સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં સેન્ટ્રલ બોર્ડ તેમજ અધર બોર્ડની સ્કુલોની વધી ગયેલી સંખ્યાને જોતા તેમજ દર વર્ષે પ્રવેશ વંચિત રહેતા અન્ય બોર્ડના વિદ્યાર્થીઓની સંખ્યાને જોતા હવેથી વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના અભ્યાસક્રમોમાં ગુજરાત બોર્ડ સિવાયના બોડ જેવા કે CBSE/CISCE/IB વગેરેના પ્રવેશાર્થીઓ માટે 20 ટકા ક્વોટા રાખવાનું નક્કી કરવામાં આવ્યું છે. ગત વર્ષ સુધી 10 ટકા ક્વોટા હતો જે વધારીને 20 ટકા કરાયો, એક તરફ યુનિવર્સિટીમાં સીટો ખાલી પડે અને બીજી તરફ ક્વોટા ઓછો હોઇ, અધર બોર્ડના વિદ્યાર્થીઓ પ્રવેશ વંચિત રહેતા હતા

વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના સિન્ડીકેટ અધિકારમંડળની આજે મળેલી બેઠકમાં લેવાયેલા મહત્વના અને મુખ્ય નિર્ણય એવો છે કે ચાલુ શૈક્ષણિક વર્ષથી યુનિવર્સિટી સંલગ્ન કોલેજોની પ્રવેશ પ્રક્રિયામાં ગુજરાત બોર્ડ સિવાયના વિદ્યાર્થીઓ માટે 10ને બદલે 20 ટકા ક્વોટા કરવામાં આવ્યો છે. આવું કરવા પાછળ રહેલા અનેક કારણો પૈકી બે કારણ એ છે કે
- એક તરફ બીકોમ, બીબીએ, બીસીએ વગેરે અભ્યાસક્રમોમાં સીટો ખાલી પડતી હોય છે અને
- બીજી તરફ અધર ધેન ગુજરાત બોર્ડના વિદ્યાર્થીઓનો ક્વોટા ઓછો હોઇ, વિદ્યાર્થીઓ પ્રવેશ વંચિત રહેતા હતા. આ ઉપરાંત શહેરમાં હવે પ્રાઇવેટ યુનિવર્સિટીઓ પણ યુનિવર્સિટીની વિદ્યાર્થી સંખ્યામાં ભાગ પડાવશે પરીણામે આ નિર્ણયથી યુનિવર્સિટીને ફાયદો જ થવાનો છે.
વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની સિન્ડીકેટ અધિકાર મંડળી બેઠકમાં લેવાયેલા આ નિર્ણય અંગે મળતી વધુ માહિતી મુજબ દક્ષિણ ગુજરાતમાં સેન્ટ્રલ બોર્ડ, આઇસીએસઇ બોર્ડ, આઇ.બી. બોર્ડ તેમજ એન.આઇ.ઓ.એસ. (નેશનલ ઇન્સ્ટીટ્યુટ ઓફ ઓપન સ્કુલિંગ) વગેરેમાંથી ધો.12 પાસ કરીને કોલેજ પ્રવેશ માટે આવતા વિદ્યાર્થીઓની સંખ્યા ખાસ્સી વધી છે. આ વિદ્યાર્થીઓ યુનિવર્સિટી સંલગ્ન કોલેજોમાં ચાલતા અભ્યાસક્રમોમાં પ્રવેશ માટે અરજી કરતા હોય છે. ગત વર્ષ સુધી ગુજરાત બોર્ડ સિવાયના કોઇપણ બોર્ડના વિદ્યાર્થીઓ મળીને તેમના માટે કુલ સીટો પૈકી 10 ટકા સીટો રિઝર્વ રાખવામાં આવતી હતી. ગુજરાત સિવાયના બોર્ડના સેંકડો પ્રવેશાર્થીઓએ પ્રવેશ વંચિત રહેવું પડતું હતું.
બીજી તરફ યુનિવર્સિટીની છેવાડાની અનેક કોલેજોમાં બેઠકો ખાલી પડતી હતી. ગુજરાત બોર્ડના વિદ્યાર્થીઓને કન્ફર્મ પ્રવેશ મળતો હોવા છતાં તેઓ સુરત ફરતેના વિસ્તારોમાં આવેલી કોલેજોમાં પ્રવેશ લેવાનો ઇન્કાર કરતા અને તેના કારણે સીટો ખાલી પડતી હતી. ગુજરાત સિવાયના બોર્ડના વિદ્યાર્થીઓનો ફક્ત 10 ટકા ક્વોટા હોઇ, બેઠકો ખાલી પડતી હોવા છતાં પણ તેમને એ બેઠકો પર પ્રવેશ આપી શકાતો ન હતો. પરંતુ, આજરોજ સિન્ડીકેટ અધિકાર મંડળે જુદા જુદા કારણોને ધ્યાનમાં લઇને ગુજરાત સિવાયના બોર્ડના વિદ્યાર્થીઓને 10ને બદલે 20 ટકા ક્વોટા કરવાનો નિર્ણય લીધો છે.













