CIA ALERT

બિઝનેસ Archives - Page 72 of 76 - CIA Live

July 9, 2018
dollarvsrupeee.jpg
1min4190

ડોલરમાં સતત મજબૂતાઈ, વિદેશી રોકાણપ્રવાહનો અભાવ અને ક્રૂડના ભાવમાં વૃદ્ધિની ચિંતાથી રૂપિયો ચાલુ સપ્તાહે ઘટીને 70 થવાનો અંદાજ બેન્કર્સે વ્યક્ત કર્યો છે. જોકે, RBI સ્થાનિક કરન્સીને ટેકો આપશે. ઉલ્લેખનીય છે કે, રૂપિયો 28 જૂને ડોલર સામે 69.10ની અત્યાર સુધીની નીચી સપાટીએ સ્પર્શ્યો હતો. તા.5 જુલાઇને ગુરુવારે તે 68.95 અને તા.6 જુલાઇને શુક્રવારે 68.87ના મથાળે બંધ રહ્યો હતો.

રૂપિયો થોડા સમય માટે 70ના સ્તરે પહોંચશે, પણ ત્યાં લાંબો સમય ટકે તેવી શક્યતા નથી.” એક બેન્ક ટ્રેઝરરના જણાવ્યા અનુસાર જે કંપનીઓને વિદેશી વેપારી ઋણ (ECB) ચૂકવવાનું છે તે પણ ડોલર એકત્ર કરી રહી છે. અન્ય એક બેન્કરે જણાવ્યું હતું કે, “RBI રૂપિયાને 69.30ના સ્તરની નીચે નહીં જવા દે. જોકે, આ સ્તર તૂટશે તો સ્થાનિક ચલણ ઝડપથી 70ને સ્પર્શશે.”

બેન્કના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે, ક્રૂડના ઊંચા ભાવને કારણે રાજકોષીય ખાધ વધવાની ચિંતા તેમજ ઓઇલ કંપનીઓ અને આયાતકારો તરફથી ડોલરની માંગની અસરને કારણે રૂપિયો દબાણમાં રહેશે.

રિઝર્વ બેન્કે હંમેશા જણાવ્યું છે કે, રૂપિયા માટે તેણે કોઈ ટાર્ગેટ નક્કી કર્યું નથી, પણ ચલણની વોલેટિલિટીને અંકુશમાં રાખવા તે ફોરેક્સ માર્કેટમાં દરમિયાનગિરી કરે છે. 29 જૂનના રોજ ભારતનું વિદેશી હૂંડિયામણ 406.058 અબજના સ્તરે હતું, જે RBI માટે ઘણું અનુકૂળ સ્તર છે.

વિશ્લષકોના જણાવ્યા અનુસાર ચીન અને અમેરિકા વચ્ચે ‘ટ્રેડ વોર’ના કારણે તમામ એશિયન કરન્સી પર દબાણ વધ્યું છે, પણ રૂપિયાનું પ્રદર્શન અત્યાર સુધીમાં સૌથી ખરાબ રહ્યું છે. ટ્રેડ વોરની ચિંતાના કારણે ભારતીય શેરબજારમાં વિદેશી રોકાણકારોના પ્રવાહમાં પણ ઘટાડો નોંધાયો છે.

બેન્ક ઓફ અમેરિકા મેરિલ લિંચના અહેવાલ મુજબ RBI દ્વારા વ્યાજદરમાં વૃદ્ધિ થાય ત્યારે રૂપિયાના મૂલ્યમાં ઘટાડો નોંધાયો છે. RBIએ 6 જૂને રેપો રેટ વધાર્યો ત્યારથી રૂપિયો 1.9 ટકા ઘટ્યો છે.

July 5, 2018
cry1.jpg
1min4860

જયેશ બ્રહ્મભટ્ટ

રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ ભારતની બેંકોને એક નિર્દેશ આપ્યો હતો કે તા.5મી જુલાઇ 2018ના દિવસે કામકાજના કલાકો પૂરા થાય ત્યાં સુધી કોઇપણ પ્રકારની ક્રિપ્ટોકરન્સીને સ્પર્શતા વ્યવહારો કરી શકાશે. એ પછી ભારતની કોઇપણ બેંક બીજી સૂચના ન મળે ત્યાં સુધી કોઇપણ ક્રિપ્ટોકરન્સીના કોઇપણ પ્રકારના વ્યવહારો કરી શકશે નહીં. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ આપેલી આ અવધિ આજે પૂરી થઇ ચૂકી છે. હવે પછી ભારતની કોઇપણ બેંક કોઇપણ પ્રકારના ક્રિપ્ટોકરન્સીને સંબંધિત કોઇપણ વ્યવહાર કરી શકશે નહીં. જોકે, અહીં સ્પષ્ટતા એ કરવાની કે ક્રિપ્ટોકરન્સી પર રિઝર્વ બેંક દ્વારા કોઇ પ્રતિબંધ મૂકવામાં આવ્યો નથી બલ્કે બેંકોને ક્રિપ્ટોકરન્સી અંગેનું કામ કરવા પર રોક મૂકવામાં આવી છે. એવું માનવામાં આવે છે કે રિઝર્વ બેંક થોડા સમયમાં ક્રિપ્ટોકરન્સી અંગેના કામો અંગે દિશાનિર્દેશ બહાર પાડશે.

ક્રિપ્ટોકરન્સી અંગેના વ્યવહારો કરવા અંગે રિર્ઝવ બેંક ઓફ ઇન્ડિયાએ ભારતીય બેંકોને આપેલી એક અવધિ તા.5મી જુલાઇ 2018ના બેંકિંગ કામકાજના કલાકો પૂર્ણ થવા સાથે પૂર્ણ થઇ ગઇ છે

ક્રિપ્ટો કરન્સી પર રિર્ઝવ બેંક ઓફ ઇન્ડિયાએ કોઇ પ્રતિબંધ નથી મૂક્યો, પણ બેંકોને અન્ય નીતિ નક્કી ન થાય ત્યાં સુધી ક્રિપ્ટોકરન્સી અંગેના કોઇપણ વ્યવહારો નહીં કરવા માટેની સૂચના આપી દીધી છે

અત્યાર સુધી એવું હતું કે કોઇપણ વ્યક્તિ ક્રિપ્ટોકરન્સી જેમ કે બીટ કોઇનની લે-વેચ ચોક્કસ એક્ષચેન્જ પરથી કરી શકતી હતી. આ પ્રક્રિયામાં બેંક સામેલ એટલા માટે હતી કે લે-વેચની રકમ જે તે એક્સચેન્જ સાથે સંકળાયેલી બેંક દ્વારા જ કરી શકાતી હતી. પણ હવે જુદા જુદા એક્સચેન્જ સાથે સંકળાયેલી હોવા છતાં બેંકો ક્રિપ્ટોકરન્સીનું કશું પણ કામ આજથી નહીં કરી શકે.

હવે શું થશે

ક્રિપ્ટોકરન્સીનું ડિલિંગ કરતા એક્સચેન્જીસ હવે કોઇપણ પ્રકારની ક્રિપ્ટોકરન્સી લે-વેચ કરવા માગતા લોકોને ફક્ત બીજા લે-વેચ કરનારાઓ સાથે મેળાપ કરાવી આપશે. જેને પીઅર ટુ પીઅર કહેવામાં આવે છે. પીઅર ટુ પીઅરમાં કોઇ વ્યક્તિ કોઇ ક્રિપ્ટોકરન્સીની લે-વેચ કરી શકશે પરંતુ, તેને નાણાં મળી શકશે નહીં કે તેના અકાઉન્ટમાં જમા થઇ શક્શે નહીં.

જેમની પાસે ક્રિપ્ટોકરન્સી છે અને તેમણે તેનું વેચાણ કરવું હશે તો જોખમી પરિબળો જેમકે બ્લેક માર્કેટમાં બેનંબરી કારોબાર કરતા લોકો થકી તેનું વેચાણ કરવું પડશે જે અસલામત ગણાશે.

ક્રિપ્ટોકરન્સીના એક્સચેન્જો કે ક્રિપ્ટોકરન્સી કંપનીઓને હવે પછી બેંકો લોન પણ નહીં આપી શકે અગર તો તેઓ કોઇપણ બેંકમાં કોર્પોરેટ અકાઉન્ટ પણ ચલાવી નહીં શકે.

સૌથી વ્યાપક અસર ક્રિપ્ટોકરન્સીના ધંધામાં નવા પ્રવેશનારાઓની થાય તેમ છે. ક્રિપ્ટોકરન્સીના ધંધાની ઝાકમઝોળથી અંજાઇને જેમણે આ ધંધામાં આવવું છે તેમણે ક્રિપ્ટોકરન્સી હવે પછી એક્સચેન્જ થકી નહીં પણ મોટાભાગે જોખમી પીઅર ટુ પીઅર સિસ્ટમથી ખરીદવી પડશે.

ભારતમાં હજુ પણ કેવી રીતે શક્ય બનશે ક્રિપ્ટોકરન્સીનો વેપાર

ભારતમાં હજુ પણ જો કોઇએ ક્રિપ્ટોકરન્સીનો વેપાર કરવો હશે તો તેઓ પે-પલ થકી અમેરિકન ડોલરમાં ચૂકવણી કરીને ખરીદી શક્શે અગર તો વેચી શકે તેમ છે. જોકે, આ પદ્ધતિ ખર્ચાળ નિવડે છે કેમકે પે-પલને તેના વ્યવહારુ ખર્ચ તેમજ અન્ય છુપા ખર્ચ ખરીદનારા કે વેચનારાઓએ ભોગવવા પડે છે અને આથી જ આ પદ્ધતિ ખર્ચાળ નિવડે છે.

 

July 4, 2018
share1.jpg
1min11450

શેરબજાર બીએસઈ બુધવારથી 222 કંપનીઓને ડિલિસ્ટ કરશે. આ કંપનીઓના શેર્સ પાછલા છ મહિના કરતાં વધારે સમયથી સસ્પેન્ડ રહ્યા છે. આ પગલું એવા સમયે ભરવામાં આવી રહ્યું છે જ્યારે સત્તાવાળાઓ શેલ કંપનીઓ પર ત્રાટકી રહ્યા છે. પાછલા વર્ષના ઓગસ્ટમાં સેબીએ શેરબજારોને 331 શંકાસ્પદ શેલ કંપનીઓ સામે પગલાં ભરવાનો આદેશ કર્યો હતો જ્યારે સરકારે બે લાખ કરતાં વધારે કંપનીઓની નોંધણી રદ પણ કરી દીધી છે કે જે ઘણા લાંબા સમયથી બિઝનેસ કામગીરી કરતી ન હતી.

એક સરક્યુલરમાં બીએસઇએ જણાવ્યું હતું કે, 210 કંપનીઓ છ મહિના કરતાં વધારે સમયથી સસ્પેન્ડેડ છે તેમને શેરબજારની ડિલિસ્ટિંગ કમિટીના આદેશનો અમલ કરીને ચાર જુલાઇ, 2018થી અમલમાં આવે તે રીતે એક્સ્ચેન્જના પ્લેટફોર્મ પરથી ડિલિસ્ટ કરવામાં આવશે.

છ કંપનીઓ- એશિયન ઈલેક્ટ્રોનિક્સ, બિરલા પાવર સોલ્યુશન, ક્લાસિક ડાયમન્ડ (ઈન્ડિયા), ઇનોવેટિવ ઇન્ડસ્ટ્રીઝ, પેરેમાઉન્ટ પ્રિન્ટ પેકેજિંગ અને SVOGL ઓઈલ ગેસ એન્ડ એનર્જી- જેને એનએસઈ દ્વારા ફરજિયાત ડિલિસ્ટ કરવામાં આવી છે તેને પણ બુધવારથી બીએસઈમાંથી ડિલિસ્ટ કરવામાં આવશે. કમ્પલસરી ડિલિસ્ટિંગ રેગ્યુલેશન અનુસાર, ડિલિસ્ટેડ કંપની, તેના પૂર્ણકાલિન ડિરેક્ટર્સ, પ્રમોટર્સ તથા જૂથ કંપનીઓને ફરજિયાત ડિલિસ્ટિંગની તારીખથી 10 વર્ષ માટે સિક્યોરિટી માર્કેટમાં ભાગ લેવા માટે પ્રતિબંધિત કરવામાં આવે છે.

આ ડિલિસ્ટેડ કંપનીઓના પ્રમોટર્સને બીએસઈ દ્વારા નિયુક્ત સ્વતંત્ર વેલ્યુઅર દ્વારા નક્કી કરવામાં આવેલી વાજબી કિંમતે પબ્લિક શેરધારકો પાસેથી શેર્સની ખરીદી કરવી પડે છે. વધુમાં આ કંપનીઓને માર્કેટના નિયમનકાર સેબી દ્વારા આપવામાં આવેલી સલાહ પ્રમાણે પાંચ વર્ષ માટે શેરબજારના ડિસમિનેશન બોર્ડ પર મુકવામાં આવે છે.

શેરબજારે અલગથી જણાવ્યું હતું કે, છ કંપનીઓ, જે છ મહિના કરતાં વધારે સમયથી સસ્પેન્ડ છે અને લિક્વિડેશન હેઠળ છે તેને પણ સમાન દિવસે ડિલિસ્ટ કરવામાં આવશે.

July 3, 2018
1min11200

વીમા કંપનીઓ કોઈ પણ સંજોગોમાં કરાયેલા દાવાઓને નકારી શકે નહીં. આ એક એવો કિસ્સો છે જેમાં વીમા કંપનીએ દાવાની રકમ ન ચૂકવવા માટે બનાવટી દસ્તાવેજો બનાવ્યા હતા.

કેસ સ્ટડી: ઈન્ડિયન ઓઈલ કોર્પોેરેશન (આઈઓસી) સાથે શિવશક્તિ કેરિયર્સ નોંધાયેલી ટ્રાન્સપોર્ટ કંપની હતી. તેણે એક ટેન્કરના માલિક સંજય અગ્રવાલ સાથે ટેન્કર ભાડે લેવાનો લાંબાગાળા સુધીનો કોન્ટ્રેક્ટ કર્યો હતો. ત્યાર બાદ શિવશક્તિએ ભાડે લીધેલા ટેન્કરનો ન્યૂ ઈન્ડિયા એશ્યોરન્સ પાસે રૂપિયા પાંચ લાખનો વીમો કઢાવ્યો હતો જેની ર0-02-2009થી 19-02-2010 સુધીની પોલિસી હતી.

ર3-07-2009ના રોજ, જ્યારે એ ટેન્કર 12 હજાર લિટર્સ ડિઝલ ભરીને ગૌહાતિમાં બેટકુચીથી મીસામારી ખાતે આવેલા આઈઓસીના ડેપો તરફ જઈ રહ્યું હતું ત્યારે ધુલા પોલીસ સ્ટેશનની હદમાં આવેલા થેકરાબારી ખાતે તેને અકસ્માત નડ્યો હતો. ટેન્કરમાં ભરેલો સંપૂર્ણ જથ્થો રોડ પર ઢોળાઈ ગયો હતો. પોલીસ ફરિયાદ કરવામાં આવી અને વીમા કંપનીને તે અંગે જાણ કરવામાં આવી. રૂ. 4 લાખ બે હજાર 120નો દાવો રજૂ કરવામાં આવ્યો.

દરમિયાન આઈઓસીએ પોતાનું નુકસાન શિવશક્તિ કેરિયર્સ પાસેથી વસૂલ કરી લીધું. તેમ છતાં વીમા કંપની એ દાવો તેણે આપેલી પોલિસી મુજબ મંજૂર ન કર્યો. વીમા કંપનીએ અકસ્માતની તારીખમાં ફરક આવતો હોવાનું જણાવી એ દાવો નકારી દીધો. જ્યારે વીમા ધારકે જણાવ્યું હતું કે, અકસ્માત ર1-07-09ના રોજ થયો હતો, પણ પોલીસે એ ર3-07-2009ના રોજ બનાવની નોંધ કરી હતી.

ત્યાર બાદ શિવશક્તિ કેરિયર્સે એ નકારાયેલા દાવાને કામરૂપ ડિસ્ટ્રિક્ટ ફોરમમાં પડકાર્યો હતો. વીમા કંપનીએ કેસ લડી હતી, અને તેણે, દાવાને નકારવામાં કંઈ ખોટું ન કર્યું હોવાનું જણાવ્યું હતું. સાક્ષીઓના પુરાવાઓને ધ્યાનમાં લીધા પછી ફોરમે ન્યૂ ઈન્ડિયા એશ્યોરન્સ કંપનીને, દાવાની રકમ રૂ. 4 લાખ બે હજાર 120 ઉપરાંત એ રકમ પર ફરિયાદની તારીખથી 12 ટકા વ્યાજ ચૂકવવાનો આદેશ આપ્યો હતો. એ ઉપરાંત રૂ. પાંચ હજાર વળતર પેટે અને રૂ. 10 હજાર દાવાના ખર્ચ પેટે ચૂકવવાનું જણાવ્યું હતું. અને તેના માટે ફોરમે બે મહિનાની મુદત આપી હતી. જો તેમાં વિલંબ થાય તો વળતર અને દાવાના ખર્ચની રકમ પર પણ 12 ટકા વ્યાજ ચૂકવવાનું પણ ફરમાવ્યું હતું.

ન્યૂ ઈન્ડિયાએ ફોરમના આદેશને આસામ સ્ટેટ કમિશન સમક્ષ પડકાર્યો હતો. કમિશને શિવશક્તિ કેરિઅર્સના નિવેદક તરીકે ત્રિભોવન ગૌરનું નામ હોવાનું જોવા મળ્યું હતું, જ્યારે શિવશક્તિના પ્રોપરાઈટર શિવ ચંદ્રગૌર હોવાથી એ દસ્તાવેજ વિવાદાસ્પદ હોવાનું નોંધ્યું હતું. એ દસ્તાવેજ વિશ્ર્વસનીય ન હોવાનું કમિશને નિરીક્ષણ કર્યું હતું.

કમિશને એવું સૂચવ્યું હતું કે, જો વીમા કંપનીને એમ લાગ્યું હતું કે, દાવો છેતરપિંડી ભર્યો છે તો તેણે વીમા ધારક વિરુદ્ધ પોલીસ ફરિયાદ કરવી જોઈતી હતી, પણ એવું કરવામાં આવ્યું નથી. કમિશને વધુમાં એવું પણ જણાવ્યું હતું કે, અકસ્માત થયો હોવાની વાત સાચી છે, કારણ કે આઈઓસી એ ટ્રાન્સપોર્ટર પાસેથી નુકસાનીની વસૂલાત કરી લીધી છે.

વીમા કંપનીની અપીલ કાઢી નાખતાં કમિશને એવું પણ નિરીક્ષણ કર્યું હતું કે, ન્યૂ ઈન્ડિયાએ દાવો ખોટો હોવાની અરજી કરી હતી કે ખરેખર તો જવાબદારી સામે આંખમિચામણાં કરવા સમાન હતી. એ દાવાની રકમ ચૂકવવા નહોતી માગતી. ન્યાયમૂર્તિ એ. હઝારિકા અને દિલીપ મહંતા તેમ જ રેણુ મહંતાની બનેલી બેંચે 8-05-2018ના રોજ આપેલા આદેશ દ્વારા ડિસ્ટ્રિક્ટ ફોરમના આદેશને માન્ય રાખ્યો હતો.

July 2, 2018
vswallmart2.jpg
1min11070

મલ્ટિ નેશનલ કંપની વૉલમાર્ટના ભારતમાં પગપેસારો કરવા સામે આજે તા.2 જુલાઇ 2018ને સોમવારે સવારથી જ  દેશભરના સાત લાખ વેપારી, ખેડૂતો સહિત રાજકીય સંગઠનો વિરોધ પ્રદર્શન કરવા શેરી પર ઉતરી આવ્યા છે, જેમાં સુરત, અમદાવાદ, મુંબઈ, દિલ્હી વગેરે મહાનગરોના હજારો વેપારીઓ રસ્તા પર ઉતરીને વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે.

વૉલમાર્ટ ફ્લિપકાર્ટનો ૭૭ ટકા હિસ્સો ખરીદવાની ડીલ થઈ છે ત્યારે વિદેશી કંપનીના ભારતમાં પગપેસારો કરવાથી ભારતના નાના-મોટા વેપારી, રિટેલ, હૉલસેલથી લઈને ખેડૂત વર્ગની આજીવિકા છીનવાઈ જાય એવા સંજોગ નિર્માણ થયા છે. ભારતની સૌથી મોટી ઓનલાઈન કંપનીના વેચાણને લઈને ભારતના વેપારી સંગંઠનોએ એક પછી એક સંબંધિત વિવિધ ઍજેન્સીઓમાં આની સામે ફરિયાદ નોંધાવતી પિટિશન કવાનું ચાલુ કરી દીધું છે. સરકારે આ વિવાદાસ્પદ ડીલને મંજૂરી આપવી નહીં એવી માગણી વેપારી સંસ્થાઓ દ્વારા થઈ રહી છે. આજના વિરોધ પ્રદર્શનમાં સંખ્યાબંધ ખેડૂત જમણેરી સંગઠનો તથા ટ્રેડ યુનિયનનો ટેકો મળે એવી શકયતા છે. લગભગ સાત લાખથી વધુ લોકો આ વિરોધપ્રદર્શનમાં જોડાયા હોવાનો અંદાજ છે.

July 2, 2018
rera.jpg
1min11870

ગુજરાતમાં રિયલ એસ્ટેટ રેગ્યુલેશન એક્ટ-૨૦૧૬ હેઠળ રિયલ એસ્ટેટ રેગ્યુલેટરી ઓથોરિટીની રચના થયા પછી બિલ્ડરો સામે ૯૪ જેટલી ફરિયાદો નોંધાઈ હતી. જેમાં ૮૧ જેટલા કસુરવાર બિલ્ડરોને કુલ રૂ.૭૯,૯૭,૫૦૦ રકમનો દંડ ફટકારવામાં આવ્યો છે.

રાજ્યમાં રિયલ એસ્ટેટ રેગ્યુલેશન એક્ટ મુજબ ૯૪ બિલ્ડરો સામે ફરિયાદો નોંધવામાં આવી હતી. બિલ્ડરો સામે ફરિયાદના કેસો ત્રણ પ્રકારના હોય છે. એલોટી અને પ્રમોટર વચ્ચેની ફરિયાદો જેમાં પ્રમોટર નિશ્ર્ચિત અવધિમાં મકાનનું પઝેશન ના આપતા હોય, કમિટમેન્ટ પ્રમાણે ગુણવત્તા જળવાતી ના હોય તેમજ મકાનનો કારપેટ એરિયા, કોમન એરિયામાં ગોલમાલ થઈ હોય. અત્યાર સુધીમાં જેટલી ફરિયાદો આવી હતી. જેનું મોટાભાગે નિરાકરણ કરી બિલ્ડરોને દંડ કરવામાં આવ્યો છે. રેરા કાયદાનું મુખ્ય હાર્દ જ ગ્રાહકોને રક્ષણ પૂરું પાડવાનું તથા બિલ્ડરો દ્વારા થતી છેતરપિંડી રોકવાનું છે, જેમાં બિલ્ડરો સામે ફરિયાદનું પ્રમાણ ઓછું છે, કદાચ રેરા કાયદા વિશે જાગૃતતાના અભાવને કારણે ઓછી ફરિયાદો આવી હતી.બીજી બે ફરિયાદો ઓથોરિટી દ્વારા સૂઓમોટો એટલે કે જાતે હાથ ધરવામાં આવી હતી. રેરામાં પ્રોજેક્ટ રજિસ્ટર્ડ થયા વિના તેની જાહેરાતો કે માકેર્ટિંગ થઈ શકતું નથી, એટલે રજિસ્ટ્રેશન વગર જાહેરાતો કરતા ૪૦ જેટલા બિલ્ડરોને પકડી તેમની પાસેથી દંડ વસૂલ કરવામાં આવ્યો હતો. જ્યારે રજિસ્ટ્રેશન વગર સ્કીમમાં બુકિંગ કર્યું હોય તેવા ૩૬ બિલ્ડરોને ઓથોરિટી દ્વારા સૂઓમોટો કાર્યવાહી કરી પકડવામાં આવ્યા હતા. અને એમનેય દંડ ફટકારવામાં આવ્યો હતો.

ઓથોરિટીની સ્થાપના પછી અત્યાર સુધી રાજ્યભરમાંથી ૩ હજાર જેટલા પ્રોજેક્ટ્સની અને ૬૦૦ જેટલા રિયલ એસ્ટેટ એજન્ટ્સની નોંધણી થઈ છે, જેમાં સ્વાભાવિક રીતે મેગાસિટી અમદાવાદમાં સૌથી વધુ ૧૨૬૪ પ્રોજેક્ટ્સ તથા ૩૬૮ એજન્ટ્સ નોંધાયા છે.

June 30, 2018
gst2.jpg
1min13300

બરાબર એક વર્ષ પહેલા કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે ભારતમાં ઐતિહાસિક ટેક્સ જીએસટી લાગૂ કર્યો હતો. કેન્દ્ર સરકારે ‘વન નેશન વનટેક્સના સ્લોગન સાથે સાથે તા. ૧-૭-૨૦૧૭ની અસરથી ભારતમાં GSTનો અમલ શરૂ કર્યો હતો. એક વર્ષ પછી પણ GST બાબતે કેન્દ્ર સરકારનું સ્ટેન્ડ મક્કમ નથી તો પછી જેના પર GST લદાયો છે એ વ્યાપારીઓનું તો પૂછવું જ શું. GSTના અમલના એક વર્ષમાં ૩૦૦થી વધુ સુધારા-વધારા અને કર માળખામાં ફેરફાર કરવામાં આવ્યા છે. GSTનો કાયદો હજુ અધિકારીઓ જ પુરી રીતે સમજી શક્યા નથી તો વેપારીઓની વાત જ શું કરવી. GSTને કારણે ભારતના વેપાર-ધંધા પર ઘેરી અસર થઇ છે અને ઇકોનોમી સ્લોડાઉનની સ્થિતિ સર્જાઇ હોવાના મત અર્થશાસ્ત્રીઓ આપી રહ્યા છે. સૌથી ઘેરી અસર સુરતના ટેક્સટાઇલ વ્યાપારીઓથી લઇને મેન્યુફેક્ચરર્સ પર પડી છે.

ટેક્સ ક્રેડિટ રિટર્ન કરવામાં આંખ મિચામણા

GSTના અમલના પગલે છેલ્લા એક વર્ષ દરમિયાન ભારતના વેપારીઓ અને એક્સપોર્ટર્સના ૧૦ લાખ કરોડ રૂપિયા સરકારી તિજોરીમાં ઠલવાઇ ચૂક્યા છે, પણ રિફંડ અંગે સરકાર મગનું નામ મરી પાડતી નથી. એકલા ગુજરાતની વાત કરીએ તો સરકારી તિજોરીમાં GST પેટે ગુજરાતના વેપારીઓના જ રૂ. ૨૦ હજાર કરોડનું રિફંડ બાકી છે.

GSTના અમલ ટાણે સતત ત્રણ મહિના સુધી તો વેપાર ધંધા જાણે કે ઠપ થઇ ગયા હતા. સરકાર જ્યારે GSTનો અમલ કરવા માગતી હતી તેના એક મહિના પહેલા સુધી તો કાયદા અને ધારાધોરણો પણ તૈયાર નહોતા. હવે GSTની જટિલ આંટીઘૂંટીમાં નાના વેપારીઓ અને જોબવર્ક કરવાવાળા અટવાઇ ગયા છે. GSTને લઇને એક વર્ષમાં ઘણા વેપાર-ધંધા બંધ થયા છે, બેરોજગારી વધી છે અને અર્થિક વિકાસ રૂંધાયો છે.

વ્યાપારીઓની સ્થિતિ

GSTના અમલના પગલે માર્કેટમાં લિક્વીડિટીની મહાસમસ્યા સર્જાવા પામી છે. બજારમાંથી રોકડ જ અદ્રશ્ય થઇ ગઇ હોય તેવી સ્થિતિ થતાં તેની આડઅસર વેપાર ધંધા ઉપર પડી રહી છે. વેપારીઓને દર મહિને GSTના જુદા જુદા રિટર્ન ભરવા માટે કલાકો સુધી કમ્પ્યૂટર સામે બેસી રહેવું પડે છે છતાં રિટર્ન ફાઇલ થઇ શકતું નથી. GSTમાં વેપારીઓ પોતાની ઓફિસમાં જ રિટર્ન ફાઇલ કરી શકે તેવી સુવિધા ઉભી કરવા પ્રયાસ થયા હોવાની વાતો થઇ રહી છે પરંતુ વાતો અને વાસ્તવિકતા જુદી જ છે.

પરિસ્થિતિ વધુ બગડી

સ્ટેટ GST દ્વારા ગુજરાતમાં ૬૦ સ્થળે દિવેલના વેપારીઓ, બ્રોકરો, દલાલો અને ટ્રાન્સપોર્ટરોને ત્યાં દરોડા શરૂ કરી દેવામાં આવ્યા છે. સ્ટેટ GSTની ટીમે અમદાવાદ, ડીસા, ઉંઝા, પાલનપુર, ગગલાસણ, ગોંડલ, છત્રાલ, રાજકોટ, કડી, કપડવંજ, ગાંધીધામ તથા કડીમાં આ દરોડા પાડતાં દિવેલના વેપારીઓ દોડતા થઇ ગયા છે. આ વેપારીઓ ખોટી રીતે ઇનપુટ ટેક્સ ક્રેડિટ મેળવતા હોવાથી તેમની ઓફિસોમાંથી જરૂરી દસ્તાવેજો જપ્ત કરી તપાસ શરૂ કરવામાં આવી છે.

June 30, 2018
Jio_Voda.jpg
1min10510

ભારતનાં ટેલિકોમ માર્કેટમાં આવકની બાબતમાં રિલાયન્સ જીઓ ઈન્ફોકોમ બીજા ક્રમની કંપની બની ગઈ છે અને તેણે વોડાફોન ઇન્ડિયાને ત્રીજા ક્રમે ધકેલી દીધી છે. માર્ચ-’18 ક્વાર્ટરમાં રિલાયન્સ જીઓની આવક 15 ટકા વધીને ₹6,217 કરોડ થઈ હતી.

માર્કેટની નં.-1 કંપની ભારતી એરટેલની આવક ડિસે.-’17 ક્વાર્ટરની સરખામણીએ 10 ટકા જેટલી ઘટીને ₹7,087 કરોડ થઈ હતી જેથી જીઓ અને એરટેલની આવક વચ્ચેનો ગેપ ઘણો ઓછો થયો છે. વોડાફોનની માર્ચ-’18 ક્વાર્ટરની આવક ₹4,937 કરોડ હતી જ્યારે ચોથા ક્રમની આઇડિયા સેલ્યુલરની આવક ₹4,033 કરોડ નોંધાઈ હોવાનું ટેલિકોમ નિયમનકાર ટ્રાઈના ડેટા પરથી જાણવા મળે છે.

મુકેશ અંબાણીની રિલાયન્સ જીઓએ ભારતમાં ટેલિકોમ બિઝનેસ શરૂ કર્યાના 19 મહિનાની અંદર જ વોડાફોનને આ‌વકની બાબતમાં પાછળ રાખી દીધી છે. વોડાફોન ગ્રાહકોની દૃષ્ટિએ ભારતની બીજા ક્રમની કંપની છે જ્યારે રિલાયન્સ જીઓ ચોથા ક્રમે છે.

રિલાયન્સ જીઓએ ફ્રી વોઇસ અને સાવ પાણીના ભાવે ડેટા સર્વિસ ઓફર કરીને ટેલિકોમ માર્કેટમાં ખળભળાટ મચાવી દીધો હતો અને તેના કારણે શરૂ થયેલી ગળાકાપ સ્પર્ધા હજુ પણ શમવાનું નામ નથી લેતી. જીઓની આક્રમક સ્પર્ધાને કારણે માર્કેટમાં કોન્સોલિડેશન શરૂ થયું હતું અને તમામ હરીફોની ખોટ વધી હતી.

ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયાના ડેટા પ્રમાણે, રિલાયન્સ જીઓની એડ્જસ્ટેડ ગ્રોસ રેવન્યુ (AGR) માર્ચ-’18 ક્વાર્ટરના અંતે વોડાફોન અને આઇડિયાની AGR કરતાં વધારે નોંધાઈ હતી.

જોકે, વોડાફોન અને આઇડિયા વચ્ચે ચાલી રહેલી મર્જર પ્રક્રિયા પૂરી થઈ ગયા બાદ અસ્તિત્વમાં આ‌વનારી નવી કંપનીની આવક ₹63,000 કરોડની થઈ જશે અને ગ્રાહકોની સંખ્યા પણ 43 કરોડે પહોંચી જશે, આમ આ કંપની માર્કેટની નં.-1 કંપની બની જશે અને તેની AGR ભારતી એરટેલ તથા રિલાયન્સ જીઓ કરતાં પણ વધી જશે.

સમગ્ર ઉદ્યોગને એક્સેસ સર્વિસિસમાંથી થતી AGRની વાત કરીએ તો વાર્ષિક ધોરણે તેમાં 12.57 ટકા જ્યારે ત્રિમાસિક ધોરણે 7.37 ટકાનો ઘટાડો થયો છે અને કુલ રેવન્યુ ₹35,697 કરોડે પહોંચી છે. ઉદ્યોગની તમામ કંપનીએ નેગેટિવ વૃદ્ધિદર નોંધાવ્યો છે જ્યારે એકમાત્ર જીઓની આવકમાં પોઝિટિવ વૃદ્ધિ થઈ છે.

રિલાયન્સ કોમ્યુનિકેશન્સ, ટાટા ટેલિસર્વિસિસ, ક્વોડ્રન્ટ અને ટેલિનોર જેવી કંપનીઓની આવકમાં તો સખત ઘટાડો થયો છે. આ કંપનીઓએ તેમનો બિઝનેસ બંધ કર્યો છે અથવા બંધ કરવાની તૈયારી કરી રહી છે. જીઓ સિવાય BSNLનું રેવન્યુ કલેક્શન ત્રિમાસિક ધોરણે 18 ટકા વધીને ₹2,128 કરોડ થયું છે.

June 28, 2018
share1.jpg
1min3440

બીએસઈ500 કંપનીઓમાંથી લગભગ 25 કંપનીઓએ આ વ્યાપક માર્કેટ પ્રવાહને પરાસ્ત કર્યો હતો તથા FY2017-18 સુધીના પાંચ વર્ષ દરમિયાન વાર્ષિક ધોરણે વધારે ઊંચો નફો અને વેચાણ વૃદ્ધિ નોંધાવી હતી.

શ્રીમ્પ ફીડ મેન્યુફેક્ચરર તથા નિકાસકાર અવંતિ ફીડ્ઝ આ યાદીમાં ટોચ પર છે. પ્રોફિટ ગ્રોથની પ્રોફાઈલ પર એક નજર કરીએ તો જણાય આવે છે કે FY18માં ₹446.50 કરોડનો નફો, FY17માં ₹215.70 કરોડ, FY16માં ₹157.50 કરોડ, FY15માં ₹115.90 કરોડ, FY14માં ₹70.40 કરોડ અને FY13માં ₹30.10 કરોડ નોંધાયો હતો. તેના ટર્નઓવરમાં પણ સમાન લાઈનમાં વધારો નોંધાયો હતો. આના કારણે જ એમા કોઈ શંકા નથી કે આ શેરમાં 5,508 ટકાનો ઉછાળો નોંધાયો છે. 25 જૂન, 2013ના રોજ આ શેરનું મૂલ્ય ₹9.30 હતું તે આ વર્ષના સમાન દિવસે તેનું મૂલ્ય ₹521.60 નોંધાયું હતું.  આઈસીઆઈસીઆઈ સિક્યોરિટીઝ અવંતિ ફીડ્સ માટે બુલિશ હતી. ભારતની શ્રીમ્પની નિકાસ મૂલ્યના સંદર્ભમાં મિડ-ટીનમાં વધા તેવી અપેક્ષા રાખવામાં આવે છે અને તેના લીધે અવંતિ સૌથી વધારે ફાયદો મેળવી શકે.  FY13-18 દરમિયાન 35 ટકા રિટર્ન ઓન ઈક્વિટી તથા 66 ટકા સરેરાશ પીએટી વૃદ્ધિ સાથે અવંતિની અર્નિંગ ગ્રોથ ટ્રેજેક્ટરી તીવ્ર ચડાવ ઉતાર પર જળવાઈ રહે તેવી અપેક્ષા રાખવામાં આવે છે, જો કે, FY19Eમાં નીચા માર્જિન ઘટાડો નોંધાવી શકે, તેમ આઈસીઆઈસીઆઈ સિક્યોરિટીઝે જણાવ્યું હતું. બ્રોકરેજે તાજેતરમાં અવંતી ફીડ પર ‘બાય’ રેટિંગ આપ્યું હતું.

ચાર અન્ય કંપનીઓ જેમણે સમાન દેખાવ કર્યો હતો તેમાં મેઘમણી ઓર્ગેનિક, કેએનઆર કન્સ્ટ્રક્શન, આરતી ઈન્ડસ્ટ્રીઝ અને કેપીઆર મિલનો સમાવેશ થાય છે, જેમના શેર્સ પાછલા પાંચ વર્ષ દરમિયાન 1,000 ટકા કરતાં વધારે ઉછળ્યા છે, કેમ કે કંપનીઓની ટોપલાઈન તથા બોટમલાઈન મજબૂત થઈ છે. બ્રોકરેજ આનંદ રાઠી આરતી ઈન્ડસ્ટ્રીઝ પર ₹1,489ના પ્રાઈસ ટાર્ગેટ સાથે પોઝિટિવ છે. કંપની સ્પેશિયાલિટી કેમિકલ્સ અને ફાર્મા પ્રોડક્ટ્સનું મેન્યુફેક્ચરિંગ કરે છે તથા વૈશ્વિક બજારમાં હાજરી ધરાવે છે. બ્રોકરેજનો અંદાજ છે કે FY19 માટે કંપની ₹410.80 કરોડનો નફો કરશે તથા FY20 માટે ₹554.50 કરોડનો ચોખ્ખો નફો નોંધાવશે.

રોડનું બાંધકામ કરતી કંપની કેએનઆર કન્સ્ટ્રક્શને પાછલા પાંચ વર્ષ દરમિયાન વેચાણમાં 2.5 ગણા કરતાં વધારે વૃદ્ધિ સામે નફામાં પાંચ ગણો વધારો નોંધાવ્યો હતો. એન્ટિક સ્ટોક બ્રોકિંગે નાણાકીય વર્ષ 2019 માટે કંપનીનો ચોખ્ખો નફો ₹207.70 કરોડ અંદાજ્યો છે તથા 2020 માટે કંપનીનો ચોખ્ખો નફો ₹216 કરોડ અંદાજ્યો છે, જેની સામે 2018 માટે કંપનીનો ચોખ્ખો નફો ₹243.50 કરોડ નોંધાયો છે. બ્રોકરેજ આ કંપની માટે ₹338ની ટાર્ગેટ કિંમત સાથે બાય રેટિંગ આપે છે.

બ્લુચિપ કંપનીઓ ઈન્ફોસિસ, એચડીએફસી બેન્ક, એચડીએફસી, મારૂતિ સુઝુકી અને કોટક મહિન્દ્રા બેન્કે પણ સતત પાંચમાં વર્ષે પણ નાણાકીય વર્ષ 2018માં ચોખ્ખા વેચાણમાં તથા ચોખ્ખા નફામાં વૃદ્ધિ નોંધાવી હતી. પાછલા પાંચ વર્ષ દરમિયાન આ કંપનીઓના શેર્સમાં 10 ટકાથી લઈને 500 ટકા સુધીનો વધારો નોંધાયો હતો.

મોતીલાલ ઓસવાલ એચડીએફસી, એચડીએફસી બેન્ક, કોટક મહિન્દ્રા બેન્ક, ઇન્ફોસિસ, મારૂતિ સુઝુકી અને એલઆઈસી હાઉસિંગ ફાઇનાન્સ માટે ‘બાય’ રેટિંગ ધરાવે છે.

સીસીએલ પ્રોડક્ટ્સ, એડલવાઈઝ ફાઇનાન્સિયલ સર્વિસિસ, નેટ્કો ફાર્મા, બ્રિટાનિયા ઈન્ડસ્ટ્રીઝ, ચોલામંડલમ્ ઈન્વેસ્ટમેન્ટ, ઓરોબિન્દો ફાર્મા અને સોલાર ઈન્ડસ્ટ્રીઝમાં જૂન 2013થી જૂન 2018 દરમિયાન 500 ટકાથી વધારે ઉછાળો નોંધાયો હતો.

એડલવાઇઝ ફાઇનાન્સિયલ સર્વિસિસનો નફો નાણાકીય વર્ષ 2018માં વધીને ₹890.10 કરોડ નોંધાયો હતો જે નાણાકીય વર્ષ 2013માં ₹178.50 કરોડ હતો, જ્યારે તેનું વેચાણ ₹2144.40 કરોડથી વધીને ₹8,405.10 કરોડ નોંધાયું હતું.

બ્રિટાનિયાનો નફો નાણાકીય વર્ષ 2018 માટે વધીને ₹1,000 કરોડથી વધારે હતો જે નાણાકીય વર્ષ 2013માં ₹259 કરોડ હતો. આ એફએમસીજી કંપની મજબૂત સ્થિતિમાં છે કેમ કે તે પ્રોસેસ્ડ ફૂડના સૌથી મોટા સેગમેન્ટમાં લિડરશિપ પોઝિશન ધરાવે છે જેનું માર્કેટ આશરે ₹30,000 કરોડનું છે.

મધરસન સુમી, જેએમ ફાઇનાન્સિયલ, પિડીલાઈટ ઈન્ડસ્ટ્રીઝ તથા યસ બેન્કમાં પણ વાર્ષિક ધોરણે નફામાં વધારા સાથે સતત પાંચમાં વર્ષે પણ વધારો જોવાયો હતો, પાછલા પાંચ વર્ષ દરમિયાન આ શેરની કિંમત 250-400 ટકા વધી હતી.

આ યાદીના અન્ય નામોમાં પીસી જ્વેલર્સ, એશિયન પેઇન્ટ, સન ટીવી અને એલઆઈસી હાઉસિંગ ફાઇનાન્સનો સમાવેશ થાય છે, જેમના શેર્સમાં સમાન ગાળા દરમિયાન 200 ટકા સુધીનો વધારો નોંધાયો હતો. એમકે ગ્લોબલ ફાઇનાન્સિયલ સર્વિસિસ ₹947ની ટાર્ગેટ કિંમત સાથે સન ટીવીમાં હોલ્ડ રેટિંગ ધરાવે છે.

June 27, 2018
whatpay3.jpg
1min12830

ભારતમાં લગભગ 10 લાખ લોકો વોટ્સએપની પેમેન્ટ્સ સર્વિસિસનું ટેસ્ટિંગ કરી રહ્યા છે. સંભવતઃ ટૂંક સમયમાં જ વ્હોટ્સ એપ થકી પેમેન્ટસ સિસ્ટમ શરૂ કરી દેવામાં આવશે. આ સુવિધા ખરીદી, મની ટ્રાન્સફર, ચૂકવણી વગેરેની સુવિધા પૂરી પાડશે અને જાણકારો કહે છે કે વ્હોટ્સ એપ જે રીતે પ્રચલિત છે એ જોતા તેની પેમેન્ટ સિસ્ટમ પણ દેશમાં પ્રચલિત અન્ય મોબાઇલ પેમેન્ટ સિસ્ટમના બાર વગાડી દેશે.

કંપનીના અધિકારીના જણાવ્યા અનુસાર વોટ્સએપ ભારત સરકાર, NPCI અને ઘણી બેન્કો સાથે પેમેન્ટ ફીચરના વિસ્તરણ માટે વધુ યુઝર્સ સાથે કામ કરશે.

વોટ્સએપ છેલ્લા કેટલાક મહિનાથી પેમેન્ટ સર્વિસિસનું ટેસ્ટિંગ કરી રહી છે. જોકે, તેણે લોન્ચિંગની તારીખ જાહેર કરી નથી, પણ જાણકારોના મતે કંપની આગામી કેટલાંક સપ્તાહમાં સર્વિસ લોન્ચ કરશે. વોટ્સએપના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, “ભારતમાં હાલ લગભગ 10 લાખ લોકો વોટ્સએપ પેમેન્ટ્સનું ટેસ્ટિંગ કરી રહ્યા છે. ફીડબેક બહુ પ્રોત્સાહક છે. લોકોને મેસેજ જેટલી જ સરળતાથી અને સુરક્ષિત રીતે નાણાં મોકલવાનું ગમી રહ્યું છે.”

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, “વોટ્સએપ ભારત સરકાર, નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા (NPCI) અને બેન્કો સાથે પેમેન્ટ સર્વિસને વધુ લોકો સુધી પહોંચાડવા સક્રિય છે.” યુનિફાઇડ પેમેન્ટ્સ ઇન્ટરફેસ (UPI) દ્વારા નાણાકીય ટ્રાન્ઝેક્શન્સ માટે વોટ્સએપને NPCI તરફથી બેન્કો સાથે જોડાણની મંજૂરી મળી ચૂકી છે. અગાઉ ચાલુ વર્ષે Paytmના સ્થાપક વિજય શેખર શર્માએ વોટ્સએપના UPI પેમેન્ટ પ્લેટફોર્મમાં સુરક્ષાનું જોખમ હોવાનો આરોપ મૂક્યો હતો.