ગુજરાતમાં ચોમેર સારા વરસાદના અહેવાલો વચ્ચે હવામાન વિભાગે ફરીથી નવી જાહેર કરેલી આગાહીમાં જણાવ્યું છે કે શનિ, રવિ અને સોમવાર એમ ત્રણ દિવસો દરમિયાન ગુજરાતમાં ઠેકઠેકાણે ભારેથી અતિભારે વરસાદ પડવાની શક્યતા છે. જોકે, સુરતની વાત કરીએ તો સુરતમાં વરસાદના છૂટાછવાયા ઝાટપાઓને બાદ કરતા હજુ ચોમાસુ બેઠું એવો વરસાદ વર્તાયો નથી. સુરતીઓ પણ મેહુલિયો મન મૂકીને વરસાદ વરસે એની રાહ જોઇ રહ્યા છે.
આગામી દિવસોની આગાહીની વાત કરીએ તો 28 અને રાજ્યના દક્ષિણ અને મધ્ય ભાગમાં આવેલા વડોદરા, આણંદ, સુરત, વલસાડ, નવસારી, દમણમાં તોફાની ભારેથી અતિ ભારે વરસાદ થઈ શકે છે. આ સિવાય 29 તારીખે પણ રાજ્યના આ ભાગોમાં ભારે વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે.
દક્ષિણ ગુજરાતના વલસાડ, ડાંગ વગેરે દક્ષિણ વિસ્તારોની સાથે સૌરાષ્ટ્રમાં ઠેક-ઠેકાણે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. આગામી ત્રણ દિવસમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે જેમાં દક્ષિણ ગુજરાતની સાથે વડોદરા, આણંદમાં ભારે વરસાદ થઈ રહ્યો છે.















