસને નહીં બક્ષવામાં આવે. તેમને એક અઠવાડિયાનો સમય આપ્યો છે. જો તેમાં ફાયર સેફ્ટીની સુવિધા ઉભી નહીં કરે તો આ તમામ 40 હોસ્પિટલ્સના પાણીના જોડાણ કાપી નાંખવામાં આવશે. તેવી આખરી મહેતલ આપવામાં આવી છે.

May 29, 2019
fire_safty-1.jpg
1min6050

સુરત અગ્નિકાંડ બાદ રાજ્ય સરકાર અને ફાયરબ્રિગેડ હરકતમાં આવતા રાજ્યમાં ફાયરસેફ્ટીના સાધનો ખરીદવા ખાનગી ટયૂશન સંસ્થાના માલિકો, ઑફિસોવાળા, શાળા સંચાલકો માટે પડાપડી કરી રહ્યાં છે. તો બીજી તરફ ફાયરસેફ્ટીના સાધનોનું વેચાણ કરતા ડિસ્ટ્રિબ્યુટર્સ બમણા ભાવે સાધનોનું વેચાણ કરી રહ્યાં છે. જેમાં ઓરિજનલ સાધનો સાથે ડુપ્લિકેટ ફાયરસેફ્ટીનો માલ વેચી બમણોે ફાયદો કરી રહ્યા છે. સરકાર દ્વારા કોઈ પગલાં ન ભરાતા ડિસ્ટ્રિબ્યુટર્સ પણ ફાયદો ઊઠાવી રહ્યાં છે.

સુરત અગ્નિકાંડ બાદ રાજ્ય સરકાર અને મહાનગરપાલિકા દ્વારા બહુમાળી ઈમારતો, સ્કૂલ, હોટલ, રેસ્ટોરન્ટ અને હૉસ્પિટલમાં ફાયરસેફ્ટીના નિયમોને લઈને કોઈપણ બાંધછોડ નહીં કરવામાં આવે તેવા કડક આદેશ આપવામાં આવ્યા છે. જેથી વિવિધ સંસ્થાના સંચાલકો ફાયરસેફ્ટીના સાધનો ખરીદવા માટે પડાપડી કરી રહ્યાં છે.

ફાયર સેફ્ટીના સાધનોના વેચાણમાં વધારો થતા તેના ભાવમાં પણ વધારો જોવા મળી રહ્યો છે. હોર્સ પાઈપ, મીટર, વાલ્વ સહિત સાધનોની માગ સૌથી વધુ ગુજરાતના મુખ્ય શહેરોમાં બહુમાળી ઈમારતોમાં ફાયરસેફ્ટીની સુવિધા પૂરતી નથી અને જે ચાલું છે તેમાંથી કેટલાક કામ નથી કરતા. સરકાર, મહાનગરપાલિકા અને ફાયર બ્રિગેડના કડક આદેશથી સંચાલકો ફાયરસેફ્ટીના નવા સાધનો ખરીદી રહ્યાં છે. જેમાં એક્સટિંગ્વિશર, હોર્સ પાઈપ, મીટર, વાલ્વ, હેવી ડેનસિટી સહિતના સાધનોની ડિમાન્ડ સૌધી વધુ છે.

ફાયરના સાધનોનું વેચાણ કરતા વેપારીઓનો ધંધો બમણો થઈ જતાં બેફામ ભાવ લેવામાં આવે છે. સાથે સાથે ગ્રાહકોને ડિસ્ટ્રિબ્યુટર્સ ડુપ્લિકેટ માલ પણ પધરાવી દેતા હોવાનું જાણવા મળ્યું હતું. એક ઈક્વિપમેન્ટનો ભાવ જો 1500 હોય તો સંચાલકોને તંત્ર અને સરકારનો ડર બતાવી તેને ડબલ એટલે કે 3000માં વેચી રહ્યાં છે. સુરત તક્ષશિલા અગ્નિકાંડની કરુણાંતિકા માત્ર ગુજરાત જ નહીં, પરંતુ દેશભરના લોકોને હચમચાવી દીધા હતા. આ ઘટનામાં 22 વહાલસોયાએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. ત્યારે રાજ્ય સરકાર અને મહાનગરપાલિકા દ્વારા બહુમાળી ઈમારતો, સ્કૂલ, હોટલ, રેસ્ટોરાં અને હૉસ્પિટલમાં ફાયરસેફ્ટીના નિયમોને લઈને કોઈપણ બાંધછોડ નહીં કરવામાં આવે તેવા કડક આદેશ આપવામાં આવ્યા હતા.

May 26, 2019
suratfire-1.jpg
1min2990

સુરતમાં આગ દુર્ઘટનામાં 22 વિદ્યાર્થીઓ માર્યા ગયા હતા તે સંબંધમાં નેશનલ હ્યુમન રાઈટ્સ કમિશન (એનએચઆરસી)એ ગુજરાત સરકારને નોટિસ મોકલી છે. એનએચઆરસીએ ‘સુઓ મોટો’ (આપમેળે) ઘટનાની નોંધ લીધી હતી. માનવ અધિકાર પંચે એક નિવેદનમાં કહ્યું કે, ‘વિદ્યાર્થીઓના માનવ અધિકારનું ગંભીર ઉલ્લંઘન થઈ રહ્યું છે તે જોતાં ગુજરાત સરકારના મુખ્ય સચિવને નોટિસ મોકલવામાં આવી છે. બિલ્ડિંગના માલિક અને અન્ય ગુનેગારો સામે નોંધવામાં આવેલી ફોજદારી કેસ સંબંધિત સરકારી કર્મચારીઓ સામે ભરવામાં આવેલા પગલાં વિગેરેનો અહેવાલ મગાવવામાં આવ્યો છે. બિલ્ડિંગની કાયદેસરતા, બાંધકામ, ફાયર ફાઈટિંગ માટેના સાધનો, ફાયર સેફટી માટેની મંજૂરી, શોકગ્રસ્ત પરિવારોને આપવામાં આવેલી રાહત વિગેરે વિગતો પણ મુખ્ય સચિવે આપવાની રહેશે.’

માનવ અધિકાર પંચે કહ્યું કે, ‘ઈજાગ્રસ્તોને સારામાં સારી નિ:શુલ્ક સારવાર મળવી જોઈએ.’ નોટિસનો જવાબ ચાર સપ્તાહમાં માગવામાં આવ્યો હતો.

પંચે અવલોકન કર્યું હતું કે, ‘મીડિયા અહેવાલોથી જાણવા મળે છે કે ભોગ બનેલાઓ માટે બહાર જવાનો સુરક્ષિત માર્ગ ન હતો. શોકગ્રસ્ત પરિવારોને ફક્ત વળતર ચૂકવવું આવા જોખમો સામેનો ઉકેલ બની શકે નહીં.’

May 26, 2019
Surat-funeral.jpg
1min4200

સુરતના સરથાણાના તક્ષશિલા આર્કેડમાં લાગેલી ભયાનક આગમાં માર્યા ગયેલા 19 બાળકોના મૃતદેહોને અગ્નિ સંસ્કાર અર્થે સુરતના અશ્ર્વિની કુમાર સ્મશાનગૃહમાં લાવવામાં આવ્યા હતા. મૃતક બાળકના પરિવારજનોની સાથે શહેરના અનેક લોકો પણ જોડાયા હતા. સામાન્ય લોકોની આંખમાં પણ ચોધાર આસુની સાથે જવાબદાર અધિકારીઓ અને ગેરકાયદેસર ચલતા ટ્યુશન કલાસીસના સંચાલકો સામે રોષ ફેલાયો હતો.

આજે 23માંથી 19 બાળકોની એક સાથે અર્થી ઉઠતાં સુરત હીબકે ચડ્યું હતું. સ્મશાન યાત્રા દરમિયાન સન્નાટો છવાઈ ગયો હતો. સૌ કોઈના ચહેરા ગમગીન જોવા મળ્યા હતાં. આખું સુરત મૃતકોના પરિવારજનોની પડખે ઊભું રહ્યું હતું. આખી રાત સુરતીઓ પરિવારજનોને હુંફ આપવા માટે ખડેપગે રહ્યાં હતાં. આજે શનિવારે વહેલી સવારે જ્યારે હોસ્પિટલમાંથી બાળકોના મૃતદેહ ઘરે લાવવામાં આવ્યા ત્યારે પણ પરિવારજનોના આક્રંદની સાથે આકાશ પણ રડી રહ્યું હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા. મૃતક બાળકોના પરિવારજનો અર્ધબેભાન સ્થિતિમાં પોતાના હોશ ગુમાવી બેઠા હતા, ત્યારે સુરતીઓએ પણ દિલ પર પથ્થર મુકીને બાળકોની અર્થી તૈયાર કરવામાં મદદ કરી હતી.

સુરતના સરથાણા વિસ્તારના તક્ષશિલા આર્કેડની આગમાં 21 માસૂમ જિંદગીઓનો અકાળે અંત આવ્યો તેના માટે ખરેખર કોણ જવાબદાર તેવો પ્રશ્ર્ન સામાન્ય નાગરિકો પૂછી રહ્યા છે. ભયાનક આગથી બચવા વિદ્યાર્થી અને વિદ્યાર્થિનીઓ ઉપરથી કૂદી પડ્યા. કેટલાક તેમાં જીવતા ભૂંજાઈ ગયા તેમ છતાં નઘરોળતંત્રની કુંભકર્ણ નિદ્રા નહિ ઊડે તે હકીકત છે. સરકારે તપાસની જાહેરાત કરી. અગ્રસચિવ, ચીફ ફાયર ઓફિસર અને જાડી ચામડીના રાજકારણીઓએ ઘટનાસ્થળની મુલાકાત લીધી. એએમસીના તેમ જ ફાયરબ્રિગેડના અધિકારીને જવાબદાર ગણી સસ્પેન્ડ કરી સરકારી તંત્ર કામ કર્યાની જાહેરાત કરશે, પરંતુ હકીકત એ છે કે આવી ઘટનાઓ માટે જવાબદાર મોટાં માથાઓને છાવરવાની બદલે શું તેમને કઠેડામાં ઊભા કરી કડક સજા કરવાની હિંમત સરકારમાં છે ખરી? થોડા સમય પહેલાં જ સુરતના જ કોચિંગ કલાસમાં આગ લાગી હતી જેમાં એક શિક્ષક અને વિદ્યાર્થીનું મોત થયું હતું. આ ઘટના બાદ સુરતના તમામ કોચિંગ કલાસીસનું ચેકિંગ તેમ જ ફાયરસેફટીનો મુદ્દો ગરમાયો હતો. એક તારણ પ્રમાણે કોચિંગ કલાસ ફક્ત ગ્રાઉન્ડ ફલોર પર રાખવાનું સૂચન થયું હતું, જેથી તાકીદની પળોમાં જાનમાલનું નુકસાન ન થાય, પરંતુ થોડા સમય બાદ આ તમામ વાતો અને કાર્યવાહી ફકત હવામાં જ રહી ગઈ, પેપરવર્ક પણ થયું નહિ.

સુરતનું તક્ષશિલા આર્કેડ આવું જ ગેરકાયદે હતું. અહીં ચોથે માળે બનાવેલા ડોમની હાઈટ ફક્ત છ ફૂટ જ હતી, આટલું જ નહિ ત્રીજા અને ચોથા માળે જવા માટેનાં પગથિયાં ફાયબર અને લાકડાના હતાં જે આગ ફેલાવવામાં કારણભૂત બન્યા અને વિદ્યાર્થીઓ માટે કાળ. હોલની સીલિંગ થર્મોકોલથી ડેકોરેટ કરાયેલી હતી, તો બેસવા માટે ગાદલા અને તેની ઉપર ટાયર મૂકવામાં આવ્યા હતાં. આગ લાગતા ટાયર સળગ્યાં અને તેમાંથી ગંધક નીકળતાં વિદ્યાર્થીઓના શ્ર્વાસમાં જતાં તેઓ ગૂંગળાઈ મર્યા. આ બિલ્ડિંગને મંજૂર કરાવવા અહીંના એક વગદાર અને રાજકારણીએ બિલ્ડર સાથે મિલીભગત કરી 2011માં ઈમ્પેક્ટ ફી હેઠળ વરાછા ઝોનમાં મંજૂરી માટે પ્લાન મૂકયો હતો. એ સમયના અધિકારીઓ, વગદાર વ્યક્તિ અને પાલિકાના એન્જિનિયરની મિલીભગતને કારણે ગ્રાઉન્ડ પ્લસ બેને ઈમ્પેક્ટ ફીમાં મંજૂરી મળી, ત્યાર બાદ ત્રીજો અને ચોથો માળ ગેરકાયદે બન્યા, તેમ છતાં પાલિકા, ફાયરબ્રિગેડ અને અહીંના સ્થાનિક રાજકારણીઓની ઊંઘ ઊડી નહોતી. એવું કહેવાય છે કે વરાછા ઝોનમાં 70 ટકાથી વધુ બાંધકામને પરવાનગી મળી નથી.

એક મહિના પહેલાં જ ફાયરબ્રિગેડ વિભાગ દ્વારા તક્ષશિલા આર્કેડમાં ફાયર સેફટીના મુદ્દે નોટિસ આપી હતી. પાલિકાના ભ્રષ્ટ તંત્રએ પણ ત્રીજા અને ચોથા માળની તપાસ કરી પોતાના ખિસ્સાં ભર્યાં હોવાનો સ્થાનિકો આક્ષેપ કરી રહ્યા છે.

ફાયરબ્રિગેડને આગની જાણ કરાઈ, ત્યાર બાદ આવવામાં ઘણો વિલંબ થયો અને આવ્યા ત્યારે ફકત દોઢ માળ સુધી પહોંચે તે લેડરનું હાઈડ્રોલિક જ ચાલુ થયું નહિ. આ ઉપરાંત ફાયરબ્રિગેડ વિભાગ ઉપરથી કૂદતા વિદ્યાર્થીઓને ઝીલનારી સેફટી નેટ જ લાવવાનું ભૂલી ગયા. આમ ફાયરબ્રિગેડની અક્ષમ્ય ભૂલને કારણે જાનહાનિનો આંક વધી ગયો. એએમસી પાસે 10 માળ સુધી પહોંચે તેવી હાઈડ્રોલિક લેડર છે, પરંતુ તે મુખ્યાલયમાં હોવાને કારણે અહીં સુધી ટ્રાફિકમાં લાવી શકાય તે શક્ય જ નહોતું. કટોકટીની પળોમાં માનવ-જાનમાલને બચાવવા જે આયોજન જોઈએ તેનો અહીં સદંતર અભાવ હતો.

તક્ષશિલા આર્કેડને અડીને આવેલા વીજળીના થાંભલામાં શોર્ટસર્કિટ થઈ અને જોતજોતામાં થાંભલા પર લગાડેલું જાઈન્ટ હોર્ડિંગ તેની ઝપેટમાં આવી ગયું જે બિલ્ડિંગ પર પડતાં ત્રીજા અને ચોથા માળના ફાયબરના અને લાકડાના પગથિયાં તેની ઝપટમાં આવતાં જ વિદ્યાર્થીઓ માટે કાળ પુરવાર થયું. આ ઉપરાંત બીજા માળની મીઠાઈની દુકાનનું એસી ફાટતાં તેના કોમ્પ્રેશરની હવાને કારણે આગ વધુ ઝડપથી ફેલાઈ તેમ જ થર્મોકોલની સીલિંગ અને બળતા ટાયરના ગંધકથી વિદ્યાર્થીઓ ગૂંગળાઈ મર્યા. હવે જોવાનું એ છે કે શું આ કરુણ ઘટના માનવીય સંવેદનાને ઝંઝોડી નીંભર તંત્રને હકીકતમાં સેફટીના પગલાં ભરવાની બુદ્ધિ આપશે? કે પછી બે દિવસ મીડિયામાં હાઈલાઈટ્સ બની આ સમાચાર ફરી આવી ઘટના બને ત્યાં સુધી કચરાની ટોપલીમાં જતા રહેશે.