CIA ALERT

Alert Archives - Page 36 of 443 - CIA Live

June 22, 2022
afghan_quake.jpg
1min254

અફઘાનિસ્તાનમાં મોડી રાત્રે આવેલા ભૂકંપે તબાહી મચાવી છે. આ ભૂકંપમાં અત્યાર સુધીમાં એક હજારથી વધુ લોકો માર્યા ગયા છે જ્યારે કાટમાળમાં દબાઇ જવાથી ૧૫૦૦થી વધુ લોકો ઘવાયા છે. અનેકની સ્થિતિ ગંભીર હોવાથી મૃત્યુઆંક વધી શકે છે. તાલિબાને સત્તા મેળવ્યા બાદ અનેક આંતરરાષ્ટ્રીય સહાય એજન્સીઓ અફઘાનિસ્તાન ખાલી કરી ચુકી છે જેને પગલે હાલ રેસ્ક્યૂ ઓપરેશનમાં પણ ભારે મુશ્કેલી આવી રહી છે. 

ભૂકંપના આ આચકા અફઘાનિસ્તાન-પાકિસ્તાન સરહદે અનુભવાયા હતા જેની તિવ્રત્તા ૬.૧ની હોવાનું સામે આવ્યું છે. અમેરિકાના જિયોલોજિકલ સર્વેના જણાવ્યા અનુસાર ભૂકંપનું કેન્દ્ર બિન્દૂ અફઘાનિસ્તાનના દક્ષિણ પૂર્વમાં ખોસ્ત શહેરમાં હતું. સ્થાનિક મીડિયા અને પ્રશાસનના જણાવ્યા અનુસાર અત્યાર સુધીમાં એક હજારથી વધુ લોકોના મોત નિપજ્યા છે જ્યારે ૧૫૦૦થી વધુ લોકો ઘવાયા છે. 

અંતરીયાળ વિસ્તારોમાં અનેક લોકો માર્યા ગયા હોવાની શક્યતાઓ છે જેથી મૃત્યુઆંક વધી શકે છે. આંતરરાષ્ટ્રીય ેએજન્સીઓના જણાવ્યા અનુસાર ભૂકંપનું કેન્દ્ર બિન્દૂ પેટાળમાં ૧૦ કિમી જ દુર હતું જેને પગલે વધુ અસર જોવા મળી હતી જ્યારે આંચકા આશરે ૫૦૦ કિમી સુધી અનુભવાયા હતા. સૌથી વધુ અસર અફઘાનિસ્તાનના પાકટિકા વિસ્તારની હોવાનું સામે આવ્યું છે. યૂરોપિયન એજન્સીઓના જણાવ્યા અનુસાર ભારતમાં પણ આ ભૂકંપના આચકાની અસર જોવા મળી હતી.  

22/6/22: ભૂકંપે અફઘાનિસ્તાનમાં ભયંકર તબાહી મચાવી

ભૂકંપે અફઘાનિસ્તાનમાં ભયંકર તબાહી મચાવી છે. સવારમાં આવેલા આ ભૂકંપમાં ત્યાં 130 લોકોના મોત થયા હોવાની જાણકારી મળી છે. ભૂકંપના આ આંચકા પાકિસ્તાનમાં પણ અનુભવાયા હતા. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 6.1 માપવામાં આવી હતી. યુએસ જિયોલોજિકલ સર્વે (USGS) ના જણાવ્યા પ્રમાણે ભૂકંપનું કેન્દ્ર અફઘાનિસ્તાનના દક્ષિણપૂર્વમાં હતું. 

ભૂકંપની મહત્તમ તીવ્રતા હજુ સુધી નક્કી નથી થઈ શકી. જોકે, રિક્ટર સ્કેલ પર 7.0 અથવા તેનાથી વધુના તીવ્રતા વાળા ભૂકંપને સામાન્યથી ખતરનાક માનવામાં આવે છે. અફઘાનિસ્તાનમાં આવેલો આ ભૂકંપ તેનાથી થોડી જ ઓછી તીવ્રતા વાળો હતો. 

અહેવાલ પ્રમાણે ભૂકંપના આંચકા પાકિસ્તાનમાં ઈસ્લામાબાદ સહિત બાકી શહેરોમાં પણ અનુભવાયા હતા. સોશિયલ મીડિયા પર પણ લોકો ભૂકંપની ચર્ચા કરી રહ્યા છે. લોકોએ લખ્યું કે, ભૂકંપના આ આંચકા થોડી સેકન્ડો માટે અનુભવાયા હતા. પરંતુ તેનાથી ડરીને લોકો નાસીપાસ થઈ ગયા હતા. 

આ અગાઉ શુક્રવારે પણ પાકિસ્તાનમાં ભૂકંપ આવ્યો હતો. ત્યારે ઈસ્લામાબાદ, પેશાવર, રાવલપિંડી, અને મુલતાનમાં આ આંચકા અનુભવાયા હતા. આ આંચકા ફૈસલાબાદ, એબટાબાદ, સ્વાત, બુનેર, કોહાટ અને મલકાંડીમાં પણ અનુભવાયા હતા. 

June 21, 2022
cia_multi-1280x1045.jpg
4min453

Jayesh Brahmbhatt 98253 44944

મહારાષ્ટ્ર સરકારમાં શિવસેના ક્વોટાના મંત્રી એકનાશ શિંદે સાથે સુરતમાં કમસે કમ 30 જેટલા ધારાસભ્યો હોવાની વાતને સૂત્રોએ સમર્થન આપ્યું છે. ગઇકાલે મોડી રાત્રે શિવસેનાના ધારાસભ્ય અને મહારાષ્ટ્રની અઘાડી સરકારના મંત્રી, અસંતુષ્ઠ નેતા એકનાથ શિંદે સાથે કેટલાક ધારાસભ્યો સુરત આવ્યા હતા. સૂત્રોના જણાવ્યા પ્રમાણે આજે સવારે સુરતની ફાઇવસ્ટાર હોટેલમાં મહારાષ્ટ્રના 24 ધારાસભ્યો હાજર હતા જેમાં હાલની અઘાડી સરકારમાં મિનિસ્ટર પદ ધરાવતા 4 નેતાઓનો પણ સમાવેશ થાય છે. એ પછી આજે મંગળવાર, તા.21મીએ સવારે પણ અન્ય ધારાસભ્યો સુરતની હોટેલ પર આવી પહોંચ્યા હતા.

Image
Image

મહારાષ્ટ્રને હચમચાવી દેનાર એકનાથ શિંદે વિશે જાણો

મહારાષ્ટ્રની રાજનીતિમાં એકનાથ શિંદે ઠાકરે પરિવારની બહાર સૌથી તાકાતવર શિવસૈનિક ગણાવાય રહ્યા છે. એવી પણ વાત જાણવા મળી કે જો 2019માં ઉદ્ધવ ઠાકરે અઘાડી સરકારમાં મુખ્યમંત્રી બનવા માટે તૈયાર નહીં થયા હોત તો એ સમયે એકનાથ શિંદે જ મુખ્યમંત્રી તરીકે વરાયા હોત.

59 વર્ષના શિંદે મહારાષ્ટ્ર સરકારમાં શહેરી વિકાસ મંત્રી છે. વર્ષ 1980માં તેઓ શિવસેનામાં શાખા પ્રમુખ તરીકે જોડાયા હતા. શિંદે થાણેની કોપરી-પંચપખાડી બેઠક પરથી 4 વખત ધારાસભ્ય તરીકે ચૂંટાયા છે. પાર્ટી માટે તેઓ જેલ પણ ગયા છે. તેમની છબી કટ્ટર અને વફાદાર શિવસૈનિકની રહી છે.

એકનાથ શિંદે મહારાષ્ટ્રના સતારા જિલ્લાના પહારી જવાલી તાલુકાના વતની છે. થાણે શહેરમાં ગયા પછી તેમણે મંગલા હાઈસ્કૂલ અને જુનિયર કૉલેજ, થાણેમાં ધોરણ 11 સુધી અભ્યાસ કર્યો. થાણેમાં શિંદેનો પ્રભાવ એવો છે કે લોકસભા ચૂંટણી હોય કે કોર્પોરેશનની ચૂંટણી હોય તેમના ઉમેદવાર હંમેશા ચૂંટણી જીત્યા છે. એકનાથના પુત્ર શ્રીકાંત શિંદે પણ શિવસેનાની ટિકિટ પર કલ્યાણ બેઠક પરથી સાંસદ છે. તેઓ ઓક્ટોબર 2014 થી ડિસેમ્બર 2014 સુધી મહારાષ્ટ્ર વિધાનસભામાં વિપક્ષના નેતા હતા. 2014માં જ મહારાષ્ટ્ર રાજ્ય સરકારમાં PWD ના કેબિનેટ મંત્રી તરીકે નિયુક્ત થઇ હતી. 2019ની સાલમાં કેબિનેટ મંત્રી જાહેર આરોગ્ય અને પરિવાર કલ્યાણ (મહારાષ્ટ્ર સરકાર) નું પદ મળ્યું.

એકનાથ શિંદેની નારાજગી નવી વાત નથી, આજનો સમય યોગ્ય રહ્યો

શિવસેના હાઈકમાન્ડથી એકનાથ શિંદેની નારાજગી કોઈ નવી વાત નથી. કહેવામાં આવી રહ્યું છે કે તેઓ ત્રણ ગઠબંધન પાર્ટી શિવસેના, કોંગ્રેસ અને એનસીપીથી નારાજ છે. અગાઉ જ્યારે દેવેન્દ્ર ફડણવીસ મુખ્યમંત્રી હતા તે સમયે પણ શિવસેના હાઈકમાન્ડ સાથે એકનાથ શિંદેની ટક્કરના અહેવાલ હતા. ત્યારે એવું પણ કહેવામાં આવી રહ્યું હતું કે એકનાથ શિંદે તેમના તમામ સમર્થકો સાથે ભાજપમાં જોડાઈ શકે છે. જો કે તે સમયે આ અહેવાલો ખોટા સાબિત થયા હતા અને તેમણે પોતે આ વાતનું ખંડન કર્યું હતું. પરંતુ હવે ફરી નારાજગીનો મામલો સામે આવ્યો છે.

બીજી તરફ મહારાષ્ટ્રના કોંગ્રેસના નેતાએ સરકાર લઘુમતિમાં હોવાની વાતને પણ સમર્થન આપ્યું છે. શિવસેનાના પ્રવક્તા સંજય રાઉતે એક નિવેદનમાં કહ્યું હતું કે એકનાથ શિંદે મુંબઇમાં નથી પરંતુ, એ અમારા સંપર્કમાં જરૂર છે.

Reported @ 7.12 am 21/6/22

મહારાષ્ટ્રની રાજનીતિમાં સુરત વાઇરલ?!, મહારાષ્ટ્રના એક નારાજ મંત્રી અનેક MLA સાથે સુરત કેમ આવ્યા?, અનેક તર્કવિતર્ક

મહારાષ્ટ્ર સરકાર અને મુંબઇના ટોચના રાજકારણીઓથી લઇને વીવીઆઇપીઝનું ધ્યાન છેલ્લા 10 કલાકથી સુરત પર કેન્દ્રીત થયું છે. રાજકીય ગતિવિધિ એવી સર્જાઇ છે કે મહારાષ્ટ્રની શિવસેના-કોંગ્રેસ-એનસીપી સરકારના નારાજ મનાતા મંત્રી એકનાથ શિંદે સહિત કેટલાક ધારાસભ્યો એક સાથે ગઇકાલે સોમવાર, તા.20મી જૂનની મોડી રાત્રે સુરત આવી પહોંચ્યા હતા. તેઓ સુરતના અઠવાલાઇન્સ સ્થિત મેરીયોટ હોટલમાં રોકાયા છે. બસ આ જ કારણે સમગ્ર મહારાષ્ટ્રના પોલિટિક્સનું આજનું કેન્દ્ર બિંદુ સુરત બન્યું હોવાની ચર્ચા સમગ્ર દેશમાં વાઇરલ થઇ છે.

 શિવસેનાથી નારાજ મંત્રી એકનાથ સિંદે ગઈકાલ રાથી સંપર્ક વિહોણા થયા હતા. એકનાથ શિંદે સાથે શિવસેનાના 20 જેટલા ધારાસભ્યો પણ સંપર્ક વિહોણા થયાં હોવાની ચર્ચા શરૂ થઈ હતી. જેના કારણે મહારાષ્ટ્રના રાજકારણ ગરમાયું હતું.

મહારાષ્ટ્ર સરકારના નારાજ મંત્રી એકનાથ શિંદે અને તેમની સાથે ધારાસભ્યો સુરત આવીને મેરીડીયન હોટેલમાં રોકાયા હોવાની બાબતને સત્તાવાર રીતે કોઇ પુષ્ટી મળી નથી પરંતુ, હોટેલની આજુબાજુ જે રીતે પોલીસે નાકાબંધી કરીને અજાણ્યા લોકોના પ્રવેશ બંધ કરી દીધા છે એ જોતા કોઇક મોટું ડેવલપમેન્ટ હોટેલમાં થયું હોવાની વાતને સમર્થન જરૂર મળી રહ્યું છે.

મહારાષ્ટ્રના આ ધારાસભ્યો ત્યાંના વર્તુળમાંથી સંપર્ક વિહોણા ગણાવાય રહ્યા છે

  • એકનાથ શિંદે – કોપરી
  • અબ્દુલ સત્તાર – સિલ્લોડ – ઔરંગાબાદ
  • શંભૂરાજ દેસાઇ – સતારા
  • સંદિપાન ભૂમરે – પૈઠણી – ઔરંગાબાદ
  • ઉદયશસહ રાજપૂત – કન્નડ- ઔરંગાબાદ
  • ભરત ગોગાવલે – મહાડ – રાયગઢ
  • નિતીન દેશમુખ – બાળાપુર – અકોલા
  • અનિલ બાબર – ખાનાપુર – આટપાડી – સાંગલી
  • વિશ્વનાથ ભોઇર – કલ્યાણ પશ્ચિમ
  • સંજય ગાયકવાડ – બુલઢાણા
  • સંજય રામુલકર – મેહકર
  • મહેશ સિંદે – કોરેગાંવ – સતારા
  • શહાજી પાટીલ – સાંગોલા – સોલાપૂર
  • પ્રકાશ અબિટકર – રાધાપુરી – કોલ્હાપૂર
  • સંજય રાઠોડ – દિગ્રસ – યવતમાળ
  • જ્ઞાનરાજ ચૌગુલે -ઉમરગાસ – ઉસ્માનાબાદ
  • તાનાજી સાવંત – પરોડા – ઉસ્માનાબાદ
  • સંજય શિરસાટ – ઔરંગાબાદ પશ્ચિમ
  • રમેશ બોરનારે – બૈજાપૂર – ઔરંગાબાદ
 એકનાથ સિંદે અને ધારાસભ્યો નારાજ થઈ સંપર્ક વિહોણા થયા અને સુરત આવ્યા હોવાથી આગામી દિવસમાં મહારાષ્ટ્રના રાજકારણમાં મોટા ઉલટફેર થાય તેવી શક્યતા નકારી શકાતી નથી.

રાજકીય ગતિવિધિઓ જોતા આગામી રાજ્યસભાની ચૂંટણીઓના વોટીંગ પહેલા સર્જાયેલી આ ગતિવિધિને પગલે અનેક તર્કવિતર્ક જોવા મળી રહ્યા છે. દરમિયાન એવી પણ જાણકારી મળી છે કે ભાજપના પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલે સુરત આવેલા મહારાષ્ટ્રના મંત્રી તેમજ ધારાસભ્યો સાથે મુલાકાત પણ કરી હતી. પરંતુ, આ અંગે કોઇ આધિકારીક પુષ્ટી કરવામાં આવી નથી.

પરંતુ, હાલ એક વાત નિશ્ચિત છે કે મહારાષ્ટ્રના રાજકીય તખ્તે સુરત વાઇરલ થઇ ચૂક્યું છે.

મહારાષ્ટ્રના અસંતુષ્ઠ મંત્રી એકનાથ શિંદે આજે બપોરે 12 કલાકે સુરતની હોટેલમાંથી જ પત્રકાર પરિષદ કરી શકે છે. એવું પણ જાણવા મળી રહ્યું છે કે બાળા સાહેબ ઠાકરેના ખાસ અને સૌથી નજીકના માનતા નેતા શિંદે પાસે સુરતમાં હોય તેનાથી વધારે ધારાસભ્યોનો ટેકો હોય શકે છે.

શિવસેનાના નેતા સંજય રાઉતનું મોટું નિવેદન

Image

સંજય રાઉતે આ સમગ્ર ઘટનાક્રમ પર નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે સી.આર.પાટીલે જ એકનાથ શિંદે માટે રૂમ બુક કર્યા છે. સુરતમાં ભાજપે જ એકનાથ શિંદેની વ્યવસ્થા કરી. મહારાષ્ટ્રના રાજકારણમાં કોઇ ભૂકંપ આવ્યો નથી. આ બહુ મોટું ષડયંત્ર છે, શિવસેના ઇમાનદારની સેના છે.

તેમણે વધુમાં કહ્યું કે શિવસેનાના કેટલાંક ધારાસભ્ય અને એકનાથ શિંદે સાથે હાલ સંપર્ક થઇ શકયો નથી. મહાવિકાસ અઘાડીની સરકારને તોડવાની કોશિશ કરવામાં આવી રહી છે પરંતુ ભાજપે એ યાદ રાખવું પડશે કે મહારાષ્ટ્ર રાજસ્થાન કે મધ્યપ્રદેશથી ખૂબ જ અલગ છે.

June 20, 2022
rajnath.jpg
2min218

કેન્દ્ર સરકારે સૈન્યમાં રજૂ કરેલી નવી ભરતી યોજના ‘અગ્નિપથ’નો વિરોધ વધી રહ્યો છે અને સરકાર પર યોજના પાછી ખેંચવા દબાણ થઈ રહ્યું છે. એવા સમયમાં રવિવારે કેન્દ્ર સરકારે ધરાર જણાવી દીધું છે કે અગ્નિપથ યોજના કોઈપણ સંજોગોમાં પાછી ખેંચવામાં નહીં આવે. ઉલટાનું સૈન્યની ત્રણેય પાંખે રવિવારે અગ્નિપથ યોજના હેઠળ ભરતી પ્રક્રિયા શરૂ કરવાની જાહેરાત કરી દીધી છે. સૈન્યની ત્રણેય પાંખના પ્રમુખોએ રવિવારે આ સંદર્ભમાં એક સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ યોજીને અગ્નિવીરો માટે ભરતી પ્રક્રિયાના કાર્યક્રમની સંપૂર્ણ વિગતો જાહેર કરી હતી. વધુમાં સરકારે સ્પષ્ટ કરી દીધું હતું કે સૈન્યમાં હવે અગ્નિપથ યોજના હેઠળ જ ભરતી હાથ ધરવામાં આવશે.

અગ્નિપથ યોજના સામે ચાલતા વિરોધ વચ્ચે સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે રવિવારે સૈન્યની ત્રણેય પાંખના પ્રમુખો સાથે બેઠક કરી હતી. ત્યાર પછી ત્રણેય પ્રમુખોએ સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. તેમાં સૈન્ય બાબતોના વિભાગના અધિક સચિવ લેફ્ટનન્ટ જનરલ અનિલ પુરીએ ત્રણ બાબતો સ્પષ્ટ કરી હતી. તેમણે કહ્યું કે એક તો કોઈપણ સંજોગોમાં આ યોજના પાછી નહીં ખેંચાય. બીજું અગ્નિપથ યોજનાના વિરોધમાં હિંસામાં સામેલ યુવાનોને ભરતીમાં તક નહીં મળે. ત્રીજું યોજનામાં યુવાનોની ચિંતાઓને ધ્યાનમાં રાખતા જે ફેરફાર કરાયા છે તે દબાણ હેઠળ નહીં, પરંતુ અગાઉથી જ નિશ્ચિત હતા.

1989થી આ યોજના રજૂ કરવાની કવાયત હાથ ધરાઈ હતી

જનરલ અનિલ પુરીએ કહ્યું કે, સૈન્યમાં આ સુધારો લાંબા સમયથી લાવવાની તૈયારી ચાલી રહી હતી. આ સ્કીમની માગ વર્ષ ૧૯૮૯માં કરાઈ હતી. સૈન્યમાં ભરતી માટે સૌથી પહેલી જરૂરિયાત શિસ્ત હોય છે, તેથી યુવાનોએ શાંત થઈને આ યોજનાને સમજવાની જરૂર છે.  અમે કારગીલ સમીક્ષા સમિતિ અને અરૂણ સિંહ સમિતિના રિપોર્ટની ભલામણો મુજબ સૈન્યમાં વય પ્રોફાઈલ ઘટાડવા માગતા હતા. હાલમાં સરેરાશ વય ૩૨ વર્ષ છે. હવે આર્મીમાં બધી જ ભરતી આ સ્કીમ હેઠળ થશે.

આર્મીમાં અગ્નિવીરોની બીજી બેચ ફેબુ્રઆરીમાં સૈન્યમાં જોડાશે

લેફ. જન. બંસી પોનપ્પાએ કહ્યું કે, આર્મી સોમવારે જાહેરનામું બહાર પાડશે. ત્યાર પછી ૧લી જુલાઈ સુધીમાં વિવિધ ભરતી યુનિટ્સના જાહેરનામા આવશે. અગ્નિપથ યોજના હેઠળ અંદાજે ૪૦,૦૦૦ અગ્નિવીરોની ભરતી માટે ઓગસ્ટ, સપ્ટેમ્બર, ઑક્ટોબરમાં સમગ્ર દેશમાં ૮૩ રેલીઓ યોજવામાં આવશે. અગ્નિવીરોની બીજી બેચ આગામી વર્ષે ફેબુ્રઆરી સુધીમાં સૈન્યમાં જોડાઈ જશે. અંદાજે ૨૫,૦૦૦ અગ્નિવીરોની પહેલી બેચ ડિસેમ્બર સુધીમાં સૈન્યમાં જોડાઈ જશે.

એરફોર્સમાં ડિસે.માં અગ્નિવીરોની પહેલી બેચ

એરમાર્શલ એસ. કે. ઝાએ કહ્યું કે, એરફોર્સમાં અગ્નિપથની પહેલી બેચ માટે ૨૪મી જૂનથી રજિસ્ટ્રેશન શરૂ કરાશે. એક મહિના પછી ૨૪ જુલાઈથી ઓનલાઈન પરિક્ષા શરૂ કરાશે. અગ્નિવીરોની પહેલી બેચ ડિસેમ્બરમાં સામેલ કરાશે, ૩૦મી ડિસેમ્બરથી અગ્નિવીરોની તાલિમ શરૂ થઈ જશે. અગ્નિવીરોની સેવા શરતો નિયમિત સૈનિકો જેવી જ હશે.

નેવીમાં અરજી પ્રક્રિયા ઓનલાઈન રહેશે : યુવાનો-યુવતીઓની ભરતી થશે

વાઈસ એડરમિલ દિનેશ ત્રિપાઠીએ કહ્યું કે, નેવી ૨૫મી જૂન સુધીમાં ભરતી પ્રક્રિયા માટે વ્યાપક માર્ગદર્શિકા જાહેર કરાશે. નેવીમાં પણ ઓનલાઈન અરજી પ્રક્રિયા રહશે. અગ્નિપથ યોજના હેઠળ યુવાનો અને યુવતીઓ બંનેની ભરતી કરાશે. અગ્નિવીરોની પહેલી બેચ ૨૧મી નવેમ્બરે તાલિમ સંસ્થાનોમાં રિપોર્ટ કરવા લાગશે. 

વર્ષમાં 30 પેઈડ લીવ, અધવચ્ચે સેવા છોડવાની મંજૂરી નહીં

અગ્નિવીરોને પહેલાથી નિશ્ચિત મેડિકલ ટેસ્ટમાંથી પસાર થવું પડશે. અગ્નિવીરો પણ એરફોર્સના અન્ય જવાનોને મળનારા પદક અને એવોર્ડ માટે લાયક હશે. તેમને વર્ષમાં ૩૦ પેઈડ લીવ મળશે. સીક લીવ ડોક્ટરોની ભલામણ મુજબ અપાશે. જોકે, વિશેષ પરિસ્થિતિઓને છોડીને તાલિમ વચ્ચેથી છોડવાની મંજૂરી નહીં મળે. 

અગ્નિવીરોએ હિંસક દેખાવોમાં સામેલ નહોતા તેવું સોગંદનામું આપવું પડશે

જનરલ પુરીએ જણાવ્યું કે, ભારતીય સૈન્યનો પાયો શિસ્ત છે. આર્મીમાં આગજની, તોડફોડ અને હિંસા માટે કોઈ જગ્યા નથી. અગ્નિપથ યોજના સામે દેશભરમાં થઈ રહેલા વિરોધ અંગે તેમણે કહ્યું કે, પ્રત્યેક અગ્નિવીરે માત્ર અગ્નિપથ જ નહીં કોઈપણ હિંસક આંદોલનમાં સામેલ નહોતા તેવું સોગંદનામું આપવું પડશે. કોઈની સામે એફઆઈઆર થઈ હોવાનું જણાશે તો તે આ યોજના હેઠળ સૈન્યમાં જોડાઈ શકશે નહીં.

આર્મીમાં નજીકના સમયમાં અગ્નિવીરોની સંખ્યા 1.25 લાખ થશે

જનરલ અનિલ પુરીએ કહ્યું કે અમે પાયાના સ્તરે ક્ષમતા નિર્માણ કરવા અને યોજનાનું વિશ્લેષણ કરવા માટે આ વર્ષે ૪૬,૦૦૦ અગ્નિવીરોની ભરતી સાથે શરૂઆત કરીશું. આગામી ૪-૫ વર્ષોમાં અગ્નિવીરોની સંખ્યા ૫૦ હજારથી ૬૦ હજાર થઈ જશે અને ત્યાર પછી વધીને ૧.૨૫ લાખ સુધી થઈ જશે.

રાજ્યોની પોલીસમાં અગ્નિવીરોને અગ્રતાની જાહેરાત

અગ્નિપથ યોજનાના વિરોધમાં દેશભરમાં થઈ રહેલા દેખાવો વચ્ચે અસમ, ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ, હરિયાણા, અરૂણાચલ પ્રદેશ, ઉત્તરાખંડ અને કર્ણાટક જેવા અનેક રાજ્યોએ પોલીસમાં અગ્નિવીરોને અગ્રતા આપવાની જાહેરાત કરી છે.

અગ્નિપથ યોજના મુદ્દે કેન્દ્રના આકરા પગલાં

ફેક ન્યૂઝ ફેલાવતા 35 વોટ્સએપ ગૂ્રપ પર પ્રતિબંધ, 10ની ધરપકડ

અગ્નિપથ યોજના અંગે દેશના અનેક રાજ્યોમાં હિંસક દેખાવો થઈ રહ્યા છે ત્યારે સરકારે આ યોજના અંગે યુવાનોની શંકાઓનું સમાધાન કરવાના પ્રયાસો શરૂ કરી દીધા છે. બીજીબાજુ આ યોજના અંગે સોશિયલ મીડિયા પર ફેક ન્યૂઝ ફેલાવતા લોકો સામે પણ સરકારે આકરાં પગલાં લેવાનું શરૂ કર્યું છે. અગ્નિપથ યોજના અંગે નકલી સમાચારો અને ભ્રામક માહિતી ફેલાવવા બદલ સરકારે વોટ્સઅપના ૩૫ ગૂ્રપો પર પ્રતિબંધ મૂકી દીધો છે. વધુમાં આ યોજના વિરુદ્ધ વિરોધ પ્રદર્શન કરનારા અને દુર્ભાવનાપૂર્ણ ખોટી માહિતી ફેલાવવાના આરોપમાં ૧૦ લોકોની ધરપકડ પણ કરાઈ છે. ઉત્તર પ્રદેશના સહારનપુરમાં પોલીસે યુવાનોને ઉશ્કેરનારા પાંચ લોકોની ધરપકડ કરી હતી.

દેશના યુવાનોમાં આક્રોશ વચ્ચે ભાજપ નેતાનો બફાટ

અગ્નિવીરોને ભાજપ ઓફિસમાં ગાર્ડ માટે પ્રાથમિક્તા અપાશે : વિજયવર્ગીય

– વિજયવર્ગીયે અગ્નિવીરો અંગે પક્ષની માનસિક્તા છતી કરી, ભાજપ માફી માગે : કોંગ્રેસની માગ

કેન્દ્ર સરકારે સૈન્યમાં ભરતી માટે રજૂ કરેલી અગ્નિપથ યોજનાના વિરોધમાં દેશભરમાં યુવાનોમાં આક્રોશ ફેલાયો છે અને ઠેરઠેર દેખાવો થઈ રહ્યા છે. આવા સમયમાં ભાજપના રાષ્ટ્રીય મહાસચિવ કૈલાશ વિજયવર્ગીયના નિવેદને આ આક્રોશની આગમાં ઘી નાંખવાનું કામ કર્યું છે. વિજયવર્ગીયના નિવેદનને દેશના જવાનો માટે અપમાનજનક ગણાવાઈ રહ્યું છે.

અગ્નિપથ યોજના અંગે દેશભરમાં વિરોધ વચ્ચે ભાજપના રાષ્ટ્રીય મહાસચિવ કૈલાશ વિજયવર્ગીયનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે, જેમાં તેઓ કહેતા જણાય છે કે તેમને ભાજપ ઓફિસમાં સિક્યોરિટી રાખવી હશે તો તેઓ અગ્નિવીરોને પ્રાથમિક્તા આપશે. તેઓ ઈન્દોરમાં અગ્નિપથ યોજનાની વિશેષતાઓ અંગે કાર્યકરોને સમજાવવાનો પ્રયાસ કરી રહ્યા હતા તે સમયે તેમણે આ નિવેદન આપ્યું હતું. જોકે, આ નિવેદનના પગલે તેમની સામે પક્ષમાંથી જ અને રાજકીય સ્તરે ભારે વિરોધ થઈ રહ્યો છે.

ભાજપના સાંસદ વરુણ ગાંધી, અરવિંદ કેજરીવાલ અને કોંગ્રેસે આ મુદ્દે વિજયવર્ગીયને ઘેરી લીધા છે. વિજયવર્ગીયને જવાબ આપતા કોંગ્રેસે સોશિયલ મીડિયા પર લખ્યું કે, અગ્નિપથ અંગે બધી જ શંકાઓ દૂર કરી દીધી. ભાજપના કૈલાશ વિજયવર્ગીયે. આ સત્યાગ્રહ આ માનસિક્તાના વિરોધમાં છે.’ વરુણ ગાંધીએ ટ્વિટર પર વીડિયો શૅર કરતા કહ્યું, ‘જે મહાન સેનાની વીર ગાથાઓ કહેવામાં આખો શબ્દકોશ અસમર્થ હોય, જેના પરાક્રમના ડંકા આખા વિશ્વમાં ગુંજતા હોય, તે ભારતીય સૈનિકને કોઈ રાજકીય ઓફિસની ‘ચોકીદારી’ કરવાનું આમંત્રણ. તેને આપનારને જ મુબારક. ભારતીય સૈન્ય માં ભારતીની સેવાનું માધ્યમ છે, માત્ર એક ‘નોકરી’ નહીં.’

જોકે, આ અંગે વિવાદ વધતા કૈલાશ વિજયવર્ગીયે તુરંત ખુલાસો આપતા કહ્યું, અગ્નિપથ યોજનાથી નીકળનારા અગ્નિવીરો નિશ્ચિતરૂપે તાલિમબદ્ધ અને કર્તવ્ય પ્રત્યે કટિબદ્ધ હશે, સૈન્યમાં સેવાકાળ પૂરો કર્યા પછી તેઓ જે પણ ક્ષેત્રમાં જશે ત્યાં તેમની ઉત્કૃષ્ટતાનો ઉપયોગ થશે. મારો આશય માત્ર એટલો જ હતો. અન્ય એક ટ્વીટમાં તેમણે કહ્યું, ટૂલકિટ સાથે સંકળાયેલા લોકો મારા નિવેદનને તોડી-મરોડીને રજૂ કરીને કર્મવીરોનું અપમાન કરવાનો પ્રયાસ કરી રહ્યા છે.

June 20, 2022
ausi-flood8.jpg
1min265

આસામમાં ભીષણ વરસાદનાં કારણે નદીઓ ઉફાણ ઉપર છે અને પૂરનાં કારણે પરિસ્થિતિ એટલી હદે વકરી છે કે છેલ્લા 24 કલાકમાં રાજ્યના 32 જિલ્લાના 4296 ગામમાં 30,99,762 લોકો પૂરથી પ્રભાવિત થયા છે તેમજ 8 લોકોએ જીવ ગુમાવ્યો છે. એપ્રિલ મહિનાથી અત્યારસુધીમાં 62 લોકો પૂર અને ભૂસ્ખલનનાં કારણે મૃત્યુ પામ્યા છે જ્યારે 66455.82 હેક્ટરથી વધારે ખેતીની જમીન પૂરના કારણે પ્રભાવિત થઈ છે.

પૂર પ્રભાવિત ક્ષેત્રમાં 514 રાહત શિબિર અને 302 રાહત વિતરણ કેન્દ્ર શરૂ કરવામાં આવ્યા છે. આ રાહત શિબિરમાં 1,56,365 લોકોએ શરણ લીધી છે જ્યારે પાડોશી રાજ્ય મેઘાલયમાં પણ છેલ્લા 24 કલાકથી વરસાદ પડી રહ્યો છે. પશ્ચિમ ત્રિપુરામાં શનિવારના સતત વરસાદનાં કારણે જાનમાલને ઘણું નુકસાન પહોંચ્યું છે. ત્રિપુરામાં સરકારે બચાવ અને રાહત કાર્યોને તેજ બનાવવા એનડીઆરએફ અને રાજ્ય સુરક્ષા દળની સહાયતા માટે આસામ રાઇફલ્સના જવાનોને જવાબદારી સોંપી છે. અગરતલામાં સેંકડો લોકેએ શરણ લીધી છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે આસામના મુખ્યમંત્રી હિંમત બિસ્વ સરમા સાથે રાજ્યમાં પૂરની સ્થિતિને લઈને જાણકારી લીધી હતી અને કેન્દ્રની દરેક સંભવ મદદનું આશ્વાસન આપ્યું હતું. અધિકારીઓએ કહ્યું હતું કે, આસામના હોઝઈ જિલ્લામાં પૂર પ્રભાવિત લોકોને લઈ જઈ રહેલી એક હોડી પલટી હતી અને ત્રણ બાળક લાપતા થયાં છે જ્યારે 21ને બચાવી લેવામાં આવ્યા છે.

પીએમ મોદીએ ટ્વિટ કર્યું હતું કે, તેઓએ આસામના મુખ્યમંત્રી સાથે પૂરને લઈને વાતચીત કરી છે અને દરેક સંભવ મદદનું આશ્વાસન આપ્યું છે. તેઓ પૂર પ્રભાવિત આસામના લોકોની સુરક્ષા માટે પ્રાર્થના કરે છે. મુખ્યમંત્રી સરમાએ કહ્યું હતું કે, સંબંધિત અધિકારીઓને સંવેદનશીલ વિસ્તારમાંથી લોકોને બચાવવાના નિર્દેશ આપવામાં આવ્યા છે. સેના સહાયતા આપવા માટે તૈયાર છે. એનડીઆરએફ અને એસડીઆરએફના જવાનો પણ પ્રભાવિત લોકોને સુરક્ષિત સ્થળે પહોંચાડી રહ્યા છે.

June 17, 2022
india_vs_sa.jpg
1min425

રાજકોટના એસસીએ સ્ટેડિયમની બેટિંગ પેરાડાઇઝ પીચ પર 17/6/22, શુક્રવારે ભારતીય ટીમનો પ્રવાસી દક્ષિણ આફ્રિકા સામે કરો યા મરો મુકાબલો થશે. પાંચ મેચની ટી-20 શ્રેણીનો ત્રીજો મેચ જીતીને ટીમ ઇન્ડિયાએ શ્રેણી જીવંત રાખી છે. ઋષભ પંતની ટીમની નજર હવે રાજકોટમાં ચોથો મેચ જીતીને શ્રેણી 2-2ની બરાબરી પર લાવી દેવા પર છે. બીજી તરફ દ. આફ્રિકાની ટીમ પાછલી હાર ભૂલીને શ્રેણી 3-1ની અતૂટ સરસાઈથી ગજવે કરવાના ઇરાદે મેદાને પડશે. જો કે આવતીકાલ શુક્રવારે રમાનાર આ મેચમાં વરસાદનું સંકટ ઝળુંબી રહ્યંy છે. પ્રવાસી ટીમ આફ્રિકા માટે સારી વાત એ છે કે તેના અનુભવી વિકેટકીપર કિવંટન ડિ’કોકની રાજકોટના મેચમાં વાપસી થશે. તે ઇજામાંથી બહાર આવી ગયો છે.

બીજી તરફ ભારતીય ટીમ માટે ચિંતાનું કારણ તેના કપ્તાન ઋષભ પંતનું ખરાબ ફોર્મ છે. ટીકાકારોને જવાબ આપવા પંતે ખંઢેરીનાં મેદાન પર એક આતશી ઇનિંગ રમવી પડશે. ચોથા મેચમાં તેની પાસે મોકો બની રહેશે, કારણ કે રાજકોટની પીચે હંમેશાં બેટધરોનો સાથ આપ્યો છે. આથી રાજકોટના મેચમાં પહેલો દાવ લેનાર ટીમ 200 આસપાસનો સ્કોર કરવાનું લક્ષ્ય રાખશે. જો વરસાદ ન પડે અને શુક્રવારે બપોર બાદ ઉઘાડ હશે તો રાજકોટના મેચમાં રમઝટ બોલશે તે નિશ્ચિત છે. રાજકોટની પીચ આક્રમક બેટધરો માટે વધુ અનુકુળ છે. આથી ઇશાન કિશન, ઋતુરાજ ગાયકવાડ, શ્રેયસ અય્યર, હાર્દિક પંડયા અને દિનેશ કાર્તિક પાસેથી સ્થાનિક ચાહકોને ધૂંઆધાર ઇનિંગની આશા રહેશે જ્યારે ભુવનેશ્વર કુમાર, હર્ષલ પટેલ, આવેશ ખાન પાસેથી ઘાતક બોલિંગની આશા રહેશે. રાજકોટના મેચમાં સ્પીડસ્ટાર ઉમરાન મલિકને ટીમ ઇન્ડિયા તરફથી ડેબ્યૂની તક મળશે તેવી શકયતા છે, કારણ કે આવશે ખાન વિકેટ લઈ રહ્યો નથી.

આફ્રિકાએ ત્રીજા મેચની ખરાબ બોલિંગ, ફિલ્ડિંગ અને બેટિંગ ભૂલીને હલ્લાબોલ કરવું પડશે. જેનો સામનો કરવા ટીમ ઇન્ડિયાએ પણ કમર કસી લીધી છે. શ્રેણીમાં હજુ સુધી બન્ને ટીમના સ્પિનરો સારો દેખાવ કરી શકયા નથી. જો કે રાજકોટની પીચ પ્રમાણમાં ધીમી છે. આથી અહીં સ્પિનરોને સફળતા મળવાની સંભાવાના છે.

June 17, 2022
agnipath.jpg
1min314

કેન્દ્ર સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલી ‘અગ્નિપથ’ યોજનાના વિરોધમાં ગુરુવારે બિહાર, ઉત્તર પ્રદેશ, રાજસ્થાન અને હરિયાણા સહિત દેશનાં અનેક રાજ્યમાં હિંસક પ્રદર્શન કરવામાં આવ્યાં હતાં. પ્રદર્શનકર્તાઓએ ટ્રેનને આગ ચાંપી હોવા ઉપરાંત સરકારી વાહનો પર પણ હુમલો કર્યો હતો. પ્રદર્શનાર્થીઓએ રેલવેની મિલકતને નુકસાન પહોંચાડ્યું હોવા ઉપરાંત ભાભુઆ અને છાપરા રેલવે સ્ટેશને ઊભેલી ટ્રેનને આગ ચાંપી હતી અને તોડફોડ કરી હતી. ઘટનાને પગલે ૩૪ કરતા પણ વધુ ટ્રેન રદ કરવામાં આવી હતી અને આઠ જેટલી ટ્રેન આંશિક રીતે રદ કરવામાં આવી હતી.

વિરોધપ્રદર્શનને કારણે રેલવે રિક્રૂટમેન્ટ બોર્ડ (આરઆરબી)ની પરીક્ષા વિલંબમાં પડી હતી. વિરોધપ્રદર્શનને કારણે વધુ ૭૨ ટ્રેન પણ વિલંબમાં પડી હતી. રાજધાની દિલ્હીમાં નાન્ગ્લોઈ ખાતે પ્રદર્શનકર્તાઓએ રેલવે ટ્રેક પર અવરોધ ઊભો કરી યોજના વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા. વિરોધપ્રદર્શનના બીજે દિવસે બિહારમાં પ્રદર્શનકર્તાઓએ ટ્રેનને આગ ચાંપી હતી, બસની બારીઓ તોડી નાખવામાં આવી હતી અને ભાજપના વિધાનસભ્ય સહિત વટેમાર્ગુઓએ પથ્થરમારો કર્યો હતો.
પ્રદર્શનાર્થીઓને વિખેરવા પોલીસને અશ્રુવાયુ છોડવાની અને લાઠીચાર્જ કરવાની ફરજ પડી હતી.

આ યોજના અંતર્ગત યુવાનોને સેનાની ત્રણ પાંખ (હવાઈ દળ, નૌકાદળ અને પાયદળ)માં નોકરી માટે ચાર વર્ષના ટૂંકાગાળા માટે કરારબદ્ધ કરવાની જોગવાઈ રાખવામાં આવી છે. જોકે, ચાર વર્ષ બાદ તેઓ નિવૃત્ત થાય તેમને ગ્રેચ્યુઈટી કે પેન્શન આપવાની તેમાં કોઈ જ જોગવાઈ નથી.

June 13, 2022
bitcoin_1.jpg
1min245

ક્રિપ્ટો કિંગ તરીકે ઓળખાતા બિટકોઈનના ભાવમાં 13/6/22 સોમવારના શરૂઆતી સત્રમાં ભારે તારાજી સર્જાઈ છે. બિટકોઈનનો ભાવ ડિસેમ્બર, 2020 બાદ પ્રથમ વખત 25,000 ડોલરની નીચે ગગડ્યો છે.

ભારતીય સમયાનુસાર સોમવારે સવારે 9 કલાકે બિટકોઈન 9%ના કડાકે 25,200 ડોલરની આસપાસ કામકાજ કરી રહ્યો છે. જોકે ઈન્ટ્રાડેમાં બિટકોઈનમાં 11%થી વધુના ઘટાડે 24,800નું લેવલ જોવા મળ્યું હતુ, જે ડિસેમ્બર, 2020 બાદનું સૌથી નીચલું સ્તર છે.

ચોંકાવનારી વાત એ છે કે છેલ્લા એક સપ્તાહમાં 7%ના ઘટાડા છતા નવા સપ્તાહે પણ ક્રિપ્ટોકિંગમાં મસમોટો કડાકો અને એ પણ સરેરાશ વોલ્યુમનની સામે નોંધપાત્ર 25% વધારે વોલ્યુમ સાથે આવેલ આ કડાકો સૂચવે છે કે બિટકોઈન મંદીના ભરડામાં ફસાયેલો છે અને હવે તેના સેન્ટીમેન્ટ નબળા પડી રહ્યાં છે તેથી જ રોકાણકારો ગમે તે લેવલે વેચવાલી કરી રહ્યાં છે.

બિટકોઈનના કડાકા સાથે ક્રિપ્ટો બજારની માર્કેટ કેપિટલ પણ 24 કલાકમાં 8% ઘટીને 1.04 લાખ કરોડ ડોલર પર પહોંચી છે. બિટકોઈનનો હિસ્સો ક્રિપ્ટો બજારના કુલ માર્કેટ કેપમાં 0.50% ઘટીને 47.20% થયો છે.

June 13, 2022
Sensex-down_.jpg
1min250

તા.13મી જૂન, સોમવારે સવારે એશિયન શેરબજારમાં ભારે વેચવાલી વચ્ચે ભારતીય શેરબજારના ઇન્ડેક્ષ, સેન્સેક્સ 1100થી વધુ અંકોના કડાકે ખુલ્યાં બાદ 10 કલાકે ઈન્ડેકસ 1450 ઘટીને 52,800 અને નિફ્ટી 458 પોઇન્ટ ઘટી 15,742ની સપાટીએ પટકાયા છે.

આજે 13મી જૂને બજારમાં ચોતરફ વેચવાલી જોવા મળી રહી છે. સેન્સેક્સમાં સમાવિષ્ટ શેરમાંથી માત્ર એક જ HULનો શેર 0.15% જ અપ છે બાકી તમામ 29 શેર ઘટીને કામકાજ કરી રહ્યાં છે. નિફટીના 50માંથી 3 શેર સામાન્ય સુધારો દર્શાવી રહ્યાં છે. બજારને આજે નીચે ધકેલવાનું કામ બેંકિંગ શેર, IT શેર અને બજાજ બંધુઓ કરી રહ્યાં છે. સેન્સેક્સના કડાકામાં 226 અંકોનો ફાળો રિલાયન્સનો તો ICICI બેંક 185 અંક અને ઈન્ફોસિસ 150 અંકનું યોગદાન આપી રહ્યાં છે.

આજના સત્રમાં સૌથી વધુ ઘટાડો બજાજ ફિનસર્વ અને બજાજ ફાઈનાન્સના શેરમાં જોવા મળી રહ્યો છે. આ સિવાય ICICI બેંક પણ 4.25%થી વધુ ગગડ્યો છે.

આજના સત્રમાં બ્રોડર માર્કેટમાં પણ નોંધપાત્ર વેચવાલી જોવા મળી રહી છે. 1:4ના એડવાન્સ ડિક્લાઈન રેશિયો સાથે મિડકેપ-સ્મોલકેપ ઈન્ડેકસ પણ 2.25% તૂટ્યાં છે. બીએસઈ ખાતે બંને ઈન્ડેક્સ અનુક્રમે 22,000 અને 25,200ના લેવલે કામકાજ કરી રહ્યાં છે. બીએસઈ ખાતે 518 વધનારા શેરની સામે 2453 શેર ઘટીને કામકાજ કરી રહ્યાં છે તો 125 શેરમાં કોઈ ફેરફાર નથી.

આજના સત્રમાં 190 શેરમાં લોઅર સર્કિટ તો 139 શેરમાં અપર સર્કિટ છે પરંતુ 50 શેરમાં 52 સપ્તાહની ટોચ જોવા મળી છે તો 147 શેરમાં 52 સપ્તાહનું તળિયું જોવા મળી રહ્યું છે.

બજારમાં ફુગાવા ઉપરાંત સ્ટેગફ્લેશનની દહેશત જોવા મળી રહી છે. આ સ્થિતિમાં ફુગાવો સતત વધતો રહે અને આર્થિક વિકાસ ઘટે જેના કારણે કંપનીઓની કમાણી ઘટે એવી ચિંતા જોવા મળી રહી છે.

June 10, 2022
rajya_sabha.jpg
1min251

15 રાજ્યની 57માંથી 41 બેઠકો ઉપર નિર્વિરોધ જીત પછી બાકીની 16 બેઠકો માટે
આજે ખરાખરીનો ખેલ: તોડજોડ અને ક્રોસવોટિંગની આશંકા વચ્ચે રિસોર્ટ પોલિટિક્સથી રોમાંચ
દેશનાં રાષ્ટ્રપતિની ચૂંટણીની તારીખનું આજે એલાન થયું છે પણ તે પહેલા અત્યારે સંસદનાં ઉપલા ગૃહ રાજ્યસભાની ચૂંટણીનો ગરમાવો અને ધમધમાટ ચરમસીમાએ છે. આવતીકાલે યોજાનારી ચૂંટણી અને તેનાં પરિણામો વચ્ચે હવે ગણતરીનાં કલાકો જ બચ્યા છે. આ વખતની રાજ્યસભાની દ્વિવાર્ષિક ચૂંટણી આમ તો 1પ રાજ્યોની કુલ મળીને પ7 બેઠકો ઉપર થવાની હતી પણ ઉમેદવારી પરત ખેંચવાના અંતિમ દિવસે 41 સદસ્યો નિર્વિરોધ ચૂંટાઈ આવ્યા હોવાથી હવે માત્ર 16 બેઠકો ઉપર જ કાલે ચૂંટણી યોજાશે.

અત્યાર સુધીમાં આંધ્રપ્રદેશ, છત્તીસગઢ, બિહાર, ઝારખંડ, મધ્યપ્રદેશ, ઓરિસ્સા, તામિળનાડુ, તેલંગણ, ઉત્તરપ્રદેશ, ઉત્તરાખંડ અને પંજાબ એમ કુલ મળીને 11 રાજ્યોમાં વિભિન્ન પક્ષનાં 41 ઉમેદવારો બિનહરીફ જીતી ગયા છે. બાકી બચતી 16 બેઠકો માટે જ શુક્રવારે મતદાન થવાનું છે અને તેમાં કેટલીક બેઠકો ઉપર તો ભારે રોમાંચક રસાકસી જામવાની છે.
જે 16 રાજ્યસભા બેઠકો માટે આવતીકાલે ચૂંટણી યોજાવાની છે તેમાં મહારાષ્ટ્ર, રાજસ્થાન, હરિયાણા અને કર્ણાટકની બેઠકોનો સમાવેશ થાય છે. પક્ષોને આમાં સોદાબાજીથી લઈને ક્રોસ વોટિંગ સુધીનો ડર સતાવી રહ્યો છે. ઉમેદવારો પણ તોડજોડનાં રાજકારણમાં વ્યસ્ત છે અને પક્ષોએ પોતાનાં આંકડા ટકાવી રાખવા માટે વિધાયકોને રિસોર્ટમાં છૂપાવવા સુધીની રણનીતિઓ અપનાવેલી છે. કોઈ ધારાસભ્ય આડાઅવળો ન થઈ જાય એટલે તેમની પહેરેદારી થઈ રહી છે.
મહારાષ્ટ્રની છ બેઠકો ઉપર ચૂંટણી થવાની છે. જેમાં કોંગ્રેસ, એનસીપી પાસે એક-એક બેઠક જીતવા માટે પૂરતું સંખ્યાબળ છે.

તો ભાજપ પાસે બે બેઠકો માટે તાકાત છે. આવી જ રીતે શિવસેના પાસે એક બેઠક ઉપર ઉમેદવારને રાજ્યસભામાં મોકલવાની પર્યાપ્ત સંખ્યા છે. જો કે શિવસેનાએ પોતાનાં બીજા ઉમેદવારની જીત સુનિશ્ચિત કરવાં માટે પોતાનાં સહયોગી અને અપક્ષ સહિત કુલ 30 મતની આવશ્યકતા છે.

રાજસ્થાનની વાત કરવામાં આવે તો ત્યાં 4 બેઠકો ઉપર સીધી ટક્કર છે. કોંગ્રેસનાં ત્રણ ઉમેદવાર મુકુલ વાસનિક, રણદીપ સુરજેવાલા અને પ્રમોદ તિવારી મેદાને છે. આ ત્રણેય ઉમેદવાર માટે 123 વિધાયકોનાં મતની જરૂર કોંગ્રેસને છે. બદલાતા માહોલમાં જ ફક્ત ત્રણ જ વિધાયકનાં ઉલટસુલટ થઈ જાય તો કોંગ્રેસનાં ત્રીજા ઉમેદવારની હાર પણ સંભવ છે. કારણ કે કોંગ્રેસ પાસે પોતાનાં ફક્ત 108 ધારાસભ્ય છે. એક આરએલડી, 13 અપક્ષ, બે સીપીએમ અને બે બીટીપીનાં મત કોંગ્રેસને મળે ત્યારે તેના 126 મત થઈ શકે તેમ છે. ભાજપનાં સમર્થન સાથે સુભાષ ચંદ્રા અપક્ષ ઉમેદવાર બનેલા છે. તેમને 11 મતની જરૂર છે. જેમાં તેમને ભાજપનાં 30 સરપ્લસ અને આરએલપીનાં ત્રણ વિધાયકનાં મત મળી શકે તેમ છે.
હરિયાણામાં બે બેઠકો માટે રાજ્યસભાની ચૂંટણી થશે. અહીં કાર્તિકેય શમાએ મુકાબલાને રસાકસી ભરેલો બનાવી દીધો છે. શર્માને ભાજપનું સમર્થન છે. તેમને જીત માટે 31 મતની જરૂર છે. જે અજય માકન માટે પડકાર સમાન બની ગયું છે. માકન તો જ જીતી શકશે જો તેને કોંગ્રેસનાં 31માંથી 30 વિધાયકનાં મત મળે. એવું કહેવાય છે કે, કોંગ્રેસનાં ત્રણ મત એવા છે જેણે પોતાનાં તમામ વિકલ્પો ખુલ્લા રાખ્યા છે.

કર્ણાટકમાં 4 બેઠકો ઉપર ચૂંટણી થવાની છે. પહેલા અહીં આસાન ચૂંટણી દેખાતી હતી પણ કોંગ્રેસે પ્રદેશ મહાસચિવ મન્સૂર અલીને પોતાનાં ઉમેદવાર બનાવીને પેચ ફસાવી દીધો છે. ભાજપે અહીં વિધાન પરિષદનાં સભ્ય લહેરસિંહને પોતાના ત્રીજા ઉમેદવાર બનાવ્યા છે. 224 બેઠકોની કર્ણાટક વિધાનસભામાં એક રાજ્યસભા બેઠક માટે 4પ વિધાયકનાં મતની જરૂર હોય છે. કોંગ્રેસ પાસે 70 છે પણ પક્ષે જયરામ રમેશ અને મન્સૂર અલી ખાનને મેદાને ઉતારીને લડત આપવાનું મન બનાવ્યું હતું. કોંગ્રેસને હવે બીજી બેઠક માટે વધારાનાં 20 મતની જરૂર છે.

June 9, 2022
chahumukhi-1.jpeg
1min6446

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944

બિહારના પટણામાં જન્મેલી એક બાળકી જન્મથી જ 4 હાથ અને 4 પગ ધરાવતી હતી. સોશ્યલ મિડીયામાં આ બાળકી અંગે જાણીને અભિનેતા સોનુ સુદે સુરતની કિરણ હોસ્પિટલને આ કેસ હાથ પર લઇને બાળકીની સર્જરી કરવા માટે ભલામણ કરી હતી. લગભગ સપ્તાહ પહેલા સુરતની કિરણ હોસ્પિટલમાં શીફ્ટ કરાયેલી આ બાળકીનું જટીલ ઓપરેશન સુરતની કિરણ હોસ્પિટલના ડો.મિથુન અને તેમની ટીમે સફળતાપૂર્વક કર્યું છે અને હવે એ બાળકી નોર્મલ બાળકોની જેમ જીવન જીવી શકશે.

અઢી વર્ષની ચહુંમુખી કુમારી બિહારના નવાદા જિલ્લાના વારસાલીગંજ પ્રખંડની સોર પંચાયતના હેમદા ગામની રહેવાસી છે.  ચહુંમુખી કુમારીનું સુરતની કિરણ હોસ્પિટલમાં સફળતાપૂર્વક ઓપરેશન કરવામાં આવ્યું છે. સી.આઇ.એ. લાઇવ.

ચાર હાથ અને ચાર પગ ધરાવતી બાળકી જન્મી ત્યારે તેનું શરીર જોઇને તબીબો પણ ચોંકી ઉઠ્યા હતા. બાળકીનું નામ આપવામાં આવ્યું હતું. ચહુંમુખીને જન્મથી જ 4 હાથ અને 4 પગ હતા. સોશિયલ મીડિયા પર આ વાત વાયરલ થઈ ત્યારે સોનુ સૂદે તે જોયું અને તેના તરફથી બાળકનું ઓપરેશન કરાવવાની જાહેરાત કરી હતી. જેને પગલે સુરતની કિરણ હોસ્પિટલમાં આ બાળકી પર સફળ શસ્ત્રક્રિયા કરવામાં આવી છે. આઠ દિવસ અગાઉ બાળકીને સોનું સૂદના કહેવા પર સુરતની કિરણ હોસ્પિટલમાં શીફ્ટ કરવામાં આવી હતી.

અઢી વર્ષની ચહુંમુખી કુમારી બિહારના નવાદા જિલ્લાના વારસાલીગંજ પ્રખંડની સોર પંચાયતના હેમદા ગામની રહેવાસી છે.  ચહુંમુખી કુમારીનું સુરતની કિરણ હોસ્પિટલમાં સફળતાપૂર્વક ઓપરેશન કરવામાં આવ્યું છે. ખાનગી ક્ષેત્રની કિરણ હોસ્પિટલમાં કલાકોના અથાક પ્રયાસો બાદ ચાહુમુખીનું સફળ ઓપરેશન શક્ય બન્યું હતું. અગાઉ આપેલા વચન મુજબ સોનુ સૂદે ચહુંમુખીનું ઓપરેશન કરીને તેને નવું જીવન આપ્યું છે.  હવે ચહુંમુખી કુમારી સામાન્ય બાળકોની જેમ વાંચન-લેખન સાથે જ રમી શકશે.

ચહુંમુખીનો પરિવાર 30 મેના રોજ મુંબઈ પહોંચીને સોનુ સુદને મળ્યો હતો. સોનુ સુદે ચહુંમુખીની સારવાર માટે પરિવારને  સુરત મોકલ્યો હતો. સુરતમાં નિષ્ણાત તબીબોની ટીમ દ્વારા ચહુંમુખીનું મેડિકલ ચેકઅપ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ કિરણ હોસ્પિટલના ડોક્ટર મિથુન અને તેમની ટીમે લગભગ 7 કલાકમાં ચહુંમુખીની સફળ સર્જરી કરી હતી.

હાલ માસૂમ બાળકને હજુ થોડા દિવસ હોસ્પિટલમાં રહેવું પડશે. ત્યારબાદ તે એક સામાન્ય બાળકીની જેમ હોસ્પિટલમાંથી બહાર આવશે અને સામાન્ય બાળકોની જેમ જીવી શકશે. સોનુ સૂદે ચહુંમુખીની સર્જરીનો સંપૂર્ણ ખર્ચ ઉઠાવ્યો છે. તેની માનવતાવાદી કાર્યની ચારે તરફ પ્રશંસા થઈ રહી છે.