હવામાન વિભાગના અધિકારીએ જણાવ્યું હતું કે દક્ષિણ આંદામાન સમુદ્ર અને દક્ષિણપૂર્વ બંગાળની ખાડી પરનું લો પ્રેશર વિસ્તાર ઉત્તર-પશ્ચિમ દિશામાં આગળ વધે તેવી શક્યતા છે.
ભારતના હવામાન વિભાગ (IMD)xના ડાયરેક્ટર જનરલ મૃત્યુંજય મહાપાત્રાએ જણાવ્યું હતું કે નીચા દબાણનો વિસ્તાર ઉત્તર-પશ્ચિમ તરફ આગળ વધવાની સંભાવના છે, જેના પરિણામે પૂર્વ-મધ્ય બંગાળની ખાડી પર ચક્રવાતી તોફાન સર્જાશે. તેમણે કહ્યું કે તે 10 મેના રોજ દરિયાકાંઠે પહોંચવાની શક્યતા છે. મહાપાત્રાએ કહ્યું કે તે પહેલા ક્યાં આવશે તે અંગે હજુ સુધી કોઈ આગાહી કરવામાં આવી નથી.
મહાપાત્રાએ કહ્યું, ‘જ્યારે વાવાઝોડું દરિયાકિનારાની નજીક પહોંચે છે, ત્યારે અમે કહી શકીએ છીએ કે તે ક્યાં ટકરાશે. 9 મેથી દરિયાની સ્થિતિ બગડી શકે છે, તેથી માછીમારોએ દરિયો ન ખેડવો જોઈએ. અનુમાન અનુસાર ચક્રવાતી તોફાનની ઝડપ દરિયામાં 80-90 કિમી પ્રતિ કલાકની રહેશે. ચક્રવાતી વાવાઝોડાની સંભાવનાને ધ્યાનમાં રાખીને, હવામાન વિભાદે આગામી સપ્તાહે મંગળવારથી શુક્રવાર સુધી ગંગા નદી વિસ્તારમાં પડતા પશ્ચિમ બંગાળના જિલ્લાઓમાં વીજળી અને ભારે વરસાદની ચેતવણી આપી છે.
ઓડિશાના વિશેષ રાહત કમિશનર (SRC) પીકે જેનાએ જણાવ્યું હતું કે NDRFની 17 ટીમો, ODRAFની 20 ટીમો અને ફાયર વિભાગની 175 ટીમોને હાઈ એલર્ટ પર મૂકવામાં આવી છે. ફાયર સર્વિસના મહાનિર્દેશક એસ કે ઉપાધ્યાયે જણાવ્યું હતું કે ફાયર બ્રિગેડના તમામ કર્મચારીઓની રજાઓ રદ કરવામાં આવી છે.
અમેરિકન બજારોમાં ગઈકાલે Dt 5/5/22 આવેલા આંચકાની અસર આજે 6/5/22 ભારતીય Share બજારમાં જોવા મળી હતી જેમાં સેન્સેક્સ (BSE Sensex) માં 1000 પોઈન્ટ અને Nifty50 માં 310 પોઇન્ટનો ઘટાડો થયો હતો. આજે 6/5/22 બજાર ખૂલતા જ નિફ્ટી અને સેન્સેક્સમાં 1.5 ટકાથી મોટો ઘટાડો આવ્યો હતો. સૌથી વધારે નુકસાન મિડકેપ અને સ્મોલકેપ શેરોમાં જોવા મળ્યું હતું અને તેમાં 2.5 ટકા જેટલો ઘટાડો થયો હતો. આજે India VIX 4 ટકા વધીને 21.11 થયો હતો. એન્જલ વનના સમીત ચવાણે જણાવ્યું કે અમે હમણાં રોકાણ કરવાના બદલે સાઈડલાઈનમાં રહેશું અને બે-ત્રણ દિવસ સુધી સ્થિતિનો અભ્યાસ કરીશું.
At 11 am સેન્સેક્સ 54646 પર અને નિફ્ટી 16368 પર હતો. અમેરિકન બજારમાં ગઈકાલે 5/5/22, રાતે 3 ટકાનો કડાકો (US Market Crash) આવતા ભારતીય બજાર પણ ધ્રુજી ઉઠ્યું હતું.
વિશ્વભરની સેન્ટ્રલ બેન્કો વ્યાજના દર વધારી રહી છે તેથી દુનિયામાં ફુગાવાથી વિપરીત સ્થિતિ સ્ટેગફ્લેશન આવવાની બીક છે. વૃદ્ધિ નબળી હોવા છતાં ફુગાવાને અંકુશમાં રાખવા માટે રેટ વધારવામાં આવ્યા છે તેની બજાર પર માઠી અસર પડી છે.
ગુરુવારે Dt.5/5/22 બેન્ક ઓફ ઇંગ્લેન્ડે (Bank of England) ચેતવણી આપી હતી કે 2023માં યુકેના અર્થતંત્રમાં સંકોચન આવી શકે છે. ઇંગ્લેન્ડે 10 ટકાથી વધારે ફુગાવાની શક્યતા દર્શાવી છે.
એક દિવસ અગાઉ યુએસ ફેડે (US Fed) પોલિસી રેટમાં અડધા ટકાનો વધારો કર્યો હતો અને હજુ પણ રેટ વધારવામાં આવશે તેવા સંકેત આપ્યા હતા. છેલ્લા 22 વર્ષમાં યુએસમાં રેટમાં સૌથી મોટો વધારો થયો છે જ્યારે યુએસના GDPમાં 1.4 ટકાનો ઘટાડો થયો હતો. ભારતમાં પણ રિઝર્વ બેન્કે (RBI rate hike) પોલિસી રેટમાં 0.40 ટકાનો વધારો કર્યો છે અને કેશ રિઝર્વ રેશિયો પણ વધાર્યો છે.
બાબા કેદારનાથના કપાટ આજે તા.6 મે 2022થી સામાન્ય ભાવિકો માટે ખોલવામાં આવ્યા છે.
કોરોના કાળના બે વર્ષના વહાણા વાયા બાદ આ વર્ષે યાત્રાળુઓ માટે પહેલીવાર ચાર ધામની યાત્રાની મંજૂરી મળી છે તેથી આ વર્ષે બાબા કેદારનાથના દર્શને ભક્તોનો મહેરામણ ઊમટયો છે.
છેલ્લા અઠવાડિયાથી જ ભક્તો દેવાધિદેવના દર્શન માટે હિમાલયની તળેટીનાં સ્થળોમાં ઊમટી પડયા હોવાથી આ વર્ષે હૉટેલો, ધર્મશાળાઓ તેમ જ રહેવાનાં સ્થળોમાં જગ્યા ઓછી પડી રહી છે. દરમિયાન પરંપરા પ્રમાણે બાબા કેદારનાથની પંચમુખી સવારી આજે ગૌરી કુંડથી કેદારનાથ ધામ પહોંચી ગઇ હતી.
બે વર્ષ બાદ બાબા કેદારનાથના દર્શન માટે શ્રદ્ધાળુઓનો ઉત્સાહ એટલી હદે છે કે હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ પહોંચી જતાં કેદારનાથ ધામની આસપાસની વ્યવસ્થાઓ લગભગ પડી ભાંગી છે.
ગૌરી કુંડથી કેદારનાથ ધામ સુધીના 21 કિલોમીટરના પગપાળા રસ્તામાં ક્યાંય પગ મૂકવાની જગ્યા નથી એટલી હદે શ્રદ્ધાળુઓનો મહેરામણ ઊમટયો છે. કેદારનાથ ધામની આસપાસની હૉટેલો-ધર્મશાળાઓ અને આશ્રમોમાં ઉતારા માટે જગ્યા જ નથી.
હૉટેલોમાં લોકો એક રાત માટે 10-12 હજાર રૂપિયા આપવા તૈયાર છે પરંતુ જગ્યા જ નથી. કિંમત ચૂકવવા છતાં લોકો માટે તંબૂઓમાં જગ્યા ન હોવાથી હજારો લોકો કડકડતી ઠંડીમાં રાત ગુજારવા મજબૂર છે. ખાણી-પીણીની વસ્તુઓનો પુરવઠો પણ ખૂટી પડયો છે. આટલી ભીડને ધ્યાનમાં લઇને વાહનોને સોનપ્રયાગથી આગળ જવા દેવાતા નથી. માત્ર નાનાં વાહનોને સોનપ્રયાગથી ગૌરી કુંડ’ સુધીના પાંચ કિલોમીટર સુધી વારાફરતી જવા દેવામાં આવે છે.
છેલ્લાં બે વર્ષથી કોરોના મહામારીના પગલે ચાર ધામની યાત્રા બંધ હતી તેથી સ્થાનિક લોકોમાં ભારે ઉત્સાહ છે, સારા વ્યવસાયની આશા છે પરંતુ છેલ્લાં બે વર્ષમાં કુદરતી આફતોના કારણે સડકો તૂટી પડી છે તેના સમારકામ ક્યાંક ચાલી રહ્યા છે અને ક્યાંક તો શરૂ જ નથી થયા, ભેખડો, શીલાઓ ધસી પડવાની દુર્ઘટનાઓ થઇ હતી એવાં કેટલાંય સ્થળોએ પણ હજુ કામ થયાં નથી તેથી યાત્રાળુઓને પરેશાની વેઠવી પડે છે. સોનપ્રયાગ સુધી કેટલાંય સ્થળોએ આવાં કામ ચાલી રહ્યાં છે કે હજુ શરૂ જ થયા છે. ટૂંકમાં સડકો હજુ પૂરી રીતે સામાન્ય કે સુરક્ષિત નથી.
આ ઉપરાંત હાલમાં ઇંધણના ભાવ રોજ વધી રહ્યા છે તેથી ચાર ધામની યાત્રાનું ભાડું લગભગ ત્રીસ ટકા વધી ગયું છે. હરિદ્વારથી ચાર ધામની યાત્રાનાં ભાડાંમાં ત્રીસ ટકા વધારો થયાનું સ્થાનિક ટૂર અૉપરેટરોએ જણાવ્યું હતું. આ રીતે જ ટુકડે-ટુકડે જવાનાં ભાડાંમાં તો ભાડું લગભગ બે ગણું ચૂકવવું પડે છે. ખાસ તો રૂપિયા ચૂકવવા છતાંય વાહનોમાં જગ્યા જ નથી.
સમગ્ર ભારતમાં ચકચાર મચાવનાર સુરતના પાસોદરા વિસ્તારમાં ગઇ તા.12મી ફેબ્રુઆરી 2022ના રોજ ગ્રીષ્મા નામની યુવતિની હત્યાના કેસમાં આરોપી ફેનિલને સુરતની કોર્ટે આજે તા.5મી મે 2022ના રોજ ફાંસીની સજા આપતો હુકમ કર્યો છે.
આજે તા.5મી મેએ ગ્રીષ્મા હત્યા કેસમાં સજાનું એલાન થવાનું હોવાથી સુરતની કોર્ટમાં બંને પક્ષના વકીલો સાથે ગ્રીષ્માના પરિવારજનો હાજર હતા. મનુસ્મૃતિના શ્લોકથી ચુકાદાની શરૂઆત કરતા જજે કહ્યું હતું કે, દંડ દેવો સરળ નથી, પણ આ રેરેસ્ટ ઓફ રેર કેસ છે. ત્યાર બાદ ફાંસીની સજા ફટકારવામાં આવી છે.
સરકાર પક્ષના વકીલ નયન સુખડવાલાએ જણાવ્યું હતું કે કોર્ટે ફેનિલ ગોયાણીને સજા સંભળાવી છે. ફેનિલને મૃત્યુદંડની સજા કરી છે. બેને મારી નાખવાના પ્રયાસના કેસમાં પણ સજા ફટકારી છે. ભોગ બનનારને વળતર મળે એવી પણ પ્રક્રિયા કરી છે.
સજાનું એલાન થઇ ગયા બાદ કોર્ટ પરિસરમાં ગ્રીષ્માના પિતાએ પત્રકારો સમક્ષ પહેલી પ્રતિક્રિયા વ્યક્ત કરતા જણાવ્યું હતું કે ગ્રીષ્માને ન્યાય મળ્યો છે. અમારી તમામ માગણી પૂર્ણ થઈ છે. અમને ન્યાયપ્રક્રિયા પર સંપૂર્ણ વિશ્વાસ છે. પોલીસથી લઈને મદદ કરનારા તમામ નેતાઓનો આભાર.
કોલસાના રેકના પરિવહન માટે રેલવેએ અત્યાર સુધીમાં ઘણી ટ્રેનો રદ કરી છે. હવે ફરી એકવાર રેલવેએ 1100 ટ્રેનો રદ કરી છે. આ ટ્રેનોમાં મેલ એક્સપ્રેસ અને પેસેન્જર ટ્રેનોનો સમાવેશ થાય છે.
મે મહિનામાં કોલસાના કારણે વીજળીની કટોકટી વધવાની આશંકા છે, જેના કારણે કોલ રેક ટ્રેનો માટે પેસેન્જર ટ્રેનો રદ કરવામાં આવી રહી છે. 24 મે સુધી ઓછામાં ઓછી 1100 ટ્રેનો રદ રહેશે. જેમાં મેલ એક્સપ્રેસ ટ્રેનોની 500 ટ્રીપ્સ, જ્યારે પેસેન્જર ટ્રેનોની 580 ટ્રીપ્સનો સમાવેશ થાય છે. કહેવાય છે કે, આ ટ્રેનોને એટલા માટે રદ કરવામાં આવી છે જેથી થર્મલ પાવર પ્લાન્ટને સપ્લાય કરવામાં આવતી કોલસાથી ભરેલી માલગાડીઓને સરળતાથી રસ્તો આપી શકાય, જેથી કોલસો સમયસર પહોંચી શકે.
યુપી, રાજસ્થાન, આંધ્રપ્રદેશ, તમિલનાડુ સહિત ઘણા રાજ્યોમાં કોલસાની કટોકટીથી વીજળીની સમસ્યા સર્જાઈ હતી. આ પછી સરકારે ઘણી બેઠકો કરી. ઘણા રાજ્યોમાં પાવર કટ પણ કરવામાં આવ્યો હતો, જેના કારણે લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. અગાઉ કોલસાની કટોકટી અંગે કેન્દ્રીય મંત્રી પ્રહલાદ જોશીએ માહિતી આપી હતી કે, થર્મલ પાવર પ્લાન્ટ્સમાં 21 મિલિયન ટન કોલસાનો સ્ટોક છે, જે આવનારા કેટલાક દિવસો માટે પૂરતો છે. જ્યારે કોલ ઈન્ડિયા સહિત ભારત પાસે 80 દિવસનો સ્ટોક છે.
દુનિયા આખીના અર્થતંત્રો પર અસર કરનારા અને આંતર રાષ્ટ્રીય રાજકારણમાં ધરખમ ફેરફાર લાવનારા રશિયા-યુક્રેન યુધ્ધને 70 દિવસ જેટલો સમય પસાર થયો છે. આ યુધ્ધ આટલું લાંબુ ચાલશે તેની કોઇએ કલ્પના કરી ન હતી. રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમેર પુતિને આને મિલિટરી ઓપરેશન ગણાવ્યું હતું જેનો હેતુ યુક્રેનમાં સત્તા પરીવર્તનનો હતો પરંતુ તેમાં હજુ સુધી સફળતા મળી નથી.
અમેરિકા અને નાટો દેશોને યુક્રેનનું સમર્થન હોવાથી રશિયા માટે યુધ્ધ લોઢાના ચણા ચાવવા જેવું બની ગયું છે. ન્યૂકલિયર અને ત્રીજા વિશ્વયુધ્ધનું નિમિત બની શકે તેવું આ યુધ્ધ કયારે પુરું થશે તે કોઇ કહી શકે તેમ નથી. છેલ્લા કેટલાક સમયથી 9 મે એ સસ્પેન્સ ઉભું કર્યુ છે. 9 મી મે રશિયાના ઇતિહાસમાં મહત્વની તારીખ છે. 1945માં નાઝી જર્મની પર સાથી દળોની જીતની યાદમાં આ દિવસ ઉજવવામાં આવે છે. આ દિવસ અંગે બે અટકળો ચાલી રહી છે.
એક તો આ દિવસે રશિયા યુક્રેન પરની કાર્યવાહીનો અંત આણી શકે છે. બીજી એક માહિતી મુજબ રશિયા યુક્રેન પરની કાર્યવાહીને આ દિવસે પૂર્ણ કક્ષાના યુધ્ધમાં ફેરવી શકે છે. જો કે રશિયાની નેવી ફોર્સની એકટિવિટી વધી રહી છે અને બ્રિટનને પણ ધમકી મળી રહી છે.
ફિનલેન્ડ અને સ્વીડન નાટોમાં જોડાવા ઉત્સૂક છે એવા સંજોગોમાં યુક્રેન કાર્યવાહીનો નિષ્ણાતોને તાત્કાલિક કોઇ અંત જણાતો નથી. યુક્રેનના પ્રેસિડેન્ટ વોલોદિમેર ઝેંલેસ્કીએ અમેરિકા પાસે એફ -16 જેવા ઘાતક યુધ્ધ વિમાનોની માંગણી કરી છે તે જોતા યુક્રેન પણ યુધ્ધનો જલદી થાય તેમ માનતું નથી.યુ
ક્રેનના યુધ્ધ નિષ્ણાતોએ યુધ્ધ હજું કેટલું ચાલશે તેની જે આગાહી કરી છે તે ચોંકાવી નાખે તેવી છે. પ્રાપ્ત માહિતી અનુસાર યુક્રેનના સંરક્ષણ મંત્રાલયે દાવો કર્યો છે કે રશિયાનું આક્રમણ હજુ 4 મહિના સુધી ચાલવાનું છે. જેને સ્પેશિયલ મિલિટરી ઓપરેશન માને છે તેનો સપ્ટેમ્બર મહિના પહેલા અંત આવે તેમ જણાતું નથી. રશિયા હજુ મારિયુપોલ અને ડોનબાસના વિસ્તારોને પણ એક બીજાથી જોડવા ઇચ્છે છે. રશિયાની યુક્રેનમાં આ ખૂબજ લાંબા ગાળાની યોજના છે. આમ રશિયા અને યુક્રેન યુદ્ધનો પ્રશ્ન યુક્રેનવાસીઓ અને દુનિયાને હજુ પણ લાંબા સમય સુધી પજવતો રહેશે.
કેઆઇઆઇટી ડીમ્ડ ટુ બી યુનિવર્સિટી, ભુવનેશ્વરને 28 એપ્રિલ 2022 એ પ્રકાશિત થયેલ પ્રતિષ્ઠિત ટાઇમ્સ હાયર એજ્યુકેશન ઇમ્પેક્ટ રેંકિંગ 2022માં ‘અમસાનતાઓને ઓછી કરવાના’ સતત વિકાસ લક્ષ્ય (SDG)માં દુનિયાના વિશ્વવિદ્યાલયમાં 8મુ સ્થ।ન આપવામાં આવ્યુ છે.
વર્લ્ડ યુનિવર્સિટી રેંકિંગ સિવાય, ટાઇમ્સ હાયર એજ્યુકેશન દર વર્ષે વિવિધ માપદંડો પર સંસ્થાનો માટે કેટલાય અન્ય રેંકિંગ પ્રકાશિત કરે છે. તે પૈકીનું એક સૌથી મહત્વપૂર્ણ પ્રભાવિત શ્રેણીમાં રાખવાનું છે, જેમાં સંયુક્ત રાષ્ટ્ર (યૂએન) સતત વિકાસ લક્ષ્યો (એસડીજી)માં તેમના યોગદાન પર દુનિયાભરના હજારો વિશ્વવિદ્યાલયોનું મૂલ્યાંકન કરે છે. ટાઇમ્સ હાયર એજ્યુકેશન ઇમ્પેક્ટ રેંકિંગ ચાર વ્યાપક ક્ષેત્રો રિસર્ચ, મેનેજમેન્ટ, આઉટરીચ અને શિક્ષણમાં સ્થિરતા માટે તેમની પ્રતિબદ્ધતાનું આકલન કરે છે.
આ વર્ષના રેંકિંગમાં, કેઆઇઆઇટીને એસડીજીના જ એક મહત્વપૂર્ણ પેરામિટર – ‘અસમાનતાઓને ઓછી કરવા’માં તેના પ્રભાવ માટે દુનિયાભરમાં 8મુ સર્વશ્રેષ્ઠ સ્થાન આપવામાં આવ્યુ છે. અન્ય એસડીજીમાં 101-200ના પ્રભાવશાળી રેંક સાથે ગુણવત્તાયુક્ત શિક્ષણ, શાંતિ, ન્યાય અને પ્રબળ સંસ્થાન તેમજ લક્ષ્યો માટે સહભાગિતામાં કેઆઇઆઇટીએ રેંકિંગમાં કુલ 201-300નું સ્થાન હાંસલ કર્યુ છે. જેમાં 106 દેશના 1500થી વધુ વિશ્વવિદ્યાલય લીસ્ટેડ(સૂચિબદ્ધ) છે. યાદીમાં માત્ર કેટલાક જ ભારતીય સંસ્થાન સામેલ છે. અને KIIT ભારતના ટોચના આઠ વિશ્વવિદ્યાલયમાંનું એક છે.
ગુણવત્તાયુક્ત શિક્ષણ અને રિસર્ચની સાથે, કેઆઇઆઇટી તેની સ્થાપના બાદથી જ સામાજિક વિકાસના કાર્યોમાં વ્યાપક શ્રેણીમાં સક્રિય રીતે સામેલ રહ્યુ છે. કેઆઇઆઇટી ડીમ્ડ યુનિવર્સિટીના શૈક્ષણિક સમૂદાયનું માનવુ છે કે, ‘“કેઆઇઆઈટીએ અસમાનતાઓ ઓછી કરવાના ક્ષેત્રમાં મોટા પ્રમાણમાં કામ કર્યુ છે. પરિણામે, એસડીજીના આ પેરામિટરમાં તેને દુનિયાભરમાં 8મુ સ્થાન મળ્યુ છે.”
પોતાની ખુશી વ્યક્ત કરતા KIIT Universityના સંસ્થાપક ડૉ. અચ્યુતા સામંતે કહ્યુ કે, ‘અસમાનતાઓને ઓછી કરવા’ના પેરામિટરમાં દુનિયાના સૌથી પ્રભાવશાળી વિશ્વવિદ્યાલયોમાં કેઆઇઆઇટીની સ્થિતિ કેટલાય વર્ષોથી આ ક્ષેત્રમાં કરાયેલી મહત્વપૂર્ણ કામને ઉજાગર કરે છે. તેમણે કુલાધિપતિ, કુલપતિ પ્રો. સસ્મિતા સામંત, કેઆઇઆઇટીના ફેકલ્ટી કર્મચારી સભ્યો અને વિદ્યાર્થીઓને આ ઉપલબ્ધિ બદલ અભિનંદન પાઠવ્યા.
કેઆઇઆઇટી,ને પોતાના સમુદાય આધારિત વિશ્વવિદ્યાલય હોવા પર ગર્વ છે. સ્થાપના બાદથી જ તે શિક્ષણ, મહિલા સશક્તિકર, ગ્રામિણ વિકાસ, આદિવાસી ઉત્થાન, કલા સંસ્કૃતિ અને સાહિત્ય વગેરેના માધ્યમથી ગરીબી ઓછી કરવા જેવી સામાજિક પ્રાથમિકતાઓમાં બહોળા પ્રમાણમાં યોગદાન આપી રહ્યું છે. હકીકતમાં કેઆઇઆઇટી બધા 17 એસડીજી માટે પ્રતિબદ્ધ છે અને તેના શૈક્ષણિક અને સામાજિક કાર્યક્રમ સીધા વધુમાં વધુ લક્ષ્યો સુધી પહોંચે છે. ટાઇમ્સ હાયર એજ્યુકેશન ઇમ્પેક્ટ રેેંકિંગમાં કેઆઇઆઇટીની ઉચ્ચ રેંકિંગ તેની ઉચ્ચ સામાજિક જવાબદારી અને સતત વિકાસની દિશામાં પ્રભાવશાળી યોગદાનને દર્શાવે છે.
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડનું ધો.12 સાયન્સનું પરીણામ ચાલુ મે મહિનાના ત્રીજા સપ્તાહમાં જાહેર થઇ શકે તેવી શક્યતાઓ ગુજરાત બોર્ડના ઉચ્ચ અધિકારીએ વ્યક્ત કરી છે. ગુજરાત બોર્ડની ધો.12 વિજ્ઞાન પ્રવાહની ઉત્તરવહીઓની ચકાસણીનું કામ પૂર્ણ થઇ ચૂક્યું છે, હવે રિઝલ્ટ શીટ તૈયાર થશે અને એ પછી પરીણામની ડેટા એન્ટ્રીનું કામ હાથ ધરાશે.
ધો.12 સાયન્સનું પરીણામ જાહેર થયા બાદ જૂન ના બીજા સપ્તાહમાં ધો.10 અને ધો.12 સામાન્ય પ્રવાહના પરીણામો જાહેર થઇ શકે છે. બોર્ડનું પરિણામ જાહેર કરવા માટે પરીક્ષાઓ પછી એપ્રિલ મહિનાની 11 તારીખથી ધોરણ-10ની અને 13 એપ્રિલથી ધોરણ-12 સાયન્સ ઉત્તરવહી મૂલ્યાંકનની કામગીરી શરુ કરવામાં આવી હતી.આ કામગીરીમાં 61 હજાર શિક્ષકો રોકાયા હતા. જેમાં સૌ પ્રથમ ધોરણ-12 સાયન્સની ઉત્તરવહી મૂલ્યાંકનની કામગીરી પૂર્ણ કરવામાં આવી હતી. એ પછી અને ધોરણ-10ની અને હવે સામાન્ય પ્રવાહની લગભગ 10 ટકા જેટલી કામગીરી બાકી છે. આ કામગીરી પણ ચાલુ અઠવાડિયા દરમિયાન પૂર્ણ થઈ જશે તેમ માનવામાં આવી રહ્યું છે.
ધો.12 સાયન્સનું પરીણામ જાહેર થયા પછી પણ નીટ-જેઇઇ બાકી હોવાથી અડધી કોલેજોમાં પ્રવેશ પ્રક્રિયા તો બાકી જ રહેશે
ધો.12 સાયન્સ પછી ઇજનેરીની આઇઆઇટી, એનઆઇટી, ત્રીપલ આઇટી જેવી કોલેજોમાં પ્રવેશ માટે લેવાતી જેઇઇ મેઇન્સ અને જેઇઇ એડવાન્સ્ડ પરીક્ષા છેક ઓગસ્ટ મહિના સુધી લેવાશે અને તે પછી જ પ્રવેશ કાર્યવાહી હાથ ધરાશે. એવી જ રીતે ધો.12 બાયોલોજી ધરાવતા વિદ્યાર્થીઓ માટે નીટ પરીક્ષા છેક 17 જુલાઇએ લેવાશે અને એ પછી ઓગસ્ટમાં તેનું પરીણામ જાહેર થશે ત્યાર પછી જ મેડીકલ, ડેન્ટલ, આયુર્વેદિક, હોમિયોપેથીકમાં પ્રવેશ કાર્યવાહી હાથ ધરાશે.
આ અભ્યાસક્રમોમાં પ્રવેશ કાર્યવાહી શરૂ થઇ જશે
ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટી સંલગ્ન એન્જિનિયરિંગ કોલેજોમાં એડમિશન કમિટી ફોર પ્રોફેશનલ કોર્સીસ દ્વારા પ્રવેશ કાર્યવાહી શરૂ કરી દેવામાં આવે તેવી શક્યતા છે. કેમકે એસીપીસી દ્વારા મેરીટ બનાવવા માટે ધો.12 સાયન્સ અને ગુજકેટનો સ્કોર જરૂરી છે, આ બન્ને રિઝલ્ટ આવી ચૂક્યા હોઇ, એસીપીસી દ્વારા ઇજનેરી, ફાર્મસીની પ્રવેશ પ્રક્રિયા અંતર્ગત રજિસ્ટ્રેશન શરૂ કરી દેવાશે.
એવી જ રીતે ધો.12 બાયોલોજી ધરાવતા વિદ્યાર્થીઓ માટે નોન નીટ, નીટના સ્કોર વગર જ્યાં પ્રવેશ મળી શકે છે તેવા ફિઝિયોથેરાપી, ઓપ્ટોમેટ્રી, નર્સિંગ વગેરે કોર્સ ઉપરાંત સ્થાનિક યુનિવર્સિટીઓના બી.એસસી. અભ્યાસક્રમોમાં પ્રવેશ કાર્યવાહી ધો.12ના પરીણામની સાથે જ શરૂ થઇ જશે.
ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ ટેલિગ્રામે એક નવું ફીચર શરૂ કર્યું છે. નવા ફીચરથી હવે યુઝર્સ મેસેજિંગ એપથી જ ક્રિપ્ટો પેમેન્ટ પણ કરી શકશે.
આ નવી સર્વિસિસ સાથે યુઝર્સ અન્ય ટેલિગ્રામ યુઝર્સોને ટેલિગ્રામની જ ક્રિપ્ટોકરન્સી ટોનકોઇન-TONCOIN મોકલી શકે છે. આ માટે કોઈ ટ્રાન્ઝેક્શન ફી પણ નહિ ચૂકવવી પડે. આ ક્રિપ્ટો પેમેન્ટ સર્વિસિસ માટે કંપનીએ ઓપન નેટવર્ક (TON) બ્લોકચેન વિકસાવ્યું છે. આ ફીચર અંગે કંપનીએ કહ્યું કે આ સર્વિસ સાથે યુઝર્સને લાંબા વોલેટ એડ્રેસ આપવાની જરૂર નહીં પડે અને તેના કન્ફરમેશનની પણ રાહ જોવી પડશે નહીં.
લગભગ 55 કરોડ લોકો ટેલિગ્રામનો ઉપયોગ કરે છે.
કંપનીએ અગાઉ ક્રિપ્ટો ટોકન અને પેમેન્ટ સિસ્ટમ લાવવાની યોજના બનાવી હતી પરંતુ ઓસ્ટ્રેલિયા સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ કમિશન (SEC) તરફથી કાનૂની પડકાર મળ્યા બાદ આ યોજના કોરણે મૂકવામાં આવી હતી.
ટેલિગ્રામ વર્ષ 2019મા SECના રડાર હેઠળ આવ્યું જ્યારે ટેલિગ્રામે પોતાનું ટોકન ડેવલપ કરવા માટે 1.7 અબજ ડોલરનું ભંડોળ એકત્ર કર્યું હતુ. SECએ તેને ગેરકાયદેસર ટોકન ઓફર ગણાવ્યું હતું. આ પછી ટેલિગ્રામે SECને દંડ આપીને રોકાણકારોને મૂડી પરત કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો.
3 મે 2022ને મંગળવારે અક્ષય તૃતીયા ઉર્ફે અખાત્રીજનો દિવસ છે. વૈશાખ સુદ ત્રીજના આ દિવસને અક્ષય કેમ કહેવાય છે એનો મહિમા સમજવા માટે નીચેનું વાંચન જરૂરી છે.
અંગ્રેજી સમયગણના સૂર્ય પર આધારિત છે. તેમાં તારીખનું મહત્ત્વ છે. દિવસના ૨૪ કલાક પૂરા થાય એટલે તારીખ બદલાઈ જાય, પરંતુ ભારતની સમયગણના ચંદ્ર પર અધારિત છે. ચંદ્ર જ્યારે પૃથ્વીની એક પ્રદક્ષિણા પૂરી કરે તેને તિથિ કહેવાય. આપણે ત્યાં એટલે જ તિથિ બદલાય ત્યારે દિવસ બદલાય છે. હવે રસપ્રદ વાત એ છે કે ચંદ્રની ગતિમાં થોડીક વધઘટ ચાલ્યા કરતી હોય છે. એટલે તિથિના સમયમાં પણ વધધટ આવે એ સ્વાભાવિક છે. ક્યારેક તિથિ એક દિવસના સૂર્યોદય પહેલાં શરૂ થાય અને ૨૪ કલાક વળોટી બીજા દિવસના સૂર્યોદય પછી પણ પૂરી થતી હોય છે. એટલે જ ઘણી વાર તમે નોંધ્યું હશે કે મહિનામાં બે અગિયારસ કે બે બારસ આવતી હોય છે. આને તિથિની વૃદ્ધિ કહેવાય. હવે આનાથી ઊલટું પણ થતું હોય છે. સૂર્યોદય પછી કોઈ તિથિ બદલાય અને બીજા સૂર્યોદય પહેલાં એ સમાપ્ત પણ થઈ જાય. આને તિથિનો ક્ષય કહેવાય. દા.ત. ચોથને દિવસે સૂર્યોદય પછી પાંચમ તિથિની શરૂઆત થાય, પણ બીજે દિવસે સૂર્યોદય પહેલાં જ પાંચમ તિથિ બદલાય અને છઠ શરૂ થાય. તો આગલે દિવસે ચોથ અને બીજે દિવસે છઠ આવી જતાં પાંચમનો ક્ષય થયો કહેવાય. બીજી રીતે જોઈએ તો જે તિથિનું આયુષ્ય ૨૪ કલાક કરતાં ઓછું હોય તે લાગલગાટ બે સૂર્યોદય થાય એની વચ્ચે જ સમાપ્ત થઈ જાય છે. આવી તિથિને એકપણ સૂર્યોદયનો લાભ ન મળતાં તેને ગણતરીમાં લેવામાં આવતી નથી. બોલચાલની ભાષામાં આપણે એમ કહીએ છીએ કે આ વખતે પાંચમ નથી. ચોથ પછી સીધી છઠ આવે છે. અંગેજીભાષીઓ સૂર્ય પર આધાર રાખે છે એટલે એ સરળ બની જાય છે. જ્યારે આપણે સૂર્ય અને ચંદ્ર બન્ને પર આધાર રાખીએ છીએ ત્યારે ગણતરી થોડી અટપટી થઈ જાય છે. જોકે આપણી ગણતરી અટપટી હોવા છતાં વધુ સચોટ છે, તેથી જ તો આપણા બધા તહેવારો અને ઉત્સવો તિથિ પર આધારિત હોય છે. આજે પણ આપણે લગ્ન કે અન્ય ધાર્મિક કાર્યો તિથિ જોઈને જ કરીએ છીએ.
તિથિ વિશે આટલું જાણ્યા પછી હવે આપણે અક્ષય તૃતીયાની વાત કરીએ. તમને જાણીને આશ્ર્ચર્ય થશે, પણ આજ સુધી એકમથી માંડીને પૂનમ કે અમાસ સુધીની અનેક તિથિઓનો અનેક વાર આગળ બતાવ્યા મુજબ ક્ષય થયો હશે, પરંતુ વૈશાખ સુદ ત્રીજનો આજ સુધી ક્યારેય ક્ષય નથી થયો. એટલે જ તેને અક્ષય તૃતીયા કહેવાય છે. આ તિથિને હંમેશાં સૂર્યોદયનો લાભ મળ્યો છે. એમ કહોને કે સૂર્યનારાયણની તેના પર સતત અમી દૃષ્ટિ રહી છે.
આપણે ત્યાં વેપારીઓ કેમિકલથી પકવેલી કેરીઓ અખાત્રીજ પહેલાં જ વેચવા માટે બજારમાં લાવે છે, પણ ખરેખર તો અખાત્રીજના સૂર્યનો તાપ આંબા પર પડે અને પછી કેરીઓ થોડી પીળી થવા લાગે ત્યારે જ તોડીને ઉપયોગમાં લેવી જોઈએ.
સૂર્યનારાયણના પૂરેપૂરા આશીર્વાદ આ તિથિને મળતા રહેવાથી આ સમયને ઘણો શુભ માનવામાં આવ્યો છે. આ દિવસે વગર મુહૂર્ત જોયે કોઈ પણ સારાં કાર્યો થઈ શકે છે. ભારતમાં લગ્ન-જનોઈ જેવા શુભ પ્રસંગ વધુમાં વધુ આ દિવસે થાય છે. સૂર્યનારાયણ જેવી પીળી કેરી હોય કે પીળું સોનું, આ દિવસે ખરીદવાથી લાભપ્રદ બની રહે છે તેવી પણ એક માન્યતા છે. આ દિવસે ઘણી વિભૂતિઓના જન્મ થયા છે. ઘણાં શુભ કાર્યો પણ થયાં છે એવું શાસ્ત્રોમાં વર્ણન આવે છે. આ દિવસે આપેલા દાનનો પણ ક્યારેય ક્ષય નથી થતો. આ દિવસોમાં ગરમીનું પ્રમાણ ખૂબ હોય છે એટલે ગામડાંઓમાં ઘણા લોકો પાણીની પરબ બેસાડે છે કે પાણીના ઘડાનું દાન પણ કરે છે. કોઈની તરસ બુઝાવવી એ શ્રેષ્ઠ દાન છે. આ એક જ દાન એવું છે જે ગરીબમાં ગરીબ માણસ પણ કરી શકે છે.
આજે પાણી પણ બોટલોમાં ભરી તેના પૈસા લેવાનો ઉદ્યોગ વધી રહ્યો છે ત્યારે સલામ એ પૂર્વજોને જે લોકો ભૂતકાળમાં લોકોને મફ્ત પાણી મળી રહે તે માટે ઠેર ઠેર પરબો બંધાવતા.
અખાત્રીજનો શુભ દિવસ છે ત્યારે આપણે પણ સંકલ્પ લઈ શકીએ કે-
એક 90 વર્ષ પરંપરા કે જે અપ્રતિમ છે નિષ્પક્ષ નિષ્પક્ષ દરરોજ, વહેલી તકે, એક ગતિશીલ સંપાદકીય ટીમ અને ડિસ્ટ્રીબ્યુટર અને બિઝનેસ એસોસિએટ્સનું એક શક્તિશાળી નેટવર્ક, દરરોજ નવ દાયકા જૂની પરંપરા આપે છે. એવી પરંપરા કે જે વિચારો, માહિતી અને સીધા પત્રકારત્વના એક વિશિષ્ટ સંશ્લેષણ છે. દરેક વાર્તામાં અપ્રતિમ અધિકૃતતા અને તટસ્થતાનો સમાવેશ થાય છે, વાચકોને સૌથી વધુ જાણકાર અને વિશ્લેષણાત્મક સમાચાર કવરેજ સાથે સમર્થન આપવું.