
મહિલાઓનું સૅલ્ફ-હૅલ્પ ગ્રુપ ગામડાંઓને સમૃદ્ધિ સાથે જોડી શકે તે માટેનું વાતાવરણ સરકાર સતત ઊભું કરી રહી હોવાનું વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તા.12 ઓગસ્ટ 2021ને ગુરુવારે કહ્યું હતું. મહિલાઓનાં આવાં ચાર લાખ કરતાં પણ વધુ સૅલ્ફ-હૅલ્પ ગ્રુપને આર્થિક ટેકો આપવા વડા પ્રધાને રૂ. ૧૬૨૫ કરોડ ફાળવ્યા હતા.
‘આત્મનિર્ભર નારીશક્તિ સે સંવાદ’ શીર્ષક હેઠળ મહિલાઓનાં સૅલ્ફ-હૅલ્પ ગ્રૂપ સાથે વીડિયો કૉન્ફરન્સિંગ મારફતે વાતચીત કરતા મોદીએ કહ્યું હતું કે બદલાતા ભારતમાં મહિલાઓ માટે આગળ આવવાની તક વધી રહી છે.
છેલ્લાં છ-સાત વર્ષમાં મહિલાઓનાં સૅલ્ફ-હૅલ્પ ગ્રૂપની ગતિવિધિઓ વધી છે અને આ ગ્રૂપની ૭૦ લાખ કરતા પણ વધુ મહિલાઓ દેશભરમાં કામ કરી રહી છે. આ આંકડો અગાઉ કરતા ત્રણગણો હોવાનું તેમણે કહ્યું હતું.
આ ગ્રૂપ સાથે દેશની આઠ કરોડ કરતા પણ વધુ મહિલાઓ સંકળાયેલી છે, એમ તેમણે કહ્યું હતું.
મિનિસ્ટ્રી ઑફ ફૂડ પ્રોસેસિંગ ઈન્ડસ્ટ્રીઝની પ્રાઈમ મિનિસ્ટર ફૉર્માલાઈઝેશન ઑફ માઈક્રો ફૂડ પ્રોસેસિંગ ઍન્ટરપ્રાઈસિસ (પીએમએફએમઈ) યોજના હેઠળ એસએચજીના ૭૫૦૦ સભ્ય માટે રોકાણ માટે મોદીએ પચીસ કરોડ અને ૭૫ એફપીઓ (ફાર્મર પ્રોડ્યૂસર ઑર્ગેનાઈઝેશન) માટે ૪.૧૩ કરોડ રૂપિયા ફાળવ્યા હતા.
દીનદયાલ અંત્યોદય યોજના-નેશનલ રુરલ લાઈવલીહૂડ મિશન હેઠળ એસએચજી ગ્રૂપને વીડિયો કૉન્ફરન્સિંગ મારફતે પ્રોત્સાહન આપવામાં આવ્યું હતું.



















