હુમલો એક શિક્ષક પર નહીં સમગ્ર શિક્ષણ આલમ પર, હવે એ સાંખી નહીં લેવાય
સુરતના નાના વરાછા વિસ્તારમાં આવેલી આશાદીપ સ્કુલના એક શિક્ષક પર શાળામાં ઘૂસીને કરવામાં આવેલા હિચકારા હુમલાની વિરુદ્ધમાં સુરતનું સમગ્ર શિક્ષણ જગત સોમવાર તા.30મી સપ્ટેમ્બર 2019ના રોજ અભૂતપૂર્વ રીતે જડબેસલાક બંધ પાળશે. અગાઉ ક્યારેય એવું બન્યું નથી કે કોઇ શિક્ષક પર થયેલા હુમલાના વિરોધમાં પ્રાઇવેટ સ્કુલો, ટ્યુશન ક્લાસીસો, બાળમંદિરો બંધ રહ્યા હોય. સોમવાર, તા.30મી સપ્ટેમ્બર 2019ના રોજ આ ઘટના બનવાની છે.
કઇ સ્કુલો બંધ અને કઇ સ્કુલો ચાલુ રહેશે
- તમામ પ્રાઇવેટ પ્રાઇમરી, સેકન્ડરી, હાયર સેકન્ડરી સ્કુલો બંધ પાળશે
- તમામ પ્રાઇવેટ બાળમંદિરો બંધ પાળશે
- સુરત શહેરના તમામ કોચિંગ ક્લાસીસો બંધ પાળશે
- સુરત શહેર જિલ્લાની તમામ સેન્ટ્રલ બોર્ડની સ્કુલો બંધમાં જોડાશે
- નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની સ્કુલોમાં શિક્ષણ કાર્ય ચાલશે
- ગ્રાન્ટેડ અને સરકારી સ્કુલોમાં શિક્ષણ કાર્ય ચાલુ રહેશે.
- જુદા જુદા શૈક્ષણિક સંઘોએ પણ સ્વનિર્ભર શાળા સંચાલક મંડળના નિર્ણયને ટેકો જાહેર કર્યો છે.
પ્રાઇવેટ સ્કુલો, કોચિંગ ક્લાસીસો સમેત આગેવાનોની મળેલી બેઠકમાં શિક્ષકો પર થઇ રહેલા હુમલાને વખોડી કાઢવામાં આવ્યો હતો. હુમલો એક શિક્ષક પર નહીં સમગ્ર શિક્ષણ જગત પર છે. શિક્ષકો, આચાર્યો, સંચાલકો કે અન્ય કોઇ કર્મચારીઓ પર થતાં હુમલાને હવે સાંખી નહીં લેવાય. આ વખતે સમગ્ર શિક્ષણ જગત જબરદસ્ત ઐક્ય દેખાડી રહ્યું છે.
સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ દ્વારા આશાદીપ વિદ્યાલયના શિક્ષક પર શાળામાં ઘૂસીને કરવામાં આવેલા હિંસક હુમલાના વિરોધમાં આપવામાં આવેલા બંધના એલાનમાં સુરત એકેડેમિક એસોસીએશ એટલે કે સુરત શહેરના તમામ કોચિંગ ક્લાસીસો પણ જોડાઇ રહ્યા છે. એવી જ રીતે પ્રાઇવેટ બાળમંદિરો પણ જોડાઇ રહ્યા છે. સુરત શહેર જિલ્લામાં આવેલી સેન્ટ્રલ બોર્ડની સ્કુલો પણ સોમવારના બંધમાં જોડાશે.
સુરતના જિલ્લા શિક્ષણાધિકારી શ્રીરાજ્યગુરુએ સોમવાર તા.30મી સપ્ટેમ્બરના રોજ સ્કુલોમાં શિક્ષણ કાર્ય યથાવત રાખવાની સૂચના આપી છે, અને હડતાળ પાડનાર સંસ્થા સામે પગલાં ભરવાની ચેતવણી આપી છે, આમ છતાં સુરત શહેરનું શિક્ષણ જગત સોમવારે બંધ પાળશે એમાં બે મત નથી.
11 કલાકે સંચાલકોને પોલીસ કમિશનર કચેરીએ ઉપસ્થિત રહેવા આહવાન
સુરત શહેરના સ્વનિર્ભર શાળા સંચાલક મંડળે તા.30મી સપ્ટેમ્બરને સોમવારે સવારે 11.45 કલાકે તમામ શાળા સંચાલકોને પોલીસ કમિશનર કચેરી, અઠવાલાઇન્સ ખાતે ઉપસ્થિત રહેવા આહવાન કર્યું છે. શિક્ષકો પર થઇ રહેલા હુમલાનો વખોડી કાઢીને જવાબદારો સામે પગલાં ભરવા તેમજ ભવિષ્યમાં આવી હરકતો ન થાય તે માટે વ્યવસ્થાતંત્ર વિકસાવવામાં આવે એ સંદર્ભે પોલીસ કમિશનર, કલેકટર અને જિલ્લા શિક્ષણાધિકારીને આવેદનપત્ર પાઠવવામાં આવશે.




















