CIA ALERT

Alert Archives - Page 19 of 443 - CIA Live

October 26, 2022
biden.jpg
1min254
Honoured": Joe Biden Hosts White House's Biggest-Ever Diwali Celebration

એક સમયે માત્ર ભારત સુધી મર્યાદિત દિવાળીની ઊજવણી હવે ગ્લોબલ ફેસ્ટીવલ બની ગઇ છે. વૈશ્વિક સ્તરે ભારતીયોનો દબદબો વધવાની સાથે હિન્દુઓના સૌથી મોટા તહેવાર દિવાળીની ઊજવણી પણ ભવ્ય બની છે. ઓસ્ટ્રેલિયાથી લઈને અમેરિકા સુધીના દેશોમાં હિન્દુઓ સહિત લોકોએ ધામધૂમથી દિવાળી ઊજવી હતી. અમેરિકન પ્રમુખ જો બાઈડેને ભારતીય મૂળના લોકો સાથે વ્હાઈટ હાઉસમાં અત્યાર સુધીની સૌથી મોટી ઊજવણી કરી હતી. અમેરિકામાં આગામી વર્ષથી દિવાળીના દિવસનો જાહેર રજામાં સમાવેશ કરાયો છે. આ વૈશ્વિક સ્તરે ભારતીયોનો વધતો પ્રભાવ દર્શાવે છે.

ઓસ્ટ્રેલિયા, અમેરિકા, કેનેડા સહિત અનેક દેશોએ દિવાળીની ઊજવણી કરી. અમેરિકન પ્રમુખ જો બાઈડેને ભારતીય મૂળના લોકો સાથે વ્હાઈટ હાઉસમાં દિવાળી ઊજવી હતી. આ સમયે ફર્સ્ટ લેડી જિલ બાઈડેન, નાયબ પ્રમુખ કમલા હેરિસ સહિત ભારતીય મૂળના ૨૦૦થી વધુ લોકો હાજર રહ્યા હતા. તેઓ પરંપરાગત ભારતીય પહેરવેશ શેરવાની, સાડીમાં પહોંચ્યા હતા અને આ રંગારંગ કાર્યક્રમમાં સિતારવાદક ઋષભ વર્માએ પરફોર્મ કર્યું હતું. કાર્યક્રમમાં મહેમાનોએ ભારતીય મીઠાઈઓનો સ્વાદ માણ્યો હતો. વ્હાઈટ હાઉસમાં સોમવારની રાતે દિવાળી પાર્ટીનું આયોજન કરાયું હતું. 

અમેરિકામાં જ્યોર્જ બુશ તંત્ર દ્વારા વ્હાઈટ હાઉસમાં દિવાળીની ઊજવણી શરૂ કરાઈ હતી. ત્યાર પછી નવેમ્બર ૨૦૦૮માં તત્કાલિન અમેરિકન પ્રમુખ બરાક ઓબામા અને ભારતીય વડાપ્રધાન મનમોહન સિંહે પરમાણુ કરાર પર હસ્તાક્ષર કરતાં ભારત-અમેરિકાના સંબંધો વધુ મજબૂત બન્યા હતા. આજે બંને દેશના સંબંધો નવી ઊંચાઈએ પહોંચ્યા છે. 

બાઈડેને કહ્યું કે, દિવાળીના પ્રસંગે વ્હાઈટ હાઉસમાં પહેલી વખત આટલા મોટા પાયે રિસેપ્શન થયું છે. અમારી સરકારમા ંઅગાઉની સરકારોની સરખામણીમાં વધુ એશિયન-અમેરિકનોનો સમાવેશ છે. દિવાળીના શાનદાર આયોજનને અમેરિકન સંસ્કૃતિનો ભાગ બનાવવા માટે બધાનો આભાર.

બાઈડેને વધુમાં કહ્યું, દિવાળીના પ્રસંગે હું દુનિયાના ૧૦૦ કરોડથી વધુ હિન્દુ, જૈન, શીખ અને બૌદ્ધ ધર્મના લોકોને શુભેચ્છા પાઠવું છું. અત્યારે અમેરિકન સરકારમાં અલગ અલગ સંસ્કૃતિઓ સમાવિષ્ટ છે. ઉપપ્રમુખ કમલા હેરિસ આ પદે પહોંચનારાં પહેલાં અશ્વેત મહિલા છે. જિલ બાઈડને પણ એશિયન અમેરિકન સમાજના લોકોની પ્રશંસા કરતા કહ્યું કે, આ સમુદાયના લોકોએ અમેરિકાને આગળ વધારવામાં નોંધપાત્ર યોગદાન આપ્યું છે. અમેરિકન ઉપપ્રમુખ કમલા હેરિસે કહ્યું કે, વ્હાઈટ હાઉસ સામાન્ય લોકોનું ઘર છે. અમેરિકાનાં ફર્સ્ટ લેડી જિલ બાઈડેને આ ઘરનું વાતાવરણ એવું બનાવ્યું છે કે અમેરિકાનો કોઈપણ નાગરિક પોતાની સંસ્કૃતિ અને તહેવારોની અહીં ઊજવણી કરી શકે છે.

દરમિયાન હિન્દુઓને દિવાળીની ઊજવણીની શુભેચ્છા પાઠવવામાં ઓસ્ટ્રેલિયાથી અમેરિકા સુધીના કોઈ દેશ પાછળ નથી. ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન એન્થની અલ્બનીસ સહિત વિશ્વના અનેક નેતાઓએ દુનિયાભરમાં દિવાળીનો તહેવાર ઊજવનારા બધા જ લોકોને શુભેચ્છાઓ પાઠવી હતી. ઓસ્ટ્રેલિયન વડાપ્રધાન એન્થનિ અલ્બનીસે કહ્યું હતું કે, આ દિવાળી તમારા અને તમારા પ્રિયજનો માટે દરેક ખુશીઓ અને શાંતિ લઈ આવે. સાથે જ ઓસ્ટ્રેલિયામાં સિડની ઓપેરા હાઉસ પણ ટી-૨૦ વર્લ્ડ કપમાં પાકિસ્તાન વિરુદ્ધ ભારતના વિજય પછી દિવાળી પ્રસંગે ઝગમગી ઊઠયું હતું.

આ સિવાય પાકિસ્તાન વડાપ્રધાન શાહબાઝ શરીફે પણ પાકિસ્તાન અને દુનિયાભરના હિન્દુ સમુદાયને દિવાળી પ્રસંગે શુભેચ્છાઓ પાઠવી હતી. તેમણે ટ્વીટ કરી, દિવાળી, પ્રકાશના તહેવાર પર પાકિસ્તાન અને દુનિયાના હિન્દુ સમુદાયને શુભેચ્છાઓ. આ દિવસ આપણી દુનિયામાં શાંતિ, ખુશી અને સદ્ભાવ લાવે. વિશ્વના અનેક નેતાઓએ દિવાળી પર શુભેચ્છાઓ પાઠવી. .

બાઈડેને મંચ પર બાળકોને બોલાવી તેમને ‘પ્રકાશપુંજ’ ગણાવ્યા 

વ્હાઈટ હાઉસાં આ વર્ષના દિવાળી સમારંભમાં પ્રમુખ જો બાઈડેને મંચ પર બે બાળકોને બોલાવ્યા હતા અને તેમને પ્રકાશપુંજ તરીકે ઓળખાવ્યા હતા. પાછળથી વ્હાઈટ હાઉસે કહ્યું હતું કે, આ બંને બાળકો સાંસદ રો ખન્નાના સંતાનો સોરેન અને ઝારા છે. જો બાઈડેને ભારતીય મૂળના લોકોને સંબોધન કરતી વખતે સાંસદ રો ખન્નાના સંતાનોને મંચ પર બોલાવ્યા હતા અને સવાલ કર્યો હતો કે, તમે મંચ પર આવી શકો? તેમણે એક સાથીને બાળકોને મંચ પર લાવવા કહ્યું. આ સાથે બાઈડેને કહ્યું કે, આ બાળકો પ્રકાશપુંજ સમાન છે.

October 25, 2022
cia_multi-1280x1045.jpg
1min657

તા.24મી ઓક્ટોબરને મંગળવારની મોડી રાત્રે, જ્યારે સમગ્ર શહેરમાં લોકો ફટાકડા ફોડી રહ્યા હતા ત્યારે સુરતની હવામાં પ્રદૂષણનું પ્રમાણમાં અનહેલ્ધી એટલે કે બિમાર પાડી દે તે હદે પહોંચી ચૂક્યું હતું. તા.24મી ઓક્ટોબરની રાત્રે સુરતનો એર ક્વોલિટી ઇન્ડેક્ષ 296ના લેવલને પાર કરી ગયો હતો. એર ક્વોલિટી ઇન્ડેક્ષ એવું પરીમાણ છે કે જે હવાની ગુણુવત્તા સૂચવે છે.
સુરતના એર ક્વોલિટી ઇન્ડેક્ષ અંગે ભારતની ખ્યાતનામ સંસ્થાએ જારી કરેલા ડેટા મુજબ છેલ્લા સાત દિવસથી સતત સુરતનો એક્યુઆઇ (એર ક્વોલિટી ઇન્ડેક્ષ) ઉંચે જઇ રહ્યો છે. અને તેમાં પણ પીએમ 2.5 એટલે કે હવામાં સૂક્ષ્મ રજકણોનું પ્રમાણ અતિશય વધી ગયું હતું. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને નિર્ધારિત કરેલા પ્રમાણ કરતા સુરતની હવામાં રજકણોનું પ્રમાણ 6 ગણું વધી ગયું હતું.

સુરતના વાતાવરણના છેલ્લા એક સપ્તાહના આંકડા, એર ક્વોલિટી ઇન્ડેક્ષ ગયા બુધવારે દૈનિક સરેરાશ ફક્ત 57 હતો જે તા.25મીએ દૈનિક સરેરાશ 145 થઇ ગયો હતો.

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને આદર્શ હવા માટે પી.એમ.2.5નું પ્રમાણ 15 સેટ કર્યું છે જેની સામે તા.24મીએ રાત્રે 9 વાગ્યાથી તા.25મીએ સવારે 10 વાગ્યા સુધીમાં સુરતમાં બે સ્થળોએથી ચકાસાયેલી સુરતની હવામાં પી.એમ.2.5નું પ્રમાણ 90 હતું. નિષ્ણાંતોના જણાવ્યા પ્રમાણે સુરતમાં તા.25મી ઓક્ટોબરે સવારે સુરતનો એર ક્વોલિટી ઇન્ડેક્ષમાં એટલો ખરાબ હતો કે જેમાં શ્વાસ લેવાથી બિમારી થઇ શકે છે. આ એક જોખમી લેવલ છે.

તા.24મી ઓક્ટોબર 2022ને સોમવાર, દિવાળીની રાત્રેસ સુરતનો એર ક્વોલિટી ઇન્ડેક્ષનું હાઇએસ્ટ લેવલ 296 નોંધાયું છે

જાણકારો કહે છે કે એર ક્વોલિટી ઇન્ડેક્ષ ઉંચે જવા પાછળ ફટાકડાનું પ્રદૂષણ એકલું કારણભૂત નથી પરંતુ, ફટાકડા સાથે શિયાળો બેસી રહ્યો છે એટલે શુષ્ક વાતાવરણ પણ જવાબદાર મનાય છે. હવે સુરતમાં એક્યુઆઇ ઉંચે જતો જોવા મળશે.

સુરતમાં હવાની ગુણવત્તા અત્યંત નબળી બની છે, જેને ટેકનિકલ ભાષામાં પૂઅર કહેવાય છે. હવામાં અતિસૂક્ષ્મ રજકણોનું પ્રમાણ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને નિર્ધારિત કરેલા 15ના પ્રમાણ કરતા 6 ગણું વધારે એટલે કે 90 છે.
October 25, 2022
Solar-Eclipse-Surya-Grahan.jpg
1min276

આજે Date 25/10/22 ખંડગ્રાસ સૂર્યગ્રહણ થવાનું છે, જે 2022 વર્ષનું અંતિમ અને ભારતમાં દેખાનારું એકમાત્ર સૂર્યગ્રહણ છે. ગ્રહણ સ્પર્શ બપોરે 2.28 મિનિટે થશે. ગ્રહણ મધ્ય સાંજે 4.29 કલાકે અને ગ્રહણ મોક્ષ સાંજે 6.32 કલાકે થશે. સૂર્યગ્રહણએ ખગોળીય ઘટના છે, જેનું ધાર્મિક અને જ્યોતિષની દ્રષ્ટિએ ઘણું મહત્વ રહેલું છે. આ દિવસે સૂતક પાળવામાં આવે છે અને તેથી જ મંદિરોના દરવાજા પણ બંધ રહેશે તેમજ દર્શન અને આરતીના સમયમાં પણ ફેરફાર કરાયો છે.

દિવાળી ટાણે શક્તિપીઠ અંબાજી મંદિરમાં દર્શન કરવા માટે લાખો ભક્તોની ભીડ ઉમટતી હોય છે. જો કે, આખો દિવસ મંદિર બંધ રહેવાનો છું. આજે સવારે 4.00 કલાકે આરતી કરવામાં આવી હતી અને 4.30 કલાકે મંદિરના દ્વાર બંધ કરવામાં આવ્યા છે. પહેલા સાંજની આરતી 6.30 કલાકે થતી હતી પરંતુ સૂર્યગ્રહણના કારણે આજે 9.30 કલાકે કરવામાં આવશે. બેસતા વર્ષે સવારની આરતી 6 વાગ્યે કરવામાં આવશે અને આ દિવસે માતાને અન્નકૂટનો ભોગ પણ ધરાવવામાં આવશે.

દ્વારકાધીશનું મંદિર પણ આજે થોડા કલાકો માટે બંધ રહેવાનું છે. 7.30 વાગ્યે ઉત્પાથન દર્શન, સાંજે 7.30થી 11 વાગ્યા સુધી દર્શન, રાતે 11 વાગ્યે મંદિરના દ્વાર બંધ થઈ જશે. નૂતન વર્ષ પર સવારે 6 વાગ્યે મંગળા આરતી થશે અને બપોરે 1થી સાંજના છ વાગ્યા સુધી મંદિર બંધ રહેશે.

શામળાજી મંદિર આખો દિવસ ખુલ્લું રહેશે
મધ્યગુજરાતમાં આવેલું પવિત્ર તીર્થસ્થાન પાવાગઢ પણ સૂર્યગ્રહણના કારણે બંધ રહેશે. તો ભક્તો પોઈચામાં આવેલા નીલકંઠ ધામના દર્શન સૂર્યગ્રહણના સમયે પણ કરી શકશે. તો શામળાજી મંદિરમાં આરતી કે દર્શનના સમયમાં સૂર્યગ્રહણના કારણે કોઈ જ ફેરફાર નહીં કરવામાં આવે તેમ મેનેજર કનુભાઈએ જણાવ્યું હતું. જણાવી દઈએ કે, ભારત સિવાય આ ગ્રહણ મોટાભાગે યુરોપ, મધ્ય પૂર્વ એશિયા અને ઉત્તર આફ્રિકા, પશ્ચિમ એશિયા અને ઉત્તર હિંદ મહાસાગરમાં જોવા મળશે.

October 24, 2022
rishi-sunak-1.png
1min228

બ્રિટનમાં સત્તા ઉપર રહેલી કોન્ઝર્વટીવ પાર્ટીના નેતાની વરણી કરવાની મુદ્દત હવે પૂર્ણ થઇ ગઈ છે. નેતાની વરણી થતા જ બ્રિટીશ વડાપ્રધાન તરીકે પ્રથમ વખત એશીયાઇ મૂળના, મૂળ ભારતીય અને દેશની અગ્રણી ઇન્ફર્મેશન ટેકનોલોજી કંપની ઈન્ફોસીસના ફાઉન્ડર નારાયણ મૂર્તિના જમાઈ ઋષિ સુનાકની વરણી થઇ છે. 

બોરીસ જહોન્સન સરકારમાં નાણામંત્રી તરીકેનો કાર્યભાર સંભાળનાર ઋષિ સુનાક પાસે ૧૯૬ જેટલા સાંસદોનો ટેકો છે. બ્રિટનમાં છેલ્લા સાત વર્ષમાં ચાર વખત સામાન્ય ચૂંટણી યોજાઈ છે અને તેના કારણે પક્ષનો એવો અભિપ્રાય છે કે ફરી ચુંટણીઓ યોજવી જોઈએ નહી. વર્તમાન સંસદની મુદ્દત પૂર્ણ થવી જોઈએ. 

ઋષિ સુનાકના દાદા મૂળ પંજાબના રહેવાસી હતા. સુનાકના પિતાનો જન્મ કેન્યામાં થયો હતો જયારે તે પોતે બ્રિટનમાં જ જન્મેલા છે. સુનાક બ્રિટનના વડાપ્રધાન બને તો તે બ્રિટનના દક્ષિણ એશિયાઈ રહેવાસીઓ માટે એક મોટી વાત છે કારણ કે બ્રિટનમાં પ્રથમ વખત કોઈ એશીયાઇ મૂળની વ્યક્તિ વડાપ્રધાન પદે બિરાજશે.

ઋષિ સુનાકને પડકાર આપવા અગાઉ પૂર્વ વડાપ્રધાન બોરીસ જહોન્સન પણ મેદાનમાં હતા અને તેમની પાસે ૧૦૬ જેટલા સાંસદોનો ટેકો હતો. જોકે, છેલ્લી ઘડીએ તેમણે પોતાનું નામ પરત ખેંચી લીધું હતું. ખુદ બોરીસ જોહોન્સને ઋષિ સુનાકને વડાપ્રધાન પદ માટે ટેકો જાહેર કર્યો હતો અને અન્ય સાંસદોને પણ ટેકો જાહેર કરવા માટે ભલામણ કરી હતી. 

આ પછી પેન્ની મોર્ડાટ મેદાનમાં રહ્યા હતા. સુનાક સામે પક્ષની સામાન્ય સભામાં મતદાન થાય અને બન્ને નેતાઓ વચ્ચે ચૂંટણી યોજાય તેના માટે કોઇપણ વ્યક્તિ પાસે ઓછામાં ઓછા ૧૦૦ સાંસદોનો ટેકો હોવો જરૂરી છે. પરંતુ, પેન્ની પાસે છેલ્લી ઘડી સુધી ૨૬ જ સાંસદોનો ટેકો હોવાનું બહાર આવ્યું હતું. બ્રિટનની કોનઝરવેટીવ પાર્ટીના કેટલાક વરિષ્ઠ નેતાઓએ પેન્નીને રેસમાંથી હટી જવાની અપીલ કરી હતી પણ તેમના અભિયાન ચલાવતા નેતાઓએ દાવો કર્યો હતો કે અમારી પાસે ૧૦૦ કરતા વધારે સાંસદોનો ટેકો છે. 

અગાઉ, જોહોન્સને રાજીનામું આપ્યા બાદ ઋષિ સુનાક અને લીઝ ટ્રસ વચ્ચે વડાપ્રધાન બનવા માટે લડાઈ ચાલી હતી. બન્ને વચ્ચે ચાર ડીબેટ અને એક મહિનાના પ્રચાર અભિયાન પછી ટ્રસ વધારે મત સાથે વડાપ્રધાન બન્યા હતા. 

October 24, 2022
modi-in-kargil.jpg
1min282

વડાપ્રધાન નરેન્દ્ર મોદી Dt.24-10-2022, સોમવારે સવારે જમ્મુ કાશ્મીરના કારગિલ પહોંચી ગયા છે. તેઓ અહીં સેનાના જવાનોની સાથે દિવાળી મનાવશે. પીએમ સેનાના જવાનોની સાથે છેલ્લા 8 વર્ષથી દિવાળીનો પર્વ મનાવતા આવી રહ્યા છે. 

વર્ષ 2014માં જ્યારથી નરેન્દ્ર મોદીએ વડાપ્રધાનની ખુરશી સંભાળી છે તેઓ હંમેશા જવાનો સાથે જ દિવાળીનો તહેવાર મનાવે છે. આ વર્ષે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સેનાના જવાનો સાથે દિવાળી મનાવવાની પરંપરાને જાળવી રાખતા જમ્મુ-કાશ્મીરના કારગિલ દ્રાસ પહોંચી ગયા છે.

અગાઉ વડાપ્રધાન મોદી દિવાળીના તહેવાર પર જુદા-જુદા સ્થળોએ પહોંચી રહ્યા છે. તેઓ સૌથી પહેલા 21 ઓક્ટોબરે બાબા કેદારનાથ અને બદ્રીનાથના દર્શન કરવા પહોંચ્યા હતા. જે બાદ 23 ઓક્ટોબરે અયોધ્યાના દીપોત્સવમાં સામેલ થયા. સાથે જ અયોધ્યા પહોંચીને તેમણે રામલલા વિરાજમાનના પણ દર્શન કર્યા. પીએમ મોદીએ પોતાના ટ્વીટર પર દેશવાસીઓને દિવાળીની શુભકામનાઓ પણ પાઠવી છે. 

October 23, 2022
babar_kohli-1280x843.jpg
1min267

ભારત અને પાકિસ્તાન વચ્ચે આવતીકાલે મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ પર ટી-૨૦ વર્લ્ડકપનો એશિયાના ચાહકો માટે મેગા મુકાબલો જામશે. ભારતીય સમય પ્રમાણે બપોરે ૧-૩૦ થી રમાનાર આ મેચ માટે બંને ટીમ જીતવા માટે સમાન તક ધરાવે છે. જોકે પાકિસ્તાન કેપ્ટન બાબર આઝમ, વિકેટકિપર બેટ્સમેન રિઝવાન અને ફાસ્ટ બોલર શાહીન આફ્રિદીના ફોર્મ પર મહત્તમ આધાર રાખે છે. જ્યારે ભારતની ટીમમાં સુર્યકુમાર યાદવ, રાહુલ અને હાર્દિક પંડયાની આક્રમક બેટિંગ નિર્ણાયક બનશે.

ભારતને ડેથ ઓવરમાં ૧૫ થી ૨૫ રન આપતું હોઈ ચિંતા છે. બુમરાહ, જાડેજાની પણ ખોટ સાલશે. પંત કે કાર્તિક કોને રમાડવા તે કોયડો છે. સ્પિનરની પસંદગી પણ મુંઝવે છે. મેલબોર્નમાં વરસાદની આગાહી પણ છે. ચાહકો એવી પ્રાર્થના કરે છે કે વરસાદ ન પડે અને વિઘ્ન પડે તો પણ અમુક ઓવરોની મેચ પણ યોજાય. નિયમ પ્રમાણે ઓછામાં ઓછી પાંચ-પાંચ ઓવરની મેચ રમાડી શકાય.

કેપ્ટન રોહિત શર્મા અને કોહલી જેવા અનુભવી પણ ઈનિંગને બિલ્ટ અપ કરી શકવા સક્ષમ છે.

પાકિસ્તાને ભારતને એશિયા કપમાં હરાવ્યું હોઈ તેઓ આત્મવિશ્વાસ સાથે ઉતરશે.

October 22, 2022
Cia_business_news-1280x936.jpg
1min322

જયેશ બ્રહ્મભટ્ટ 9825344944

સુરત સહિત સમગ્ર વિશ્વમાં વિખ્યાત હીરા કંપની, SRK એક્ષ્પોર્ટે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ કોવીડ કાળમાં આપેલું આત્મનિર્ભર ભારતનું સૂત્ર ખરા અર્થમાં ચરિતાર્થ કર્યું છે. ગઇ તા.20મી ઓક્ટોબર 2022ના રોજ સુરતના કતારગામ વિસ્તારમાં આવેલા એસ.આર.કે. સ્પોર્ટસ પાર્કમાં SRK એક્ષ્પોર્ટના કર્મચારીઓ સાથે દિવાળી સ્નેહમિલન સમારોહ યોજાયો હતો. આ સ્નેહમિલન સમારોહમાં SRK એક્ષ્પોર્ટ તરફથી તેમના 1000 કર્મચારીઓને રૂફટોપ સોલાર સિસ્ટમ દિવાળી બોનસ તરીકે ભેંટ આપવામાં આવી હતી. SRK એક્ષ્પોર્ટમાં કુલ 6000 કર્મચારીઓ કાર્યરત છે, તેમને તબક્કાવાર સોલાર રૂફટોપની વહેંચણી કરવામાં આવશે.

SRK Exports કંપની તેના કર્મચારીઓને પરિવારના સભ્યો જ ગણે છે કાર્યની કદરના ભાગ રૂપે તેમનામાં પર્યાવરણની જાળવણી પ્રત્યે જાગૃતતા કેળવવા અને તે માટે SRK Exports તેના કર્મચારીઓને ઘરે ‘રીન્યુએબલ એનર્જી’ નો ઉપયોગ કરવા પ્રોત્સાહન આપે છે. SRK એક્સપોર્ટ્સના ફાઉન્ડર- ચેરમેન “શ્રી ગોવિંદકાકા” એ જણાવ્યું હતું કે, “SRK કંપની એ હંમેશાં સમાજ અને પર્યાવરણને કંઇક પરત આપવા પ્રયાસ કર્યા છે. કંપનીની વિચારધારાએ SRKને વૈશ્વિક સ્તરે વિશ્વાસપાત્ર અને સન્માનીય લીડર બનવા સક્ષમ બનાવી છે. સ્ટાફ મેમ્બર્સનું ટિમ વર્ક, સાથ- સહકારની ભાવના વગર આ સફળતા શક્ય બનતી નથી.”

SRK એક્સપોર્ટ્સના પાર્ટનર શ્રી જયંતી નારોલાએ જણાવ્યું હતું કે, “SRK હંમેશા તેના પરિવારના સભ્યો સાથે-સાથે પર્યાવરણની સુરક્ષા અને સલામતીને મહત્વ આપે છે. અને એટલે જ દિવાળીની ઉજવણીના પ્રસંગે કર્મચારીઓની કર્તવ્યનિષ્ઠા અને સિદ્ધિઓને બિરદાવવા આ ભેટ આપી રહ્યા છે.” SRK એક્સપોર્ટ્સની સમાજ કલ્યાણની શાખા SRK નોલેજ ફાઉન્ડેશન (SRKKF) દ્વારા ઓગસ્ટમાં આવી જ રીતે 750 શહીદ સૈનિકો અને બીજા વીર જવાનો (કોરોના વોરિયર્સ) ઘરે સોલર રૂફટોપ આપવાની જાહેરાત કરેલ અને ગોવિંદકાકાના વતન દુધાળા ગામને 100% સોલાર ઉર્જાથી સજ્જ કરી રહ્યા છે.

શ્રી રામકૃષ્ણ એકસ્પોર્ટ્સ પ્રા.લી. (SRK) વિશે: 
“શ્રી ગોવિંદકાકા” દ્વારા સ્થપાયેલ, SRK, વિશ્વના અગ્રણી ડાયમંડ ક્રાફ્ટિંગ અને એક્સપોર્ટ્સ કરનાર કંપનીઓમાંની એક છે. 1.8 બિલિયન USD કરતાં પણ વધુ મૂલ્યવાન, SRK 6000થી પણ વધુ લોકોને રોજગારી પૂરી પડે છે અને છેલ્લા 6 દાયકામાં વૈશ્વિક ઈકોનોમીમાં ભારતે આપેલ યોગદાનમાં મહત્વનો ભાગ ભજવી રહ્યું છે.  એક મુખ્ય હેતુ જેને તે પ્યોર ટ્રસ્ટ, ટ્રાન્સપરન્સી અને મક્કમતા કહે છે તેના માટે પ્રતિબદ્ધ છે, SRKએ જેમ્સ અને જ્વેલરી ઉધ્યોગોને ESGનું પાલન કરવા પ્રાથમિકતા આપવા અને ભારતમાં ઝીરો એમીશન કેટલું જરૂરી છે અને ઝડપથી ત્યાં પહોંચવા કયાં  પગલાં લેવા જોઇએ  તેની માહિતી અને સમજ  પહોંચાડવા મહત્તમ પ્રયાસ કરે છે. ઇન્ડસ્ટ્રીમાં સૌથી વધારે ISO, સિસ્ટમ અને પ્રોસેસનાં  પ્રમાણપત્રો ધરાવતી કંપની SRK છે. વધુમાં તેના નફાના 4.5%થી પણ વધુ હિસ્સો SRK તેની વિવિધ CSR પ્રવૃત્તિઓ અને સમાજ કલ્યાણનાં કાર્યો માટે વાપરે છે. ગોવિંદકાકા હંમેશા સૌને સાથે રાખીને માનવ કલ્યાણ માટે અને સામાજિક ઉત્કર્ષ માટે સતત પ્રવૃત્તિશીલ રહે છે. સમાજમાં ટકાઉ વિકાસ  થાય એ એમની કાયમી ચિંતા હોય છે.

October 21, 2022
happy-diwali.jpg
1min812

પ્રકાશ, ઉમંગનો તહેવાર દીવાળી દરવર્ષે કારતક મહિનાની અમાસે ઉજવવામાં આવે છે. આ વખતે દીપોત્સવ એટલે કે દીવાળી 24 ઑક્ટોબર 2022ના છે. પાંચ દિવસના આ તહેવારમાં સવાર-સાંજે રંગોળી બનાવવામાં આવે છે, પ્રદોષ કાળમાં દીવા પ્રગટાવવાની રીત છે. દીવાળી પર ખાસ તો માટીના દીવા પ્રગટાવવાનું મહત્વ છે. જ્યારે ભગવાન રામ લંકા પર વિજય પ્રાપ્ત કરી સીતા સાથે અયોધ્યા પાછા આવ્યા હતા ત્યારે આખું શહેર દીવાથી ઝગમગી ઊઠ્યું હતું. ભગવાન શ્રી રામના સ્વાગતમાં ચારેય તરફ પ્રકાશ જ પ્રકાશ હતો. પ્રાચીન કાળથી જ શુભ કાર્ય પહેલા દીવા પ્રગટાવવાની પરંપરા ચાલી આવી છે.

રંગોળી બનાવવાની પ્રથા વર્ષોથી ચાલી આવી છે. શુભ કાર્યમાં લોટ, ચોખા કે માંડ અને હવે તો અનેક રંગોથી રંગોળી બનવવામાં આવે છે. રંગોળીનો અર્થ છે રંગ અને અવલ્લી (પંક્તિ). દીવાળીમાં માતા લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે વિભિન્ન પ્રકારના રંગોનો ઉપયોગ કરીને રંગોળી પૂરવામાં આવે છે.

કહેવામાં આવે છે કે રંગોળી ઉત્સાહનું પ્રતીક છે અને સકારાત્મક ઉર્જા ઉત્પન્ન કરે છે. માતા લક્ષ્મીજી ત્યાં વાસ કરે છે જ્યાં ઘરમાં સુખ-શાંતિ અને ઉત્સાહનો પ્રવાહ હોય. શાસ્ત્રો પ્રમાણે રંગોળી બનાવવાથી ઘરમાં આકર્ષણનું કેન્દ્ર એક જગ્યા પર બને છે. ધનતેરસથી લઈને દીવાળી સુધી દરરોજ સ્નાન બાદ સવારે ઘરના મુખ્ય દ્વાર પર માતા લક્ષ્મીના ચરણ ચિન્હ બનાવવામાં આવે. પદ ચિન્હ ઘરની અંદર તરફ આવતા હોવા જોઈએ. આથી મા લક્ષ્મી ઘરમાં બિરાજમાન થાય છે.
દીવાળીના દિવસે માટીના દીવા પ્રગટાવવાને ખૂબ જ શુભ માનવમાં આવે છે. માટીના દીવા પંચતત્વોને મિક્સ કરીને બનાવવામાં આવે છે જે ઘર અને આસપાસના વાતાવરણમાં સકારાત્મક ઉર્જાનો સંચાર કરે છે.
ઋગ્વેદ પ્રમાણે દીવામાં દેવતાઓનો તેજ રહે છે, આના પ્રકાશથી યશ અને પ્રસિદ્ધિ પ્રાપ્ત થાય છે. સુખ-સમૃદ્ધિના આશીર્વાદ મળે છે.

દીવાળીમાં માતા લક્ષ્મીની દરેક ઘરમાં પૂજા થાય છે આથી આ દિવસે ઘરનો કોઈપણ ખૂણે અંધારામાં ન રાખવો જોઈએ, કારણકે ધનનાં દેવી ત્યાં જ બિરાજમાન થાય છે જે ઘર પ્રકાશવાન છે. અનેક લોકો દીવાળીની આખી રાત એક દીપક પ્રજ્વલિત કરી રાખે છે જેથી માતા લક્ષ્મી સ્થિર થઈ જાય. કહેવામાં આવે છે કે આમ કરવાથી માતા લક્ષ્મીની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે.

માન્યતા છે કે પૂજા-પાઠમાં દરેક કામ માટે ધાર્મિક ગ્રંથોમાં મંત્ર આપવામાં આવ્યા છે. આનું ઉચ્ચારણ કરતી વખતે શુભ કાર્ય કરવામાં આવે તો તેનો પ્રબાવ વધારે પડે છે. દીવાળી પર દીવો પ્રગટાવતી વખતે આ મંત્રનો જાપ કરવો – શુભમ્ કરોતિ કલ્યાણં, આરોગ્યં ધન સંપદામ્, શત્રૂ બુદ્ધિ વિનાશાય, દીપં જ્યોતિ નમોસ્તુતિ. માન્યતા છે કે આ મંત્રથી વાસ્તુ દોષ દૂર થાય છે.

October 21, 2022
liz-Truss.png
1min254

બ્રિટનમાં આર્થિક કટોકટી વચ્ચે વડાંપ્રધાન લિઝ ટ્રસે પદ સંભાળ્યાના માત્ર ૪૫ દિવસમાં જ શુક્રવારે રાજીનામું આપી દીધું હતું. આ સાથે તેમણે બ્રિટનમાં સૌથી ઓછો સમય વડાપ્રધાન રહેવાનો વિક્રમ સર્જ્યો છે. ટેક્સ કાપ સહિતના આર્થિક કાર્યક્રમો મુદ્દે લિઝ ટ્રસે આકરી ટીકાઓનો સામનો કરવો પડયો હતો અને તેમના પર રાજીનામું આપવા દબાણ હતું. ટ્રસના રાજીનામા સાથે બ્રિટનમાં ફરી એક વખત રાજીનામું ગરમાયું છે. ફરી એક વખત બ્રિટનમાં પીએમપદની રેસમાં રિશિ સુનાકનું નામ સૌથી આગળ છે. જોકે, પેની મોર્ડટ અને બોરિસ જ્હોન્સન પણ આ રેસમાં જોડાયા છે. હવે એક સપ્તાહમાં નવા વડાપ્રધાનની પસંદગીની શક્યતા છે.

લિઝ ટ્રસ વડાપ્રધાન બન્યા બાદથી જ ટેક્સ કાપના મુદ્દે વિરોધીઓના નિશાના પર હતા. આ કારણે જ તેમણે નાણામંત્રી ક્વાસી ક્વાર્ટેંગની માત્ર છ સપ્તાહમાં જ હકાલપટ્ટી કરવી પડી હતી. એક વરિષ્ઠ મંત્રીના રાજીનામા અને સંસદના નીચલા ગૃહમાં સભ્યો દ્વારા આકરી ટીકા પછી ૪૭ વર્ષનાં લિઝ ટ્રસે ગુરુવારે વડાપ્રધાનપદેથી રાજીનામું આપી દીધું હતું. જોકે, આગામી વડાપ્રધાનની નિમણૂક સુધી તેઓ પીએમપદે ચાલુ રહેશે. હવે એક સપ્તાહમાં નવા વડાપ્રધાનની નિમણૂક થવાની શક્યતા છે.

રોયટર્સના અહેવાલ મુજબ સાંસદોનું કહેવું છે કે તેમના ઉત્તરાધિકારી ઋષિ સુનક અથવા પેની મોર્ડટ હોઈ શકે છે. જોકે, સુનકના કટ્ટર વિરોધિ બોરિસ જ્હોન્સન પણ પીએમપદની રેસમાં જોડાયા છે. વડાપ્રધાન તરીકે લિઝ ટ્રસની પસંદગી સમયે રિશિ સુનક બીજા સ્થાને રહ્યા હતા. સુનકને કન્ઝર્વેટિવ પાર્ટીના નેતાની દોડમાં સૌથી આગળ માનવામાં આવે છે, પરંતુ રિશિ સુનાક મુદ્દે બોરિસ જ્હોન્સનનું જૂથ વિરોધ કરી રહ્યું હોવાથી પક્ષની અંદર ખેંચતાણના કારણે સ્થિતિ સ્પષ્ટ નથી. બીજીબાજુ વિપક્ષ લેબર બાર્ટીએ વહેલા સામાન્ય ચૂંટણી યોજવાની માગણી કરી છે.

વડાપ્રધાન કચેરી ૧૦ ડાઉનિંગ સ્ટ્રીટના દરવાજા બહાર ટ્રસે કબૂલ્યું કે તેઓ કન્ઝર્વેટિવ નેતા માટે રેસમાં હતા ત્યારે તેમણે જે વચનો આપ્યા હતા તે પૂરા કરી શક્યા નહીં અને તેમણે તેમના પક્ષનો વિશ્વાસ ગુમાવી દીધો. તેમણે ઉમેર્યું કે, હું માનું છું કે હું મારા વચનો પૂરા કરી શકી નથી. વર્તમાન પરિસ્થિતિ જોઈને હું એવો જનાદેશ આપી ના શકી જેના પર મને કન્ઝર્વેટિવ પાર્ટી દ્વારા ચૂંટવામાં આવી હતી. તેથી મેં મહામહિમ રાજાને સંદેશ મોકલ્યો કે હું કન્ઝર્વેટિવ પક્ષના નેતાના રૂપમાં હું રાજીનામું આપી રહી છું. પદ છોડવા અંગે તેમણે કહ્યું કે હું ભાગી નથી. જવાબદારી પૂરી કરી શકી નથી તેના કારણે પદ છોડવાની જાહેરાત કરી રહીશું. 

ટેક્સ કાપ સહિત તેમના આર્થિક કાર્યક્રમોના કારણે બ્રિટનના બજારમાં ઉથલ-પાથલ મચી ગઈ હતી અને રાજકીય સંકટ પેદા થઈ ગયું હતું. ત્યાર પછી ટ્રસે નાણામંત્રી બદલવા સહિત તેમની અનેક નીતિઓમાં યુ-ટર્ન લેવાની ફરજ પડી હતી. સાથે જ તેમના કાર્યકાળ દરમિયાન શાસક કન્ઝર્વેટિવ પાર્ટીમાં શિસ્તભંગની સ્થિતિ સર્જાઈ હતી. અનેક નેતાઓએ ટ્રસ પર વડાપ્રધાનપદ છોડવા દબાણ કર્યું હતું. પીએમપદેથી રાજીનામું આપતાં જ ટ્રસના નામે અનોખો રેકોર્ડ સર્જાયો છે. તેઓ બ્રિટનના સૌથી ઓછો સમય વડાપ્રધાનપદે રહેનાર નેતા બની ગયા છે. આ પહેલાં આ રેકોર્ડ જ્યોર્જ કેનિંગના નામે હતો, જેઓ ૧૮૨૭માં ૧૧૯ દિવસ સુધી પીએમપદે હતા. આ સમયે તેમનું મોત થઈ ગયું હતું.

October 19, 2022
laxmi_diamonds.jpg
2min326

સુરત સહિત સમગ્ર વિશ્વના હીરા ઉદ્યોગમાં જાણિતું નામ એટલે લક્ષ્મી ડાયમંડ. ૧૯૭૨માં સ્થપાયેલ લક્ષ્મી ડાયમંડ કંપનીને ૫૦ વર્ષ પૂર્ણ થવાના ઉપલક્ષમાં ભવ્ય સ્વર્ણિમ મહોત્સવ કાર્યક્રમ ગઇ તા.૧૨થી ૧૬ ઓક્ટોબર દરમિયાન મોટા વરાછા ખાતે આવેલી કેપિટલ લોન્સ ફાર્મ ખાતે આયોજિત કરવામાં આવ્યો હતો.

સ્વર્ણિમ મહોત્સવમાં અનેકવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો સમેત કર્મચારીઓનું જાહેર બહુમાન કરવામાં આવ્યું હતું. આ પાચ દિવસીય સમાંરભમાં દરમ્યાન લક્ષ્મી ડાયમંડ પરિવારના અદાજીત ૨૫૦૦૦ વ્યકિતનો ભોજન સમાંરભ તેમજ કંપનીમાં ૧૦ વર્ષથી લઈ ૩૦ વર્ષ અને તેના કરતા વધારે સમયથી કંપનીમાં ફરજ બજાવતા ૧૦૧૧ કર્મનિષ્ઠ કર્મચારીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા.

પાંચેય દિવસના સમાંરભમાં દરરોજ અલગ અલગ મોટીવેશનલ સ્પીકર દ્વારા જીવન લક્ષીય અને પરિવાર ભાવના જળવાય તેવી જીવન ઉપયોગી માહિતી આપી હતી. જેમાં પ્રથમ દિવસે શૈલેશભાઈ સગપરીયા, બીજા દિવસે ધર્મબંધુજી અને જય વસાવડા, ત્રીજા દિવસે કાજલ ઓઝા વૈદ, ચોથા દિવસે સંજય રાવલ અને પાંચમાં દિવસે નેહલબેન ગઢવી ઉપસ્થિત રહી પરિવારના શું સભ્યોને આંધ્રય જીવન જીવવા માટે ખુબ વ્યવહારુ માર્ગદર્શન આપ્યું હતું.

આ કાયક્રમ માં અન્ય આમત્રિત મહેમાનો જેવ કે શ્રીમતી દર્શનાબેન ઝરદોષ (રેલ્વે રાજ્ય મંત્રી,ભારત સરકાર), પુર્ણેશ મોદી (પ્રવાસન મંત્રી, ગુજરાત રાજ્ય), તેમજ રાજ્યના પૂર્વ મંત્રી જયેશભાઈ રાદડિયા ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત ડાયમંડ ઉધોગ અને કાપડ ઉદ્યોગના નામાંકિત મહાનુભાવો દ્વારા લક્ષ્મી ડાયમંડ આ પારિવારિક ભાવને બિરદાવવામાં આવ્યો હતો. સાથે સાથે કંપનીના સ્થાપક વસંતભાઈ ગજેરા અને ચુનીભાઈ ગજેરાએ પણ જીવન ઉપયોગી વાતો કરી પરિવારજનોને કુરીવાજો અને અંધશ્રદ્ધા વિષે સમજ આપી હતી તથા પારિવારિક ભાવનાની જીવન ઉપયોગીતા વિષેની સમજ આપી હતી.