
ભારતમાં મી ટૂ ઝુંબેશ હેઠળ નોંધાવવામાં આવેલો પહેલો કેસ ઊંધા માથે પછડાયો છે અને આ કેસની તપાસ કરી રહેલી પોલીસે ફરિયાદ ખોટી હોવાનો અહેવાલ રજૂ કરતાં હવે આ આખા પ્રકરણે નવો વળાંક લીધો છે. એકટ્રેસ તનુશ્રી દત્તા દ્વારા મીટૂ ઝુંબેશ હેઠળ નાના પાટેકર સામે જાતીય સતામણીની ફરિયાદ કરવામાં આવી હતી અને પછી પોલીસ સ્ટેશનમાં રીતસરની ફરિયાદ પણ નોંધાવવામાં આવી હતી. ગુરુવારે ઓશિવારા પોલીસ સ્ટેશન દ્વારા અંધેરી કોર્ટમાં ‘બી-સમરી’ રિપોર્ટ દાખલ કરવામાં આવ્યો હતો. આરોપી સામે કોઈપણ પુરાવા મળ્યા ન હોવાને પગલે આ અહેવાલ દાખલ કરવામાં આવ્યો હતો.
જોકે, આવો અહેવાલ દાખલ કરવામાં આવ્યાના બાદ તનુશ્રીના વકીલ નીતિન સાતપુતેએ કહ્યું હતું કે ‘પોલીસે કોર્ટમાં બી-સમરી રિપોર્ટ રજૂ કર્યો છે કે સી-સમરી રિપોર્ટ રજૂ કર્યો છે તે અંગેની સ્પષ્ટતા હજી સુધી થઈ
નથી. અમારી પાસે ટૂંક સમયમાં આ અહેવાલની નકલ આવશે અને પછી મુંબઈ હાઈ કોર્ટમાં આ અહેવાલને પડકારતી રિટ પિટિશન દાખલ કરવામાં આવશે.’
તેમણે એવો આક્ષેપ કર્યો હતો કે ‘પોલીસ આરોપીને બચાવવાના પ્રયાસો કરી રહી છે. તનુશ્રી દત્તા તરફથી જે 10 સાક્ષીના નામ આપવામાં આવ્યા હતાં એમાંથી એકેયને પૂછપરછ પણ કરવામાં આવી નથી તો ક્યા આધારે આ અહેવાલ દાખલ કરવામાં આવ્યો છે? અમે અંધેરી કોર્ટમાં પહેલાં અમારો જવાબ નોંધાવીશું અને જો અદાલતને અમારી રજૂઆત યોગ્ય લાગશે તો તેઓ પોલીસને ફરી તપાસનો આદેશ આપી શકશે.’
સાતપુતેએ કહ્યું હતું કે ‘આ કેસમાં તપાસ યોગ્ય રીતે ન થઈ હોવાની ફરિયાદ કોર્ટમાં કરવામાં આવશે અને અન્ય કોઈ તપાસ એજન્સીને તપાસ સોંપવાની માગણી કરવામાં આવશે.’
બીજી તરફ નાના પાટેકરના વકીલ અનિકેત નિકમે પોલીસ દ્વારા દાખલ કરવામાં આવેલા અહેવાલનું સમર્થન કરતાં જણાવવામાં આવ્યું હતું કે ‘આ કેસ દાખલ કરવામાં આવ્યો ત્યારથી અમે કહેતા હતા કે ફરિયાદ ખોટી છે. આખરે સત્ય બહાર આવ્યું છે. મારો અસીલ (નાના પાટેકર) નિર્દોષ છે અને ન્યાય મળશે.’
શું બન્યું હતું?
2008માં ફિલ્મ ‘હોર્ન ઓકે પ્લીઝ’ના શૂટિંગ દરમ્યાન નાના પાટેકરે અણછાજતું વર્તન કર્યું હોવાની ફરિયાદ એકટ્રેસ તનુશ્રી દત્તાએ ઑક્ટોબર-2018માં સોશ્યલ મીડિયા પર મીટૂ ઝૂંબેશ હેઠળ કરી હતી. આ ફરિયાદ બાદ ખળભળાટ ફેલાયો હતો અને નાના પાટેકરને કેટલીક ફિલ્મોમાંથી પડતા મૂકવામાં આવ્યા હતા.
શું છે ‘બી-સમરી’ રિપોર્ટ?
જ્યારે કોર્ટમાં ખાનગી ફોજદારી કેસ દાખલ કરવામાં આવે ત્યારે અદાલત પોલીસને કેસની તપાસ સોંપે છે અને આવા કેસમાં પોલીસ દ્વારા જે અહેવાલ સોંપવામાં આવે તેની ત્રણ શ્રેણી છે જેને એ, બી અને સીમાં વર્ગીકૃત કરવામાં આવે છે. એ-સમરી રિપોર્ટનો અર્થ એવો થાય છે કે ફરિયાદમાં તથ્ય છે અને કેસ ચલાવવામાં આવે. બી-સમરી રિપોર્ટનો અર્થ એવો થાય છે કે ફરિયાદ ખોટી છે અને કેસ ચલાવવા યોગ્ય નથી. અને સી-સમરી રિપોર્ટનો અર્થ એવો થાય છે કે પોલીસને આ કેસમાં હજી સુધી કોઈ નક્કર પુરાવા મળ્યા નથી અને અદાલતે નિર્ણય લેવો કે કેસ ચલાવવો કે નહીં.