CIA ALERT

સૌરાષ્ટ્ર Archives - CIA Live

May 31, 2024
kanji_bhalala_cialive.jpg
1min89

વરાછા કો-ઓપરેટિવ બેંકના બોર્ડ ઓફ મેનેજમેન્ટના ચેરમેન સહકારી અગ્રણી શ્રી કાનજીભાઈ આર. ભાલાળાને રૂપિયા ૧૧ લાખના પુરસ્કાર સાથે ઇફકો સહકારિતા-બંધુ એવોર્ડ એનાયત થયો છે. 

તારીખ ૩૦-૦૫-૨૦૨૪ના રોજ દિલ્હી ખાતે મળેલ ઇફકોની ૫૩મી વાર્ષિક સાધારણ સભામાં  દેશભરમાંથી  આવેલ ડેલિગેટ્સની ઉપસ્થિતિમાં શ્રી કાનજીભાઈ ભાલાળાને સહકારી ક્ષેત્રે નોંધનીય  કાર્ય બદલ સન્માનિત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે ઇફકોના ચેરમેન શ્રી દિલીપભાઈ સંઘાણીએ  જણાવ્યું હતું કે કાનજીભાઈ ભાલાળાએ આર્થિક જાગૃતિ અને સહકારી સંસ્થાઓના વિકાસ માટે નિષ્ઠાથી નોંધનીય કાર્ય કર્યું છે. તેથી ઇફકો તરફથી આ સન્માન આપતા અમો ગૌરવ અનુભવીએ છીએ. વિશ્વની સૌથી મોટી ખાતર ઉત્પાદક સહકારી સંસ્થા ઇન્ડિયન ફાર્મર્સ ફર્ટીલાઇઝર કો. ઓપરેટિવ ઇફકો તરફથી દર વર્ષે સહકારી પ્રવૃત્તિના વિકાસ માટે પાયાનું નોંધનીય પ્રદાન કર્યું હોય તેવા વ્યક્તિને ઇફકો સહકારિતા-બંધુ એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવે છે.

સહકારી ક્ષેત્રની ટોચની સંસ્થા ઇફકો તરફથી રાષ્ટ્રમાં સહકારી પ્રવૃત્તિનું જતન થાય અને છેવાડાના માણસને સહકારી પ્રવૃત્તિ સાથે જોડવા માટે વધુ નોંધનીય કામગીરી કરનારને પ્રોત્સાહન મળે તેવા હેતુથી ઇફકો સહકારીતા બંધુ એવોર્ડ અને ઇફકો સહકારિતા રત્ન એવોર્ડ એનાયત કરવામાં આવે છે. તેમાં વર્ષ ૨૦૨૨-૨૩ માટેના ઇફકો સહકારિતા-બંધુ એવોર્ડ માટે ગુજરાતના સહકારી અગ્રણી અને સામાજિક કાર્યકર એવા શ્રી કાનજીભાઈ આર. ભાલાળાની પસંદગી કરવામાં આવી છે. જ્યારે સહકારિતા રત્ન એવોર્ડ યુ.પી. સરકારમાં સહકારી મંત્રી શ્રી જે. પી. એસ. રાઠોડ ને આપવામાં આવેલ છે.

         ૧૯૯૫માં વરાછા કો-ઓપરેટીવ બેંકનાં સ્થાપના કાળથી એમ.ડી., ચેરમેન અને બોર્ડ ઓફ મેનેજમેન્ટના ચેરમેન તરીકે સતત નેતૃત્વ કરી વરાછા બેંકના ઝડપી અને નક્કર વિકાસમાં નોંધનીય કાર્ય કર્યુ છે. ૧૯૯૨માં આરાધના અર્બન કો.ઓપરેટીવ સોસાયટીના સ્થાપક પ્રમુખ તરીકે સહકારી પ્રવૃત્તિ શરૂ કરનાર શ્રી કાનજીભાઈ ભાલાળા આજે નેશનલ ફેડરેશન ઓફ અર્બન કો-ઓપ. બેંક્સ અને ક્રેડિટ સોસાયટી લિ. (NAFCUB), ન્યુ દિલ્હીના ડિરેક્ટર તરીકે કાર્યરત છે. દક્ષિણ ગુજરાતની સહકારી સંસ્થાઓ સાથે તેઓ જોડાયેલા છે. સાઉથ ગુજરાત અર્બન કો-ઓપ. બેંક્સ એસોસિએશનના ઉપપ્રમુખ તથા ગુજરાત રાજ્ય કો.ઓ.વર્કસ ફેડરેશનના ડિરેક્ટર તરીકે પણ સેવા આપી રહ્યા છે. સુરત જિલ્લા સહકારી સંઘમાં નિષ્ણાંત ફેકલ્ટી તરીકે તાલીમ વર્ગો માટે સેવા પણ આપી છે.

         શ્રી સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ સુરતની સમૂહ લગ્ન પ્રવૃત્તિમાં સ્વયંસેવક તરીકેની શરૂઆતથી આજે સંસ્થાના પ્રમુખ તરીકે ફરજ બજાવી રહ્યા છે. સુરત ઉપરાંત સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં સામાજિક જાગૃતિનું  નેત્ર દિપક કાર્ય કરી રહ્યા છે. કુદરતી કે માનવસર્જિત આફતોમાં કામ કરતી એક પાંખ સિવિલ ડિફેન્સ સુરતના ચીફ વોર્ડન છે. તેમાં તેમની દીર્ઘકાલીન સેવાને ધ્યાનમાં લઇ ૨૦૨૧માં રાષ્ટ્રપતિ ચંદ્રક પ્રાપ્ત થયો છે. ૧૯૯૩માં કારગિલ યુદ્ધ સમયથી જય જવાન નાગરિક સમિતિ સુરત શહીદ જવાનોના પરિવારોને સન્માન સાથે આર્થિક સહાય અર્પણ કરે છે. આ સંસ્થાની સ્થાપના કાળથી ટ્રસ્ટી તરીકે ભૂમિકા નિભાવે છે.

         મૂળ સૌરાષ્ટ્ર અમરેલીના બળેલ પીપરીયા ગામના વતની અને ૧૯૭૯ થી સુરતને કર્મભૂમિ   બનાવનાર શ્રી કાનજીભાઈ ભાલાળાએ ધોરણ-૧૦ પછીનું શિક્ષણ સુરતમાંથી મેળવ્યું છે. એમ.કોમ., એલ.એલ.બી કરી ઇન્કમટેક્ષ પ્રેક્ટિસનર તરીકે વ્યવસાય શરૂ કર્યાની સાથે શિક્ષણ અને સામાજિક પ્રવૃત્તિઓમાં પણ સક્રિય કામગીરી કરતા રહ્યા છે. અભ્યાસમાં ડિપ્લોમા ઇન જર્નાલિઝમ કર્યું હતું. રીયલ ટીવી ચેનલના ન્યુઝ એડિટર તરીકે પણ કાર્ય કર્યું છે. આજે ૬૨ વર્ષની ઉંમરે પણ તેઓ  ભણી રહ્યા છે.  એમ.એ. વીથ પોલિટિકલ સાયન્સની પદવી મેળવી છે અને હાલ એમ.એ. વીથ ઇકોનોમિક્સમાં અભ્યાસ કરી રહ્યા છે. સુરતમાં આવેલી આપત્તિ-દુર્ઘટના સમયે લોકોના જાન-માલના રક્ષણ માટે જાગૃતિ અને  સેવાના કાર્ય માટે અગ્રેસર રહ્યા છે.

         કોરોના મહામારીના લોકડાઉન ના સમયે સહકારી સંસ્થાઓ અને ગુજરાત સરકારે સાથે મળી  આત્મનિર્ભર ગુજરાત સહાય યોજના શરૂ કરવામાં આવી હતી. રૂપિયા ૨૫૦૦ કરોડનું ધિરાણ  ખૂબ નાના વ્યક્તિઓને વગર વ્યાજે આપવામાં આવ્યું હતું. આ યોજના તૈયાર કરવામાં શ્રી કાનજીભાઈ આર. ભાલાળાએ મહત્વપૂર્ણ કામગીરી કરી હતી. વડાપ્રધાન વીમા યોજનાઓમાં વરાછા બેંકના બે લાખથી વધુ ખાતેદારોને જોડવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં ૧૨૧૩ ખાતેદારોના અવસાન થતાં તેમના પરિવારોને રૂપિયા ૨૪.૨૬ કરોડની સહાય વડાપ્રધાન વીમા યોજનામાંથી અપાવવામાં આવી છે. વરાછા કો.ઓ. બેન્ક તેમના સભાસદો, ખાતેદારો અને થાપણદારોને અકસ્માત વીમા કવચ પણ પૂરું પાડે છે.

           છેવાડાના નાના માણસો સહકારી પ્રવૃત્તિઓના લાભ લે તથા નાણાકીય જાગૃતિ માટે  છેલ્લા ૩૫ વર્ષના સતત પ્રયાસો અને સફળતા તથા સહકારી ક્ષેત્રને નેતૃત્વ પૂરું પાડવા બદલ ઇફકો તરફથી શ્રી કાનજીભાઈ આર. ભાલાળાને રૂપિયા ૧૧ લાખના પુરસ્કાર સાથે સન્માન મળે છે. ૧૯૯૩થી ઇફકો તરફથી દર વર્ષે એક એવોર્ડ પુરા દેશમાંથી કોઈ એક ને આપવામાં આવે છે. ગુજરાતમાંથી ઇફકો સહકારીતા-બંધુ એવોર્ડ મેળવનાર શ્રી કાનજીભાઈ ભાલાળા બીજા ગુજરાતી છે.

ધી વરાછા કો.ઓ. બેન્ક તથા શ્રી સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ સુરત તથા જય જવાન નાગરિક સમિતિ સુરત અને અનેકવિધ સંસ્થા તરફથી શ્રી કાનજીભાઈ ભાલાળાને સગૌરવ અભિનંદન પાઠવવામાં આવ્યા છે.

May 23, 2024
kiran-hospital.png
1min89

કિરણ હોસ્પિટલ સીનીયર સીટીઝન હેલ્થ કેર યોજના અંતર્ગત ભારત વડીલ વંદના-૨ કાર્યક્રમ  ૨૬ મે ૨૦૨૪ ના રોજ સાંજે ૩:00 કલાકે સ્થળ: કન્વેન્સન સેન્ટર સરસાણા ખાતે ૧૫ હજારની સીટીંગ વ્યવસ્થા સાથેના વિશાળ એસી ડોમમાં વડીલોના વંદન, સંગીત અને ભોજન સાથેનો ભવ્ય કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. 

     કિરણ હોસ્પિટલના ચેરમેન પદ્મશ્રી મથુરભાઈ સવાણીએ વધુમાં જણાવતા કહ્યું કે શહેરના વિકાસમાં સીનીયર સીટીઝનો નો મહત્વનો રોલ હોય છે તેથી વિકસિત દેશોમાં સીનીયર સીટીઝનો ને વિશેષ સુવિધાઓ અને આદર આપવામાં આવે છે. આપણા દેશમા આપણા સંસ્કાર અને સંસ્કૃતિ મુજબ વડીલોનું વિશેષ સ્થાન રહ્યું છે, પરંતુ સુવિધાઓ પૂરી પાડવામાં આપણે હજુ ઉણા ઉતરીએ છીએ. તેથી અમોએ કિરણ હોસ્પિટલ સીનીયર સીટીઝન હેલ્થકેર યોજના બનાવીને તે યોજના થકી સીનીયર સીટીઝનો ને હોસ્પિટલ તેમજ ઘર બેઠા આરોગ્ય સારવાર આપવા માટે અનેક સુવિધાઓ ઉભી કરવામાં આવી છે. સીનીયર સીટીઝનો ને વિશેષ સુવિધાઓ આપવા માટે સીનીયર સીટીઝન કંટ્રોલ રૂમ પણ ઉભું કરવામાં આવ્યું છે.

     કિરણ હોસ્પિટલ સીનીયર સીટીઝન હેલ્થ કેર યોજનામા વિવિધ રાજ્યમાંથી આવીને સુરતમાં સ્થાયી થયેલા એવા ૧૫ હજાર સીનીયર સીટીઝનો મેમ્બર બન્યા છે. વિવિધ રાજ્યમાંથી આવેલા અને સુરતમાં સ્થાયી થયેલા એવા અમારા ૧૫ હજાર મેમ્બરો આ યોજના થી ખુબજ ખુશ છે.  દેશ વિદેશમાં રહેતા સીનીયર સીટીઝનના સંતાનો પણ અમને ખુશીના મેસેજ કરે છે અને તેઓ ખુશી વ્યક્ત કરે છે કે અમારા માત પિતાને અચાનક હોસ્પિટલની જરૂર પડે તેવા સમયે કિરણ હોસ્પિટલ તેમની સાથે છે તેથી અમારા માત-પિતાની બીમારી સમયે અમને ખાસ ચિંતા રહેતી નથી.  કિરણ હોસ્પિટલની પાછલા ૭ વર્ષમાં દેશ વિદેશના ૨૭ લાખથી વધારે લોકોએ સેવા લીધી છે.

     સુરતમાં રહેતા દરેક રાજ્યના લોકો કિરણ હોસ્પિટલ સીનીયર સીટીઝન હેલ્થકેર યોજના ના મેમ્બર બન્યા હોવાથી કાર્યક્રમ નું નામ “ભારત વડીલ વંદના” રાખવામા આવ્યું છે.  કાર્યક્રમમાં દરેક વડીલોનું પૂજન અને સ્વાગત કરવામાં આવશે, તથા વડીલો ભોજન સાથે સંગીત કાર્યક્રમ માણશે. આ ઉપરાંત જે માતાએ પોતાના સંતાનો ને કીડની, લીવર વગેરે અંગ આપીને પોતાના સંતાનને નવું જીવન આપ્યું છે તેવી માતાઓનું વિશેષ સન્માન કરવામાં આવશે.

March 18, 2024
WhatsApp-Image-2024-03-17-at-20.07.22-1280x853.jpeg
1min380

  • સુરત ડાયમંડ એસોસીએશન સંચાલિત RTSV હોસ્પિટલનો દશાબ્દી મહોત્સવ શાનદાર રીતે સંપન્ન
  • કિરણ-2 હોસ્પિટલ માટે દાતાઓએ મન મૂકીનો દાનનો ધોધ વહાવ્યો
  • ગુજરાતમાં સૌથી વધુ રાહત દરે તબીબી સેવા ઉપલબ્ધ કરાવવાની નેમ સાથે કિરણ-2 હોસ્પિટલને ઝડપભેર વિકસાવવાનો નિર્ધાર કરાયો

સુરત
સુરત ડાયમંડ એસોસીએશનની આરોગ્ય સમિતિ સંચાલિત આર.ટી.એસ.વી. ડાયમંડ હોસ્પિટલનો દશાબ્દી મહોત્સવ આજે રવિવારની સંધ્યાએ શાનદાર રીતે સંપન્ન થયો છે. હકડેઠઠ માનવ મેદની આ સમારોહમાં ઉમટી પડી હતી. ડાયમંડ હોસ્પિટલના આરંભથી જ દર્દીઓનો અત્યંત રાહતદરે તબીબી સેવાઓ પૂરી પાડવાનું શરૂ કરાયું હતું, આ પ્રકારે ગુજરાતમાં સૌથી વધુ રાહતદરે તબીબી સેવાઓ ઉપલબ્ધ કરાવવાની નેમ સાથે સંસ્થાની સૂચિત કિરણ-2 હોસ્પિટલને ઝડપભેર વિકસાવવાનો મક્કમ નિર્ધાર ડાયમંડ હોસ્પિટલના દશાબ્દી મહોત્સવમાં જાહેર મંચ પરથી વ્યક્ત કરવામાં આવ્યો હતો.
આજે ડાયમંડ હોસ્પિટલના દશાબ્દી મહોત્સવ પ્રસંગે ડાયમંડ હોસ્પિટલમાં જ જન્મ લેનારી 400 દિકરીઓના પરિવારજનોને રૂ.1-1 લાખની કિંમતના બોન્ડ મહાનુભાવોના હસ્તે એનાયત કરવામાં આવ્યા હતા.

ડાયમંડ હોસ્પિટલના દશાબ્દી મહોત્સવના સમારોહમાં મહાનુભાવો ઉપસ્થિત થાય ત્યાં સુધીમાં કિરણ-2 હોસ્પિટલ માટે લાખો રૂપિયાનું નવું દાન દાતાઓએ મન મૂકીને જાહેર કર્યું હતું. દાતાઓએ કિરણ-2 હોસ્પિટલના નિર્માણમાં મન મૂકીને દાન આપવાની જાહેરાત કરી હતી. સમારોહમાં નવું દાન આપનારા દાતાઓનું જાહેર અભિવાદન કરવામાં આવ્યું હતું.
બરાબર સાંજે સાતના ટકોરે સમારોહના અધ્યક્ષ એવા કેન્દ્ર સરકારના આરોગ્ય મંત્રી શ્રીમનસુખભાઇ માંડવીયા, રાજ્યસભાના સભ્ય શ્રી ગોવિંદભાઇ ધોળકીયા, ગુજરાતના શિક્ષણ મંત્રી શ્રી પ્રફુલભાઇ પાનશેરીયા, ભાજપાના પૂર્વ પ્રદેશ પ્રમુખ શ્રી જીતુભાઇ વાઘાણી, મેયર શ્રી દક્ષેશ માવાણી સહિતના આગેવાનોનું આગમન મંચ પર થયું હતું.

કેન્દ્રના આરોગ્ય મંત્રી ડો.મનસુખભાઇ માંડવીયાએ રાહતદરે તબીબી સેવા પૂરી પાડવી અને દિકરીઓના જન્મ માટે એક પણ રૂપિયો ચાર્જ નહીં લેવાની ડાયમંડ હોસ્પિટલની બાબતોને બિરદાવતા જણાવ્યું હતું કે આ પ્રકારની સેવાના ભેખધારી સંસ્થાઓની સમાજને તાતી જરૂરીયાત છે. તેમણે કિરણ-2 હોસ્પિટલ માટે શુભેચ્છાઓ પાઠવી હતી.
સમારોહને સંબોધતા શ્રી મનસુખભાઇ માંડવીયાએ કહ્યું કે 200 કરોડથી વધુની રાહત ડાયમંડ હોસ્પિટલ દ્વારા સામાન્ય મધ્યમવર્ગના લોકોને આપવામાં આવી એ બહુ મોટી વાત છે. સુરતની ધરતી નોખી ધરતી છે, આ કર્ણની ધરતી છે, આ ધરતી પર પૂણ્ય અને સેવા આ ધરતીની વિશેષતા છે. 25 વર્ષનો જાહેર જીવનનો અનુભવે છે, કદાચ સૌરાષ્ટ્રમાં ક્યારેય પૂર્ણ્ય દાન ન કર્યું હોય પરંતુ, સુરતની ધરતી પર આવી ગયા અને મંચ પર બેઠા એટલે દાન કરવાનું શરૂ કરી દે છે. પૂણ્ય દાન કરવું બીજાનો સહયોગ કરવો એ ભારતીય પરંપરા, ભારતીય સંસ્કૃતિ, જીવન શૈલીનો ભાગ છે. જરૂરીયાતમંદ લોકોને સહયોગ કરવો એ આપણા સંસ્કાર છે. તેમણે અમેરીકા અને ભારતના તબીબી ખર્ચના ઉદાહરણો રજૂ કર્યા હતા. તેમણે કહ્યું કે સુરતમાં 30 ચેરીટી હોસ્પિટલો છે, જેમાં 50 ટકા જેટલું કામ રાહત દરે કરવામાં આવે છે. અહીં સ્વાસ્થ્ય એ સેવા છે, ધંધો નથી. સંસ્કારએ ભારતની સભ્યતા છે. કોવીડ આવ્યો ત્યારે આખી દુનિયા સાથે વાતો થતી, દરેક દિવસે દુનિયા પૂછતી કે ભારતમાં કેવું છે, ભારતમાં ડોક્ટરો હોસ્પિટલમાં આવે છે, દુનિયામાં ડોક્ટરો અને નર્સો રજા પર હતા, આપણા દેશમાં કોવીડમાં રોગીઓની સેવા કરતા કેટલાય ડોક્ટરો પોતાના પ્રાણના ભોગે ફરજ બજાવતા રહ્યા. તેમણે સંસ્થાને 600 બેડની હોસ્પિટલ કરો એવી હાકલ સાથે કહ્યું કે આટલા બેડ થશે તો 50 સીટની મેડીકલ કોલેજને મંજૂરી આપવામાં આવશે. સી.પી.ભાઇ, દિનેશભાઇ નાવડીયા સહિત ડાયમંડ હોસ્પિટલ સાથે સંકળાયેલા, પ્રત્યક્ષ અપ્રત્યક્ષ સાથ સહકાર આપનારા તમામને અભિનંદન આપતા મનસુખભાઇ માંડવીયાએ પોતાનું વક્તવ્ય પૂર્ણ કર્યું હતું.

સુરત ડાયમંડ એસોસીએશન સંચાલિત આર.ટી.એસ.વી. ડાયમંડ હોસ્પિટલના દશાબ્દી મહોત્સવનું આયોજન જ્યાં કરવામાં આવ્યું હતું એ કિરણ-2 હોસ્પિટલ જ્યાં નિર્માણ પામવાની છે એ લોકશન (ગ્રાઉન્ડ) પર આજે દશાબ્દી મહોત્સવમાં હકડેઠઠ માનવ મેદની ઉમટી પડી હતી. સાંજે 5 કલાકથી જ લોકોનું ગ્રાઉન્ડ પર આગમન શરૂ થઇ ચૂક્યું હતું. મહાનુભાવોની પણ એન્ટ્રી એક પછી એક શરૂ થઇ હતી અને જોતજોતામાં પ્રેક્ષાગાર અને મંચ બન્નેની તમામ બેઠકો ફુલ થઇ ગઇ હતી.
સમારોહના આરંભે ડાયમંડ હોસ્પિટલના ચેરમેન સી.પી.વાનાણીએ મહાનુભાવોનું સ્વાગત કરતા ડાયમંડ હોસ્પિટલની અત્યાર સુધીની કામગીરીનો ચિતાર આપ્યો હતો. એવી જ રીતે સંસ્થાના ઉપપ્રમુખ કેશુભાઇ ગોટીએ 10 વર્ષમાં ડાયમંડ હોસ્પિટલે કેટલી રકમની રાહત આપી તેનો વિગતવાર ચિતાર આપ્યો હતો.

આ પ્રસંગે ડાયમંડ હોસ્પિટલને દાન આપનારા દાતાશ્રીઓ, જુદાજુદા કાર્યોમાં સહકાર આપનારા આગેવાનો તેમજ ડાયમંડ હોસ્પિટલમાં પોતાની સેવા આપી રહેલા તબીબોનું સન્માન કરવામાં આવ્યું હતું.

છેલ્લા 10 વર્ષમાં ડાયમંડ હોસ્પિટલમાં જન્મેલી દિકરીઓની દર વર્ષની નામાવલી અનુસાર મહાનુભાવોના હસ્તે લકી ડ્રો કરવામાં આવ્યો હતો. અને 2014થી 2023 સુધીના વર્ષમાં પ્રત્યેક વર્ષની એક દિકરીની ચીઠ્ઠી ઉપાડીને ઇનામી ડ્રો કરવામાં આવ્યો હતો.

March 15, 2024
cia_multi-1280x1045.jpg
1min333

  • ડાયમંડ હોસ્પિટલમાં જન્મલેનાર 400 દિકરીઓને રૂ.1-1 લાખના બોન્ડ પ્રમાણપત્રો એનાયત કરાશે
  • ડાયમંડ હોસ્પિટલ દ્વારા કમસેકમ રૂ.250 કરોડની રકમની રાહત દર્દીઓને તેમના મેડીકલ બિલમાં કરાવી આપવામાં આવી
  • છેલ્લામાં 10 વર્ષમાં 11.64 લાખ દર્દીઓને તબીબી સેવાઓ પૂરી પાડવામાં આવી
  • ડાયમંડ હોસ્પિટલમાં જન્મલેનાર 2000થી વધુ દિકરીઓને રૂ.1-1 લાખના બોન્ડ સુપરત કરવામાં આવ્યા છે.

તા.22મી ફેબ્રુઆરી 2014ના રોજ જેની સ્થાપના થઇ હતી એ સુરત ડાયમંડ હોસ્પિટલ આરોગ્ય સમિતિ સંચાલિત RTSV ડાયમંડ હોસ્પિટલે સફળતાપૂર્વક 10 વર્ષ પૂર્ણ કર્યા છે. દશાબ્દી વર્ષની પૂર્ણાહૂતિના વિરલ પ્રસંગે ડાયમંડ હોસ્પિટલની તબીબી અને આરોગ્યલક્ષી સેવાઓને વધુ લોકાભિમુખ બનાવવાની નેમ સાથે દશાબ્દી મહોત્સવને ભવ્યાતિભવ્ય રીતે ઉજવવાનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે.

વધુ માહિતી આપતા ડાયમંડ હોસ્પિટલના ચેરમેન શ્રી સી.પી.વાનાણી તેમજ સેક્રેટરીશ્રી દિનેશ નાવડીયાએ પત્રકાર પરીષદને સંબોધતા જણાવ્યું છે કે દશાબ્દી મહોત્સવનું આયોજન તા.17મી માર્ચને રવિવારે સાંજે 5.30 કલાકે કિરણ હોસ્પિટલ-2 ગ્રાઉન્ડ, લેક ગાર્ડન પાસે, ડિજિટલ વેલી, મોટા વરાછા મેઇનરોડ ખાતે કરવામાં આવ્યું છે. ડાયમંડ હોસ્પિટલના દશાબ્દી મહોત્સવમાં કમસેકમ 5000થી વધુ લોકોને આમંત્રિત કરવામાં આવ્યા છે.

છેલ્લા 10 વર્ષમાં 11 લાખ 64 હજારથી વધુ દર્દીઓને ડાયમંડ હોસ્પિટલે જરૂરી જરૂરી તબીબી સેવા પૂરી પાડી છે. 26,556 ગર્ભવતી મહિલાઓની ડિલિવરી અત્યંત રાહત દરે કરી આપવામાં આવી છે. જુદાજુદા સમાજના લોકોને અંદાજે રૂ.250 કરોડથી પણ વધુ રકમની રાહત તબીબી સેવા, સુવિધાઓમાં કરી આપવામાં આવી છે. ડાયમંડ હોસ્પિટલમાં જન્મ લેનાર 2000 દિકરીઓને રૂ.1 લાખના બોન્ડ એનાયત કરવામાં આવ્યા છે.

શ્રી સી.પી.વાનાણી અને શ્રી દિનેશ નાવડીયાએ જણાવ્યું કે અમને આનંદ છે કે દશાબ્દી મહોત્સવની ઉજવણી પ્રસંગે વધુ 400 દિકરીઓને 1-1 લાખના બોન્ડ વિતરણ કરવામાં આવશે. આગામી દિવસોમાં મોટા વરાછા વિસ્તાર ખાતે રત્નકલાકાર તેમજ દરેક સમાજના જરૂરીયાત મંદ પરીવારોને પરવડે તેવી સુરત મહાનગરપાલિકા અને ગુજરાત સરકારના ભૂમિદાનથી નામકરણના મુખ્યદાતા કિરણ જેમ્સના વલ્લભભાઇ લાખાણી પરિવાર તથા ટ્રસ્ટી દાતાશ્રીઓના સહયોગથી રૂ.425 કરોડના ખર્ચે 450 બેડની કિરણ હોસ્પિટલ-2 અને નર્સિંગ કોલેજનું નિર્માણ કાર્ય ધમધમતું કરકી દેવાનું આયોજન છે.

આ પ્રસંગે કેન્દ્ર સરકારના આરોગ્ય મંત્રી ડો. મનસુખભાઇ માંડવીયા સમારોહના અધ્યક્ષ તરીકે જ્યારે કિરણ જેમ્સના ચેરમેન શ્રી વલ્લભભાઇ એસ. લાખાણી, રાજ્યસભાના નવનિર્વાચીત સદસ્ય શ્રી ગોવિંદભાઇ ધોળકીયા અને આલિધ્રા ગ્રુપના  શ્રી હંસરાજભાઇ ગોંડલિયા ઉદઘાટક તરીકે ઉપસ્થિત રહેશે. ડાયમંડ હોસ્પિટલના દશાબ્દી મહોત્સવમાં કેન્દ્ર સરકારના મંત્રી શ્રી પુરુષોત્તમભાઇ રુપાલા, ગુજરાત ભાજપ પ્રમુખ શ્રી સી.આર. પાટીલ, સુરતના સાંસદ અને કેન્દ્ર સરકારના મંત્રી શ્રીમતી દર્શના જરદોષ, રાજ્યના નાણાં મંત્રી શ્રી કનુભાઇ દેસાઈ, ગૃહરાજ્યમંત્રી શ્રી હર્ષ સંઘવી, રાજ્યના મંત્રી શ્રી મુકેશભાઇ પટેલ, શ્રી પ્રફુલ્લભાઇ પાનસેરીયા, મેયર સુરત શ્રી દક્ષેશભાઇ માવાણી અને સાંસદ બારડોલી શ્રી પ્રભુભાઇ વસાવા વિશેષ ઉપસ્થિત રહેશે.

November 27, 2023
weather-forecast.jpg
1min434

રાજ્યભરમાં કમોસમી માવઠાએ જોર પકડ્યું છે, મોટાભાગના જિલ્લાઓ વરસાદ સાથે અસહ્ય ઠંડીનો પણ સામનો કરી રહ્યા છે, તો ઘણા જિલ્લાઓમાં ખેતરોમાં પાણી ભરાઈ જવાના કારણે ખેડૂતોના પાકને પણ ભારે નુકસાન થયું હોવાના અહેવાલો મળી રહ્યા છે, ત્યારે રાજ્યમાં સવારે 6.00 વાગ્યાથી સાંજે 4.00 વાગ્યા સુધીમાં કુલ 220 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. બનાસકાંઠાના ભાભર તાલુકામાં 2 ઈંચ વરસાદ, તો રાજ્યના 8 જિલ્લાઓમાં દોઢ ઈંચ, 17 તાલુકાઓમાં 1 ઈંચ, જ્યારે 65 તાલુકાઓમાં અડધો ઈંચ વરસાદ નોંધાયો છે.

March 25, 2023
private-university.jpg
1min336

Jayesh Brahmbhatt 98253 44944

રાજ્ય સરકારે ગુજરાતમાં પાંચ નવી ખાનગી યુનિવર્સિટીઓને મંજૂરી આપી છે અને ગુજરાત યુનિવર્સિટી (સુધારા) બિલ, 2023 આગામી થોડા દિવસોમાં રાજ્ય વિધાનસભાના ચાલુ બજેટ સત્રમાં રજૂ કરવામાં આવશે. આ યુનિવર્સિટીઓ સાથે રાજ્યમાં ખાનગી યુનિવર્સિટીઓની કુલ સંખ્યા 108 થશે. હવે પ્રાઇવેટ યુનિવર્સિટીઓની સંખ્યા 108 થઇ કેટલીક પ્રાઇવેટ યુનિવર્સિટીઓ એવી છે કે જ્યાં કોલેજો કરતા ઓછા વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે

  • 1. અમદાવાદમાં ચીમનભાઈ પટેલ ઈન્સ્ટિટ્યૂટ કેમ્પસમાં સરદાર વલ્લભભાઈ પટેલ ગ્લોબલ યુનિવર્સિટી
  • 2. અમદાવાદના સાણંદમાં કે.એન. યુનિવર્સિટી
  • 3. સૌરાષ્ટ્રમાં ભાવનગર ખાતે જ્ઞાનમંજરી ઈનોવેટિવ યુનિવર્સિટી
  • 4. વડોદરામાં સિગ્મા યુનિવર્સિટી
  • 5. દક્ષિણ ગુજરાતમાં વાપીમાં રજ્જુ શ્રોફ રોફેલ યુનિવર્સિટી

રાજ્ય સરકારની મંજૂરી પામનારી નવી પ્રાઇવેટ યુનિવર્સિટીઓમાં બે યુનિવર્સિટી અમદાવાદમાં છે. જેમાં એક અમદાવાદમાં ચીમનભાઈ પટેલ ઈન્સ્ટિટ્યૂટ કેમ્પસમાં સરદાર વલ્લભભાઈ પટેલ ગ્લોબલ યુનિવર્સિટી અને બીજી અમદાવાદના સાણંદમાં કે.એન. યુનિવર્સિટીનો સમાવેશ થાય છે. સૌરાષ્ટ્રમાં ભાવનગર ખાતે જ્ઞાનમંજરી ઈનોવેટિવ યુનિવર્સિટીનો દરજ્જો આપવામાં આવ્યો છે. મધ્ય ગુજરાતમાં વડોદરામાં સિગ્મા યુનિવર્સિટી અને દક્ષિણ ગુજરાતમાં વાપીમાં રજ્જુ શ્રોફ રોફેલ યુનિવર્સિટીને રાજ્ય સરકારે મંજૂરી આપી છે.

નવી યુનિવર્સિટીઓનું ઇન્સ્પેકશન, વેરિફિકેશન સહિતની પ્રક્રિયાઓ દરમિયાન સરકારી કમિટીએ એવું નોંધ્યું કે પાંચેય સ્થળો પર તમામ જરૂરિયાતો પૂર્ણ કરવામાં આવી છે આથી તેમને રાજ્ય સરકાર દ્વારા મંજૂરી આપવામાં આવી છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર વિવિધ સંસ્થાઓ અને કોલેજોમાંથી 11 વધુ અરજીઓ છે જે યુનિવર્સિટીનો દરજ્જો ઇચ્છે છે. સૂત્રોએ જણાવ્યું કે સરકાર આવતા વર્ષે પણ આ અરજીઓને મંજૂરી આપી શકે છે. સૂત્રોએ જણાવ્યું હતું કે ગુજરાત યુનિવર્સિટી જેવી મોટી યુનિવર્સિટી સાથે સંલગ્ન ગ્રાન્ટ-ઇન-એઇડ અને ખાનગી કોલેજો આ નવી યુનિવર્સિટીઓ સાથે જોડાણ લે તેવી શક્યતા છે.

February 15, 2023
bhavnath-mahdev-view.jpg
1min218

15/02/23: આજથી જૂનાગઢ ખાતે પ્રસિદ્ધ મહાશિવરાત્રીના મેળનો પ્રારંભ થશે. જૂનાગઢમાં દર વર્ષે મહા વદ નોમથી તેરસ સુધી આ મેળાનું આયોજન કરવામાં આવે છે.  તંત્ર દ્વારા આ માટે તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે. આ મેળા માટે મુખ્યત્વે જવાબદારી હોય તે જ અધિકારી રજા પર ઉતર્યા છે. જુનાગઢ કલેક્ટર રચિત રાજ મેળા પ્રારંભ પૂર્વે જ રજા પર ઉતરતા મેળાના સંચાલનનો સમગ્ર ચાર્ટ ડીડીઓ મીરાંત પરીખના શિરે આવ્યો છે. 

લાખો ભાવિકોના આગમન અને ભજન ભોજન ભક્તિના ત્રિવેણી સંગમ ગણાતા મહાશિવરાત્રીનો મેળો વિધિવત રીતે પ્રારંભ થશે. જેમાં ભવનાથ મહાદેવના મંદિરની ધજારોહણ સાથે મેળો શરુ કરવામાં આવશે. આ માટેની પૂર્વ તૈયારીઓના ભાગરૂપે ભવનાથ તળેટીમાં સાધુ સંતોનું આગમન થઇ ગયું છે. આગામી 4 દિવસ સુધી ચાલનારા મેળામાં લાખો ભક્તો ઉમટશે. ભવનાથ મંદિરે ધ્વજારોહણ બાદ વિધિવત રીતે મેળાનો પ્રારંભ થશે. આ ઉપરાંત મંદિર બાદ ત્રણ અખાડામાં ધ્વજારોહણ થશે. ભવનાથમાં પરંપરાગત રવેડી બાદ સાધુ-સંતોના મૃગીકુંડમાં સ્નાન બાદ મહાશિવરાત્રિ મેળો પૂર્ણ થશે. મહાશિવરાત્રીના કારણે સોમનાથ મંદિર સહિત સમગ્ર સોરઠ પંથકમાં ભક્તિભાવ વાતાવરણ બની રહેશે.

શ્રદ્ધાળુઓને મહાશિવરાત્રીના મેળામાં જુદા-જુદા સ્થળોએથી આવવા માટે 173 મોટી બસ દડોવાશે. આ ઉપરાંત મેળામાં જવા માટે 56 મીની બસ સેવા પણ પ્રારંભ કરવામાં આવી હતી. બસ સેવાનો પ્રારંભ મેયર ગીતાબેન પરમાર અને ધારાસભ્ય સંજયભાઈ કોરડીયા દ્વારા કરવામાં આવ્યો હતો.

ગિરનાર નેચર સફારી રહેશે બંધ

મહાશિવરાત્રીના મેળા દરમિયાન નેચર સફારી રહેશે બંધ. આગામી પાંચ દિવસ સુધી ગિરનાર સફારી બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. વન વિભાગ સ્ટાફ મેળામાં વ્યસ્ત હોવાથી આ નિર્ણય લેવામાં આવ્યો હતો. 

November 9, 2022
election_coverage-1280x1047.jpg
3min324

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં આમ તો ભાજપ,કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચેનો ત્રિપાંખિયો જંગ નિશ્ચિત છે.પરંતુ આ ત્રણ નેશનલ પાર્ટી ઉપરાંત પણ અનેક સ્ટેટલેવલના અને સ્થાનિક પક્ષો પણ ચૂંટણીમાં ઝંપલાવતા પ્રથમ તબક્કાની ૮૯ બેઠકો માટેની ચૂંટણીમાં તમામ પક્ષો -અપક્ષો મળીને કુલ ૩૯ રાજકીય પક્ષોના ઉમેદવારો છે.૩૯ પક્ષોના કુલ ૭૮૮ ઉમેદવારોમાં ૭૦ મહિલા ઉમેદવારો છે. જ્યારે કુલ ઉમેદવારોમાં ૩૩૯ અપક્ષ ઉમેદવારો છે.

ચૂંટણી પંચ દ્વારા આજે પ્રથમ તબક્કાની ૮૯ બેઠકો માટેની ચૂંટણી માટે વિવિધ પક્ષો-ઉમેદવારોની વિગતો જાહેર કરી છે.જેમાં વિવિધ રાજકીય પક્ષોની યાદી પણ જાહેર કરવામા આવી છે.ભારતીય જનતા પક્ષ-ભાજપ ઉપરાંત પાર્ટીમાં ભારતીય નામના ઉલ્લેખ સાથે અન્ય પાંચ પક્ષો પણ છે. ગુજરાતની વિધાનસભા ચૂંટણીના ઈતિહાસમાં સામ્યવાદી પક્ષનો એક જ ઉમેદવાર (સ્વ.બટુક વોરા) જીત્યા છે. પરંતુ દરેક ચૂંટણી પક્ષની માફક સામ્યવાદી પક્ષના ચાર ફિરકા મેદાનમાં છે.તેઓએ ૧૦ ઉમેદવાર ઉભા રાખ્યા છે. પ્રથમ તબક્કાની ચૂંટણીમાં નેશનલ,સ્ટેલ લેવલ અને લોકલ પાર્ટી સહિતની ૩૯ રાજકીય પાર્ટીઓ છે.જેમાં ભાજપ,કોંગ્રેસ, આપ,બીએસપી, સીપીઆઈ, સીપીઆઈ-એમ, એઆઈએમઆઈએમ, સહિતના પક્ષો છે જ્યારે અન્ય સ્થાનિક પક્ષો છે.

ભાજપ,કોંગ્રેસ અને આપ પાર્ટી બાદ સૌથી વધુ ૫૭ ઉમેદવારો બીએસપી દ્વારા અને ૧૪ ઉમેદવારો ભારતીય ટ્રાયબલ પાર્ટી દ્વારા ઉભા રાખવામા આવ્યા છે.જ્યારે અન્ય પક્ષો દ્વારા ૧૦ ઓછા અને ઘણા પક્ષોએ તો માંડ એકથીત્રણ ઉમેદવાર જ ઉબા રાખ્યા છે. કુલ પક્ષોમાં ઈન્ડિપેન્ડન્ટ તરીકે ૩૩૯ ઉમેદવારો છે.જેમાં ૩૫ મહિલાઓ છે અને ૩૦૪ પુરુષો છે.મહત્વનું છે કે પ્રથમ તબક્કામાં ભાજપના ૮૯ ઉમેદવારોમાં ૯ મહિલા ઉમેદવાર અને કોંગ્રેસના ૮૯ ઉમેદવારોમાં છ મહિલા ઉમેદવારો તેમજ આપના ૮૮ ઉમેદવારોમા પાંચ મહિલા ઉમેદવારો છે. મહત્વનું છે કે ગત ૨૦૧૭ની વિધાનસભાની ચૂંટણીમાં બંને તબક્કામાં કુલ મળીને ૬૫ રાજકીય પક્ષો હતા અને ગત ચૂંટમીમાં જે કેટલાક પક્ષો હતા તે હવે આ વખતે ચૂંટણીમાં મેદાનમાં નથી. ગત ચૂંટણીમાં કુલ ૧૮૨ બેઠકો સામે જ્યાં ૧૮૨૮ ઉમેદવારો હતા ત્યારે આ વખતે પ્રથમ તબક્કામાં ૮૯ બેઠકો સામે ૭૮૮ ઉમેદવારો મુજબ પ્રતિ બેઠકે સરેરાશ ૯થી ઓછા ઉમેદવારો લડી રહ્યા છે.

10/11/22: ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે BJPના ઉમેદવારોની પહેલી યાદી : વાંચો અહીં

ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોની પહેલી સત્તાવાર યાદી આજે તા.10મી નવેમ્બરે સવારે જાહેર કરવામાં આવી હતી. આ ઉમેદવારોની ઉમેદવારીપત્રક ભરવા માટે જણાવી દેવામાં આવ્યું છે.

૧ અબડાસા – પ્રધુમનસિંહ જાડેજા
૨ માંડવી – અનીરૂધ્ધ દવે
૩ ભૂજ – કેશુભાઈ પટેલ
૪ અંજાર – ત્રિકમ છાંગા (માસ્તર)
૫ ગાંધીધામ – માલતી મહેશ્વરી
૬ રાપર – વિરેન્દ્રસિંહ જાડેજા

૨૨ વિસનગર – ઋષિકેશ પટેલ
૨૯ ખેડબ્રહ્મા અશ્વીન કોટવાલ
૩૬ ગાંધીનગર દક્ષિણ – અલ્પેશ ઠાકોર
૩૯ વિરમગામ – હાર્દીક પટેલ

૬૦ દસાડા- પી.કે. પરમાર
૬૧ લીંબડી- કિરીટસિંહ રાણા (રિપિટ)
૬૨ વઢવાણ- જિજ્ઞા પંડ્યા
૬૩ ચોટીલા – શામજી ચૌહાણ
૬૪ ધાંગધ્રા- પ્રકાશ વરમોરા

૬૫ મોરબી- કાંતિ અમૃતિયા
૬૬ ટંકારા – દુર્લભજી
૬૭ વાંકાનેર – જીતુ સોમાણી

૬૮ રાજકોટ પુર્વ ઉદય કાનગડ
૬૯ રાજકોટ પશ્ચીમ ડો. દર્શીતા શાહ
૭૦ રાજકોટ દક્ષિણ – રમેશ ટિલાળા
૭૧ રાજકોટ ગ્રામ્ય – ભાનુંબેન બાબરીયા

૭૩ ગોંડલ- ગીતાબા જાડેજા (રિપિટ)
૭૪ જેતપુર – જયેશ રાદડીયા

૭૬ કાલાવાડ – મેઘજી ચાવડા
૭૭ જામનગર ગ્રામ્ય – રાઘવજી પટેલ

૭૯ જામનગર દક્ષિણ – રીવાબા જાડેજા
૮૦ જામજોધપુરથી ચિમન સાપરિયા

૮૩ પોરબંદર – બાબુ બોખરીયા
૮૬ જુનાગઢ – સંજય કોરડીયા
૮૭ વિસાવદર – હર્ષદ રિબડીયા

૯૦ સોમનાથ – માનસીંહ પરમાર
૯૨ કોડીનાર – ડો. પ્રધુમન વાજા

૯૪ ધારી- જે વી કાકડીયા
૯૫ અમરેલી- કૌશિક વેકરીયા
૯૭ સાવરકુંડલા – મહેશ કશવાલા
૯૮ રાજુલા – હિરા સોલંકી

૧૦૬ ગઢડા- શંભુનાથ મહારાજ (Ex.MP)

૧૫૦ જંબુસર – ડી કે સ્વામી
૧૫૧ વાગરા – અરુણસિંહ રાણા
૧૫૨ ઝઘડિયા – રિતેશ વસાવા
૧૫૩ ભરૂચ – રમેશ મિસ્ત્રી
૧૫૪ અંકલેશ્વર ઇશ્વર પટેલ

૧૫૯ સુરત ઇસ્ટ – અરવિંદ રાણા
૧૬૦ સુરત નોર્થ – કાંતિ બલ્લર
૧૬૧ વરાછા રોડ – કિશોર કાનાણી
૧૬૨ કારંજ – પ્રવીણ ગોધારી
૧૬૩ લિંબાયત – સંગીતા પાટીલ
૧૬૪ ઉધના – મનુભાઈ પટેલ
૧૬૫ મજુરા – હર્ષ સંઘવી
૧૬૬ કતારગામ – વીનું ભાઈ મોરડીયા
૧૬૭ સુરત વેસ્ટ – પુર્ણેશ મોદી

૧૬૯ બારડોલી- ઇશ્વર પરમાર રિપિટ

૧૭૪ જલાલપોર – આર.સી. પટેલ
૧૭૫ નવસારી – રાકેશ દેસાઈ

૧૭૯ વલસાડ – ભરત પટેલ રીપીટ
૧૮૦ પારડી – કનુ દેસાઈ રીપીટ
૧૮૧ કપરાડા – જિતુ ચૌધરી રીપીટ

9/11/22: BJP દ્વારા આજથી સુરતની ટેક્ષટાઇલ માર્કેટોમાં અગ્રેસર ગુજરાત કેમ્પેન

ગુજરાત ભાજપ દ્વારા અગ્રેસર ગુજરાત કાર્યક્રમ લોન્ચ કરાયો છે. આ કાર્યક્રમ હેઠળ 2022ની ચૂંટણીનું સંકલ્પ પત્ર રજૂ કરતા પહેલા લોકોના વિચારો જાણવામાં આવશે. આવતી કાલે ટેકસટાઇલ માર્કેટમાં Date 9/11/22 કેમ્પઇન શરૂ કરવામાં આવશે.

આ અંગે સુરત ભાજપ દ્વારા એક પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ભાજપના નેતાઓએ જણાવ્યું હતું કે, 2022ની ચૂંટણીનું સંકલ્પ પત્ર રજૂ કરતા પહેલા લોકોના વિચારો જાણવા આ કાર્યક્રમ છે. ગુજરાતની જનતાના સપનાનું ગુજરાત બનાવવાનો પ્રયાસ છે. લોકો દ્વારા મળેલા સૂચનોને સંકલ્પ પત્રમાં સમાવીશું.

અગ્રેસર ગુજરાતની વેબસાઈટ અને મોબાઈલ નંબર પર પોતાનો અભિપ્રાય અને સૂચન આપી શકે છે. જ્યાં લોકોની અવરજવર વધારે હોય તેવી જગ્યાએ આ સુચનપેટીઓ મુકાશે તે સૂચન પણ ધ્યાનમાં લેવામાં આવશે. સુરતની દરેક વિધાનસભા દીઠ 50 જેટલી સૂચન પેટીઓ મુકવામાં આવશે. જેમાંથી ગુજરાતના નાગરિકોના અભિપ્રાય, તેમના સૂચનો, તેમની લાગણીઓ જાણવામાં આવશે. આ કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રી નરેન્દ્રનાથ પાંડે સુરત આવી રહ્યા છે તેઓ પણ જોડાશે. ભાજપના નેતા ગિરિરાજ સિંહ પણ સુરત આવશે તે સચિન વિસ્તારમાં આ કેમ્પઇનમાં ભાગ લેશે.

November 7, 2022
supreme.jpg
1min297

આર્થિક રીતે નબળા વર્ગ (EWS) માટે 10% અનામતની સિસ્ટમ પર સુપ્રીમ કોર્ટ પોતાનો ચુકાદો આપ્યો છે. સુપ્રીમ કોર્ટે આર્થિક રીતે નબળા વર્ગને અનામત આપવાની તરફેણ કરી છે. આ દરમિયાન જસ્ટિસ મહેશ્વરીએ કહ્યું કે, આર્થિક આરક્ષણ બંધારણના મૂળભૂત માળખાની વિરુદ્ધ નથી. જસ્ટિસ બેલા એમ ત્રિવેદી, જસ્ટિસ મહેશ્વરીએ EWSને યોગ્ય ગણાવ્યુ છે. આ બંનેએ 2019ના સુધારાની તરફેણ કરી છે. જસ્ટિસ પારડીવાલાએ પણ તેની તરફેણ કરી છે.

EWS ક્વોટાની માન્યતાને પડકારતી 30થી વધુ અરજીઓની સુનાવણી બાદ કોર્ટે 27 સપ્ટેમ્બરે પોતાનો ચુકાદો અનામત રાખ્યો હતો. મુખ્ય ન્યાયાધીશ યુયુ લલિતની આગેવાની હેઠળની પાંચ સભ્યોની બંધારણીય બેંચ આ મામલે પોતાનો ચુકાદો સંભળાવ્યો છે. જેમાં 3 જજે આ અનામતની તરફેણ કરી છે જ્યારે બે જસ્ટિસ રવીન્દ્ર ભટ અને ચીફ જસ્ટિસ લલિત અનામતના વિરોધમાં ગયા છે. 

જસ્ટિસ બેલા એમ. ત્રિવેદીએ કહ્યું હતું કે, મારો નિર્ણય જસ્ટિસ મહેશ્વરીના અભિપ્રાય સાથે સહમત છે. તેમણે કહ્યું કે EWS ક્વોટા માન્ય અને બંધારણીય છે. 5 જજોની બંધારણીય બેન્ચમાં જસ્ટિસ એસ. રવીન્દ્ર ભટ અને જસ્ટિસ યુયુ લલિત આ અનામતની વિરોધમાં ગયા હતા. ચીફ જસ્ટિસ લલીતે આ બાબતને ગેરબંધારણીય ઠેરવી છે.  ભટે કહ્યું કે, આ કાયદો ભેદભાવથી ભરેલો છે અને બંધારણની મૂળ ભાવના વિરુદ્ધ છે. તમને જણાવી દઈએ કે, બંધારણના 103મા સુધારા દ્વારા, EWS અનામત અંગેનો કાયદો 2019માં સંસદમાંથી પસાર કરવામાં આવ્યો હતો. આ નિર્ણયને અનેક અરજીઓ દ્વારા સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવ્યો હતો જેના પર લાંબી સુનાવણી બાદ કોર્ટે આજે પોતાનો ચુકાદો આપ્યો છે.

સર્વોચ્ચ અદાલતે તત્કાલિન એટર્ની જનરલ કેકે વેણુગોપાલ અને સોલિસિટર જનરલ તુષાર મહેતા સહિત વરિષ્ઠ વકીલોની દલીલો સાંભળ્યા બાદ 27 સપ્ટેમ્બરે કાયદાકીય પ્રશ્ન પર પોતાનો ચુકાદો અનામત રાખ્યો હતો કે, શું EWS અનામત બંધારણના મૂળભૂત માળખાનું ઉલ્લંઘન કરે છે. શિક્ષણવિદ મોહન ગોપાલે 13 સપ્ટેમ્બરના રોજ બેંચ સમક્ષ આ મામલે દલીલ કરી હતી અને EWS ક્વોટા સુધારાનો વિરોધ કર્યો હતો.

બેંચમાં જસ્ટિસ દિનેશ મહેશ્વરી, જસ્ટિસ એસ રવિન્દ્ર ભટ, જસ્ટિસ બેલા એમ ત્રિવેદી અને જસ્ટિસ જેબી પારડીવાલા પણ સામેલ હતા. તમિલનાડુ તરફથી હાજર રહેલા વરિષ્ઠ વકીલ શેખર નાફડેએ EWS ક્વોટાનો વિરોધ કરતા કહ્યું હતું કે, આર્થિક માપદંડ વર્ગીકરણ માટેનો આધાર ન હોઈ શકે અને સર્વોચ્ચ અદાલતે ઈન્દિરા સાહનીના ચુકાદા પર પુનર્વિચાર કરવો પડશે જો તે આ અનામત જાળવી રાખવાનો નિર્ણય કરશે.

November 4, 2022
morbi.png
1min361

મોરબીની ઘટનામાં આખરે નગરપાલિકા ચીફ ઓફિસર સંદીપસિંહ ઝાલાને સસ્પેન્ડ કરવાનો શહેરી વિકાસ વિભાગે આદેશ કર્યો છે. દુર્ઘટના બની ત્યારે સંદીપસિંહે ઓરેવાએ નગરપાલિકાની પરવાનગી વિના જ બ્રિજ ખુલ્લો મુકી દીધો હોવાનું જણાવી હાથ અદ્ધર કરી દીધા હતા. જોકે, ત્યારથી જ એવા સવાલ થઈ રહ્યા હતા કે બ્રિજ પાંચ દિવસ સુધી ખુલ્લો રહ્યો, તેના પર હજારો લોકોની રોજ અવરજવર હતી ત્યાં સુધી નગરપાલિકા શું ઊંઘી રહી હતી? પોલીસે પણ તાજેતરમાં જ સંદીપસિંહ ઝાલાની ચાર કલાક સુધી પુછપરછ કરી હતી.

પૂછપરછ દરમિયાન સંદીપસિંહ ઝાલાએ બ્રિજને ફરી ખુલ્લો મુકવામાં રહેલા જોખમની નગરપાલિકાને જાણ હોવાનું પોલીસને જણાવ્યું હોવાની ચર્ચા છે. પોલીસ સમક્ષ સંદીપસિંહે એ વાતનો પણ સ્વીકાર કર્યો હતો કે ઓરેવાએ બ્રિજ ખુલ્લો મુકવા પરવાનગી નથી લીધી તેની પણ તેમને જાણ હતી. બ્રિજ પડ્યો ત્યારે ઝાલાએ દોષનો ટોપલો ઓરેવાના માથે ઢોળી દીધો હતો, અને નગરપાલિકાનો તેમાં કોઈ દોષ ના હોવાનો દાવો કર્યો હતો. જોકે, પોલીસે કરેલી પૂછપરછમાં તેમણે વટાણા વેરી દીધા હતા, અને સ્વીકાર્યું હતું કે નગરપાલિકાને જાણ હતી કે જો બ્રિજ ખુલ્લો મુકાય અને મોટી સંખ્યામાં લોકો તેના પર ભેગા થાય તો તે જોખમી સાબિત થઈ શકે છે.

મોરબી નગરપાલિકા બ્રિજ ખુલ્લો મુકવો જોખમી સાબિત થઈ શકે છે તેટલું જ નહીં, પરંતુ તેનું રિનોવેશન યોગ્ય રીતે ના થયું હોવાનું પણ જાણતી હતી. રિનોવેશન બરાબર ના થયું હોવાથી બ્રિજનો ઉપયોગ ભયાનક હોનારત સર્જી શકે છે તે વાત પણ નગરપાલિકાના અધિકારીઓથી છૂપી નહોતી. પોલીસે સંદીપસિંહને પોતે કરેલા દાવાના દસ્તાવેજ સોંપવા જણાવ્યું હતું તેમજ બ્રિજના રિપેરિંગ અને રિઓપનિંગમાં તેમની શું ભૂમિકા હતી તે અંગે પણ સવાલ કર્યા હતા.

આ ઘટનામાં મોરબી પોલીસે નવ લોકોની ધરપકડ કરી હતી. જેમાં ઓરેવાના બે મેનેજર ઉપરાંત સિક્યોરિટી ગાર્ડ અને ટિકિટબારીના ક્લાર્કનો સમાવેશ થાય છે. જોકે, ઓરેવાનો માલિક જયસુખ પટેલ હજુય ફરાર છે. પોલીસ તેને શોધવા માટે તેની અમદાવાદ તેમજ મોરબી સ્થિત ઓફિસ પર અનેકવાર ચક્કર લગાવી ચુકી છે, પરંતુ જયસુખ પટેલ હજુય હાથ નથી લાગ્યો. જયસુખ પટેલ રાજ્ય બહાર હોવાની શક્યતા સેવાઈ રહી છે ત્યારે પોલીસે મોરબી નગરપાલિકા ચીફ ઓફિસર તેમજ ઓરેવાના કર્મચારીઓની કોલ ડિટેઈલ્સ ચકાસવાનું પણ શરુ કર્યું છે.