
યુપીએ સરકાર વખતે 2008માં રૂ. 70 હજાર કરોડની લોનમાફી બાદ પણ ખેડૂતોની આત્મહત્યામાં વધારો થયો હતો, એમ કૃષિ ખાતાના રાજ્ય કક્ષાના પ્રધાન પુરુષોતમ રૂપાલાએ જણાવ્યું હતું. લોન માફીની મોટી સ્કીમની જાહેરાત બાદ હાથ ધરાયેલ ઓડિટમાં જાણવા મળ્યું હતું કે જે લોકો ખેડૂત નહોતા તેમને લોન માફી અપાઈ હતી.
તેમણે પ્રશ્ર્નકાળના સમયગાળામાં ગૃહમાં માહિતી આપી હતી. ખેડૂતોની આત્મહત્યાને નાથવા રાષ્ટ્રીય નીતિ લાવવા સુપ્રીમ કોર્ટે સરકારને સૂચન કર્યું છે? એવા પ્રશ્ર્નના જવાબમાં કૃષિ પ્રધાન નરેન્દ્રસિંહ તોમરે કહ્યું હતું કે સુપ્રીમ કોર્ટે તેના 6 જુલાઈ – 2017ના ઓર્ડરમાં જણાવ્યું હતું કે આવા કિસ્સાને રાતોરાત ઉકેલી શકાય નહીં, યોગ્ય સ્કીમ તૈયાર કરવા સમય માગી લેે છે એવા એટર્ની જનરલના નિવેદનને કોર્ટે ન્યાયી ઠેરવ્યું હતું.
આ હેતુસર શું પગલાં અપનાવવા તે કેન્દ્ર સરકાર નક્કી કરવાનું છે. કૃષિ પ્રધાને જણાવ્યું હતું કે આમ તો કૃષિ એ રાજ્યનો વિષય છે. રાજ્ય સરકાર કૃષિને લગતા વિભિન્ન કાર્યક્રમ – સ્કીમ જાહેર કરતી રહે છે. કેન્દ્ર સરકાર રાજ્યોને તમામ સહાય પૂરી પાડે છે. કેન્દ્ર સરકાર અગાઉ ઉત્પાદનને કેન્દ્રમાં રાખીને નીતિ તૈયાર કરતી હતી, હવે આવકને કેન્દ્રિત કરીને નીતિ તૈયાર કરે છે. 2022 સુધીમાં ખેડૂતોની આવક બમણી કરવાનો લક્ષ્યાંક છે.
કર્ણાટકમાં અગાઉ કોંગ્રેસના 21 મંત્રીઓએ રાજીનામાં ધરી દીધા બાદ આજે તા.8મી જુલાઇ 2019ના રોજ જેડીએસના તમામ મંત્રીઓએ પણ રાજીનામા આપી દેતા કર્ણાટકમાં રાજકીય સંકટ વધુ ઘેરાઈ રહ્યું છે.
કર્ણાટકમાં શનિવારે કોંગ્રેસના મંત્રીઓએ રાજીનામાં આપ્યા બાદ રાજકીય સંકટ શરુ થયું હતું. જેના કારણે અમેરિકાના પ્રવાસે રહેલા કુમારસ્વામીએ તાત્કાલિક પોતાનો પ્રવાસ ટૂંકાવીને પરત ફરવું પડ્યું હતું. કોંગ્રેસના નારાજ ધારાસભ્યોની માગ છે કે કુમારસ્વામી તેમને વિશ્વાસમાં લીધા વિના જ મહત્વના નિર્ણયો લઈ રહ્યા છે, અને તેમને હટાવી પૂર્વ સીએમ સિદ્ધારમૈયાને ફરી સીએમ પદ સોંપવામાં આવે.
કોંગ્રેસના સિનિયર નેતાઓ તા.8મી જુલાઇના રોજ સાંજે સાત વાગ્યે દિલ્હીમાં કર્ણાટકની સ્થિતિ અંગે બેઠક કરી હતી પરંતુ, તે પરીણામ વિહોણી બની રહી હોવાનું જાણવા મળ્યું છે.
કર્ણાટકના સીએમે પોતાના સત્તાવાર ટ્વીટર હેન્ડલ પર જણાવ્યું છે કે જલ્દીથી કેબિનેટનું રિશફલ કરવામાં આવશે.
દક્ષિણ ગુજરાતમાં સતત વરસી રહેલા વરસાદના પગલે દમણગંગા નદીમાં ઘોડાપૂર આવ્યું હતું. ઉપરવાસમાંથી પાણી છોડાતા નદી બે કાંઠે વહેવા લાગતા રૌદ્ર રૂપ ધારણ કર્યુ હતું. છેલ્લા કેટલાક દિવસોથી મેઘરાજા દક્ષિણ ગુજરાત પર મહેરબાન થતા મધુવન ડેમ ઓવર ફ્લો થતા ડેમના સાત દરવાજા ખોલવામાં આવતા બે લાખ ક્યૂસેક પાણીની આવક થઈ હતી.
![]()
વાપીના ઉપરવાસ કપરાડા અને ઉમરગામમાં વરસાદના પગલે નદી નાળા બે કાંઠે વહી રહ્યા હતા. દમણગંગાના કિનારે આવતા ગામો અને સંઘ પ્રદેશ દાદરા અને નગર હવેલીના લોકોને કાંઠા વિસ્તારથી સલામત સ્થળે ખસી જવાની ફરજ પડી હતી. નદીએ ભયજનક સ્થિતિ વટાવતા તંત્રએ એનડીઆરએફની એક ટીમ તહેનાત રાખી હોવાનું જાણવા મળ્યું હતું.
શ્રીલંકા સામેની ભારતની વર્લ્ડ કપની લીગ મૅચ દરમિયાન હેડિંગ્લીના સ્ટેડિયમ પરથી ભારત-વિરોધી બૅનર સાથેનું વિમાન ઉડવાની ઘટનાને ભારતીય ક્રિકેટ બોર્ડે ‘તદ્દન અસ્વીકાર્ય’ ગણાવી હતી અને જણાવ્યું હતું કે આ બનાવથી અમને અમારા ખેલાડીઓની સલામતી વિશે ચિંતા થઈ રહી છે.

બોર્ડ ઑફ ક્ધટ્રોલ ફૉર ક્રિકેટ ઇન ઇન્ડિયા (બીસીસીઆઇ)એ આ ઘટના વિશે ગંભીર નારાજગી બતાવી હતી અને આખા મામલાને વર્લ્ડ કપની સંચાલક આઇસીસી (ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ) સમક્ષ લેખિતમાં વ્યક્ત કરીને ફરી આવું કંઈ ન બને એની તકેદારી લેવા કહ્યું હતું.
વિમાન સાથે જોડવામાં આવેલા બૅનરમાં ‘કાશ્મીરમાં કત્લેઆમ બંધ કરો’ તથા ‘કાશ્મીરને ન્યાય આપો’ તેમ જ ‘કાશ્મીરને મુક્ત કરો’ એવું લખવામાં આવ્યું હતું. ભારત-વિરોધી બૅનરવાળા કુલ બે વિમાન લીડ્સ ખાતેના આ સ્ટેડિયમમાં ઉડાડવામાં આવ્યા હતા. શ્રીલંકા સામેની મૅચ શરૂ થયાની ગણતરીની મિનિટોમાં પ્રથમ બૅનરવાળું વિમાન ઉડ્યું હતું અને અડધા કલાક પછી ઉડેલા બીજા વિમાનમાં બીજું બૅનર જોડવામાં આવ્યું હતું.
મૅચની મધ્યમાં ત્રીજું વિમાન ઉડ્યું હતું જેના બૅનરમાં લખાયું હતું, ‘મૉબ લિન્ચિંગનો અંત લાવવામાં મદદ કરો’.
ભારતીય ક્રિકેટ બોર્ડે આઇસીસીને પત્રમાં લખ્યું હતું કે ‘જો મંગળવારે મૅન્ચેસ્ટર ખાતેની ભારતની સેમી ફાઇનલમાં પણ આવી ઘટના બનશે તો એ ખરેખર કમનસીબ કહેવાશે. અમારા ખેલાડીઓની સુરક્ષા અને સલામતીનો મુદ્દો સર્વોત્તમ હોવો જોઈએ
મુંબઈનું છત્રપતિ શિવાજી મહારાજ આંતરરાષ્ટ્રીય એરપોર્ટનો મેઈન રનવે 88 કલાકે શરૂ થયો હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.
સ્પાઈસ જેટનું વિમાન મેઈન એરપોર્ટ પર સ્કીડ થયા પછી એરપોર્ટનો મુખ્ય રનવે બંધ કરવામાં આવ્યો હતો, જેમાં મુંબઈમાં પડેલા ભારે વરસાદને કારણે મુંબઈ એરપોર્ટની ફ્લાઈટ્સની સર્વિસને અસર થઈ હતી. શુક્રવારે બપોરના સાડાત્રણ વાગ્યાના સુમારે સ્પાઈસ જેટના વિમાનને મુખ્ય રનવે પરથી બાજુમાં કરવામાં આવ્યું હતું.

ગયા અઠવાડિયાથી શરૂ થયેલા ભારે વરસાદ વચ્ચે સ્પાઈસ જેટનું વિમાન ઓવરશૂટ થયું હતું, પરંતુ તેમાં કોઈ પ્રવાસીને જાનહાનિ થઈ નહોતી. વિમાન ઓવરશૂટ થયા પછી સ્પાઈસ જેટ તથા એરપોર્ટ ઓથોરિટી દ્વારા વિમાનને રનવે પરથી હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. એર ઈન્ડિયાની ડિસેબલ્ડ એરક્રાફટ રિકવરી કિટ (ડાર્ક) તથા એન્જિનિયર્સ તથા ટેક્નિશિયનની મદદથી સ્પાઈસ જેટના પ્લેનને રનવે પરથી લઈ જવાની કામગીરી કરવામાં આવી હતી. ગુરુવારે સાંજના સ્પાઈસ જેટ વિમાનને કાદવમાંથી બહાર કાઢવામાં સફળતા મળી હતી, પરંતુ વિમાનનું ગિયરબોક્સ તૂટવાથી રનવે પરથી બહાર કરી શક્યા નહોતા, પરિણામે આખરે શુક્રવારે બપોરના સાડાત્રણ વાગ્યે રનવે પરથી બહાર કરવામાં આવ્યું હતું.
ઉલ્લેખનીય છે કે રનવે બંધ થવાથી લગભગ 350 જેટલી ફ્લાઈટ્સ રદ કરવામાં આવી હતી, જ્યારે અનેક ફ્લાઈટ્સની સર્વિસ મોડી પડી હતી, જેમાં છેલ્લા એર ઈન્ડિયાની મુંબઈ-નેવાર્ક ફ્લાઈટ લગભગ 11 કલાક મોડી પડતા પ્રવાસીઓને હાલાકી પડી હતી.
મોદી સરકાર 02ના નાણામંત્રી નિર્મલા સીતારમને આજે લોકસભામાં રજૂ કરેલા બજેટ અંગે જો એક વાક્યમાં રિવ્યુ આપવાનું કહેવામાં આવે તો એવું કહી શકાય કે ભારતમાં હવે વિદેશથી આવતી વસ્તુઓ પર વધુ આયાત ડ્યૂટી લાદીને વધુને વધુ સ્વદેશી વસ્તુઓને પ્રાધાન્ય મળે તે માટે સ્વદેશી વસ્તુઓ સસ્તી થાય તેવી જોગવાઇ કરવામાં આવી છે.
ભારત હાલમાં સૌથી વધુ ઇમ્પોર્ટ પેટ્રોલ-ડિઝલ અને બીજા નંબરની સૌથી વધુ એક્સપોર્ટ સોનામાં થઇ રહી છે. આ બન્નેને કારણે ભારતના રૂપિયાને ભારે ઘસારો લાગી રહ્યો છે. નિર્મલા સીતારમને આજે પેટ્રોલ, ડિઝલ અને સોના જેવી વસ્તુઓ પર ઇમ્પોર્ટ ડ્યૂટી વધારી દીધી છે.
અહીં ભાવ વધારો તાત્કાલિક જોવા મળશે
– સોનું: સોના પર કસ્ટમ ડ્યૂટી વધારીને 10 ટકાથી 12.5 ટકા કરવામાં આવી છે.
– તમાકુઃ તમાકુ પર પણ વધારાનો કર લગાવવામાં આવશે.
– ઈંધણઃ પેટ્રોલ અને ડીઝલ પર 1-1 રૂપિયાનો વધારાનો સેસ લગાવવામાં આવશે.
– પુસ્તકોઃ આયાત કરવામાં આવતા પુસ્તકો પર 5% કસ્ટમ ડ્યૂટી વધારવામાં આવી છે.
સાથે જ સીસીટીવી, પીવીસી અને માર્બલ, ઓટો પાર્ટ્સ પર પણ ડ્યૂટી વધારવામાં આવી છે.
ફાયદાનો સોદો અહીંયા થશે
– ઈલેક્ટ્રિક કારઃ 2019ના સામાન્ય બજેટમાં ઈલેક્ટ્રિક ગાડીઓને પ્રોત્સાહન આપવાની જાહેરાત કરવામાં આવી છે. બજેટમાં ઈલેક્ટ્રિક ગાડીઓ પરનો જીએસટી રેટ 12 ટકા થી ઘટાડીને 5 ટકા કરવામાં આવ્યો છે.
ઈલેક્ટ્રિક ગાડીઓ ખરીદવા માટે લેવામાં આવેલી લોન પર ચુકવવામાં આવતા વ્યાજ પર દોઢ લાખ રૂપિયાની વધારાની ઈનકમ ટેક્સની છૂટ મળશે. સરકાર આ પગલાથી ઈલેક્ટ્રિક ગાડીઓને લોકો માટે સસ્તું બનાવવા માંગે છે.
– હોમ લોનઃ ઘરના ઘરનું સ્વપ્ન સાકાર કરવા માટે મોદી સરકારે મહત્વની જાહેરાત કરી છે. જેના કારણે હોમ લોન સસ્તી થશે. 45 લાખ સુધીનું ઘર ખરીદ્યું છે તો હોમ લોન પર 1.50 લાખના વધારાનું વ્યાજ કર મુક્ત થયું. 3.50 લાખ સુધી વ્યાજ પર ટેક્સ નહીં લાગે. પરંતુ આ છૂટ માત્ર 31 માર્ચ, 2020 સુધી ઘર ખરીદવા પર જ મળશે.
– રક્ષાના સાધનોઃ દેશની સુરક્ષાને ધ્યાનમાં લઈને રક્ષાને લગતા સાધનો સસ્તા થયા છે.
સામાન્ય માનવીને આ ટેક્સમાં કોઈ રાહત નથી મળી. ટેક્સ સ્લેબમાં કોઈ ફેરફાર નથી થયો.
ધનવાનો પર વધુ ટેક્સ બોજ
વર્ષમાં એક કરોડથી વધુ ખાતામાંથી જે કાઢશે તેના પર 2% TDS લાગશે. બે થી પાંચ કરોડની વાર્ષિક કમાણી પર 3% અને 5 કરોડથી વધુની કમાણી પર 7%નો વધારાનો ટેક્સ લાગશે.
ગુજરાત સરકાર દ્વારા અષાઢી બીજના પવિત્ર દિવસથી ગુજરાતમાં સિંચાઇની જરૂરિયાતવાળા વિસ્તારો માટે નર્મદા ડેમમાંથી પાણી પહોંચાડવાની કરાયેલી જાહેરાતના પગલે આજે તા.4 થી જુલાઇ, 2019ને ગુરુવારના રોજ સવારે 8 કલાકે નર્મદા જિલ્લાના કેવડિયા કોલોની ખાતે ભુમલીયા નજીક ડેમની મુખ્ય નહેરમાંથી 5307 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે.

નર્મદા ડેમની મુખ્ય નહેર સાઇટ ખાતે કેવડીયા સબ-ડિવિઝનનાં મદદનીશ ઇજનેર શ્રી વિકાસભાઇ ખોડાએ આ અંગેની વિગતો આપતાં જણાવ્યું હતું કે, આજે નર્મદાની મુખ્ય નહેરમાંથી સિંચાઇ માટે છોડાયેલું પાણી સૌરાષ્ટ્રના ધ્રાગંધ્રા, હળવદ, મોરબી, વઢવાણ ઉપરાંત વિરમગામ, પાટડી, માંડલ, સમી, હારીજ, રાધનપુર, સાંતલપુર, ભાભર, વાવ-થરાદ, રાપર અને ભચાઉના વિસ્તારોમાં પૂરું પડાશે. બુધવાર સુધી સુધી માત્ર પીવાના પાણી માટે 2800 ક્યુસેક પાણીનો જથ્થો છોડવામાં આવતો હતો. નર્મદા ડેમના ઉપરવાસ-કેચમેન્ટ વિસ્તારમાં ભારે વરસાદને લીધે આજે તા. 4થી જુલાઇના રોજ સવારે 8 કલાકે નર્મદા ડેમમાં 16 હજાર ક્યુસેક પાણીની આવક નોંધાઇ છે. ડેમમાં પાણીની ઉક્ત આવકને લીધે બુધવાર કરતાં આજે ડેમની સપાટીમાં 17 સે.મી. વધારો નોંધાયો છે.
સર્વોચ્ચ અદાલતે ગુરુવારે આપેલા ચુકાદામાં જણાવ્યું હતું કે પબ્લિક સર્વિસ કમિશનની પસંદગી પ્રક્રિયામાં ઉંમર (વયમર્યાદા)ને લગતી બાંધછોડનો લાભ મેળવનારો અનામત વર્ગનો ઉમેદવાર બાદમાં સામાન્ય વર્ગની જગ્યા (હોદ્દા)માં પોતાના સમાવેશની માગણી કરી ન શકે.
ન્યાયાધીશ એસ. અબ્દુલ નાઝીર અને ન્યાયાધીશ ઇંદિરા બેનરજીની બનેલી બૅન્ચે આ સંબંધમાં ગુજરાત વડી અદાલતે આપેલા ચુકાદાને બહાલી આપી હતી.
ગુજરાત પબ્લિક સર્વિસ કમિશનની પસંદગી પ્રક્રિયાને યોગ્ય ઠેરવતા ગુજરાતની વડી અદાલતના હુકમને નીરવકુમાર દિલીપભાઇ મકવાણા નામના એક ઉમેદવારે સર્વોચ્ચ અદાલતમાં પડકાર્યો હતો.
સર્વોચ્ચ અદાલતની બૅન્ચે જણાવ્યું હતું કે રાજ્ય સરકારે પણ સ્પષ્ટતા કરી હતી કે લેખિત પરીક્ષા અને હોદ્દા માટેની પસંદગીના અન્ય કિસ્સામાં વયમર્યાદા, અનુભવ, (શૈક્ષણિક) લાયકાત જેવી બાબતમાં રાહત કે છૂટછાટનો લાભ મેળવનારા અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ તેમ જ સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગોના સભ્ય તરીકે અરજી કરનારા ઉમેદવારો બાદમાં સામાન્ય વર્ગ માટેના હોદ્દા માટે દાવો કરી ન શકે.
બૅન્ચે ગુજરાત સરકારના 2000ની 21મી જાન્યુઆરી અને 2004ની 23મી જુલાઇના ગુજરાત સરકારના પરિપત્રોનો ઉલ્લેખ કર્યો હતો કે જેમાં જણાવાયું હતું કે અમે અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને અન્ય પછાત જાતિને અનામતનો લાભ આપવા યોગ્ય નીતિ ઘડી છે.
કેન્દ્રનાં નાણાપ્રધાન નિર્મલા સીતારામને ગુરુવારે જણાવ્યું હતું કે પ્રાદેશિક ગ્રામીણ બૅન્કો (રિજનલ રુરલ બૅન્ક્સ)માં સ્કૅલ-વન ઑફિસર્સ અને ઑફિસ આસિસ્ટન્ટ્સ તરીકેની સીધી ભરતીની પરીક્ષાઓ હિંદી અને અંગ્રેજી ઉપરાંત 13 પ્રાદેશિક ભાષા – ગુજરાતી, આસામી, બંગાળી, ક્ધનડ, કોંકણી, મલયાલમ, મણિપુરી, મરાઠી, ઉડિયા, પંજાબી, તમિળ, તેલુગુ અને ઉર્દૂમાં પણ લેવાશે.
તેમણે જણાવ્યું હતું કે પ્રાદેશિક ભાષા સારી રીતે જાણનારા લોકોને સરકારના આ નિર્ણયને લીધે પ્રાદેશિક ગ્રામીણ બૅન્કો (રિજનલ રુરલ બૅન્ક્સ)માં નોકરી મેળવવામાં વધુ સરળતા પડશે. અગાઉ, પ્રાદેશિક ગ્રામીણ બૅન્કોમાં સ્કૅલ-વન ઑફિસર્સ અને ઑફિસ આસિસ્ટન્ટ્સમાં સીધી ભરતીની પરીક્ષાઓ માત્ર હિંદી અને અંગ્રેજીમાં જ લેવાતી હતી.
કેન્દ્રનાં નાણાપ્રધાન નિર્મલા સીતારામને જણાવ્યું હતું કે સીઆરપી રિજનલ રુરલ બૅન્ક્સ 8 (2019)ની મૅન્સ એક્ઝામિનેશનથી આ નિર્ણયનો અમલ આવશે.
દેશમાં હાલમાં 45 રિજનલ રુરલ બૅન્ક (પ્રાદેશિક ગ્રામીણ બૅન્ક) છે અને તેના કુલ કર્મચારીઓ અંદાજે 90,000 છે.