ધો-10માં 249 વિદ્યાર્થીઓના માર્ક સુધર્યા
જયેશ બ્રહ્મભટ્ટ
બોર્ડના પરીણામો સામે અસંતોષ વધી રહ્યો છે, એવું કહેવામાં પણ અતિશયોક્તિ નથી કે બોર્ડના પરીણામો ભરોસાપાત્ર રહ્યા નથી. આ બાબતની પ્રતીતિ કરાવતી અનેક ઘટનાઓ બની છે, જેમકે બોર્ડની ઉત્તરવહીઓ તપાસતા પરીક્ષકોએ લગભગ 45 હજારથી વધુ ભૂલો કરી હતી, પરીક્ષકોની આ ભૂલો વિદ્યાર્થીઓની કારકિર્દી અને કેટલાક કિસ્સામાં તો જીવન-મરણના પ્રશ્નો ઉભા કરી દેતી હોય છે. એવા પણ રિપોર્ટ મળ્યા છે કે બોર્ડની ઉત્તરવહીઓના રિચેકિંગમાં કુલ 106 વિદ્યાર્થીઓનું ઓવરઓલ પરીણામ પાસ જાહેર થયું છે, જેમને અગાઉના પરીણામમાં નાપાસ જાહેર કરવામાં આવ્યા હતા. આ 106 વિદ્યાર્થીઓની જીંદગીનું એક મહામૂલું વર્ષ બગડતા બચી ગયું છે. આવી બાબતો સૂચક છે કે હવે બોર્ડના પરીણામો પર વિદ્યાર્થીઓ અને વાલીઓ શંકા કરે છે એ સેંકડો કેસોમાં વ્યાજબી અને સાચી પણ ઠરે છે.
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડે માર્ચ 2019ની પરીક્ષાના પરીણામો જાહેર કરવા સાથે એવી પણ જાહેરાત કરી હતી કે જે વિદ્યાર્થીઓને પોતાના પરીણામો પ્રત્યે અસંતોષ હોય તેઓ તેમની સપ્લીમેન્ટરીનું રિચેકિંગ કરાવી શકે છે.
ગુજરાત બોર્ડની ગુણચકાસણી માટે અરજીઓની ચકાસણી બાદ ધો-10માં અગાઉ નાપાસ જાહેર કરાયેલા 49 વિદ્યાર્થી અને ધો-12માં અગાઉ નાપાસ જાહેર થયેલા 57 વિદ્યાર્થીને પાસ જાહેર કરાયા છે.
બોર્ડ દ્વારા જાહેર કરાયેલા ગુણ ચકાસણીના પરિણામમાં ધો-10માં 12205 જેટલા વિદ્યાર્થીઓના પરિણામમાં કોઈપણ પ્રકારનો ફેરફાર થયો નથી. જ્યારે 49 વિદ્યાર્થી એવા છે કે જેઓ અગાઉ નાપાસ જાહેર કરાયા હતા પરંતુ ગુણ ચકાસણી બાદ તેઓ પાસ જાહેર થયા છે. ઉપરાંત 8 વિદ્યાર્થી એવા છે કે તેઓ બે કરતા વધુ વિષયમાં નાપાસ હતા પરંતુ ગુણ ચકાસણી બાદ એક અથવા બે વિષયમાં નાપાસ થયા હોઈ તેઓ જૂલાઈમાં લેવાનારી પૂરક પરીક્ષા આપી શકશે. જ્યારે 249 વિદ્યાર્થી એવા છે કે જેમના ગુણ સુધર્યા છે પરંતુ તેનાથી પરિણામ પર કોઈ અસર થતી નથી.
જ્યારે 3 વિદ્યાર્થી અગાઉ બે વિષયમાં નાપાસ હતા તેના બદલે પરિણામ બાદ એક વિષયમાં નાપાસ થયા છે. જ્યારે 8 વિદ્યાર્થીઓ અમુક વિષયમાં પાસ થયા છે પરંતુ તેઓ પૂરક પરીક્ષા માટે લાયક બન્યા નથી. ઉપરાંત ધો-12 સામાન્ય પ્રવાહમાં 57 વિદ્યાર્થી નાપાસ હતા પરંતુ ગુણ ચકાસણી બાદ પાસ જાહેર કરાયા છે. ધો-12 સામાન્ય પ્રવાહમાં 148 વિદ્યાર્થીના પરિણામમાં સુધારો થયો છે પરંતુ 57 પાસ થયા છે, જ્યારે બાકીના વિદ્યાર્થીઓના માર્ક સુધર્યા છે પરંતુ તેનાથી પરિણામ પર કોઈ અસર થતી નથી.



















