
કૃક્ષિ ક્ષેત્ર સાથે સંબંધિત ત્રણ બિલ માટે ખેડૂતો દેખાવો કરી રહ્યા છે. ભારે વિરોધ પ્રદર્શન થવા છતા પણ કેન્દ્ર સરકાર પીછેહઠ કરવા માટે તૈયાર નથી. શુક્રવારના રોજ બિહારને કેટલીક યોજનાઓની ભેટ આપતા દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કૃષિ બિલનો ઉલ્લેખ કરતા કહ્યું કે, કેટલાક પક્ષો ખેડૂતોને ભ્રમમાં નાખી રહ્યા છે. આ વટહુકમોથી ખેડૂતોને ઘણો બધો ફાયદો થશે.
વડાપ્રધાન નરેનદ્ર મોદીએ કહ્યું કે કાલે વિશ્વકર્મા જયંતિના દિવસે લોકસભામાં ઐતિહાસિક કૃષિ સુધાર બિલ પસાર કરવામાં આવ્યા છે. આ ખરડાઓએ આપણા અન્નદાતા ખેડૂતોને અનેક બંધનોમાંથી મુક્તિ અપાવી દીધી છે. આ સુધારાઓથી પોતાની ઉપજ વેચવા માટે ખેડૂતોને વધારે વિકલ્પો અને વધારે અવસર મળી રહેશે. હું દેશના ખેડૂતોને આ ખરડાઓ માટે શુભેચ્છા પાઠવું છું.
વિપક્ષની ઝાટકણી કાઢતા વડાપ્રધાન મોદીએ કહ્યું કે ખેડૂત અને ગ્રાહક વચ્ચે જે વચોટિયાઓ હોય છે, કે જેઓ ખેડૂતોની કમાણીનો મોટા ભાગનો હિસ્સો પોતાની પાસે રાખી લેતા હોય છે તેમનાથી બચવા માટે આ આ ખરડા પસાર કરવા અત્યંત જરૂરી હતા. આ ખરડાઓ ખેડૂતો માટેનું રક્ષા કવચ બનીને આવ્યા છે. પરંતુ કેટલાક લોકો જે દશકાઓ સુધી સ્તાતમાં રહ્યા છે, દેશ પર રાજ કર્યું છે, તે લોકો ખેડૂતોને આ વિષય પર ભ્રમમાં નાખવાનો પ્રયત્ન કરી રહ્યા છે.
વડાપ્રધાને કહ્યું કે કેટલાક લોકો ખોટુ બોલી રહ્યા છે. ચૂંટણી સમયે ખેડૂતોને આકર્ષવા માટે મોટી-મોટી વાતો કરતા હતા, લેખિતમાં પણ આપતા હતા અને પોતાના ચૂંટણી ઢંઢેરામાં પણ ખેડૂતો માટે કામ કરવાના દાવાઓ કરતા હતા પરંતુ ચૂંટણી બાદ બધું ભૂલી જતા હોય છે. આજે જ્યારે એ જ વસ્તુઓ ભાજપા-એનડીએ સરકાર કરી રહી છે તો વિપક્ષ જાત-જાતના ભ્રમ ફેલાવી રહી છે.


















