ભારતે રવિવારે અહીં વેસ્ટ ઇન્ડિઝને ત્રીજી અને આખરી રોમાંચક વન-ડેમાં ૮ બૉલ બાકી રાખીને ૪ વિકેટના માર્જિનથી હરાવીને સિરીઝ ૨-૧થી જીતી લીધી હતી. કૅરેબિયનો સામે ભારતનો આ લાગલગાટ ૧૦મો વન-ડે સિરીઝ-વિજય છે.
ભારતે વેસ્ટ ઇન્ડિઝને ટી-ટ્વેન્ટી શ્રેણીમાં પણ ૨-૧થી પરાજિત કર્યું હતું.

રવિવારે કૅપ્ટન વિરાટ કોહલી (૮૫ રન, ૮૧ બૉલ, નવ ફોર)ની બેનમૂન ઇનિંગ્સે આ શ્રેણી-વિજય શક્ય બનાવ્યો હતો. ભારતને જીતવા ૫૦ ઓવરમાં ૩૧૬ રન બનાવવાનો લક્ષ્યાંક અપાયો હતો જે એણે ૪૮.૪ ઓવરમાં છ વિકેટના ભોગે બનાવી લીધો હતો.
ઓપનિંગમાં રોહિત શર્મા (૬૩ રન, ૬૩ બૉલ, એક સિક્સર, આઠ ફોર) તથા કેએલ રાહુલ (૭૭ રન, ૮૯ બૉલ, એક સિક્સર, આઠ ફોર) લગભગ એકસરખી ઉપયોગી ઇનિંગ્સ રમ્યા હતા અને તેમની વચ્ચે ૧૨૨ રનની મહત્ત્વપૂર્ણ ભાગીદારી થઈ હતી. ત્યાર બાદ વિરાટ અને રાહુલ વચ્ચે બીજી વિકેટ માટે ૪૫ રનની પાર્ટનરશિપ થઈ હતી. જોકે, વિરાટની સામેના છેડે એક પછી એક વિકેટ પડતી ગઈ હતી, પરંતુ ખુદ વિરાટ ક્રીઝ પર ટકી રહ્યો હતો. રવીન્દ્ર જાડેજા (૩૯ અણનમ, ૩૧ બૉલ, ચાર ફોર) સાથે છઠ્ઠી વિકેટ માટે તેની ૬૦ રનની બહુમૂલ્ય ભાગીદારી થઈ હતી. વિરાટ ટીમને વિજયની લગોલગ પહોંચાડ્યા બાદ કીમો પૉલના બૉલમાં ક્લીન બોલ્ડ થયો હતો. જોકે, ત્યાર બાદ જાડેજાએ મુંબઈકર પેસ બોલર શાર્દુલ ઠાકુર (૧૭ અણનમ, ૬ બૉલ, એક સિક્સર, બે ફોર) સાથેની જોડીમાં જાડેજાએ ભારતને છેવટે જીત અપાવી દીધી હતી.
વિરાટ કોહલીને મૅન ઑફ ધ મૅચનો અને રોહિત શર્માને મૅન ઑફ ધ સિરીઝનો પુરસ્કાર આપવામાં આવ્યો હતો. તેના કુલ ૨૫૮ રન બન્ને ટીમના બૅટ્સમેનોમાં હાઇએસ્ટ હતા. બોલરોમાં કીમો પૉલ ૬ વિકેટ સાથે મોખરે હતો.

















