૧૩૦-૧૪૫ની ઝડપે ફૂંકાતા પવન સાથે યાસ વાવાઝોડાએ બંગાળ, ઓડિશા સહિત પૂર્વભારતનાં કિનારાઓ પર બુધવારે ત્રાટક્યા બાદ વીસ લાખથી વધુ લોકોનું સુરક્ષિત સ્થળે સ્થળાંતર કરાવાયું હતું અને બંને રાજ્યમાં મળીને ચાર જણે પોતાના જીવ ગુમાવ્યા હતા.
સવારે અંદાજે નવ વાગ્યે વાવાઝોડું ઓડિશાના ધામરા બંદર નજીક જમીન પર ત્રાટક્યા બાદ નીચાણવાળા વિસ્તારોમાં અનેક કાચા ઘરો પાણીના જોરદાર વહેણ સાથે તણાયા હતા.
ઓડિશામાં ૫.૮ લાખ અને પં. બંગાળમાં પંદર લાખ મળીને કુલ વીસ લાખથી વધુ લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા હતા.
વાવાઝોડું પોતાની સાથે બંને રાજ્યોમાં ૧૩૦-૧૪૫ની ઝડપે સૂસવાટા મારતો પવન અને અતિભારે વરસાદ લાવ્યો હતો.
બંગાળની સરકારે વાવઝોડાને લીધે એક કરોડ લોકોને અસર થઇ હોવાનો દાવો કર્યો હતો.
બાલેશ્ર્વર જિલ્લાના બહાનાગા અને રેમુના બ્લૉક્સ તથા ભદ્રક જિલ્લાના ધામરા અને બાસુદેવપુરના અનેક ગામોમાં સમુદ્રના પાણી પ્રવેશ્યા હોવાની અને પ્રશાસન સ્થાનિકોની મદદથી સમુદ્રનું પાણી બહાર કાઢવાની મથામણ કરી રહ્યું હોવાની માહિતી ઓડિશાના સત્તાવાર સૂત્રોએ જણાવી હતી.
આર્મી, નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (એનડીઆરએફ), સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (એસડીઆરએફ), રાજ્યની પોલીસ તથા સિવિલ ડિફેન્સના સ્વયંસેવકો લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવા માટે રાતદિવસ કામ કરી રહ્યા છે. મયુરભંજ જિલ્લામાં પડેલા ભારે વરસાદને લીધે બુધાબાલંગ નદીમાં પૂર આવવાનો ભય ઊભો થયો છે. બપોર સુધીમાં નદીમાં ૨૧ મીટર પાણી વહેતું હતું અને ખતરાની નિશાની ૨૭ મીટરની છે. પૂનમની ભરતી અને વાવાઝોડાને લીધે આવેલા અતિથી અતિ ભારે વરસાદને લીધે બંને રાજ્યની અનેક નદીઓ બંને કાંઠે વહી રહી છે અને એમાં પૂર આવવાની શક્યતા ઊભી થઇ છે.
કાંઠાના કેટલાક વિસ્તારોમાં નારિયેળના ઝાડ જેટલાં ઊંચા સમુદ્રના મોજાં આવતા હોવાની માહિતી સૂત્રોએ જણાવી હતી.
બિનસત્તાવાર સૂત્રોના જણાવ્યા અનુસાર ઝાડ પડવાથી ઓડિશામાં બે જણનું અને ઘર પડવાથી એક મહિલાનું મોત થયું હતું. એક વ્યક્તિનું બંગાળમાં અકસ્માતે મોત થયું હતું.
અનેક જિલ્લામાં વીજળીની લાઇનો શરૂ કરવા માટે ભગિરથ પ્રયત્ન ચાલી રહ્યા છે.
વાવાઝોડું બુધવારે મધ્યરાત્રી સુધીમાં ઝારખંડ પહોંચવાનો અંદાજ હવામાન ખાતાએ જાહેર કર્યો હતો. ઝારખંડમાં પણ નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવાનું કામ યુદ્ધસ્તરે ચાલી રહ્યું છે.
બંગાળની સરકારે રાજ્યમાં ત્રણ લાખ ઘરોને નુકસાન થયું હોવાનો અને અસરગ્રસ્ત વિસ્તારોમાં રૂ. ૧૦ કરોડની સાધનસામગ્રી પહોંચાડી હોવાનો દાવો કર્યો હતો.
આવતા ૨૪ કલાકમાં બંને રાજ્યના અનેક જિલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદ પડવાની આગાહી હવામાન ખાતાએ કરી છે.
કોલકાતા: પશ્ર્ચિમ બંગાળમાં યાસ વાવાઝોડાને કારણે કિનારાના અનેક વિસ્તારોમાં છાતીસમાણા પાણી ભરાયા હતા. પૂર્વ મિદનાપુરના દિઘા સહિતના અનેક વિસ્તારો અને દક્ષિણ ૨૪ પરગણામાં જોરદાર પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો.
વંટોળમાં સપડાયેલા લોકોને બચાવવા માટે રાજ્યના બધા જ સંવેદનશીલ વિસ્તારોમાં સુરક્ષાદળના જવાનો તહેનાત કરવામાં આવ્યા છે.
કોવિડને કારણે લાદવામાં આવેલા લૉકડાઉનને કારણે બજારો અને રસ્તાઓ ખાલી હોવાથી સ્થિતિ કાબૂમાં છે. અનેક ઠેકાણે ઝાડો ઉખડી ગયા છે અને લગભગ સમુદ્ર કિનારા નજીકના વિસ્તારોમાં પાણી ભરાયા છે. લોકો પોતાના ઢોર સાથે સુરક્ષિત સ્થળે જવા માટે મથામણ કરી રહેલા દેખાયા હતા. અનેક લોકોના ઘરોમાં પાણી પ્રવેશ્યા હતા.
શંકરપુરમાં કિનારા નજીકની એક શાળા સમુદ્રના વિશાળ મોજાને કારણે તણાઇ ગઇ હોવાની વાત જાણવા મળી
ગુજરાતમાં ઊંચા આઈકોનિક બિલ્ડિંગ સ્ટ્રક્ચરના નિર્માણનો માર્ગ વધુ સરળ થયો છે કારણકે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આઈકોનિક બિલ્ડિંગ સ્ટ્રક્ચર નિર્માણ અંગેના જાહેરનામાને ફાઈનલ મંજૂરી આપી છે. મુખ્યમંત્રીએ અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ અને ગાંધીનગર એમ 5 મહાનગરની આગવી ઓળખ ઊભી થઇ શકે તેવી સ્કાય રાઈઝ્ડ આઈકોનિક ઈમારતોના બાંધકામ માટેના સીજીડીઆર-2017ના રેગ્યુલેશનમાં ફેરફાર કરતા પ્રાથમિક જાહેરનામા અન્વયે આવેલા વાંધા સૂચનોને ધ્યાને લીધા બાદ આ જાહેરનામાને આખરી મંજૂરી આપી છે.
મુખ્યમંત્રીએ તારીખ 18 ઓગસ્ટ, 2020ના દિવસે રાજ્યના 5 મહાનગરમાં હવે સિંગાપોર-દુબઈની જેમ સ્કાય સ્ક્રેપર્સ, ગગનચુંબી ઈમારતો-આઈકોનિક સ્ટ્રક્ચર્સના બાંધકામને પરવાનગી આપવા માટેની જાહેરાત કરવા સાથે પ્રાથમિક જાહેરનામું-પ્રાઈમરી નોટિફિકેશન મંજૂર કર્યું હતું અને આ સંદર્ભમાં વિભાગ દ્વારા વાંધા-સૂચનો મગાવવામાં આવેલા હતા. મુખ્યમંત્રીએ આ પ્રાથમિક જાહેરનામા સંદર્ભે આવેલા વાંધા સૂચનો ધ્યાને લીધા બાદ હવે ગગનચુંબી ઈમારતો હાઈરાઈઝ્ડ બિલ્ડિંગ સ્ટ્રક્ચરના નિર્માણ અંગેના જાહેરનામાને ફાઈનલ મંજૂરી આપી છે. આ મંજૂરી મળતા રાજ્યના પાંચ મહાનગરમાં આભને આંબતા હાઈરાઈઝ્ડ બિલ્ડિંગ્સ સ્ટ્રક્ચરના નિર્માણનો નવો યુગ શરૂ થશે.
ઊંચી બિલ્ડિંગ –ઊંચી ઇમારતો માટેના રેગ્યુલેશન્સનું આખરી જાહેરનામું પ્રસિદ્ધ થવાની સાથે જ અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ અને ગાંધીનગર કોર્પોરેશન તેમજ સત્તા મંડળો દ્વારા ગગનચુંબી ઈમારતોને મંજૂરી આપી શકાશે. એટલું જ નહીં દેશ અને દુનિયાના અન્ય શહેરો સાથે ગુજરાતના શહેરો પણ પોતાની આગવી ઓળખ ધરાવતા હાઈરાઈઝ્ડ આઇકોનિક સ્ટ્રક્ચર બાંધી શકશે. મુખ્યમંત્રીએ ઊંચા-હાઈરાઈઝ્ડ ઈમારતોના નિર્માણ અંગેના આખરી જાહેરનામાને મંજૂરી આપીને પ્રજાહિત નિર્ણયોની કડીમાં એક નવી સિદ્ધિ ઉમેરી છે.
એટલું જ નહીં વિજય રૂપાણીએ આયોજનબદ્ધ શહેરી વિકાસને આગળ ધપાવતા વધુ 3 ફાઈનલ ટી.પી. સ્કીમ અને 2 ડ્રાફ્ટ ટી.પી. સ્કીમ પર મંજૂરીની મહોર લગાવી છે. મુખ્યમંત્રી દ્વારા મંજૂર કરવામાં આવેલી બે ડ્રાફ્ટ ટી. પી. સ્કીમમાં ભાવનગર શહેરની ટી.પી. સ્કીમ નં. 30 (ચિત્રા) તથા શામળાજી મંદિર પરિસર તથા આસપાસના વિકાસ માટે જરૂરી ફેરફારો સાથેની ટી. પી. સ્કીમને મંજૂરી આપવામાં આવી છે. આ ઉપરાંત અમદાવાદની ફાઈનલ ટી.પી.સ્કીમ નં 51 (પૂર્વ ખોખરા-મહેમદાબાદ), મેમનગર નં-1 (સેકન્ડ વેરીડ) તથા ગાંધીનગરની ફાઈનલ ટી. પી. સ્કીમ નં. 9/બી (વાસણા-હડમતિયા-સરગાસણ-વાવોલ)નો સમાવેશ થાય છે.
સેન્ટ્રલ બ્યૂરો ઓફ ઈન્વેસ્ટિગેશન (CBI)ના નવા વડા અંગે મંગળવારે મોડી રાત્રે નિર્ણય લેવાય છે. આપીએસ અધિકારી સુબોધ કુમાર જયસ્વાલને નવા સીબીઆઈ ડાયરેક્ટર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. તેમનો કાર્યકાળ બે વર્ષનો રહેશે. કેન્દ્ર સરકારે મંગળવારે જયસ્વાલને સીબીઆઈના નવા વડા તરીકે નિયુક્ત કરાયા હોવાની જાહેરાત કરી હતી. જયસ્વાલ 1985 બેચના ઈન્ડિયન પોલીસ સર્વિસ (આઈપીએસ) અધિકારી છે અને તેઓ અગાઉ મહારાષ્ટ્રમાં ડારેક્ટર જનરલ પદે પણ રહ્યા હતા. સીબીઆઈ ડાયરેક્ટર બન્યા તે અગાઉ તેઓ કેન્દ્રીય ઔદ્યોગિક સુરક્ષા દળ (સીઆઈએસએફ)ના ડાયરેક્ટર જનરલ હતા.
કેબિનેટ નિયુક્તિ સમિતિએ કરેલા ઓર્ડર મુજબ જયસ્વાલ સીબીઆઈની કમાન સંભાળશે. અગાઉ ઋષિ કુમાર શુક્લાનો કાર્યકાળ ફેબ્રુઆના પ્રથમ સપ્તાહમાં પૂર્ણ થયા બાદ આ પદ ખાલી પડ્યું હતું. શુક્લાની નિવૃતિ બાદ એડિશનલ ડાયરેક્ટર પ્રવીણ સિન્હા વચગાળાના પ્રમુખ તરીકે સીબીઆઈના કેસો પર ધ્યાન આપી રહ્યા હતા.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં સોમવારે સીબીઆઈના નવા ડાયરેક્ટરની નિમણૂક માટે ઉચ્ચ સ્તરીય કમિટીએ સીઆઈએસએફના ડાયરેક્ટર જનરલ સુબોધ કુમાર જયસ્વાલ, એસએસબીના ડાયરેક્ટર જનરલ રાજેશ ચંદ્રા તેમજ કેન્દ્રીય ગૃહ મંત્રાલયમાં વિશેષ સચિવ વી એસ કે કૌમુદીના નામની યાદી તૈયાર કરી હતી. આ બેઠકમાં વડાપ્રધાન ઉપરાંત લોકસભામાં કોંગ્રેસના નેતા અધીર રંજન ચૌધરી અને ભારતના ચીફ જસ્ટિસ એન વી રમન્ના પણ હાજર હતા. આ બેઠક વડાપ્રધાન નિવાસે યોજાઈ હતી.
દર્દીઓ બહાર ફર્યે રાખે છે અને બીજા લોકોને સંક્રમિત કરે છે, કોરોના આવતો નથી
કોરોનાના એસિમ્ટમેટીક (લક્ષણો નહીં ધરાવતા) દર્દીઓ કોરોના ટેસ્ટમાં પોઝીટીવ આવ્યા પછી પણ હોમ આઇસોલેટ થવાને બદલે ફરી રહ્યા છે, લોકોને મળી રહ્યા છે, અને તેના કારણે તેમના સંપર્કમાં આવતા લોકો પણ કોરોનાનો ભોગ બની રહ્યા છે. સમગ્ર ભારતમાં આ પ્રકારે કોરોનાના લક્ષણો નહીં ધરાવતા દર્દીઓ ભારે ઉપદ્રવી બન્યા છે. મહારાષ્ટ્ર રાજ્યએ આ સમસ્યાના નિરાકરણ સ્વરૂપે આજરોજ તા.25મી મે 2021ના રોજ મહારાષ્ટ્રમાં કોરોના દર્દીઓના હોમ આઇસોલેશન પર પ્રતિબંધ મૂકી દીધો છે. હવે મહારાષ્ટ્રમાં કોઇપણ વ્યક્તિને કોરોના પોઝીટીવ નિદાન થાય એટલે તેમણે ઇન્સ્ટીટ્યુશનલ કોરન્ટાઇન સેન્ટરમાં ફરજિયાત પણે દાખલ થવું જ પડશે.
મહારાષ્ટ્રના આરોગ્ય પ્રધાન રાજેશ ટોપેએ જણાવ્યું કે, રાજ્યના ઘણા જિલ્લામાં કોરોનોના કેસમાં ઘટાડો નથી આવી રહ્યો. જાણવા મળ્યું છે કે, હોમ આઈસોલેશનમાં રહેવા દરમિયાન કોરોના પોઝીટીવ લોકો ઘરમાં રહેવાને બદલે બહાર ફરતા હોય છે. આવા દર્દીઓથી બીજા લોકો પણ કોરોના સંક્રમિત થાય છે. આ ઘટનાઓને જોતા મહારાષ્ટ્ર રાજ્ય સરકારે આ નિર્ણય લીધો છે. જેથી આ જગ્યાઓ પર હોમ આઈસોલેશનને સંપૂર્ણ રીતે બંધ કરી કરી દેવાશે. હવે અહીંના કોરોના દર્દીઓને કોવિડ સેન્ટરમં જવું પડશે. હવે, રાજ્યમાં બધા નવા કોરોના દર્દીઓને હોમ આઈસોલેશનને બદલે કોવિડ સેન્ટરમાં રહેવું પડશે. ટોપેએ જણાવ્યું કે, રાજ્યનો રિકવરી રેટ ઝડપથી વધી રહ્યો છે. આશા વર્કર્સને કોરોના ટેસ્ટિંગની ટ્રેનિંગ અપાશે.
મહારાષ્ટ્રમાં હજુ પણ ઘણા જિલ્લા એવા છે, જે કોરોના મહામારીના કારણે રેડ ઝોનમાં છે. અહીં હજુ પણ સતત કોરોનાનો ખતરો જળવાયેલો છે. આ જિલ્લામાં પોઝિટિવિટી રેટ 10 ટકાથી પણ વધુ છે. તેમાં કોલ્હાપુર, સાંગલી, સાતારા, યવતમાલ, અમરાવતી, રત્નાગિરી, સિંધુદુર્ગ, સોલાપુર, અકોલા, બુલઢાણા, વાશિમ, ગડચિરોલી, અહમદનગર અને ઉસ્માનાબાદ જેવા જિલ્લા સામેલ છે.
મહારાષ્ટ્રના આરોગ્ય મંત્રી રાજેશ ટોપેએ જણાવ્યું છે કે, રાજ્યના 18 જિલ્લામાં કોરોના મહામારીના દર્દીઓનો પોઝિટિવિટ રેટ હજુ પણ ઘણો વધારે છે.
ગુજરાતમાં તાજેતરમાં આવેલા તૌકતે વાવાઝોડાની વિદાય બાદ વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. હજી વાવાઝોડાની નુકસાનીનો સરવે ચાલી રહ્યો છે. ત્યાં હવામાન વિભાગે ફરીવાર કમોસમી વરસાદની આગાહી કરી છે. 27થી 28 ની વચ્ચે હળવાથી ભારે વરસાદ વલસાડ, નવસારી, દમણ, દાદરા નગર હવેલીમાં વરસશે. જ્યારે ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર-કચ્છ,’ દીવમાં સુકુ વાતાવરણ રહેશે. તે ઉપરાંત નાઉકાસ્ટ તરફથી પણ અમદાવાદ અને સુરેન્દ્રનગરમાં વાવાઝોડા સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે.
હવામાન વિભાગે જણાવ્યા અનુસાર હાલમાં દક્ષિણ-પશ્ચિમ દિશાનો પવન નીચલા સ્તર પર ફૂંકાઈ રહ્યો છે. તેના કારણે ભેજનું પ્રમાણ સવારે 73 ટકા અને સાંજે 49 ટકા જેટલું ઉંચું રહે છે. હવામાન ખાતાની આગાહી મુજબ અમદાવાદમાં વાદળછાયું વાતાવરણ રહેશે. મહત્તમ તાપમાન 38 ડિગ્રી રહેશે. મહત્તમ તાપમાનમાં આગામી 24 કલાક સુધી કોઈ ફેરફાર થશે નહીં. ત્યારબાદ 2થી 3 ડિગ્રી સુધી તાપમાન વધશે. ભેજયુક્ત પવનના કારણે સ્થિતિ એવી બની છે કે લોકો પરસેવે રેબઝેબ થઇ રહ્યા છે. આવી ગરમી, બફારો અને પરસેવો વળવાની ઘટના ચોમાસામાં” બનતી હોય છે. કેમકે ત્યારે ગરમી ખાસ્સી ઘટી ગઈ હોય છે. હજુ તો વૈશાખ માસ ચાલી રહ્યો છે અને આકરાં તાપ પડવા જોઈએ તેના બદલે ગરમી ઘટી ગઈ છે.
બંગાળની ખાડીમાં સર્જાયેલું ચક્રવાતી વાવાઝોડું ‘યાસ’ 1ર કલાકમાં વિકરાળ બની તા.ર6મી મેના રોજ ઓડિશા અને પશ્ચિમ બંગાળના કિનારા પર ત્રાટકશે અને વાવાઝોડું પસાર થતી વખતે 1પપ-16પ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે તેવી ચેતવણી હવામાન વિભાગે આપી છે.
વાવાઝોડાના ખતરાને પગલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે સવારે રાજ્યો, કેન્દ્રિય મંત્રાલયો-એજન્સીઓની તૈયારીઓની સમીક્ષા બેઠક યોજી રાહત-બચાવ, કિનારાના વિસ્તારોમાંથી ઝડપી સ્થળાંતર અંગે નિર્દેશ આપ્યા હતા. સંભવિત ખતરાને ધ્યાને લઈ નેવી અને એનડીઆરએફની કુલ 46 ટીમ તૈનાત કરાઈ છે. રાહત બચાવ કામગીરી માટે નેવીના જહાજ, હેલિકોપ્ટર મોકલવામાં આવ્યા છે. અન્ય પ જહાજ અને 13 ટીમને સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે.
1ર કલાકમાં તે ડિપ્રેશનમાં કેન્દ્રિત થઈ વિકરાળ વાવાઝોડુ બની ઉત્તર, ઉત્તર પશ્ચિમ તરફ આગળ વધે તેવી સંભાવના છે. વાવાઝોડાને પગલે ઓડિશા, પ.બંગાળ, ઝારખંડ, સિક્કિમમાં તા.રપ અને ર6 મે દરમિયાન ઝડપી પવન સાથે ભારે વરસાદ પડી શકે છે. હવામાન વિભાગે માછીમારોને દરિયો ન ખેડવા ચેતવણી આપી છે.
મુખ્યમંત્રી વિજય રૂપાણીના અધ્યક્ષસ્થાને મળેલી કોર કમિટીની બેઠકમાં વાવાઝોડાને પરિણામે મકાનો, ઝુપડાઓ વગેરેને થયેલા નુકસાનની સહાય ચૂકવવાનો મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે.
તૌકતે વાવાઝોડાને કારણે સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં ભારે નુકસાન થયું છે. ખેડૂતોના પાક, વૃક્ષો અને કાચા-પાકા મકાનો પણ તૂટી ગયા છે.
આ બેઠકમાં બાદ મુખ્યમંત્રીએ કહ્યું કે વાવાઝોડાના પરિણામે નુકસાન-નાશ પામેલા કાચા-પાકા મકાનો, ઝૂંપડાઓ, અંશત: નુકસાન પામેલા કાચા મકાનો વગેરે અંગેનો સર્વે અસરગ્રસ્ત વિસ્તારોમાં જિલ્લા તંત્રો દ્વારા હાથ ધરવામાં આવી રહ્યો છે. વાવાઝોડાને પરિણામે રાજ્યમાં સંપૂર્ણ નાશ પામેલા મકાનો માટે 95100 રૂપિયાની સહાય રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવશે તેવું નક્કી કરવામાં આવ્યું.
શહેરી વિકાસ તેમજ પંચાયત અને ગ્રામ વિકાસ વિભાગ દ્વારા અસરગ્રસ્ત વિસ્તારોમાં આવા સર્વે માટે અન્ય જિલ્લાઓમાંથી વધારાનો મેન પાવર બોલાવીને સર્વેની કામગીરી વેગવાન બનાવવા માં આવી છે. નુકસાન અંગે નુકસાન સહાયના ધોરણો મુખ્યમંત્રીએ જાહેર કર્યા છે
વાવાઝોડાને પરિણામે રાજ્યમાં સંપૂર્ણ નાશ પામેલા મકાનો માટે 95,100ની સહાય રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવશે.
– અંશત: નુકસાન પામેલા કાચા- પાકા મકાનો એટલે કે છાપરા- નળીયા ઉડી ગયા હોય, કોઇ દિવાલ ધારાશાયી થઈ ગઈ હોય તેવા મકાનો માટે 25,000ની સહાય અપાશે
– આ વાવાઝોડાને પરિણામે જે ઝૂંપડાઓ નાશ પામ્યા છે તે ઝૂંપડાઓ માટે 10,000ની સહાય
-તેમજ પશુ રાખવાની જગ્યા ગમાણ- વાડાને થયેલા નુકસાન માટે 5000 રૂપિયાની સહાય રાજ્ય સરકાર આપશે
ગુજરાતમાં વાવઝોડાથી થયેલા વ્યાપક નુકસાનને પગલે ગુજરાતની મુલાકાતે આવી પહોંચેલા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધા બાદ અમદાવાદ ખાતે મુખ્ય પ્રધાન સાથે સમીક્ષા બેઠક યોજીને કેન્દ્ર સરકાર તરફથી તત્કાળ રાહત કામગીરી માટે રૂપિયા એક હજાર કરોડની સહાય આપવાની જાહેરાત કરી હતી. આ ઉપરાંત રાજ્યમાં કોવિડ-૧૯ અંગે પણ સારવાર અને અન્ય વ્યવસ્થાઓની જાણકારી પણ તેમણે મેળવી હતી. વડા પ્રધાને ગુજરાતના લોકોને સંપૂર્ણ સાથસહકારની ખાતરી પણ આપી હતી.
તેમણે કહ્યું હતું કે, કેન્દ્ર સરકાર રાજ્યમાં કેટલી હદે નુકસાન થયું છે એનું મૂલ્યાંકન કરવા આંતર-મંત્રીમંડળીય ટીમને રાજ્યની મુલાકાત લેવા મોકલશે તેમ જ કેન્દ્ર સરકાર અસરગ્રસ્ત રાજ્યોમાં માળખાગત સુવિધાઓની પુન:સ્થાપના અને એનું પુન:નિર્માણ કરવા માટે તમામ મદદ કરશે. રાજયો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં ચક્રવાતમાં મૃત્યુ પામેલા લોકોના પરિવારજનોને રૂપિયા બે લાખ અને ઇજાગ્રસ્ત લોકોને રૂપિયા ૫૦,૦૦૦ની સહાય આપવાની પણ જાહેરાત તેમણે કરી હતી.
વડા પ્રધાન મોદીએ બુધવારે ચક્રવાત તૌકેતથી ઊભી થયેલી સ્થિતિની સમીક્ષા કરવા ગુજરાતની મુલાકાત લીધી હતી. ઉના (ગીર સોમનાથ), જાફરાબાદ (અમરેલી), મહુવા (ભાવનગર) અને દીવમાં ચક્રવાતથી અસર પામેલા વિસ્તારોનો હવાઈ સર્વે કર્યો હતો.
વડા પ્રધાને મુલાકાત દરમિયાન કોવિડ મહામારી સાથે સંબંધિત સ્થિતિની પણ સમીક્ષા કરી હતી. રાજ્ય સરકારના વહીવટીતંત્રએ મહામારી સામે લડવા માટે હાથ ધરવામાં આવેલા પગલાં વિશે જાણકારી આપી હતી અને વડા પ્રધાને મહામારીનું નિવારણ કરવા માટે પગલાં લેવામાં આવે એ સુનિશ્ર્ચિત કરવા પર ભાર મૂક્યો હતો.
નરેન્દ્ર મોદીએ ભારતના વિવિધ વિસ્તારોમાં ચક્રવાતને કારણે અસર પામેલા તમામ લોકોની સાથે હોવાની લાગણી વ્યક્ત કરી હતી તથા આ આપત્તિ દરમિયાન પોતાના સગાંસંબંધીઓ ગુમાવનાર લોકો પ્રત્યે દુ:ખ અને શોકની લાગણી વ્યક્ત કરી હતી.
તેમણે કેરળ, કર્ણાટક, ગોવા, મહારાષ્ટ્ર, ગુજરાત, રાજસ્થાન રાજ્યો તથા દીવ અને દમણ તથા દાદરા નગર હવેલી કેન્દ્રશાસિત પ્રદેશોમાં ચક્રવાતમાં મૃત્યુ પામેલા લોકોના પરિવારજનોને રૂપિયા બે લાખ અને ઇજાગ્રસ્ત લોકોને રૂ. ૫૦,૦૦૦ની સહાય આપવાની જાહેરાત કરતા જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકાર ચક્રવાત પછી ઊભી થયેલી સ્થિતિમાં અસરગ્રસ્ત રાજ્યોની સરકારો સાથે સંકલન સ્થાપિત કરીને કામ કરી રહી છે. આ રાજ્યો માટે તાત્કાલિક નાણાકીય સહાય આપવામાં આવશે, જે માટે સંબંધિત રાજ્ય સરકારોએ કેન્દ્ર સરકાર સમક્ષ તેમની આકારણી રજૂ કરવી પડશે, જેના આધારે નાણાકીય સહાયનો નિર્ણય લેવામાં આવશે.
તેમણે નુકસાન થયેલા ઘરો અને અસરગ્રસ્ત વિસ્તારોમાં મિલકતોનું સમારકામ કરવાની પણ અપીલ કરી હતી.
17/5/21 ને સોમવારે મુંબઈ સહિત પરાના વિસ્તારમાં ભારે વરસાદ અને પવન ફૂંકાવવાને કારણે ઠેરઠેર પાણી ભરાઈ જવાના બનાવ બન્યા હતા, જ્યારે અમુક જગ્યાએ ટ્રેક પર વૃક્ષો ધરાશાયી થવાની સાથે પાણી ભરાઈ જવાને કારણે ટ્રેનસેવાને પણ રોકી દેવાની નોબત આવી હતી. આ ઉપરાંત, તોફાની પવનને કારણે ઍરપોર્ટ ખાતે ફ્લાઈટ્ સેવાને પણ સ્થગિત કરવામાં આવી હતી.
વાવાઝોડાને કારણે ભારે પવન ફૂંકાવવાને કારણે બૃહન્દ મુંબઈ મહાનગરપાલિકાએ બાંદ્રા-વરલી સી લિંકને બંધ રાખવાની જાહેરાત કરી હતી તથા તેના સ્થાને કારચાલકોને વૈકલ્પિક રસ્તે ટ્રાવેલ કરવાનો અનુરોધ કર્યો હતો. મોડી રાતેથી મુંબઈ સહિત પરાંના વિસ્તારમાં ઠેરઠેર વરસાદ પડવાથી પાણી ભરાઈ જવાની સ્થિતિ ઊભી થઈ હતી, જ્યારે સવારે સૌથી પહેલા મધ્ય રેલવેમાં ઘાટકોપર અને વિક્રોલી સ્ટેશનની વચ્ચે રેલવે ટ્રેક પર વૃક્ષની શાખા ધરાશાયી થવાથી ટ્રેનસેવાને રોકી દેવામાં આવી હતી. ટ્રેક પરથી વૃક્ષની શાખાઓને હટાવી લેવામાં આવ્યા પછી ટ્રેનસેવા લગભગ અગિયાર વાગ્યાના સુમારે ચાલુ કરવામાં આવી હતી, એમ મધ્ય રેલવેના મુખ્ય જનસંપર્ક અધિકારી શિવાજી સુતારે જણાવ્યું હતું. આ ઉપરાંત, સીએસએમટી કોરિડોરમાં ભારે પવનને કારણે જીઆરપીની પોલીસ ચોકી નજીક એક્રેલીકની શીટ્સ તૂટી પડી હતી, પરંતુ તેમાં કોઈને જાનહાનિ થઈ નહોતી. આ ઉપરાંત, મેઈન લાઈન સિવાય હાર્બર લાઈનમાં ચુનાભટ્ટી અને ગુરુ તેગ બહાદુર વચ્ચે પણ બેનર તૂટી પડવાથી ઓવરહેડ
ઈલેક્ટ્રિક વાયરને અસર થઈ હતી, પરિમઆમે તાત્કાલિક ટ્રેનસેવાને રોકી દેવામાં આવી હતી. સવારના ૧૧.૪૫ વાગ્યા પછી હાર્બર લાઈનમાં ટ્રેનસેવાને ચાલુ કરવામાં આવી હતી, પરંતુ દિવસભર લોકલ ટ્રેનો ૨૦થી ૩૦ મિનિટ સુધી મોડી દોડતી રહી હતી, પરિણામે અત્યંત આવશ્યક સેવાની શ્રેણી હેઠળના પ્રવાસીઓને ટ્રેનમાં પ્રવાસ કરવામાં હાલાકી પડી હતી, એમ સૂત્રોએ જણાવ્યું હતું.
ભારે વરસાદને કારણે મસ્જિદ સ્ટેશન નજીક પાણી ભરાઈ જવાને કારણે મધ્ય રેલવેમાં સીએસએમટી-વડાલા વચ્ચેની હાર્બર લાઈનની ટ્રેનસેવાને સ્થગિત કરવામાં આવી હતી. રેલવે ટ્રેક પર પાણી ભરાઈ જવાને કારણે બપોરના ૧.૨૦ વાગ્યાથી ટ્રેનસેવાને સસ્પેન્ડ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો, પરંતુ ટ્રાન્સહાર્બર તથા વડાલા-પનવેલ વચ્ચે ટ્રેનસેવાને ચાલુ રાખવામાં આવી હતી, એમ અધિકારીએ જણાવ્યું હતું.
બપોરના સમયગાળા દરમિયાન ડોંબિવલી ખાતે પણ રેલવે ટ્રેક પર ઓવરહેડ વાયરમાં સ્પાર્ક થવાનો કિસ્સો બન્યો હતો, પરિણામે વૃક્ષ બળીને ખાખ થઈ ગયું હતું. આમ છતાં તેને કારણે ટ્રેનસેવા પર અસર થઈ નહોતી. આ ઉપરાંત, ભારે વરસાદને કારણે સવારથી પશ્ર્ચિમ રેલવેમાં પણ ટ્રેનોને મર્યાદિત સ્પીડમાં દોડાવવામાં આવતી હતી, જ્યારે દહીંસર રેલવે સ્ટેશન નજીક એફઓબી ખાતે એક પ્લાસ્ટિકની ફાઈબર શીટ રેલવે ટ્રેક પર પડવાથી ટ્રેનસેવા પર અસર પડી હતી, જ્યારે બીજો બનાવ વિરારમાં ફાઈબરની શીટ ઓવરહેડ વાયર પર પડવાથી લોકલ ટ્રેનસેવા પર અસર પડી હતી, પરંતુ ઈમર્જન્સી બ્લોક લીધા પછી બપોર પછી ટ્રેનસેવા રાબેતા મુજબ ચાલુ રહી હતી. ચોમાસા પૂર્વે પાલિકા સહિત મુંબઈ રેલવેએ પણ તૈયારી ચાલુ કરી છે, પરંતુ નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા, જ્યારે સાયન-કુર્લામાં રેલવે ટ્રેક પર પાણી ભરાતા ટ્રેનોને મર્યાદિત સ્પીડમાં દોડાવાઈ હતી. મુંબઈમાં હિન્દમાતા સહિત અંધેરી સબવે સહિત મલાડ સબવેની નીચે પાણી ભરાઈ ગયા પછી પાલિકા અને પોલીસ પ્રશાસન દ્વારા સમગ્ર વિસ્તારને કોર્ડન કરવામાં આવ્યો હતો તથા ત્યાંથી લોકોને અવરજવર કરવામાં પ્રતિબંધ મુકવામાં આવ્યો હતો. ભારે વરસાદ અને પવન ફૂંકાવવાને કારણે મુંબઈમાં સવારે લગભગ ૩૪ જગ્યાએ વૃક્ષો ધરાશાયી થવાના બનાવ બન્યા હતા, પરંતુ તેમાં કોઈ જગ્યાએ જાનહાનિના બનાવ બન્યા નહોતા. પાલિકાના ડિઝાસ્ટર મૅનેજમેન્ટ દ્વારા તકેદારીના ભાગરૂપે વિશેષ સ્ટાફને તહેનાત પણ કરવામાં આવ્યો હતો, એવું પાલિકાના અધિકારીએ જણાવ્યું હતું.
—
મોનો રેલની સર્વિસ સ્થગિત
ભારે વરસાદ અને પવન ફૂંકાવવાને કારણે મોનોરેલની દિવસભરની ટ્રેનસેવા સુરક્ષાના કારણસર બંધ કરવામાં આવી હતી. પ્રવાસીઓની સુરક્ષાના ધ્યાનમાં રાખીને તકેદારીના ભાગરૂપે નિર્ણય લેવામાં આવ્યો હતો, એમ એમએમઆરડીએ (મુંબઈ મેટ્રોપોલિટન રિજન ડેવલપમેન્ટ ઓથોરિટી)ના વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું.
મુંબઈ ઍરપોર્ટ બંધ
ચક્રવાતને કારણે મુંબઈમાં ભારે વરસાદ અને પવન ફૂંકાવવાને કારણે શહેરમાં છત્રપતિ શિવાજી મહારાજ ઈન્ટરનેશનલ ઍરપોર્ટ (સીએસએમઆઈએ)ને રાતના આઠ વાગ્યા સુધી બંધ રાખવાનો નિર્ણય લીધો હતો. પહેલા સવારના અગિયાર વાગ્યાથી બે વાગ્યા સુધી ફ્લાઈટ્સ સેવાને બંધ રાખવાનો નિર્ણય લીધો હતો, ત્યારબાદ બપોરના ચાર વાગ્યા પછી છ વાગ્યા પછી આઠ વાગ્યા સુધી એરપોર્ટ બંધ રાખવાનો નિર્ણય લીધો હતો. એરપોર્ટ પરની ફ્લાઈટ સેવાને બંધ રાખવાને કારણે અન્ય રાજ્યની ફ્લાઈટને ડાઈવર્ટ પણ કરવામાં આવી હતી. સ્પાઈસ જેટની ફ્લાઈટને સુરત, ઈન્ડિગોની ફ્લાઈટને લખનઊ પરત મોકલવામાં આવી હતી, જ્યારે ઈન્ડિગોની ફ્લાઈટને હૈદરાબાદ ખાતે ડાઈવર્ટ કરી હતી. કોરોનાના નિયંત્રણ માટે સરકારે લોકડાઉન જાહેર કરવામાં આવ્યા પછી પણ પ્રવાસીઓની ઓછી ડિમાન્ડને કારણે રોજના ૨૫૦થી વધુ ફ્લાઈટ્સની અવરજવર રહે છે.
ભારતની પશ્ચિમ દરિયાઈ પટ્ટી પરથી ગુજરાત તરફ આવી રહેલું તૌકતે વાવાઝોડું મહારાષ્ટ્રના અલગ-અલગ ભાગો અને મુંબઈમાં પોતાનું રૌદ્ર સ્વરુપ દર્શાવી રહ્યું છે. વાવાઝોડાના કારણે મુંબઈમાં ભારે પવન ફૂંકાવાની સાથે વરસાદ થઈ રહ્યો છે. મુંબઈમાં બે લોકોના મોત થયા હોવાનું સામે આવી રહ્યું છે. અગાઉ રાજ્ય સરકાર દ્વારા વાવાઝોડાની સામે કોઈ મુશ્કેલ કે જાનહાની ના થાય તે માટે કેટલાક મહત્વના પગલા ભરવામાં આવ્યા હતા. મુંબઈમાં ઘણાં પરા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે, અને ઝાડ તૂટી પડવાની ઘટનાઓ સામે આવી રહી છે. ઘાટકોપર અને વિક્રોલી વચ્ચે ઓવરહેડ વાયર પર ઝાડ પડવાના કારણે રેલવે વ્યવહાર અટકાવી દેવો પડ્યો છે. આ સિવાય એરપોર્ટ પણ 4 વાગ્યા સુધી બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
@ 2.30pm, 17/5 : દીવથી 162 km દૂર , લેન્ડફોલ વખતે 185 Kmphની ઝડપે પવન ફુંકાશે
છેલ્લા છ કલાકથી 15 કિમી પ્રતિ કલાકની ઝડપે આગળ વધી રહ્યું છે વાવાઝોડું, કેટલાક બંદરો પર 10 નંબરનું ભયસૂચક સિગ્નલ લગાવવામાં આવ્યું છે. તૌઉ’તેનું ગુજરાત પર લેન્ડફોલ થવામાં હવે ગણતરીના કલાકો બાકી રહ્યા છે, ત્યારે જુનાગઢ, ગીર સોમનાથ અને અમરેલીના બંદર પર 10 નંબરનું ભયસૂચક સિગ્નલ લગાવાયું છે. 25 વર્ષ બાદ પહેલીવાર ગુજરાતના દરિયાકાંઠે આ સિગ્નલ લગાવવામાં આવ્યું હોવાથી લોકોમાં પણ ડરનો માહોલ ફેલાયો છે.
વાવાઝોડાંની સૌથી વધુ અસર દક્ષિણ અમદાવાદ, અમરેલી, આણંદ, કચ્છ, ભરુચ, ભાવનગર, દેવભૂમિ દ્વારકા, ગીર સોમનાથ, જામનગર, જુનાગઢ, રાજકોટ, મોરબી, નવસારી, પોરબંદર, સુરત, વલસાડ અને બોટાદમાં દેખાય તેવી શક્યતા છે. આ તમામ 17 જિલ્લામાં સરકારે જોખમી વિસ્તારોમાં રહેતા લોકોને સલામત સ્થળે ખસેડવાની કવાયત શરુ કરી છે. આ ઉપરાંત, માછીમારોને પણ દરિયો ના ખેડવાની સૂચના આપવામાં આવી છે.
એક્સટ્રમલી સિવિયર વાવાઝોડું હવે સ્ટ્રોમમાં પરિવર્તિત થયું છે. તૌઉ’તે વાવાઝોડાની (cyclone) ગતિ હવે વધી રહી છે.
At 1pm 17/5 : અત્યંત તીવ્રતાથી ત્રાટકે તેવી સંભાવના
THE EXTREMELY SEVERE CYCLONIC STORM ‘TAUKTAE’ LAY CENTRED AT 1030 HRS IST OF TODAY NEAR LAT.19.1°N AND LONG. 71.5°E ABOUT 190 SOUTHEAST OF DIU.LIKELY TO MOVE NNW-WARDS AND CROSS GUJARAT COAST BETWEEN PORBANDAR & MAHUVA (BHAHVNAGAR DISTRICT) EAST OF DIU DURING THE NIGHT OF TODAY. pic.twitter.com/dFmudJI268
— India Meteorological Department (@Indiametdept) May 17, 2021
44 teams of NDRF along with SDRF, police and fire brigade teams have been deployed in coastal districts of #Gujarat likely to be hit by the severe cyclonic storm Tauktae today i.e. 17/5/21
ભારતના હવામાન વિભાગે ગુજરાત અને દીવને રેડ એલર્ટ જાહેર કર્યું છે. વાવઝોડું દીવથી 240 કિલોમીટર અને વેરાવળથી 280 કિલોમીટર દૂર છે. જો કે, હાલ આ વાવાઝોડું 20 કિમી પ્રતિકલાકની ઝડપે આગળ વધી રહ્યું હોવાનું જાણવા મળ્યું છે. વાવાઝોડાને પગલે જામનગરમાં 8 નંબર જ્યારે વેરાવળમાં 10 નંબરનું સિગ્નલ આપવામાં આવ્યું છે.
તૌઉ’તે વાવાઝોડું વેરાવળથી 280 કિમી, દીવથી 240 કિમી દૂર
20 કિમી પ્રતિકલાકની ઝડપે આગળ વધી રહ્યું છે તૌઉ’તે વાવાઝોડું
દ્વારકા સહિતના વિસ્તારોમાં 108 એમ્બ્યુલન્સ તેમજ એસટી બસ સ્ટેન્ડ બાય પર છે
ગુજરાતના દરિયાકાંઠે પવનની ગતિ 150-160થી 175 પ્રતિ કલાક સુધી પહોંચી શકે
તા.17મી મે સવારે 10 કલાકે આ લખાઇ રહ્યું હતું ત્યારે અરબી સમુદ્રમાં તૌઉ’તે વાવાઝોડું ખૂબ જ ભીષણ ચક્રવાતી તોફાનમાં પરિવર્તિત થઇને ગુજરાતના દરિયા કિનારાના વિસ્તારો તરફ પ્રતિ કલાક 16 કિ.મી.ની ઝડપે આગળ વધી રહ્યું છે. ભારત હવામાન ખાતા (આઈએમડી) એ રવિવાર તા.16મી મેએ કરેલી આગાહી અનુસાર આજરોજ તા.17 મેની સાંજ સુધીમાં તૌઉ’તે ઉત્તર પશ્ચિમ તરફ ગુજરાતના દરિયાકાંઠે પહોંચે તેવી સંભાવના છે. 18મીએ બપોરે પોરબંદર અને મહુવા વચ્ચે ગુજરાતના દરિયાકાંઠાને પાર કરતું આગળ વધશે.
@ 10 am, 17/5/2021
હાલ ગુજરાત થી 280 કીમી દૂર તેમજ દીવ થી 240 કીમી દૂર છે. 👉 મુંબઈ થી 150 કીમી દૂર છે. 👉 ગુજરાતમાં આજે રાત્રે 08.00 થી 10.00 વાગ્યાની વચ્ચે પોરબંદર નજીક થી લેન્ડફોલ થશે. 👉 હાલ 20 કીમી પ્રતિકલાક ની ઝડપે આગળ વધી રહ્યુ છે. 👉 જામનગર 8 નંબરનુ સિગ્નલ આપવા આવ્યુ છે. 👉 વેરાવળમા 10 નંબરનુ સિગ્નલ આપવામા આવ્યું છે. 👉 ભારે થી અતિભારે વરસાદની આગાહી. 👉 એસ.ટી. ની 30 બસો 1 બસ મા 5 ડ્રાઇવર કંડકટર સાથે સજ્જ 👉 દરીયાકિનારાના અનેક લોકોને સ્થળાંતરની કામગીરી પુરજોશમાં ચાલુ. 👉 108 એમ્બ્યુલન્સ સંભવિત અસરકારક સ્થળો પર સ્ટેન્ડ બાય પર.
આઇએમડીએ દ્વારા ગુજરાત તથા દમણ અને દીવ માટે યલો એલર્ટ જારી કર્યું છે. આઇએમડીના ચક્રવાત ચેતવણી વિભાગ અનુસાર 18 મે સુધી પવનની ગતિ 150-160 કિમી પ્રતિ કલાકની ઝડપે વધવાની સંભાવના છે, જ્યારે પવનની ગતિ થોડો સમય માટે 175 કિમી પ્રતિ કલાકની ઝડપે પહોંચી શકે છે.
પૂર્વોત્તર અરબી સમુદ્ર અને ગુજરાત દરિયાકાંઠે (પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી) વિસ્તારોમાં પવનની ગતિ 150-160થી 175 કિમી પ્રતિકલાકની હોઈ શકે તથા 18 મેના રોજ બપોરે દેવભૂમિ દ્વારકા, જામનગર અને ભાવનગરમાં વાઈન્ડ સ્પીડ 120-150થી લઈને 165 કિમી પ્રતિકલાક સુધી પહોંચી શકે છે.
સુરત માટે ઇમરજન્સી હેલ્પલાઇન નંબર
17 મેની સાંજ સુધીમાં તે ઉત્તર પશ્ચિમ તરફ ગુજરાતના દરિયાકાંઠે પહોંચે તેવી સંભાવના છે. 18મીએ બપોરે પોરબંદર અને મહુવા વચ્ચે ગુજરાતના દરિયાકાંઠાને પાર કરતું આગળ વધશે
હવામાન વિભાગનાં આંકલન અનુસાર આ અતિભીષણ બનેલ તૌઉ’તે ચક્રવાત ગુજરાત તરફ આગળ વધ્યું છે અને આજરોજ તા.17મી મેની સાંજે ગુજરાતના કાંઠે ત્રાટકે અને 18મીની સવારે પોરબંદર અને મહુવાની વચ્ચેથી પસાર થવાની સંભાવના છે. જેને પગલે ગુજરાતનું આપદા પ્રબંધન સાવધાન બની ગયું છે. હવામાન વિભાગના અનુમાન અનુસાર 18મીએ આ ચક્રવાત ગુજરાત સાથે ટકરાશે. 1પ0-160 કિ.મી. પ્રતિકલાકની રફતારથી ધસમસતા આ વાવાઝોડાનાં કારણે રાજ્યમાં તેજ હવા અને ભારે વરસાદની સંભાવના છે. ભારતીય હવામાન વિભાગની આગાહી અનુસાર આજે રાતે આ વાવાઝોડાની અસરમાં સાબરકાંઠા, અરવલ્લી, નર્મદા, તાપી, સુરત, ભરુચ, ડાંગ અને દાહોદમાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે.
વાયુસેના સાથે એનડીઆરએફની ટીમો પણ તૈનાત કરી દેવામાં આવી છે. કેટલીક એરલાઇન્સ દ્વારા પોતાની ઉડાનો પ્રભાવિત થવાની વાત પણ કરવામાં આવી છે. હવાઈદળે 16 માલવાહક વિમાન અને 18 હેલિકોપ્ટરને તૈયાર રાખ્યા છે. વાયુસેનાનાં નિવેદન અનુસાર આઇએલ-76 વિમાને બઠિંડાથી 127 જવાન અને 11 ટન સામાન ગુજરાતમાં જામનગર પહોંચાડી દીધો છે. સી-130 વિમાન 2પ જવાન અને 12.3 ટન સામાન સાથે રાજકોટ અને સી-130 વિમાન 126 જવાન અને 14 ટન સામાન લઈને ભુવનેશ્વરથી જામનગર પહોંચાડી દેવામાં આવ્યા છે. એનડીઆરએફ દ્વારા આ વાવાઝોડાનાં કારણે ઉભી થયેલી આફતની સ્થિતિ વચ્ચે રાહતકામો માટે 79 ટીમને સ્ટેન્ડબાય રાખી છે. આ ઉપરાંત વધારાની 22 ટીમની વ્યવસ્થા પણ કરી રાખવામાં આવી છે. પૂણેથી એનડીઆરએફની પાંચ ટીમને એરલિફ્ટ કરીને ગુજરાત મોકલવામાં આવી છે.
Before This
દક્ષિણપૂર્વ અરબ સાગરમાં ઉઠેલા સમુદ્રી તોફાન તૌકતે વધુ વિકરાળ બન્યું છે. આ ભીષણ ચક્રવાત ગઇકાલ રવિવાર તા.16 મે એ ગોવા ઉપર કહેર બનીને ત્રાટક્યું હતું. તૌઉ’તે ટકરાતા ગોવામાં તોફાની પવન સાથે ભારે વરસાદ પડ્યો હતો અને સંખ્યાબંધ વૃક્ષો જમીનદોસ્ત થયા હતા.
કર્ણાટકનાં છ જિલ્લામાં પણ તોફાની વરસાદે હાહાકાર મચાવ્યો હતો અને 73 ગામડાઓ તેનાથી પ્રભાવિત થયાં છે. જેમાં અત્યાર સુધીમાં 4 લોકોનાં મૃત્યુ નીપજ્યાં હોવાનું જાણવા મળે છે.
એક 90 વર્ષ પરંપરા કે જે અપ્રતિમ છે નિષ્પક્ષ નિષ્પક્ષ દરરોજ, વહેલી તકે, એક ગતિશીલ સંપાદકીય ટીમ અને ડિસ્ટ્રીબ્યુટર અને બિઝનેસ એસોસિએટ્સનું એક શક્તિશાળી નેટવર્ક, દરરોજ નવ દાયકા જૂની પરંપરા આપે છે. એવી પરંપરા કે જે વિચારો, માહિતી અને સીધા પત્રકારત્વના એક વિશિષ્ટ સંશ્લેષણ છે. દરેક વાર્તામાં અપ્રતિમ અધિકૃતતા અને તટસ્થતાનો સમાવેશ થાય છે, વાચકોને સૌથી વધુ જાણકાર અને વિશ્લેષણાત્મક સમાચાર કવરેજ સાથે સમર્થન આપવું.