દિનેશભાઇ નાવડીયાએ વાઇસ પ્રેસિડેન્ટ પદ માટે ઉમેદવારી નોંધાવી છે, પણ તેમની સાથે બીજા 16 ઉમેદવારોએ ઝુકાવ્યું છે
સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીમાં વાઇસ પ્રેસિડેન્ટની એક પોસ્ટ માટે યોજાનારી ચૂંટણીમાં આ વખતે પહેલી વખત ડાયમંડ ઉદ્યોગના પ્રતિનિધિને ચૂંટી કાઢવાની દરખાસ્ત સુરત ડાયમંડ એસોસીએશન દ્વારા કરવામાં આવી છે. સુરતના અર્થતંત્રમાં મોટું યોગદાન ધરાવતા ડાયમંડ ઉદ્યોગમાંથી જેમ્સ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલના વર્તમાન ચેરમેન શ્રી દિનેશભાઇ નાવડીયાએ દાવેદારી નોંધાવી છે.
સુરત ડાયમંડ એસોસીએશન દ્વારા આ મુજબનો પત્ર જારી કરવામાં આવ્યો છે.

એ પૂર્વે તા.1લી એપ્રિલ 2019ના રોજ ચેમ્બરમાં વાઇસ પ્રેસિડેન્ટની પોસ્ટ માટે યોજાઇ રહેલી ચૂંટણીમાં ઉમેદવારી કરવાની અંતિમ મુદત સુધીમાં કુલ 17 મેમ્બર્સે ઝંપલાવ્યું છે. આ મેમ્બર્સની નામાવલી માં
- દિનેશ નાવડીયા
- નીતિન ભરૂચા
- નિખીલ મદ્રાસી
- હિમાંશુ બોડાવાલા
- મહેશ વાણાવાલા
- અતુલ પાઠક
- રાજેન્દ્ર લાલવાલા
- બંદના ભટ્ટાચાર્ય
- ભદ્રેશ શાહ
- જનક પચ્ચીગર
- આશા દવે
- હરીવદન રાણા
- સુનીલ જૈન
- દિપક શેઠવાલા
વગેરે ઉમેદવારોનો સમાવેશ થાય છે. આગામી તા.6 એપ્રિલના રોજ ઉમેદવારી પરત કરવાની અંતિમ મુદત છે એ પછી પણ ચારેક ઉમેદવારો મેદાનમાં રહે તેવી શક્યતા જોવાય રહી છે. ચેમ્બરમાં વાઇસ પ્રેસિડેન્ટ પદ માટે આ વખતે ત્રિપાંખીયો જંગ નહીં પણ બહુંપાંખીયો જંગ ખેલાય તેવી ભીંતી વર્તાય રહી છે.
ચેમ્બર ઓફ કોમર્સના માજી પ્રેસિડેન્ટ બી.એસ. અગ્રવાલએ તાજેતરમાં મેનેજિંગ કમિટીની ચૂંટણીમાં બાંયો ચઢાવીને છેવટે પાણીમાં બેસી ગયા હતા. પરંતુ, આ ઘટનાના એવા પ્રત્યાઘાત ચેમ્બરના વહીવટ પર પડ્યા છે કે હવે દરેક તબક્કે જ્યાં પોસ્ટ-પદ વહેંચવાની વાત આવશે ત્યાં ચૂંટણી વગર નિવેડો નહીં આવે એવો ટ્રેન્ડ સેટ થઇ ગયો છે. આ વખતે પણ વાઇસ પ્રેસિડેન્ટ પદ માટે ઉમેદવારી નોંધાવનારા દાવેદારોનો મૂડ એવો જ છે કે હારી જઇએ તો હારી જઇએ પણ ચૂંટણી તો લડવી જ છે. આ વખતે પાસ્ટ પ્રેસિડેન્ટસને સર્વસંમતિ સધાવામાં ઝાઝી સફળતા મળે તેમ જણાતું નથી.
















