તા.25 જુલાઇ 2022ને સોમવારે સાંજે સર્જાયેલા લઠ્ઠાકાંડમાં ધીરે ધીરે કરીને મોતનો આંકડો બુધવારે સવાર સુધીમાં 41 પર પહોંચી ગયો છે. આ લઠ્ઠાકાંડમાં અત્યાર સુધીમાં 41 લોકોનાં મોત થયા છે. જ્યારે 117 લોકો સારવાર હેઠળ છે. જેમાં 80 લોકો ભાવનગરમાં સારવાર હેઠળ છે અને 37 લોકો અમદાવાદમાં સારવાર હેઠળ છે. ગોડાઉનના એક કર્મચારીથી લઈને બુટલેગર સુધી પહોંચેલા કેમિકલે ગુજરાતમાં હાહાકાર મચાવી દીધો છે. પોલીસે અત્યાર સુધીમા આ કેસમાં કુલ 14 આરોપીની ધરપકડ કરી છે. બોટાદમાં ઝેરી દારૂકાંડથીગુજરાત હચમચી ઉઠ્યું છે. અને ઝેરી દારૂકાંડની ઘટના બાદ રાજ્યભરમાં પોલીસ દોડતી થઈ ગઈ છે.
ઝેરી દારૂકાંડ કહો કે, કેમિકલ કાંડ પણ અત્યાર સુધીમાં 41 લોકો મોતને ભેટ્યા છે. જો વિગતે વાત કરીએ તો રોજિદ ગામમાં 10 ,દેવગાણા ગામમાં 5,ચંદરવા, અણિયાળી, આકરુ અને રાણપરી ગામે 3-3 લોકોના મોત થયા છે. બીજીતરફ ઊંચડી, કુદડા વહીયા અને પોલારપુરમાં 2-2 લોકોનાં મોત થયા છે.જ્યારે સુંદરિયાણા, ભીમનાથ, ખરડ અને વેજળકામાં 1-1નું મોત થયું છે. જ્યારે 117 લોકો હાલ સારવાર હેઠળ છે.
આ ઘટનાના મૂળમાં ઉતરતા પોલીસે શોધી કાઢ્યું છે કે અમદાવાદના અસલાલી ઈન્ડસ્ટ્રીયલ વિસ્તારની આમોસ કેમિકલ ફેક્ટરીનો જયેશ મુખ્ય સૂત્રધાર છે. જયેશ AMOSમાં સુપરવાઈઝર તરીકે ફરજ બજાવી રહ્યો હતો પરંતુ તેણે આ ઈન્ડસ્ટ્રીયલ કેમિકલ ચોરી કરીને બહાર વેચ્યું હતુ. જયેશ ઉર્ફે રાજુએ આ 600 લિટર ચોરી કરેલ મિથાઈલ આલ્કોહોલ સંજયને વેચ્યું હતુ. સંજયે આ કેમિકલ વેચવા માટે તેના પિતરાઈ ભાઈ પિન્ટુ ઉર્ફે ફાંટોનો સંપર્ક કર્યો હતો જે મૂળ બોટાદનો રહેવાસી છે.
જયેશે 600માંથી 200 લિટર મિથાઈલ કેમિકલ સંજયને વેચ્યું હતુ અને વધુ 200 લિટર અન્ય એક વ્યકતિને વેચ્યું હતુ જ્યારે 200 લિટર હજી તેની પાસે જ હતુ. પોલીસે અત્યાર સુધી કુલ 460 લિટર કેમિકલ કબ્જે કર્યું હતુ.
બરવાળાના તાલુકાના 10 અને ધંધુકા તાલુકાના નવ લોકોના શંકાસ્પદ મરણઃ ૨૫થી વધુ લોકોને સારવાર માટે દાખલ કરાયાઃ મૃત્યુઆંક વધવાની સંભાવના
અમદાવાદ
અમદાવાદ જિલ્લાના ધંધુકા અને બોટાદ જિલ્લાના બરવાળામાં આવેલા ગ્રામ્ય વિસ્તારમાં સોમવારે સવારથી ઝેરી દારૂ પીવાના કારણે 26 જેટલા લોકોના મરણ થતા ખળભળાટ મચી ગયો હતો. જ્યારે ૨૫ થી વધુ લોકોને સારવાર માટે ગંભીર હાલતમાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. મૃત્યુઆંક વધવાની શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી છે. બરવાળાના નભોઇમાં આવેલા દેશી દારૂના અડ્ડા પરથી દારૂ પીનારાઓને અસર થતા તબિયત લથડી હતી. કુલ મૃત્યુ પામનારાઓમાં 17 મરણ બરવાળાના તાલુકાના ગ્રામ્ય વિસ્તારના અને ધંધુકાના ગ્રામ્ય વિસ્તારના નવ લોકોનો સમાવેશ થાય છે. બીજી તરફ આ ઘટનાને પગલે ઉચ્ચ પોલીસ અધિકારીઓ અને મેેડીકલની ટીમને વિવિધ વિસ્તારોમાં મોકલી આપવામાં આવી છે. આ સાથે ગૃહવિભાગે તાકીદની બેઠક બોલાવીને સમગ્ર મામલે તપાસ કરવા માટે સ્પેશિયલ ઇન્વેસ્ટીગેશન ટીમની રચના કરવામાં આવી છે.બોટાદ જિલ્લાના બરવાળાના રોજીદ, નભોઇ અને આસપાસના ગ્રામ્ય વિસ્તાર અને ધંધુકાના આકરૂ, ઉચડી અને મોસડી તેમજ આસપાસના વિસ્તારમાં એકાએક રવિવારે રાતના સમયે ૨૫ થી વધુ લોકોની તબિયત લથડવા લાવી હતી અને ઉલ્ટી કરીને બેભાન થવા લાગ્યા હતા. જેથી તાત્કાલિક તેમના ધંધુકા અને બોટાદની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જેમાં સોમવાર બપોર સુધીમાં કુલ 26 લોકોના મરણ થયા હતા. જેમાં બોટાદના બરવાળાના રોજીદ ગામના એક અને અન્ય ેબે વ્યક્તિના મરણ થયા છે. અમદાવાદના ધંધુકાના આકરૂ, ઉંચડી અને અણિયારી અને અન્ય ગામમાં કુલ 17 લોકોના મરણ થયા હતા. જેમાં એક વ્યક્તિનું મરણ કાર્ડીઆક એટેકના કારણે થયુ હોવાનું તબીબી તપાસમાં ખુલ્યું હતુ. જ્યારે બરવાાળામાં અન્ય નવ ના મરણ ઝેરી પ્રવાહી પીવાના કારણે થયાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું. જેમાં રોજીદના 6,ચંદરવાના ૨ અને દેવગનાના ૨ લોકોનો સમાવેશ થાય છે. આ અંગે અમદાવાદ જિલ્લા પોલીસ વડા વિરેન્દ્રસિંગ યાદવે જણાવ્યું હતું કે પોલીસે હાથ ધરેલી પ્રાથમિક તપાસમાં મૃતકો અને સારવાર માટે વિવિધ હોસ્પિટલમાં દાખલ કરાયેલી વ્યક્તિઓ બરવાળા તાલુકાના નભોઇમાં દેશી દારૂના અડ્ડાથી દારૂ પીને આવ્યા હતા. જેમાં તેમને દારૂ મેળવવામા ંઆવેલા કોઇ ઝેરી કેમીકલની અસર થઇ હોવાની શક્યતા છે. હાલ ધંધુકામાં બે વ્યક્તિના મરણ થયા તેમના પોસ્ટમોર્ટમ કરાવીને રિપોર્ટને આધારે મૃત્યુ સાચુ કારણ જાણી શકાશે. તો ધંધુકાના ગ્રામ્ય વિસ્તારમાંથી કુલ ચાર લોકોને વધુ સારવાર માટે અમદાવાદ અસારવા સિવિલ લઇ જવાયા છે. જો કે પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ જ દારૂમાં વપરાયેલા કેમીકલ અંગે જાણી શકાશે.
તો બીજી તરફ૨૫ જેટલા લોકોને બોટાદની સરકારી હોસ્પિટલમાં લઇ જવાયા હતા. જ્યાંથી મોટાભાગના લોકોની તબિયત લથડતા વધુ સારવાર માટે ભાવનગર મોકલાયા હતા. આ સાથે ભાવનગર રેંજ આઇજી અશોક યાદવ, બોટાદ એસપી તેમજ અન્ય અધિકારીઓ રોજીદ ગામ ખાતે દોડી ગયા હતા અને તપાસ શરૂ કરી છે.
બરવાળા તાલુકાના નભોઇ ગામમાં ખુબ મોટા પ્રમાણમાં દેશી દારૂ તૈયાર કરવામાં આવે છે. જે આસપાસના ગ્રામ્ય વિસ્તારોના બુટલેગરોને મોકલવામાં આવે છે. આ દારૂ તૈયાર કરવાની અનેક ભઠ્ઠીઓ આવેલી ચે. જેથી કોણે ઝેરી દારૂ બનાવ્યો હતો તે અંગે ચોક્કસ વિગતો હજુ સુધી મળી શકી નથી. જો કે હાલ સમગ્ર વિસ્તારના બુટલેદરો ભુગર્ભમાં ઉતરી જતા પોલીસ લઠ્ઠાકાંંડની કડી મેળવવા માટે વિવિધ ટીમ બનાવીને તપાસ શરૂ કરી છે.
અરવિંદ કેજરીવાલે સુરત ખાતેથી મોટી જાહેરાત કરી હતી.
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ આજે સુરત પ્રવાસે છે. સુરત પહોંચેલા અરવિંદ કેજરીવાલે ગુજરાત માટે મોટી જાહેરાત કરી છે. અરવિંદ કરેજરીવાલે વીજળીના ભાવ ઘટાડવાની ગેરંટી આપી છે. કેજરીવાલે જણાવ્યું કે, ગુજરાતમાં સરકાર બન્યાના 3 મહિનામાં ફ્રી વીજળી આપીશું. દરેક પરિવારને 300 યુનિટ ફ્રી વીજળી મળશે. તેમણે આગળ કહ્યું કે, ગુજરાતમાં લોકોને ખોટા ખોટા બિલો આપવામાં આવે છે.
કેજરીવાલે કહ્યું કે, અમારી સરકાર બનતા જ 31 મહિના પહેલાના તમામ ડોમેસ્ટિક બિલ માફ કરાશે અને એવી વ્યવસ્થા કરીશું કે ખોટા બિલ નહીં આવે. તેમણે કેન્દ્ર સરકાર પર નિશાન સાધતા કહ્યું કે, લોકો માટે હાલમાં મોંઘવારી સૌથી મોટી સમસ્યા છે. તેમણે આગળ કહ્યું કે, અમે જે બોલીએ છીએ તે કરીને બતાવીએ છીએ. અમે ખોટા વચનો નથી આપતા. કેજરીવાલે દાવો કર્યો કે, આમ આદમી પાર્ટી દિલ્હી અને પંજાબની જેમ ભારે બહુમતી સાથે ગુજરાતમાં સરકાર બનાવશે.
સુરતમાં આવેલા કેજરીવાલે મોટા ઉપાડે ગુજરાતની જનતાને 300 યુનિટ સુધી વીજળી વિના મુલ્યે આપવાની જાહેરાત કરી હતી. પરંતુ આ પત્રકાર પરિષદમાં વીજળીના ભાવ અને દારુ અંગે કેજરીવાલના ડબલ સ્ટાન્ડર્ડ બહાર આવ્યા હતા.
આ ઉપરાંત તમને પ્રશ્ન પૂછ્યો હતો કે સરકારની આવક વધારવા માટે દિલ્હીમાં જે રીતે શરાબના ઠેકાના કોન્ટ્રાક્ટ અપાયા છે તો ગુજરાતમાં કેવી રીતે આવક વધારાશે ? દિલ્હીના શરાબ ઠેકા અંગે તેઓએ કોઈ જવાબ આપ્યો ન હતો. પરંતુ ગુજરાતમાં હાલ જે દારું બંધી છે તેમાં ગેરકાયદેસર દારુ આવે છે અને તેને કડકાઈથી બંધ કરાવીને ગુજરાતમાં દારૂબંધી નો અમલ કડકાઈથી કરાવીશું તેમ કહ્યું હતું.
હોટલમાં સુરતના અલગ-અલગ સમાજના અગ્રણીઓ સાથે બેઠક કરી છે. કેજરીવાલે સુરતના કેટલાક ઉદ્યોગપતિઓ સાથે પણ મુલાકાત કરી હતી.
આ ઉપરાંત તેઓએ કહ્યું હતું કે ગુજરાતની જનતા ભાજપ થી ડરી રહી છે ભાજપે તેમને ડરાવી રાખી છે અને જનતાને વિકલ્પ મળતો નથી તેથી ભાજપ જનતાને ટેકન ફોર ગ્રાન્ટેડ લે છે. પરંતુ આ ચૂંટણીમાં જનતાને આપ નો વિકલ્પ મળ્યો છે તેથી જનતા ગુજરાતમાં પરિવતન માગે છે.
આમ બે રાજ્યમાં વીજળી અને દારૂના પ્રશ્ન અંગે કેજરીવાલે જુદા જુદા જવાબ આપી તેમના ડબલ સ્ટાન્ડર્ડ જોવા મળ્યા હતા.
દિલ્હી અને પંજાબમાં સરકાર બનાવ્યા બાદ હવે આમ આદમી પાર્ટીની નજર ગુજરાત પર છે. અહીં તેઓ સરકાર બનાવવા માટે કમરતોડ મહેનત કરી રહ્યા છે. ત્યારે હવે આજે કેજરીવાલ વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખી આપના હોદ્દેદારો તથી સંગઠનો સાથે બેઠક યોજશે.
અરવિંદ કેજરીવાલ વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને સતત ગુજરાત ઉપર નજર રાખીને બેઠા છે. કોંગ્રેસની ગુજરાતમાં નબળી સ્થિતિને ધ્યાનમાં રાખીને અરવિંદ કેજરીવાલ ગુજરાતની વિધાનસભાની ચૂંટણીમાં પોતાના તરફેણમાં પરિણામ લાવવા માટે સતત પ્રયત્નો કરી રહ્યા છે.
સુરતમાં અરવિંદ કેજરીવાલના પ્રવાસને લઈને આમ આદમી પાર્ટી દ્વારા લગાવવામાં આવેલા હોર્ડિંગ્સ સુરત મહાનગર પાલિકા દ્વારા કાઢી લેવામાં આવ્યા હતા. સુરતના અઠવાગેટ સહિત અનેક વિસ્તારમાં મંજૂરી વગર લગાડવામાં આવેલા બેનર અને હોર્ડિંગસ કાઢી લેવામાં આવ્યા હતા.
હવામાન વિભાગે સમગ્ર રાજ્યમાં આગામી ત્રણ દિવસથી ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે, જેમાં આજે અમરેલી, ગીર સોમનાથ, જૂનાગઢ, નવસારી, વલસાડ, ડાંગ, સુરત અને તાપીમાં પણ ભારે વરસાદની આગાહી કરી છે તેમજ 15 જુલાઇએ જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે તેમજ આગામી 5 દિવસ સુધી દરિયો ન ખેડવા માછીમારોને સૂચના તંત્ર દ્વારા આપવામાં આવી છે.
છેલ્લા 24 કલાકમાં રાજ્યના 213 તાલુકામાં વરસાદ ખાબક્યો છે, જેમાં વાંસદા, કપરાડા અને ધરમપુરમાં મેઘતાંડવની સ્થિતિ છે. બીજી તરફ, આજે સવારે 6 વાગ્યાથી લઈને આઠ વાગ્યા સુધીમાં 80 તાલુકામાં વરસાદ નોંધાયો છે, જેમાં ધરમપુરમાં બે કલાકમાં 3 ઈંચ કરતાં વધુ વરસાદ નોંધાયો છે. સૌથી વધુ દક્ષિણ ગુજરાતના કપરાડામાં 11 ઇંચ વરસાદ ખાબક્યો છે. દક્ષિણ ગુજરાતમાં સતત વરસી રહેલા ધોધમાર વરસાદને કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઇ ગયું છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે, હજી બે દિવસ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત માટે ભારે છે. આ વિસ્તારોમાં અત્યંત ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. વરસાદી આંકડા પ્રમાણે, રાજ્યનાં કુલ 164 તાલુકમાં વરસાદ વરસ્યો છે. આ સાથે વલસાડ કપરાડામાં 11 ઇંચ, ડાંગના સુબીરમાં 9.44 ઇંચ, પારડીમાં 9 ઇંચ, ધરમપુરમાં 8.52 ઇંચ, નવસારીમાં ખેરગામમાં 7.56, વડોદરાના ડભોઇમાં 8 ઇંચ, વાસંદામાં 6.88, વલસાડમાં વાપી 6.88 ઇંચ, નર્મદાના નાંદોદમાં 7 ઇંચ, ડાંગના આહવામાં 6.08 ઇંચ, ડાંગ વઘઇમાં 5.56 ઇંચ, કરજણમાં 5 ઇંચ વરસાદ નોંધાયો છે.
– જૂનાગઢનો વિલીંગ્ડન અને નરસિંહ સરોવર છલોછલ: કેરાળા જળાશય ઓવરફલો થતા નવ ગામને એલર્ટ કરાયા અરબી સમુદ્રમાં સર્જાયેલા લો પ્રેશરના કારણે સૌરાષ્ટ્ર સહિત ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. અષાઢ મહિનાની શરુઆતથી મેઘ મહેરથી સૌરાષ્ટ્રમાં હરખની હેલી છે.
Dated 5/7/22, સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારમાં, દેવભૂમિ દ્વારકા, જૂનાગઢ અને પોરબંદર પંથકમાં મેઘરાજાની તોફાની બેટિંગ જોવા મળી છે. ગીરનારમાં 7 અને દ્વારકાના કલ્યાણપુરમાં 6 ઇંચ વરસાદ નોંધાયો છે. ભારે વરસાદના કારણે આ વિસ્તારના નદી નાળામાં નવા નીરની આવક થઇ છે તેમજ નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા હતા. આ ઉપરાંત જૂનાગઢ, રાણાવાવ, કુતિયાણા, દ્વારકા, શેરગઢમાં ધોધમાર 4 ઇંચ વરસાદ વરસ્યો છે તેમજ આમરણ ચોવિસી, વંથલીમાં 3, રાજકોટ, જામ ખંભાળિયા, ગઢડામાં 2.5, બાબરા-ભાવનગર-કોટડા સાંગાણી-દામનગર-કલાણા-પોરબંદરમાં 2, ઘ્રોલ-જામનગર-માળીયાહાટી-વાંકાનેર-ટંકારામાં 1.5, મહુવા અને માણાવદરમાં 1 ઇંચ વરસાદ પડયો છે. જૂનાગઢમાં ભારે વરસાદના કારણે વિલીગ્ડન અને નરસિંહ સરોવર છલોછલ થવા આવ્યા છે અને કેરાળા જળાશય ઓવરફલો થતા નવ ગામને એલર્ટ કરાયા છે તથા વિસાવદરની કાળુભાર, ચમારડીની ઠેબી, જૂનાગઢની કાળવા અને સોનરખ નદીમાં ઘોડાપૂર આવ્યું હતું.
દ્વારકા, જામખંભાળીયા:’
દેવભૂમિ દ્વારકા જિલ્લાના ઓખામંડળ તેમજ બારાડી પંથકમાં મેઘરાજા મહેરબાન હોય તેમ આજે સવારથી સાંજ સુધીમાં મુશળધાર વરસાદ સાથે બંને તાલુકાઓમાં મેધરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી છે. જિલ્લામાં શુષ્ક રહેલા બંને તાલુકાઓમાં જોરદાર વરસાદનો લહાવો સ્થાનિકોએ ભરપૂર રીતે માણ્યો હતો. આજરોજ દેવભૂમિ દ્વારકા જિલ્લાના ચાર પૈકી ત્રણ તાલુકામાં વ્યાપક વરસાદ નોંધાયો છે. સાંજે 6 કલાક સુધીમાં ખંભાળીયામાં વધુ 68 મીમી, કલ્યાણપુરમાં 145 મીમી, દ્વારકામાં 92મીમી તેમજ ભાણવડમાં 7 મીમી વરસાદ નોંધાયો છે, જેથી નદી-નાળા છલોછલ થયા હતા.
દ્વારકા જિલ્લામાં હાલ ભારે વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. ત્યારે બેહ અને બારા ગામ વિસ્તારમાં બારે વરસાદ થયો હતો. માત્ર બે કલાકમાં ચાર થી છ ઈંચ જેટલો વરસાદ ખાબકતા સ્થાનિક નદીનાળાઓમાં પાણીના પુરૂ જોવા મળ્યા હતાં. જેમાં ઢાંઢાવાળી નદીમાં ભારે પુર આવ્યો હતો.’ ખંભાળીયા તાલુકાના બેહ બેરાજા આરોગ્ય સેન્ટરમાં કામ કરતાં કર્મી આજરોજ બપોરના સુમારે બારા આરોગ્ય પ્રાથમિક કેન્દ્ર તરફથી બેહ આવી રહ્યાં હતા ત્યારે બેહ બારા ગામ વચ્ચે આવતી ઢાંઢાવાળી નદીના પટમાં પાણીના પ્રવાહમાં અટવાઈ ગયેલ આ બાબતે જુંગીવ્રા ધામે જતાં વટેમાર્ગુને જાણ થતાં ગ્રામજનોને જાણ કરવામાં આવતાં બેહ ગામના સરપંચ પ્રવિણભાઈ ગઢવી સહિત આગેવાનો દ્વારા ટ્રેકટર, નાળા લઈ સ્થળે પહોંચ્યા હતાં અને ગ્રામજનોની કલાકો જહેમત બાદ આરોગ્ય કર્મીને સહી સલામત બચાવી લેવાયો હતો. અધિકારીઓએ હેડ કવાર્ટર ન છોડવા સૂચનાઓ અપાઈ છે. જિલ્લાના ચારેય તાલુકામાં કન્ટ્રોલરૂમ શરુ કરવામાં આવ્યો છે. જે ફોન નં. 02833 232125, મો.7859923844 છે.
આમરણ:
આમરણ ચોવીસી પંથકમાં આજે સાંજે પાંચ થી સાત બે કલાક દરમિયાન 2 થી 3 ઈંચ વાવણી લાયક વરસાદ વરસી જતા આનંદની લાગણી ફેલાઈ છે.
માણાવદર:
માણાવદરમાં સતત ત્રણ દિવસથી વરસાદ પડી રહ્યો છે. આજે દિવસ દરમ્યાન 1 ઈંચ નોંધાયો છે. જ્યારે ઝીંઝરી ગામ તરફ 2 ઈંચ જેટલો વરસાદ પડવાનું ગ્રામજનોએ જણાવેલ. ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી પાણીથી ફરી રસાલા ડેમ છલકાયો છે.
અમરેલી:
Dated 5/7/22 જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં મેધરાજ મન મૂકીને વરસ્યો હતો. આજે પડેલા વરસાદથી અનેક ગામમાં પાણી ભરાય ગયા હતા તો બીજી તરફ ઉપરવાસમાં ભારે વરસાદને પગલે નદીઓમાં ધોડાપુર આવ્યા હતા. ચમારડીની ઠેબી નદીમાં પુર આવ્યું હતું. ભારે વરસાદને કારણે જનજીવન પર પણ અસર થઈ હતી. આ લખાય છે ત્યારે બાબરાના ચામરડી ખાતે ઠેબી નદીમાં ઘોડાપૂર કોઝવે ઉપરથી પાણી ઓવરફ્લો થતા ચમારડી અને’ ચરખાનો રસ્તો બંધ થયો હતો. તળાજા:’ આજે પણ તળાજા શહેરમાં બપોરના સમયે મધ્યમધારે લગભગ અડધો કલાક વરસાદ વરસી ગયો. જો કે, કેટલાક ઉતાવળિયા ખેડૂતોએ કુદરત પર ભરોસો રાખી બિયારણ વાવેલ તેમાંના કેટલાક’ ખેડૂતોને અમુક અંશે બિયારણ નિષ્ફળ ગયાના ખેડૂતો કહી રહ્યા છે.
જૂનાગઢ:’
પ્રકૃતિના ખોળે મેઘરાજા રમવા આવ્યા હોય તેમ ગિરનાર પર્વતમાળામાં મૂશળધાર સાત ઈંચ, જૂનાગઢમાં ચાર, વંથલીમાં ત્રણ ઈંચ પાણી પડતા વિલિંગ્ડન ડેમ તથા નરસિંહ સરોવર છલોછલ ભરાયા છે. સવાર સુધીમાં બંને છલકાઈ જવાની પુરી સંભાવના છે. ગિરનાર પર્વત પર ચાર કલાકમાં સાત’ ઈંચ પાણી પડતા ઝરણાઓ પૂરની માકફ વહેવા લાગ્યા હતા. શહેરમાં ચાર ઈંચ પાણી પડતા કાળવા અને સોનરખ નદીમાં પૂર આવ્યા હતા. પરિણામે નરસિંહ સરોવર છલોછલ ભરાઈ ગયું હતું. ભારે વરસાદને કારણે શહેરના માર્ગો પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. ગિરનારમાં ભારે વરસાદને કારણે વિલીગ્ડન ડેમ ભરાઈ ગયો છે. કેરાળા જળાશયમાં ઉપરવાસના ભારે વરસાદને કારણે ડેમની જળ સપાટીમાં ઝડપથી વધારો થતા બપોરે 2-30 કલાકે ઓવરફ્લો ગતા હેઠવાસના જૂનાગઢ તાલુકાના ગામો કેરાવડ, મજેવડી, તલિયાધર, વધાવી, વાલાસીમડી અને વાણદિયા તથા વંથલી તાલુકાના બાલોટ, ધંધુસર અને વંથલીના લોકોને સાવધ કરાયા છે.
શેરગઢ :
કેશોદ તાલુકાના શેરગઢ ગામમાં આજે બપોરે 4 ઈંચ વરસાદ વરસ્યો હતો. જેના કારણે નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા હતાં.
પોરબંદર :
અરબી સમુદ્રના કિનારે આવેલા પોરબંદર જિલ્લામાં સવારથી જ મેઘમહેર જોવા મળી હતી. હળવા ભારે ઝાપટા બાદ બપોરથી વરસાદે જોર પકડયું હતું અને સાંજ સુધીમાં રાણાવાવ તથા કુતિયાણામાં ચાર ચાર ઈંચ વરસાદ વરસી ચુકયો છે. જ્યારે પોરબંદરમાં પણ બે ઈંચ જેટલો વરસાદ સાંજ સુધીમાં વરસ્યો છે.
ગોંડલ :
ગોંડલમાં સવારથી જ ગોરંભાયેલા આકાશ વચ્ચે ધીમીધારે પોણો ઈંચ વરસાદ વરસ્યો હતો. તાલુકાનાં મોવિયા, વાસાવડ, ગોમટા, ચોરડી સહિત ગ્રામ્ય પંથકમાં દોઢથી બે ઈંચ વરસાદ વરસ્યો છે. ધીમી ધારે વરસેલી મેઘવર્ષા ખેતી માટે ફાયદાકારક હોવાનું ખેડૂતોએ જણાવ્યું હતું.
વાંકાનેર :
આજે Dated 5/7/22 સાંજના છ વાગ્યા સુધીમાં 33 મીમી જેટલો વરસાદ પડેલ એટલે સવા 1। ઈંચ જેટલો વરસાદ નોંધાયો હતો ત્યારે તાલુકા પંથકમાં પણ સારો વરસાદ પડયાના વાવડ મળી રહેલ છે.
સુરત :
સુરતમાં પડી રહેલા વરસાદને પગલે સુરત મહાનગરપાલિકા દ્વારા શહેરમાં મહાનગરપાલિકાનું ફાયર વિભાગ સંભવિત આફતનો સામનો કરવા સજ્જ બની ગયું છે. રાહત અને બચાવની કામગીરી માટે ફાયર બ્રિગેડ વિભાગ દ્વારા બોટ સહિતના સાધનો સાથે એલર્ટ થઈ ગયું હોવાનું જાણવા મળે છે.
કલાણા :
અષાઢી મેઘ મહેરથી અત્ર તત્ર સર્વત્ર હરખની હેલી છવાઈ ગઈ છે. તેવી જ રીતે ધોરાજી પંથકના કલાણા, ચિચોડ, ખડીયા અને રવની જેવા ગામોમાં બપોર સુધી ઉકળાટ બાદ સાંબેલાધારે બે કલાકના ગાળામાં જ બે ઈંચથી વધુ વરસાદ ખાબકી ગયો હતો. આસપાસ વિસ્તારનાં તમામ ચેકડેમ ઓવરફલો થયા હતાં.
મોરબી:
મોરબી શહેર અને જીલ્લામાં આજે સાંજના સુમારે વરસાદ શરુ થયો હતો જેમાં મોરબી 2 સામાકાઠા વિસ્તાર મા 18 મીમી પોણો ઈચ જ્યારે મૉરબી શહેરમા 46 મીમી બે ઈચ વરસાદ નોંધાયો છે.” મોરબી નગરપાલિકા તંત્ર ચોમાસા પૂર્વે પ્રી મોન્સુન કામગીરી કરતી હોય છે જોકે કામગીરી કેવી રહે છે તે સૌ કોઈ જાણે છે અને વરસાદ વરસતા જ પાલિકાની કામગીરીની પોલ ખુલી જતી હોય છે આજે મોરબીમાં પોણો ઇંચ વરસાદ વરસતા જ ઠેર ઠેર પાણી ભરાઈ ગયા હતા જેથી વાહનચાલકોને અને રાહદારીઓને મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો.
મેંદરડા :
મેંદરડા પંથકમાં આજ સવારથી વરસાદી માહોલ જામ્યો હતો. બપોર સુધી હળવા ઝાપટા પડયા હતાં. પરંતુ બપોરે ધોધમાર વરસવાનું ચાલુ થતાં લગભગ દોઢેક કલાકમાં ત્રણ ઈંચ જેટલો વરસાદ વરસ્યો હતો. માળીયાહાટીના : માળીયાહાટીનામાં આજે સવારથી વરસાદ વસતા મેઘલ નદીમાં નવા નીરની અઢળક આવક શરૂ થઈ છે. પ્રથમ વખત નદીમાં પુર આવ્યું છે. ચાર મહિનાની કોરી ધાકોડ મેઘલ નદી પાણીથી ભરાઈ ગઈ છે. આજે દોઢ ઈંચ પાણી પડયું છે. પ્રથમ વખત મેઘલ નદીમાં પૂર આવતાં લોકો ભાવવિભોર બની ગયા છે.
દામનગર :
બે દિવસના ધીમીધારે વરસાદ બાદ આજરોજ વાતાવરણમાં એકાએક પલટો આવતાં વર્ષારાણીની ધમાકેદાર એન્ટ્રી થતાં ત્રણ કલાક સુધી વરસાદ પડતાં બે ઈંચ જેટલું પાણી પડી ગયું છે. દામનગરનાં ગ્રામ્ય વિસ્તારમાં પણ સારા વરસાદનાં વાવડ મળેલ છે. કુંભનાથ તળાવમાં નવા નીરની આવક ધીમી ગતિએ શરૂ છે. દામનગરનાં સરદાર ચોકમાં વરસાદના નીર ભરાતા રાહતદારીઓને મુશ્કેલી પડતી હતી.
કોટડાસાંગાણી :
કોટડા સાંગાણીમાં વહેલી સવારથી અસહ્ય બફારા બાદ આજે બપોરે બે વાગ્યાથી વરસાદ શરૂ થયો હતો અને સાંજે છ વાગ્યા સુધી બે ઈંચ વરસાદ વરસી ગયો હતો. નદી નાળામાં નવા નીરની આવક થઈ છે. કોટડા તાલુકાના ગામોમાં સારો વરસાદ પડી ગયો છે લોકો અને ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.
જામનગર :
જામનગર શહેર અને જિલ્લામાં આજે સવારથી સુર્યનારાયણનો આકરો તાપ રહેવા પામ્યો હતો. દરમિયાન પલટાયેલા વાતાવરણના પગલે આકાશમાં કાળા ડીંબાંગ વાદળો છવાઈ જવા પામ્યા હતાં. જેમાં આજે સાંજ સુધીમાં જામનગર શહેરનો 40 મીમી, ધ્રોલમાં 38 મીમી, જામજોધપુરમાં 9 મીમી, જોડિયામાં 18 મીમી અને લાલપુરમાં 3 મીમી વરસાદ વરસ્યો હતો. જ્યારે ત્રણ જળાશયોમાં નવા પાણીની આવક નોંધાઈ છે.
ગઢડા :
ગઢડા શહેરમાં બપોરે 2 વાગ્યા પછી ભારે ગાજવીજ સાથે અચાનક મુશળધાર વરસાદ શરૂ થયો હતો. સતત બે કલાક સુધી એકસરખો વરસાદ શરૂ રહેતાં સવા બે ઈંચ જેટલો વરસાદ નોંધાયો હતો. આ વરસાદના પગલે ગઢડા’ શહેરના બોટાદ ઝાંપા, જીન નાકા, મધરપાટ વિગેરે મુખ્ય વિસ્તારો અને રસ્તો ઉપર પાણીના વહેણ શરૂ થતાં લોકોએ વરસતા વરસાદની મજા માણી હતી.
ભાવનગર :
ભારે વરસાદની આગાહી વચ્ચે ભાવનગર જિલ્લામાં અડધાથી બે ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે. ભાવનગર શહેરમાં આજે બપોરે ધોધમાર વરસાદ તુટી પડયો હતો અને બે ઈંચ જેટલો વરસાદ ખાબકી ગયો હતો. શહેરનાં અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હતાં. આજે સવારના 6 થી સાંજના છ દરમિયાન ભાવનગર શહેરમાં 42 મીમી મહુવામાં 28 મીમી તળાજામાં 14 મીમી પાલીતાણામાં 5 મીમી વલભીપુરમાં 2 મીમી, ગારીયાધાર, ઘોઘા અને સિહોરમાં એક એક મીમી વરસાદ નોંધાયો છે.
બાબરા :
બાબરા તાલુકામાં બપોર બાદ મેઘરાજાએ મોસમનું પ્રથમ અનરાધાર હેત વરસાવ્યું હોય તેમ શહેરી વિસ્તારમાં હળવો અને ગ્રામ્ય વિસ્તારમાં અનરાધાર વરસાદથી નદીઓમાં પુરના પાણી ફરી વળ્યાં હતાં. મળતા સમાચાર મુજબ બાબરા શહેરમાં બે ઈંચ વરસાદ અને ઉપરવાસના ચારખા ગામના સિમ વિસ્તારમાં વધુ વરસાદથી બાબરા મધ્યમાંથી નીકળતી કાળુભાર નદીમાં પુર આવતાં શહેરીજનો પુર જોવા નીકળી પડયા હતાં. જ્યારે બાબરા તાલુકાના ગ્રામ્ય ચરખા, ચમારડી, વાંડલીયા, ધરાઈ, મોટા દેવળીયા, ઈસાપર સહિતમાં 3 થી 4 ઈંચ વરસાદી પાણી પડતાં તમામ ચેક ડેમ જળાશયો ભરાયા બાદ નદીમાં વર્ષનું પ્રથમ પૂર આવ્યું હતું.
ધ્રોલ :
ધ્રોલ ખાતે આજે Dated 5/7/22, સાંજે 4 થી 6 વાગ્યા સુધીના બે કલાકમાં 1।। ઈંચ’ (38 મીમી) વરસાદ નોંધાયેલ છે. આજરોજના વરસાદને કારણે ધ્રોલ શહેરનાં જોડીયા રોડ, મેમણ ચોક, નંદનવન સોસાયટી, વૃંદાવન સોસાયટીઓમાં 1।। થી 2 ફુટ જેટલા પાણી ભરાઈ જતાં વાહન વ્યવહાર તેમ લત્તાવાસીઓ મુશ્કેલીમાં મુકાઈ ગયા હતાં.
ભાટિયા :
ભાટિયામાં આજે બપોરથી ધોધમાર વરસાદ શરૂ થયો હતો. ભારે પવન ગાજવીજ સાથે સાંજ સુધીમાં ત્રણ ઈંચ જેટલો આજનો પણ વરસાદ નોંધાતા છેલ્લા ચોવીસ કલાકમાં છ ઈંચ વરસાદ પડી જતાં ગામના મુખ્ય માર્ગો -ગલ્લીઓમાં ઠેર ઠેર પાણી પાણી દેખાતું હતું.
પાંચ દિવસ દ્વારકા-પોરબંદર અને દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી
આગામી પાંચ દિવસમાં દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ 5ડવાની સંભાવના છે તેમજ આજથી તા. 10 જુલાઈ સુધી દ્વારકા, પોરબંદર, વલસાડમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના પણ છે, એમ હવામાન વિભાગના અધિકારી એમ. મોહન્તીએ જણાવ્યું હતું. ગાંધીનગરમાં આજે રાહત કમિશ્નરના અધ્યક્ષ સ્થાને વેધર વોચ ગૃપની બેઠક યોજાઈ હતી, જેમાં રાહત કમિશ્નરે આગામી સપ્તાહમાં થનાર વરસાદની આગાહીને ધ્યાને લઈ હાજર રહેલ તમામ વિભાગના અધિકારીઓને તથા સમગ્ર તંત્રને એલર્ટ રહેવા સૂચન કર્યું હતું.’ આ બેઠકમાં રાહત કમિશનરે એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમોને ડીપ્લોય કરવા માટે ચર્ચા હાથ ધરી હતી. જેમાં રાજ્યમાં આગામી વરસાદની આગાહીને ધ્યાને લઈ કચ્છ જિલ્લામાં એક એનડીઆરએફની ટીમ ડીપ્લોય કરવા સૂચના આપી હતી.
કેન્દ્ર સરકાર દ્વારા મનરેગા સહિતની ૩૦૦ જેટલી સરકારી યોજનાના કામના વેતનની શ્રમિકોને કરાતી ચૂકવણી તેમના સહકારી બેન્કોના ખાતામાં પણ કરવાનો નિર્ણય લેવામાં આવી રહ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે. ગુજરાતની ૨૩૦ પ્લસ સહકારી બેન્કોને તેનાથી ફાયદો થશે. માત્ર ગુજરાત નહિ, સમગ્ર દેશના તમામ રાજ્યોની સહકારી બેન્કોને તેનાથી ફાયદો થશે. ગુજરાતની ૧૭ જિલ્લા સહકારી બેન્કો અને ગુજરાત સ્ટેટ કોઓપરેટીવ બેન્કને પણ તેનો ફાયદો મળશે. અત્યાર સુધી રાષ્ટ્રીયકૃત અને ખાનગી બેન્કો મારફતે જ કેન્દ્ર સરકારની સબસિડીની કે પછી અન્ય યોજનાઓ થકી મળતા ખેડૂતો અને શ્રમિકોને મળતા લાભના નાણાં ખેડૂતોના ખાતામાં જમા થશે.
ખેડૂતોને સબસિડીના નાણાં પણ ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર હેઠળ જ અપાય છે. આ રીતે કેન્દ્ર સરકારની જુદી જુદી ૩૦૦ યોજનાના નાણાં ડાયરેક્ટ ટ્રાન્સફર ઓફ બેનિફિટની સ્કીમ હેઠળ સીધા બેન્ક ખાતાઓમાં ટ્રાન્સફરકરવામાં આવે છે. મનરેગા જેવી યોજનાના મહેનતાણાના નાણાં પણ સહકારી બેન્કોના ખાતામાં જમા થઈ શકશે. કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહે આ નિર્દેશ આપ્યો છે. આ યોજનાને સહકારી બેન્કો સાથે જોડી દઈને સહકારી બેન્કો અને પ્રજા વચ્ચેનો નાતો વધુ સંગીન બનાવવાની નેમથી આ આયોજન કરવામાં આવ્યું છે.
ગુજરાત સ્ટેટ કોઓપરેટીવ બેન્કના ચેરમેન અજય પટેલે જણાવ્યું હતું કે કેન્દ્ર સરકાર દ્વારા લેવામાં આવનારા આ પગલાંને પરિણામે સહકારી બેન્કોની આર્થિક સદ્ધરતામાં ખાસ્સો વધારો થશે. અમિત શાહની પ્રસ્તુત જાહેરાત અંગે વાત કરતાં ખેતી બેન્કના ચેરમેન ડૉલર કોટેચાએ જણાવ્યું હતું કે આ આયોજનના અમલીકરણ થકી સહકારી બેન્કો સમાજના નાના વર્ગના ખાતેદારોની સારી સેવા કરી શકશે. સમાજના નાનામાં નાના વર્ગના નાગરિકનો સહકારી બેન્કોમાંનો વિશ્વાસ વધુ બુલંદ બનશે. સહકારી બેન્કોના ફેડરેશનના પ્રમુખ જ્યોતિન્દ્ર મહેતાનું કહેવું છે કે ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફરના નાણાં સહકારી બેન્કના માધ્યમથી ટ્રાન્સફર કરવામાં આવશે તો તેને પરિણામે સહકારી બેન્કોમાં ખાતાની સંખ્યા વધી જશે. તેમના ખાતામાં જમા થનારા નાણાંઓને કારણે સહકારી બેન્કોની થાપણોમાં અને ખાસ કરીને ઓછા વ્યાજની થાપણોમાં વધારો થશે.
તેનાથી થનારા લાભની વાત કરતાં તેમણે જણાવ્યું હતું કે સહકારી બેન્કોને મળનારી વધારાની થાપણનો ઉપયોગ કરીને બેન્કો વધારાનું ધિરાણ કરીને નફો પણ વધારી શકશે. પરિણામે સહકારી બેન્કોની આવક અને આર્થિક તન્દુરસ્તીમાં સુધારો થશે.
પોલીસે અત્યાર સુધીનો સૌથી આધુનિક બંદોબસ્ત ગોઠવ્યો હતો
૧૦ હજારથી વધારે બોડી વોર્ન કેમેરા, ડ્રોન સહિતના હાઇટેક સાધનો સાથે ગ્રાઉન્ડ લેવલે પણ પોલીસનો લોંખડી બંદોબસ્ત રખાયો હતો
અમદાવાદ
ગુજરાતમાં અમદાવાદ અને ભાવનગર સહિત નાની મોટી ૧૮૦ જેટલી રથયાત્રા વિના વિધ્ને પૂર્ણ થઇ હતી. રથયાત્રા દરમિયાન રાજ્યની શાંતિ ન ડહોળાઇ તે માટે પોલીસે અત્યાર સુધીનો સૌથી મોટો અને હાઇટેક બંદોબસ્ત ગોઠવ્યો હતો. જેમાં પોલીસે ડ્રોન, બોડી વોર્ન કેમેરા સહિતના સાધનોનો ઉપયોગ કર્યો હતો. આ સાથે રથયાત્રામાં કોઇ અનિચ્છિનીય ઘટના ન બનતા પોલીસ વિભાગે રાહતનો શ્વાસ લીધો હતો. રાજ્યમાં અમદાવાદ બાદ ભાવનગરની રથયાત્રા બીજા નંબરની સૌથી મોટી રથયાત્રા છે. ગુજરાતમાં અમદાવાદની ૧૪૫મી રથયાત્રા સહિત કુલ ૧૮૦ રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થઇ હતી. અમદાવાદની રથયાત્રામાં ૧૧ લાખ જેટલુ વિશાળ માનવ મહેરામણ ઉમટયુ હતું. અમદાવાદ બાદ રાજ્યની બીજી સૌથી મોટી રથયાત્રા ભાવનગરમાં યોજાઇ હતી. જેમાં સવા લાખ જેટલા ભાવિકો જોડાયા હતા.
આ ઉપરાંત, રાજકોટ, સુરત, વડોદરા, મહેસાણા, ગાંધીનગર સહિતની નાની મોટી ૧૮૦ જેટલી રથયાત્રાઓ યોજવામાં આવી હતી. રથયાત્રામાં કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે તેમજ કોઇ અનિચ્છનીય ઘટના ન બને તે માટે ગૃહ વિભાગે પોલીસ વિભાગ સાથે સંકલન કરીને અત્યાર સુધીનો સૌથી હાઇટેક અને સૌથી મોટો બંદોસ્ત ગોઠવવાનું નક્કી કર્યું હતું. જેમાં મોટી સંખ્યામાં ડ્રોન, ૧૦ હજાર જેટલા બોડી વોર્ન કેેમેરા, સીસીટીવી નેટવર્ક, વધારાના કંટ્રોલ રૂમ તૈયાર કર્યા હતા. તો ગ્રાઉન્ડ લેવલે સંવેદનશીલ વિસ્તારોમાં તેમજ શંકાસ્પદ વ્યક્તિઓ પર વોચ રાખવામાં સ્ટેટ આઇબી અને સ્થાનિક પોલીસ કેટલાંક અધિકારીઓને એક મહિનાથી કામે લગાડયા હતા. જેના કારણે સમગ્ર રાજ્યમાં રથયાત્રા વિના વિઘ્ને સંપન્ન થઇ હતી.
આમ આદમી પાર્ટી ગુજરાતના નવીન સંગઠનને અનુલક્ષીને પ્રદેશ પ્રભારી સંદીપ પાઠકે પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. ગુજરાતમાં આમ આદમી પાર્ટીના સંગઠનનું નવું માળખું જાહેર કરી દેવાયું છે.
ઈસુદાન ગઢવીને આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયુક્ત મહાસચિવ તથા ઈન્દ્રનીલ રાજગુરૂને રાષ્ટ્રીય સંયુક્ત સચિવ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. કૈલાશ ગઢવીને આપ ગુજરાતના ખજાનચી તથા સાગર રબારીને પ્રદેશ ઉપાધ્યક્ષ તરીકેની જવાબદારી સોંપવામાં આવી છે.
આપના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલિયાએ આજના દિવસને આમ આદમી પાર્ટીના કાર્યકરો માટે ઐતિહાસિક ગણાવ્યો હતો તથા શક્તિશાળી વિશાળ માળખાની જરૂર હોવાથી જૂનું માળખું વિખેરવામાં આવ્યું હોવાનું જણાવ્યું હતું. આ ઉપરાંત વિધાનસભાની 182 બેઠકો પર યોજવામાં આવેલી પરિવર્તન યાત્રાને લોકોનો સારો પ્રતિસાદ મળ્યો હોવાનું જણાવ્યું હતું.
ત્યાર બાદ ઈસુદાન ગઢવીએ પદાધિકારીઓના પહેલા લિસ્ટની જાહેરાત બદલ સૌને અભિનંદન પાઠવ્યા હતા અને હજું બીજી યાદ બહાર પડશે તેમ જણાવ્યું હતું. તેમણે જણાવ્યું કે, એક વિધાનસભામાં 4 સંગઠન મંત્રી રહેશે. મતલબ કે, એક વિધાનસભાના 4 બ્લોક પાડવામાં આવ્યા છે. દરેક ગામમાં 11 લોકોની ટીમ બનાવવામાં આવી છે.
પ્રદેશ પ્રભારી સંદીપ પાઠકે ઈસુદાનનો રાષ્ટ્રીય સ્તરે ઉપયોગ કરવામાં આવશે તથા યોગ્ય સમયે ગુજરાતમાં આપનો મુખ્યમંત્રી પદ માટેનો ચહેરો જાહેર કરવામાં આવશે તેમ જણાવ્યું હતું.
આમ આદમી પાર્ટીના ગુજરાતના નવા સંગઠન માળખામાં કુલ 850 લોકોનો સમાવેશ કરવામાં આવ્યો છે. સંગઠનમાં 26 લોકસભા પ્રમુખ, 42 ડિસ્ટ્રિક્ટ પ્રમુખ, 679 વિધાનસભા સંગઠન મંત્રીને સ્થાન આપવામાં આવ્યું છે.
પંજાબમાં આમ આદમી પાર્ટીની ભવ્ય જીત બાદ હવે આમ આદમી પાર્ટીનું ફોકસ ગુજરાત તરફ જોવા મળી રહ્યું છે. ગુજરાત વિધાન સભાની ચૂંટણીને લઈને દરેક પક્ષ કમર કસી રહ્યા છે. ત્યારે હવે આમ આદમી પાર્ટીએ ભાજપને હરાવવા માટે એક નવી વ્યૂહરચના બનાવી છે. આમ આદમી પાર્ટીએ ભાજપને હરાવવા માટે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના નેતૃત્વમાં અને તેમના માર્ગદર્શન હેઠળ આવનારી ચૂંટણીના બાકીના મહિનાઓ માટેની નવી વ્યૂહરચના અમલમાં મૂકી છે.
થોડા સમય પહેલા આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલિયાએ પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરીને પાર્ટીએ ગુજરાત પ્રદેશમાં સંગઠનના માળખાને વિખેર્યું હોવાની જાહેરાત કરી હતી. તેમાં પ્રમુખ સિવાયના તમામ હોદ્દાઓ પર નવેસરથી નિયુક્તિ કરવામાં આવશે તેમ જાહેર કરવામાં આવ્યું હતું. માળખાના વિસર્જન અંગે સ્પષ્ટતા કરતા ગોપાલ ઈટાલિયાએ કહ્યું હતું, કે આજ દિન સુધીનું માળખું આમ આદમી પાર્ટીની રચનાનું હતું. ગુજરાતના ખૂણે-ખૂણા સુધી આપનો સંદેશ પહોંચાડવા માટેનું હતુ પરંતુ હવે આગામી વિધાનસભાની ચૂંટણીમાં મુખ્ય વિપક્ષ તરીકે ભાજપ સામે બાથ ભીડવા નવી વ્યૂહરચના સાથે નવું માળખું બનશે.
હવામાન વિભાગે ગુજરાત સહિત દેશના મોટા ભાગનાં રાજ્યોમાં આ વખતે ચોમાસામાં સામાન્ય કરતાં વધુ વરસાદ પડવાની આગાહી કરી હતી.
ગુજરાતથી ઓડિશા સુધીનાં રાજ્યોમાં વરસાદની લાંબા ગાળાની સરેરાશ ૧૦૬ ટકાથી વધુ રહેવાની આશા છે. દેશમાં આ સતત ચોથા વર્ષે સારું ચોમાસું રહેવાની આગાહી છે. સારા વરસાદને લીધે પાકનું વિપુલ ઉત્પાદન થવાની અને ફુગાવો અંકુશમાં આવવાની આશા રખાય છે.
હવામાન વિભાગના ડિરેક્ટર જનરલ મૃત્યુંજય મોહપાત્રે અહીં પત્રકારોને સંબંધિત માહિતી આપતા જણાવ્યું હતું કે દેશમાં ચોમાસા દરમિયાન (લાંબા ગાળાનો) સરેરાશ વરસાદ ૧૦૩ ટકા થવાની આશા છે. અગાઉ, હવામાન વિભાગે (લાંબા ગાળાનો) સરેરાશ વરસાદ ૯૯ ટકા થવાની એપ્રિલમાં આગાહી કરી હતી. આખા દેશમાં ચોમાસા દરમિયાન વરસાદની લાંબા ગાળાની સરેરાશની ગણતરી ૧૯૭૧થી ૨૦૨૦નાં પચાસ વર્ષ દરમિયાન પડેલા વરસાદની સરેરાશને આધારે કરાય છે. હવામાન વિભાગના ડિરેક્ટર જનરલ મૃત્યુંજય મોહપાત્રે જણાવ્યું હતું કે મધ્ય ભારત અને દક્ષિણ દ્વીપકલ્પમાં વરસાદ સામાન્ય કરતાં વધુ પડવાની અને ઇશાન તેમ જ વાયવ્ય ભારતમાં સામાન્ય વરસાદ પડવાની આશા છે. આગામી થોડાં વર્ષો દરમિયાન પણ ચોમાસું સારું રહેવાની શક્યતા છે.
હવામાન ખાતાએ જણાવ્યું હતું કે જમ્મુ અને કાશ્મીર, લદાખ, ઉત્તરાખંડ અને અરુણાચલ પ્રદેશ સિવાયના દેશના મોટા ભાગના વિસ્તારમાં જૂન દરમિયાન મહત્તમ તાપમાન સામાન્ય કરતાં ઓછું રહેવાની એટલે કે વધુ ઠંડી પડવાની આશા છે. અગાઉ, દેશમાં ૨૦૦૫થી ૨૦૦૮ અને ૨૦૧૦થી ૨૦૧૩ સુધી સતત ચાર વર્ષ સારું ચોમાસું રહ્યું હતું.
દેશમાં ખેતીનો ઘણો આધાર નૈર્ઋત્યના ચોમાસા પર રહેલો છે અને તે દેશના અર્થતંત્ર માટે ઘણું મહત્ત્વનું ગણાય છે.
ગુજરાતના મુખ્ય પોલીસ વડા આશિષ ભાટિયાને 8 મહિનાનું એક્સટેન્શન આપવામાં આવ્યું છે. રાજ્ય સરકાર દ્વારા DGP આશિષ ભાટિયાને 8 મહિનાનું એક્સટેન્શન આપવાની દરખાસ્ત મુકવામાં આવી હતી જેનો કેન્દ્ર સરકારે સ્વીકાર કર્યો છે. કેન્દ્રીય કેબિનેટની એપોઈન્ટમેન્ટ કમિટીએ આશિષ ભાટિયાને એક્સટેન્શન આપવા માટે મંજૂરી આપી છે.
ઉલ્લેખનીય છે કે, આગામી તા. 31 મેના રોજ આશિષ ભાટિયાનો કાર્યકાળ પૂર્ણ થવા જઈ રહ્યો હતો. ત્યારે હવે સરકારે તેમને 31મી જાન્યુઆરી 2023 સુધીનું એક્સટેન્શન આપ્યું છે. આમ તેઓ ગુજરાત વિધાનસભાની ચૂંટણીની સમાપ્તિ સુધી ગુજરાત પોલીસના વડા તરીકે કાર્યરત રહેશે.
આ સાથે જ સરકારે ગુજરાતના મુખ્ય સચિવ પંકજકુમારને પણ 8 મહિનાનું એક્સટેન્શન આપ્યું છે. કેન્દ્ર સરકારે તેમના 31મી જાન્યુઆરી 2023 સુધીના એક્સટેન્શનને મંજૂરી આપી છે જેના કારણે તેઓ ગુજરાતની વિધાનસભા ચૂંટણીમાં તંત્રને મદદરૂપ બનશે તથા નવી સરકારના ગઠન સુધી ચીફ સેક્રેટરી તરીકે કાર્યરત રહેશે. તેઓ 1986ની બેંચના IAS અધિકારી છે.
1985ની બેંચના IPS અધિકારી આશિષ ભાટિયાની તા. 31 જુલાઈ 2020ના રોજ રાજ્યના પોલીસ વડા તરીકે નિમણૂક કરવામાં આવી હતી. આશિષ ભાટિયાને એક્સટેન્શન આપવામાં આવ્યું તે કારણે પોલીસ તંત્રમાં તથા તેમના શુભેચ્છકોમાં આનંદ પ્રસર્યો છે.
ગત તા. 31મી જુલાઈ 2020ના રોજ ગુજરાત રાજ્યના પોલીસ વડા તરીકેના પદેથી શિવાનંદ ઝાની નિવૃત્ત બાદ તેમના સ્થાને આશિષ ભાટિયાની નિમણૂક કરવામાં આવી હતી.
આગામી વિધાનસભાની ચૂંટણી નજીક આવતા ભાજપે તેની તૈયારી પૂરજોશથી શરૂ કરી દીધી છે. ૧૫૦થી વધુ બેઠકો મેળવા માટે ભાજપે વિપક્ષ સામે લડવા અલગ સ્ટ્રેટેજી બનાવી છે. એમાં કૉંગ્રેસ માટે અલગ અને આમ આદમી પાર્ટી માટે અલગ એજન્ડા તૈયાર કરવાની દિશામાં સૂચનો આપવામાં આવ્યાં છે. આગામી ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં કૉંગ્રેસ દ્વારા જ્ઞાતિવાદના આધારે એટલે કે કૉંગ્રેસની વર્ષો જૂની માધવસિંહ સોલંકીની ખામ (ક્ષત્રિય, અનુસૂચિત જાતિ, આદિવાસી, મુસ્લિમ) થિયરી મુજબ જીતની ફોર્મ્યુલા અપનાવી રહી હોવાની અટકળો તેમ જ આમ આદમી પાર્ટી દિલ્હી મોડલ સાથે સરખામણી કરી ગુજરાત મોડલને પડકાર ફેંકી રહી છે. આ ઉપરાંત આપ પંજાબ અને દિલ્હી પેટર્નથી ભાજપ સામે લડવાની સ્ટ્રેટેજી અપનાવી રહી છે. આ સંજોગોમાં ભાજપ કૉંગ્રેસ સામે લડવા જ્ઞાતિનો આધાર ઊભો કરવા અને આમ આદમી પાર્ટી સામે લડવા વિકાસને આગળ કરવા માટેની નીતિ અપનાવવાની તૈયારી શરૂ કરી શકે છે.
એક 90 વર્ષ પરંપરા કે જે અપ્રતિમ છે નિષ્પક્ષ નિષ્પક્ષ દરરોજ, વહેલી તકે, એક ગતિશીલ સંપાદકીય ટીમ અને ડિસ્ટ્રીબ્યુટર અને બિઝનેસ એસોસિએટ્સનું એક શક્તિશાળી નેટવર્ક, દરરોજ નવ દાયકા જૂની પરંપરા આપે છે. એવી પરંપરા કે જે વિચારો, માહિતી અને સીધા પત્રકારત્વના એક વિશિષ્ટ સંશ્લેષણ છે. દરેક વાર્તામાં અપ્રતિમ અધિકૃતતા અને તટસ્થતાનો સમાવેશ થાય છે, વાચકોને સૌથી વધુ જાણકાર અને વિશ્લેષણાત્મક સમાચાર કવરેજ સાથે સમર્થન આપવું.