CIA ALERT

ડેવલપમેન્ટ Archives - Page 32 of 126 - CIA Live

March 4, 2021
covaxin.jpg
1min504

ભારતની સ્વદેશી વેક્સિનના ફેઝ-3ની ક્લિનિકલ ટ્રાયલ્સના પરિણામો જાહેર કરવામાં આવ્યા

ભારત બાયોટેક Bharat Biotech દ્વારા કોરોના વાયરસ માટે બનાવવામાં આવેલી Covaxin વેક્સિન કોવિડ-19ના નવા સ્ટ્રેઈન સામે 81% સુધી અસરકારક સાબિત થઈ છે. ભારત બાયોટેકે કોરોના સામે લડવા કોવેક્સિ નામની વેક્સિન તૈયાર કરી છે. હવે કંપનીએ બુધવારે તેના ફેઝ-3ની ક્લિનિકલ ટ્રાયલ્સના પરિણામો જાહેર કર્યા છે.

કંપનીએ જણાવ્યું છે કે આ ટ્રાયલ્સમાં કોવેક્સિન 81% સુધી અસરકારક સાબિત થઈ છે. એટલું જ નહીં કંપનીએ કહ્યું છે કે આ કોરોનાના નવા સ્ટ્રેઈન સામે પણ રક્ષણ આપી શકે છે. નોંધનીય છે કે ભારત સરકાર દ્વારા કોરોનાની બે વેક્સિનને ઈમર્જન્સી ઉપયોગ માટે મંજૂરી આપી છે. જેમાં સીરમ ઈન્સ્ટિટ્યુટ દ્વારા બનાવવામાં આવી રહેલી ઓક્સફોર્ડ-એસ્ટ્રાઝેનેકાની કોવિશિલ્ડ વેક્સિન છે. જ્યારે બીજી ભારત બાયોટેક દ્વારા તૈયાર કરવામાં આવેલી સ્વદેશી વેક્સિન કોવેક્સિન છે.

હૈદરાબાદની કંપની ભારત બાયોટેકે ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (આઈસીએમઆર) સાથે મળીને વેક્સિન તૈયાર કરી છે. સરકારે જ્યારે તેને ઈમર્જન્સી ઉપયોગ માટે મંજૂરી આપી હતી ત્યારે તેનો વિરોધ પણ થયો હતો કેમ કે તેના ફેઝ-3ના પરિણામો અગાઉ તેને મંજૂરી આપવામાં આવી હતી. જોકે, હવે તેના ફેઝ-3ના પરિણામો ઘણા હકારાત્મક જોવા મળ્યા છે.

ભારત બાયોટેકના ચેરમેન અને મેનેજિંગ ડાયરેક્ટર ડોક્ટર કૃષ્ણા એલ્લાએ જણાવ્યું હતું કે અમારા માટે આ દિવસ ઘણી મોટી સિદ્ધિનો દિવસ છે. ક્લિનિકલ ટ્રાયલ્સના ત્રણેય ફેઝમાં અમે 27,000 વોલેન્ટિયર્સ પર વેક્સિનનો પ્રયોગ કર્યો છે. ફેઝ-3 ક્લિનિકલ ટ્રાયલ્સના પરિણામ સાથે તે સાબિત થઈ ગયું છે કે કોવેક્સિન કોવિડ-19 વિરુદ્ધ અસરકારક છે. આ વેક્સિન ઝડપથી બદલાઈ રહેલા કોરોનાના અન્ય સ્ટ્રેઈન સામે પણ અસરકારક છે.

આઈસીએમઆર એ જણાવ્યું છે કે સ્વતંત્ર ડેટા સેફ્ટી અને મોનિટરિંગ બોર્ડ દ્વારા ચકાસવામાં આવેલા પરિણામો દેખાડે છે કે કોવેક્સિન દેશમાં વિવિધ વયજૂથમાં અને વેરિયન્ટ્સના SARS-Cov-2 સામે ઘણી જ અસરકારક છે. સંપૂર્ણ સ્વદેશી કોવિડ-19 વેક્સિન (કોવેક્સિન)ની 8 મહિનાથી ઓછી બેન્ચ-બેડસાઈડ જર્ની વૈશ્વિક જાહેર આરોગ્ય સમુદાયમાં આવરોધો સામે લડવા અને મજબૂતી ઊભા રહેવા માટે આત્મનિર્ભર ભારતની અપાર શક્તિ દેખાડે છે.

March 3, 2021
it_raid.jpg
1min304

બોલીવુડ સ્ટાર્સ ફરી એકવાર ઈન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટના રડારમાં આવી ગયા છે. મળતી માહિતી મુજબ ઈન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટે અભિનેત્રી તાપસી પન્નૂ, ડિરેક્ટર અનુરાગ કશ્યપ, નિર્માતા મધુ મન્ટેના અને ડિરેક્ટર વિકાસ બહલના ઘરે દરોડા પાડ્યા છે. ઈન્કમ ટેક્સ વિભાગ ફેન્ટમ ફિલ્મ્સ સાથે સંકળાયેલા લોકોની તપાસ કરી રહ્યું છે. ફેન્ટમ ફિલ્મ્સ પર કરચોરીનો આરોપ છે.

ફેન્ટમ ફિલ્મ્સની સ્થાપના અનુરાગ કશ્યપ, વિક્રમાદિત્ય મોટવાણી, મધુ મન્ટેના અને વિકાસ બહલ દ્વારા કરવામાં આવી હતી. વર્ષ 2018માં વિકાસ બહલ પર યોન શોષણના આરોપો બાદ આ કંપની પતી ગઈ અને ચારેય પાર્ટનર અલગ થઈ ગયા હતા. ફિલ્મ પ્રોડક્શન ઉપરાંત આ કંપની ડિસ્ટ્રિબ્યુશનનું કામ પણ કરતી હતી.

મીડિયા રિપોર્ટ મુજબ, મુંબઈમાં અભિનેત્રી તાપસી પન્નૂ, ડાયરેક્ટર અનુરાગ કશ્યપના ઘર સહિત 22 સ્થળોએ આવકવેરાના દરોડા પાડવામાં આવ્યા છે. આ ઉપરાંત પૂણેમાં પણ ઘણાં સ્થળોએ આવકવેરા વિભાગની ટીમ તપાસ કરી રહી છે. ઈન્કમ ટેક્સ ડિપાર્ડમેન્ટના રડાર પર હાલમાં 4 કંપનીઓ છે.

March 3, 2021
guj_budget.jpg
3min276

નાયબ મુખ્યમંત્રી તેમજ રાજ્યના નાણામંત્રી નીતિન પટેલે આજે રાજ્યનું 2021-22નું બજેટ રજૂ કરી દીધું છે. આ બજેટનું કદ 2,27,029 કરોડ રુપિયાનું છે. ગુજરાતના અત્યારસુધીના સૌથી મોટા બજેટમાં આરોગ્ય, શિક્ષણ તેમજ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર ખાસ ભાર મૂકવામાં આવ્યો છે. પોતાની બજેટ સ્પીચમાં નીતિન પટેલે આગામી પાંચ વર્ષમાં બે લાખ લોકોને સરકારી નોકરી આપવાનું વચન આપ્યું છે. આ ઉપરાંત, અમદાવાદ-મહેસાણા હાઈવેને સિક્સ લેન બનાવવાની તેમજ અમદાવાદ-ગાંધીનગર અને સુરત સિવાય વડોદરા, રાજકોટ, ભાવનગર અને જામનગરમાં પણ મેટ્રો દોડાવવા માટે આયોજન કરાયું છે.

587.88 કરોડ રુપિયાન પુરાંત દર્શાવતા આ બજેટમામં મહેસૂલી આવક 1,67,969.40 કરોડ, મહેસૂલી ખર્ચ 1,66,760.80 કરોડ અંદાજવામાં આવ્યા છે. જ્યારે મહેસૂલી હિસાબ પર પુરાંત 1208.60 કરોડ, મૂડીની આવક 50751 કરોડ, લોન અને પેશગીઓ વગેરે સહિત મૂડી ખર્ચ 56,571.72 કરોડ, મૂડી હિસાબ પર ખાધ (માઈનસ) 5820.72 કરોડ અંદાજવામાં આવ્યા છે. કોરોનાને કારણે સરકારે આ બજેટમાં કોઈ નવા કરવેરા નથી નાખ્યા અને પ્રવર્તમાન વેરામાં કોઈ પ્રકારનો વધારો પણ નથી કર્યો.

ગૃહ વિભાગ માટે 7960 કરોડની જોગવાઈ

– ગૃહ વિભાગમાં વિવિધ સંવર્ગની 3020 નવી જગ્યા ઉભી કરાશે

– 41 શહેરોમાં 6000થી વધુ સીસીટીવી કેમેરા લગાડાશે.

– પોલીસ તંત્ર માટે 876 વાહનો ખરીદવામાં આવશે

– પોલીસ આધુનિકીકરણ માટે 26 કરોડની જોગવાઈ

બંદરો અને વાહન વ્યવહાર વિભાગ માટે 1478 કરોડની જોગવાઈ

– 800 ડિલક્ષ અને 200 સ્લીપર કોચ મળીને 1000 નવી એસટી બસો કાર્યરત કરાશે. લાંબા અંતરની મુસાફરી માટે 500 વોલ્વો બસ પીપીપી ધોરણે શરુ કરાશે

– એસટી દ્વારા 50 ઈલેક્ટ્રીક બસો સંચાલનમાં મૂકાશે. 50 સીએનજી વાહનોનો પણ સમાવેશ કરાશે

– રાજકોટ, માધાપર ચોકડી ખાતે પીપીપી ધોરણે નવું બસ સ્ટેશન બનાવાશે

– 4800 કરોડના રોકાણ સાથે નારગોલ અને ભાવનગર બંદરનો પીપીપી ધોરણે વિકાસ કરાશે

– દહેજ ખાતે કેમિકલ પોર્ટ ટર્મિનલના વિસ્તૃતિકરણ માટે 1200 કરોડના ખર્ચે બીજી જેટ્ટી વિકસાવાશે

– નવલખી બંદર ખાતે 192 કરોડના ખર્ચે નવી જેટી બનાવાશે

– સચાણા શીપ બ્રેકિંગ યાર્ડ ખાતે 25 કરોડના ખર્ચે ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિકસાવાશે

માર્ગ અને મકાન વિભાગ માટે કુલ 11,185 કરોડની જોગવાઈ

– સાત વર્ષ કે તેથી વધુ સમય સુધી રિકારપેટ ના થયા હોય તેવા 4949 કામોના 16,857 કિમી લંબાઈના રસ્તાના રિસરફેસિંગ માટેના કામો 4506 કરોડના ખર્ચે હાથ ધરાશે

– 3400 કરોડના ખર્ચે 68 નવા રેલવે ઓવરબ્રિજ બનશે

– 2893 કરોડના ખર્ચે અમદાવાદ-બગોદરા-રાજકોટના 201 કિમીના રસ્તાને સિક્સ લેન બનાવવાનું કામ પ્રગતિમાં

– સૌરાષ્ટ્રના તમામ જિલ્લાને અમદાવાદ અને ગાંધીનગર સાથે જોડતા રાજકોટથી અમદાવાદ રસ્તાનું 2620 કરોડના ખર્ચે સિક્સ લેનનું કામ પ્રગતિ હેઠળ

– 116 રસ્તાના અનુભાગોની 1951 કિમ લંબાઈને 10 મીટર કે 7 મીટર પહોળા કરવાની કામગીરી 2331 કરોડના ખર્ચે પ્રગતિમાં

– 3015 કિમીના ગ્રામ્ય માર્ગોને સાડા પાંચ મીટર સુધી પહોળા કરવા 1749 કરોડની અંદાજીત કિંમતના કામોનું આયોજન

– અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેન માટે રાજ્ય સરકારના શેરફાળા પેટે 1500 કરોડની જોગવાઈ

– અમદાવાદ-મહેસાણા હાઈવે સિક્સ લેન બનશે, જેના માટે 100 કરોડની જોગવાઈ

– વિધાનસભાની સદસ્ય નિવાસ સમિતિની ભલામણ અનુસાર ગાંધીનગર ખાતે નવું સદસ્ય નિવાસ સંકુલ બનાવાશે

આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ માટે 11,323 કરોડની જોગવાઈ

– પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના અને મુખ્યમંત્રી મા-વાત્સલ્ય યોજના માટે 1106 કરોડની જોગવાઈ

– ઓછા વજન સાથે જન્મતા બાળકોને વિના મૂલ્યે સારવાર પૂરી પાડતી બાલસખા-3 માટે 145 કરોડની જોગવાઈ

– નવી સિવિલ, અમદાવાદની સુવિધાઓને 87 કરોડના ખર્ચે અપગ્રેડ કરાશે

– 108 સર્વિસમાં 30 કરોડના ખર્ચે નવી 150 એમ્બ્યુલન્સ ખરીદવામાં આવશે.

મહિલા અને બાળ વિકાસ માટે 3511 કરોડની જોગવાઈ

– પૂરક પોષણ યોજનાઓ માટે 939 કરોડની જોગવાઈ

– ગંગા સ્વરુપ આર્થિક સહાય યોજના હેઠળ 8 લાખ લાભાર્થી વિધવા બહેનોને સહાય આપવા 700 કરોડની જોગવાઈ

– 15થી 18 વર્ષની 11 લાખ 76 હજાર કિશોરીઓને લાભ આપવા પૂર્ણા યોજના અંતર્ગત 220 કરોડની જોગવાઈ

પાણી પુરવઠા માટે 3974 કરોડની યોજના

– આદિજાતિ વિસ્તાર પેટા યોજના હેઠળ 2841 ગામોના પ્રગતિ હેઠળના તથા 1941 ગામોના મંજૂર થયેલા પાણી પુરવઠાના કામો માટે 1 હજાર કરોડની જોગવાઈ

– વડોદરા, દાહોદ, મહીસાગર, છોટાઉદેપુર, પંચમહાલ, સુરત, નવસારી અને વલસાડમાં બલ્ક પાઈપલાઈન યોજનાઓ માટે 968 કરોડની જોગવાઈ

– નાવડાથી ચાવંડ અને બુધેલથી બોરડા સુધીની 143 કિલોમીટરની બલ્ક પાઈપલાઈન માટે 675 કરોડની જોગવાઈ

– સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયાકાંઠાના ગામોમાં 27 કરોડ લિટર ક્ષમતાના ડીસસેલીનેશન પ્લાન્ટ સ્થાપવા 300 કરોડની જોગવાઈ

– રાજ્યના બાકી રહેલા 17 લાખ 78 હજાર ઘરોમાં નળ જોડાણ દ્વારા પીવાનું પાણી પૂરું પાડવા 300 કરોડની જોગવાઈ

– અમદાવાદ, વડોદરા અને જેતપુરમાં ઔદ્યોગિક ગંદા પાણીના વહન માટે 2275 કરોડના પ્રોજેક્ટનું અમલીકરણ થશે, જેના માટે 758 કરોડની જોગવાઈ.

સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ માટે કુલ 4353 કરોડની જોગવાઈ

– વૃદ્ધ પેન્શન, નિરાધાર વૃદ્ધ યોજના અને વય વંદના અંતર્ગત 10 લાખ 95 હજાર નિરાધાર વૃદ્ધોને પેન્શન આપવા 1032 કરોડની જોગવાઈ

– 6.63 વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ આપવા 549 કરોડની જોગવાઈ

– 1.82 લાખ કન્યાઓને વિના મૂલ્યે સાઈકલ આપવા સરસ્વતી સાધના યોજના હેઠળ 71 કરોડની જોગવાઈ

– કુંવરબાઈનું મામેરું યોજના હેઠળ હવે 12 હજાર રુપિયા અપાશે, જેના માટે 40 કરોડની જોગવાઈ.

શહેરી વિકાસ અને ગૃહ નિર્માણ વિભાગ માટે 13,493 કરોડની જોગવાઈ

– ન.પા., મનપા અને શહેરી વિકાસ સત્તામંડળો માટે 4563 કરોડની જોગવાઈ

– અમદાવાદ સુરત, રાજકોટ, વડોદરા અને ગાંધીનગર મનપા તથા દાહોદ નપાને સ્માર્ટ સિટી હેઠળ 700 કરોડની જોગવાઈ

– અમદાવાદ-ગાંધીનગર તેમજ સુરત શહેરમાં મેટ્રો રેલ માટે 568 કરોડની જોગવાઈ

– 2022માં શહેરમાં સૌને ઘર આપવા માટે 55,000 આવાસો બનાવાશે, જેના માટે 900 કરોડની જોગવાઈ

– રાજકોટ, વડોદરા, ભાવનગર અને જામનગરમાં પણ મેટ્રો લાઈટ- મેટ્રો નીઓ જેવી નવી ટેક્નોલોજીવાળી મેટ્રો સેવા શરુ કરાશે, જેના માટે 50 કરોડ ફાળવાયા

પંચાયત, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ માટે 8796 કોરડની જોગવાઈ

– ગ્રામ્ય વિસ્તારોમાં રસ્તા, પાણી, ગટરની વ્યવસ્થા, આરોગ્ય અને શિક્ષણની પ્રાથમિક વ્યવસ્થા માટે 15મા નાણાંપંચ હેઠળ 2385 કરોડની જોગવાઈ

– માદરે વતન અને રુર્બન યોજના માટે 140 કરોડની જોગવાઈ

March 3, 2021
corona_india.jpg
1min287

ભારતમાં કોરોનાના ૮૪.૧૬ ટકા અથવા ૧.૬૮ લાખ સક્રિય દરદી પાંચ રાજ્યના હોવાની અને છ રાજ્ય તથા કેન્દ્રશાસિત પ્રદેશમાં સક્રિય દરદીની સાપ્તાહિક ટકાવારી રાષ્ટ્રીય સરેરાશ બે ટકા કરતા વધારે હોવાની માહિતી કેન્દ્રના સ્વાસ્થ્ય મંત્રાલયે મંગળવારે આપી હતી.

દેશના કોરોનાના કુલ સક્રિય દરદીમાંથી ૬૭.૮૪ ટકા દરદી તો મહારાષ્ટ્ર અને કેરળના છે.

જે છ રાજ્ય તથા કેન્દ્રશાસિત પ્રદેશમાં સક્રિય દરદીની સાપ્તાહિક ટકાવારી રાષ્ટ્રીય સરેરાશ બે ટકા કરતા વધારે છે, એમાં મહારાષ્ટ્ર, કેરળ, ગોવા, ચંડીગઢ, પંજાબ અને ગુજરાતનો સમાવેશ થાય છે. એમાંય સૌથી વધુ સાપ્તાહિક મહારાષ્ટ્રમાં ૧૦.૦૨ ટકા સક્રિય દરદીનો વધારો નોંધાયો હતો.

મંત્રાલયે જણાવ્યા અનુસાર ભારતમાં મંગળવારે સવારે ૮ વાગ્યા સુધીમાં કોરોનાના ૧૨,૨૮૬ નવા કેસ નોંધાયા હતા અને એ સાથે કુલ કેસની સંખ્યા વધીને ૧,૧૧,૧૨,૨૪૧ થઇ હતી.

હાલ ભારતમાં ૧,૬૮,૩૫૮ સક્રિય દરદી છે, જે કુલ દરદીના ૧.૫૧ ટકા થાય છે અને એમાંથી ૮૦.૩૩ ટકા સક્રિય દરદીઓ પાંચ રાજ્યના છે.

ગત ૨૪ કલાકમાં દેશના સૌથી વધુ કેસ મહારાષ્ટ્રમાં ૬,૩૯૭ અને ત્યાર બાદ કેરળમાં ૧,૯૩૮ કેસ નોંધાયા હતા.

દેશના સૌથી વધુ કેસ મહારાષ્ટ્રમાં ૪૬.૮૨ ટકા અને ત્યાર બાદ કેરળમાં ૨૮.૬૧ ટકા કેસ છે.

કેન્દ્ર સરકાર રાજ્યોને સતત કોરોનાની માર્ગદર્શિકાનું સખતાઇથી પાલન કરાવવાની સલાહ આપતી રહે છે અને કોરોનાનો રોગચાળો વધુ ન ફેલાય એ માટે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને સતત સલાહ અને સૂચનો આપતી રહે છે.

ભારતમાં કોરોનાના મંગળવાર સુધીમાં કુલ ૧,૦૭,૯૮,૯૨૧ દરદી સાજા થયા હતા અને સાજા થનાર દરદીની ટકાવારી ૯૭.૦૭ ટકા નોંધાઇ હતી. ગત ૨૪ કલાકમાં ૯૧ વ્યક્તિએ કોરોનાને કારણે પોતાના જીવ ગુમાવ્યા હતા અને એમાંથી મહારાષ્ટ્રમાં ૩૦ વ્યક્તિએ કોરોનાને કારણે જીવ ગુમાવ્યા હતા.

March 3, 2021
platform.jpg
1min296

મુંબઈ સહિત નવી મુંબઈમાં કોરોનાના કેસમાં નિરંતર વધારો થઈ રહ્યોે છે ત્યારે રેલવે સ્ટેશન પર ‘ક્રાઉડ કંટ્રોલ’ના ભાગરૂપે મુંબઈ મેટ્રોપોલિટન રિજન (એમએમઆર)ના મહત્ત્વના ટર્મિનસ ખાતે પ્લૅટફૉર્મ ટિકિટના ભાવ ૫૦ રૂપિયા લેવામાં આવશે, એમ સત્તાવાર જણાવાયું હતું.

કોવિડ-૧૯ મહામારી અને ઉનાળુ વેકેશનને કારણે મધ્ય રેલવેના સૌથી ગીચ-વ્યસ્ત સ્ટેશન પર પ્લૅટફૉર્મ ટિકિટનું ભાડું ૧૦ રૂપિયાના બદલે હવેથી ૫૦ રૂપિયા વસૂલાશે. મધ્ય રેલવેના ગીચ ટર્મિનસ પૈકી છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ (સીએસએમટી), દાદર, લોકમાન્ય ટિળક ટર્મિનસ (એલટીટી) સહિત મુંબઈ રિજનમાં થાણે, પનવેલ તથા ભિવંડી રોડ સ્ટેશન વગેરે ટર્મિનસ પર પ્લૅટફૉર્મની ટિકિટનું ભાડું રૂ. ૫૦ લેવામાં આવશે, એમ મધ્ય રેલવેના મુખ્ય જનસંપર્ક અધિકારી શિવાજી સુતારે જણાવ્યું હતું.

પ્લૅટફૉર્મ ટિકિટનું નવું ભાડું પહેલી માર્ચથી લઈને ૧૫મી જૂન સુધીના સમયગાળા દરમિયાન વસૂલવામાં આવશે. વેકેશનના સમયગાળા દરમિયાન કોવિડના કેસમાં વધારો થઈ રહ્યો હોવાથી સ્ટેશન પર પ્રવાસીઓની સંખ્યા નિયંત્રણમાં રાખવાના ઉદ્દેશને લઈ ઉપરોક્ત નિર્ણય લેવામાં આવ્યો છે. ફેબ્રુઆરીના બીજા અઠવાડિયાથી મુંબઈ શહેરમાં કોરોનાના કેસમાં વધારો થયો છે, જેમાં અત્યાર સુધીમાં મુંબઈમાં કોરોનાના ૩.૨૫ લાખથી વધુ કેસ નોંધાયા છે, જ્યારે મૃતકની સંખ્યા ૧૧,૪૦૦ થઈ છે.

March 1, 2021
gujarat_vidhansabha.jpg
1min306

ગુજરાત વિધાનસભાનું 31 દિવસિય બજેટ સત્ર આજરોજ તા. 1 માર્ચ 2021ને સોમવારથી શરુ થયું છે, આ સત્ર તા. 1લી, એપ્રિલ 2021ના દિવસે પૂરું થશે. આ સત્ર દરમ્યાનમાં 10 દિવસ રજાની રજા રહેશે અને 20 દિવસ ગૃહનું કામકાજ થશે.

સામાન્ય રીતે ગૃહની બેઠક’ પ્રથમ કે બીજા દિવસે સરકારનું બજેટ રજૂ થતું હોય છે પરંતુ આ વખતે બેઠકના પ્રથમ દિવસે જ રાજ્યના બે પૂર્વ મુખ્યપ્રધાનો અને 11 જેટલા પૂર્વ ધારાસભ્યોના નિધન બદલના શોક-પ્રસ્તાવો રજૂ થશે ત્યારબાદ ગૃહની બેઠક મુલતવી રહેશે.

બેઠકના બીજા દિવસે પાલિકા, જિલ્લા-તાલુકા પંચાયતોની ચૂંટણીના પરિણામો જાહેર થવાના હોવાથી રજા રહેશે. જ્યારે 3જી, માર્ચે ગૃહની બે બેઠક મળશે. જેમાં પ્રથમ બેઠકમાં જ લગભગ સવારના 11 વાગ્યાની આસપાસ રાજ્ય સરકારનું વર્ષ 2021-22નું વાર્ષિક બજેટ રજૂ કરાશે.

ચાલુ નાણાકીય વર્ષમાં સરકારનું બજેટનું કુલ કદ રૂ. 2.17 લાખ કરોડ જેટલું છે પરંતુ આ વર્ષમાં કોરોના-લોકડાઉનની અસરને કારણે સરકારની વેરાની આવકો ઘટી હોવાથી વર્ષ 2021-22નું કદ રુ. 2.30 કરોડની આસપાસ રહે તેવી સંભાવના છે.

રાજ્ય વિધાનસભાના આ વખતના બજેટ સત્રમાં સરકારને તેની કામગીરી બદલ ઘેરી શકાય તેવા મોંઘવારી, કોરોના, લોકડાઉન, મંદી, બેકારી ઉપરાંતના સંખ્યાબંધ મુદ્દાઓ છે. જેને લઈ વિપક્ષ કોંગ્રેસ, વર્તમાન સરકાર પર પસ્તાળ પાડી શકે છે પરંતુ તાજેતરની મહાનગરપાલિકાની ચૂંટણીઓમાં કોંગ્રેસના સંપૂર્ણ રકાશની સ્થિતિ જોતાં કોંગ્રેસના સભ્યોનું નૈતિક બળ તૂટયું છે અને તેનો ભરપૂર લાભ સત્તાધારી પક્ષ-ભાજપ ઉઠાવશે.

આ વખતના વિધાનસભાના સત્રની કામગીરી મુજબ, બેઠકના પ્રથમ દિવસે રાજ્યપાલ દ્વારા ગૃહને જે સંબોધન કરાશે, તેનો આભાર માનતી ચર્ચા 3 દિવસ સુધી ચાલશે ત્યારબાદ સરકારને હાલના ચાલુ બજેટ કરતાં જ્યાં વધુ ખર્ચ કર્યો હશે ત્યાં વધારાની રકમની માગણી કરતાં પૂરક બજેટ ઉપર 2 દિવસ સુધી ચર્ચા થશે. એવી જ રીતે નાણાપ્રધાન નીતિન પટેલ દ્વારા રાજ્ય સરકારનું જે વર્ષ 2021-22 માટેનું બજેટ રજૂ કરાશે. તેના ઉપર ગૃહમાં 4 દિવસ સુધી ચર્ચા કરાશે. 9 દિવસની આ ચર્ચાઓ બાદ રાજ્ય સરકારના 26 વિવિધ વિભાગોના બજેટ (માગણીઓ) પરની ચર્ચા આરંભાશે. જે 12 દિવસ સુધી ચાલશે. અંતે 31મી, માર્ચે રાજ્ય સરકારે રજૂ કરેલા બજેટ મુજબ તેને ખર્ચ કરવાની સત્તા આપતું વિનિયોગ વિધેયક રજૂ કરીને પસાર કરી દેવાશે. જ્યારે 1લી એપ્રિલના અંતિમ દિવસે સરકારી વિધેયકો અને છેલ્લા દિવસનો પ્રસ્તાવ રજૂ કરાશે. આ વખતના બજેટ સત્રમાં કુલ 4 દિવસ ડબલ બેઠકો યોજાશે. જેમાં સત્રના બીજા જ દિવસે રજા રહેવાની હોવાથી તે દિવસનું કામકાજ 3 માર્ચે બે બેઠક યોજીને પૂરું કરાશે. એવી જ રીતે 10 માર્ચ, 16 અને 23 માર્ચે બે બેઠક યોજાશે.

વિધાનસભાના આ બજેટ સત્ર દરમિયાન મુખ્યપ્રધાન વિજયભાઇ રૂપાણીએ જાહેર કર્યા મુજબ લવ જેહાદ ઉપરનું વિધેયક રજૂ કરાશે. જેમાં હિંદુ યુવતી સાથે મુસ્લિમ ઉપરાંત અન્ય કોઈપણ ધર્મના યુવક લગ્ન કરશે તો, તેના માટેની વ્યાખ્યા નક્કી કરાશે. જેની સામેની કાયદાકીય કાર્યવાહી માટેની પ્રક્રિયા, સક્ષમ સત્તા મંડળ રચાશે. જો, યુવક ગુનેગાર ઠરે તો, તેને સામે દંડનીય કે જેલની સજા સહિતની જોગવાઈઓ થશે. આ વિધેયક ઉપર ગૃહમાં ચર્ચા થશે અને અંતે તે બહુમતિથી પસાર કરાશે. આ ઉપરાંત ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટી (સુધારા) વિધેયક, ગુજરાત દીનદયાળ પેટ્રોલિયમ યુનિવર્સિટી (સુધારા) વિધેયક, ગુજરાત રાજવીત્તિય જવાબદારી (સુધારા) વિધેયક, ગુજરાત અગ્નિનિવારણ અને જીવન સુરક્ષા ઉપાય વિષયક (સુધારા) વિધેયક ઉપરાંત અન્ય 7 જેટલા વિધેયકો રજૂ કરાશે.

March 1, 2021
vaccine-1.jpg
1min268

દેશમાં પહેલી માર્ચ, સોમવારથી ૬૦ વર્ષથી મોટી ઉંમરના વરિષ્ઠ નાગરિકો અને ૪૫થી વધુ વયના અન્ય બીમારી ધરાવતા લોકોને કોરોનાની રસી આપવાનું શરૂ થવાનું છે, પણ અનેક વરિષ્ઠ નાગરિકો હજી આ રસી લેવા અંગે અવઢવમાં છે અથવા તેઓને પૂરતી જાણકારીનો અભાવ છે.

કોરોનાના રસીકરણનો બીજો સૌથી મોટો તબક્કો શરૂ થવાનો છે ત્યારે કેન્દ્ર સરકારે જણાવ્યું હતું કે ખાનગી હૉસ્પિટલો કોવિડ-૧૯ની રસી માટે વધુમાં વધુ અઢીસો રૂપિયા લઇ શકશે.

સરકારી આરોગ્ય કેન્દ્રોમાં રસીકરણ વિનામૂલ્યે કરવામાં આવશે, પણ ખાનગી આરોગ્ય કેન્દ્રોમાં લોકોએ રસી મુકાવવાના અઢીસો રૂપિયા આપવા પડશે.

સત્તાવાર સૂત્રોના જણાવ્યા અનુસાર રસીનો ભાવ રૂ. ૧૫૦ છે અને સર્વિસ ચાર્જ તરીકે ખાનગી હૉસ્પિટલો અને કેન્દ્રો વધુમાં વધુ રૂ. ૧૦૦ લઇ શકશે. આ રીતે ખાનગીમાં રસી મુકાવનારને કુલ રૂ. ૨૫૦નો ખર્ચ કરવાનો રહેશે.

કેન્દ્ર સરકારે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને આ બાબતની માહિતી આપી દીધી છે.

કેન્દ્ર સરકારે જણાવ્યું હતું કે ૬૦થી વધુ વયની બધી જ વ્યક્તિ અને એકથી વધુ રોગ ધરાવતી ૪૫થી વધુ વયની કોઇપણ વ્યક્તિ ૧લી માર્ચથી કોવિડ-૧૯ની રસી મુકાવી શકશે અને એ માટે તેઓ ત્રણ રીતે રજિસ્ટ્રેશન કરાવી શકશે.

રસીકરણ માટે પોતાનું નામ નોંધાવવાની રીતો આ પ્રમાણે છે: પહેલી રીત ઑનલાઇનની છે અને આ રીત હેઠળ લાભકર્તા અગાઉથી પોતાનું નામ ઑનલાઇન નોંધાવી શકશે. આ માટે એમણે કો-વિન ૨.૦ પોર્ટલ અથવા આરોગ્ય સેતુ જેવી અન્ય ઍપ મારફત પોતાનું નામ નોંધાવવાનું રહેશે. આ પોર્ટલ અને ઍપ્સ પર સરકારી તેમ જ ખાનગી રસીકરણ કેન્દ્રોના નામ, રસીકરણ માટે નિયત કરેલા સમય અને તારીખની માહિતી આપેલી હશે. વ્યક્તિ પોતાની મરજી પ્રમાણે સરકારી અથવા ખાનગી કેન્દ્રની પસંદગી કરીને અપોઇન્ટમેન્ટ બુક કરાવી શકશે.

બીજી રીત ઑનસાઇટ નોંધણીની છે. ઑનલાઇન નોંધણી ન કરાવી શકતી વ્યક્તિ રસીકરણ કેન્દ્ર પર જઇને પોતાનું નામ નોંધાવીને રસીકરણ કરાવી શકશે.

ત્રીજી રીત સંયુક્ત નોંધણીની છે અને એમાં ચોક્કસ જૂથનું રસીકરણ કરવા માટે નોંધણી કરવામાં આવશે. એ માટે બધાં જ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને પોતાની વ્યવસ્થા કરવા જણાવાયું છે.

રસી મુકાવવા માગતા લાભકર્તા સરકારી કેન્દ્રમાં રસી મુકાવે કે ખાનગી કેન્દ્રમાં, એમણે રસીકરણ કેન્દ્રમાં નીચે જણાવ્યામાંથી કોઇપણ એક ફોટો આઇડી કાર્ડ સાથે લઇ જવાનો રહેશે. માન્ય ફોટો આઇડી કાર્ડમાં આધાર કાર્ડ, મતદાતા ઓળખપત્ર, ઑનલાઇન નોંધણીની બાબતમાં નોંધણી વખતે જણાવેલો ચોક્કસ ફોટો આઇડી કાર્ડ.

૪૫થી વધુ વયની અને ૫૯ વર્ષ સુધીની બહુરોગ ધરાવતી વ્યક્તિ પાસે નોંધણીકૃત મૅડિકલ પ્રૅક્ટિશનર્સ દ્વારા રોગ વિશે પ્રમાણિત સર્ટિફિકેટ, રોજગારનું પ્રમાણપત્ર/સત્તાવાર આઇડી કાર્ડ (ફોટો અને જન્મતારીખ સાથેનો કોઇપણ એક) હોવું જરૂરી છે.

જે વ્યક્તિ સરકારી કેન્દ્રોમાં રસી મુકાવવા જશે, એમને મફતમાં રસી આપવામાં આવશે. ભારત સરકાર રસીની કિંમત ચૂકવશે. કેન્દ્ર સરકાર જરૂરી રસી ખરીદીને પ્રત્યેક રાજ્યોને મોકલશે. ખાનગી કેન્દ્રો રસીકરણ માટે રૂ. ૨૫૦ની ફી લેશે,

રસીકરણ માટેની ખાનગી સંસ્થાઓ અને હૉસ્પિટલોમાં જરૂરી સુવિધા વિશેના દિશાનિર્દેશ બધાં જ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને કેન્દ્રના સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા આપવામાં આવ્યા છે.

માહિતી અને પ્રસારણ પ્રધાન પ્રકાશ જાવડેકરે જણાવ્યું હતું કે વિશ્ર્વના સૌથી મોટા રસીકરણનો બીજો તબક્કો સોમવારથી શરૂ કરવામાં આવશે. આ તબક્કામાં ૬૦ વર્ષથી વધુ વયની કોઇપણ વ્યક્તિ (આપણા દેશમાં એ દસ કરોડથી વધુ નહીં હોય) અને ૪૫થી વધુ વયની વિવિધરોગ ધરાવતી વ્યક્તિને ૧૦,૦૦૦ સરકારી સારવાર કેન્દ્રો અને ૨૦,૦૦૦ ખાનગી હૉસ્પિટલોમાં રસી આપવામાં આવશે.

વિશ્ર્વનું સૌથી મોટું રસીકરણ ૧૬મી જાન્યુઆરીએ શરૂ થયું હતું અને ભારતે ૧,૦૭,૬૭,૦૦૦ વ્યક્તિને પહેલા અને ૧૪ લાખ વ્યક્તિને બીજા તબક્કામાં રસી આપી હતી.

એ તબક્કે મુખ્યત્વે સ્વાસ્થ્ય કર્મચારીઓને રસી આપવામાં આવી હતી અને એમને બધાને સરકાર દ્વારા મફતમાં રસી આપવામાં આવી હતી. ભારતમાં રસીકરણ સફળ રહ્યું છે અને ભાગ્યે જ કોઇ ફરિયાદ આવી છે.

February 27, 2021
vaccine-1.jpg
1min295

નાયબ મુખ્યમંત્રીએ આ સાથે સ્પષ્ટતા કરી છે કે આરોગ્ય વિભાગ દ્વારા માન્ય ખાનગી હોસ્પિટલોમાં કોરોના વેક્સિન આપવામાં આવશે. જેમાં રુ. 150 વેક્સિનની કિંમત પેટે અને રુ. 100 વહીવટી ચાર્જ સ્વરુપે એમ કુલ મળીને રુ. 250 પ્રતિ ડોઝ લેવામાં આવશે.

દેશની સાથે સાથે ગુજરાતમાં પણ પહેલી માર્ચથી એટલે કે સોમવારથી 60 વર્ષ કે તેથી મોટી ઉંમરના તેમજ 45થી 59 વર્ષના કો-મોર્બિડ કન્ડીશન ધરાવતા લોકોને કોરોના રસી આપવાની શરૂઆત થશે. રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જાહેરાત કરી છે કે, કોરોના વાયરસ સામે હેલ્થ વર્કર અને ફ્રન્ટલાઈન વર્કર્સનને રક્ષણ આપવા રસીકરણ અભિયાનની પૂર્ણાહુતિ સાથે જ હવે કેન્દ્ર સરકારના માર્ગદર્શન મુજબ રાજ્યમાં પહેલી માર્ચથી સામાન્ય નાગરિકો માટે પણ રસીકરણની પ્રક્રિયા શરું કરવાં આવશે. આ સાથે જ નાયબ મુખ્યમંત્રીએ ટ્વિટ કરીને જણાવ્યું છે કે કેન્દ્ર સરકાર દ્વારા સમાન્ય નાગરીકો માટે કોરોના વેકસીનની કિંમત નક્કી કરવામાં આવી છે જે અંતર્ગત ખાનગી હોસ્પિટલમાં કોરોના વેક્સિન લેવા માટે રુ. 250 ચૂકવવા પડશે જ્યારે સરકારી હોસ્પિટલમાં આ વેક્સિન વિનામૂલ્યે આપવામાં આવશે.

45થી 59 વર્ષની ઉંમરના કો-મોર્બિડ કન્ડીશન ધરાવતા નાગરિકો માટે 20 પ્રકારની ગંભીર બીમારી કેન્દ્ર સરકારે નિયત કરી છે. જેમાં એક વર્ષમાં હાર્ટ એટેક આવ્યો હોય, હાર્ટની ગંભીર બીમારી, જન્મજાત બીમારી, કેથેટર, સ્ટેન્ટ મૂકાયા હોય, કિડની અને લિવરની ગંભીર બીમારી, ડાયાબિટીસ, હાઈપરટેંશન અને એન્ઝાયટી એમ ત્રણ ભેગી બીમારી, કેન્સર, HIV, સિક્લસેલ, થેલેસેમિયા મેજરનો સમાવેશ થાય છે. જે લોકોને આ બીમારીની સારવાર ચાલતી હોય તેમણે રજિસ્ટ્રર્ડ મેડિકલ પ્રેક્ટિશનરનું સર્ટિફિકેટ પણ જોડીને રસીકરણ માટે રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે.

February 27, 2021
coronaupdate.jpg
1min594

ભારતમાં શુક્રવાર, તા.26 ફેબ્રઆરીનો દિવસ સતત ત્રીજો દિવસ છે જેમાં ચોવીસ કલાકની અવધિમાં કોરોનાના કુલ નવા 16.5 હજાર કરતા વધુ કેસ નોંધાયા છે. તેમજ એક જ દિવસમાં 114 જેટલા લોકો કોરોનાના કારણે મોત નિપજ્યા હતા.

શુક્રવારે ભારતના તમામ રાજ્યોમાં મળીને કુલ 16,581 કોરોના કેસ નોંધાયા હતા જ્યારે ગુરુવારે દેશમાં 16,605 કેસ નોંધાયા હતા. દેશમાં વધતા કોરોના કેસની રાજ્યો અનુસાર વાત કરવામાં આવે તો સૌથી વધુ ફાળો મહારાષ્ટ્રનો છે જ્યાં સતત ત્રીજા દિવસે 8000 કરતા વધુ નવા સંક્રમણના કેસ સામે આવ્યા છે. જોકે શુક્રવારે મહારાષ્ટ્રમાં ગુરુવાનાર આંકડા 8702 કરતા થોડા ઓછા 8333 નવા કોરોના કેસ નોંધાયા હતા. જ્યારે ત્યારબાદ કેરળમાં પણ ધડાધડ કેસ વધી રહ્યા છે. શુક્રવારે કેરળમાં 3671 કેસ નોંધાયા હતા.

ગુજરાતમાં પણ સતત કોરોના કેસ વધી રહ્યા છે. અહીં શુક્રવારે 460 નવા કોરોના કેસ નોંધાયા છે. નવા નોંધાયેલા કેસમાં અમદાવાદમાં 101, સુરતમાં 74, વડોદરામાં 109, રાજકોટમાં 67, ભાવનગરમાં 13, ગાંધીનગરમાં 10, કચ્છમાં 9, છોટા ઉદેપુર, ખેડા, મહીસાગર, પંચમહાલમાં 6-6 સહિત કુલ 460 કેસ નોંધાયા છે. જ્યારે વિધાનસભાની ચૂંટણી આવી રહી છે તેવા રાજ્ય તામિલનાડુમાં પણ કોરોના કેસ સતત વધી રહ્યા છે. રાજ્યમાં શુક્રવારે 481 નવા કોરોના કેસ નોંધાયા હતા.

રાજ્યમાં નવા કેસમાંથી અમદાવાદમાં 101, સુરતમાં 74, વડોદરામાં 109 તેમજ રાજકોટમાં દર્દીઓનો સમાવેશ થાય છે. જ્યારે રાજ્યમાં કુલ 2136 એક્ટિવ કેસમાંથી 38 દર્દીઓને વેન્ટિલેટર સપોર્ટ પર રાખવામાં આવ્યાં છે. જ્યારે 2098 સ્ટેબલ છે. રાજ્યમાં 24 કલાકમાં એકપણ દર્દી મોતને ભેટ્યો નથી જેથી હવે રાજ્યમાં કુલ મૃત્યુઆંક પણ 4408એ પહોંચ્યો છે.

રાજયમાં પાટણ અને ડાંગ એમ 2 જિલ્લાઓમાં કોરોનાનો એકપણ કેસ નોંધાયેલો નથી. જ્યારે વેક્સિનેશન પ્રક્રિયામાં અત્યાર સુધીમાં કુલ 8,20,700 વ્યક્તિઓને પ્રથમ ડોઝનું અને 1,65,538 વ્યક્તિઓને બીજા ડોઝનું રસીકરણ પૂર્ણ થયું છે. આ ઉપરાંત 24 કલાકમાં વધુ 315 દર્દીઓ કોરોનાને હરાવીને સ્વસ્થ થયા છે. જેથી રાજ્યમાં કુલ સ્વસ્થ દર્દીઓની સંખ્યા 2,62,487 થઈ છે.

February 26, 2021
election_voting.jpg
1min314
  • પશ્ચિમ બંગાળ,
  • આસામ,
  • કેરળ,
  • તમિલનાડુ અને
  • પુડુચેરીમાં વિધાનસભા ચૂંટણીની તારીખોની જાહેરાત થઈ ગઈ છે.

ચૂંટણી પંચે વિધાનસભા ચૂંટણીની તારીખોની જાહેરાત કરી છે. પશ્ચિમ બંગાળમાં 8 તબક્કામાં જ્યારે આસામમાં 3 તબક્કામાં વિધાનસભા ચૂંટણી યોજાશે. કેરળ, પુડુચેરી અને તમિલનાડુમાં સિંગલ ફેઝમાં તારીખ 6 એપ્રિલે મતદાન થશે.

તમામ 5 રાજ્યોની વિધાનસભા ચૂંટણીના પરિણામ તારીખ 2 મેના રોજ જાહેર થશે. આસામ અને પશ્ચિમ બંગાળમાં તારીખ 27 માર્ચે પ્રથમ તબક્કાનું મતદાન થશે. પશ્ચિમ બંગાળમાં તારીખ 29 એપ્રિલે 8મા અને અંતિમ તબક્કાનું મતદાન થશે. 5 રાજ્યોમાં કુલ મળીને 824 વિધાનસભા બેઠક માટે ચૂંટણી થશે. 18.6 કરોડ મતદાતા, 2.7 લાખ મતદાન કેન્દ્રો પર પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે.

કોરોના વાયરસની મહામારીને ધ્યાનમાં રાખતા ગાઈડલાઈન્સનું પાલન કરતા વૉટિંગ થશે અને તે માટેનો સમયગાળો 1 કલાક સુધી વધારવામાં આવ્યો છે. પુડુચેરીમાં કોઈ ઉમેદવાર મહત્તમ 22 લાખ રૂપિયા સુધી ચૂંટણી પ્રચાર પાછળ ખર્ચો કરી શકે છે. પણ, બાકીના 4 રાજ્યોમાં કોઈએક સીટ પર ઉમેદવાર મહત્તમ 38 લાખ રૂપિયાનો ખર્ચો કરી શકશે.

આસામમાં વિધાનસભા ચૂંટણી 3 તબક્કામાં યોજાશે. મતગણતરી 2 મેના રોજ થશે. જ્યારે કેરળમાં સિંગલ ફેઝમાં તારીખ 6 એપ્રિલે વિધાનસભા ચૂંટણી યોજાશે. તમિલનાડુમાં પણ તમામ 234 સીટો પર સિંગલ ફેઝમાં તારીખ 6 એપ્રિલે વિધાનસભા ચૂંટણી યોજાશે. જ્યારે પુડુચેરીમાં પણ એક તબક્કામાં તારીખ 6 એપ્રિલે વિધાનસભા ચૂંટણી માટેનું મતદાન થશે. જ્યારે પશ્ચિમ બંગાળમાં વિધાનસભા ચૂંટણી માટેનું મતદાન અલગ-અલગ 8 તબક્કામાં થશે.