ભારતના શેરબજારો નવા નવા તળિયા રોજ શોધી રહ્યા છે અને રોકાણકારોના કરોડો રૂપિયા રોજેરોજ ધોવાય રહ્યા છે. આજે તા.1લી ઓગસ્ટ 2019ના દિવસે બપોરે સાડાબાર વાગ્યે સેન્સેક્સ 475 અંક અને નિફ્ટ 110 અંક ડાઉન જોવાયા હતા.
ભારતીય શેરજારમાં બીએસઈનો સેન્સેક્સ 468 અંક ઘટ્યો છે. જે 37, 103ના સ્તર પર પહોંચ્યો છે. જ્યારે એનએસઈના સૂચકાંક નિફ્ટીમાં પણ ઘટાડો જોવા મળી રહ્યો છે. જે 106.60 અંક ડાઉન છે અને તે 10, 978.80 પર પહોંચ્યો છે. એનએસઈના નિફ્ટીમાં સામેલ 50માંથી 42 કંપનીઓ ઘટાડા સાથે કારોબાર કરી રહી છે. માત્ર 8 જ શેર લીલા નિશાનમાં છે. જ્યારે બીએસઈના 30માંથી 27 શેર ઘટાડા સાથે કારોબાર કરી રહ્યા છે.
BSE સેન્સેક્સમાં સામેલ જે શેરોમાં આજે સૌથી વધારે ઘટાડો જોવા મળી રહ્યો છે તેમાં વેદાંતા, ટાટા મોટર્સ, યસ બેન્ક, ઈન્ફોસિસ, એલ એન્ડ ટી સામેલ છે. નિફ્ટીમાં સામેલ 50 શેરોમાંથી સૌથી વધુ ઘટાડો ઝીલ, જેએસડબલ્યૂ સ્ટીલ, ટાટા મોટર્સ અને હિંડાલ્કો સામેલ છે.
ભારતીય શેર બજારમાં ભલે આજે ભારે ઘટાડો જોવા મળ્યો હોય પરંતુ કેટલાક શેર્સ એવા પણ છે જે વધારા સાથે કારોબાર કરી રહ્યા છે. જેમાં ભારતી ઈન્ફ્રાટેલ, પાવરગ્રિડ, વિપ્રો, બજાજ ફિન્સર્વ અને મારુતિ સુઝુકીનો સમાવેશ થાય છે.
જો તમે વિવિંગ ઇન્ડસ્ટ્રીઝ સાથે સંકળાયેલા હોવ અને કંઇક નવું કરી છૂટવાની તમન્ના ધરાવતા હોવ તો આગામી તા.3થી 5 ઓગસ્ટ દરમિયાન સરસાણા એક્ઝિબિશન એન્ડ કન્વેન્શન સેન્ટર ખાતે સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીઝ દ્વારા આયોજિત યાર્ન એક્ષ્પો 2019ની મુલાકાત જરૂર લેજો અને તેમાં પણ જો સગવડ થાય તો શનિવાર તા.3 ઓગસ્ટ 2019ની સાંજે એ જ સ્થળે આયોજિત શહેરના પ્રતિષ્ઠિત ટેક્સટાઇલ ઉદ્યોગ, લિબર્ટી ગ્રુપ (રિઘન ફેશન) દ્વારા આયોજિત ફેશન શૉ ની મુલાકાત જરૂર લેજો.
લિબર્ટી ગ્રુપ (રિઘન) આયોજિત ફેશન શૉ એ દર્શાવશે કે ફાઇબર ટુ ફેશન બનવા માટે સુરત અને સુરતના ઉદ્યોગપતિઓ, કારખાનેદારોમાં પોટેન્શિયલ છે, બસ ફક્ત જરૂર છે કેટલાક પગલાં ભરવાની.
લિબર્ટી ગ્રુપ (રિઘન ફેશન) ના ફેશન શૉ અંગે સંસ્થાના શ્રી દિનેશભાઇ ધનકાનીએ જણાવ્યું હતું કે ફેશન શૉમાં રેમ્પ પર કેટવૉક કરનાર મોડેલ્સ એવા ગારમેન્ટસનું નિદર્શન કરશે કે જે મલ્ટી બ્લેન્ડ યાર્નમાંથી બન્યા હશે. કેટલાક એવા પણ વસ્ત્રો હશે જે વિસ્કોસ ફિલામેન્ટ યાર્નમાંથી બનાવવામાં આવ્યા હશે.
ટેક્સટાઇલ ઉદ્યોગ જે બીબાઢાળ અને પરંપરાગત બ્લેન્ડ યાર્નથી ફેબ્રિક્સ બનાવે છે તેમાંથી બહાર નીકળીને આકર્ષક પરીણામો મલ્ટી બ્લેન્ડ યાર્નના ઉપયોગથી કેવી રીતે મળે એનું નિદર્શન આ ફેશન શૉમાંથી થશે.
લિબર્ટી ગ્રુપ (રિઘન)ના ફેશન શૉ ના આયોજક શ્રી દિનેશભાઇએ જણાવ્યું હતું કે ફેશન શૉ માં ડિસ્પ્લે થનાર ગારમેન્ટ્સના ફેબ્રિક્સ અલગ અલગ વિસ્કોસ ફિલામેન્ટ યાર્નના વિવિધ ડેનિયર કેવી રીતે બની શકે એ પણ જાણી શકાશે. વિસ્કોસ ફિલામેન્ટ યાર્નની સાથે ફેબ્રિક્સમાં અન્ય યાર્ન જેમકે કોટન, મોડાલ, લીનન અને એર ટેક્ષ્ચ્યુરાઇઝ્ડ યાર્નનો પણ ઉપયોગ કરીને આકર્ષક ફેબ્રિક બનાવવામાં આવ્યા છે, તેમાંથી વસ્ત્રો તૈયાર કરાયા છે અને એ વસ્ત્રો પરિધાન કરીને ફેશન શૉ માં મોડેલ્સ તેને ડિસ્પ્લે કરશે.
આ ઉપરાંત સ્પેશ્યલાઇઝ્ડ યાર્નમાં સિલ્ક કટ યાર્ન, ડલ યાર્ન અને મલ્ટી ફિલામેન્ટ યાર્નના ઉપયોગથી બનાવવામાં આવેલા ફેબ્રિક્સનું મોડેલ્સ દ્વારા પ્રદર્શન કરવામાં આવશે.
ટૂંકમાં કહીએ તો મલ્ટી બ્લેન્ડ યાર્નના ઉપયોગથી કેવા ક્રાંતિકારી ફેબ્રિક્સ તૈયાર કરીને સીધા ફાઇબર ટુ ફેશન કન્વર્ઝન કરી શકાય એ જો જોવું જાણવું હોય તો તા.3 ઓગસ્ટને શનિવારે યાર્ન એક્ષ્પોમાં યોજાઇ રહેલા લિબર્ટી ગ્રુપ (રિઘન ફેશન) ના ફેશન શૉ ને અવશ્ય નિહાળવો પડશે.
રિઘન ફેશન શૉ ના આયોજક અંગે
રિઘન ફેશન પ્રાઇવેટ લિ. એ સુરતના ટેક્સટાઇલ ઉદ્યોગમાં જાણીતી કંપની છે. તેમની લિબર્ટી ગ્રુપ બ્રાન્ડ ટેક્સટાઇલ ઉદ્યોગમાં ક્વોલિટી માટે જાણીતી છે. આ કંપનીના ચેરમેન શ્રી દિનેશભાઇ ધનકાની છે જેઓ ચેમ્બરના યાર્ન એક્ષ્પો 2019માં ફેશન શૉ નું આયોજન કરી રહ્યા છે.
સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા આગામી તા.3થી 5 ઓગસ્ટ દ્વારા ટેક્સટાઇલ નગરી સુરત ખાતે મલ્ટીપર્પઝ યાર્ન એક્ષ્પો 2019નું આયોજન સરસાણા સ્થિત ધી સુરત ઇન્ટરનેશનલ એક્ઝિબિશન એન્ડ કન્વેન્શન સેન્ટર ખાતે કરવામાં આવ્યું છે.
3થી 5 ઓગસ્ટ સુધી સરસાણા એક્ઝિબિશન સેન્ટર ખાતે યાર્ન એક્ષ્પો 2019નું આયોજન
હાલ ચોમાસાનો સમયગાળો છે આમ છતાં યાર્ન એક્ષ્પોનું આયોજન કેમ એવા પ્રશ્નનો ઉત્તર આપતા ચેમ્બર પ્રમુખ શ્રી કેતનભાઇ દેસાઇએ જણાવ્યું કે હાલમાં સુરતનો ટેક્સટાઇલ ઉદ્યોગ જે તબક્કા અને અવસ્થામાંથી પસાર થઇ રહ્યો છે એમાંથી બહાર આવીને પ્રોફિટ મેકિંગ સુધી લઇ જઇ શકે એ પ્રકારનો યાર્ન એક્ષ્પો છે. કેમકે આજે અનેક પ્રકારના યાર્ન અને તેમાંથી અનેક પ્રકારના આકર્ષક ફેબ્રિક કેવી રીતે બને તેનું પણ નિદર્શન યાર્ન એક્ષ્પોમાં કરવામાં આવ્યું છે. આમ જો વિવર્સ યાર્ન એક્ષ્પોનો યોગ્ય રીતે લાભ ઉઠાવે તો હાલના મંદીના સમયગાળામાં પણ તેઓ પ્રોફિટ મેકિંગ સુધી પહોંચી શકે તેમ છે.
ચેમ્બર પ્રમુખ શ્રી કેતન દેસાઇએ ઉમેર્યું કે યાર્ન એક્ષ્પો 2019 જે ગત વર્ષે કરવામાં આવ્યો હતો તેનાથી આ વખતે બમણી જગ્યામાં એક્ઝિબિટર્સ આવ્યા છે. દેશના અનેક નામી અનામી યાર્ન પ્રોડ્યુસર્સ સુરતમાં યોજાનારા યાર્ન એક્ષ્પોમાં ભાગ લઇ રહ્યા છે જેઓ પોતાની અવનવી પ્રોડક્ટસથી સુરત સમેત દક્ષિણ ગુજરાતના વિવર્સ અને ટેક્સટાઇલ ઉદ્યોગકારોને વાકેફ કરશે.
ચેમ્બરના એક્ઝિબિશન સેલના હેડ શ્રી દેવેશભાઇ પટેલે જણાવ્યું કે કુલ 10 હજાર ચો.મી. જગ્યા પર 90થી વધુ દેશના યાર્ન પ્રોડ્યુસર્સ પોતાના સ્ટોલ્સ લગાડીને વિવિંગ ઉદ્યોગકારો, કારખાનેદારોને પોતાની પ્રોડક્ટથી વાકેફ કરશે. આ પ્રદર્શનમાં રિલાયન્સ, ભિલોસા ઇન્સ્ટ્રીઝ, વેલનોન પોલીયેસ્ટર્સ, પરફેક્ટ ફિલામેન્ટસ, શાહલોન ગ્રુપ, ગ્રાસિમ ઇન્ડસ્ટ્રીઝ, આરએસડબલ્યુએમ લિ., નિમ્બાર્ક ફેશન્સ, સેન્ચુરી એન્કા, મધુસુદન ગ્રુપ, એ.આર. કોર્પોરેશન, ભુમિ યાર્ન, ડી.એન.એચ. સ્પીનર્સ, દોઢીયા સિન્થેટિક્સ, કે.કે.પી. સ્પીનીંગ મિલ્સ, કોમલ ઇન્ડસ્ટ્રીઝ, લક્ષ્મી ડાય યાર્ન, લેન્ઝીંગ, મહારાજા ઇન્ડસ્ટ્રીઝ, મેહેર ઇન્ટરનેશનલ, પાલ્લવ ગ્રુપ, રીઘન ફેશન્સ, શ્રી દુર્ગા સિન્ટેક્ષ, શ્રી દામોદર યાર્ન, શ્રઈ મુનિવર સ્પીનીંગ મિલ્સ, તનુશ્રી ઇન્ટરનેશનલ, આનંદ રેયોન, પીરામીડ ગ્રુપ વગેરે જાણીતા ઉત્પાદકો ભાગ લઇ રહ્યા છે.
નેચરલ અને મેનમેડ ફેબ્રિક્સમાં આવી રહેલા પરિવર્તનો અને વિકાસને દર્શાવતા કોટન, પોલીસ્ટર, વુલ, સિલ્ક, લિનન, વિસ્કોસ, રેમી અને સ્પાન્ડેક્ષ વગેરે ઉત્પાદનો પ્રદર્શિત કરવામાં આવશે એમ જણાવતા યાર્ન એક્ષ્પોના ચેરમેન શ્રી ગીરધરગોપાલ મુંદડાએ જણાવ્યું હતું કે આ ઉપરાંત ઇલાસ્ટીક, મેટાલિક, એમ્બ્રોઇડરી, ટેક્ષ્ચર્ડ, સ્લબ, ડોપ ડાઇન સ્પન, લો ટોર્ક અને ફેન્સી મિલેન્જ જેવા વિવિધ સ્પેશ્યાલિટી ફાઇબર પણ જોવા મળશે.
સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાએ તેના ફિક્સ્ડ ડિપોઝીટના વ્યાજદરમાં ઘટાડો કર્યો હતો. નવા વ્યાજદર પહેલી ઓગસ્ટથી અમલમાં આવશે. બેન્કના જણાવ્યા મુજબ, ઘટતા જતા વ્યાજદર અને સરપ્લસ લિક્વિડીટીના કારણે આ નિર્ણય કરવામાં આવ્યો છે. બેન્કે લાંબા ગાળાની ફિક્સ્ડ ડિપોઝીટમાં રીટેલ સેગમેન્ટમાં ૨૦ બેઝીસ પોઈન્ટનો ઘટાડો કર્યો છે, જયારે બલ્ક સેગ્મેન્ટમાં ૩૫ બેઝીસ પોઈન્ટ ઘટાડ્યા છે. તેવી જ રીતે ૧૭૯ દિવસ કે તેથી ઓછા સમય માટેની ડીપોઝીટમાં ૫૦-૭૫ બેઝીસ પોઈન્ટનો ઘટાડો કરવામાં આવ્યો છે.
રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા દ્વારા રેપો રેટમાં ઘટાડાના પગલે ઘણી સરકારી અને ખાનગી બેન્કોએ ફિક્સ્ડ ડિપોઝીટના વ્યાજદરમાં ઘટાડો કર્યો છે. આ મહિનામાં અગાઉ એચડીએફસી, એક્ઝિસ બેન્ક, કોટક મહિન્દ્ર, પંજાબ નેશનલ બેન્ક અને બેન્ક ઓફ બરોડાએ પણ પોતાના ફિક્સ્ડ ડિપોઝીટના વ્યાજ દરમાં ઘટાડો કર્યો હતો. ચાલુ વર્ષે રિઝર્વ બેન્કે અત્યાર સુધીમાં ૭૫ બેઝીસ પોઈન્ટનો ઘટાડો કર્યો છે.
જીએસટી કાઉન્સિલે ઇલેક્ટ્રિક વાહન પરનો જીએસટી દર ૧૨ ટકાથી ઘટાડીને પાંચ ટકા કર્યો હતો. કાઉન્સિલની બેઠક શનિવારે મળી હતી. ડ્યૂટી ઘટાડો ૧ ઑગસ્ટથી અમલી બનશે. કાઉન્સિલે ઇવીચાર્જર પરનો જીએસટી ૧૮ ટકાથી ઘટાડીને ૫ ટકા કર્યો છે.
ઇલેક્ટ્રિક વાહન પરના જીએસટી ઘટાડાના પગલાંને સોસાયટી ઑફ મેન્યુફેકચર્સ ઑફ ઇલેક્ટ્રિક વ્હિક્લ્સે આવકાર્યુ હતું. ઇકોફ્રેન્ડલી વાહનને પ્રમોટ કરવા સરકારના નિર્ણયને અનુરૂપ કાઉન્સીલે આ પગલું લીધું છે.
સોસાયટીના ડીરેક્ટર જનરલ સોહિન્દર ગીલે જણાવ્યું હતું કે જીએસટી દરમાં ઘટાડો થતાં ઇલેક્ટ્રિક વાહનો અને ઇન્ટરનલ કોમ્બસ્ટન એન્જિન વ્હિકલના ભાવ ફરકમાં ઘટાડો આવશે. ઇલેક્ટ્રિક વાહનોને પ્રમોટ કરવા સરકાર સતત પ્રયત્નશીલ છે.
સ્પેર બેટરીમાં ૧૮ ટકા જીએસટી છે તેમાં ઘટાડો થાય તેવી અપેક્ષા રખાઇ છે.
સિવિલ એવિયેશન પ્રધાન હરદીપસિંહ પુરીએ લોકસભાને જણાવ્યું હતું કે ભારતના વિમાનમાર્ગે પ્રવાસ કરતા પ્રવાસીઓની વાર્ષિક સંખ્યામાં ધરખમ વધારો થઇ રહ્યો છે અને આવનાર વર્ષોમાં એ એક અબજની સપાટી વટાવશે.
એમણે લોકસભાને ગુરુવારે વધુમાં જણાવ્યું હતું કે લખનઊ અને અમદાવાદ સહિત સરકારે દેશના છ હવાઇમથકના ખાનગીકરણનો નિર્ણય લીધો છે.
છમાંથી ત્રણ હવાઇમથક અદાણી જૂથને આપવામાં આવ્યાં છે, અન્ય બે વિશે પણ નિર્ણય લેવાઇ ગયો છે. અદાણીએ ત્રણે હવાઇમથક બીડ કરીને મેળવ્યા હતા.
સરકારે ૨૦૧૮માં અમદાવાદ, જયપુર, લખનઊ, ગુવાહાટી, મેંગલુરુ અને થિરુવનથપુરમના ખાનગીકરણનો નિર્ણય લીધો હતો.
હાલ વાર્ષિક દરે હવાઇ યાત્રા કરનાર યાત્રીઓની સંખ્યા ૩૪૫ મિલિયન જેટલી છે અને જે દરે વિકાસ થઇ રહ્યો છે, એ પરથી ટૂંક સમયમાં એક અબજનો આંકડો પસાર કરશે.
ગયા વર્ષે પણ સોનાએ નિફ્ટી કરતાં ઊંચું રિટર્ન આપ્યું હતું. એવી જ રીતે ચાલુ કેલેન્ડરમાં સોનું (Gold) નિફ્ટી ઇન્વેસ્ટમેન્ટ કરતાં રિટર્ન આપવામાં આગળ નીકળી ગયું છે. સોનામાં તેજી જળવાય રહેવાની શક્યતા ઊંચી છે.
એ વાત નોંધપાત્ર છે કે ચાલુ કેલન્ડરમાં રૂપિયો સાધારણ મજબૂતી દર્શાવી રહ્યો છે અને તેમ છતાં શેરબજાર કરતાં સોનામાં રિટર્ન ઊંચું જોવા મળી રહ્યું છે. કેમ કે વૈશ્વિક બજારમાં સોનામાં નોંધપાત્ર સુધારો નોંધાયો છે.
કેલેન્ડર 2019માં અત્યાર સુધીમાં એમ.સી.એક્સ ખાતે સોનામાં 12 ટકાનું રિટર્ન નોંધાયું છે. જ્યારે તેની સામે સોમવારના બંધ ભાવે નિફ્ટી 4.37 ટકાનો સુધારો સૂચવે છે.
બજેટ બાદ એક તબક્કે 12000ને પાર કરી ગયેલો બેન્ચમાર્ક સોમવારે એક ટકાથી સહેજ ઓછા ઘટાડે 11346ના સ્તરે બંધ રહ્યો હતો.
“સોનાના ફંડામેન્ટલ્સ પોઝીટીવ બન્યાં છે. વૈશ્વિક સ્તરે આર્થિક વૃદ્ધિ દર ઘટી રહ્યો છે. જીઓપોલિટીકલ રિસ્ક વધ્યાં છે અને ફેડ રેટ કટની અપેક્ષાએ સોનામાં ખરીદી જોવા મળી રહી છે.
નિષ્ણાંતો જણાવે છે કે સોનામાં હજુ પણ ભાવ વધારો જોવા મળી શકે છે. રોકાણકારો હવે ડોલર અને ઈક્વિટીઝમાંથી સોના તરફ વળે તેવી શક્યતા છે.
વિશ્વની અગ્રણી મધ્યસ્થ બેંક્સ પણ સોનામાં તેમની ખરીદી વધારી રહી છે.
તેમના મતે વૈશ્વિક બજારમાં સોનું વર્તમાન સપાટીએથી વધુ 100 ડોલરનો ઉછાળો દર્શાવી શકે છે. જે તેને 1520 ડોલર પ્રતિ ટ્રૌય ઔંસના સ્તર સુધી લઇ જઇ શકે છે. હાલમાં વૈશ્વિક બજારમાં સોનુ 1426 ડોલર આસપાસ ટ્રેડ થઈ રહ્યું છે.
સોનું 2012માં 1900 ડોલરની તેની સર્વોચ્ચ ટોચ પર પહોંચ્યા બાદ લાંબા સમયથી 1100-1300 ડોલરની રેંજમાં ટ્રેડ થતું રહ્યું હતું અને પીળી ધાતુમાં રોકાણ કરનારાઓ વળતરથી વંચિત રહ્યાં હતાં. ભારતીય રોકાણકારોને જોકે ડોલર સામે રૂપિયામાં ઘટાડાને કારણે સોનામાં નેગેટિવ રિટર્નનો સામનો કરવાનું બન્યું નહોતું.
છેલ્લા આઠ કેલેન્ડરમાંથી ત્રણ દરમિયાન તેઓને નિફ્ટીની સરખામણીમાં ઊંચું વળતર મળ્યું હતું. જેમાં કેલેન્ડર 2016માં(9.98 ટકા), 2018(7.71 ટકા) અને ચાલુ કેલેન્ડરમાં અત્યાર સુધીમાં 11.81 ટકાનો સમાવેશ થાય છે. નિફ્ટીએ આઠમાંથી પાંચ કેલેન્ડર દરમિયાન પોઝીટીવ રિટર્ન નોંધાવ્યું હતું. જેમાં 2012(27.70 ટકા), 2014(31.39 ટકા) અને 2017(28.65 ટકા) જેટલું ઊંચું વળતર દર્શાવ્યું હતું.
બાંગ્લાદેશથી થતી વસ્ત્રોની આયાતમાં પાછલા વર્ષ સામે 82 ટકાનો ઉછાળો નોંધાયો છે અને તે 36.50 કરોડ ડોલરના સ્તરે પહોંચી છે.
જો આ રીતે આયાત ચાલુ રહેશે તો 2024-25 સુધીમાં તે 3.6 અબજ ડોલર સુધી પહોંચી જશે એવી આશંકા ક્લોધીંગ મેન્યુફેકચરર્સ એસોસિયેશન ઓફ ઇન્ડિયાએ દેશના સૌથી મોટા બિઝનેસ ટુ બિઝનેસ નેશનલ ગાર્મેન્ટ ફેર અંગે માહિતી આપતી વખતે વ્યક્ત કરી હતી,
દેશભરના 50,000 રિટેલર્સ અને મુલાકાતી એકત્ર થવાની અને ચાર દિવસમાં અંદાજે રૂ. 800 કરોડના બિઝનેસની અપેક્ષા છે. પ્રવકતા અનુસાર બાંગ્લાદેશ સાથે કરાર હોવાથી ત્યાંથી જકાતમુક્ત આયાત થાય છે જ્યારે ભારતને ત્યાં નિકાસ માટે 125 ટકા જેટલી જકાત ચૂકવવી પડે છે. દેશના વસ્ત્રોદ્યોગ માટે આ મોટી સમસ્યા છે.
ચેમ્બર દ્વારા ‘હીરા ઉદ્યોગની વર્તમાન પરિસ્થિતિ’અંગે વિચાર વિમર્શ કાર્યક્રમ યોજાયો
ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીના મૂળમાં શહેરના ઉદ્યોગ-ધંધા-રોજગારના મૂળભૂત હેતુઓનું જતન-સંવર્ધન કરવાનો સમાવેશ કરાયો છે, એને અનુરૂપ એક સમયસરનો આવકારદાયક કાર્યક્રમ તા.12મી જુલાઇ 2019ના રોજ જીવનભારતી ઓડિટોરીયમ ખાતે યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં હીરા ઉદ્યોગમાં પ્રવર્તમાન મંદીની સ્થિતિ દરમિયાન કેવી રીતે વર્તવું, કેવી રીતે કામ કરવું એ અંગે શહેરના ટોચના ઉદ્યોગપતિઓ શ્રી સેવંતીભાઇ અને શ્રી ગોવિંદ ધોળકીયાનું માર્ગદર્શન નાના, મધ્યમ હિરા કારખાનેદારોને મળ્યું હતું.
કાર્યક્રમમાં વિનસ જવેલ્સના ફાઉન્ડર અને ચેરમેન શ્રી સેવંતિભાઇ શાહ અને શ્રી રામકૃષ્ણ એક્ષ્પોર્ટ્સના શ્રી ગોવિંદભાઇ ધોળકીયા દ્વારા હીરા ઉદ્યોગની વર્તમાન પરિસ્થિતિ અંગે ચર્ચા કરી હીરાના કારખાનેદારોને ધીરજ રાખી અને શિસ્તબદ્ધ રહીને વિકટ સમયમાંથી પસાર થવાની દિશામાં મહત્વનું માર્ગદર્શન આપ્યુ હતુ.
આ કાર્યક્રમમાં સુરત ડાયમંડ એસોસિએશનના પ્રમુખ શ્રી બાબુભાઇ ગુજરાતી અને હીરા ઉદ્યોગના અગ્રણીઓ અને કારખાનેદારો ખૂબ જ વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહયા હતા.
ચેમ્બરના પ્રમુખ શ્રી કેતન દેસાઇએ સર્વેને આવકાર્યા હતા અને પ્રારંભિક ઉદ્બોધનમાં જણાવ્યુ હતુ કે, દેશના અર્થતંત્રમાં હીરા ઉદ્યોગનો મોટો ફાળો રહયો છે. રોજગાર માટે પણ આ ઈન્ડસ્ટ્રીનું મોટું યોગદાન છે. હાલ આ ઇન્ડસ્ટ્રી કપરા સમયમાંથી પસાર થઇ રહી છે ત્યારે આ સમયે શું કાળજી રાખવી તે વિશે આજના મહાનુભાવો આપણને માર્ગદર્શન આપશે.
માનવસર્જિત મંદી છે હિરા ઉદ્યોગમાં કહે છે સેવંતીભાઇ શાહ
શ્રી સેવંતીભાઇ શાહે હીરાના કારખાનેદારોને સંબોધતા જણાવ્યુ હતુ કે, વર્ષ ર૦૦૮–૦૯ની મંદીમાંથી હીરા ઉદ્યોગ પસાર થઇ ચૂકયો છે. એવો સમય ફરીથી નહીં આવે તે માટે વિચાર વિમર્શ જરૂરી છે. વર્ષ ૧૯૬પમાં હું જયારે આ ધંધામાં આવ્યો ત્યારે ધંધામાં શિસ્ત હતી. બેંકોની ફેસિલિટી મળતી હતી અને ધંધો પણ મર્યાદામાં ચાલતો હતો. હવે કારખાનેદારો ખૂબ જ ઝડપથી પસાર થઇ રહયા છે. પાઇપલાઇનમાં પુષ્કળ સ્ટોક હોય એવું આજે ધંધાનું મોડલ બનાવી દીધું છે. તેમણે જણાવ્યુ હતુ કે કારખાનેદારને માલ બનાવવાનો છે, આપણું કામ ફાયનાન્સનું નથી. ફાયનાન્સનું કામ બેંકોનું છે. ધંધામાં શિસ્તના અભાવને કારણે આ માનવસર્જીત મંદી છે. આપણે શિસ્તમાં આવીશું તો આ વિકટ પરિસ્થિતિમાંથી વહેલામાં વહેલા બહાર આવી શકીશું.
તેમણે કારખાનેદારોને ટકોર કરતા જણાવ્યુ હતુ કે, કારીગરો આપણો પરિવાર જ છે. એટલે તેઓની જવાબદારી પણ આપણી બને છે. બેંકરપ્ટ થયેલા લોકો મુળમાં ખોટા ન હતા પણ જે રીતે ધિરાણ મળ્યુ. એના કારણે ગજા કરતા મોટો ધંધો થયો અને પરિસ્થિતિ કાબૂ બહાર જતી રહી. બેંકરપ્સી પાછળ તેમણે બેંકોના વ્યાજને પહેલું કારણ ગણાવ્યુ હતુ. તેમણે કહયુ કે હાલની પરિસ્થિતિ પહેલા કરતા જુદી છે. મેન્યુફેકચરીંગ નહીં પણ મુડી ઘટતી જાય છે. એટલે બધાએ પરિસ્થિતિનો સ્વીકાર કરવો પડશે અને આ સ્થિતિમાંથી પસાર થવુ પડશે.
થોડી કાળજી રાખીશું તો હિરા ઉદ્યોગ ફરી ઝળહળતો થશે
શ્રી સેવંતીભાઇ શાહે કહયુ કે, મંદીના કારણમાં સિન્થેટીક ડાયમંડની અસર ગણાવી શકાય છે. નેચરલ અને સિન્થેટીક ડાયમંડની ભેળસેળને કારણે પણ લોકોએ ડાયમંડ ખરીદવાનું ઓછું કરી દીધું છે. લોકોની હીરા ખરીદવાની ઇચ્છા તુટી ગઇ છે એ પણ વાસ્તવિકતા છે. પણ નિરાશાવાદી થવાનું કામ નથી. અઠવાડીયામાં ચાર – પાંચ દિવસ કારખાનું ચલાવો અને કારીગરોનો પણ વિચાર કરો. ધંધો ફરીથી પહેલાની જેમ ચાલી જશે. થોડી કાળજી રાખીશું તો હીરા ઉદ્યોગને ફરીથી ઝળહળતો કરી દઇશું.
જીવનમાં કોઇ પરિસ્થિતિ કાયમી નથી, મંદી આવી છે ને જવાની છે એ નક્કી છે કહે છે ગોવિંદ ધોળકીયા
શ્રી ગોવિંદભાઇ ધોળકીયાએ પોતાના વકતવ્યમાં જણાવ્યુ હતુ કે, આપણે સમયની સાથે ચાલવું પડશે. જે સમય આવ્યો છે તે જવાનો છે. મંદી હોય કે તેજી કોઇવાર કાયમી રહેતી નથી. આ ચક્ર ફરતુ રહેવાનું છે. મંદીનું પુર બધાને જ આવ્યુ છે. મુશ્કેલીમાંથી બહાર નીકળવા માટે પોતાના પ્રત્યે તેમજ આપણી કંપની કયાં છે તે અંગે આત્મનિરીક્ષણ કરવાની જરૂર છે. હીરાનો ધંધો ખૂબ જ સારો છે અને એનો હું પપ વર્ષનો સાક્ષી છું. હીરો એ કલ્પવૃક્ષ અને ચિંતામણી છે. આ વિકટ પરિસ્થિતિ કાયમી રહેવાની નથી. ધીરજ રાખીને આગળ વધવું અને આવેગ કે આવેશમાં આવીને કોઇ નિર્ણય લેવો નહીં.
આ કાર્યક્રમમાં ચેમ્બરના ઇવેન્ટ્સ એન્ડ પ્રોગ્રામ્સ સેલના હેડ શ્રી મૃણાલ શુકલ અને ચેમ્બરની ડાયમંડ ઇન્ડસ્ટ્રી કમિટીના ચેરમેન શ્રી કીર્તિકુમાર શાહે પ્રાસંગિક વિધી કરી હતી.
હીરા ઉદ્યોગના બંને અગ્રણીઓએ કારખાનેદારોના સવાલોના સંતોષકારક જવાબો આપ્યા હતા.
અંતે ચેમ્બરના ઉપપ્રમુખ શ્રી દિનેશ નાવડીયાએ સર્વેનો આભાર માન્યો હતો અને ત્યારબાદ કાર્યક્રમનું સમાપન થયુ હતુ.
જેનેરિક દવાઓના વેચાણથી સામાન્ય નાગરિકોને રૂ. 2000 કરોડનો લાભ થયો હોવાની માહિતી સરકારે લોકસભાને આપી હતી.
શૂન્યકાળ દરમિયાન રાજ્ય કક્ષાના રસાયણ અને ખાતર પ્રધાન મનસુખ માંડવિયાએ જણાવ્યું હતું કે નેશનલ ફાર્માસ્યુટિકલ પ્રાઇઝીંગ ઑથોરિટી (એનપીપીએ)એ નક્કી કરેલા ભાવે જ બધા દવા ઉત્પાદકોએ દવાઓ વેચવી પડશે, પછી એ બ્રાન્ડેડ હોય કે જેનેરિક હોય. દવાઓ પર લોકલ ટેક્સ પણ આપવાનો રહેશે.
આ પ્રસંગે એમણે 1000થી વધુ દવાઓના ભાવ નક્કી કરવા અને હૃદયરોગના દર્દીઓ માટે સારવારના દર ઘટાડવા સહિત સરકારે લીધેલા પગલાં વિશે લોકસભાને માહિતી આપતા જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી ભારતીય જનઔષધી પરીયોજના હેઠળ વેચાતી જેનેરિક દવાઓ ટોપ ત્રણ બ્રાન્ડની દવાઓની સરખામણીએ સરેરાશ 50-90 ટકા ઓછા ભાવે વેચાય છે.
એમણે સાંસદોને જનઔષધી માટેની વધુ દુકાનો ખૂલે એ માટે પ્રોત્સાહન આપવાની વિનંતી કરી હતી.
પાછલા પાંચ વર્ષમાં આ યોજના હેઠળ 5028 કેન્દ્ર શરૂ કરાયા હતા.
આ યોજના હેઠળ 900 દવા અને 154 સર્જિકલ સાધનોને આવરી લેવામાં આવ્યા છે, એમાંથી જનઔષધી કેન્દ્રોમાં 714 દવા અને 53 સર્જિકલ સાધનો વેચાય છે.
એક 90 વર્ષ પરંપરા કે જે અપ્રતિમ છે નિષ્પક્ષ નિષ્પક્ષ દરરોજ, વહેલી તકે, એક ગતિશીલ સંપાદકીય ટીમ અને ડિસ્ટ્રીબ્યુટર અને બિઝનેસ એસોસિએટ્સનું એક શક્તિશાળી નેટવર્ક, દરરોજ નવ દાયકા જૂની પરંપરા આપે છે. એવી પરંપરા કે જે વિચારો, માહિતી અને સીધા પત્રકારત્વના એક વિશિષ્ટ સંશ્લેષણ છે. દરેક વાર્તામાં અપ્રતિમ અધિકૃતતા અને તટસ્થતાનો સમાવેશ થાય છે, વાચકોને સૌથી વધુ જાણકાર અને વિશ્લેષણાત્મક સમાચાર કવરેજ સાથે સમર્થન આપવું.